Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ખેલ ખતરનાક (પ્રકરણ-૩)

ખેલ ખતરનાક (પ્રકરણ-૩)

Published : 16 August, 2023 08:00 AM | IST | Mumbai
Bharat Ghelani, Parth Nanavati | feedbackgmd@mid-day.com

‘અરે, એ પૅકેજ છે સર્વરના સિક્યૉરિટી અપડેટનું. મેઇન સર્વરરૂમમાં જે કમ્પ્યુટર છે એમાં આ યુએસબી-પેનડ્રાઇવ ઇન્સર્ટ કરીશ એટલે એ અપલોડ થઈ જશે. તને યાદ છેને? બીજું કમ્પ્યુટર, અરે, જે સર્વરની ડાબી બાજુએ છે એ?!’

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


એક ધરખમ બૅન્કમાંથી એકસામટી ૩૦૦ કરોડ રૂપિયાની જંગી લૂંટ માટે એક ખંધા અપરાધી સાથે કુખ્યાત હૅકરે યોજેલી હેરતભરી ડેન્જરસ ડિજિટલ ગેમના આટાપાટા


ઝાડીમાંથી પાછા આવી કૉટેજના બેડ પર પડેલા નીરવને પછી ઊંઘ આવી નહીં. આજે બપોરે અન્નાએ બતાવેલા વિડિયોનાં દૃશ્યો નજર સામે તરવરી રહ્યાં હતાં.



‘આનંદબાબુ, તમારા યાર નીરવની જ એક બૅન્ક ઇનફ છે. ૩૦૦થી ૪૦૦ કરોડ...’


એક સાંજે અન્નાએ તેની સામે બેઠેલા આનંદને કહેલું.

‘અન્ના, એ ખરું, પણ યાર... આ ઇલીગલ-ગેરકાયદે કામ કરવાની મારી તો હિંમત નથી ચાલતી.’ આનંદના અવાજમાં કંપારી સહિત આછો ઇનકાર પણ હતો.


‘આનંદબાબુ, વિચારો તો ખરા કે કોઈ પણ ગોળી ફાયર કર્યા વિના, કોઈ પણને નુકસાન પહોંચાડ્યા વિના - કોઈને પણ ખબર ન પડે એમ અતિ માલદાર-અતિ સધ્ધર એવી કોઈ વિખ્યાત બૅન્કના અબજો રૂપિયાના નફાનો માત્ર નાનકડો હિસ્સો અને એ પણ સારા કામ માટે આપણે સરકાવી લઈએ એમાં ખોટું શું છે?’ આટલું કહીને અન્નાએ ઉમેર્યું પણ હતું,

‘એ રકમમાંથી આપણે આખરે તો ગરીબોનો ઉદ્ધાર જ કરવાના છીએ!’ અન્નાની પોતાની આ પાપ-પુણ્યની વ્યાખ્યા અજીબ હતી. એ જ ઝેર અન્ના સિફતથી આનંદને પીવડાવી રહ્યો હતો.

‘તોયે અન્ના, મારો જિગરી દોસ્ત નીરવ પણ આમાં ફસાઈ જશે.’

‘અરે આનંદબાબુ, આ બધામાં તમારો બૅન્કવાળો યાર નીરવ કે તમે કે પછી હું કેવી રીતે ફસાઈએ? આ માલવેર કે વાઇરસ જે કહો એ એનું કોઈ પગેરું છોડવાનું નથી. નીરવે માત્ર તેની બૅન્કના સિસ્ટમ સર્વર સાથે જોડાયેલા મુખ્ય કમ્પ્યુટરમાં એક કોડવાળી ઈ-મેઇલ ખોલવાની છે. ધૅટ્સ ઑલ. બાકીનું કામ તો વાઇરસ જાતે કરશે!’

અન્નાએ બતાવેલો વિડિયો તો ત્યાં પૂરો થઈ ગયેલો. નીરવ સમજી ગયો કે આનંદે બહુ આનાકાની કરી હશે એટલે આ લોકોએ આનંદને ગુમ કરીને તેના મૅનેજર ઓઝા પાસે આનંદના અકસ્માતનો ખોટો ફોન-કૉલ કરીને નીરવને પણ અહીં બોલાવીને બંદી બનાવી લીધો હતો.

વિડિયોમાં સાંભળેલી વાતચીતના પડઘામાં નીરવ મળસ્કે ઊંઘી ગયો હતો, પણ સવારે આઠેક વાગ્યે તેના મોઢા પર વાગેલી ઠંડા પાણીની છાલકથી તે ઝબકીને જાગી ગયો,

‘ચાલો, નીરવબાબુ. આજ તો બહુત બડા દિન હૈ.’ અન્ના ખંધું સ્માઇલ કરતો સામે ઊભો હતો.

‘ઓહ, નો...’ નીરવે બેઠા થતાં કહ્યું.

‘ઓહ, યસ કહો બાબા... ચાલો, જલદી-જલદી ફ્રેશ થઈને આવો, મારી ઑફિસમાં!’ અન્નાના સ્વરમાં કરડાકી સ્પષ્ટ વર્તાતી હતી. આ કરડાકી પાછળ અન્ના સાથે હતો ઇઝરાયલી જાસૂસી નેટવર્ક ‘મોસાદ’નો ભાગેડુ પણ માસ્ટર હૅકર યાકોવ કુલ્સમન... તે અને આ અન્ના અનાયાસ જ એકમેકના પરિચયમાં આવ્યા હતા.

હૈદરાબાદની અન્નાની એક સેવા સંસ્થાની બહાર યાકોવની ભાડૂતી કાર બગડી ગઈ હતી. રાત વીતી ચૂકેલી એટલે તેણે અન્નાને ત્યાં એક રાતનો આશરો લેવો પડ્યો. ત્યારે ઊંચી જાતનાં અફીણ અને શરાબનો દોર ચાલ્યો એમાં યાકોવે પોતાના માલવેર અને એનાથી થઈ શકતા અવનવા ક્રાઇમ-કાંડ વિશે નશામાં બકવાસ કર્યો. યાકોવની વાત સાંભળીને ખંધા અપરાધી દિમાગ ધરાવતા અન્નાના મનમાં એ જ વખતે એક યોજના આકાર લેવા માંડી હતી. આવો ખતરનાક માલવેર-વાઇરસ વેચીને તગડી રકમ ક્રિપ્ટો કરન્સીમાં એકઠી કરી યાકોવ તેની ઑસ્ટ્રેલિયન પ્રેમિકા ઇવા સાથે કોઈક અજાણ્યા દેશના કોઈ અજાણ્યા સ્થળે ‘ગુમ’ થઈ જવા ઇચ્છતો હતો. અન્ના સાથે તેણે ૧૦૦ કરોડ રૂપિયામાં માલવેરનો સોદો કરેલો, પણ અન્ના પોતાના રોકાણથી ૧૦ ગણા વધારે કમાવા માગતો હતો. નીરવની જ તગડી બૅન્કની સિસ્ટમને હૅક કરી બૅન્કને બ્લૅકમેઇલ કરી એને લૂંટવાનો માસ્ટર પ્લાન અન્નાના મગજમાં ઘડાઈ ચૂક્યો હતો. અન્ના બરોબર જાણતો હતો કે જો આ ખેલ સફળ થયો તો અધધધ પૈસા ઉપરાંત તેના માલવેરને ખરીદવા ઇચ્છતા અન્ડરવર્લ્ડના બૉસ લોકોની લાઇન લાગશે.

lll

નીરવ ફ્રેશ થઈને ‘ધડકન’ની ઑફિસ પર પહોંચ્યો ત્યારે અન્નાએ આખો સેટઅપ ગોઠવી રાખેલો. ચાર-પાંચ લૅપટૉપ અને મૉનિટરને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી રાખેલાં.

‘જ્યાં મોબાઇલના સિગ્નલ પણ માંડ-માંડ પહોંચે છે ત્યાં આ માણસ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કેવી રીતે લાવ્યો?’ નીરવને પ્રશ્ન થયો ખરો, પણ પછી તેણે વિચાર્યું કે ‘અન્ના જેટલો ભારાડી હતો એટલો જુગાડી પણ હતો. કદાચ ઇન્ટરનેટ માટે ફાઇબરનો કેબલ અહીંથી બે-ત્રણ કિલોમીટર દૂર કોઈ ટાવર સાથે લગાડીને ત્યાંથી લાઇન ખેંચી હશે.’ નીરવે જાતે જ પોતાના પ્રશ્નનો ઉત્તર શોધી લીધો.

‘વેલકમ, નીરવ સર... ગમ્યો અમારો સેટઅપ? છેને એકદમ સ્ટેટ ઑફ આર્ટ. લેટેસ્ટ ટેક્નૉલૉજી?’ અન્ના પોરસાઈને બોલી ઊઠ્યો એ પછી સામે ગોઠવેલા એક મૉનિટર તરફ તે ફર્યો, ‘રાઇટ, યાકોવ?!’

એ મૉનિટર પર ઇઝરાયલી હૅકર યાકોવનો ચહેરો દેખાતો હતો, ‘યેસ, સ્ટેટ ઑફ આર્ટ... નો વરીઝ.’ જાણે અન્નાની આ બધી ગોઠવણથી પેલો યાકોવ ખુશ હતો.

‘ઓકે, તો ચાલો, પહેલાં આપણા ગેમ-પ્લાનની ચર્ચા કરી લઈએ.’ અન્નાએ ઇશારો કરીને નીરવને તેની સામે પડેલી ચૅર પર બેસવાનું કહ્યું, પછી કહ્યું, ‘૧૦ વાગ્યાની આસપાસ બૅન્ક-સ્ટાફ સાથે તમારી ટીમ-મેમ્બર અદિતિ પણ આવશે. એ વખતે અમારો એક માણસ અદિતિને બૅન્કની બહાર રોકીને એક ‘યુએસબી’ યાની કિ એક પેનડ્રાઇવ આપશે અને કહેશે, ‘નીરવ સરે મોકલી છે. તે જ્યાં છે ત્યાં ડેટા કનેક્શન નથી એટલે આ પેનડ્રાઇવ મોકલી છે અને એ વિશે નીરવ સર તમને ફોન કરશે.’

અન્નાએ આટલું કહીને પછી ઉમેર્યું, ‘એ પછી, તમે અદિતિને ફોન કરીને કહેશો કે એ પેનડ્રાઇવ આપણી બૅન્ક-સિસ્ટમના મુખ્ય સર્વર માટેનો સિક્યૉરિટી અપગ્રેડનો પૅચ છે, જે તમે ઉતાવળમાં અપગ્રેડ કરવાનું ભૂલી ગયેલા એટલે એ પેનડ્રાઇવ સિસ્ટમમાં અપલોડ કરે એવી સૂચના તમે અદિતિને આપશો.’

‘અન્ના, સિસ્ટમ અપગ્રેડ કરવા માટે ઍડ્મિન લૉગ-ઇન જોઈએ, જે માત્ર મારી પાસે છે. એના વિના અદિતિ કાંઈ નહીં કરી શકે. અને હા, એને માટે કોઈ પાસવર્ડ નથી. એ પેલું ફિલ્મોમાં હોય છેને એવો રેટિના સ્કૅન છે. મારી આંખની કીકી જ એ મેઇન સિસ્ટમનો પાસવર્ડ છે!’

આવું કહેતી વખતે નીરવ મનોમન હરખાયો તો ખરો, પણ એ હર્ષમાં અન્નાએ પંક્ચર પાડ્યું,

‘યાર, પતા હૈ યે સબ... એના નિવારણ માટે તો આપણી પાસે આ યાકોવ છેને! તેણે એ

બધું સાંભળી લીધું છે. સિસ્ટમમાં લૉગ-ઑન થવા માટે અદિતિનો કામચલાઉ પ્રોફાઇલ સેટઅપ થઈ ગયો છે, જેને તમારે અહીંથી ઓકે કરવાનો છે!’ અન્ના ખંધું હસ્યો. સામેના મૉનિટરમાંથી યાકોવે પણ ‘થમ્સઅપ’ની મુદ્રા કરી.

‘સો મિસ્ટર નીરવ, હવે આપણો બાકીનો પ્લાન જાણી લો. એક વાર અદિતિ પેનડ્રાઇવ સર્વરના

કમ્પ્યુટરમાં નાખશે પછી આપણા આ જિનીયસ યાકોવનું પેલું જાદુઈ માલવેર એની કમાલ

દેખાડવાનું શરૂ કરી દેશે. સાડાદસ વાગ્યા સુધીમાં એ બ્રાન્ચની તમામ સિસ્ટમ ડાઉન થઈ જશે. મોટી-મોટી કંપનીનાં અકાઉન્ટ ખાલી-સફાચટ થયેલાં દેખાશે. ચેક બાઉન્સ થવાનું શરૂ થશે. એટીએમ કામ કરતાં અટકી જશે. ભળતા જ અકાઉન્ટમાં જમા-ઉધારનાં ટ્રાન્ઝૅક્શન્સ થવા માંડશે. બૅન્કની ફોન સિસ્ટમ પણ ક્રૅશ થઈ જશે!’

આટલું સાંભળીને નીરવ ધ્રૂજી ગયો. તેની આંખમાં આંખ પરોવીને હોઠો પર ખંધું સ્મિત રમાડીને અન્ના બોલતો રહ્યો, ‘કલાક પછી તમારી બૅન્કના ચીફ એક્ઝિક્યુટિવ અને સાઇબર આઇટીના વડાને એક ઈ-મેઇલ મળશે, જેમાં મેસેજ હશે, ‘અત્યારે તમારી બૅન્ક હેડ ઑફિસની જે હાલત થઈ છે એવા જ હાલહવાલ દેશભરની તમારી બીજી ૪૦ બ્રાન્ચની પણ થશે. જો તાત્કાલિક ૩૦૦ કરોડ રૂપિયા અમને નહીં પહોંચાડવામાં આવે તો! યાદ રહે કે અમને આ રકમ ક્રિપ્ટો કરન્સીમાં જ મળવી જોઈએ!’

આટલું કહીને અન્નાએ ઉમેર્યું, ‘બાય ધ વે, નીરવબાબુ, તમારી બૅન્કની તો ઠીક, દુનિયાની અવ્વલ સાઇબર ક્રાઇમ ટીમ પણ એ ક્યારેય ટ્રેસ નહીં કરી શકે, શોધી નહીં શકે કે આ ઈ-મેઇલ ક્યાંથી આવી. આ બધી અમારા આ યાકોવની કમાલ છે!’

અવાક્ થઈને નીરવ આ બધું સાંભળી રહ્યો હતો. પોતાની સામે હરખાતા અન્ન્નાને સામે તાકી રહ્યા પછી એકાદ મિનિટના મૌન પછી નીરવે પૂછ્યું, ‘માની લો કે અમારી બૅન્ક તમારી ધમકી-ચીમકી માની લે એ પછી ખંડણીની આવી તગડી રકમ તમને પહોંચાડશે કઈ રીતે?!’

‘વેલ, ઇટ્સ વેરી સિમ્પલ. બૅન્કને બીજી ઈ-મેઇલમાં આ ૩૦૦ કરોડના ક્રિપ્ટો ક્યાં અને કેવી રીતે ટ્રાન્સફર કરવા એની સૂચના હશે. અફકોર્સ, આપણા મિત્ર યાકોવે આને માટે બધો જરૂરી સેટઅપ ગોઠવી રાખ્યો છે. એક વાર રકમ ટ્રાન્સફર થાય એ પછી બૅન્કને ત્રીજી ઈ-મેઇલ મળશે, જેમાં આપણા માલવેર-વાઇરસને ખતમ કરવા માટેનો કોડ મોકલવામાં આવશે, જે કોડ ઍક્ટિવ થતાં બૅન્કની બધી સિસ્ટમ યથાવત્ થઈ જશે... ગેમ ઓવર!’

‘અચ્છા, તો તમારી આ લૂંટની રકમની હેરફેર તમારો પેલો ઇઝરાયલી હૅકર કરશે. અન્ના, હવે એ જ હૅકર તમારી બધી રકમ લઈને અલોપ થઈ જશે તો?’

નીરવનો પ્રશ્ન સાંભળીને અન્ના હસ્યો, ‘દોસ્ત, મેં પણ ગામેગામનાં પાણી પીધાં છે. મુંબઈના જે ફ્લૅટમાંથી અત્યારે યાકોવ આપણું આ ઑપરેશન સંભાળી રહ્યો છે ત્યાં મારા બે માણસ ગન સાથે તેની સામે તહેનાત છે. જ્યાં સુધી ક્રિપ્ટો કરન્સી ફરતી-ફરતી મારા અંગત વિદેશી અકાઉન્ટમાં જમા નહીં થાય કે હું ખાતરી ન કરી લઉં ત્યાં સુધી યાકોવ અમારી ગનની પૉઇન્ટ બ્લૅન્ક રેન્જમાં રહેશે!’

અન્નાએ તેના જે ખતરનાક માસ્ટર પ્લાનનો ચિતાર આપ્યો એનાથી નીરવ ધ્રૂજી ઊઠ્યો હતો.

હવે નીરવ પાસે વિચારવાનો અને એ વિચારને ઍક્શનમાં મૂકવાનો સમય બહુ ઓછો હતો. અદિતિએ જો પેલી પેનડ્રાઇવ સર્વરના મેઇન કમ્પ્યુટરમાં નાખી તો ખેલ ખતમ. કોઈ પણ રીતે અદિતિને આ જોખમી કામ કરતી રોકવા માટે મેસેજ મોકલવો જરૂરી હતો. નીરવ ગડમથલમાં હતો ત્યાં અન્નાના માણસે અદિતિને બૅન્કના કારપાર્કમાં રોકીને પેલી પેનડ્રાઇવ આપી દીધી છે એવો મુંબઈથી ફોન પણ ગયો. હવે નીરવનો વારો હતો અદિતિને કૉલ કરવાનો.

અદિતિના ફોન પર રિંગ જતી હતી. થોડી વાર પછી તેણે કૉલ રિસીવ કર્યો,

‘હાય, અદિતિ.’ નીરવે કહ્યું. અન્નાએ ફોન-સ્પીકર ઑન કર્યું. સામેથી અદિતિનો સ્વર સંભળાયો,

‘ઓહ, હાય સર, સૉરી, હું લિફ્ટમાં હતી. હું તમને ફોન કરવાની જ હતી. મને તમારા તરફથી એક પેનડ્રાઇવ મળી છે.’ ક્ષણેક થોભીને અદિતિ બોલી, ‘ટુ બી ઑનેસ્ટ, મને બહુ વિચિત્ર ફીલ થયું કે સરે આ રીતે પેનડ્રાઇવ મને કેમ મોકલી?’ અદિતિ એકશ્વાસે બોલી ગઈ.

‘આઇ નો, મને હતું જ કે તને થોડું વિચિત્ર લાગશે, પણ અહીં સિગ્નલ્સ માંડ-માંડ મળે છે એટલે આવડી મોટી ફાઇલ ઈ-મેઇલ કરવી શક્ય નહોતી. વળી લકીલી આનંદના ફ્રેન્ડ અન્નાભાઈનો સાથી મુંબઈ જતો હતો એટલે તેની સાથે પેનડ્રાઇવમાં ફાઇલ નાખીને તને મોકલાવી.’ નીરવે શાંત સ્વરે કહ્યું. ‘ઓકે સર, પણ આ ફાઇલ શાની છે?’

‘અરે, એ પૅકેજ છે સર્વરના સિક્યૉરિટી અપડેટનું. મેઇન સર્વરરૂમમાં જે કમ્પ્યુટર છે એમાં આ યુએસબી-પેનડ્રાઇવ ઇનશર્ટ કરીશ એટલે એ અપલોડ થઈ જશે. તને યાદ છેને? બીજું કમ્પ્યુટર, અરે, જે સર્વરની ડાબી બાજુએ છેએ?!’

સહેજ થંભીને નીરવે ઉમેર્યું, ‘ડોન્ટ વરી, મેં તારો ટેમ્પરરી પ્રોફાઇલ બનાવી દીધો છે. તું લૉગ-ઑન થઈ શકીશ. જસ્ટ ટ્રાય.’

 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2023 08:00 AM IST | Mumbai | Bharat Ghelani, Parth Nanavati

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK