Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જંગ (પ્રકરણ - ૧)

જંગ (પ્રકરણ - ૧)

Published : 02 January, 2023 11:44 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અને સમય ખરેખર પાંખ આવી હોય એમ ઊડતો ગયો... હવે તો છવ્વીસનો થયેલો અંશુમાન ફિલ્મની કારકિર્દીમાં જામી ચૂક્યો છે અને તેને ગમતી કન્યા સાથે લગ્ન પણ ઢૂંકડાં છે!

જંગ (પ્રકરણ - ૧)

વાર્તા-સપ્તાહ

જંગ (પ્રકરણ - ૧)


લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય બની ગયું.
અમારા ઘરમાં સવાર આમ જ ઊગે... વરસોથી! 
‘પ્રભુસ્મરણથી પ્રભાત થાય એથી રૂડું શું!’


આશ્રયના શબ્દો પડઘાતાં રેવાના મુખ પર લાલિમા છવાઈ. પ્રિયતમનું સ્મરણ કઈ સ્ત્રીને નિખારતું નથી! એમાં આ તો આશ્રયસરખો પ્રીતમ. રૂપમાં રૂડો, ગુણથી છલોછલ. આદર્શને વરેલો જુવાન, પાછો શિક્ષક એટલે પણ એની નીતિરીતિમાં દંભ કેમ હોય!
‘રેવા, અંતરની એકમાત્ર 
ઝંખના કહું?’



પરસાળના હીંચકે ઝૂલતી રેવા વાગોળી રહી.
આમ તો અમારું રહેવાનું સામસામે ગામમાં, પણ અમારી શાળા એક. દક્ષિણ ગુજરાતના વલસાડથી અંતરિયાળ આવેલા અમારા વેસુ ગામમાં ધોરણ ચાર સુધીનું જ શિક્ષણ ઉપલબ્ધ, આગળ ભણવું હોય તો નદી ઓળંગી સામા કાંઠેના આશ્રયના ધનુર ગામે જવું પડે. ભાગ્યે જ કોઈ છોકરી આવી હાડમારી પસંદ કરતી, પણ મને તો ભણવાની હોંશ હતી, ખેડૂત મા-પિતાનું પ્રોત્સાહન પણ ખરું. 


‘ખરો તારો ઉત્સાહ!’ આશ્રય કહેતો. અમારો વર્ગ એક અને એક જ બેન્ચ પર બેસવાનું. હંમેશાં પહેલા નંબરે પાસ થનોરો આશ્રય મને બિરદાવે, બપોરનું ખાણું અમે સાથે જ ખાઈએ. દસ-બાર વર્ષની એ ઉંમરથી અમારી વચ્ચે આત્મીયતા ગંઠાઈ ગયેલી. ઉનાળુ વેકેશન કે દિવાળીની છુટ્ટીઓમાં અમે એકમેકના ઘરે જવાની જીદ કરીએ એ બહાને માવતરનોય મેળ થતો. 
પિતાજી અમારી વાડીનાં ફળ લઈ જતા તો ત્યાંથી આશ્રયના બાપુજી કરંડિયો ભરી આપતા.
‘દીદી, આમાં બોર નથી, મારે તો બોર ખાવાં છે!’ અંશુમાન-અંશ કહેતો.

રેવાથી સાતેક વર્ષ નાનો અંશુ ત્યારે તો માંડ ત્રણ-ચાર વરસનો હશે. રેવાને તો એવો લાડલો કે હંમેશાં ભાઈને કેડે વળગાડી ફરતી હોય. અંશુ પણ તેની દીદીનો એવો જ હેવાયો. સ્કૂલે છનાંમાનાં નીકળવું પડે, કદી અંશુ જોઈ જાય તો ભેંકડો તાણવા લાગે - મને મૂકીને ક્યાં ચાલી? પછી તો રજા જ સમજવી - ભાઈને રડતો મેલી હું ક્યાંય ન જાઉં!
આશ્રયના પિતાએ ધરેલા કરંડિયામાં બોર ન હોય તો એમની પરવાનગી લઈ રેવા બોરડી પરથી બોર જાતે તોડી લાવે. અંશુ કેવો ખુશ થઈ જાય! આશ્રય જોડે તેને ભળી ગયેલું. બે ઘર વચ્ચેનો ઘરોબો રેવા-આશ્રયને વધુ નિકટ આણતો ગયો.


સોળની ઉંમરે અંગે યૌવન બેઠું, હાઈ સ્કૂલમાં ભણતાં થયેલાં બન્ને જાણે સમજતાં કે નિર્દોષ મૈત્રીનો સંબંધ નવા નામકરણને આરે ઊભો છે... એની પહેલ કરતાં આશ્રયે પૂછ્યું હતું -
‘રેવા, અંતરની એકમાત્ર ઝંખના કહું? હું તને ઝંખું છું, મારી પ્રેયસી તરીકે, મારી જીવનસંગિની તરીકે!’
આનો ઇનકાર કેમ હોય! રેવાના હકારે આશ્રય ઝળહળી ઊઠેલો. અલબત્ત, લગ્નમાં હજી ઘણો સમય હતો, પહેલાં તો અભ્યાસ પૂરો કરવાનો હતો, છતાં બન્નેનાં માવતર સગપણમાં રાજી જ થવાનાં એની તો ખાતરી હતી.

- પણ એ વખત જ ન આવ્યો...
રેવાએ હળવો નિ:શ્વાસ નાખ્યો.
ખેતરમાં એરુ આભડતાં રેવાના પિતા મૃત્યુ પામ્યા ને તેના આઘાતમાં માતાએ પણ પિછોડી તાણતાં ભાઈ-બહેન ઘડીમાં અનાથ બની ગયાં. ધ્રુસકાભેર રડતા અંશુને રેવાએ બાથમાં લીધો હતો - ન રો ભઈલા, હું છુંને!

અનાથપણાના આઘાતે ભાઈની રખેવાળીની જવાબદારીએ રેવાને રાતોરાત પીઢ બનાવી દીધી. અંશ એનું સારસર્વસ્વ બની ગયો. શાળાએ જવાની લક્ઝરી હવે પોષાય એમ નહોતી. બાપુની થોડીઘણી જમીન હતી, ખેતીનું જ્ઞાન તો ગળથૂથીમાં હતું. રેવા ખેતર સંભાળતી, ઘર ચલાવતી, અંશને તો હથેળીમાં જ રાખતી.
‘રેવા, અંશની જવાબદારી હવે તો મને સોંપી દે.’
શાળા છૂટ્યા પછી નિ:શકપણે આશ્રયને રોજ મળવાનું બંધ થયેલું, ક્યારેક મા ભેગો આવી આશ્રય ખબરઅંતર કાઢી જતો, પોતાના સંજોગ સમજતી રેવા વ્યસ્તતાનો દેખાડો સર્જી એકલાં મળ‍વાનું ટાળતી, પણ ત્રેવીસને ઉંમરે વલસાડની સ્કૂલમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવી આશ્રયે ઘરે આવી સીધી જ અંશની જવાબદારીનું ભારણ માગતાં રેવાની પાંપણ ભીની થઈ. તેનો હાથ હાથમાં લઈ ચૂમી લીધો, ‘હું ધન્ય થઈ આશ્રય. અંશુની જવાબદારી હું તમને જ સોંપી શકું, પણ એ હું ન હોઉં ત્યારે.’ 
‘મતલબ!’

‘જાણું છું આશ્રય, અંશુને તમે મારાથીયે અદકેરો રાખશો, પણ લોકોના મોં આપણે બંધ ના કરી શકીએ. સાસરે વહુ શોભે આશ્રય, વહુનો ભાઈ બહેનના ઘરે ન શોભે. તેમનાં મહેણાંથી અંશુને એવું ન થવું જોઈએ કે દીદીએ મારો વિચાર 
ન કર્યો! અંહ, અંશુને સેટલ કરવો, 
તેનો સંસાર માંડવો એ જ મારું કર્તવ્ય, મારું ભવિષ્ય.’ 
રેવાને તાકતી આશ્રયની કીકીમાં ગર્વ ઝણઝણેલો.
‘આ તપસ્યા છે, રેવા. તારા તરફથી આ જ અપેક્ષિત હતું.’
‘તો મારી બીજી એક વાત માનજો, આશ્રય... મને વીસરી તમે કોઈ સારું પાત્ર શોધી પરણી જજો-’
અને આશ્રય ભીનું મલકેલો,
‘હું તારી તપસ્યામાં વચ્ચે નથી આવતો રેવા, તું મારા તપમાં આડી ન આવ.’
આશ્રય તો ન જ માન્યા, 
તેમના પિતાના દેહાંત બાદ આશ્રયનાં વિદુલામાને મળી આશ્રયને સમ દઈ પરણાવવાનો આગ્રહ કરતાં મા મલકેલાં.
‘રેવા, તમારાં હૈયાં ને તપ મારાથી છૂપાં નથી..’ તેમણે હેતથી રેવાના માથે હાથ ફેરવ્યો હતો - ધરપત રાખ. અંશુ થાળે પડવામાં વાર કેટલી! તારા હાથના રોટલા ખાધા વિના ને અડધો ડઝન પોતરા-પોતરી રમાડ્યા વિના સ્વર્ગે નહીં જાઉં, હવે રાજી!’
માના શબ્દોએ અત્યારે પણ રેવાના હોઠ મલકી ગયા.

અને સમય ખરેખર પાંખ આવી હોય એમ ઊડતો ગયો... હવે તો છવ્વીસનો થયેલો અંશુમાન ફિલ્મની કારકિર્દીમાં જામી ચૂક્યો છે અને તેને ગમતી કન્યા સાથે લગ્ન પણ ઢૂંકડાં છે!
હૈયે સંતોષ છવાયો. અંશુને પોતે અનાથપણાની ભાવના સ્પર્શવા નથી દીધી. તેની ઉછેરયાત્રામાં અજાણે હું આખા ગામની રેવાદીદી બનતી ગઈ...
અને એ વિનાકરણ નહોતું. અંશુ નિશાળે જાય એ અરસામાં ખેતર-ઘરના કામકાજમાંથી પરવારી રેવા ગામની અભણ સ્ત્રીઓને શિક્ષણ આપે, વિકાસનાં કાર્યોમાં સરપંચનો પનો ટૂંકો પડે ત્યાં તે કલેક્ટર ઑફિસના ધક્કા ખાઈ નિવેડો લાવે. વેસુ-ધનુર ગામને જોડતા પુલનું કામ હોય કે ક્યારેક નદી-નાળાંના રસ્તે આવી પહોંચતા દીપડાને સપડાવવા પાંજરું મૂકવાનું હોય - રેવા બધામાં અગ્રેસર. એટલે તો ગામવાળા તેનો પડ્યો બોલ ઝીલતા. પાછલી બે ટર્મથી સર્વાનુમતે સરપંચ તરીકે રેવા જ ચૂંટાતી. આ એક દાયકામાં તેણે કરેલા ગામની કાયાપલટ દેખીતી હતી. 
આશ્રયને આનો ગર્વ હોય જ. અલબત્ત, બન્ને ભાગ્યે જ મળતાં, વાતો પણ વર્ષગાંઠ, નવા વરસ જેવા અવસરે જ થતી - નાહક આપણા સંબંધની કોઈને ગંધ શું કામ આવવા દેવી? લગ્ન નહીં કરવાનું કારણ કોઈને સમજાવી ન શકાય, ને પવિત્ર પ્રેમ કૂથલીમાં ચૂંથાતો જાય એવું થવા જ શું કામ દેવું? જોકે આશ્રયનાં વખાણ સામે રેવા એટલું જ કહેતી - મારી પ્રેરણા તમે છો, આશ્રય. 
અંશુમાને ફિલ્મોમાં જવાની જીદ પકડી ત્યારેય આશ્રયની જ સમજાવટ કામ લાગી’તીને... 

આ પણ વાંચો : જખમ (પ્રકરણ-૧)

રેવાએ વાગોળ્યું - તેરની ઉંમરે શાળાના વાર્ષિકોત્સવમાં ‘અમૃતમંથન’ના પૌરાણિક નાટકમાં શંકર ભગવાનની ભૂમિકા ભજવ્યા બાદ અંશુને અભિનયનો કીડો વળગ્યો. સુરતની કૉલેજમાં ભણતો થયા પછી અંશુ પ્રોફેશનલી રંગભૂમિ પર, ફિલ્મ-ટીવીમાં કામ ખોળતો થયો એની રેવાને અણખટ થયેલી - ભાઈની ઉડાનમાં બાધારૂપ બનવાનું તો હું વિચારું પણ નહીં, છતાં ગ્લૅમર-વર્લ્ડ બદનામ છે. આવા લપસણા ઢાળે જવું જ શીદ!
‘દીદી, તને મારામાં વિશ્વાસ નથી?’ રેવાને મનાવવા અંશુ લાડ કરતો, રિસાતો પણ ખરો. રેવા અસમર્થ બનતી.

‘અંશુ મારી નબળાઈ જાણે છે...’ રેવાએ હંમેશ મુજબ મૂંઝવણમાં આશ્રયનો આશરો લીધો, ‘મને ફોસલાવી તે હા પડાવી લેશે, તમે જ તેને વારો.’
પોતાના કાર્યક્ષેત્ર માટેની દીદીની નારાજગી - નાપસંદ અંશુને પરખાતી, પણ સંતાનને વઢી ન શકતી મા પિતાને તેનો હવાલો આપે એમ આશ્રય પાસે લઈ આવી એનું જરાતરા અચરજ પણ થયું : માન્યુ દીદી, આશ્રયભાઈ આપણા શુભચિંતક છે, પણ તેમણે જો ફિલ્મમાં જવાની ના પાડી તો...’ 
‘તો તારે એ દિશામાં જોવાનું પણ નહીં.’ દીદીના રણકારે અંશુ ઠંડો થઈ ગયેલો. ઍક્ટિંગ તેની પૅશન બની ગઈ હતી. દેખાવડો તો તે હતો જ, છાશવારે મુંબઈ-અમદાવાદનો આંટોફેરો કરી ઑડિશન્સ આપતો રહેતો. ‘તું બહુ પ્રૉમિસિંગ કૅન્ડિડેટ છે’ એવું તો લગભગ બધા કહેતા. હવે જોઈએ, આશ્રયભાઈ શુ કહે છે! 
એમને જોતાં જ આપોઆપ તેમના પગે પડી જવાયું. વિદુલાબાને પણ પાયલાગણ કરવાનું ચૂક્યો નહીં.

છેવટે મુદ્દો ઉછાળતાં આશ્રયે જુદું જ કહ્યું, ‘સમજાવાનું તો મારે તને છે રેવા, જેને લપસવું જ હોય તેને તો ભક્તિમાર્ગમાં પણ ઢાળ મળી જ રહે છે. બાકી ફિલ્મલાઇનમાંય સારા માણસો છે જ, બીજું કંઈ નહીં તો મને એટલી ખાતરી છે કે તારો ઉછેર, તારી કેળવણી વગોવાય એવું તો અંશ ક્યારેય કંઈ નહીં કરે... શિખામણના બે શબ્દો તને પણ કહીશ, અંશ -’ આશ્રય સહેજ ગંભીર બનેલો, ‘ગ્લૅમર-વર્લ્ડમાં પણ આકરી મહેનતની જરૂર હોય છે. પ્રસિદ્ધિને પચાવવી તો તેને મેળવવાથીયે વધુ અઘરી છે.’
‘સમજી ગયો આશ્રયભાઈ - મારે મારી પૅશનને, કલાને સમર્પિત રહેવાનું છે, નથિંગ મોર મૅટર્સ ટુ મી.’

અને અંશુએ પણ અમારો ભરોસો તૂટવા નથી દીધો... રેવાએ સંભાર્યું : કૉલેજના છેલ્લા વર્ષમાં તેને અર્બન ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ મળ્યો. ફિલ્મ સુપરહિટ રહી ઍન્ડ ધૅન ધેર વૉઝ નો લુકિંગ બૅક! વેસુ ગામનો છોકરો આજે ચાર વરસની કરીઅરમાં ત્રણ હિટ ફિલ્મો આપી ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર ગણાય છે. તોય તેના પગ ધરતી પર છે. બદીથી અળગો, લફરાંથી દૂર. આર્થિક વહેવારો પોતે જુએ ખરો, પણ રજેરજની વિગત રેવાને આપવાની. રેવા તેની ફિલ્મોના પ્રીમિયરમાં જાય ત્યારે સૌ દીદીની અદબથી વર્તે. 

અંશુની શૂટિંગની વ્યસ્તતાને કારણે શરૂ-શરૂમાં રેવાને દોડાદોડી રહેતી, પણ ગયા વરસે અમદાવાદમાં તેણે ટેરેસવાળો ફ્લૅટ લીધા પછી ઘરબેઠાં કેવળ સ્ટાફનું જ ધ્યાન રાખવાનું રહે છે! બધાને ખબર છે કે ક્યાંક કશું ચૂક્યા તો અંશુમાન સર કંઈ નહીં બોલે, પણ રેવાદીદી ઊધડો લઈ લેશે!
હવે અલબત્ત, રેવાને પણ આરામ હતો, ઇન્વેસ્ટમેન્ટની રૂએ ખેતરની સીમા વિસ્તારી હતી, કામકાજમાં માણસોની સવલત હતી. અંશુ કારકિર્દીમાં થાળે પડ્યા પછી રેવા તેનાં લગ્ન લેવા અધીરી હતી. એમાં આજથી મહિના અગાઉ અંશુએ જ સંકોચભેર કહ્યું : દીદી, એક કન્યા મને ગમી છે!
હેં! 

આ પણ વાંચો :  દર્દ-બેદર્દ (પ્રકરણ - ૧)

‘ના, એ ફિલ્મમાં નથી. ખરેખર તો નેહાલી શ્રીમંત પિતાની એકની એક દીકરી છે. તેના ફાધર શ્રેયાંસભાઈનું મુંબઈમાં ફાઇનૅન્સનું કામકાજ છે. મધર હાઉસવાઇફ છે. છએક મહિના અગાઉ અમે પહેલી વાર સેટ પર મળ્યાં. અમારી મુલાકાતમાં દર ત્રીજી મિનિટે તે ખુદને ચીમટી ભરતી - હું સપનું તો નથી જોતીને! ટ્રુ ફૅન, યુ નો! પછી અમે મળતાં રહ્યાં. અંધેરીના તેના ઘરે પણ હું એક-બે વાર ગયો છું.’
‘અરે વાહ.’ 
અંશુની મિનિટેમિનિટનો હિસાબ માગવાનું વલણ કે ચલણ રેવાએ રાખ્યું નહોતું. ભાઈ તેને ગમતી છોકરીને મળતો રહે એ તો સારું જ ને.
‘લાસ્ટ વીક તેણે પ્રણયનો એકરાર કરી દીધો... મેં જોકે હા-ના નથી કહી, દી.’
‘કેમ કેમ!’

‘અરે, તું જેને મળી નથી, તેં જેને જોઈ નથી તે છોકરીને હું લગ્નની હા ભણી દઉં? બલકે મેં તો કહી દીધું છે નેહાલીને કે મારી જિંદગીનો આ સૌથી અગત્યનો ફેંસલો મારી દીદી કરશે!’
‘તેં આવું કહ્યું! આમાં નેહાલીને કેવું લાગે?’
અંશુએ ખભા ઉલાળ્યા, ‘આઇ ડોન્ટ કૅર. તું મારા જીવનની પ્રથમ વ્યક્તિ છે દીદી, મને પરણનારી આ સત્ય સાથે જ ગૃહપ્રવેશ કરી શકે. નેહાલીએ ખોટું લાગ્યાનું જતાવ્યું નથી, ને લાગ્યું હોય તો એ તેના ઘરે ભલી.’

‘બસ, હં. દીદીને બહુ છાપરે ચડાવાની જરૂર નથી. તને તે છોકરી ગમતી હોય તો તેને વહુ બનાવવાની જવાબદારી મારી.’
આશ્રય દ્વારા પાત્ર-પરિવારની તપાસ કરાવી, બધું યોગ્ય લાગતાં પોતે નેહાલીને ત્યાં વિધિવત્ વાત મૂકી, છોકરી એક નજરમાં ગમી ગઈ, અને મકર સંક્રાંતે કમુરતાં ઊતરતાં તેમનાં લગ્ન લઉ પછી... 

રેવાના કાનોમાં આશ્રયના નામની શરણાઈ ગુંજવા લાગી. 
તપસ્યાનો સુખાંત નિકટ ભાળતી રેવાને આવનારા તોફાનની ક્યાં ખબર હતી? 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 11:44 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK