ઝીનતે તલાકની નોટિસ મોકલાવી છે ને તેના બાપે તારો પેલો વિડિયો પોલીસમાં જમા કરાવ્યો છે
ઇલસ્ટ્રેશન
સોનિયા!
મુંબઈની મૉડલ સાથે જોબનની મસ્તી માંડતા આદિલના ચિત્તમાં ત્રણ વર્ષ અગાઉની ઘટના ઘુમરાઈ રહી છે.
ADVERTISEMENT
રાતવાસા માટે વરંડાના રસ્તે આવેલી એ ગોરી યુવતીને ભોળવી રઝાકે રૂમમાં ધકેલી દરવાજો ભીડ્યો હતો : એન્જૉય, બૉસ!
બિચારી! તેનું નામ પણ હવે સાંભરે છે : સોનિયા!
(સોનિયા માટે ખરેખર એ દોજખ હતું. ખરાબ હવામાનની આગાહીને કારણે નીચેથી માંડ ઊંચી ટિપની આશાએ એક ગાઇડ (ગફૂર) તૈયાર થયો. ઉપર ભાગ્યે જ કોઈ આદમી નજરે ચડ્યો. રોપવે બંધ હતો. તોફાન હમણાં અટકશેની આશામાં કેબલકાર સ્ટેશનની લાઉન્જમાં બેઠી રહી, પણ ઢળતી સંધ્યાએ અહેસાસ થયો કે હવે ક્યાંક આશરો લીધા વિના છૂટકો નથી... ગાઇડને ઉતારાની વ્યવસ્થા કરવા મોકલ્યો, તેનોય પત્તો નથી. પહેલાં બાજુની હોટેલમાં ગઈ, પણ એ બંધ હતી. એટલે પાછલી કેડીએ અહીં આવી તો...
નહીં, એમ તો હું મારી આબરૂ લુંટાવા નહીં જ દઉં! )
નાની બહેન પાસે જીદ કરી પોતે જર્મનીથી આવી છે એવું કહી તે કરગરી રહી, વિનંતીથી કામ ન થતાં તે અચાનક સામી થઈ. ઝપાઝપીમાં અડકાવેલું દ્વાર ખોલી નીચે તરફ ભાગી, પાછળ પડેલા આદિલે તેને વરંડામાં તરાપ મારી પછાડી : હવે તો ખુલ્લામાં તારી આબરૂ લૂંટું છું!
અને વાઘ શિકારને ફોલી ખાય એમ આદિલ વરંડાની બત્તીના અજવાશમાં, હળવી બરફવર્ષા વચ્ચે સોનિયાની ગોરી કાયાને ચૂંથતો રહ્યો. તે ચીસ ન પાડે એટલે મોં પર હાથ ભીંસી રાખ્યો હતો..
‘બૉ...સ યે તો મર ગઈ!’
સોનિયા તરફથી ઊંહકારો ન વર્તાતાં મળસ્કે ઝબકેલા રઝાકનું ધ્યાન ગયું.
આદિલનો નશો ઊતરી ગયો, દિમાગ દોડવા લાગ્યું : આખી પૃથ્વી પર આપણે બે જ હોઈએ એવો સન્નાટો છે. આની લાશને કપડાં પહેરાવી ઉપર તરફ બરફમાં દાટી આવ...
અને ખરેખર અઠવાડિયા પછી તેની બરફમાં દટાયેલી લાશ મળી ને બધાએ માની લીધું કે તે તોફાનમાં ફસાઈને મૃત્યુ પામી! તેના મર્ડરનો ભેદ તો આદિલે અબ્બુનેય કહ્યો નથી.
ત્યારે તો માન્યું કે એક કિસ્સાનો અંત આવ્યો... પણ એવું નહોતું.
જેનું રઝાક સિવાય કોઈ જ સાક્ષી ન હોવાનું આદિલ માનતો હતો એ બળાત્કાર કોઈના મોબાઇલમાં રેકૉર્ડ થઈ ચૂક્યો હતો! ખરેખર તો આદિલ વિરુદ્ધ પુરાવો રાખવાના ઇરાદે રેકૉર્ડરે શરૂઆતની થોડી મિનિટનું રેકૉર્ડિંગ કર્યું પછી નજર ફેરવી લીધી એટલે સોનિયાનું ખૂન થયાની સંભાવનાથી તે આજેય અજાણ જ છે. છતાં એ રેકૉર્ડિંગ આદિલને બ્લૅકમેલ કરવા પૂરતું હતું, જેનું પરિણામ એ આવ્યું કે...
અત્યારે આદિલ છટપટ્યો. અણગમતું સાંભરવાથી અહમ્ ઘવાતો હોય એમ વિચારમેળો સમેટી શૈયાસંગિની પર તૂટી પડ્યો.
lll
‘ન હોય!’
અમજદ અલી બોલી પડ્યા. અમ્મી અવાક હતાં. સકીના સ્તબ્ધ હતી.
પણ ઝીનત-જુલી-અનાહત પહેલો આઘાત પચાવી ચૂક્યાં હતાં.
ખરેખર તો મનાય નહીં એવું જ બન્યું હતું.
‘વો વાપસ આ ગઈ.. અબ કયામત હોગી..’ની ચીસો નાખતો એક બુઝુર્ગ બરફ ખૂંદતો ઢાળ ઊતરી ગયો એ જોઈ જુલી-અનાહત ખોડાઈ ગયેલાં.
પહેલાં અનાહતને કળ વળી : તેણે તને જોઈ વાપસ શબ્દ વાપર્યો... તું અહીં પહેલી વાર આવી, પણ તારા જેવી જ દેખાતી તારી બહેન આવી ચૂકી છે!
એ આદમી સોનિયાને જાણતો હોય તો પણ તેના વાપસ આવવાથી કયામત આવવાની એમ કહેવાનો શું મતલબ? જરૂર આમાં કશો ભેદ છે... પ્રણયનો ખુમાર ઊતરી ગયો હોય એમ બેઉ નીચે ઊતરવા વ્યાકુળ બન્યાં.
નસીબજોગે કૅફેટેરિયાના બોર્ડ પર પ્રોપરાઇટરનો નંબર હતો એના દ્વારા મૅનેજરનો સંપર્ક સાધવામાં સમય ગયો, પણ છેવટે રાઇડ ચાલુ કરાવી બેઉ નીચે આવ્યા. પેલો આદમી ઢોળાવ ઊતરી હેમેખેમ આવ્યો હશે ખરો એવી આશંકા પણ હતી. આમતેમ ફાંફાં મારી, થાકી-હારી પાછળની કેડીએ ચાલતાં બેઉ હોટેલના પાછલા હિસ્સામાં પહોંચ્યાં અને ચમત્કાર જેવું બની ગયું. એનું દ્વાર ખખડાવ્યું એ ઝીનત હતી ને પેલા બુઝુર્ગની સારવાર કરી રહી હતી!
નીચે આવતા સુધીમાં ગફૂરમિયાં બેહોશ જેવા થઈ ગયેલા. કૅરટેકર અબ્દુલનું ધ્યાન ગયું. તેણે હવાલો આપતાં ઝીનત સકીનાના અબ્બુને જોઈ ચમકી, ઘરે લાવવા કહ્યું. ઢાળ પરથી સરકવાથી તેમના હાથ-પગ છોલાયા હતા. તે ઘા સાફ કરતી હતી ત્યારે પણ તે બબડતા હતા : વો વાપસ આ ગઈ.
વર્ષો પછી તેમની વાચા ઊઘડી એ ચમત્કાર જેવોતેવો નહોતો... એની થોડી જ વારમાં અનાહત-જુલીનું આગમન થયું.
ખરો ભેદ કલાક પછી ગફૂરમિયાને સરખું ભાન આવતાં ખૂલ્યો.
જુલીની ઓળખ મળતાં તે કરગરી પડ્યા : ક્ષમા કર મેરી બચ્ચી, મૈં તુમ્હારી બહેન કી આબરૂ ઔર જાન બચા નહીં સકા...
ત્યારે જાણ્યું કે તે સોનિયાના ગાઇડ હતા.
‘તોફાનને કારણે કૅરટેકર અબ્દુલ આવી નહોતો શકતો એટલે આ હોટેલ બંધ હોવાની મને જાણ હતી. રૂમની તપાસમાં નીચાણમાં જવું પડ્યું એમાં વાર થઈ. એટલામાં સોનિયા બાજુની કોઠીમાં પહોંચી હશે અને હું તેને ખોળતો આવ્યો ત્યારે...’
આદિલે ગુજારેલા બળાત્કાર અને મર્ડરની વાત કરતાં તે ભાંગી પડ્યા.
બહેનના અંજામની અકલ્પનીય હકીકતે જુલીને ડઘાવી દીધી, અનાહતનાં જડબાં તંગ થયાં.
ઝીનતને ગફુરચાચાની વ્યથા સમજાતી હતી: ચાચા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સોનિયા પીંખાઈ ચૂકી હતી. એ વખતે ચાચા વચ્ચે પડત તો કદાચ તેનો જીવ તો ન જાત... પણ ચાચાની હામ ન થઈ : સામે બે વાઘ જેવા જુવાન છે. તેમની સામે મારું શું ગજું? મને મારીને ફેંકી દે તો મારી ફૂલ જેવી સકીના નોંધારી થઈ જાય... પરિણામે છુપાઈને તાલ જોતાં ચાચાના અંતરમનમાં સોનિયાના અંજામે આઘાત પ્રસરી ગયો – સોનિયા મરી જશે એવું ક્યાં ધાર્યું હતું? યા ખુદા, મારી ચૂપકીનું ફળ મારી દીકરીએ તો ભોગવવાનું નહીં થાયને એ વિચારે તે સોસવાતા રહ્યા, મૂંગામંતર બની ગયા...
‘તમે તો સજા ઓઢી લીધી ચાચાજાન...’ ગફૂરમિયાંની હાલતનો હેવાલ આપી ઝીનતે અનાહત-જુલીને નિહાળી ધડાકો કર્યો : હવે અસલી ગુનેગારનો વારો છે, જે મારો શૌહર છે!
હેં? અનાહત-જુલી ડઘાયાં. જુલીને ઓળખનારો ગાઇડ જેની હોટેલમાં મળે એ યુવતી સોનિયાના ગુનેગારની પત્ની નીકળે એ કેવો જોગાનુજોગ!
પણ પત્ની શું કામ પતિને ફસાવવામાં સાથ આપે?
‘શું કામ!’ ઝીનતે દમ ભીડ્યો: કારણમાં એટલું જ કે આજે આ બધું ન બન્યું હોત તો આ ધારદાર છૂરાથી મેં તેની મર્દાનગી વાઢી હોત!
જુલીને ઝીનત માટે અનુકંપા થઈ. મોડી રાતે પુરુષો સૂતા પછી બે સ્ત્રીઓ વચ્ચે સંવાદ સધાતો ગયો, આત્મીયતા ગંઠાતી ગઈ. જુલી સોનિયાનાં સંભારણાં વાગોળી રહી, અનાહત સાથેની પ્રણયગાથા કહેતી રહી, ઝીનતે લગ્નજીવનનું અંગત-અંગત વહાવી દીધું.
જુલીનો રોષ બેવડાયો: ત્યારે તો આદિલ વહેશી જ નહીં, વિકૃત પણ લાગે છે!
સવારે વાતાવરણ ખુલ્લું થતાં સૌ ઝીનતના ઘરે આવ્યાં, સકીનાને તેડાવી લીધી...
અત્યારે દીકરી પાસે ઘટનાક્રમ જાણી અમજદ અલી બોલી ઊઠ્યા : આદિલના કૃત્યના તમે પણ સાક્ષી હતા, ગફૂર?
અબ્બુના શબ્દભેદે ઝીનત ચમકી : તમે પણ - મતલબ?
અમજદ અલીએ ડોક ધુણાવી.
એ રાતે પોતે હોટેલવાળા ઘરે હતા. રાતે નીંદ ઊડી, તોફાનનું માપ કાઢવા બારી ખોલી તો સામે જ વરંડામાં બળાત્કારનું દૃશ્ય નજરે પડ્યું. ના, કામાવેગથી બેફામ બનેલા પુરુષને છંછેડવાનો ન હોય, એના કરતાં આદિલના ગુનાહિત કૃત્યનો પુરાવો લઈ રાખું તો ભવિષ્યમાં જોઈતો લાભ લઈ શકાય... એ વિચારે બેચાર મિનિટનું શૂટ કરી તે પથારી ભેગા થઈ ગયા એટલે મર્ડરથી અજાણ રહ્યા.
બલકે એ રેકૉર્ડિંગના આધારે આદિલને બ્લૅકમેલ કર્યો : બદનામી વહોરવી ન હોય તો મારી બેટી જોડે નિકાહ કરી લે!
આદિલ પણ માની નહોતો શક્યો: ઐયાશ જુવાન સાથે પોતાની દીકરી વરાવવા કયો બાપ તૈયાર થાય?
પણ અમજદ અલીની ગણતરી નિરાળી હતી: છોકરીને પામતા-પહોંચતા ખાનદાન કુટુંબમાં વરાવવાની હોય એ હિસાબે લિયાકતનું ખોરડું ફિટ બેસે છે. જવાનીના જોશમાં જુવાન લોહી તોફાની વછેરાની જેમ થોડી કૂદાકૂદ કરી લે એને મહત્ત્વ આપવાને બદલે એમ વિચારવું જોઈએ કે પરણ્યા પછી વછેરો ખૂંટે બંધાઈ જશે, ખરેખર તો વિડિયોને કારણે પણ આદિલ અને તેના ઘરનાએ ઝીનતનો પડ્યો બોલ ઝીલવો પડશે...
આદિલે પરણવું પડ્યું અને ખરેખર બધું ઠીક જ લાગતું હતું, પણ આજે પતિનું કરતૂત જાણી ઝીનત તેની વિરુદ્ધ મોરચો માંડવા માગતી હોય તો..
‘તો એક પુરાવો મારી પાસે છે...’
તેમના બયાને ઝીનત ડઘાઈ. પિતાએ તો બ્લૅકમેલના રસ્તે દીકરીનું સુખ જ ઇચ્છ્યું, પણ પ્રીત અને પરિણયમાં જબરદસ્તી ન ચાલે એ મુદ્દો જ તે ભૂલ્યા. બળજબરીથી ગળે પડેલી પત્ની-વહુને કોણ હૃદયથી સ્વીકારે? આદિલના સંદર્ભ હવે સમજાય છે... બાપના બ્લૅકમેઇલિંગનું સાટું આદિલે જે રીતે વસૂલ્યું એ તો દુનિયાના કોઈ પુરુષે નહીં વિચાર્યું હોય! પત્નીને અકુદરતી ઇચ્છાપૂર્તિના સાધન જેવી બનાવી દઈ તેના સ્ત્રીત્વને સતત હણતા રહેવું- કેટલું જાલિમ વેર!
‘અબ્બુ, હું તમને ખૂલીને કહી નહીં શકું પણ એટલું જાણી લો કે શાદીશુદા જિંદગીની દરેક ઘડી મેં દોજખમાં વિતાવી છે...’
હેં!
જુલી સોનિયાનો વિચાર કરતી હતી: તેના પર થતા જુલમના બબ્બે સાક્ષી, એમાંથી કોઈ તો મદદે આવ્યું હોત તો મારી બહેન આજે કદાચ જીવતી હોત! ગફૂરમિયાંનો પસ્તાવો માન્ય, અમજદ અલીના બ્લૅકમેલની સજા ઝીનત ભોગવી ચૂકી; પણ આદિલનું શું?
‘બીજું શું!’ અનાહતે ખભા ઉલાળ્યા, ‘તે કાલ સવારનો સૂરજ નહીં જુએ, જુલી’
પ્રિયતમાના વેર માટે આટલું કરવું બહુ સહજ હોય એમ અનાહત બોલી ગયો. તેની ક્ષમતામાં સંદેહ હોય જ નહીં, પણ પછી જુલીએ જે કહ્યું એ વાતે-વાતે કાયદો હાથમાં લેનારાઓ માટે સબક જેવું છે :
‘હું એટલું જ ઇચ્છં છું અનાહત કે મારી બહેનને ન્યાયના રસ્તે ન્યાય મળે.’
આના ત્રણ કલાક પછી આદિલ પર લિયાકત અલીનો ફોન ગયો :
‘આ સોનિયા કોણ છે? તેના રેપ-મર્ડરની તારા નામે ફરિયાદ થઈ છે. જર્મન એમ્બેસીના આગ્રહે PMO ખુદ આનું ટ્રેકિંગ રાખે એવી અંદરની વાત છે. રેપ તો ઠીક, આ મર્ડરનું શું છે? કહે છે આનો કોઈ આઇ-વિટનેસ પણ છે...’
પિતા પહેલી વાર દીકરા સામે બરાડતા હતા. આદિલના કાનમાં ધાક પડી ગઈ : આ થઈ શું રહ્યું છે?
‘ઝીનતે તલાકની નોટિસ મોકલાવી છે ને તેના બાપે તારો પેલો વિડિયો પોલીસમાં જમા કરાવ્યો છે... એ જ સોનિયાને?’
ફોન પર પિતા ઉશ્કેરાટમાં ગરજી રહ્યા હતા ને બહાર પોલીસની સાઇરન સંભળાઈ રહી હતી. આદિલના કાળજે પહેલી વાર બીક પેઠી : હવે ખેલ ખલાસ!
lll
અલબત્ત, લિયાકતે દીકરાને ઉગારવા એડીચોટીનું જોર લગાવ્યું પણ વિડિયોનો પુરાવો, ગફૂરનું બયાન અને જર્મન એમ્બેસીની તાકીદને કારણે વગની ઉપરવટ જઈ જનમટીપની સજાનો ન્યાય તોળાયો ત્યારે જુલીની આંખો બહેનના તર્પણમાં વરસી પડી.
કોર્ટમાં જુલીને પહેલી વાર જોઈ આદિલ ડઘાયેલો. તેની સૂરત સોનિયાને મળતી ન હોત તો?
‘તોય પાપનો ઘડો ક્યારેક તો ફૂટ્યો જ હોત, આદિલ..’ તેના શબ્દો ક્યાંય સુધી પડઘાતા રહેલા.
ગફૂરને પણ ઘટતી સજા થઈ. જેલના વિકૃત અત્યાચારોએ આદિલની માનસિક સ્થિતિ ડામાડોળ કરી દીધી છે. લિયાકત-નસીમબાનુએ દીકરાના નામનું રડવાનું જ રહ્યું.
અને ન્યાય પૅરિસમાં પણ થયો. જુલીને ફ્રિજિડ કહી ફજેતો કરનાર વિક્ટરની વાઇફે તેને ચીટ કર્યો એટલે હાલ તો તે ડિપ્રેશનમાં છે. જેવી જેની કરણી!
કોર્ટના ચુકાદાએ ગફૂર-અમજદ અલીએ હૈયેથી બોજ ઊતરતો અનુભવ્યો. કોર્ટમાં પતિની ઐયાશીનો ચિતાર દેનારી ઝીનત કાશ્મીરી કન્યાઓની રોલ મૉડલ બની ગઈ છે. સકીનાને આનું ગૌરવ જ હોયને.
અને હા, અનાહત-જુલી પરણી ગયાં છે ને તેમનો સંસાર મઘમઘતો જ રહેવાનો એટલું વિશેષ!
(સમાપ્ત)

