Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > જુલી: ભીતરના ભેદ (પ્રકરણ- 4)

જુલી: ભીતરના ભેદ (પ્રકરણ- 4)

Published : 10 April, 2025 02:41 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

જુલીને જોઈ અનાહતથી રહેવાયું નહીં, આપણને દુખી જોઈ સ્વર્ગમાં સ્વજનનો આત્મા વધુ દુખી થાય

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘કાશ્મીરના અન્ય ટૂરિસ્ટ સ્પૉટ પર ઉનાળામાં બરફ જોવા મળે કે ન મળે, ગુલમર્ગમાં બારે મહિના બરફ હોવાનો જ.’

કુશળ ગાઇડની જેમ ગુલમર્ગના ઇતિહાસ-ભૂગોળ વર્ણવતા અનાહતને જુલી મુગ્ધપણે નિહાળી રહી.

કાશ્મીરનું આ મદહોશ કરતું વાતાવરણ પ્રીત પરના આવરણને ચીરવા પળેપળ બન્નેને જાણે ઉશ્કેરી રહ્યું છે. જુલીએ વિચાર્યું : અંતરની ભાવના અનાહત હોઠો પર લાવી ન શકે તો શું મારે પહેલ કરવી જોઈએ ખરી?

‘હવે આપણે કલાકમાં તળેટી પહોંચી જઈશું.’

અનાહતના શબ્દે ઝબકતી જુલીએ વિચારમેળો સમેટી લીધો. પ્રણયનું સ્થાન પીડાએ લીધું : બરફના તોફાનમાં ફસાયેલી સોનિયાએ જ્યાં પ્રાણ ત્યજ્યા એ પર્વતશિખરો થોડી જ વારમાં દૃશ્યમાન થવાના!

‘આટલી રળિયામણી કુદરત સોનિયાના પ્રાણ લેવા જેવી ઘાતકી કેમ થઈ, અનાહત?’ જુલીનું દર્દ ઊઘડ્યું, ‘યુ નો, સોનિયાનો સંપર્ક ન થતાં મેં એમ્બેસીનો કૉન્ટૅક્ટ કર્યો એથી તપાસનાં ચક્રો ગતિમાન થયાં. મારું મન ફફડતું હતું, આફ્રિકાથી સીધી હું ઇન્ડિયા આવવા નીકળી. સોનિયાનો ઠંડીથી બટકાઈ ગયેલો મૃતદેહ મળ્યાના ખબર મને દિલ્હી ઍરપોર્ટ પર ઊતરતાં જ મળ્યા. સોનિયાની બૉડી લેવા હું નામપૂરતી શ્રીનગર આવી. સોનિયાને હું બર્લિન લઈ ગઈ, ત્યાં જ ફ્યુનરલ કર્યું...’ 

અનાહતને આની જાણ હતી જ. 

ખરેખર તો વારાણસીમાં પહેલી વાર મળેલી જુલી બહુ સ્વાભાવિકપણે અનાહતના હૈયે ઘર કરી ગઈ, પરંતુ પ્રીતની પ્રતીતિ થયા પછી પોતે કોઈ જોડે સૂતો નથી એવું ખોટું જુલીને કહેવું પણ કેમ એ દ્વિધા થઈ અનાહતને. આખરે લગ્ન પહેલાં શારીરિક મર્યાદા ન ઓળંગવાના મૂલ્યવશ પ્રેમી વિક્ટરથી છેડો ફાડનારી સંસ્કારી યુવતી માટે શરીરનું સુખ વેચનારો અનાહત કોઈ રીતે લાયક ન ગણાય, ભલે એ હવે તેનો ભૂતકાળ હોય...

આ ગણતરીએ અનાહતે પોતાની પ્રીત ભીતર ધરબાયેલી રાખી. અત્યારે પણ બહેનની યાદે ઉદાસ થતી જુલીને જોઈ અનાહતથી રહેવાયું નહીં,
‘આપણને દુખી જોઈ સ્વર્ગમાં સ્વજનનો આત્મા વધુ દુખી થાય એવું અમારાં હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે એ તો તું જાણતી જ હોઈશ...’

સાંભળીને જુલીએ ડોક ધુણાવી, ઉદાસી ખંખેરી અનાહત તરફ હૂંફાળું સ્મિત ફરકાવ્યું.

ત્યારે જોકે ગુલમર્ગના હવામાનમાં પલટો આવવાના અણસાર ક્ષિતિજે ઊભરી રહ્યા હતા.

lll
‘લો, ફરી તોફાનના ભણકારા વર્તાય છે.’

ખુલ્લી બારીમાંથી ઊંચા પર્વત પર શિખર પર છવાતાં વાદળાં જોઈ સકીના બોલી ઊઠી. પછી રસોઈ તરફ જતાં ઝીનતને નિહાળી કહ્યું, ‘વેધશાળાની આગાહી હોત તો અબ્બુને ઉપર જવા જ ન દેતને.’

ચૂલામાં લાકડાં નાખતાં તે કહેતી રહી, ‘રહીમચાચા તેમને લઈ ગયા. આ બાજુ વાદળાંએ સૂરજને કેવો ઢાંકી દીધો! હવે અબ્બુ હેમખેમ આવે નહીં ત્યાં સુધી મને ઉચાટ.’

તાપણું કરતાં તેનું ધ્યાન ગયું, ‘પણ તું આજે કેમ આટલી ચૂપ છે ઝીનતબાનુ! આ વખતે બહુ જલદી સખીની યાદ આવી ગઈ?’ ઝીનત ફીકું હસી. પોતે કેવો ખતરનાક ઇરાદો સેવીને આવી છે એવું સકીનાને કે કોઈને પણ કહેવાય પણ કેમ?

રઝાકે પેલી બે મૉડલને ગુલમર્ગની કોઠી પર પહોંચાડી દીધેલી. સાંજની નમાઝ પઢી આદિલ પણ કોઠીએ પહોંચી ગયેલો એ હિસાબે વીક-એન્ડની ઐયાશી ખરેખર તો ગઈ કાલ રાતથી જામી ચૂકી હશે એ વિચારે ઝીનત રાતભર સોસવાતી રહેલી. કોઠીએ પહોંચી જઈ શનિ-રવિની રજામાં ટૂરિસ્ટના ધસારા વચ્ચે આદિલના વ્યભિચારનો ધજાગરો કરવાનું વેર ક્ષુલ્લક લાગવા માંડ્યું. 
એટલે તો કસાઈ પાસે હોય એવી ધારદાર છૂરી સાથે રાખી હતી ઝીનતે અને નક્કી કર્યું હતું કે એના એક જ ઘાથી પતિદેવની મર્દાનગીના બે કટકા કરી એનો વિડિયો ઉતારી ફરતો કરી દેવો છે, પછી ભલે મારું જે થવાનું હોય એ થાય!

બેચાર આડીતેડી વાતો કરી ઝીનતે ઉતાવળ દાખવી : ‘મારે નીકળવું જોઈએ. મિયાં ક્યારના ઉપર પહોંચી ગયા છે.’ તેણે સહેજ શરમાઈ લીધું, ‘આ વીક-એન્ડ અમે ઉપરની અમારી કોઠીમાં ગાળવાનાં છીએ...’

‘હાય, મૈં મર જાઉં!’ સકીનાની સખીસહજ મજાક સામે બનાવટી ગુસ્સો ઉછાળી ઝીનતે વિદાય લીધી ત્યારે ભીતર તો વેરના અંગારા ભડકતા હતા.

lll
‘જુઓ તો, તોફાન કેવું જામ્યું છે.’

બપોરની વેળા છે. અલબત્ત, ગુલમર્ગના રહેવાસીઓને મોસમના પલટાની નવાઈ ન હોય. ઝીનતના અબ્બુ અમજદ અલીએ પણ પત્નીના સ્વરમાં ટપકતી ચિંતાને અવગણી. પણ બેગમના પછીના વાક્યે ચમકવા જેવું થયું.

‘અલ્લા જાણે આવી મોસામમાં ઝીનતને પર્વત પર જવાની શી ધૂન ચડી!’ 

હેં! 

‘દામાદજી પણ આવવાના છે એવું તે કહેતી’તી. તેમની કોઠીમાં મરમ્મતનું કામ ચાલે છે એટલે આપણા ઘરની ચાવી લઈને ગઈ છે.’

અમજદ અલીના કપાળે બેચાર સળ ઊપસી અદૃશ્ય થઈ.

ગૉન્ડોલા રાઇડ્સના સ્ટાર્ટિંગ પૉઇન્ટથી સહેજ ઉપરના ઢાળે તેમની હોટેલ છે. બહુ મોકાની જગ્યા છે. હમણાં જોકે ટૂરિસ્ટ સીઝન શરૂ નથી થઈ અને કોઈ બુકિંગ નથી એટલે આધેડ વયના વિશ્વાસુ કૅરટેકર અબ્દુલ સિવાય રાતે કોઈ રોકાતુંય નથી.

ઝીનતે જોકે હોટેલના રૂમમાં રહેવાનું પણ નથી. હોટેલના બૅકયાર્ડમાં કેબલ રાઇડ તરફના પાછલા ભાગમાં તેણે અલાયદું ઘર બનાવ્યું છે. બરાબર એની બાજુના કમ્પાઉન્ડમાં જ ઝીનતના શ્વશુર લિયાકત અલીની વૈભવી કોઠી છે. જ્યાં ત્રણેક વર્ષ અગાઉ...

અમજદ અલીએ હોઠ કરડ્યો.

ના, ત્રણ વર્ષ અગાઉના એ જોગાનુજોગને સંભારવા જેવો પણ નથી.

તેમણે તો જાતને સમજાવી દીધી, પણ કુદરત કેવો જોગ ગોઠવીને બેઠી છે એની તેમને ક્યાં ખબર હતી?

lll
વરંડામાં પડતી બાલ્કનીમાં ઊભા આદિલે આળસ મરડી. મુંબઈની બન્ને મૉડલ હજી પોઢી રહી છે, તે પોતેય આખી રાતનો ઉજાગરો ઉતારી હમણાં જ ઊઠ્યો... બહાર જોતાં લાગે છે મોસમ વીફરી છે!

સિગારેટ સળગાવી આદિલે આસપાસ નજર દોડાવી. જમણે શ્વશુરજીની હોટેલ હતી. ત્યાંથી સહેજ ઉતાર પર થોડે દૂર કેબલ રાઇડનું મુખ્ય સ્ટેશન હતું. સાંકડા કેડી માર્ગે ત્યાં જઈ શકાતું. શનિ-રવિમાં ટૂરિસ્ટનો ધસારો રહેતો હોય ત્યાં નિર્જનતા જ દેખાઈ.

ત્રણ વર્ષ અગાઉ આવી જ એ સાંજ કહો કે વહેલી રાત હતીને...

આદિલને અચાનક સાંભરી આવ્યું.

આદિલની ઐયાશી માટે શબાબની વ્યવસ્થા રઝાક કરતો એમાં જોરજબરદસ્તી ક્યારેય નહીં કરવાની સ્પષ્ટ સૂચના રહેતી. આખા સોદામાં આદિલનું નામ ક્યાંય આવતું નહીં. બાઈને તો ઠેકાણે આવ્યા પછી માલૂમ પડતું અને રાત ગાળ્યા પછી બધું ભૂલી જવાનું.

આજ સુધીમાં આમાં એક જ અપવાદ સર્જાયો હતો...

ત્રણેક વર્ષ અગાઉ આદિલ અહીં આમ જ વીક-એન્ડ ગાળવા આવ્યો હતો. હવામાનના પલટાએ વાતાવરણ ભેંકાર બનાવી દીધું હતું. તનબદનમાં કામનો તરફડાટ ઉધમ મચાવતો હતો, નશાનું બંધાણ ઉશ્કેરતું હતું, પણ શિકારનો પત્તો નહોતો. મોડી સાંજે માંડ આવી શકેલા રઝાકે મોંકાણના ખબર આપ્યા: ભારે બરફવર્ષાને કારણે સિતારાએ શ્રીનગરથી જ સવારી પાછી વળાવી લીધી...
ગાળ સરી ગયેલી. દિલ્હીની જાણીતી કૅબ્રે ડાન્સરના અંગમરોડ માણવાનો લહાવો હાથતાળી દઈ જાય એ કેમ ચાલે! શરારા જેવી સિતારા ન આવી તો કાળી-કદરૂપી, બાળકી હોય કે વૃદ્ધા - કોઈને પણ લઈ આવ રઝાક... કામનો અગ્નિ હવે નથી સહન થતો!

ઇચ્છવા છતાં રઝાકથી કંઈ જ થઈ શકે એમ નહોતું. ખરાબ હવામાનમાં ઉપર ભાગ્યે જ કોઈ રોકાયું હોય.

એ જ ક્ષણે દરવાજે ટકોરા પડ્યા. ના, આગલા દરવાજે નહીં, આ તો કોઈ વાડાનો દરવાજો ઠોકી રહ્યું છે!

બાલ્કનીમાંથી ડોકિયું કરી લઈ આદિલે રઝાકને આદેશ આપ્યો: કોઈ ગોરી મૅમ આપણા આંગણે આવી છે, તોફાનમાં ફસાયેલી લાગે છે. કોઈ પણ હિસાબે તેને બેડમાં લઈ આવ.... જા!
યસ, એ ગોરી છોરી રાતવાસા માટે આશરો જ ગોતતી હતી, રઝાક તેને ભોળવીને ઉપર લઈ આવ્યો. પછી અચાનક યુવતીને ધક્કો દઈ રૂમનો દરવાજો ભીડ્યો: એન્જૉય બૉસ! 
પછી જે થયું... આદિલે ઊંડો શ્વાસ લીધો: એ કોઈને કહેવાય એવું તો નથી જ, વાગોળાય એવુંય નથી!

અને સિગારેટ કચડી તે રૂમમાં જતો રહ્યો.

lll
‘ઓહ નો!’

જુલીના તીણા ઉદગારમાં નિરાશા પડઘાતી હતી.

તળેટીમાં કાર પાર્ક કરી ત્યારથી જ પલટાતા મોસમનો મિજાજ પારખી ચૂક્યા હોય એમ અહીંના અનુભવી ડ્રાઇવર-ગાઇડ સામેથી ટૂરિસ્ટ્સને ચેતવતા હતા: આ હવામાનમાં ઉપર જવાનો અર્થ નથી. સ્નોફૉલને કારણે ઉપરથી વાહનો નીચે આવતાં હશે, એમાં ટ્રાફિક જૅમ હોવાનો, મોડે-મોડે તમે ગૉન્ડોલા પહોંચશો તોય રોપ-વે બંધ કરી દેવાયો હશે...’

સાંભળીને ઘણાએ ઉપર ચડવાનું ટાળ્યું, પણ જુલી અનાહતને પરાણે ખેંચી લાવેલી: આ લોકો તો બોલ્યા કરે, એમ કંઈ ફોરકાસ્ટ વગર હવામાન પલટો મારતું હશે!

ખરેખર તો સોનિયા આવા જ કંઈક માહોલમાં કેબલ રાઇડ માણવા ગઈ હશે એ સમાનતા જુલીને ઉશ્કેરી રહી હતી અને અનાહતને એની સમજ હતી. બહેને જ્યાં પ્રાણ ત્યજ્યા ત્યાં એવા જ સંજોગોમાં હાજર રહી જાણે પ્રકૃતિને પડકારવાની એ ચેષ્ટા હતી.

જુલીની જીદે બેઉ ગૉન્ડોલા સુધી મોડે-મોડે પહોંચ્યાં ખરાં પણ ત્યાં સુધીમાં મોટા ભાગની વસ્તી નીચાણ તરફ પ્રયાણ કરી ચૂકી હતી. રોપવેમાં કોઈ ભીડ નહોતી. ફેઝ ટૂની રાઇડ બંધ કરી દેવાયેલી. મૅનેજરે ચોખ્ખું કહ્યું - તમારે ફેઝ વન સુધી જવું હોય તો હું મોકલું ખરો, બટ વી આર ક્લોઝિંગ ઇટ સૂન... તમારે ઉપર ઊતરી, એકાદ-બે સ્નૅપ લઈ તરત પાછાં આવી જવાનું...
બન્ને કેબલ કારમાંથી ઊતર્યાં ત્યારે ઉપર જે ગણ્યાગાંઠ્યા હતા એ રિટર્ન થઈ રહ્યા હતા. કાર સ્ટેશનમાંથી બહાર નીકળતાં જ અભિભૂત થવાયું. સ્નોફૉલમાં આસપાસનું સૌંદર્ય નિહાળતાં બેઉ દૂર પહોંચી ગયાં.

ચારે બાજુ બર્ફીલા પર્વત, નહીં દેખાતા આભમાંથી વરસતી હિમવર્ષા, સમસમાવી જતો ઠંડો પવન અને પ્રિયતમનો સંગાથ...

જુલી માટે હવે હૈયા આડે બંધ રાખવો મુશ્કેલ હતો.

‘અનાહત, સમયને કહી જોને કે અહીં જ થંભી જાય...’

જુલીના મોઢે શુદ્ધ ગુજરાતી સાંભળી અનાહતનાં નેત્રો પહોળાં થયાં. જુલી હસી, ‘બુદ્ધુ! હું તારી ભાષા જ નહીં, તારા દિલને પણ જાણું છું..’

અનાહત જરા મૂંઝાયો, ‘પણ જુલી, હું એક સમયનો એસ્કોર્ટ..’

‘મને ચાહતી વેળા તમને વિક્ટર આડે આવે છે? તો મને તમારો વ્યવસાય નડે એવું તમે કેમ માની લીધું?’ જુલીના શબ્દે-શબ્દે અનાહતમાં દીવા થતા હતા.

‘હજી પણ દૂર રહેશો, અનાહત?’ જુલી તેની નજીક સરકી, ‘સમય થંભી જાય એ પહેલાં મને તમારા આગોશમાં લઈ લો..’

બે હૈયાં પ્રેમસમાધિમાં એવાં ડૂબ્યાં કે કેબલ રાઇડવાળાનો છેવટનો કૉલ પણ કાને પડ્યો નહીં...

અને અત્યારે, સ્નોફૉલનું જોર વધતાં બન્ને રાઇડ તરફ દોડતાં પહોંચ્યાં તો ભડકવા જેવું થયું: એન્ટ્રીના ગેટ પર તાળું હતું!

‘માય ગૉડ! અહીં ખરેખર કોઈ નહીં હોય?’

જુલીના ફફડાટ સામે અનાહતે આસપાસ નજર દોડાવી ને સહેજ ચમકવા જેવું થયું.

દૂર સામે બંધ થઈ ચૂકેલી કૅફેટેરિયાના પગથિયે બુઢ્ઢો આદમી ક્યારનો એકીટશે જુલીને નિહાળી રહ્યો છે... પહેરવેશ પરથી લોકલ આદમી લાગે છે. અત્યારે તો તે મદદરૂપ થાય એ ઘણું!

જુલીનો હાથ પકડી તે કૅફેટેરિયા તરફ વધ્યો કે આદમી ટટ્ટાર થયો. જુલીનાં નજીક આવતાં પગલાંએ તેની છાતીમાં ઘમસાણ ઊઠ્યું, શ્વાસ કચડાવા લાગ્યો, ચહેરો પ્રસ્વેદભીનો થઈ ગયો, આંખોમાં ખૌફ તરવરી ઊઠ્યો.

જુલી-અનાહત ચાર ડગલાં દૂર રહ્યાં હશે કે સમુદ્રના મોજાની જેમ તે ઊછળ્યો: અ....લ્લાહ!

જુલી અનાહત સરસી થઈ ગઈ.

‘યા પરવરદિગાર!’ હવામાં બે હાથ ઊંચા કરી આસમાન પર મીટ માંડતા બુઝુર્ગની હરકત અનાહતને સમજાઈ નહીં.

‘વો વાપસ આઈ.... અબ કયામત હોગી....’

કહેતાં તેણે દોટ મૂકી. બર્ફીલા પહાડો સાથે જન્મજાત મૈત્રી હોય એમ બરફના થરમાં પગ ખૂંતાડતો તે સડસડાટ ઢાળ ઊતરતો ગયો : વો આ ગઈ, અબ કયામત હોગી!

ગુલમર્ગની ખીણમાંથી તેના શબ્દો પડઘાતા રહ્યા.

બોલનાર બાજું કોઈ નહીં, સકીનાના અબ્બુ ગફૂરમિયાં હતા.


(આવતી કાલે સમાપ્ત)


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2025 02:41 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK