સંસ્કાર, માય ફુટ! વિક્ટર ભડકતો, આ બધી કિતાબી વાતો છે જુલી; શું ઇન્ડિયામાં લિવ-ઇન નથી ચાલતું?
ઇલસ્ટ્રેશન
બેગાની શાદી મેં અબદુલ્લા દીવાના...
કારના સ્પીકરમાં ગુંજતા લતાના કંઠે તેના હોઠ મલકી પડ્યા. બાજુની ડ્રાઇવિંગ સીટ પર બેસી તે સંગીતના સથવારે સીટી બજાવી સ્ટિયરિંગ પર થાપ આપે છે ત્યારે કેવો હૅન્ડસમ દેખાય છે!
ADVERTISEMENT
‘ક્યા હુઆ? વૉટ હૅપન્ડ?’
અચાનક તેણે ગરદન ઘુમાવી
પૂછતાં જુલીએ સચેત થઈ નજર સેરવી લેવી પડી.
‘નૉટ લાઇક સૉન્ગ? ચેન્જ ઇટ?’
ડેસ્ક સ્ક્રીન પર ગીત બદલવા આગળ વધતા તેના હાથ પર જુલીએ હળવી ટપલી ઠોકી, ‘નો ડોન્ટ. ગુડ સૉન્ગ્સ. વેરી મેલોડિયસ. આઇ લાઇક યૉર ચૉઇસ.’
સાંભળીને અનાહત પોરસાયો. માતૃભાષામાં બબડી લીધું : મારી પસંદ કેવી સુંદર હોય છે એ તો તું ખુદને આયનામાં જોશે તો પણ જાણી જશે!
તેનો બબડાટ નહીં સમજાયાનો ડોળ દાખવતી જુલી મનમાં જ મલકી : જર્મનીના વતનમાં કૉલેજ કર્યા પછી હું સ્ટુડન્ટ-એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ભારતની ભાતીગળ સંસ્કૃતિના અભ્યાસ માટે ત્રણ વર્ષ મુંબઈ રહી છું એ તો અનાહતને માલૂમ છે, પણ એ રોકાણને કારણે હું હિન્દી ઉપરાંત મરાઠી-ગુજરાતી પણ બરાબર સમજું છંુ એની અનાહતને હજી ક્યાં જાણ છે!
બે વર્ષની ઓળખ અને હમણાં છ મહિનાના સતતના સહવાસ છતાં અનાહતને જુલીના ભાષાજ્ઞાનની ભનક નથી. તે તો એવું જ માને છે કે જુલી ભાંગ્યુંતૂટ્યું હિન્દી બોલી જાણે છે... અને જુલી માને છે કે તેને કહેવું પણ શું કામ? કહ્યું હોત તો તેના મનોભાવ મને કેમ ખબર પડત!
અનાહત માટે તારો મનોભાવ શું છે?
મનના અવળચંડા પ્રશ્ને જુલીનો મલકાટ ભીતર જ શોષાઈ ગયો.
હું છવ્વીસની છું. એક વારના પ્રણયસંબંધમાં હૈયું દઝાડી ચૂકી છું. ફરી એ જ રસ્તે જવામાં શાણપણ છે ખરું?
હળવો નિ:શ્વાસ જુલીના ગળે અટકી ગયો.
‘યુ હૅવ જેન્ડર ઇશ્યુ?’
દૂરના ભૂતકાળમાંથી વિક્ટરનો
સ્વર પડઘાતાં જુલીએ હોઠ કરડ્યો. વીસરવા જેવો સમયખંડ સ્મૃતિપટ પર તરવરી રહ્યો.
બર્લિનમાં ઊછરેલી જુલીએ બાર વર્ષની ઉંમરે રોડ-ઍક્સિડન્ટમાં પિતા ગુમાવ્યા. એના ચોથા વર્ષે મા ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ પામી.
‘બી બ્રેવ માય લિટલ પ્રિન્સેસ!’ મોટી બહેન સોનિયા તેને આશ્વસ્ત કરતી.
સિસ્ટર સોનિયા તો એકમાત્ર આધાર હતી જુલીનો... ત્રણ વર્ષ અગાઉ એ પણ ઝૂંટવાઈ ગયો!
ઊંડો નિ:સાસો નાખી જુલીએ સ્મૃતિ કડી સાંધી :
પોતાનાથી ત્રણ વર્ષ મોટી સોનિયાના સહારે જુલી પહેલાં પિતા અને પછી મમ્મીના નિધનના આઘાતમાંથી ઊગરી શકી. ખરેખર તો જર્મનીના મુક્ત ઉછેરમાં માતાપિતા પાસે દીકરીઓ માટે સમય જ ક્યાં હતો? કદાચ પરવા પણ નહીં. વહાલની એ ઊણપ સોનિયાના સથવારામાં તૃપ્ત થઈ રહેતી.
સોનિયા જુલીને અછોવાનાં કરતી. સરપ્રાઇઝ પાર્ટી થ્રો કરી જુલીનો બર્થ-ડે યાદગાર બનાવી દેતી. બેઉ સાથે હરવાફરવા જતાં. સોનિયાની નિશ્રામાં જુલી બહુ પ્રોટેક્ટેડ ફીલ કરતી. રૂપની સાથે તેનો આત્મવિશ્વાસ પણ નિખરતો ગયો.
‘યુ હૅવ ટુ
બી ઑન યૉર ઓન ટૂ...’
જુલી અઢારની થતાં સોનિયાએ તેને વહાલથી સમજાવેલી : તું હવે ઍડલ્ટ છે. તારી પોતાની ઉડાન ભર, તારો પોતાનો માળો કર. ધિસ ઇઝ અવર કસ્ટમ, યુ નો.
જુલીએ ડોક ધુણાવી. સોનિયા બે વર્ષથી જૉન સાથે રિલેશનમાં છે, તેની સાથે મૂવ થવા માટે તે કેવળ જુલી અઢારની થાય એની વેઇટ કરતી હતી.
સોનિયા જૉન સાથે બીજા પરગણામાં રહેવા જતી રહી. પછી બહેનોનું મળવાનું ઓછું થતું ગયું. શરૂ-શરૂમાં સોનિયાના ફોન આવતા, પણ જુલી પોતાનું બરાબર ધ્યાન રાખે છે એની ખાતરી થતાં કૉલ્સમાં પણ મુદત પડતી ગઈ.
આ જ ગાળામાં ઇન્ડિયાથી સ્પિરિચ્યુઅલ ગુરુ વિશ્વાનંદ મહારાજ જર્મની પધારેલા. યુનિવર્સિટીના હૉલમાં તેમનું વ્યાખ્યાન હતું. એ સાંભળી જુલીને ભારતીય કલ્ચરમાં રસ પડ્યો. ભગવદ્ગીતા વાંચી અભિભૂત થવાયું અને બસ, હાયર એજ્યુકેશન માટે તેણે ભારત જવાનો નિર્ણય કરી લીધો.
‘ધૅટ્સ ગ્રેટ.’ સોનિયાએ નાની બહેનના નિર્ણયને વધાવ્યો.
મુંબઈ મૂવ થતાં પહેલાં સોનિયાને મળવા ગયેલી જુલીને જોકે કંઈક ઠીક નહોતું લાગ્યું : જૉને મારી સાથે સરખી રીતે વાત ન કરી, સોનિયાનો ગાલ સૂઝેલો છે, પીઠ પર સોળ છે... આખરે વાત શું છે?
‘નથિંગ સિરિયસ,’ જુલી અડી જ રહી ત્યારે સોનિયાએ કહેવું પડ્યું, ‘આઇ વૉન્ટ ટુ મૅરી હિમ પણ જૉનને લગ્ન કરવાં જ નથી. પરિણામે ઝઘડો, થોડી મારપીટ, બટ ઇટ્સ ઓકે વિથ મી. હું જૉનને છોડવાની નથી - મૅરેજ ઓર નો મૅરેજ.’
પરિણામે મુંબઈ રહ્યે પણ જુલીને મોટી બહેનની ચિંતા રહેતી. તે નિયમિતપણે સોનિયાને ફોન કરતી, જે ઘણી વાર રિસીવ ન થતા. સોનિયા કૉલબૅક પણ ન કરતી. એકાદ વાર જુલીએ જૉનને કૉલ કર્યો તો તેણે તુચ્છકાર દાખવ્યો : યૉર સિસ ઇઝ અ ગૉન કેસ. તારી માની જેમ ડ્રગના રવાડે ચડી ગઈ છે તારી બહેન...
નો!
અભ્યાસમાં બ્રેક લઈ જુલી જર્મની દોડી ગઈ. અઠવાડિયું સોનિયા સાથે પિતાના ઘરમાં રહી, મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરાવી. જૉનને વિસારે પાડવા સમજાવી, પોતાની સાથે ઇન્ડિયા આવવા કહ્યું પણ...
પણ છેવટે તો નસીબમાં લખ્યું હોય એ જ થાય છેને!
સંભારીને અત્યારે પણ જુલીથી નિ:સાસો નખાઈ ગયો.
જૉન માટે સોનિયાનું વળગણ ઘેલછા બની ચૂક્યું હતું. તેમના લિવ-ઇનમાં મૅરેજનું કમિટમેન્ટ ક્યારેય હતું જ નહીં એવી જૉનની દલીલ પણ સાચી હતી. સોનિયા લગ્ન માટે દબાણ કરતી એટલે તે અકળાતો, એટલી જ સોનિયા આળી થતી. તેને સુસાઇડની ધમકી આપતી. એક-બે વાર તો જૉનની ઓફિસે જઈ તમાશો માંડ્યો. ડ્રગ્સનું બંધાણ ઘેરું બન્યું.
પરિણામે જુલી પણ મુંબઈ-જર્મની વચ્ચે ફંગોળાતી રહી. અભ્યાસ અધૂરો મુકાય એમ નહોતો ને જૉનની જેમ પોતે સિસ ઇઝ ગૉન કેસ કરી હાથ ખંખેરી શકે એમ નહોતી.
‘આઇ અપ્રિશિએટ યૉર એફર્ટ્સ.’
જુલીની જેમ જ સ્ટુડન્ટ-એક્સચેન્જ પ્રોગ્રામમાં ફ્રાન્સથી ભણવા આવેલો વિક્ટર હૅન્ડસમ હતો, સાચા સહાધ્યાયીની જેમ જુલીને બ્રેક દરમ્યાનની નોટ્સ પૂરી પાડતો એમાં તેમની મૈત્રી જામી. અવકાશ હોય ત્યાં બન્ને સાથે વીક-એન્ડ ગાળતાં. વિક્ટરથી સોનિયાની કહાણી છૂપી નહોતી.
‘ફાઇનલી જૉન લેફ્ટ હર.’
કૉલેજના ત્રીજા વર્ષની શરૂઆતમાં લાંબા સમયના વેકેશન પછી પરત થતી જુલીએ વિક્ટરને અપડેટ આપેલું : સોનિયા વૉઝ ટેરિબલી અપસેટ. સારું થયું આ બધું હું વેકેશનમાં ત્યાં હતી ત્યારે થયું. સોનિયાએ તેના કાંડા પર છૂરી ચલાવી આપઘાતનો પ્રયાસ કર્યો, ફૉર્ચ્યુનેટલી ઘા ઊંડો નહોતો એટલે ઊગરી ગઈ. હાલ તો તેને રીહૅબિલિટેશન સેન્ટરમાં મૂકી છે, વેર શી ઇઝ રિકવરિંગ.’
કહી તે ભારતની પરંપરાનો હવાલો આપતી, ‘હું હંમેશાં તેને અહીંના કલ્ચરની, ફિલોસૉફીની વાતો કરતી હોઉં, વેદપુરાણોના કિસ્સા સંભળાવું, ઍન્ડ બિલીવ મી એ હીલિંગ મેડિસિન જેવા પુરવાર થયા. સોનિયાની રૂમમાં કેટલાંય પ્રેરણાત્મક પુસ્તકો મૂકતી આવી છું અને સેન્ટરના કૅરટેકરનો હેવાલ છે કે સોનિયા રસપૂર્વક એ વાંચે છે, જૉનને એ ભૂલી શકી છે એ ગુડ સાઇન જ કહેવાયને!’
વિક્ટર ધીરજથી તેને સાંભળતો. જુલી ક્યારેક સેન્ટરમાં યોગાભ્યાસ કરતી સોનિયાનો ફોટો દેખાડે તો મલકી પડે : માય ગૉડ, યુ બોથ લુક અલાઇક!
પોતે ચહેરેમહોરે સોનિયા જેવી જ દેખાય એમાં જુલીને જોકે અચંબા જેવું લાગતું નહીં : ભલે અમે જોડિયાં નથી, બટ વી આર સિસ્ટર્સ. બે બહેનોની સૂરત સાવ મળતી હોય એમાં નવાઈ જેવું શું છે?
‘માત્ર સૂરત જ મળે છે જુલી કે બીજાં સ્ટૅટિસ્ટિક્સ પણ...’
વીક-એન્ડના સ્ટેમાં વિક્ટર બહેકી જતો. ચુંબન સુધીની છૂટ જુલીએ આપેલી, પણ હમણાંનો તે સાવ ઉઘાડી વાતો છેડી બદનસરસો થાય કે જુલી છંછેડાઈને તેને દૂર કરી દે : નો વિકી, સ્ટે અવે.
કામાવેગથી ફાટ-ફાટ થતો જુવાન બંદિશ કેમ સહે? વિક્ટર ઉશ્કેરાતો. એક વાર વાત વધી ગઈ...
‘યુ હૅવ જેન્ડર ઇશ્યુ? તને મરદોમાં જ રસ છેને?’
‘મને તારામાં રસ છે વિકી.’ જુલી લાગણીભીની થઈ તેના તપ્ત ચહેરા પર હાથ પસવારે, ‘પણ લગ્ન પહેલાં શારીરિક મર્યાદા ન ઓળંગવાના ભારતીય સંસ્કાર તું ભણીને પણ પચાવી શક્યો નહીં?’
‘સંસ્કાર, માય ફુટ!’ વિક્ટર ભડકતો, ‘આ બધી કિતાબી વાતો છે જુલી. શું ઇન્ડિયામાં લિવ-ઇન નથી ચાલતું? ગેરકાયદે અબૉર્શન નથી થતાં?’
‘વિકી, આ દેશમાં આજે પણ માંગમાં સિંદૂર અને મંગળસૂત્રની કિંમત થાય છે એ તું કેમ ભૂલે છે?’
‘મારે કશું યાદ રાખવું નથી જુલી, સિવાય એટલું કે તું ઔરત છે ને મને તારા જિસ્મની જરૂરત છે.’
કહેતાં વિક્ટરે તેને ભીંસી દીધી. ચુંબનોથી ગૂંગળાવી દીધી, તેનો હાથ સ્કર્ટના હુક પર પહોંચ્યો કે -
‘લી...વ મી...’ હતું એટલું જોર વાપરી જુલીએ તેને દૂર હડસેલી પાધરોક તમાચો વીંઝ્યો : હાઉ ડેર યુ!
વિકીનું પુરુષાતન ઘવાયું, અહમ ઘવાયો. પરિણામે બ્રેકઅપ તો થયું જ, કૉલેજ છોડતાં પહેલાં વિકી કૅમ્પસમાં જુલીના ફોટો સાથે પોસ્ટર ચિપકાવતો ગયેલો : શી ઇઝ અ ફ્રિજિડ ગર્લ... સ્ટે અવે ફ્રૉમ હર!
ના, જુલી ઘવાઈ નહોતી, ફીકું હસેલી માત્ર : તને સંબંધ તોડતાં પણ ન આવડ્યું વિક્ટર! સામા પાત્રની ગરિમા જાળવવાનું આપણે વીસરી રહ્યાં છીએ? હું પ્રણયભગ્ન ભલે થઈ, મારી બહેનની જેમ ભાંગી નહીં પડું, બલકે મારાં મૂલ્યોમાં મારી શ્રદ્ધા વધુ દૃઢ થઈ છે...
પરિણામે વતન પાછી ફરતી જુલી આત્મવિશ્વાસથી છલોછલ હતી. સોનિયા પણ હવે સ્વસ્થ હતી. બેઉ બહેનો સાથે રહેતી. જુલીએ કલ્ચરલ સેન્ટરમાં જૉબ મેળવી, જેમાં તેણે દેશ-વિદેશ ફરવાનું થતું. ક્યારેક સોનિયા પણ જોડે આવતી. જીવન વહેતું રહ્યું. ધીરે-ધીરે જૉન-વિક્ટર વીસરાયેલો ભૂતકાળ બનતા ગયા.
‘આઇ વુડ લવ ટુ વિઝિટ ઇન્ડિયા.’
સોનિયા કેટલું કહેતી! સેન્ટરમાં ભારતીય કલ્ચર વિશે વાંચી તેને
ભારત ભ્રમણનું ઘેલું લાગ્યું હતું. જુલી ત્યારે આફ્રિકાના અસાઇનમેન્ટ પર હતી. ત્યાંથી આવ્યા બાદ ઇન્ડિયા વેકેશન માણવા જઈશું એવું કહ્યું, પણ સોનિયા અધીરી થઈ હતી. પરિણામે તેણે ફોન પર સોનિયાના ડૉક્ટરને કન્સલ્ટ કરતાં તેમણે ગ્રીન સિગ્નલ આપ્યું : યુ સેન્ડ હર અલોન. શી ઇઝ ક્વાઇટ ફિટ. સોલો ટ્રિપ તેનો આત્મવિશ્વાસ બંધાવી જશે.
એટલે પછી દસ દિવસની ટૂરનું આયોજન જુલીએ જ કર્યું. આટલા દિવસોમાં ભારતની કોઈ એક જ
જગ્યા એક્સપ્લોર કરી શકાય એવી હોય તો એ પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર જ હોયને!
ત્યારે ક્યાં ખબર હતી કે મારી વહાલી બહેનનો એ અંતિમ પ્રવાસ બની રહેશે!
જુલીની પાંપણે ઝળઝળિયાં બાઝ્યાં.
કેટલી ખુશ હતી સોનિયા. દિલ્હીથી શ્રીનગર પહોંચી તેણે વિડિયો કૉલ કરેલો. દલ લેકની પાળીએ બેસી પાછળના હિમશિખર દેખાડી તે બોલી હતી - ઇટ્સ રિયલી ફીલ્સ લાઇક
હેવન હિઅર!
ફોન તે રોજ કરતી. ત્રીજા દિવસે તેણે ગુલમર્ગ જવાનું હતું. આગલી રાત્રે વાત થઈ ત્યારે તેણે કહેલું : અહીંનું હવામાન ગમે ત્યારે પલટી મારે છે. આવતી કાલે સ્ટૉર્મ્સની આગાહી છે એટલે ગુલમર્ગ જવાય એવું લાગતું તો નથી, બટ વિલ ટ્રાય...
હવામાન ખાતાની આગાહી છતાં તે શું કામ ગઈ! બરફના તોફાનમાં તે એવી ફસાઈ કે તેનો મૃતદેહ પણ અઠવાડિયા પછી મળ્યો!
બહેનના અંજામની યાદે ભીની થતી પાંપણ લૂછી જુલીએ સ્વસ્થ થવાનો યત્ન કર્યો. મન બીજે વાળ્યું :
આનાં ત્રણ વર્ષ પછી ફરી જુલી કાશ્મીર જઈ રહી છે... એક તો જન્નત જેવો પ્રદેશ, એમાં અનાહત સરખો સહપ્રવાસી! આગળ શું થાય એ કોણે જાણ્યું?
(વધુ આવતી કાલે)

