રાજા ઝળહળી ઊઠ્યો. આખરે શ્વેતાની નજીક જવાની કોઈ કડી મળી ખરી! સમયને વહેતાં ક્યાં વાર લાગે છે? દિવાળી જાણે હજી હમણાં ગઈ ને માર્ચની વાર્ષિક પરીક્ષાનો પડાવ પણ ગયો. અમાત્ય-વિશાલ હરખપદૂડાં થઈ ઋત્વી આવવાના દહાડા ગણે છે;
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
છ મહિના.
સમયને વહેતાં ક્યાં વાર લાગે છે? દિવાળી જાણે હજી હમણાં ગઈ ને માર્ચની વાર્ષિક પરીક્ષાનો પડાવ પણ ગયો. અમાત્ય-વિશાલ હરખપદૂડાં થઈ ઋત્વી આવવાના દહાડા ગણે છે; પણ શ્વેતા, વણજોઈતા મહેમાનને ટાળવાની એક સ્કીમ તારાથી શોધાઈ નહીં!
ADVERTISEMENT
શ્વેતા ખુદ પર અકળાય છે. હમણાં તો રોજ દીદી-જીજુ-ભાણી સાથે અમાત્યની લાંબી-લાંબી વાર્તા થતી હોય છે ઃ મુંબઈના બેસ્ટ ગણાતા ત્રિભુવન કોચિંગ ક્લાસમાં ઋત્વીનું નામ નોંધાવી દીધું છે. આમ તો બોરીવલીમાં તેમની બ્રાન્ચ છે, પણ રિઝલ્ટ વિલે પાર્લેની શાખાનું સૌથી સારું હોય છે, સો ઋત્વી ત્યાં જ ભણશે. સવારે ઑફિસ જતાં હું તેને મૂકતો જઈશ, આવતાં લેતો આવીશ... મને ફાવે એવું ન હોય તો શ્વેતા તો છે જ.
(હાસ્તો. શ્વેતા છે જને તમારી નોકરાણી!)
એવું તો સમસમી જવાતું. અમાત્ય ઋત્વીની ઍડ્મિશન ફી ભરે, નવું લૅપટૉપ ખરીદે એનો જરાય વાંધો નહીં, પણ ઘરના ત્રીજા બેડરૂમમાં ઋત્વી માટે નવું સ્ટડી-ટેબલ આવ્યું એ બદલાવ ખટકેલો: આખરે બહારનું કોઈ મારા અધિકારક્ષેત્રમાં આવવાનું પાકું થઈ ગયું...
આવ્યું તો ભલે, પણ વધુ સમય ટકશે નહીં!
શ્વેતાએ વધુ એક વાર જાતને ખાતરી આપી.
lll
‘તું જ કહે રાધિકા, કિશોરવયની છોકરીની જવાબદારી લેવી સહેલી છે? કંઈ ઊંચનીચ થઈ ગયું તો લોકો તો એમ જ કહેવાના કે મામીથી ધ્યાન ન રખાયું.’
શ્વેતાએ બળબળતો નિઃસાસો નાખ્યો. શનિની બપોરે અમાત્ય-વિશાલ વામકુક્ષિ માણતા હતા ત્યારે કિટી ફ્રેન્ડને કૉલ જોડી તે એકલી હોવાનું જાણી મળવા આવેલી શ્વેતાએ હૈયાભાર ઠાલવી દીધો. ઋત્વીને ટાળવાનું બહાનું મને સૂઝતું નથી. તે માંદી પડી જાય, તેને અકસ્માત થાય - કોઈને માટે પણ આવું ઇચ્છવામાં સંસ્કાર આડા આવ્યા એટલે પછી રાધિકા યાદ આવી ઃ કદાચ એની પાસેથી રસ્તો નીકળી આવે!
કિટી ગ્રુપમાં તે સૌથી સ્માર્ટ છે. સોસાયટીમાં ક્યાં શું રંધાય છે એની ખબર તેની પાસેથી મળી રહે એવી પાવરધી. તેનો વર ગવર્નમેન્ટમાં છે, પૈસો સારો, ને બેમાંથી ત્રણ થવાની બન્નેને ઉતાવળ નથી. જોકે તે મારા નામના વટાણા બીજે વેરે તો બૂમરૅન્ગ થાય એટલે સાચવીને સમસ્યા મૂકી. ઋત્વીનું આગમન પોતાને ગમતું નથી એવું સીધું કહેવાને બદલે છોકરીની જવાબદારી પર વધુ ભાર મૂક્યો.
‘અમાત્યને ચાવી આપ’ રાધિકાને આમાં સમસ્યા ન લાગી, ‘મારે તો હું ભાર્ગવ (પતિ)ને ત્રણ રાત આઘેરો રાખું કે ચોથા દહાડે તે વિલ પર પણ સહી કરી આપે!’
‘અમાત્ય એવા નથી. અરે, તેમને તો ગંધે ન આવવી જોઈએ.’ શ્વેતા ઉતાવળે બોલી.
‘બેસ, મીંઢી... પુરુષો તો સરખા જ હોય. એમ કહે કે એક કોરી રાત તારાથી નહીં જીરવાતી હોય.’
આમાં સખીસહજ મશ્કરીભાવ હતો. શ્વેતા રતુંબડી થઈ,
‘તું એ મુદ્દો મૂકને. ભાણીને ટાળવાનો કોઈ બીજો ઉપાય હોય તો બોલ.’
કહેતાં શ્વેતા અટકી. રસોડામાંથી તારાબાઈએ દેખા દીધી: આ તો રાધિકાની જૂની કામવાળી! દસ-બાર માસ અગાઉ સામેની વિન્ગમાં છઠ્ઠા માળે કોઈ છોકરો રહેવા આવ્યો પછી બીજાં કામ છોડી તે ત્યાં ફુલટાઇમ મેઇડ તરીકે ગોઠવાઈ ગઈ છે, પણ શનિ-રવિ એ છોકરો નથી હોતો એટલે જૂની શેઠાણીઓને જરૂર હોય તો મદદમાં આવી જાય ખરી. કિચનમાંથી તેણે અમારી વાતો સાંભળી હશે? શ્વેતાને સંકોચ થયો.
‘કૈસી હો તારાબાઈ?’ તેણે વિવેક ખાતર પૂછ્યું.
‘મજામાં’ કામ પતાવીને નીકળવા જતી તારાબાઈને પરાણે ૨૦૦ રૂપિયાની નોટ થમાવી રાધિકાએ હળવાશ દાખવી, ‘તારાબાઈને મોજ જ હોયને. રાજા બધી વાતે પહોંચેલો છે. એ તારાબાઈ જેટલું તો કોણ જાણે, ખરુંને તારાબાઈ?’
રાધિકાએ તો રાજાના પિતાની વગના સંદર્ભમાં નિર્દોષભાવે કહ્યું, પણ તારાબાઈને તીર નિશાને વાગ્યું. રાજાની પહોંચની મને ખબર છે એમ જતાવી સોસાયટીની ખેરખબર રાખવામાં પાવરધી ગણાતી આ શેઠાણી મને ભોગવિલાસનું મહેણું મારી ગઈ કે બીજું કંઈ?
‘જબાન સંભાળીને, શેઠાણી. હું બજારુ ઔરત છું કે રાજા સાથે મોજ માણું?’
તેના આક્રોશ કરતાં વધુ શબ્દોથી બેઉ સ્ત્રીઓ ડઘાઈ. શ્વેતાએ તો છોકરાનું નામ રાજા છે એય
અત્યારે જાણ્યું.
‘શાંત તારાબાઈ, હું તમારા વિશે આવું હલકું શું કામ ધારું? તમારો વયભેદ તો જુઓ. વીસેક વર્ષનો એ છોકરડો તમારા દીકરા જેવો...’
રાજાને પરણવાના ખયાલી પુલાવ પકવતી તારાબાઈને એ તો વધુ ચચર્યું.
‘હેય! જાસ્તી બોલુ નકા...’ તેણે ૨૦૦ની નોટ ટેબલ પર ફેંકી, ‘રાખ તારા પૈસા. ફરી મને તેડાવતી નહીં. આવી મોટી, રાજા મારો શું થાય એ નક્કી કરવાવાળી...’
ધમધમાટભેર તે નીકળી ગઈ.
‘બાપરે, આને શું થયું?’ શ્વેતાને સમજાયું નહીં, પણ એમ તો મેઇડના મામલામાં શું ખણખોદ કરવી!
જોકે રાધિકા પાસેથી કોઈ રામમાણ ઇલાજ ન જ મળ્યો, ઋત્વીના આગમનને ટાળી ન શકાયું.
lll
‘વેલકમ હોમ!’
નાના-નાની, મમ્મી-પપ્પા સાથે મામાના ઘરે આવેલી ઋત્વીના પગ ઉંબરે જ ચોંટી ગયા.
બારણે ફૂલોનાં તોરણ હતાં, હૉલમાં રંગબેરંગી બલૂનની સજાવટ હતી. મામાએ તેડેલા વિશાલે પંખે લટકતો ‘વેલકમ’નો બલૂન ફોડતાં ચૉકલેટ ઊછળીને વેરાઈ.
‘હવે અંદર પધારો ઋત્વીરાણી!’ મામીએ વહાલથી તેને ભીતર દોરી છાતીએ ચાંપી, ‘યુ આર મોસ્ટ વેલકમ!’
મામીની મીઠાશ કેવળ મહોરું છે એની મામાના ઘરે પધારેલી ઋત્વીને કે કોઈને પણ ક્યાં ખબર હતી?
lll
‘ભાણી આવતાં જ મામાનું ઘર ભરાઈ ગયું!’
એક અઠવાડિયાના રોકાણ પછી, રવિની બપોરે નીકળતી વેળા નર્મદાબહેને સંતોષ જતાવ્યો, ‘ઋત્વીને દૂર મોકલતાં વીણા હજી ઢચુપચુ હતી, પણ મેં કહ્યું, મા જેવી મામી ત્યાં છે પછી શી ચિંતા!’
(મા હું મારા વિશાલની, મા જેવી મામીના લાગણીવેડામાં મારે નથી તણાવું!)
‘ઋત્વી તું ભણવામાં ધ્યાન આપજે. વિશાલ જોડે બિલકુલ ઝઘડવાનું નથી. મામા-મામીને હેરાન ન કરતી.’
દીકરીને ચૂમીને છૂટાં પડતાં વીણાબહેન ઢીલાં પડ્યાં.
‘ઋત્વી છોકરીની જાત છે શ્વેતા, માસિક જેવી અમુકતમુક વાતોમાં ન અમાત્યને ગતાગમ પડે, ન ઋત્વી મામાને કહી શકે... પણ તું છે એટલે એની ચિંતા તો લગીરેય નહીં કરું.’
‘અફકોર્સ.’ શ્વેતાએ તેમનો ખભો પસવાર્યો, ‘ઋત્વી માટે બેફિકર રહેજો. હું છુંને.’
ખરેખર તો અઠવાડિયા અગાઉ ઋત્વી આવી ત્યારથી મામા-મામી કહીને તેણે સોસાયટી ગજવી મૂકી છે. બધા રોકાયા હતા ત્યાં સુધી
ઠીક, પણ મારાથી વધુ વખત, વધુ મીઠાં ન રહેવાય...
જનારાએ ‘આવજો’ કહી વિદાય આપતી શ્વેતાએ મામાને વળગતી ઋત્વીને નિહાળી: રોકાઈ ગયેલી, તને પણ હું જલદી રવાના કરી દેવાની!
lll
‘સામેના ઘરમાં કોણ આવ્યું છે?’
છેવટે રાજાએ તારાબાઈને પૂછી જ લીધું. થોડા દિવસથી મારી માશૂકાના ઘરમાં નવું પાત્ર દેખાય છે, તેના વિશે જાણવું તો જોઈએ!
રાજાના પ્રશ્ને તારાબાઈએ બારીમાં અછડતી નજર ફેંકી. સામું ઘર એટલે પેલી શ્વેતાનું ઘર એ સમજાયું. ૧૫ વર્ષની કન્યાને જોઈને મારા રાજાનું ચિત્ત ત્યાં ચોંટ્યું કે શું?
બિચારી તારાને ભનક સુધ્ધાં નહોતી કે રાજાની નજર ભાણી પર નહીં, મામી પર છે!
રાજા, તું હવે કેવળ મારો જ. આવતી દેવદિવાળીએ તું એકવીસનો થાય એટલે તને મારો નવરો બનાવી દેવાની છું! બીજી પર નજર નાખી તો ખબરદાર... આ તારા શું કરશે એ નક્કી નહીં! મનમાં જ કહી તારાએ રાજાને જવાબ વાળ્યો: ‘છે મામાની ભાણી.’
રાધિકાને ત્યાં શ્વેતાના મોઢે સાંભળેલા સંવાદનો હવાલો દઈ તારાબાઈએ ઉમેર્યું, ‘મને તો ત્યારે જ લાગ્યું કે ભાણી આવે એ શ્વેતાને પસંદ નથી... પણ રાધિકાથીય કોઈ તોડ નીકળ્યો નહીં હોય એટલે ભાણીબા આવી તો ગયાં છે, મામીને ગમે કે ન ગમે!’
રિયલી! તો તો મામી-આઇ મીન, મને બહુ ગમતી શ્વેતાને ન ગમે એવું તો થવું જ કેમ જોઈએ!
રાજાને આમાં તક દેખાઈ: ધારો કે હું કોઈક રીતે ઋત્વીનો કાંટો કાઢું તો શ્વેતાને પ્રિય થઈ પડું કે નહીં!
રાજા ઝળહળી ઊઠ્યો. આખરે શ્વેતાની નજીક જવાની કોઈ કડી
મળી ખરી!
lll
મને આ શું થાય છે?
શ્વેતા ખુદ પર અકળાય છે.
આજકાલ કરતાં ઋત્વીને અહીં આવ્યે પણ ત્રણ મહિના થવાના... આજે પણ તે મને મારા ઘરમાં નથી જોઈતી અને છતાં...
શ્વેતાએ હોઠ ભીડ્યા.
‘ઋત્વી, ઊઠો બેટા.’
પોતાની સવાર જ ઋત્વીને જગાડવાથી પડે.
‘મામી એમ નહીં...’
મમ્મી-પપ્પા ગયા પછીની પહેલી સવારે ઋત્વીને ઉઠાડતાં તેણે મોં બગાડ્યું, ‘તમે વિશુને આમ જ ઉઠાડો છો?’
‘વિશુ એમ ઊઠતો હશે? તેને માથે હાથ ફેરવું, તેને ગલીપચી કરું, ખોળામાં લઈ વહાલ કરું ત્યારે માંડ જનાબની આંખો ઉઘડે.’
‘બસ તો માની લો કે હું પણ વિશુ છું.’
(બસ ચાંપલી, તું ક્યારેય મારા વિશુનું સ્થાન ન લઈ શકે!)
અને છતાં મીઠડી મામીનો ભ્રમ અકબંધ રાખવા પોતે એમ કરવું પડતું જે હવે કેટલું સ્વાભાવિકપણે થાય છે! હરખના ઊભરાભેર તે ક્યારેક મને ‘મા...મી’ કહીને વળગી પડે ત્યારે છાતીમાં એવાં જ સ્પંદન ઊમડે છે જે વિશુના વળગવાથી ઊમડતાં હોય!
ઋત્વીને ડાર્ક કૉફી પસંદ છે. ચામાં મૅડમને એલચી નથી ચાલતી. ધાણાની સૂગ છે, ઍપલ તેનાં ફેવરિટ છે...
હજી બે દિવસ પહેલાં વીણાદીદી સાથે આવી વાતો થઈ ત્યારે તે બોલી ગયાં, ‘ઋત્વી કહેતી હતી કે તેના માસિકમાં તું રોજ તેની રૂમમાં સૂતી... આ બધું કરવા માનું કાળજું જોઈએ શ્વેતા અને મને સંતોષ છે કે મારા અમાત્યની પત્નીમાં એ ગુણ છે!
નથી જોઈતાં મને તમારાં વખાણ. નથી જોઈતી તમારી દીકરી. મને મારા ઘરમાં... મનમાં વિદ્રોહ ઊઠતો ને વળતી પળે ઋત્વી દેખાતાં પ્રસરી જતી મીઠાશમાં આયાસ કેમ નથી હોતો, શ્વેતાને એની પિંજણ છે.
ઋત્વીના આગમન પછી અમાત્ય-વિશુ તો સ્વાભાવિકપણે હરખઘેલા હોવાના. ઋત્વીના રીડિંગટાઇમ દરમ્યાન વિશુ તેની કમ્પ્યુટર ગેમ પણ બાજુએ મૂકી દે. અમાત્ય મોડે સુધી ઋત્વીનું લેસન ચકાસતો હોય એટલે રૂમમાં આવે ત્યારે મોટા ભાગે પોતે સૂઈ ગયેલી હોય તોય, ભાણી આવી એટલે મામો બૈરીને ભૂલી ગયો એવી ફરિયાદ મને કેમ નથી જાગતી?
મને આ થયું છે શું?
શ્વેતાએ દાંત ભીંસ્યા: નહીં, વર્ષોની મારી વ્યાખ્યા એમ હું કોઈના આગમનથી પલટાવા નહીં દઉં... હવે તો કોઈ પણ હિસાબે ઋત્વીને ઘરમાંથી કાઢવી છે એટલે કાઢવી જ છે...
ઍટ ઍની કૉસ્ટ!
lll
‘બાય બેટા!’
વિલે પાર્લેના ક્લાસ સામે ઋત્વીને ડ્રૉપ કરી અમાત્ય ઑફિસ જવા નીકળ્યો. ૬ માળના કમર્શિયલ બિલ્ડિંગમાં આખો ત્રીજો ફ્લોર કોચિંગ ક્લાસનો હતો. ગેટમાં દાખલ થઈ ઋત્વી લિફ્ટ તરફ વળી. અહીં કુલ ચાર લિફ્ટ હતી. ક્લાસ શરૂ થવામાં હજી સમય હતો એટલે પણ ખાસ અવરજવર નહોતી.
જેવી તે લિફ્ટમાં દાખલ થઈ કે તે પાછળ સરકી આવ્યો. છોકરીઓ તાપથી બચવા બુકાની પહેરે એમ તેણે ચહેરા પર માસ્કની જેમ ઊનનો વિન્ટર બેલ્ટ ચડાવ્યો હતો.
લિફ્ટ પહેલા-બીજા માળની વચ્ચે પહોંચી કે પાવર કટ થતાં અધવચ્ચે અટકી અને ઋત્વીને કંઈ સમજાય એ પહેલાં એ છોકરાએ પટ્ટો સહેજ ઊંચકીને તેના હોઠો પર હોઠ ચાંપી દીધા.
ઋત્વીની આંખે અંધારાં આવી ગયાં. એ એટલી ચીલઝડપે બન્યું કે પ્રતિકાર પણ સૂઝતો નહોતો.
‘તારા જેવી બ્રિલિયન્ટનું અહીં કામ નથી. ગામ ભેગી થઈ જા, નહીં તો બળાત્કાર માટે તૈયાર રહેજે!’
વળતી પળે વીજપ્રવાહ ચાલુ થતાં લિફ્ટ ઉપર સરકી, ત્રીજા માળેથી મહોરું ઓઢેલો તે જાણે ક્યાં સરકી ગયો. ક્લાસના સ્ટાફે તો ટૂંટિયું વાળીને બેઠેલી ઋત્વીને હૈયાફાટ રડતી જ જોઈ.
(વધુ આવતી કાલે)