બૈરી પાછળ કોઈ પડ્યું છે એવું જાણે તો ઘડોલાડવો કરી નાખે એવો કદાવર છે
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
વિક્રમ સંવતના નૂતન વર્ષનાં વધામણાં! ચારે બાજુ હર્ષોલ્લાસનો માહોલ છે ત્યારે શ્વેતાનું ભીતર ભડકે બળી રહ્યું છે.
અધરવાઇઝ ગામની દિવાળી શ્વેતા કબૂલે કે ન કબૂલે, મોજથી નીકળતી. દિવાળીના દિવસે એ લોકો મુંબઈથી નીકળે ને નવસારીના ઘરે નવા વરસની પૂજા કરી બીજી બપોરે દીદી-જીજુ-ઋત્વી આવી પહોંચે પછી જલસો જ જલસો! ખાસ તો અમાત્યની નજરમાં પોતાની છબી દૃઢ કરવા બધા માટે શ્વેતાએ ઢગલો શૉપિંગ કર્યું હોય. ઋત્વી માટે ડ્રેસ, ઘરેણાં, મેકઅપ જેવી અવનવી વસ્તુઓ મામીના પટારામાંથી નીકળે. છોકરી મામાને ડિંગોય દેખાડે : તમારા કરતાં તો મામી મારું વધુ ધ્યાન રાખે છે!
ADVERTISEMENT
વીણાદીદી પણ વિશાલને આવાં જ લાડ લડાવે, બધેથી હેત જ વરસી રહ્યું હોય પણ શ્વેતાને તો ભીંજાવું જ ક્યાં હોય? અમાત્યના કુટુંબ સાથે ગાળવાના થતા દિવસો જેને રોમ-રોમથી ચાહતી એ પતિનો કેવળ ભ્રમ પોષવાના હેતુસર પસાર થતા, લગ્નનાં આટલાં વરસે હવે તો એમાં સુધાર પણ કેમ આવે?
- અને સુધાર લાવવો પણ શું કામ?
અત્યારે પણ શ્વેતાના મૂળભૂત સ્વભાવે માથું ઊંચક્યું : હું મારો સંસાર મારી મરજી મુજબ ચલાવવા માગું એમાં ખોટું શું છે કે સુધારવું પડે?
આખરે મુંબઈના ઘરની સ્વતંત્રતા મને વહાલી છે. હું, મારો વર ને મારો દીકરો - મારા સંસારની આ જ પરિભાષા મને સ્વીકાર્ય છે.
‘યુ આર સો લકી!’ મારી સોસાયટીની કિટી પાર્ટીની ફ્રેન્ડ્સ મને કહેતી પણ હોય છે અને એ કેવળ અમાત્યના સંદર્ભમાં નહીં... સાસુ-સસરાથી અલગ રહેનારને નસીબદાર ગણનારી સખીઓમાં કોઈને સસરાની દખલગીરીનું દુ:ખ છે, કોઈ વળી પતિના માવડિયાપણાની રાવ કરતું હોય છે.
‘એ હિસાબે તારે શાંતિ.’ સાત જણના અમારા કિટી ગ્રુપમાં બોલવામાં મોંફાડ ગણાતી રાધિકા જેવી તો ખુલ્લું બોલી જતી - દીકરાને નાનીને ત્યાં અંધેરી મોકલી, બારીના પડદા ઢાળી તમે અલો-અલી બર્થ-ડે સૂટમાં જ્યાં જે કરવું હોય એ કરી શકો!
એ ભલે ગમેએવા તુક્કા લડાવે, મારા ઘરમાં મને બહારની કોઈ વ્યક્તિ નહીં જોઈએ એટલે નહીં જ જોઈએ પછી એ મામાની વહાલી ભાણી કેમ ન હોય.
શ્વેતાને સમજ હતી કે આ વિશે અમાત્ય સાથે ચર્ચા કરવી નિરર્થક છે. બાંધી મુઠ્ઠી શું કામ ખોલવી? એને બદલે વિચારી રાખેલો પાસો ખાનગીમાં દીદી આગળ ફેંક્યો : મને ગલત ન સમજતાં દીદી, ઋત્વીના મુંબઈ આવવાનો મને આનંદ જ હોય, પણ..
વીણાબહેન તેને પળ પૂરતાં તાકી રહ્યાં.
અમાત્ય પંડના દીકરા જેવો લાડલો હતો વીણાબહેનને. કિરણ એમાં પૂરક બની રહ્યા એવો સંતોષ હતો. અમાત્યની પરણેતર પણ દૂધમાં સાકરની જેમ પરિવારમાં ભળી જાય કે નિરાંત!
વીણાબહેનમાં એ ખબરદારી હતી. શ્વેતા તેમને પણ ગમેલી જ. જોકે લગ્ન પછી તેના રંગઢંગમાં ઝીણો બદલાવ નોંધ્યા પછી ચેતી ગયેલાં વીણાબહેને તેને મોઘમ સમજાવી દીધું ને તેજીને ટકોરની જેમ પછીથી તેનામાં ભેદ નથી ભાળ્યો, પછી આજે તેના બોલમાં શંકા શું કામ રાખવી?
‘એક તો ઋત્વીની નાદાન ઉંમર ને પાછું મુંબઈ જેવું બદનામ શહેર. અહીં ગલી-ગલીમાં ટપોરીઓ હોય છે દીદી. આવતાં-જતાં કોઈએ તેની છેડતી કરી કે ક્લાસમાં ગામડાની છોકરી સાથે રૅગિંગ થયું....’
શ્વેતાનો સ્વર ધ્રૂજ્યો એટલાં જ વીણાબહેન ધ્રૂજી ગયાં.
શ્વેતા મનમાં જ મલકી, ‘માટે જ કહું છું, બધી બાજુનો વિચાર કરી દીકરીને મુંબઈ મોકલજો.’
વીણાબહેન વિચારતાં થઈ ગયા. શ્વેતાને તો એમાં જીત જ દેખાઈ!
lll
શ્વેતાની મનસા અને પ્રાર્થના, બેઉ જોકે ફળ્યાં નહીં.
બીજી સવારે વીણાબહેને જ તેને કહ્યું : ‘તારો મુદ્દો મેં કિરણ સાથે ચર્ચ્યો, તે તો મને વઢ્યા કે નેગેટિવ ધારવું જ શું કામ? એટલે પછી ઋત્વી મુંબઈ આવશે એવું જ નક્કી રાખીએ, હેંને?’
‘અફકોર્સ!’ શ્વેતા બીજું શું કહે! આશ્વાસન પંપાળ્યું, ઋત્વીના આવવામાં હજી છ માસની વાર છે, ત્યાં સુધીમાં તેને દૂર રાખવાનો કોઈ ઉપાય તો હુ ખોળી જ લઈશ!
lll
‘મેરા રાજા!’
તારાબાઈએ તેને પાછળથી બાથ ભીડી. તેની હરકતમાં કામસુખની પિપાસા પરખાતાં રાજાના હોઠ સ્મિતમાં વંકાયા. આમ તો પોતે વીસ વરસનો છોકરડો ને ક્યાં આ ડબલ ઉંમરની હાઉસમેડ તારાબાઈ!
છ મહિના અગાઉ પોતાને બોરીવલીની ઝૅવિયર્સ કૉલેજમાં ઍડ્મિશન મળ્યું એટલે સતીશપપ્પાએ પૉશ એરિયામાં આવેલી ‘સુદર્શન સોસાયટી’માં આ ફ્લૅટની વ્યવસ્થા કરી આપી.
નૅચરલી પપ્પા મોટા સરકારી ઑફિસર. કોલાબામાં વિલા જેવું ગવર્નમેન્ટ ક્વૉર્ટર, તેમનો દીકરો ઓછો અપડાઉન કરે કે હૉસ્ટેલમાં રહે? નિર્મળા માને તો બોરીવલીનો જ વાંધો હતો : આપણો એકનો એક દીકરો ડાઉન ક્લાસ એરિયામાં શું કામ ભણે-રહે?
પણ શું થાય, ભણવામાં પોતે ખાસ ઉકાળ્યું નહીં એટલે પપ્પાની વગે માંડ બોરીવલીમાં પ્રવેશ મળ્યો. વગર ભાડે પોતાનો ખાલી ફ્લૅટ વિના શરતે આપી દેનાર કૉન્ટ્રૅક્ટર મદનભાઈએ જોકે બદલામાં પપ્પા પાસેથી બેચાર કામ મેળવીય લીધાં હશે, હું કૅર્સ!
રાજ્યના વાણિજ્ય મંત્રાલયમાં સભ્ય સચિવ પદ શોભાવતા સતીશ ભટનાગરની વગનું પૂછવાનું ન હોય. મોટો થયો એમ મારામાં પણ વગને વટાવવાની ઉસ્તાદી આવતી ગઈ. શાળાની પરીક્ષામાં ચોરી કરું પણ ધરાર જો કોઈ શિક્ષક મને રોકે.
હાઈ સ્કૂલમાં હદ વધુ વિસ્તરી - ચુંબન સુધી!
નામ તેનું મોહિની. સાચે જ સ્વર્ગની અપ્સરા જેવી. ઠરેલ છોકરી મને શાની ભાવ આપે એટલે એક રિસેસમાં બિન્દાસ તેની નજીક જઈ તેના હોઠ ચૂમી લીધેલા. એ ઘટનાનો બહુ ઊહાપોહ થયેલો. છોકરીને ટ્રૉમાનો અટૅક આવી ગયો, તેના પપ્પા ઓળખાણ કાઢી એકાદ મિનિસ્ટર સુધી પહોંચ્યા ત્યારે ઘરેથી ઠપકાની બીક હતી. એને બદલે માબાપે પીઠ પસવારેલી : તું ચિંતા ન કર. ઊગતી જવાનીના આવેશમાં તને ગમતી કન્યાને તેં ચૂમી લીધી તો શું આભ તૂટી પડ્યું!
પછી જે બન્યું એણે મને પિતાશ્રીની પહોંચનો બરાબર અણસાર આપી દીધો. ખુદ પ્રિન્સિપાલે મિનિસ્ટરને મળી સમજાવ્યું કે વાંક છોકરીનો હતો! તે છોકરાની પાછળ પડી હતી, છોકરાએ ભાવ ન આપતાં તેણે ઊલટો દાવ ખેલ્યો. છોકરીના ‘હસ્તાક્ષર’માં લખેલાં લવ લેટર્સ પણ પુરાવારૂપે દર્શાવ્યાં : આ તો છોકરાનાં માવતરની ખાનદાની કહેવાય કે છોકરીની બદનામી ન થાય એ માટે આ વિશે હરફ ઉચ્ચાર્યો નથી...
પત્યું! ‘પુરાવા’ જોઈ બિચારીનો બાપ ભાંગી પડેલો. મોહિનીનું નામ સ્કૂલમાંથી કઢાવી એ લોકો એવા અંતરધ્યાન થયા કે ક્યાં ગયા કોણે જાણ્યું?
પણ આ કિસ્સાએ સમજાવી દીધું કે નામ પ્રમાણે રાજાની જેમ જીવવાનો મને હક છે!
ભારોભાર ઍટિટ્યુડ અને કાતિલ રૂપ - પરિણામે કૉલેજમાં પણ હું છવાઈ ગયો છું. ત્યાં પાસ તો પપ્પાની મહેરબાનીથી જ થવાનું છે એટલે ભણવાને બદલે ધ્યાન બીજે વધુ ભટકે. જુવાન થતા છોકરાને સૌથી વધુ રસ કન્યાની કાયામાં જ પડેને!
છોકરીઓ પણ તિતલીની જેમ મારી આગળ-પાછળ મંડરાતી રહેતી હોય. અહીં આવ્યાના પહેલા જ મહિને કાચી કળી જેવી કૉલેજની એકાદ છોકરી સાથે સુહાગરાત ઊજવી, પછી તો વાઘ જાણે લોહી ચાખી ગયો હોય એમ મન બીજે ક્યાંય ચોંટતું જ નથી! બીજા મહિને નશાની હાલતમાં તારાબાઈને વળગેલો ત્યારે પહેલાં તો ભડકેલી પણ મારી મરદાનગીથી પરવશ થઈ હવે તો સામેથી મને સુખ આપતી હોય છે!
- ઍન્ડ ધૅટ મેડ મી રિયલાઇઝ કે નાદાન છોકરીઓ કરતાં અનુભવી ઔરત સાથેની કામક્રીડાનો આનંદ જ અનેરો છે!
આવી જ એક અનુભવી ઔરત મારા જિગરમાં વસી છે. શું મસ્ત-મસ્ત ચીજ છે! જાણે સંગેમરમરમાં કંડારેલી મૂરત.
રાજાની નજર બારી બહાર, સામેની વિન્ગના સામા ફ્લૅટના હૉલની બંધ બાલ્કની પર પડી.
પતિ-બાળક ઑફિસ-સ્કૂલ ગયા પછી હૉલમાં મૅટ પાથરી તે યોગાસન કરતી હોય ને અજાણતાં જ તેને એક વાર એ અવસ્થામાં નિહાળ્યા પછી તો હું તારાબાઈથી પણ અજાણપણે રૂમની બારીમાંથી દૂરબીન વડે તેને તાકી રહું. તેની ગોરી ત્વચા, અંગોની એ લચક, એક્સરસાઇઝથી છાતીમાં ઊઠતી હાંફ... ઉફ્ફ, ઉફ્ફ ઉફ્ફ!
તેને રૂબરૂ થવાની હિંમત નથી થતી. થયો તો તેના પર તૂટી જ પડીશ એવી બીક રહે છે. બાકી તારાબાઈ પાસેથી જાણી રાખ્યું છે કે તેનું નામ શ્વેતા છે. તેનો વર અમાત્ય PhD છે ને સાત વરસનો દીકરો વિશાલ નજીકની પ્રાઇમરી સ્કૂલમાં જાય છે.
ધૅટ અમાત્ય પણ કમ હૅન્ડસમ નથી. તેની બૈરી પાછળ કોઈ પડ્યું છે એવું જાણે તો ઘડોલાડવો કરી નાખે એવો કદાવર છે.
- આ ભીતિ પણ રાજાને બાંધી રાખતી. અમાત્ય-શ્વેતા ન્યાયની દુહાઈ માગે તો-તો પહોંચી વળાય પણ અમાત્ય પાધરકો મારવા જ દોડે તો તો મારાં હાડકાં-પાંસળાં એક થઈ જાય, એ ન પરવડે!
તો શું કરવું?
એટલું સૂઝે છે કે કુછ તો કરના પડેગા. દૂર રહ્યે તું મારું વીસ વરસનું કુંવારું હૈયું ઘાયલ કરી ગઈ છે શ્વેતા, તારા માટે આ દીવાનો કઈ હદ સુધી જઈ શકે એનો તને અંદાજ પણ નહીં હોય! જોને દિવાળીમાં તું ગામ ગઈ તો મારે આ તારાબાઈ જોડે ટાઇમપાસ કરવો પડે છે.
lll
અને તારાબાઈ ચીખી ઊઠી. એમાં સંવનનમાં આક્રમક બનતા પુરુષને ઓર ઉશ્કેરવાનો આશય વધુ હતો.
પુરુષ.
તારાબાઈ બંધ આંખે જ મલકી. વીસ વરસનો છોકરડો પુરુષ ન ગણાય, પણ એનું કૌવત અનુભવી મરદોનેય પાછા પાડે એવું છે!
કોણે ધારેલું કુદરત આમ રીઝશે?
થોડા વખતથી આ સોસાયટીમાં જ ચાર-છ ઘરે કામ બાંધેલાં એમાં છ માસ અગાઉ આ ઘરના માલિક મદનભાઈએ તેમના મિત્રના દીકરા માટે ફુલટાઇમ મેડનો પ્રસ્તાવ મૂકતાં સ્વીકારી જ લેવાનો હોયને. કચરા-પોતાથી રસોઈ સુધીનું બધું મારે જોવાનું. સૂવાનું પણ કિચનમાં. બીજાં કામ છોડી હું અહીં વસી ગઈ. હા, ક્યારેક જૂની શેઠાણીઓને જરૂર હોય તો બે કામ કરી આપું ખરી. .
અહીં કામ પર લાગી ત્યારે પોતે ચાર વરસથી નિ:સંતાન વિધવા, ન કોઈ આગળ, ન પાછળ. દિવસભર ગધાવૈતરું કરી પથારીમાં પડો એવાં ઘોરવા માંડો. સુંવાળી વૃત્તિનું સ્થાન જ રહ્યું નહોતું. એ એકાએક ભડકી રાજાના સ્પર્શે!
વગદાર પિતાનો છોકરો છેલબટાઉ છે એ તો તેના લક્ષણે આરંભે જ પરખાઈ ગયું. તેનાં માબાપ પણ કેવાં! નિર્મળામૅડમ તો બધું નક્કી કરતી વેળા એક વાર આવેલાંય ખરાં. સતીશ શેઠે તો અહીં પગ સુધ્ધાં નથી મૂક્યો! શનિ-રવિ છોકરો કોલાબાના ઘરે હોય એથી અહીં એની ભાળ જ નહીં કાઢવાની?
એ જ છોકરાએ નશાની હાલતમાં પોતાને જકડી ત્યારે પહેલાં તો ભડકી જવાયું પણ મન વિરોધ માટે મક્કમ થાય એ પહેલાં તેની મરદાનગીના અણસારે લપસી પડ્યું... પછી તો પોતે એને નિતનવા ખેલ શીખવી શય્યાનો શહેનશાહ બનાવી દીધો છે. મારા વરે શીખવેલું કંઈક તો કામ લાગ્યું.
- પણ મામલો હવે શરીરસુખ પૂરતો ક્યાં રહ્યો છે? રાજની પીઠ પર નખ ખુંતાડતી તારાના ચહેરા પર ચમક પથરાઈ : ચાહવા લાગી છું હું રાજાને. શનિ-રવિ એ નથી હોતો તો મને ચેન નથી હોતું. સોમવારે પરત થતો રાજા મારા પર તૂટી પડે છે - તેનેય મારું ઘેલું હશે તો જને! પુરુષની વાસનાને પણ ચાહત જ કહેવાય.
અને પ્રણયની મંઝિલ શુ? શાદી! સહશયનમાં મારી હેસિયત, મારી ઉંમર આડે ન આવે તો લગ્નમાં શું કામ આવવી જોઈએ? આવતા વરસે રાજાને એકવીસમું બેસે છે એ રાતે તેને રીઝવી લગ્નનું વચન માગી લઉં તો?
અને જાણે રાજા ખરેખર લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી જ લેવાનો હોય એવા આવેશમાં તારાબાઈએ તેને ભીંસી દીધો!
(ક્રમશઃ)