Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જનનીની જોડ માની મમતા, સ્ત્રીની મમત (પ્રકરણ-૫)

જનનીની જોડ માની મમતા, સ્ત્રીની મમત (પ્રકરણ-૫)

Published : 17 January, 2025 11:28 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અરે છોડો મુઝે. જાને દો. વો વાપસ કૈસે આ સકતા હૈ? સાલોં પહલે મૈંને ઉસે માર દિયા થા...

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


અઢાર વર્ષ!


પૂજાખંડમાં લટકાવેલી દીકરાની તસવીરને નિહાળતાં યશોદાબહેનથી ધ્રૂસ્કુ નખાઈ ગયું.



આજકાલ કરતાં મારા આનંદને ગયે આજે અઢાર વરસ થયાં! લગ્નદિને જ તે ગામતરું કરી ગયો. તોય પોતે તેની પરણેતર પ્રત્યે સમતા રાખી, પણ પછી કરણના પ્રવેશે વહુ પ્રત્યેના વિશ્વાસમાં તિરાડ સર્જી.


આનંદ, તું જેને ચાહતો હતો તેનું અસલી રૂપ જુદું જ નીકળ્યું! હવે તો થાય છે કે તે તને ચાહતી પણ હતી ખરી? કે પછી તારા અલ્પ આયુ વિશે જાણીને મિલકત પર ડોળો રાખીને પરણી હોય, કોને ખબર!

એવામાં આનંદ ગયાના ચોથા મહિને અવનિએ પ્રેગ્નન્સીનો ધડાકો કરતાં ભડકી જવાયું... ચોક્કસ આ કરણનું જ પાપ! અને તોય જો અવનિ આનંદના નામથી છૂટી થવા માગતી હોય! સમાજમાં પોતાની છબિ ઊજળી રાખવા માટે જને?


અવનિના પાપને આનંદના

નામે ચડવા ન દેવા પોતે કોર્ટમાં પણ ગયાં, પરંતુ ન્યાયાધીશે કેસ જ ખારીજ કરી દીધો!

ચુકાદાની ચર્ચા કરતાં લોકો વિખેરાયા. કઠેડામાંથી વહુ કાલી થવા દોડી આવી, પણ પોતે તેને નજરોથી વીંધી નાખી હતી ઃ તારું સુખ ઇચ્છતી હોય તો દૂર થઈ જા મારી નજરોથી. નહીંતર હું કંઈક કરી બેસીશ...’

અને કંઈક કરી બેસવાની ધમકીથી બી ગઈ હોય એમ અવનિવહુ એવી ગાયબ થઈ જાણે તેનું અસ્તિત્વ જ ન રહ્યું હોય!

યશોદાબહેને કડી સાંધીઃ

કોર્ટચુકાદાનાં આઠ-દસ અઠવાડિયાં પછી પોતે ફરી એક વાર ફારગતિની તજવીજ હાથ ધરી ત્યારે જાણ્યું કે વહુ ને તેનાં મા-બાપ ગામઘર છોડીને અજાણવાટે ચાલી નીકળ્યાં છે! એટલું જ નહીં, પેલો કરણ પણ હવે ચીખલી ગામે નથી રહેતો એટલી ભાળ મળ્યા પછી એક વત્તા એક જ કરવાનું રહેતું હતું ઃ બેઉ નવા શહેરમાં જઈને પરણી ચૂક્યાં હશે! અહીં લગ્ન કરત તો અવનિ ભૂંડી ઠરત પણ મારી બાઈ, તારે કરણ જોડે પરણવું જ હતું તો કોરટમાં આનંદના નામથી જુદાં ન પડવાનું, ગર્ભધાનની ટ્રીટમેન્ટનું નાટક શું કામ કર્યું?

ખેર વીત્યાં વર્ષોમાં બહારના તો બધું વીસરી ચૂક્યા છે. મારો મોટા ભાગનો સમય અહીં ઘરમંદિરમાં પૂજાપાઠમાં વીતે છે.

અને...

‘માજી.... માજી!’

ચારણની બૂમ પડતાં યશોદાબહેને વિચારમેળો સમેટીને વર્તમાનમાં આવી જવું પડ્યું.

‘જલદી બહાર આવો માજી...’

ખાસ્સાં વીસેક વર્ષથી ઘરની ચાકરી કરતો આધેડ વયનો વફાદાર ચારણ પૂજાખંડના ઉંબરે આવી હાંફતો હતો. આનંદની હાર ચડાવેલી તસવીર તરફ જોતાં વળી ધ્રૂજી ગયો, ‘બહાર આનંદશેઠ આવ્યા છે, માજી!’

અણધારેલું સાંભળીને યશોદાબહેનની મુખરેખા તંગ થઈ.

‘સવાર-સવારમાં ભાંગ પીધી છે કે શું?’ શબ્દોના મારથી તેને તતડાવતાં યશોદાબહેન દીવાનખંડમાં આવ્યાં એવાં જ થીજી ગયાં.

સામે જ તે ઊભો હતો. હળવી મુસ્કાનભેર આનંદની વિશાળ છબિને તાકી રહ્યો છે, પણ મને તો જાણે છબિમાંથી ખુદ આનંદ જ બહાર આવી ઊભો હોય એવું કેમ લાગે છે?

બિલકુલ એ જ કદકાઠી, એ જ પાણીદાર આંખોથી શોભતું સોહામણું મુખડું. આ તે સ્વપ્ન કે સત્ય? યશોદાબહેનને તમ્મર આવ્યાં. એનો અણસાર આવ્યો હોય એમ તે તરત નજીક દોડી આવ્યો.

‘સંભાળો, દાદીમા.’

દા...દી...મા.

તેના દોરવ્યા સોફા પર બેસતાં યશોદાબહેનની બંધબારી ખૂલી ગઈ.

આ જુવાન આનંદ નથી, તેનો અંશ છે - મારો પોતરો! આખરે પેલાં ન્યાયાધીશ અલકનંદાના શબ્દો સાચા પડ્યા ઃ કાયદાની, માણસની જ્યાં મર્યાદા આવે એ કેસનો હવાલો કુદરત લેતી જ હોય છે...

અને કુદરતે અવનિના સંતાનને આનંદનું જ રૂપ દઈ ચુકાદો આપી દીધો કે અવનિની કોખમાં બીજ આનંદનું જ હતું!

યશોદાબહેનની અશ્રુધારા વહી એમાં પૌત્રને પામવાનો આનંદ હતો એમ વહુને પારખી ન શક્યાનો પસ્તાવો પણ!

‘રડો નહીં દાદીમા...’ ઘૂંટણિયે ગોઠવાઈ તેણે યશોદાબહેનનાં આંસુ લૂછ્યાં.

જાણે મારો આનંદ જ!

યશોદાબહેને તેને છાતીસરસો ચાંપ્યો,

‘ક્યારનો દાદી-દાદી કરે છે, પણ તારું નામ તો કહેતો નથી. મારે તને શું કહીને બોલાવવો?’

‘અંશ - તમારા આનંદનો અંશ!’

કહેતાં તે અળગો થયો, ગંભીર બન્યો.

‘દાદીમા, વખત ઓછો છે. આપણે જલદી મુંબઈની હૉસ્પિટલ પહોંચવાનું છે.’

‘હેં!’ યશોદાબહેનનું હૈયું થડકી ગયું.

lll

‘મા, તમે આવી ગયાં! આપણો આખરી મોંમેળાપ તો થયો!’

હૉસ્પિટલની સ્પેશ્યલ રૂમમાં નિષ્પ્રાણ જેવી પડેલી અવનિની આંખોમાં યશોદાબહેનને જોઈને ચમક ઊપસી.

‘આ શું હાલત કરી નાખી તેં તારી અવનિ!’ યશોદાબહેનથી હાયકારો નખાઈ ગયો.

અંશ સાથે કારમાં મુંબઈ આવતાં સુધીમાં તેમણે જોકે જાણી લીધું હતું કે અવનિની બન્ને કિડની ફેલ થઈ ચૂકી છે. તેના પેરન્ટ્સની કિડની ચાલે એમ નથી, અંશ હજી સત્તરનો છે, માઇનૉર છે એટલે કિડની આપી શકે નહીં, ડોનર માટે અપ્લાય કર્યું, પણ એનો મેળ પડે એ પહેલાં ક્યાંક માનો જીવનદીપ ન બુઝાઈ જાય એવી ધાસ્તી જતાવતાં અંશ રડી પડેલો.

ત્યારે તેની હામ બંધાવતાં યશોદાબહેન ખુદ અવનિને જોઈને ઢીલાં પડી ગયાં.

‘તમે બધાં આમ રડમસ બનો છો એ મને નથી ગમતું.’ અવનિએ તેના માવતર, અંશ, યશોદાબહેન તરફ નજર ફેરવી રણકો ઉપસાવ્યો, ‘મારા માટે તો મૃત્યુ એટલે આનંદ સાથેના પુનર્મિલનની ઘટના. એનો તે કાંઈ શોક હોય?’

‘અરે જાજા...’ યશોદાબહેને રુઆબ ઉછાળ્યો, ‘એમ કાંઈ હું તને મારા પહેલા આનંદને મળવા જવા દેતી હોઈશ? મારી આજ્ઞાને ઉલ્લંઘી જવાની થઈ તો કોર્ટમાં કેસ ઠોકી દઈશ.’

‘કોર્ટકેસ....’ ઘડીભર રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

‘અંશ, તારી આ દાદી બહુ ભૂંડી છે હોં - તારી મમ્મી વિરુદ્ધ...’

એવો જ અંશે યશોદાબહેનનો પહોંચો દબાવ્યો.

‘તમે કેસ ઠોક્યો દાદી, સામે મા પણ લડી. એના મૂળમાં કેવળને કેવળ પપ્પા માટેનો તમારા બન્નેનો સ્નેહ જ હતો. એની સમજ મને છે દાદી.’

‘ઓહ...’ યશોદાબહેનના કાળજે ટાઢક થઈ. પોતાની માને આડકતરી રીતે વ્યભિચારી ઠેરવી કોર્ટમાં ઘસેડનારી, ગામઘર છોડાવનારી દાદી પ્રત્યે અંશને એટલી જ માયા રહે એ કેવો સુખદ ચમત્કાર! ‘આ સમજ, આ સંસ્કાર વહુના, વહુનાં મા-બાપના!’ નમીને તેમનો આભાર માનતાં યશોદાબહેનની આંખો વરસી પડી.

‘રડો નહીં મા, જોશીએ કહ્યું છે કે ખૂબ-ખૂબ આયુષ્ય લઈને અવતર્યો છે તમારો પોતરો!’

કહેતી અવનિ સાંભરી રહી ઃ

તું મારી નજરથી દૂર થા વહુ, નહીં તો હું કંઈક ન કરવાનું કરી બેસીશ!

કોર્ટના ચુકાદા પછી માએ કહેલાં વેણ અવનિને રાતવરત ઝબકાવી જતાં. મા ખરેખર મારા ગર્ભને કે જન્મેલા બાળકને નુકસાન પહોંચાડવાનાં થયાં તો? ના, ના આનંદના અંશનું અહિત માના હાથે તો થવા જ કેમ દેવાય?

આનો એ જ ઉકેલ દેખાયો ઃ અજાણવાટે સરકી જવું! મા-બાપ દીકરીના પડખે રહ્યાં. મુંબઈમાં આનંદ રહેતો એ જ ફ્લૅટ ખરીદીને વસ્યાં, આનંદનુ ઘર મારાથી છૂટે કેમ! પપ્પા-મમ્મીનું પેન્શન હતું, પોતે નર્સરીમાં નોકરી કરી, જીવન વહેતું રહ્યું. અંશ આનંદના રૂપમાં ઢળતો ગયો એમ મા માટે તેનો સ્વીકાર સહજ બનશે એવી ઉમ્મીદ બંધાઈ...

‘આ વર્ષે તેને લઈને ગામ આવવાનું નક્કી કર્યું, પણ બીમારી ત્રાટકી...’

અવનિએ વીતકની કડી સાધી ઃ ‘અંત ઘડી પામી એટલે તેને એકલો મોકલવો પડ્યો...’ કહી અવનિએ અંશનો હાથ માના હાથમાં મૂક્યો, આટલું કરતાં હાંફી જવાયું, ‘મા આનંદની અમાનત તમને સોંપું છું. મારું કાર્ય પૂરું થયું.’

તેણે આંખો મીંચી દીધી.

lll

એ આંખો ફરી ખૂલી ત્યારે અચરજ જ છવાયું. ‘મારાં મમ્મી-પપ્પા, અંશ કેવી આતુરતાથી મને તાકી રહ્યાં છે!’

‘અભિનંદન અવનિ, ડોનરની કિડની બરાબરની કામ કરી રહી છે. તમે હવે ૧૦૦ વર્ષ જીવવાનાં!’

તપાસીને વિદાય લેતા ડૉક્ટરની વધાઈ અને સાસુની ગેરહાજરીથી જાણે બધું સમજાઈ ગયું હોય એમ અવનિએ ઉઊંડો શ્વાસ લીધો.

એ જ વખતે વૉર્ડબૉય યશોદાબહેનને સ્ટ્રેચર પર રૂમમાં લઈ આવ્યાં, તેમનો ખાટલો અવનિની સામી બાજુએ ગોઠવાયો. સાસુ-વહુએ નજરથી જ સબ-સલામતની આપ-લે કરી લીધી.

‘મારા માટે તો આ પ્રાયશ્ચિત્ત પણ હતું વહુ..’ યશોદાબહેને કહ્યું.  

‘બસ મા, હવે ફરી એ વાતો નહીં...’ અવનિએ અંશને નિહાળ્યો, ‘જોયું અંશ, તારી દાદી કેવી જબરી છે. મને કિડની દઈને આનંદને મળવામાં તેમણે છેટું પાડી જ દીધું.’

‘તેં સાચું કહ્યું મા.’ અંશ બે પલંગની વચ્ચે ઊભો રહ્યો, ‘ડૉક્ટરે ઘણું કહ્યું કે આ ઉંમરે કિડની આપવામાં તમારા જીવનું જોખમ છે, પણ માને તો એ તારાં સાસુ શાનાં? તેમને તારા કરતાં વહેલું આનંદ પાસે પહોંચવું હશે, પણ પપ્પાએ જ પાછાં મોકલ્યાં - જાઓ, મારા અંશને તમારી વધુ જરૂર છે!’

અંશે દાદી-મમ્મીનો હાથ પકડ્યો અને લાગણીની સાંકળમાં ત્રણેયને બંધાતાં જોઈ આનંદે સાચે જ પરિતૃપ્તિ અનુભવી હશેને!

lll

-અને ત્રીજી બપોરે દવા લઈને અંશ રૂમમાં પ્રવેશ્યો કે...

‘અરે છોડો મુઝે. જાને દો. વો વાપસ કૈસે આ સકતા હૈ? સાલોં પહલે મૈંને ઉસે માર દિયા થા...’

બહાર શોરબકોર સંભળાતાં અંશ નાના-નાની ભેગો ડોકિયું કરવા ગયો. આધેય વયનો સૂકલકડી પેશન્ટ એટલું જોર અજમાવતો હતો કે બબ્બે વૉર્ડબૉયે તેને ઝાલી રાખવો પડ્યો. તે મને જોઈને આવો લવારો કરે છે એ સમજાતાં અંશને નવાઈ લાગી, પણ અવનિના પિતાને ધીરે-ધીરે ઓળખતાં ઝબકારો થયો ઃ કોણ, કરણ તો નહીં?

ક...ર...ણ..

મા-પિતાની પ્રણયગાથામાં, સાસુને વહુ પ્રત્યે વહેમાવવામાં વિલન ઠરેલા કરણની ભૂમિકા અંશથી અજાણ નહોતી.

પણ તે મને માર્યાનું કહે છે એનો અર્થ તો એ કે તેણે વર્ષો અગાઉ પપ્પાની હત્યા પ્લાન કરી!

‘મેં જ વરઘોડિયાની વિન્ટેજ કારમાં ખરાબી સર્જી... એમાં આનંદ મર્યો, તે જીવતો થાય જ કેમ?

દરવાજેથી ડોકિયું કરતાં યશોદાબહેન-અવનિ નવા ફણગાએ થીજી ગયાં. અવનિના માવતર હેબતાયાં. અંશનાં જડબાં તંગ થયાં. હૉસ્પિટલનો સ્ટાફ જોકે કરણથી કંટાળેલો લાગ્યો ઃ

‘એક નંબરનો બેવડો છે... દારૂની તલપે આમ જ લવારીએ ચડી જાય છે...’

પણ અત્યારે તે લવારો નહોતો કરી રહ્યો એ અંશને તો બરાબર પરખાતું હતું. તેના હાથની મુઠ્ઠી ભીંસાઈ. એવો જ તેનો ડાબો-જમણો હાથ યશોદાબહેન-અવનિએ પકડી લીધો ઃ કુદરતે એનું કામ કરી લીધું, હવે ગુનેગારનો હવાલો કાયદાને લેવા દે!

lll

‘ઑર્ડર... ઑર્ડર.’

નિવૃત્તિના આરે ઊભેલાં ન્યાયમમૂર્તિ અલકનંદા કેસની વિગતો જાણી ચમકી ગયાં, કોર્ટરૂમમાં નજર ફેંકતાં સાસુ-વહુને ઓળખી પણ ગયાં. અંશને આનંદની સૂરત દઈ કુદરતે દાદીનો વહેમ ભૂંસવાની સાથે વર્ષો અગાઉનો હત્યાનો ગુનો પણ સપાટી પર આણી દીધો!

ગુનેગારના પીંજરામા ઊભો કરણ હતપ્રભ છે. પોતે જેને આનંદ માન્યો તે તો આનંદનો દીકરો નીકળ્યો! હૉસ્પિટલમાં અવનિને તેની સાસુ સાથે જોઈ કુદરતે તમાચો માર્યો હોય એવું વસમું લાગેલું.

મારે તો અવનિના સંતાનને ગર્ભમાં જ ટૂંપો દેવો હતો, પણ તે જાણે ક્યાં અંતરધ્યાન થઈ ગઈ?

પછી તો પિતાએ મને વતન તેડાવ્યો, ઊંચું દહેજ લઈ પરણાવ્યો, પણ હાયરે. આગરા હાઇવે પર જાનને ભીષણ અકસ્માત નડતાં મારાં માવતર સહિત કેટલાયનાં મૃત્યુ થયાં અને પુરુષત્વ ગુમાવનારો હું દારૂમાં ડૂબી ગયો! પથારીમાં નક્કામા ઠરેલા પતિને પરણેતરે અપમાનિત કરી, મિલકતનો કબજો મેળવી ધક્કો મારી હાંકી કાઢ્યો, ત્યારનો દરબદર ભટકું છું... દારૂ પી બેભાન બનેલા મને સુધરાઈવાળા વધુ એક વાર હૉસ્પિટલમાં મૂકી ગયા એમાં ભૂતકાળનો છેડો કેવો જોડાયો!

‘આ કુદરતનો ફેંસલો છે કરણ, તારા ગુના બદલ કાયદો તને જનમટીપની સજા આપે છે.’

જજના ફેંસલાથી કરણ ખડખડાટ હસ્યો અને હસતો જ રહ્યો.

તેનું ચિત્તભ્રમ થયેલું જોઈ યશોદાબહેન એટલું જ બોલ્યાં, ‘જેવી જેની કરણી!’

lll

કથાના ઉપસંહારમાં એટલું જ કે વલસાડના ઘરે ફરી સુખ હિલોળા લઈ રહ્યું છે. દાદી અને માની હેતવર્ષામાં ભીંજાતા અંશનું કોઈ સુખ નજરાવાનું નહીં એટલું વિશેષ!

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2025 11:28 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK