Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જનનીની જોડ માની મમતા, સ્ત્રીની મમત (પ્રકરણ-૪)

જનનીની જોડ માની મમતા, સ્ત્રીની મમત (પ્રકરણ-૪)

Published : 16 January, 2025 04:53 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ઘાતકી ઇરાદો પોષતા કરણે સાસુ-વહુથી નજર ફેરવી લીધી ને ટોળામાં ભળીને કોર્ટરૂમમાંથી સરકી ગયો

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ઑર્ડર, ઑર્ડર!’


ન્યાયમૂર્તિ અલકનંદાના આદેશે કોર્ટરૂમનો ગણગણાટ બંધ થયો.



રૂમના બીજા છેડે તંગ મુખમુદ્રામાં બેઠેલાં યશોદાબહેનને નિહાળીને અવનિએ હળવો નિ:શ્વાસ નાખ્યો.


‘બહાર નીકળ મારા ઘરમાંથી... છિનાળ!’

ત્રણ મહિના અગાઉના માના શબ્દો અત્યારે પણ અવનિને સહેજ કંપાવી ગયા.


બાકી કેટલી ખુશ હતી પોતે. આનંદે જે સરપ્રાઇઝ પ્લાન કરી હતી એ તો તેને જ સૂઝે!

અવનિ સાંભરી રહી.

lll

મુંબઈના ઘરમાં કબાટના લૉકરમાંથી ‘સરપ્રાઇઝ’ લખેલું ફોલ્ડર નીકળ્યું. અન્ય કાગળ સાથે એમાં અવનિને સંબોધીને આનંદે લખેલો પત્ર હતો, અવનિએ પહેલાં એ જ હાથમાં લીધો.

‘મારી અવનિ,

મારી સરપ્રાઇઝ શું છે એ તો તું આ સાથેનાં કાગળિયાં જોઈને પણ સમજી ગઈ હોઈશ...

મારાં પુરુષબીજ કહો કે સ્પર્મકાઉન્ટ મેં મુંબઈની સ્પર્મ-બૅન્કમાં ફ્રીઝ કરાવી રાખ્યાં છે. તને સંતાનપ્રાપ્તિ થાય એ પહેલાં હું ઊકલી ગયો તો પણ તું સંતાનસુખથી વંચિત ન રહે એ માટેની આ તૈયારી છે. મારી એક્ઝિટ પહેલાં આપણે નહીં પણ પરણ્યાં હોઈએ તોય તું શું કરીશ એની મને ખબર જ છે. મારા અંશને તારો ગર્ભ આપવાની તારી ઝંખનાની પૂર્તિ માટેનું જ આ પગલું છે. જીવતો રહ્યો તો આ બધું સાથે જોઈ આપણે હસી લઈશું, ન હોઉં તો...

હું ન હોઉં તો આ વાંચીને રડવાનું તો બિલકુલ નથી, વહાલથી મારી તસવીરને ચૂમી લેજે, એટલું બસ છે!’

આનંદની મના છતાં અવનિ ચોધાર આંસુએ રડી પડેલી.

અને આનંદના અંશને પામવા બહાવરી. આનંદ બધું પાકા પાયે કરીને ગયેલો, ગર્ભાધાન માટે મુંબઈના બેસ્ટ ગણાતા ગાયનેકને તેણે કન્સલ્ટ કર્યા, એ માટે બેચાર વાર મુંબઈના આંટાફોરા પણ રહ્યા. પ્રેગ્નન્સીના ખબરે અણુ-અણુમાં ઉમંગ પ્રસરી ગયો, પહેલા ખબર માને આપ્યા, પણ...

lll

અત્યારે કોર્ટરૂમમાં બેઠેલી અવનિએ યશોદાબહેનને જોઈને નિઃશ્વાસ ખાળ્યો : જોકે જે બન્યું એમાં માનો વાંક કઢાય એમ પણ નથી. આનંદના અકાળ અવસાન પછી અમે તો એકમેકનો આધાર બની જીવતાં હતાં, ત્યાં બદમાશ કરણ ટપક્યો ને માને કેવી ભયાનક ગેરસમજ થઈ! પાછો તે મારી પાછળ ટ્રેનમાં ચડેલો એ તો માએ કહ્યું ત્યારે જાણ્યું. કદાચ ટ્રેનમાં કે મુંબઈમાં મારો સામનો કરવાની તેની હિંમત નહીં થઈ હોય, કદાચ માના મનમાં વહેમ નાખવા પૂરતો જ કરણ આમ વર્ત્યો હોય...

એવું હોય તો તે ફાવ્યો પણ ગણાય.

પોતે માને કેટલું સમજાવ્યાં, આનંદનો પત્ર, સ્પર્મ-બૅન્કનાં કાગળિયાં, ગાયનેકની ટ્રીટમેન્ટની ફાઇલ - બધું દેખાડ્યું, પણ જેને મારામાં ભરોસો ન રહ્યો હોય તે મેં દર્શાવેલા પુરાવામાં વિશ્વાસ શું કામ મૂકે?

‘તું શું માને છે - આનંદના હસ્તાક્ષરની નકલ ન થઈ શકે? થોડા રૂપિયા વેરું તો આવી ૧૦ ફાઇલ હું તને બતાવી શકું એમ છું.’

‘ગાયનેકની ટ્રીટમેન્ટ લેતાં પહેલાં માને વિશ્વાસમાં લીધાં હોત તો કદાચ વાત જુદી હોત, પણ મા નાહક આશાના  હિંડોળે ઝૂલ્યા કરે એના કરતાં ગર્ભાધાન સફળ થાય પછી જ માને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું એમાં ઊલટું માના વહેમને પુષ્ટિ મળવા જેવું થયું!’ 

‘કરણ સાથે આડા સંબંધના વહેમમાં માએ મને છિનાળ કહીને જાકારો દીધો, પણ મારે એમ નીકળવું નહોતું. આનંદના અંશ પર પાપનું લેબલ લઈને નીકળું તો આનંદની ગુનેગાર બની જાઉં!’

‘તો બીજા દિવસે તેમણે મારાં મા-બાપને તેડાવ્યાં, તમારી લાડલી ચારિત્ર્યહીન છે કહી તતડાવ્યાં. મા-બાપ માટે તો પ્રેગ્નન્સીના ખબર જ આંચકારૂપ હતા એમાં માના આક્ષેપે તેમને થીજવી દીધાં. IVF ટ્રીટમેન્ટનું સાંભળી ડઘાયાં.

‘ટ્રીટમેન્ટની દુહાઈથી તું મને ભરમાવી ન શકે...’ કરણે રોપેલું ઝેર માની મમતાને અભડાવી ગયું હતું, ‘લઈ જાઓ તમારી દીકરીને તમારા ઘરે, જતાં પહેલાં આ કાગળિયાં પર સહી કરતાં જાઓે...’

એ ફારગતીનાં કાગળ હતાં! મૃત પતિથી ફારગતી?

‘મા, તમે હોશમાં તો છો? આનંદનો જીવ દુખાવો છો.’

‘અરે, મારા દીકરાનો તો આત્મા કકળતો હશે - તારા કુકર્મે.’

‘મા કોઈ જ વાત કાને ધરવાના મતનાં નહોતાં. પ્રેગ્નન્સીની શરૂઆતના દિવસોમાં સ્ટ્રેસ ન લેવાની મારી માની સલાહે હું પિયર આવી, તો થોડા દહાડામાં કોર્ટનું સમન્સ આવ્યું. છૂટાછેડાની અરજી દાખલ કરી માએ ગામગજવણું કર્યું. આમાં છેવટે તો ઘરની જ આબરૂ ઊછળવાની એ મા કેમ સમજતાં નથી?’

પોતે વળી તેમને સમજાવવા-મનાવવાની કોશિશ કરી, પણ વ્યર્થ. મને કહે : તું આનંદથી છૂટી થવા કબૂલે તો હું કેસ હમણાં પાછો ખેંચી લઉં...

‘આનંદથી હું આ જન્મે તો શું, સાત જન્મેય છૂટી નહીં થાઉં મા.’

‘હંઅઅઅ. સતીસાવિત્રીવાળા તેવર તને શોભતા નથી. તારો ફેંસલો કોર્ટ કરશે.’

- અને અત્યારે, અદાલતમાં
કેસની શરૂઆત થતાં વિચારમેળો સમેટીને અવનિ માની સામેના કઠેડામાં ઊભી રહી.

‘ઑર્ડર ઑર્ડર... કાર્યવાહી શરૂ થાય છે.’

lll

અલકાનંદાદેવીએ ચશ્માં ઉતારીને ડેસ્ક પર મૂક્યાં. પછી યશોદાબહેનની દિશામાં ગરદન ઘુમાવી સહેજ એ તરફ ઝૂક્યાં.

‘બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી મને એટલું સમજાયું મિસિસ દવે કે ઝઘડાના મૂળમાં અવનિની પ્રેગ્નન્સી છે. તેના કહેવા મુજબ સંતાન આનંદનું છે. આ દાવો તમને સ્વીકાર્ય નથી. આમાં છૂટાછેડાની નોબત ક્યાં અને કેમ આવી?’

હાજર દરેક જણ યશોદાબહેનનો જવાબ સાંભળવા તત્પર હતા.

‘વાત સીધી છે મૅડમ. મારા દીકરાની વિધવા તરીકે મારી વહુ અવનિ આનંદ દવેના નામે ઓળખાય છે એટલે સ્વાભાવિકપણે કાલે તેના સંતાનને પણ આનંદનું નામ મળશે - મને એનો જ વાંધો છે. બીજાનું પાપ મારા દીકરાના નામે ચડે એનો મને સખત વાંધો છે.’

તેમના અવાજનું કંપન સૌને ગદ્ગદ કરી ગયું.

અવનિ આંખો મીંચી ગઈ : મા આનંદના અંશને જ આનંદનું નામ મળવાનું છે એ કેમ નથી માની લેતાં!

‘બાકી મને અવનિની ગર્ભાવસ્થા સામે વાંધો નથી. ભલે તેનું બાળક ૧૦૦ વર્ષનું થાય. માલમિલકતનોય મને મોહ નથી, બધુંય અવનિને દેવા હું આ ઘડીએ તૈયાર. બસ, તે મારા દીકરાનું નામ તેના નામથી છૂટું કરી દે.’

એક માની આ કેવી મમતા?

અલકનંદાએ અવનિ તરફ દૃષ્ટિપાત કર્યો.

‘સૉરી મૅડમ, મારા માટે એ શક્ય નથી. મિલકતનો મને પણ મોહ નથી, પણ જે મારા હૈયામાં સદાકાળ છે એવા મારા પતિનું નામ તો મારા નામથી હું કોઈ કિંમતે જુદું નહીં થવા દઉં!’

એક સ્ત્રીની આ કેવી મમત?

‘યશોદાબહેન, અવનિમાં પાંગરતો અંશ આનંદનો નથી એવું તમે કહો છો, તો એ અંશ બીજા કોનો હોઈ શકે એ વિશે પ્રકાશ પાડી શકો ખરાં?’

યશોદાબહેને અવનિને નિહાળી : તેનું સંતાન મારા આનંદનું નથી એમ કહેવામાં જ આડકતરી રીતે તેનો વ્યભિચાર કબૂલાય છે છતાં મેં હજી કરણનું નામ ક્યાંય લીધું નથી... મને અવનિને બદનામ કરવામાં પણ રસ નથી, મારો દીકરો તેનાથી છૂટે એટલે બહુ.

‘મૅડમ, આ વિશે અવનિને જ પૂછો તો સારું.’

‘આમ તો આ કેસ જ હિયરિંગ માટે કોર્ટના પરવ્યુમાં આવતો નથી છતાં તમારી તસલ્લી ખાતર કોર્ટ તમારી વહુને DNA ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવાનો હુકમ આપી શકે એમ છે.’

‘ધન્યવાદ મૅડમ, પણ આટલા પુરાવા ઊભા કરનાર માટે એક રિપોર્ટની શું વિસાત!’

‘તમે બહુ રિજીડ છો.’

‘હું માત્ર મા છું જજસાહેબા...’ યશોદાબહેને હાથ જોડ્યા, ‘આપ સામા પક્ષને હુકમ કરી જ શકો છો કે જેનું બાળક પોષે છે તેને પરણી જા, તોય મારા આનંદનું નામ તેનાથી છૂટે એમ છે.’

‘કોર્ટે શું કરવું એ તમારે કહેવાની જરૂર નથી. તમારા દીકરાને આયુષ્યની ઘાત હતી એ તો માનો છોને?’

યશોદાબહેન સમજી ગયાં : જજસાહેબા આડકતરી રીતે પૂછવા માગે છે કે અવનિ કહે છે એ આનંદની ઘાતની વાત સાચી હોય તો તેણે તેનું બીજ સાચવ્યાની વાત પણ કેમ સાચી ન હોય? મેં પણ માન્યું હોત, પણ કરણના પ્રવેશ પછી અવનિનો ભરોસો કરી મારે પસ્તાવું નથી!

‘એ બધું મને વહુએ પછીથી કહ્યું એટલે હું એને બહુ મહત્ત્વ નથી આપતી.’

અલકનંદાએ ડોક ધુણાવી. વકીલાતની દીર્ઘ કારકિર્દીમાં ઘણા અટપટા કેસ જોયા હતા, પણ આ કેવળ કેસ નથી, બે સ્ત્રીઓની મૃત વ્યક્તિ માટેની સમાન તીવ્રતાની સંવેદનશીલતા છે. અવનિએ ધરેલા પુરાવા નિહાળ્યા પછી તેમને અંગતપણે અવનિની સચ્ચાઈ પર ભરોસો બેસતો હતો, પણ યશોદાબહેનની જીદનું મૂળ હજી પકડાતું નહોતું. ના, યશોદાબહેન અભણ કે જુનવાણી નથી કે દેહસંસર્ગ વિના સ્ત્રીનું ગર્ભવતી બનવું પચાવી ન શકે. ઊલટું તે તો કહી ગયાં કે બાળક જેનું હોય તેની સાથે અવનિ પરણી જાય. મતલબ યશોદાબહેનના મતે વહુની જિંદગીમાં કોઈ બીજો પુરુષ છે ખરો, પણ સ્ત્રી તરીકે કોર્ટમાં વહુની આબરૂ ઉછાળવા માગતાં નહીં હોય એટલે ફોકસ કેવળ ડિવૉર્સની અરજી પર રાખ્યું છે. કાશ, હવે આંખો પરની કાળી પટ્ટી ઉતારી ચૂકેલી ન્યાયની દેવી પાસે વહેમની પટ્ટી ઉતારવાની પણ કોઈ કલમ હોત!

વળી કોર્ટનો ગણગણાટ શાંત પાડી તેમણે ગળું ખંખેર્યું.

‘મારી સામે હું જનનીની એવી જોડ જોઉં છું જેમાં એકને પોતાના મૃત દીકરાનું નામ વટલાય એનો વાંધો છે તો બીજી પોતાના નહીં જન્મેલા સંતાનના પિતાનું નામ ન છીનવાય એ માટે લડી રહી છે. આમાં જેટલી મમતા છે એટલી મમત પણ છે. કોર્ટ બન્નેને સમજાવવા અસમર્થ છે. એમ મૃત વ્યક્તિના ડિવૉર્સનો ચુકાદો આપવાનું કોર્ટની સત્તા બહારનું છે...’ કહી અમુકતમુક કલમનો હવાલો દઈ તેમણે કેસ ખારીજ કરતાં જનસમૂહમાં પણ નિરાશા વ્યાપી. એવું જ હતું તો કેસ લીધો જ શું કામ!

જોકે જજસાહેબાએ હજી કંઈક કહેવાનું બાકી હતું.

‘કાયદાની, માણસની જેમાં મર્યાદા આવે એ કેસનો હવાલો કુદરત લેતી હોય છે એવું મેં આ વર્ષોમાં અનુભવ્યું છે. બન્ને માતાઓના કિસ્સામાં પણ કુદરત કોઈ સુખદ ચમત્કાર કરશે જ એવી મને શ્રદ્ધા છે.’

‘કુદરત!’ યશોદાબહેન કડવું હસ્યાં. અવનિથી આનંદને નામરૂપે છૂટા કરવાનો એકમાત્ર રસ્તો બંધ કરી કુદરતે મમતાની મજાક ઉડાડી કે બીજું કંઈ?

જ્યારે અવનિએ સંતોષનો શ્વાસ લીધો : તમારા અંશથી તમારું નામ હવે કોઈ જ અળગું નહીં કરી શકે, આનંદ!

સાસુ-વહુનું ધ્યાન નહોતું પણ કોર્ટના ચુકાદાથી ટોળામાં રહેલી એક વ્યક્તિને ખડખડાટ હસવાનું મન થતું હતું,

તે હતો કરણ!

‘જો, તેં મને ઠુકરાવ્યો, લાફો મારી મને અપમાનિત કર્યો એનો કેવો બદલો લીધો મેં અવનિ!

મારે વેર લેવું હતું. તારા ચારિત્ર્ય બાબતે તારી સાસુને નનામા પત્રો લખ્યા તોય તારો આનંદ પરણવા આવી ચડ્યો એનો રોષ ધગધગતો હતો. મને ઠુકરાવનારી તને સુખ માણવા જીવતી છોડવી નહોતી. તું શું માને છે - તમારી વરઘોડિયાની કાર એમ જ અધવચાળે બગડી હતી? ના રે, તું આનંદ સાથે મંડમમાં ફેરા ફરતી હતી ત્યારે પાર્કિંગમાં નધણિયાતી ઊભેલી કારના બોનેટ નીચે ભરાઈને મેં એના પૂરજામાં છેડછાડ કરતાં કાર હાઇવે પર ખોટકાઈ હતી... પણ અકસ્માતમાં આનંદ જ મર્યો ને તું જીવતી રહી. એટલે પછી ફરી એક વાર તારી સાસુના મગજમાં તારા ચારિત્ર્ય બાબત વહેમ રોપવા અમુક હરકતો કરી, અને જો, આનંદના અંશની બાબતમાં એ કેવી ફિટ બેસી ગઈ એ કુદરતની જ મહેરને! બાકી આનંદના અંશને પોષી તું બહુ ખુશ ન થતી, કેમ કે તારા સંતાને અવતરતાં પહેલાં ગર્ભમાં જ મરવાનું છે! 

ઘાતકી ઇરાદો પોષતા કરણે સાસુ-વહુથી નજર ફેરવી લીધી ને ટોળામાં ભળીને કોર્ટરૂમમાંથી સરકી ગયો.

કાળના ગર્ભમાં શું લખાયું છે એની જોકે કોને ખબર હોય છે?

(આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2025 04:53 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK