Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જનનીની જોડ માની મમતા, સ્ત્રીની મમત (પ્રકરણ-૩)

જનનીની જોડ માની મમતા, સ્ત્રીની મમત (પ્રકરણ-૩)

Published : 15 January, 2025 05:02 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

મૃત દીકરાના છૂટાછેડા માગતી માએ અને મૃત પતિથી છૂટી નહીં થવા માગતી પત્નીએ આખરે કહેવું શું છે?

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘મા, જમી લો.’


અવનિએ થાળી પીરસી ને યશોદાબહેને કોળિયો ભર્યો, યંત્રવત્.



આનંદ ગયા બાદ ઘરની બન્ને સ્ત્રીઓનું જીવન યંત્રવત્ બની ગયું છે. સવારે આંખ ખૂલે એટલે ઊઠવું પડે, રાતે આંખ મીંચાય એટલે સૂવું પડે. વચ્ચેના સમયગાળાની ક્રિયાઓ કરવાની રહે એટલે થતી રહે. બધું જ યંત્રવત્. ન કોઈ જોડે એક શબ્દ વધુ બોલવાનો કે ન કોઈનો શબ્દ કાને ધરવાનો!


‘અમારો તો જીવ ફાટે છે.’

આનંદનાં ક્રિયાપાણી પત્યા સુધી ઘરે રોકાયેલાં બન્ને મામા-મામીએ નીકળતાં પહેલાં સાસુ-વહુને કેટલું સમજાવેલાં : થોડા દિવસ અમારે ત્યાં આવો, આપણે કોઈ તીરથ ફરી આવીએ... આમ ને આમ રડતાં રહેશો તો પાર કેમ આવશે?


મા-બાપને દીકરીના ભવિષ્યની ચિંતા : તમારાં મીંઢળ છૂટે એ પહેલાં સાથ છૂટ્યો, ન તારાં કંકુપગલાં ઘરમાં પડ્યાં. દીકરી એ લગ્નને ભૂલી જવામાં સાર છે...

જવાબમાં આંસુ આવી અવનિ ભીનું મલકી હતી : આનંદને ભૂલવા જ હોત તો તેમના ઓછા આયુષ્યનો વરતારો જાણી પરણી જ શું કામ હોત?

‘હેં!’

કુંડળીનો ભેદ જાણી વડીલો ડઘાયેલા, યશોદાબહેન વિસ્ફારિત નેત્રે વહુને તાકી રહેલાં.

‘વર્ષો અગાઉ ગામજોશીએ મોઘમમાં આનંદના દીર્ઘાયુ માટે હવન કરાવવાની સલાહ આપેલી, એના વધુ પિષ્ટપેષણમાં ઊતરવાને બદલે હું દર વર્ષગાંઠે હવન કરાવતી, તોય જે નિમિત્ત હતું એ ક્યાં ટાળી શકાયું?’

‘અને મારી અવનિવહુ પણ કેવી? વૈધવ્યના જોખમ છતાં પીછેહઠ ન કરી. કદાચ એટલે જ આનંદની ચિરવિદાય છતાં મારા અંતરમાંથી વહુને અપશુકનિયાળ કહી વગોવવાની હાય નથી નીકળી...’

‘બાકી લગ્નના દિવસે કેવો ખુશ હતો મારો આનંદ!’

‘વૈશાખનાં નિર્મિત લગ્ન વહેલાં લેવાની તેની જીદ પાછળ કરણનું કારણ હોવા જેટલું જ અમે વડીલોએ તો જાણ્યું. ખરેખર તો અણગમતો અંદેશો તેને પ્રેરતો હોવો જોઈએ... ઓહ, વરરાજાના વેશમાં કેવો રાજવી જેવો શોભતો હતો મારો લાલ! ચકચકતો જોધપૂરી સૂટ, માથે હીરાજડિત સાફો, કમ્મરે તલવાર... રંગેચંગે લગ્ન પાર પડ્યાં, વેવાઈ-વેવાણે ભાવભીની વિદાઈ આપી. અમે જાનૈયા બસમાં નીકળ્યા, વરઘોડિયું શણગારેલી વિન્ટેજ કારમાં ગોઠવાયું.’

‘એ કારે જ દગો આપ્યો. અધવચાળ કશીક યાંત્રિક ખામી સર્જાતાં ખોટકાઈને ઊભી રહી એવી જ પાછળથી પૂરપાટ આવતા ડમ્પરની ટક્કરે મારું સર્વસુખ હરી લીધું! અવનિને, ડ્રાઇવરને ખાસ ઈજા ન થઈ પણ મારો આનંદ સદાને માટે રિસાઈ ગયો... ટ્રાફિકમાં અટવાયેલી અમારી બસ કારની પાછળ હતી.’ એ અકસ્માતનું દૃશ્ય જોઈને પોતે બેભાન થઈ ગયેલાં.

ભાનમાં આવ્યાં ત્યારે દીકરાની ઠાઠડી તૈયાર હતી. ચૂડલા તોડી હૈયાફાટ આક્રંદ કરતી અવનિને જોઈને કોઈ બોલ્યું પણ હતું : તમારી વહુનું પગલું ભારે નીકળ્યું યશોદાબહેન, તમારા દીકરાને ખાઈ ગઈ!

‘તેના માટે કોઈ ખરાબ વેણ કહેશો નહીં!’ પોતે નજીક જઈ તેને બાથમાં લીધેલી, ‘તું તો મારા આનંદની પ્રિયા! તને કાંઈ બોલું તો મારા આનંદને ખોટું નહીં લાગે? વહુ, હવે તો આપણે જ એકમેકને જાળવવાનાં છે.’

એમાંય અવનિ આનંદના અલ્પ આયુ વિશે જાણીને પણ તેને પરણી એ જાણ્યા પછી અવનિને મહેણાંનો માર મારવાનો તો સવાલ જ નથી....

ધીરે-ધીરે સગાંસ્નેહી વિખેરાયાં અને આનંદ ગયાના આ મહિનોમાસથી અમે સાસુ-વહુ આમ યંત્રવત્ જીવી રહ્યાં છીએ... ના, શ્વાસોની મૂડી ખૂટાડી રહ્યાં છીએ.

જીવનમાં હવે બાકી પણ શું રહ્યું?

lll

મારી અવનિ....

રાતે મેડીની રૂમમાં દાખલ થઈને પલંગની ગાદી નીચેથી પત્રનો ખજાનો કાઢીને અવનિ વારંવાર વાંચેલા પત્રો ફરી પાછી વાંચતી રહી.

લગ્નના આગલા દિવસના પત્રમાં આનંદ લખે છે : માએ કરણના પત્રો બતાવ્યા - એ બદમાશી કરણની જ હોય - ને મારાથી બોલી જવાયું કે પરણવામાં મારે કાલની પરમ નથી કરવી. હમણાંની અણગમતી સ્ફુર્ણા બહુ થતી રહે છે. કોઈ અદૃશ્ય શક્તિ મને જાણે ચેતવી રહી છે કે જે કરવું હોય એ જલદી કર, તારો સમય ખૂટી રહ્યો છે!

તું સમયને રોકી દેને અવનિ. મારે તને, માને છોડીને ક્યાંય નથી જવું. રામ કરેને આ બધી અગમચેતીઓ, આગાહીઓ ખોટી પુરવાર થાય ને આ પત્ર આપણે સાથે વાંચીને થોડું મલકી લઈએ... પણ ન કરે નારાયણ ને મને કંઈ થઈ ગયું તોય ચિંતા ન કરતી. અગાઉ લખેલું એમ તારા માટે એક સરપ્રાઇઝ રાખી જ છે...

સરપ્રાઇઝ...

ઠોકર લાગે એમ અવનિ ચમકી ગઈ.

પાછલા પત્રોમાં આનંદ સરપ્રાઇઝનું લખે છે ખરા, પણ એની કોઈ નિશાની મને અહીં સાંપડતી નથી. રૂમનો ખૂણેખૂણો ચકાસી લીધો છે... અરે, બે દિવસ અગાઉ બૅન્કના લૉકરમાં પણ જોઈ આવી. આનંદ, ક્યાં છે તમારી સરપ્રાઇઝ? શું છે?

એ જ ક્ષણે ઝરૂખામાં કશોક સંચાર સંભળાયો. અત્યારે રાતે સાડાનવ થયા. ગામના સૌથી મોભાદાર ઘરમાં ચોર તો ન ફરકે અને ઝરૂખાના રસ્તે તો કોઈ શું કામ આવે? જંગલી જાનવર તો નહીં હોય?

અવનિ એમ ડરે એવી નહોતી. ખૂણામાં પડેલી ડાંગ ઉઠાવીને ઠપકારો કર્યો, ઝરૂખાની લાઇટ પાડી સાદ દીધો : કોણ છે બહાર?

‘શીશ... હું છું કરણ...’

વરસાદી પાણીના નિકાલના પાઇપ વાટે ઉપર ચડી, ઝરૂખાનો કઠેડો પકડી કૂદવા મથતા કરણના દબાયેલા સાદે અવનિ રણચંડીની જેમ દોડી ગઈ : તું! તારી હિંમત કેમ થઈ અહીં આવવાની?

કરણ વિકૃત હસ્યો, ‘તને રડતી જોવા. તારી સૂની પથારીનો ભો...ગ...વ...ટો...’

તેની કીકીમાં ખોફ છવાયો. અવનિએ ડાંગ ઉગામી હતી - ભાગ અહીંથી કહું છું, નહીંતર એક જ વારે ખોપરી ફાડી નાખીશ...

‘બાપરે!’નો ઉદ્ગાર કાઢતો કરણ નીચે કૂદ્યો, એવો જ યશોદાબહેનની નજરે ઝિલાયો. અરે, વહુની મેડીએથી આ કોણ જુવાન કૂદીને ભાગ્યો?

‘વહુ.’

તેમના સાદે ભડક્યો હોય એમ કરણ વધુ ઝડપભેર કમ્પાઉન્ડ-વૉલ કુદાવીને ભાગ્યો. યશોદાબહેન પ્રાંગણમાં દોડી ગયાં, મેડીમાં ઊભી વહુને નિહાળી – ‘આ બધું શું છે અવનિ? કોણ હતો એ?’

‘તે કરણ હતો મા. બદમાશને બરાબરનો ભગાવ્યો.’ અવનિની છાતી હાંફતી હતી.

ક...ર...ણ.

યશોદાબહેનના હૈયે ન સમજાય એવી તિરાડ પડી. ઘડીક તે હાંફતી વહુને, ઘડીક કરણ ગયો એ દિશામાં જોઈ રહ્યાં. બે પળમાં તો મનમાં ઘમસાણ મચી ગયું.

‘આમ કોઈ અજાણ્યો પુરુષ મેડીએ આવી ચડે એ આબરૂદાર ઘર માટે સારું ન ગણાય વહુ, ધ્યાન રાખજે.’ એટલું બોલી તેઓ અંદર જતાં રહ્યાં.

માના બોલનો મર્મ સમજાતાં અવનિની જીભ એવી ઝલાઈ ગઈ કે કરણ રૂમમાં આવ્યો નહોતો, આવે એ પહેલાં મેં તેને ભગાડ્યો એવો ખુલાસો પણ ન થઈ શક્યો!

lll

‘મુંબઈ!’

યશોદાબહેન ચમક્યાં, ‘ગઈ કાલે પેલો કરણ મેડીએ આવે છે અને સવારે અચાનક વહુને મુંબઈ જવાનું સૂઝે છે!’

ખરેખર તો આનંદની સરપ્રાઇઝ બાબતે વિચારતાં અવનિને મોડેથી ઝબકારો થયો હતો : હું અહીં ફાંફાં મારું છું પરંતુ આનંદ મુંબઈ પણ રહેતા એ કેમ યાદ ન આવ્યું? શક્ય છે, આનંદે સરપ્રાઇઝ ત્યાં રાખી હોય!

‘મા, આનંદની કંપની તરફથી બે-ત્રણ વાર ઘર ખાલી કરવાના ફોન આવી ગયા. એક વાર જઈને જોઈ તો આવું...’

વહુની અધીરાઈ સાસુને ગળે ઊતરવી મુશ્કેલ હતી. ગઈ કાલે પેલા કરણને જોયા પછી તો ખાસ. પાછી તેણે બપોરની ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી રાખી છે!

યશોદાબહેનના દિમાગમાં ટિકટિક થવા માંડી.

અવનિને તેમણે જતાવ્યું તો નહીં, પણ હવે તેઓ ચોક્કસ રહેવા માગતાં હતાં. અવનિને ટ્રેનમાં બેસાડવાના બહાને સ્ટેશન પર પણ આવ્યાં. તેમની નજર આમતેમ ફરતી રહી.

અને ઓહ- ટ્રેન ઊપડવાની ક્ષણે અવનિના જ ડબ્બામાં દોડીને ચડતો કરણ તેમની આંખે ચડી ગયો!

યશોદાબહેનને થયું પોતે ત્રાડ પાડી વહુને ટોકે, હોહા મચાવીને ટ્રેનને રોકે કે પછી બીજી ટ્રેન પકડીને મુંબઈના ઘરે પહોંચી વહુને તેના યાર જોડે...

શિવ શિવ... યશોદાબહેને આમાંનું કંઈ જ ન કર્યું.

મહાપ્રયાસે સ્વયંને વશમાં રાખી મૂંમાગંતર ઘરે ફર્યાં. દીકરાની છબિને છાતીએ વળગાડી રડ્યા કર્યું, બસ.

lll

આના ચોથા મહિને...

‘મા એક ખુશખબર છે.’

અવનિને પ્રફુલ્લિત જોઈને યશોદાબહેનનો જીવ ચચર્યો. આનંદની બૈરી પર તેમને માન, વહાલ કે ભરોસો રહ્યાં નહોતાં : પહેલી વાર મુંબઈ ગયેલી તે ખુશમિજાજ પાછી ફરી હતી અને પછી તો ત્રણ-ચાર વાર મુંબઈના આંટાફેરા કરી આવી. સાથે પેલો કરણ તો હશે જ. પછી બાઈજી મહાલે જને.

‘મા, મારો-તમારો આનંદ પાછો આવી રહ્યો છે.’

‘હેં...’ યશોદાબહેન ચોંક્યાં હોય એમ વહુને તાકી રહ્યાં. તેને પેટ પર હાથ ફેરવતી જોઈને શ્વાસ ઘૂંટ્યો : ના, હું ધારું છું એવું તો ન જ હોય!

પણ એવું નીકળ્યું. અવનિએ હરખ ઉછાળ્યો,

‘આનંદનો અંશ મારી કોખમાં પાંગરી રહ્યો છે મા, આયૅમ પ્રેગ્નન્ટ!’

યશોદામાના પગ આગળ જાણે બૉમ્બ ફાટ્યો.

પ્રેગ્નન્ટ... જેણે મારા દીકરા સાથે સોહાગની એક રાત નથી માણી એ વિધવા વહુ ગર્ભવતી છે. આજકાલની ભણેલીને મહિનાની ગણતરી પણ નહીં આવડતી હોય તો જ તો ધણી મર્યાના ચોથા મહિને ગર્ભાવસ્થાનો ઢોલ પીટે છે! પણ એથી તારા પ્રેમીનું પાપ મારા દીકરાના નામે નહીં ચડવા દઉં...

ઉત્સાહથી છલકતી વહુને તેમણે કચકચાવીને લાફો વીંઝ્યો : નીકળ મારા ઘરમાંથી. તારું મોં કાળું કર. છિનાળ!

lll

ફૅમિલી કોર્ટના જજ અલકાનંદા મૅડમે કૅબિનમાં ગોઠવાઈ આજના હિયરિંગની બ્રીફ મારી. એજન્ડામાં ડિવૉર્સના, ડોમેસ્ટિક વાયલન્સના રૂટીન કેસ લિસ્ટેડ હતા.

‘એક કેસ રસપ્રદ છે મૅડમ.’ સહાયકે ધ્યાન દોર્યું, ‘મૃત પુત્રના ડિવૉર્સ માટે માતાએ અરજી કરી છે.’

‘હેં!’ ચાલીસેક વર્ષનાં અલકાનંદા મૅડમ પણ ચમકી ગયાં,

‘છૂટાછેડા માટે પતિ-પત્ની અરજી ફાઇલ કરે એ સમજાય, પણ અહીં તો મૃત દીકરાને તેની જીવતી પત્નીથી છૂટો કરવા માતાએ અરજી કરી છે!’

દુનિયાની કોઈ અદાલતમાં આવો કેસ અગાઉ ક્યારેય નહીં નોંધાયો હોય! લેટ્સ સી. મૃત દીકરાના છૂટાછેડા માગતી માએ અને મૃત પતિથી છૂટી નહીં થવા માગતી પત્નીએ આખરે કહેવું શું છે?

lll

‘ઑર્ડર ઑર્ડર.’

જજમૅડમના આદેશે કોર્ટનો ગણગણાટ શાંત થઈ ગયો.

નોખા-અનોખા ડિવૉર્સ-કેસે સોશ્યલ મીડિયાના પ્રતાપે દેશભરમાં ચર્ચા જગાવી હતી એટલે પણ હિયરિંગ ટાણે શહેરના લોકો ટોળાભેર કોર્ટ પરિસરમાં ભેગા થયા હતા. જેમને કોર્ટરૂમમાં જગ્યા ન મળી એ સૌ બહાર ઊભા હતા.

‘કોણે ધારેલું મનોહરભાઈ જેવા મોભીના ઘરની આબરૂ આમ કોર્ટવચાળ ઊછળશે?’ ગામનું મોવડીમંડળ અફસોસ જતાવતું હતું. એમાં યશોદાબહેનની તરફેણ કરનારા બહુમતીમાં હતા, ‘અવનિવહુએ કર્યું જ એવું કે બિચારી સાસુ પાસે બીજો વિકલ્પ જ ક્યાં રહ્યો?’

‘પણ તમે અવનિની મુખરેખા જોઈ? તે કેટલી ખુશનુમા છે. તેના વદન પર લાંછનનો જરાજેટલોય ડાઘ દેખાતો નથી. છિનાળવું કરનારાં આવાં થોડાં દેખાય?’ દબાતા સાદે કોઈ વળી અવનિનો પક્ષ લેતું.

‘ખરેખર તો હિન્દુ મૅરેજ ઍક્ટની ફલાણી-ફલાણી કલમ અનુસાર ફક્ત પતિ-પત્ની જ છૂટાછેડાની અરજી કરી શકે.’ કેટલાક વળી ગૂગલજ્ઞાન પ્રદર્શિત કરતા, ‘માતાથી પુત્રના ડિવૉર્સની અરજી મુકાય જ નહીં અને મૃત વ્યક્તિના તે કાંઈ છૂટાછેડા હોતા હશે? આવો કેસ હિયરિંગમાં આવ્યો કેમ એ જ સવાલ છે.’

‘ત્યારે તો તમે કશું જાણતા જ નથી.’ પોતે સર્વજ્ઞાતા હોવાનો ફાંકો રાખનારા ખાનગી વાત કહેતા હોય એમ ધીમેકથી ઉમેરતા, ‘વલસાડનો કોઈ વકીલ યશોદાબહેનનો કેસ લેવા રાજી નહોતો, એટલે થાકી-હારીને તેમણે ટાઇપિસ્ટિયા વકીલ પાસે અરજી કરાવી અને તેણે ઘૂસનું હથિયાર અજમાવી કેસ બોર્ડ પર લાવી દીધો! પહેલી બે હિયરિંગમાં તારીખ પડી એટલે ખરા અર્થમાં સુનાવણી તો આજથી ચાલુ થશે.’

એમાં શું થાય એ હવે જોઈએ!

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2025 05:02 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK