પુરુષ હજીયે તંદ્રામાં હતો. તેનાં ફૂલી ગયેલાં બાવડાંમાં હજીયે કોઈને મસળી ખાવાનું જોમ સળવળતું હતું. કપાળેથી પસીનો દદડતો હતો, આંખોમાં રાતા દોરા ફૂટી રહ્યા હતા.
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘અનિકેત...’
‘યસ તર્જની...’ લૅપટૉપ બંધ કરીને કેતુએ અદબ ભીડી, ‘હુકમ...’
ADVERTISEMENT
કેવો આજ્ઞાંકિત બને છે! બાકી કેતુનાં તોફાન કોઈ મને પૂછે!
મુંબઈનો સૌથી બાહોશ, જુવાન ખાનગી ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી તે બન્ને ભલેને જાહેરમાં એની અજાણવટ રાખીને બેઠાં હોય! જોકે વડીલોથી છૂપું ઓછું હોય! કંઈ એ વિના લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈને પરત થયેલા કેતુએ મુંબઈમાં ઓમ ડિટેક્ટિવ એજન્સીનો પાયો નાખ્યો એમાં તર્જનીને પણ મદદનીશ તરીકે જોડાવાની મંજૂરી મળી હોય!
એજન્સી ખોલ્યાનાં આ બે વરસમાં તેમનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે. ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં લતાજીએ જાહેરમાં બિરદાવી હતી.
પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો હતો તો તર્જની સાક્ષાત્ સૌંદર્યમૂર્તિ. કેતુ રણમેદાનમાં ગજકેસરી જેવો શોભી ઊઠે તો નમણી એવી તર્જનીના વીફરેલી વાઘણ જેવા તેવર અપરાધીને ઘૂંટણિયાં ટેકવવા મજબૂર કરી દેતા.
‘લાગે છે કે આજે હું એક્સ્ટ્રા હૅન્ડસમ દેખાઉં છું.’
કેતુના વાક્યે તર્જની ઝબકી. હોઠ કરડ્યો. આવું કંઈક કહીને કેતુ તોફાની બની જતો ત્યારે સંયમ રાખવો કઠિન થઈ પડતો. એમ તો ક્યારેક તર્જની પણ કેતુને હંફાવી દેતી ખરી!
અત્યારે જોકે કેતુ હરકતમાં આવે એ પહેલાં તર્જની મુદે આવી...
‘કેતુ, રાજમાતાનો ફોન હતો.’
હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે કેતુ ઝગમગી ઊઠ્યો. જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રાજગઢનાં ઠકરાણાની ભલામણે રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને પંડનાં સંતાનો જેવાં જ વહાલાં છે તો જાસૂસજોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.
મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. અકાળે આવેલુ વૈધવ્ય, બે કુંવરોનો ઉછેર, ઉપરાંત સ્ટેટની જવાબદારી - રાજમાતા દરેક મોરચે યશશ્વી રહ્યાં. પ્રજાહિત તેમના માટે સર્વોપરી રહ્યું. સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રો સમીરસિંહ અને અર્જુનસિંહે સુપેરે જાળવ્યો. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. રાજપરિવારનાં સામાજિક સૂત્રો વહુઓને સોંપીને રાજમાતા પૌત્ર-પૌત્રીને રમાડવાનો આનંદ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં રાજમાતા પંચાવનની વયે પણ એવાં જ મૂર્તિમંત લાગે છે. કેતુ-તર્જનીને હિંમતગઢ આવવાનું તેમનું કાયમનું નિમંત્રણ હોય છે. ખરેખર તો પૅલેસમાં હરકોઈ તેમનું હેવાયું છે.
‘શરદ પૂનમના ઉત્સવમાં સામેલ થવા માટે રાજમાતાએ ખાસ આગ્રહ કર્યો છે... અફકોર્સ, તેમના ઘરના તો સૌ છુટ્ટી માણવા કાશ્મીર ગયા છે એટલે આ ઉજવણી હિંમતગઢમાં નથી...’ તર્જનીએ ઊંડો શ્વાસ લીધો, ‘ખરેખર તો ત્રિકમગઢના રાજવીનો હવામહેલ વેરાવળના દરિયાકાંઠે છે અને શરદ પૂનમની ઉજવણીનું સ્થાનક છે મહેલના પડખે આવેલું વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરનું પ્રાંગણ!’
રિયલી! કેતુની કીકીમાં ચમક ઊપસી.
થોડા સમયથી ગુજરાતનો, ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરફેર માટે વગોવાયો છે. અલબત્ત, કોસ્ટગાર્ડના જાંબાઝ ઑફિસર્સે દરિયાઈ રસ્તે સ્મગલ થતાં કરોડોની કિંમતનાં ડ્રગ્સ પકડીને બહાદુરી દાખવી છે અને છતાં દેશની સુરક્ષા માટે ચિંતાજનક બાબત સ્મગલિંગ ચેનમાં પાકિસ્તાનની સંડોવણી છે. ડ્રગ્સથી દુશ્મન દેશનું યુવાધન બરબાદીના રવાડે ચડે એ તો એનો ફાયદો ખરો જ, પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ટેરરિસ્ટ ગ્રુપને ડ્રગમાં બાનું ચૂકવી ત્રાસવાદી હુમલો પ્લાન કરે એવી દહેશત છે. આ અંગે ભારતની સીક્રેટ સર્વિસ એજન્સીની ખુફિયા મીટિંગ હજી બે દિવસ અગાઉ જ દિલ્હીમાં થઈ, જેમાં એજન્સીના આધેડ વયના ચીફ અખિલેશ મહાજને અનિકેતને પણ તેડાવેલો.
‘એ મીટિંગમાં ચર્ચા થઈ એ મુજબ પાકિસ્તાન કશુંક મેજર પ્લાન કરી રહ્યું છે... અને એનો સંબંધ ડ્રગ સપ્લાય સાથે છે.’ અનિકેતે તર્જનીને મીટિંગનો સાર કહેલો : ગુજરાતના કાંઠે પૅટ્રોલિંગ તો સઘન કરાયું જ છે, એટીએસ (ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ) હરકતમાં છે. મહાજનસરે આપણને પણ આ મિશનમાં સામેલ થવાનું આહવાન આપ્યું છે.’
એ નિમિત્તે કેતુએ ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયાકિનારાની ચોકી કરતા કોસ્ટગાર્ડના ઑપરેશનને જોવા-સમજવા સૌરાષ્ટ્ર-કચ્છ જવાનું જ હતું. એમાં રાજમાતાનું નિમંત્રણ. પછી ઇનકાર હોય જ કેમ!
તેની સંમતિ મેળવીને તર્જનીએ રાજમાતાને ફોન કરી દીધો : ત્રણ દિવસનો શરદોત્સવ શનિવારથી શરૂ થવાનો છે; પણ કેતુ તેના કામે બે દિવસ પછી ગુરુવારનો સૌરાષ્ટ્ર પહોંચી જવાનો છે, જ્યારે હું ગુરુની સાંજે હિંમતગઢ આવવાની. પછી શુક્રની સવારે આપણે સાથે વેરાવળ જવા નીકળીશું.’
સાંભળીને રાજમાતા રાજી-રાજી થઈ ગયાં.
lll
‘આજે હું તને ત્રિકમગઢના રાજપરિવાર વિશે કહીશ.’
હિંમતગઢ રોકાવાનું થતું ત્યારે તર્જની અચૂક રાજમાતાના કક્ષમાં સૂવાનું રાખતી. રાજમાતા પાસે રાજપૂતાનાની અલકમલક વાતોનો ખજાનો હતો.
‘એક સમયે ત્રિકમગઢ સોરઠની બીજી ઓળખ ગણાતું. આજના અમરેલીથી પોરબંદર સુધીનો રાજ્ય વિસ્તાર અને ગીરના સિંહ જેવા અહીંના રાજવી હમીરસિંહજીના સમયમાં કોઈ બહારવટિયાની મગદૂર નહોતી કે ત્રિકમગઢની સીમ તરફ નજર પણ માંડે... સામી છાતીએ તો તેમને હરાવવાની કોઈની તાકાત નહોતી. એમ કપટ કરીને કોઈ પીઠમાં છૂરી ભોંકી ન જાય એ માટે પણ મહારાજા સાવધ રહેતા. દૂરંદેશી રાજાએ દેશી-વિદેશી આક્રમણખોરોના દગાથી બચવા મહેલોમાં એવા-એવા ગુપ્ત માર્ગ તૈયાર કરાવેલા જે આજેય ઇજનેરી કૌશલ્યને પડકાર આપે એવા છે!’
ગુપ્ત માર્ગ! તર્જનીએ રોમાંચ અનુભવ્યો. ઇતિહાસના નરબંકાઓની ગાથા તેને હંમેશાં આકર્ષતી.
‘હમીરસિંહજીનાં પરાક્રમો કોઈ પાઠ્યપુસ્તકમાં ભણવા ન મળે, પણ લોકસાહિત્યમાં સચવાયાં છે.’ રાજમાતાએ કડી સાંધી, ‘પછી તો કાળક્રમે અંગ્રેજોની ગુલામી આવી. એમાંથી દેશને આઝાદી મળતાં સુધીમાં ત્રિકમગઢ નાનકડા રજવાડામાં સમેટાઈ ગયેલું. અલબત્ત, વિલીનીકરણના ટાણે તેમના સામ્રાજ્યની ગૌરવસમી નિશાની જેવા અમુકતમુક મહેલો જે-તે રાજવી પાસેથી તત્કાલીન રાજાએ ખરીદી લીધેલા. એ હિસાબે રજવાડાની જાહોજલાલી અકબંધ હતી. કિંવદંતી તો એવીયે છે કે હમીરસિંહ પાસે હીરામાણેકનો ખજાનો હતો જે હજીયે કોઈ ગુપ્ત સ્થળે પેઢી દર પેઢી સચવાયો છે.’
ખજાનો! તર્જની એકકાન થઈ.
‘ત્રિકમગઢના રાજવીઓને હિંમતગઢ સાથે હંમેશાં સુમેળભર્યા સંબંધ રહ્યા. હાલના મહારાજા ભવાનીસિંહ અમર (મીનળદેવીના સદગત પતિ)ને ઘણું માનતા. વયમાં પણ બેઉ સરખેસરખા. તેમનાં મહારાણી ઉદયમતી જોકે પહેલા ખોળાના દીકરાને આઠ વરસનો મૂકીને અવસાન પામ્યાં. મરતી વેળા તેમણે મહારાજ પાસે વચન લીધેલું કે મારા જયસિંહ માટે તમે સાવકી મા નહીં આણો! રાજપૂતો વચનના ટેકીલા હોય છે. ઘરભંગ થયેલા ભવાનીસિંહ ફરી જોકે પરણ્યા નહીં, પણ મહેલની મુખ્ય દાસી મધુમતીથી તેમને બીજો દીકરો થયો.’
ના, રાજા-મહારાજાની રંગરેલીનું અચરજ ન હોય એમ અમુક સંજોગોમાં મહારાણી ખુદ રાજાને દાસી જોડે સંબંધ બાંધવા પ્રેરતી હોવાના કિસ્સા રાજપૂતાનામાં બન્યા જ છે. વચનબદ્ધ ભવાનીસિંહે પત્નીનું સ્થાન ખાલી રાખ્યું, પણ દાસી પાસે પત્નીસુખ મેળવતા રહ્યા! બાકી દાસીએ રાણી બનવાના સમણાએ રાજાને પલોટ્યા હોત તો-તો મૃત પત્નીનું વચન ફોક કરાવીને રહેત.
‘સાચું ધાર્યું તેં...’ રાજમાતાએ તર્જનીના અનુમાનમાં સંમતિ પુરાવીને કથાને ધક્કો માર્યો, ‘ઉદયમતી સાથે બે-એક વાર હિંમતગઢ આવેલી મધુમતીનો મને પરિચય ખરો. દેખાવમાં નમણી અને રાજપરિવારની ચાકરીને જ ધર્મ માનનારી મધુમતીના મનમાં મેલ નહોતો. રાજાને જોઈતું સુખ આપવામાં પણ તેણે સેવિકાધર્મ જ જોયો. ત્યાં સુધી કે ઉદયમતીના દેહાંતનાં બે વરસ બાદ જન્મેલા પોતાના દીકરાને તેણે દાસ-દાસીઓના આવાસમાં જ ઉછેર્યો...’
ક્યારેક સાવ સામાન્ય કક્ષાના ગણાતા માનવી કેવાં ઉચ્ચ મૂલ્યો જીવી જાય છે! તર્જની અભિભૂત થઈ.
‘જોકે સ્ત્રીસુખ ભવાનીસિંહને સદતું નહીં હોય... દીકરો દસ વરસનો થતાં મધુમતીએ પિછોડી તાણી. બહુ નાની ઉંમરમાં ઊંઘમાં જ તેણે પ્રાણ ત્યજ્યા. ભવાનીસિંહ ત્યારે રાજકાજના કામે દિલ્હી હતા. અંત સમયે માનીતી દાસી પાસે ન હોવાનો વસવસો રહ્યો તેમને. માની વિદાયથી હેબતાઈ ગયેલો દીકરો જોકે મામા સાથે વેરાવળના મોસાળ જતો રહ્યો. પછી તેના કોઈ ખબર ભવાનીસિંહને રહ્યા નહીં કે પછી તેમણે રાખ્યા નહીં... વીસના થયેલા મોટા દીકરા જયસિંહનો પણ એવો આગ્રહ રહ્યો હોય, કોને ખબર!’
રાજમાતાએ ઉમેર્યું, ‘આજે તો આ વાતને ૧૪-૧૫ વરસનાં વહાણાં વાઈ ગયાં. ત્રિકમગઢના રાજમહેલમાં જૂની દાસી કે તેના દીકરાને કોઈ સાંભરતું પણ નથી. જાગીરનાં સૂત્રો જયસિંહના હસ્તક છે અને મહેલમાં તેની પત્ની નિવેદિતારાણીનું ચલણ છે. પ્રેશર, શુગર જેવી બીમારીઓથી ઘેરાયેલા ભવાનિસિંહે નેપથ્યવાસ સ્વીકારી લીધો છે. ક્વચિત્ મળવાનું થાય તો હૈયું હળવું કરી લે ખરા : દીકરો-વહુ મારું પૂરતું ધ્યાન રાખે છે રાજમાતા. છતાં કોણ જાણે કેમ ઢળતી વયે મારો બીજો દીકરો બહુ યાદ આવે છે. કદાચ તેના માટે હું કંઈ કરી ન શક્યો એની ગિલ્ટ હશે. જોકે તે હોત તોય હું તેના માટે શું કરી શકત! તે હતો ત્યારે જયસિંહ મોટો થઈ ચૂકેલો. મધુએ ક્યારેય પોતાના દીકરાને રાજકુમાર સમાન ગણ્યો નહોતો તોય જયસિંહ તેનાથી આઘેરો રહેતો. અમારી વાતોમાં મધુ કે તેના દીકરાનો ઉલ્લેખ થાય તો તે હાવભાવથી નારાજગી જતાવતો. એક વાર બોલી ગયેલો : મારી માનું સ્થાન તમે દાસીને ન આપ્યું, પણ તેનો દીકરો મોટો થઈને માનો હક માગશે તો શું કરશો! સાંભળીને કંપારી છૂટી ગયેલી... એટલે પછી એમ પણ થાય કે જે થયું સારું થયું. ન મધુએ કે મારે એ કસોટી આપવાની થઈ!’
તેમના હાશકારાને બચાવ કહેવો કે છટકબારી?
‘વિરમગઢની કુંવરી નિવેદિતારાણીને પરણ્યા પછી જયસિંહે ધીરે-ધીરે પિતાના હાથમાંથી સત્તાનો દોર સેરવી લીધો. પતિ-પત્નીની જોડી મેળ ખાતી છે. જયસિંહ મહત્ત્વાકાંક્ષી છે તો નિવેદિતારાણી પણ મહારાણીનો રુઆબ દાખવવામાં પાછી પડે એમ નથી. તેમને ત્રણ વરસનો કુંવર પણ છે.’
રાજમાતા મર્માળું મલક્યાં, ‘શરદ ઉત્સવ ધામધૂમથી ઊજવવાની પ્રથા ઉદયમતીએ પાડેલી. ત્રણ રાત્રિના ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો હોય. આ વખતે શરદ પૂનમની રાતે રાસનો પ્રોગ્રામ છે, ચંદી પડવાએ સંગીતસંધ્યા અને બીજની રાતે શિવપુરાણ પર આધારિત બેલે છે. જાહેર જનતાને પણ આમાં પ્રવેશની છૂટ. રાજા-પ્રજા સાથે મળી ઉત્સવનો આનંદ માણે એવા ઉમદા હેતુથી આનું આયોજન થતું. દર વરસે તેમના અલગ-અલગ ઠેકાણે આવેલા મહેલમાં ઉત્સવ રખાય એટલે પ્રૉપર્ટીની જાળવણી પણ થતી રહે. વહુએ સાસુની પરંપરા બરાબર જાળવી છે એટલું તો કહેવું પડે. આમ તો દર વખતે મને ઇન્વાઇટ હોય. ખરું કહું તો જયસિંહ-નિવેદિતારાણી બેઉનો આગ્રહ પણ હોય, પણ તોય ટાળી જતી હોઉં. સામી દિવાળીએ ક્યાં એવી ફુરસદ હોય! આ વખતે સોમનાથદાદાનાં દર્શનના લોભે જવું છે. વેરાવળમાં ભવાનીસિંહનો હવામહેલ સોમનાથદાદાના મંદિરથી માંડ પાંચસો મીટરના અંતરે છે. નિમંત્રણ દેતી વેળા જયસિંહે મહેલના સદીઓ જૂના બાંધકામની સ્થાપત્યશૈલીનાં બહુ વખાણ કર્યાં. જઈને જોઈએ તો ખરા!’
તર્જનીએ ડોક ધુણાવી. વેરાવળની મુલાકાત દરમ્યાન શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
lll
ત્યારે કરાચીમાં:
‘આહ... છોડ મને... હું ગૂંગળાઈ રહી છું...’
હતું એટલું જોર વાપરીને તેણે પોતાના પર છવાઈને મોં પર તકિયો દબાવતા પુરુષને હડસેલો માર્યો : લી...વ!
પુરુષ હજીયે તંદ્રામાં હતો. તેનાં ફૂલી ગયેલાં બાવડાંમાં હજીયે કોઈને મસળી ખાવાનું જોમ સળવળતું હતું. કપાળેથી પસીનો દદડતો હતો, આંખોમાં રાતા દોરા ફૂટી રહ્યા હતા.
‘આ તને ક્યારેક શું થઈ જાય છે આમિર!’
ઊંડા શ્વાસ લઈને સ્વસ્થ થતી નર્ગિસે તેની ઉઘાડી પીઠ પર હાથ મૂક્યો તો બદન ધગતું જણાયું.
‘આ વેરની આગ છે નર્ગિસ... વરસો અગાઉ કોઈએ આમ જ મારી માને ઊંઘમાં તકિયો દબાવીને મારી નાખેલી ને ભયંકર દુ:સ્વપ્નની જેમ આખા દૃશ્યનો હું મૂક સાક્ષી બની રહ્યો એની તો તે કાતિલને પણ ખબર નહોતી!’
‘જાણું છું આમિર...’ નર્ગિસે ડોક ધુણાવી, ‘આજ સુધી હું તમને વેરના રસ્તેથી વાળતી રહી, પણ આજે એ બંદિશ પાછી ખેંચું છું. માના હત્યારાને સજા આપવાના તમારા હકમાં વચ્ચે પડવાની મારી નાદાની હતી આમિર. તમારો અજંપો ઓસરવાનો એ જ માર્ગ છે, જાઓ!’
આમિરે પ્રિયતમાને ભીંસી દીધી.
શુક્રની વહેલી સવારે બંદર નજીકના તેના ઘરની બાલ્કનીમાંથી તેણે સામે ઘૂઘવતા દરિયા પર દૂરબીન માંડ્યું. ના, અહીંથી હિન્દુસ્તાનની જમીન દેખાતી નહોતી, પણ આ વખતની ખેપમાં ત્યાં જઈને વરસો જૂના વેરને ઠારવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે!
અને તેનાં મનોચક્ષુ સમક્ષ વેરાવળનો દરિયાકાંઠો તરવર્યો. સોમનાથ મંદિરની ધજા ફરફરતી દેખાઈ. વટલાઈને પાકા નમાઝી બની ગયેલા જુવાનના મોંએથી અણધાર્યા શબ્દો ફૂટી નીકળ્યા : જય જય સોમનાથ!
વધુ આવતી કાલે