Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દર્દ-બેદર્દ (પ્રકરણ - ૨)

દર્દ-બેદર્દ (પ્રકરણ - ૨)

Published : 20 December, 2022 10:46 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘આ છે તારો શિકાર! બે રાત્રિ માટે એ વૉશિંગ્ટન જવાનો છે, તારે ત્યાં તક ઝડપી લેવાની. ક્યારે-કેમ એ તારે પ્લાન કરવાનું. આઇ નીડ ફોટોઝ - ઉત્તેજક પોઝીઝ, માઇન્ડ ઇટ! ‘

દર્દ-બેદર્દ (પ્રકરણ - ૨)

વાર્તા-સપ્તાહ

દર્દ-બેદર્દ (પ્રકરણ - ૨)


‘તમારાં વાઇફ ગુનેગાર નથી, કે નથી પેલો જુવાન ફ્રૉડ... વાસ્તવમાં ઇટ્સ અ કેસ ઑફ સેક્સસોમ્નિયા!’ 
પૂરતી તપાસને અંતે આધેડ વયના મનોચિકિત્સક ડૉ. મૅથ્યુએ પોતાનું નિદાન પતિ-પત્નીને ફોડ પાડી સમજાવ્યું : આ એક પ્રકારનો સ્લીપિંગ ડિસઑર્ડર છે. જેમ કોઈ વ્યક્તિ ઊંઘમાં ચાલતી હોય એમ બહુ રૅર કેસમાં ઊંઘમાં જ કામનાની પૂર્તિ કરી લેતી હોય છે...
હેં! આદર્શ ડઘાયો, રિયાએ છાતી પર હાથ દાબ્યો - ડોન્ટ ટેલ મી!


‘તેનું અજાગૃત મન તેને પ્રેરતું હોય છે, જેની ઊંઘમાં સરેલી વ્યક્તિને તો ખબર જ નથી હોતી... ખેર, આવું કંઈક આગળ બન્યું હતું ખરું?’
અને આદર્શની કીકી ચમકી. બેએક વાર અડધી રાત્રે જાગી જઈ પોતે રિયાને અશોભનીય હરકતો કરતાં જોઈ છે, એથી તો તેના અંગ પરનાં નિશાન બાબત વહેમ નહોતો રહ્યો... રિયાને આ વિશે કહેવાનું પણ ન હોય, પણ હવે સમજાય છે એ ઊંઘમાં અજાગ્રત મનથી પ્રેરિત ક્રિયા હતી! 
‘આવા કેસ સાવ અસામાન્ય પણ નથી... બેએક મહિના અગાઉનો બ્રિટનનો કિસ્સો તમે વાંચ્યો-જાણ્યો હશે. એક મૉડેલે તેના ફ્રેન્ડ વિરુદ્ધ રેપની ફરિયાદ કરી, મેડિકલ તપાસમાં જણાયું કે ખરેખર તો મૉડેલ આ પ્રકારના ડિસઑર્ડરથી પીડિત હતી ને સંબંધ બાંધવાની પહેલ તેના તરફથી થઈ હતી, એટલે તેને રેપ ગણી શકાય નહીં... ‘
‘યા, મેં વાંચ્યા’તા એ ન્યૂઝ.’ રિયાથી બોલી જવાયું.



‘તો તમે એ પણ જાણતા હશો કે આનું ડીટેલ ઍનૅલિસિસ કરવું પડશે... ભૂતકાળની કોઈ ઘટના, મેન્ટલ સ્ટ્રેસ – દર્દનું મૂળ જાણવું પડશે...’
ડૉક્ટરની બીજા વીકની અપૉઇન્ટમેન્ટ લઈ દંપતી ઘરે આવ્યું.
‘મને ડિવૉર્સ દઈ દો, આદર્શ, હું ક્યાં તમારા માથે પડી.’
રિયાનાં અશ્રુ સર્યાં. તેનો વલોપાત આદર્શની ભીતર કશુંક સાધી ગયો - પત્ની પરનો વિશ્વાસ! અનુરાગ સાથેની ભૂલ રોગનું પરિણામ હતું, એમાં અનુરાગને પણ દોષ દેવાય નહીં. આમાં બેવફાઈ નહોતી, ચારિત્ર્યની ઊણપ નહોતી. ખરેખર તો અણધારી આ કસોટીમાં અમારે હેમખેમ પાર ઊતરવાનું છે...
રડતી રિયાને તેણે આશ્લેષમાં લીધી, હીબકાં લેતી તે જીદપૂર્વક બોલી, ‘આદર્શ, હવે હું ડૉક્ટરને મળવા નહીં આવું.’
‘કેમ!’


‘કેમ કે આનું મૂળ હું જાણું છું...’ આદર્શની પકડમાંથી અલગ થતી રિયાનો સ્વર ધ્રૂજ્યો, ‘ડૉક્ટરે કહ્યું ને આના માટે ભૂતકાળની કોઈ ઘટના જવાબદાર હોઈ શકે... આવી એક ઘટના હું જાણું છું.’
આદર્શનું કાળજું ધડકી ગયું - એવું તે ભૂતકાળમાં શું બન્યું હોય?
‘વાત મારા મોસાળની છે.’
સ્વસ્થ થઈ રિયાએ વાત માંડતાં આદર્શ ટટ્ટાર થયો.
‘આ ઘટના મેં કોઈને, મારી મા સુધ્ધાંને કહી નથી, આદર્શ, તમે પણ સાંભળીને ભૂલી જજો.’

રિયાએ ઊંડો શ્વાસ લઈ ધરી બાંધી, ‘ત્યારે હું સોળેક વરસની હોઈશ. અંગે વસંત મહોરી ચૂકેલી ને રુદિયે અરમાનોનું મોરપિચ્છ ગલીપચી કરી જાય એવી એ અવસ્થા. મામાને ત્યાં મને પહેલેથી ભળતું. મનોહરમામા સ્વભાવના અતડા, પણ સાધનામામી જીવનાં ઉદાર, મામાના સરખી વયના દીકરાઓ જોડે હું ખૂબ રમતી...’
આદર્શ તેના કથાનકમાં જકડાતો ગયો.
‘તમે બારડોલી મામાના ઘરે આવ્યા છોને... જુનવાણી ઢબનું પહોળા ગાળાનું તેમનું મકાન, પાછળ વરંડો પણ ખરો. નાવણિયું એ પાછલા ભાગમાં. ગરમીના દિવસોમાં હું સવાર-સાંજ નહાતી. ખેર, એ સાંજે મામી દેવદર્શને ગયાં હતાં, બન્ને કઝિન્સ ક્રિકેટ-મૅચ રમવા બાજુના ગામ ગયેલા... હું નાવણિયામાં નહાતી હતી ને અચાનક બાથરૂમનો દરવાજો ખૂલ્યો - સામે મનોહરમામા હતા!’


આ પણ વાંચો : દર્દ-બેદર્દ (પ્રકરણ - ૧)

આદર્શ ચોંકી ગયો.
‘દરવાજાની કડી ઢીલી હતી, હું અંદર હોઈશ એવો મામાને પણ ખ્યાલ નહીં, કોઈ કારણસર નોકરીએથી વહેલા પરત થયેલા એ બિચારા તો પોતાની ધૂનમાં આવી ચડ્યા...’
‘પછી?’
‘પછી ન બનવા જેવું બન્યું, આદર્શ...’ રિયા થથરી, ‘ષોડશી કન્યાનાં ઉઘાડાં અંગ જોઈ પુરુષની વાસના ભડકી... સગપણની ગરિમા વીસરી મામા મને વળગી પડ્યા, હું ચીસો ન પાડું એ માટે મારા મોં પર હા...થ ભીં...સી દી...ધો-’
અત્યારે પણ એની ગૂંગળામણ થતી હોય એમ રિયા હાંફવા લાગી.

‘હું છટપટી... એ જ વખતે દેવદર્શનેથી પાછાં ફરેલાં મામીએ જાળી ન ખખડાવી હોત તો મારી આ...બરૂ લૂંટાઈ જ ગઈ હોત! ‘ખબરદાર જો કોઈનેય આ વિશે કહ્યું છે તો...’ ધમકી આપી મામા સરકી ગયા ને આઘાતની મારી હું બેહોશ થઈ ગઈ!’
ઓ...હ! આદર્શને મામાના શબ્દો પડઘાયા - મને કોઈ ગરબડ નહીં જોઈએ... હાથે કરી પગે કુહાડો ન મારતી - એ આ કિસ્સાના સંદર્ભમાં કહેવાયું હતું!
‘શક્ય છે, બે-પાંચ મિનિટની મારી એ બેહોશીમાં પુરુષનું કૃત્ય મારા સબકૉન્શિયસ માઇન્ડમાં રજિસ્ટર્ડ થઈ ગયું હોય... બધું નૉર્મલ દેખાડવા ખાતર પણ મેં મામા કે મોસાળ પ્રત્યે ધિક્કાર પોસ્યો નથી, એટલે સુહાગરાતે કે ત્યાર પછી મને ક્યાંય અસહજતા ન વર્તાણી, બલકે પછી એ પુરુષનો ચહેરો જ તમે બની ગયા... ને ઊંઘમાં પણ હું ઍક્ટિવ થવા લાગી - આ જ તર્ક બંધ બેસે છે. બસ, આ જ હોઈ શકે દર્દનું મૂળ!’
રિયાનું વિશ્લેષણ સચોટ લાગ્યું. 

‘તમને મારું કથન સ્વીકાર્ય હોય આદર્શ તો આ વાતને અહીં જ દફનાવી દો. મારે એને વધુ ચૂંથવી નથી, નહીંતર હું પિસાતી જ રહીશ.’
અશ્રુ સારતી રિયાને આદર્શે બાથ ભીડી. દર્દનું મૂળ જાણ્યા પછી મારી એક જ પ્રતિક્રિયા હોવી ઘટે...
‘લેટ્સ ફર્ગેટ એવરીથિંગ-’ તેણે રિયાને બાંહોમાં ઉઠાવી બેડરૂમ તરફ ચાલવા માંડ્યું. હસતી-રડતી રિયા તેને ચૂમીઓથી ભીંજવી રહી.

lll આ પણ વાંચો : જખમ (પ્રકરણ-૧)

હિમવર્ષા થંભી ગઈ. આકાશ ચોખ્ખું હતું. રસ્તા ખુલ્લા.
મૅનહટનની ઑફિસ વિન્ડોમાંથી બહારનું દૃશ્ય નિહાળતાં આદર્શે કૉફીનો ઘૂંટ ભર્યો. 
વીત્યાં આ બે અઠવાડિયાંમાં જીવન જાણે પૂર્વવત્ થતું જતું હતું. એક વાવાઝોડું આવીને પસાર થઈ ગયું... રિયાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોવી ઊર્મિતંત્ર માટે ધરતીકંપસમાન હતું. પોતે વિખેરાઈ ગયો હોત, પણ સ્લીપિંગ ઍક્ટની સચ્ચાઈએ સર્વકંઈ ધ્વસ્ત થતું ઉગારી લીધું. પતિ-પત્ની એકમેકના નબળા સમયને સાચવી લે એમાં જ દામ્પત્યની સુવાસ છે. રિયાને જાળવવામાં હું ઊણો નહીં ઊતરું! બેશક, રિયાની ‘બીમારી’ જોખમી હતી ને મનોચિકિત્સકની સારવારની જરૂરિયાત આદર્શને સમજાતી, પણ એને માટે રિયાને ધીરજથી મનાવવી પડશે... ત્યાં સુધી આઉટિંગ બંધ રાખવાનું પોતે નક્કી કર્યું, રિયા એથી જોકે નારાજ હતી : તમને મારા પર વિશ્વાસ તો છેને? તો પછી બહારગામ કામે જવામાં શું વાંધો છે? હું અનુરાગને તેડાવી લઈશ એવું તો તમે નથી માનતાને!

તેની વેદનાભરી આંખો કાળજું ચીરતી. તેને આશ્વસ્ત કરવા પણ પોતે આજથી બહારના કામે જવાનું શરૂ કરી રહ્યો છે... અનુરાગ ફરી દેખાયો નથી ને અમારે તેને તેડવાનું કોઈ કારણ નથી.
એ જ વખતે સેક્રેટરીએ ઇન્ટરકૉમ રણકાવ્યો : સર, નેક્સ્ટ વીક મૅડમનો સિટિઝનશિપ માટેનો ઇન્ટરવ્યુ શેડ્યુલ થયો છે, જસ્ટ રિસીવ્ડ મેઇલ.’ 
ઘરનાં આવાં કામ સ્ટાફ થ્રૂ થતાં હોય એટલે કમ્યુનિકેશન ઑફિસથી જ થતું. પોતાને અહીંની નાગરિકતા મળી હોઈ, આમ તો પત્નીને સિટિઝનશિપ મળતાં વાંધો ન આવે, પરંતુ ઇમિગ્રેશનના અમેરિકાના કાયદા સામાન્ય માણસને સમજાય એવા નથી. લકીલી રિયાનો કેસ જલદી ક્લિયર થઈ જવાનો.
અને ખરેખર આઠમા દિવસે એમ્બેસી બિલ્ડિંગમાંથી બહાર નીકળતી રિયા જાણે હવામાં ઊડતી હતી: હજુ ઑફિસની ઇન્ટરનલ ફૉર્માલિટીમાં બેએક અઠવાડિયાંનો સમય કદાચ લાગે, અધરવાઇઝ ઇટ ઇઝ ડન. ચલો, આદર્શ, હવે બાર દિવસ પછીની ક્રૂઝ માટે શૉપિંગમાં ખૂંપી જઈએ... આ વખતની નાતાલ-ન્યુ યરની  શિપ પર ઉજવણી યાદગાર રહેવાની!  
આદર્શને પણ આનો આનંદ જ હોયને! 
lll

હું શું કરું!
જાહ્નવીએ ખુદને આટલી વિવશ કદી નહોતી અનુભવી. આશરે મહિના અગાઉ, મુંબઈમાં માને ત્રણ મહિનાનો ખાટલો થયાના ખબર બાજુવાળાં કાન્તામાસીએ આપ્યા પછી જાહ્નવીથી ન રહેવાતાં વિડિયોકૉલથી માના ખબરઅંતર પૂછ્યા, માએ તો મુંબઈ દોડી ન આવવા સમ જ આપી દીધા. તત્કાળ તો પોતાની પાસે થોડીઘણી બચત હતી એ માના ખાતામાં નાખી એથી ત્યાં રાહત હતી, પણ હવે ખબર એવા છે કે ઑપરેશન અનિવાર્ય છે ને એમાં ચાર લાખનો ખર્ચ છે! 
કાશ, ક્યાંક પૈસાનો વરસાદ થતો હોય ને છત્રી વિના જઈ હું પૂરેપૂરી પલળી આવું ને મારી માને બચાવી લઉં! કૉલેજમાં સ્વીટી જેવી ચાર-છ ભારતીય સખી ખરી, પણ ન્યુ યૉર્કની મોંઘવારીમાં માંડ પોતાના જોગ જેટલું નીકળતું હોય એટલે ઇચ્છવા છતાં કોઈ આર્થિક મદદ કરી શકે એમ નથી...
- અને તેનો ફોન રણક્યો. સામો નંબર અજાણ્યો હતો.
‘તારી તકલીફ હું જાણું છું, જાહ્નવી. તને રૂપિયાની જરૂર છે, જે હું પૂરી કરી શકું એમ છું. જો તું મારું એક કામ કરી દે તો... બોલ, ડીલ કરવી છે?’
અજાણ્યા પુરુષ અવાજે જાહ્નવીના કપાળે કરચલી ઊપસી.
‘ડીલમાં મારે કરવાનું શું છે એ પહેલાં બોલો.’

એક પળની ચુપકી પછી સામેથી સંભળાયું, ‘એક પુરુષને ફસાવવાનો છે. તારી સાથે તે ઇન્ટિમેટ થતો હોય એવી ચાર-છ વાંધાજનક તસવીરોનો મેળ પાડી દે, બદલામાં તને ફાઇવ થાઉઝન્ડ ડૉલર્સ આપીશ-’ ફાઇવ થાઉઝન્ડ ડૉલર્સ... મતલબ સહેજે ચાર-સાડાચાર લાખ રૂપિયા! જાહ્નવીને માનું ઑપરેશન હાથવેંત લાગ્યું. કોને ખબર, પૈસાનો વરસાદ આમ જ વરસતો હશે? 
‘મંજૂર. મારા મદદગારનું હું નામ જાણી શકું?’
‘તમારો શુભચિંતક,’ સામો છેડો મર્માળુ મલક્યો, ‘આખા ઑપરેશન દરમ્યાન આપણે ક્યારેય આમનેસામને નહીં થઈએ, જાહ્નવી... ડીલનું ઍડવાન્સ મોકલી આપું છું, બાકીની સૂચના પછી.’
અને કૉલ કટ થયો.
lll

ગયા અઠવાડિયે ફોન રણકાવી કોઈ પુરુષને ફસાવવાની કામગીરીની ડીલના ઍડ્વાન્સ પેટે લાખ રૂપિયા ચૂકવી દેનારો ‘શુભચિંતક’ કોણ હશે? 
જાહ્નવી એકના એક વિચારોમાં ગરકાવ છે.
તે મને નામથી જાણે છે, મારી રૂપિયાની જરૂરિયાતની ખબર રાખે છે - એવું તે કોણ હોય? હું યુનિવર્સિટી નજીકના અપાર્ટમેન્ટમાં શૅરિંગમાં પીજી તરીકે રહું છું, પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રૂફરીડર તરીકે પાર્ટટાઇમ જૉબ કરું છું - આ ત્રણ સ્થળ સિવાય ક્યાંય મારો આવરોજાવરો હોતો નથી. કાર્યસ્થળે ઘરની વાત મેં ઉલ્લેખી નથી. હૉસ્ટેલમાં કહી નથી, હા, યુનિવર્સિટીના કૅમ્પસમાં એકમાત્ર સ્વીટી જોડે આ વિશે બેચાર વાર ચર્ચા કરી છે. સ્વીટી કોઈને કહે એમ નથી.
- આનો સીધો અર્થ એ કે, મારો કહેવાતો શુભચિંતક મારી - સ્વીટીની  વાતો સાંભળી ગયો! તો જ તેને મારી ફાઇનૅન્સ નીડની માલૂમાત હોય.
- આનો બીજો મતલબ એ કે આ માણસ અમારી યુનિવર્સિટીનો જ છે! કોઈ સ્ટુડન્ટ યા કોઈ પ્રાધ્યાપક કે ઇવન પ્યુન...
- તો શું મારે જેને ફોસલાવવાનો છે એ પુરુષ પણ યુનિવર્સિટીનો જ મેમ્બર હશે? અને એ ભલે મારા પરિઘ બહારનો પુરુષ હોય, તો પણ તેની સાથે ઇન્ટિમેટ પોઝના ફોટોગ્રાફ્સ મેળવવા પાછળ શુભચિંતકનો ઇરાદો શું હશે? બ્લૅકમેઇલિંગ?  

સહેજ થથરી જવાયું. શુભચિંતક મારી જરૂરિયાતનો પોતાના ફાયદા માટે લાભ ઉઠાવવા માગે છે, તો ભલે. કોઈ પુરુષને ફોસલાવવામાં મારા ચારિત્ર્યનું હનન થતું હોય તો મને એ પણ મંજૂર છે, કદાચ શુભચિંતક એ પુરુષને બદનામ કરવા અમારા ફોટોઝ જાહેર મીડિયામાં મૂકવા ધારતો હોય તો એનીયે પરવા નથી... મારે તો માનો શ્રેષ્ઠ ઇલાજ કરાવવો છે, બસ! 
- અને બીજી બપોરે નવો જ કોઈ અજાણ્યો નંબર મોબાઇલમાં ઝબક્યો. જાહ્નવી ટટ્ટાર થઈ. યસ, સામે એ જ શુભચિંતક હતો. પાછો વૉટ્સઍપ કૉલ કરે છે એટલે રેકૉર્ડ થાય એમ નથી.
‘તને વૉટ્સઍપ કરું છુ. ચેક ઇટ’

આ પણ વાંચો : હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૨)

અને એ નંબર પરથી આવેલી પીડીએફ ફાઇલ ઓપન કરતાં ચમકી જવાયું : આ તો મારા નામની વૉશિંગ્ટનની ત્રીજા દિવસની ફ્લાઇટ ટિકિટ!
બીજી ઇમેજ ડાઉનલોડ થતાં સ્ક્રીન પર તસવીર ઝળકી :  જોતાં જ મોહી પડાય એવા જુવાનને તે નીરખી રહી.
‘આ છે તારો શિકાર! બે રાત્રિ માટે એ વૉશિંગ્ટન જવાનો છે, તારે ત્યાં તક ઝડપી લેવાની. ક્યારે-કેમ એ તારે પ્લાન કરવાનું. આઇ નીડ ફોટોઝ - ઉત્તેજક પોઝીઝ, માઇન્ડ ઇટ! ‘
આ માણસે શું રમત માંડી છે!
ખભા ઉલાળતી જાહ્નવીને મુંબઈમાં શું થઈ રહ્યું છે એની ક્યાં ખબર હતી?
 
વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2022 10:46 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK