‘આદર્શ તમને કેમ કહું કે...’ તેની પાંપણના ખૂણા ભીંજાયેલા, ‘મારી પવિત્રતા પર તો વિશ્વાસ છેને, તમને?’
વાર્તા-સપ્તાહ
દર્દ-બેદર્દ (પ્રકરણ - ૧)
ન હોય!
ખિતાબની જાહેરાતે વિશ્વસુંદરી ઘોષિત થનારી સ્પર્ધક જતાવે એવા હાવભાવ રિયાએ ઊપસાવ્યા : આદર્શ, તમે ખરેખર ક્રૂઝમાં બુકિંગ કરાવ્યું! ઓહ, માય ડ્રીમ ટૂર!
પત્નીની ઊછળકૂદને આદર્શ મનભરી માણી રહ્યો.
એકના એક દીકરા તરીકે આદર્શ લાડકોડમાં ઊછર્યો. મલબારહિલ ખાતે પિતાનું આલીશાન નિવાસસ્થાન હતું. ફાઇનૅન્સ કન્સલ્ટન્ટ તરીકે નિરંજનભાઈનો બહોળો કારોબાર છે. ગૃહિણી માતા વિદ્યાબહેનમાં પતિનો પૈસો સારા કામમાં વાપરવાની સૂઝ હતી. તેમના સંસ્કાર-ઉછેરનો પડઘો દીકરામાં કેમ વર્તાયા વિના રહે! પરીકથાના રાજકુમાર જેવો રૂડોરૂપાળો આદર્શ ભણવામાં સ્કૉલર. માંડ બાવીસની ઉંમરે કમ્પ્યુટર સાયન્સનું ભણી કૅમ્પ્સ થ્રૂ મલ્ટિનૅશનલમાં ઊંચા પગારની જૉબ સાથે ન્યુ યૉર્કમાં પોસ્ટિંગ મળ્યું, અને ન્યુ યૉર્ક શિફ્ટ થયાના પાંચમા વરસે તેની પાસે અમેરિકાની સિટિઝનશિપ હતી, ડ્રીમ સિટીમાં પોતાનો બિઝનેસ હતો ને શહેરની ભાગાદોડથી દૂર સબબમાં વિલા! દીકરાની સિદ્ધિનો માવતરને સ્વાભાવિક ગર્વ હતો.
ADVERTISEMENT
અઠ્ઠાવીસના થયેલા આદર્શનાં લગ્ન લેવા અધીરાં થયેલાં વિદ્યાબહેનનું મન ખારના સાધારણ કુટુંબની, ફૅશન ડિઝાઇનિંગનું ભણેલી કન્યા રિયા પર બેઠું. શિક્ષક માતા-પિતાની ત્રેવીસેક વરસની એકની એક કન્યા આદર્શને પણ પહેલી જ મુલાકાતમાં ગમી ગઈ. એકાંત મેળાપમાં તેના ગુણ વધુ નીખરી આવ્યા ‘મને શ્રીમંતાઈનો, વિદેશનો મોહ નથી, હું મૂલ્યોમાં માનનારી છું.’
તેની વાણીમાં દંભ નહોતો લાગ્યો. આદર્શને દ્વિધા ન રહી, રિયા તરફથી પણ હકાર થતાં રંગેચંગે લગ્ન લેવાયાં, દિલ્હી-આગરાનું હનીમૂન રંગીન રહ્યું. પહેલી રાત્રે શરમથી પાણી-પાણી થતી રિયા ધીરે-ધીરે શયનેષુ રંભા બની પતિને રીઝવતી થઈ. બીજા ત્રણેક દિવસ મુંબઈ રહી આદર્શ ન્યુ યૉર્ક પરત થયો, રિયાને વિઝા મળવામાં ચારેક માસનો સમય લાગ્યો. ત્યાં સુધી મુંબઈના ઘરે રહી તેણે મા-બાપનાં દિલ જીતી લીધેલાં.
આ પણ વાંચો : જખમ (પ્રકરણ-૧)
‘વહુનું કહેવું પડે. અમારું કેટલું ધ્યાન રાખે છે... વચમાં એક વીક-એન્ડ તેના મામાને ત્યાં બારડોલી ગઈ’તી તો સુરતથી મારા માટે સાડી-સેલાં લઈ આવી...’
આદર્શ સંતુષ્ટ થતો.
રિયા ન્યુ યૉર્ક મૂવ થયા પછી સબર્બની વિશાળ વિલામાં સ્ત્રીનો સ્પર્શ વર્તાવા માંડ્યો. રિયા અમેરિકા આવ્યાના છઠ્ઠા મહિને, આજથી વરસેક અગાઉની સાંજે આદર્શ ઘરે આવ્યો ત્યારે હૉલમાં ચોવીસ-પચીસના જુવાનને ગોઠવાયેલો જોઈ નવાઈ લાગી - યસ?
વિલાના તમામ રૂમ સાથે મુખ્ય દરવાજાની ચાવીનો બીજો ઝૂડો હંમેશાં આદર્શ સાથે રહેતો, ને રિયાના આવ્યા પછી પણ જાતે જ ચાવી ખોલી ઘરમાં દાખલ થઈ જવાની જૂની ટેવ છૂટતી નહોતી.
આદર્શને ભાળી જુવાન હળવું ચમક્યો, ઊભો થઈ હળવું મલકતાં હાથ લંબાવ્યો, ‘ગુડ ઇવનિંગ સર, માયસેલ્ફ અનુરાગ.’
એવી જ કિચનમાંથી જૂસની ટ્રે લઈ રિયા આવી, ‘અરે, આદર્શ, તમે આવી ગયા!’ ટ્રેનો મગ જુવાનને ધરતાં તે કહેતી રહી, ‘આ અનુરાગ છે. મને મૉલમાં મળી ગયો... રિટર્નમાં આપણી ગાડી બગડી, ત્યાંથી કૅબમાં પસાર થતાં અનુરાગે મને ડ્રૉપ કરવાની કર્ટસી દાખવી...’
‘ઓહ, સો નાઇસ ઑફ યુ.’ હવે આદર્શના વર્તાવમાં આત્મીયતા ભળી.
‘અનુરાગ મૂળ સુરતનો છે, આઇટીનું ભણ્યો છે અને અહીં સેટ થવાના ઇરાદે હાલ તો સ્ટુડન્ટ વિઝા પર ન્યુ યૉર્ક આવ્યો છે.’
‘આમેય દુનિયામાં એકલો છું. મારા પેરન્ટ્સ રહ્યા નથી. કાકા-કાકીના આશરે ઊછર્યો છું, અફકોર્સ, અહીં આવ્યો છું એ સ્કૉલરશિપ પર. પાર્ટટાઇમ જૉબ કરી ખર્ચો કાઢી લઉં છું.’
‘ગ્રેટ. સો બી ઇન ટચ.’
આદર્શે કેવળ ફૉર્માલિટી ખાતર નહોતું કહ્યું. પરદેશમાં હમવતનીની સંભાળનો ગુણ કેળવાઈ જ જતો હોય છે. બે-ત્રણ અઠવાડિયે અનુરાગ અહીં આવી જતો. આદર્શ જોડે બિઝનેસની વાતો માંડતો, રિયાની હૉસ્પિટાલિટીને વખાણતો, ક્યારેક અહીં રાતવાસો પણ કરી લેતો. છ મહિના અગાઉ, દસ દિવસ માટે પતિ-પત્ની ઇન્ડિયા ગયેલાં ત્યારે વિલાની દેખરેખ તેણે જ રાખેલી.
દસ દિવસનો પ્રવાસ યાદગાર રહેલો. મમ્મી-પપ્પા સાથે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ફરી, બીજી બપોરે બાય રોડ રિટર્ન થતાં રિયાના મામાને ત્યાં બારડોલી ડ્રૉપ થયાં. મનોહરમામાની છાપ જરા કંજૂસની, પણ હેતાળવાં મામીને કારણે રિયાને મોસાળમાં ગમતું, કૉલેજમાં આવ્યા પછી પણ આખું ને આખું વેકેશન અહીં ગાળ્યાનું એ ભાવથી સંભારતી.
મામાએ જોકે જમાઈના સ્વાગતનો વહેવાર બરાબર નિભાવ્યો. ચા-નાસ્તાનાં ખાલી વાસણ સમેટી રિયા પાછળ ચોકડીમાં મૂકવા ગઈ, ત્યાં ભાણીને આંતરી મામા કશુંક કહેતા જણાયા. કુતૂહલવશ આદર્શ નિકટ સર્યો, મામા દબાયેલા સાદે કહેતાં સંભળાયા - ‘રિયા, મને કોઈ ગરબડ નહીં જોઈએ.’
રિયા સહેજ ઓઝપાઈ, મામાએ કહ્યું, ‘હાથે કરીને તારા પગ પર કુહાડો ન મારતી-’ પછી પાછળ કોઈના પગરવે સચેત થઈ ઊલટા ફર્યા, આદર્શને જોઈ ફિક્કું મલકી ઉમેર્યું, ‘અમારા જમાઈરાજને જાળવજે.’
આદર્શે તેને સીધા અર્થમાં જ લીધું - મામાને ભાણેજની કેટલી પરવા છે!
‘રિયા તરફથી નચિંત રહેજો મામા, તેણે તો અમારું ઘર ઉજાળ્યું છે!’
ખરું પૂછો તો રિયાનાં પગલાં શુકનવંતાં પણ નીવડ્યાં. લગ્ન પછી આદર્શનું કામકાજ વિસ્તર્યું હતું. કંપનીના કામે ક્યારેક શિકાગો, વૉશિંગ્ટન સુધી જવાનું બનતું. વિરહની આવી બે-ત્રણ રાત્રિ પછીનું એકાંત પુરબહાર નીવડતું.
આમાં મહિના અગાઉની અંગત પળોમાં આદર્શે ચમકવા જેવું બનેલું : રિયાના અંગે આ ચકામાં શાનાં! કામક્રીડા સિવાય આવાં નિશાન ઊપસે નહીં, ને હું તો ત્રણ રાત્રિથી બહારગામ છું...
પતિથી નહીં પુછાયેલો સવાલ રિયાની સ્ત્રીનજરથી છાનો નહોતો રહ્યો.
‘આદર્શ તમને કેમ કહું કે...’ તેની પાંપણના ખૂણા ભીંજાયેલા, ‘મારી પવિત્રતા પર તો વિશ્વાસ છેને, તમને?’
સ્ત્રીનાં અશ્રુને કયો પુરુષ જીતી શક્યો છે? આદર્શે પણ ધારી લીધું, બની શકે આ નિશાન જૂનાં જ હોય.
અને પછી તો એક-બે વાર બન્યુંય એવું કે વહેમનો અવકાશ ન રહે...
- અત્યારે જોકે ઊછળતી પત્નીને વારવી પડી,
‘મૅડમ, ક્રૂઝ જવામાં હજી પૂરા દોઢ મહિનાની વાર છે... હૉપ, પહેલા તારો કૉલ આવી જાય!’
રિયાને હજુ યુએસનું કાયમી નાગરિકત્વ નથી મળ્યું, પણ ફાઇલ પ્રોસેસમાં હોવાથી ગમે ત્યારે કૉલ આવે એમ છે.
‘અને હા, મારે કાલે શિકાગો જવાનું છે, ત્રણ દિવસનો પ્રોગ્રામ છે.’
પત્નીને કહેતા આદર્શને શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
lll
‘સમજાતું નથી, સ્વીટી, હું શું કરું?’
યુનિવર્સિટી કૅમ્પસના બાંકડે સખી સાથે બેઠેલી જાહ્નવીએ હળવો નિ:સાસો નાખ્યો.
ચર્ની રોડની ચાલમાં ઊછરેલી કન્યા તરીકે અમેરિકા આવવાનું તો સપનુંય નહોતું જોયું... પિતાજીના દેહાંત બાદ ટિફિન સર્વિસથી ખુમારીભેર ગુજરાન કરનારી સંધ્યામાએ એકની એક દીકરીને લાડની અછત વર્તાવા નહોતી દીધી. અપ્સરાનેય ઈર્ષા આવે એવું જોબન ધરાવતી જાહ્નવીનો આત્મવિશ્વાસ પ્રબળ હતો. લિટરેચરનો તેને શોખ. ન્યાતની લાઇબ્રેરીમાં પાર્ટટાઇમ જૉબ કરતી. ત્યાંથી જ અમેરિકાના ન્યુ યૉર્કની યુનિવર્સિટીમાં સાહિત્યના અભ્યાસ માટે મળતી સ્કૉલરશિપ વિશે જાણ્યું. આપણો નંબર ક્યાં લાગવાનો! એવું વિચારી કરવા ખાતર અરજી કરી ને ખરેખર પોતાનો નંબર લાગ્યો એ પહેલાં તો માનવામાં નહોતું આવ્યું.
‘આમાં ન માનવા જેવું શું છે? તું હંમેશાં યુનિવર્સિટી ટૉપર રહી છે, તારે તો ઉત્તીર્ણ થવાનું જ હતું, જાહ્નવી.’ કૉલેજના પ્રિન્સિપાલે પીઠ થાબડી, એટલું જ નહીં, બે વરસના કોર્સ માટે ન્યુ યૉર્કની ટિકિટનો બંદોબસ્ત પણ ગોઠવી આપ્યો... સંધ્યામાએ દીકરીને સમ આપીને મોકલી, ને વરસ તો હસતાં-રમતાં પસાર થઈ ગયું...
પણ મધદરિયે નાવ ડામાડોળ થાય એવા ન્યુઝ ગઈ કાલે મુંબઈથી આવ્યા. માનાં સખી અને ચાલીનાં પાડોશી કાન્તા આન્ટીએ માની જાણ બહાર ફોન પર માહિતી આપી - ત્રણ દિવસ અગાઉ તારી મા ગાયની અડફેટે આવતાં થાપાનું હાડકું ભાંગ્યું છે, ત્રણ મહિનાનો ખાટલો છે ને ઑપરેશન કરાવો તો ખર્ચ ભારે છે. તારી માની ભીડ તો અમે જાળવી લઈશું, બેટા, તું આવવાની ઉતાવળ ન કરતી-’ આન્ટીએ ભલે મના કરી, જાહ્નવીનો જીવ તો ત્યારનો મુંબઈ ઊડવા તલપાપડ બન્યો હતો. માને એક વાર જોઈ લઉં, ને મુંબઈ જતાં પહેલાં ઇલાજ માટેના રૂપિયાનો બંદોબસ્ત પણ કોઈ હિસાબે કરવો રહ્યો!
જાહ્નવીને ત્યારે જાણ નહોતી કે માની બીમારીનો યોગ પોતાને ક્યાં દોરી જશે!
lll આ પણ વાંચો : હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૧)
શિકાગોની ટૂર પતાવી ન્યુ યૉર્ક પાછો ફરતો આદર્શ ઉમંગમાં હતો - ધારવા કરતાં એક દિવસ વહેલું કામ પતી ગયું... રિયાને કહ્યું જ નથી કે હું અર્લી મૉર્નિંગ પાછો ફરી રહ્યો છું. મને જોઈ કેવી સરપ્રાઇઝ્ડ થઈ જશે! ઍરપોર્ટની બહાર નીકળી આદર્શે કૅબ કરી લીધી. ગઈ રાતથી શરૂ થયેલી હિમવર્ષાને કારણે રસ્તા પર બરફના થર દેખાતા હતા. આદર્શની અધીરાઈ એટલી જ સિસકારા મારવા લાગી.
વિલાના ઝાંપે ઊતરી તેણે દરવાજા તરફ દોટ મૂકી. ચાવીથી મુખ્ય દરવાજો ખોલી ઉતાવળાં પગલે ભીતર જઈ તે બેડરૂમનો નૉબ ઘુમાવી દરવાજો હડસેલે છે કે થીજી જવાયું.
પલંગ પર રિયા સાવ નિર્વસ્ત્ર દશામાં હતી, છતને તાકતી તેની આંખો ખુલ્લી હતી, ને તેની પડખે એવો જ ઉઘાડો અનુરાગ નસકોરાં બોલાવતો હતો!
‘રિ...યા!’
આદર્શની ચીસ ફૂટી ને નીરવ વાતાવરણ ખળભળી ઊઠ્યું.
ના, રિયા તો સળવળી નહીં, પણ અનુરાગની તંદ્રા તૂટી હોય એમ તે ઉભડક બેઠો થયો, સામે આદર્શને જોઈ ભડકીને કમ્મરે ચાદર લપેટી, ફર્શ પર પડેલાં વસ્ત્રો સમેટી બાથરૂમમાં દોડી ગયો.
‘ફરગિવ મી, સર...’ અંદરથી આજીજી કરતો કહેવા લાગ્યો, ‘કાલે સાંજે હું અમસ્તો જ આવી ચડ્યો. તમે અહીં નથી એવી નહોતી ખબર... પછી સ્નો ફૉલ ચાલુ થતાં મૅડમે અહીં જ રોકાઈ જવા આગ્રહ કર્યો. રાત્રે થોડી વાર પૂરતી લાઇટ જતાં તેમણે મને રૂમમાં આવી જવા કહ્યું - અંધારામાં મને ડર લાગે છે...’
યા, રિયાને અંધારાને ડર રહેતો એ તો હકીકત છે. સૂતી વેળા પણ તે નાઇટલૅમ્પ ચાલુ જ રાખતી.
‘મેં કંઈ નથી કર્યું, સર...’ કપડાં પહેરી બાથરૂમમાંથી બહાર આવી અનુરાગે હાથ જોડ્યા, ‘અડધી રાત્રે મૅમ જ મને વળગી પડ્યાં... તે કશું બોલતાં નહોતાં, તેમની પાંપણ પણ સ્થિર હતી. મેં તેમને વારવાની કોશિશ કરી, તોય એવા આવેશથી મને ઝંખતાં હતાં - આઇ વૉઝ હેલ્પલેસ!’
બીજા શબ્દોમાં અનુરાગ કહી રહ્યો છે કે પહેલ રિયાએ કરીએ, મેં તો કેવળ પ્રતિસાદ આપ્યો!
દાંત ભીંસતાં આદર્શે રિયાનો ચહેરો થપથપાવ્યો – કમ ઑન, રિયા, હવે નાટક બંધ કરી જાગી જા!
- અને રિયાની પાંપણ ફરકી. બગાસું ખાતાં આળસ મરડી, પોતાના પર ઝળૂંબતા આદર્શને જોઈ બેઠી થવા ગઈ - તમે આવી ગયા! આટલું કહેતાં પોતાની વસ્ત્રહીન દશાનું ભાન થતું હોય એમ આદર્શના બાવડે ચીંટિયો ભર્યો - ખરા છો, બે રાતના ખાડામાં એવા કામાતુર બન્યા કે મને જગાડી પણ નહીં!’
ઓત્તારી, આ તો એવું જતાવે છે જાણે તેની ઊંઘમાં તેની સાથે મેં રાગ માણ્યો હોય!
ત્યાં રિયાની નજર રૂમમાં મોજૂદ અનુરાગ પર પડતાં જ ચીસ નાખી તેણે ચાદર લપેટી લીધી, ‘આદર્શ, આપણા બેડરૂમમાં આ ત્રીજી વ્યક્તિ શું કરે છે?’
આદર્શ માટે હવે સંયમ રાખવો મુશ્કેલ હતો, ‘આ સવાલ તો હું તને પૂછું છું, રિયા. અનુરાગ આપણા બેડ પર, તારી સાથે કેમ?’ તેનો ગુસ્સો ફાટ્યો.
ધીરે-ધીરે પ્રકાશ પથરાતો હોય એમ રિયાનાં નેત્રો પહોળાં થયાં,
‘તમારો મતલબ છે આદર્શ કે હું અ...નુ...રા...ગ સાથે-. નો...નો! આ બને જ કઈ રીતે? પરપુરુષ મારું શિયળ લૂંટતો રહે ને મને કશી ખબર જ ન પડે!’
રિયાનો આઘાત દેખીતો હતો. પોતાના બે વરસના લગ્નજીવનમાં આવી કોઈ ક્ષણ આવશે એની આદર્શને કલ્પનાય નહોતી. અનુરાગે કહ્યું એમ રિયાએ પહેલ કરી હશે? કે પછી મને કશું જ યાદ નથીનું ગાણું ગાતી રિયા અનુરાગને બચાવવા જૂઠ બોલી રહી છે? પણ અનુરાગે બળજબરી કરી પણ હોય તો એનો બચાવ શું કામ!
અનુરાગ તો ઊડનછૂની જેમ લાગ જોઈ પંજો માપી ગયેલો, પણ વરબૈરી સવારની સાંજ થવા છતાં રાતની જ ઘટનામાં ગોથાં ખાય છે.
‘નો. ધીસ ઇઝ હૉરિબલ’ છેવટે દમ ભીડી રિયા ફોન તરફ ગઈ, ‘મારી જાણબહાર કોઈ મારી અસ્ક્યામત લૂંટી જાય એની તપાસ તો થવી જ જોઈએ.’
આદર્શના કપાળે કરચલી ઊપસી.
આ પણ વાંચો : છળ-છલના (પ્રકરણ ૧)
‘આઇ થિન્ક આઇ નીડ મેડિકલ હેલ્પ.’
રિયાને બીજી સવારની અપૉઇન્ટમેન્ટ મળી, એ રાત પતિ-પત્નીએ કરવટ બદલતાં જ ગાળી.
હવે જોઈએ કાલે ડૉક્ટર શું કહે છે!
વધુ આવતી કાલે