રાહુલ સામે જોયા વિના જ રૂહીએ તેને કહી દીધું, તું નીકળ, હું હવે સ્ટેશને પહોંચી જઈશ, બાય
ઇલસ્ટ્રેશન
‘તને આવી બધી વાતોમાં શું આટલો ઇન્ટરેસ્ટ છે? આખો દિવસ ભૂત ને પ્રેતની એવી જ વાતો કરવાની ને એવી જ વાતો વાંચવાની?’ મમ્મીનો ગુસ્સો વાજબી હતો, ‘આમાં ને આમાં ગાંડી થઈ જઈશ...’
‘તું નક્કી કર... ક્યારેક એમ કહે છે કે તું ગાંડી છે અને અત્યારે કહે છે કે ગાંડી થઈ જઈશ...’ રૂહીએ વાતને હળવી બનાવતાં કહ્યું, ‘હું ગાંડી છું કે નથી?’
ADVERTISEMENT
‘હું મજાક નથી કરતી. આ બધું હવે મૂકી દે ને એવું લાગતું હોય તો થોડો વખત ઘરે આવી જા એટલે તારા મગજને ને મારા જીવને શાંતિ...’
‘હમણાં તો નહીં આવી શકાય મમ્મી. ઍક્ચ્યુઅલી છેલ્લી સિરીઝ પૂરી કર્યાને ત્રણ મહિના થઈ ગયા અને હજી સુધી નવી સિરીઝ માટે કન્ટેન્ટ નથી મળ્યું એટલે પ્રેશર છે અને યુ નો, પ્રેશર વચ્ચે વેકેશન લેવાની મજા નહીં આવે.’
‘તો કહી દે તારા બૉસને, સિરીઝ મળશે ત્યારે આપી દઈશ. બાકી આવું પ્રેશર કોઈ પર કરવાનું ન હોય. એ રાક્ષસ જેવો છે.’
‘મમ્મી... તેઓ મારા બૉસ છે. પ્રેશર આપવું એ તેમનું કામ છે. તેઓ મને પ્રેશર આપે છે એવું નથી, તેમના બૉસનું તેમના પર પ્રેશર હોય...’ રૂહીએ વાત ટૂંકાવી, ‘એ બધી વાત પછી કરીશું, મારે મોડું થાય છે. ચલ બાય...’
‘એ હેલો... મેં ફોન શું કામ કર્યો એ તો પૂછ?’
‘અરે, હા... સૉરી, શું કામ હતું કહે...’
‘તેં વાળ કોને પૂછીને કપાવ્યા?’
મમ્મીની અકળામણ બહાર આવી ગઈ અને એનો અણસાર રૂહીને હતો પણ ખરો એટલે તેણે પણ મજાકમાં જ જવાબ આપી દીધો,
‘ઝોમ્બીને પૂછીને, હૅપી?’ રૂહીના ફેસ પર સ્માઇલ હતું, ‘ચલ બાય, બહુ કામ છે.’
રૂહીએ ફોન મૂક્યો અને જે વાતનો ડર હતો એ જ બન્યું, ઇન્ટરકૉમની રિંગ વાગી.
‘રૂહી આવને ચેમ્બરમાં...’
lll
રૂહી મહેતા. આમ તો અમદાવાદની, પણ જૉબ માટે મુંબઈ આવી. મુંબઈ આવ્યાના ત્રણ મહિનામાં જ તેને એક ટૅબ્લૉઇડમાં જૉબ મળી ગઈ અને અનાયાસ જ તેને હૉરર અને હૉન્ટેડ હાઉસની વિઝિટ કરીને કૉલમ લખવાની ઑફર મળી. આમ પણ અગોચર વિજ્ઞાન વિશે જાણવું-વાંચવું રૂહીને બહુ ગમે એટલે તેણે હોશભેર કૉલમ સ્વીકારી લીધી જેમાં શરૂઆતમાં મુંબઈની અને પછી મહારાષ્ટ્રની હૉન્ટેડ જગ્યાઓએ જઈ, રિસર્ચ કરી તેણે લખવાનું શરૂ કર્યું અને કૉલમ એવી તે પૉપ્યુલર થઈ કે એ સિરીઝમાં લખાયેલી બે હૉન્ટેડ પ્લેસના આર્ટિકલના તો પ્રોડ્યુસરે રાઇટ્સ પણ લઈ લીધા અને વેબ-સિરીઝ અનાઉન્સ કરી. અણધારી સફળતાએ ટેન્શન ત્યારે ઊભું કર્યું જ્યારે મહારાષ્ટ્રની ભૂતાવળવાળી જગ્યાઓ ખતમ થઈ, કૉલમમાં બ્રેક લેવામાં આવ્યો અને એની સાથે અનાઉન્સ પણ કરવામાં આવ્યું કે નવી સિરીઝ ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે.
ત્રણ મહિનાની ડેડલાઇન પૂરી થવામાં હવે બે વીક બાકી હતાં અને ભૂત-પ્રેતની નવી સિરીઝમાં શું લખવું એ હજી સુધી નક્કી નહોતું થઈ શક્યું.
lll
‘શું કરીશું નવું?’ બૉસે રૂહી સામે જોયું, ‘કોલંબસને અમેરિકા મળ્યું કે નહીં?’
‘ના સર... એમ જ શિપ આગળ વધ્યા કરે છે.’
‘એવું થોડું ચાલે? આપણે અનાઉન્સ કર્યું છે કે નવી સિરીઝ ફેબ્રુઆરીમાં લૉન્ચ થશે. ફેબ્રુઆરી આવી ગયો...’ બૉસે કૅલેન્ડર સામે જોઈ લીધું, ‘નેક્સ્ટ મન્થ ઍન્યુઅલ ઇશ્યુનું પણ કામ હશે. એ વર્કલોડ વચ્ચે નૅચરલી તારી સિરીઝના બે એપિસોડ તો મને પહેલાં જોઈશે, તો જ આપણે એ શરૂ કરીશું...’
‘સર, એવું ન થાય કે આપણે નવી અનાઉન્સમેન્ટ કરીને માર્ચ પર લઈ જઈએ?’
‘એવું કરવાનું કારણ શું?’ બૉસે નકારમાં મસ્તક ધુણાવ્યું, ‘એવું હોય તો કોઈની હેલ્પ માગ, પૂછ કે શું કરવું જોઈએ... પણ અનાઉન્સ કર્યા પછી નવી અનાઉન્સમેન્ટ તો બરાબર નથી...’
‘આમ તો તમે કહેતા હો છોને કે મને કોણ પૂછવાનું?’
‘મને...’ બૉસના ફેસ પર સ્માઇલ હતું, ‘તમને તો હું પૂછનારો છુંને?’
એ સમયે રૂહીને બૉસ પર બરાબરનો ગુસ્સો આવ્યો હતો, પણ તેને ખબર નહોતી કે આ પ્રેશર જ તેને એક એવી દુનિયામાં લઈ જશે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
lll
‘બધા એક કામ કરો...’ સાંજની મીટિંગમાં બૉસે જ બધાની સામે વાત મૂકી, ‘રૂહીને ભૂત શોધવામાં બધા હેલ્પ કરો... જેની પાસે જેકાંઈ એવું મરીરિયલ હોય, બુક્સ હોય કે પછી એવી કોઈ ઑનલાઇન ઇન્ફર્મેશન હોય એ બધા તેને શૅર કરો એટલે રૂહી ભૂતને ન્યાય આપે...’
‘થાય છે શું? તું પ્રૉબ્લેમ કહે તો આ બધાને ખબર પડે...’ બૉસે રૂહી સામે જોયું હતું, ‘આ લોકો પણ તને હેલ્પ કરી શકે.’
‘ના, થતું કંઈ નથી... પણ કંઈ એવું એક્સાઇટિંગ મળતું નથી.’ રૂહીએ મનની વાત કરી, ‘ઑનલાઇન પણ બહુ જોઈ લીધું. એવું લાગે છે કે આપણાં ભૂત-પ્રેત મરી ગયાં. ઝોમ્બી, વેમ્પાયર ને ડ્રૅક્યુલા જેવાં ફૉરેનનાં જ ભૂત બાકી બચ્યાં છે.’
‘તું શું શોધે છે?’
‘રિયલ ભૂત, આવાં ઉપજાવી કાઢેલાં ભૂત નહીં.’ રૂહીના અવાજમાં એક્સાઇટમેન્ટ હતું, ‘આપણે જ્યારે નાના હતા અને ડાકણ-ચૂડેલની જે વાતો સાંભળતા એવા રિયલ ભૂત. રિયલ બ્લૅક મૅજિક. લોકોને એમાં વધારે મજા આવે છે.’
એક્સાઇટમેન્ટ સાથે જ રૂહી બૉસ તરફ ફરી.
‘આપણે અગાઉ જેના વિશે લખ્યું હતું એ બધી સાચી જગ્યા હતી. એમાં સાચા લોકોના એક્સ્પીરિયન્સ હતા. ભલે આપણે એ લોકોની આઇડેન્ટિટી જાહેર નથી કરી, પણ રીડરને તો ખબર પડી જતી કે આ બધા સાચા અનુભવો છે એટલે તેમની કનેક્ટિવિટી સ્ટ્રૉન્ગ થઈ.’
‘રાઇટ, લેગવર્ક હંમેશાં રિઝલ્ટ આપે.’ બૉસે ઊભા થતાં કહ્યું, ‘જુઓ તમે લોકો, તમને કંઈ મળે તો રૂહીને આપો અને રૂહી, ડેડલાઇન તો ચેન્જ નહીં થાય એ ફાઇનલ.’
‘સર, આપણી પાસે મૅટર જ નહીં હોય તો શું કરીશું?’
‘મૅટરની જગ્યાએ તારો ફોટો છાપીશું...’ બૉસે વાતાવરણ હળવું કર્યું, ‘બને, કદાચ રીડર્સને એ ફોટોમાં રિયલ ભૂત દેખાય અને આપણું સર્ક્યુલેશન વધી જાય.’
મીટિંગરૂમમાં હાજર હતા એ બધા હસી પડ્યા, રૂહી સિવાય.
lll
‘જો કૉલમ આટલી પૉપ્યુલર હતી કે સેકન્ડ સીઝન માટે ડેડલાઇન પણ ચેન્જ કરવા બૉસ રાજી નથી તો પછી શું કામ ઇન્ક્રીમેન્ટ આપવામાં કંજૂસાઈ કરી?’
રૂહી ઑફિસથી નીકળી અને રાહુલે તેને લિફ્ટ આપી. રાહુલ બૉસ અને રૂહીનાં વખાણ કરતો હતો એમાં રૂહીની મનની અકળામણ બહાર આવી ગઈ.
‘ઇન્ક્રીમેન્ટ પણ આપ્યું નહીં ને પ્રમોશન પણ નહીં. પ્રમોશન તો પેલી ચૂડેલ ચંદાને આપી દીધું...’
‘એવું તને લાગે છે. મે બી, ચંદાને આપવું વધારે જરૂરી હોય...’ રાહુલને અચાનક યાદ આવ્યું, ‘રૂહી, ચંદાનું પ્રમોશન ગયા વર્ષથી પેન્ડિંગ હતું એટલે બૉસે તેને પ્રમોશન આપ્યું હશે...’
‘એટલે હવે મારે એક વર્ષ રાહ જોવાનીને?’
‘અફકોર્સ, આમ પણ રાહ જોવામાં ખોટું...’
રાહુલ પોતાની વાત પૂરી કરે એ પહેલાં રૂહીએ ઉત્તેજના સાથે મોટા અવાજે કહ્યું,
‘એય, ઊભી રાખ તો...’
‘શું થયું?’ બાઇકને સાઇડમાં લેતાં રાહુલે પાછળ જોયું, ‘કંઈ પડી ગયું?’
‘અરે ના, પેલી શૉપમાં જવું છે...’ રાહુલ સામે જોયા વિના જ રૂહીએ તેને કહી દીધું, ‘તું નીકળ, હું હવે સ્ટેશને પહોંચી જઈશ, બાય.’
lll
‘આ બૉક્સ... મારે જોઈતું હોય તો?’
‘મૅડમ, એ વેચવા માટે નથી...’ દુકાનમાં કામ કરતા છોકરાએ કહ્યું, ‘એ તો શેઠના ઘરે મોકલવાનું છે.’
મલાડમાં એસ. વી. રોડ પર આવેલી ફર્નિચર-માર્કેટની એ શૉપમાં અઢળક એવી ઍન્ટિક વસ્તુઓ હતી જે યુનિક પણ હતી. શૉપમાં ફર્યા પછી રૂહીને એટલું સમજાયું કે દુકાનમાં રહેલી એ ચીજવસ્તુઓ તેને નવી સિરીઝ માટે સબ્જેક્ટ આપવાનું કામ કરી શકે છે અને એ પ્રક્રિયા તેણે તરત જ શરૂ પણ કરી દીધી.
lll
‘મૅડમ, ફોટો નહીં પાડો, મનાઈ છે...’
થૅન્ક ગૉડ.
પેલા માણસનું ધ્યાન ગયું અને તેણે રૂહીને રોકી અને રૂહી અટકી ગઈ. તેણે પંદરેક ફોટો પાડી લીધા હતા.
‘આ એક બૉક્સનો ફોટો પાડી લઉં...’ રૂહીએ રિક્વેસ્ટ સાથે કહ્યું, ‘પ્લીઝ, આ બૉક્સ મને બહુ ગમ્યું છે.’
‘આ એક જ બૉક્સનો પાડજો... નહીં તો શેઠ મને ખિજાશે.’
‘અરે, તમારા શેઠને ખબર પણ નહીં પડે.’ ફોટો પાડીને રૂહીએ કહ્યું, ‘તમે તેમને પૂછોને કે આ બૉક્સ જો તેઓ રાખવા ન માગતા હોય તો મારે ખરીદવું છે.’
‘એક મિનિટ, પૂછી જોઉં...’
છોકરાએ મોબાઇલ લગાડ્યો અને રૂહીએ લાકડાના આ બૉક્સનો ફોટો ગૂગલ-ફોટોમાં અપલોડ કરી એવાં જ બીજાં બૉક્સ શોધવાનું શરૂ કર્યું. ક્ષણના છઠ્ઠા ભાગમાં સમાન પ્રકારની સંદૂકનો રૂહીની સ્ક્રીન પર ઢગલો થઈ ગયો અને એની સાથે જ પેલા છોકરાનો ફોન પણ પૂરો થયો.
‘શેઠ અત્યારે બિઝી છે. તેમણે તમારો નંબર લઈ લેવાનું કહ્યું છે...’ છોકરાએ પેન હાથમાં લીધી, ‘નંબર બોલોને...’
‘૯૮૨પપ...’
રૂહીએ નંબર તો લખાવી દીધો, પણ હવે તેને એ બૉક્સમાં વધારે ઇન્ટરેસ્ટ નહોતો રહ્યો. તેના મોબાઇલ પર ઝબકી ગયેલી વેબસાઇટ પર હવે રૂહીનો જીવ અટકેલો હતો. વેબસાઇટનું નામ હતું, hauntedthings.com.
lll
હાશ...
ઑર્ડર ડન.
રાતે અઢી વાગ્યે રૂહીએ પોતાનું લૅપટૉપ બંધ કર્યું. બૉક્સના ઑર્ડરમાં આટલો સમય નહોતો લાગ્યો, પણ એ વેબસાઇટનો સ્ટડી કરવામાં રૂહીનો સમય ગયો હતો. હૉન્ટેડથિન્ગ્સ ડૉટકૉમ પર એ બધો સામાન મળતો હતો જે સામાન ક્યારેક ને ક્યારેક ભૂતાવળ ધરાવતો હતો. એમાં ઘોડાની નાળ હતી, એ ઘોડાની નાળ જે ઘોડાનું ભૂત આજે પણ સ્કૉટલૅન્ડમાં ભટકતું હોવાનું કહેવાય છે. રિયલ ડ્રૅક્યુલાનો તૂટેલો એક દાંત પણ ત્યાં મળતો હતો અને એક ચોટલી હતી જેને માટે લખ્યું હતું કે નાગાલૅન્ડના એક અંતરિયાળ ગામમાં થતી ચૂડેલની એ ચોટલી છે, જે ઘરમાં રાખવાથી ઘરની નેગેટિવિટી દૂર થાય છે. જે બૉક્સ રૂહીને ગમી ગયું હતું એ બૉક્સની વિગત પણ ઇન્ટરેસ્ટિંગ હતી.
સાગના લાકડાની બનેલી એ સંદૂક સાડાત્રણ ફુટ લાંબી અને બે ફુટ પહોળી હતી. એ સંદૂકને પાયા હતા, જે ૬ ઇંચના હતા અને સિંહના પંજા જેવા હતા. દોઢ ફુટની ઊંડાઈ ધરાવતી એ સંદૂકમાં એક સમયે ભૂતને બંધ કરી દેવામાં આવ્યો હતો. વેબસાઇટનો દાવો હતો કે એ સંદૂકને ત્યાર પછી દરિયામાં ફેંકી દેવામાં આવી, પણ સદીઓ પછી એ સંદૂક ફરી ગુજરાતના એ જ અલંગમાં પાછી આવી જ્યાં આ ભૂતને કેદ કરવામાં આવ્યો હતો.
સંદૂકની કિંમત ૯૯૯ ડૉલર હતી અને સોમવારની અમાસે જો એ કોઈ ખરીદે તો એમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ હતું. અંદાજે ૧૦,૦૦૦ રૂપિયામાં પડનારી એ સંદૂકનો ઑર્ડર કર્યો અને છેલ્લે જ્યારે પેમેન્ટ કરવાનું આવ્યું ત્યારે રૂહીનું ધ્યાન ગયું કે તેને ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે. મીન્સ, આજે સોમવારી અમાસ છે.
થૅન્ક યુ ભૂતદેવતા...
ઠક...
રૂહીએ ઑર્ડરમાં માત્ર સંદૂક નહીં, સંદૂક સાથે હાહાકાર મચાવી દેનારો બ્રહ્મ-દૈત્યને પણ ઘરે બોલાવી લીધો હતો.
(ક્રમશઃ)

