‘યાર, મને લાગે છે કે જો તે થોડીઘણી પણ ડિસન્ટ છોકરી હશે તો હું મારા મામાને ના નહીં પાડી શકું.’
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
આખરે દૂરથી એ પાર્ટી-શર્ટ આવતું દેખાયું! એ જોતાં જ મનીષા બબડી ઊઠી :
‘આ? આ સમીર? આવો?’
ADVERTISEMENT
કારણ કે મનીષાની કલ્પના કરતાં તે સાવ જુદો જ નીકળ્યો. ઑસ્ટ્રેલિયાની તાજી હવામાં ખીલેલી ગોરી ચામડીને બદલે જાણે સાઉદી અરેબિયાની કાળઝાળ ગરમીમાં શેકાઈ ગયો હોય એવો પાકો કલર, ઝાંખરાંની જેમ આડાતડા ફેલાયેલા વાળ, ગલોફામાં પાન નહીં, પણ આખેઆખી પાનપેટીઓ ખોસી હોય એવાં પહોળાં જડબાં, સુનીલ શેટ્ટી જેવા જાડા હોઠ અને કોઈ PhDના સ્ટુડન્ટ જેવાં બિલોરી ચશ્માં......
ઉપરથી જાણે અહીં મારામારી કરવા આવ્યો હોય એ રીતે શર્ટની બાંયો બાવડાના ફૂલેલા ગોટલા દેખાય એટલી ઊંચી ચડાવી રાખી હતી!
‘હેવ યુ સીન રા.વન, માય ડાર્લિંગ?’ એકદમ રફ અવાજે તે નજીક આવીને બોલ્યો.
‘નો, આઇ વુડ રાધર સી હનુમાન, યુ ઇડિયટ!’ મનીષાએ પોતાની છાતી તરફ સ્થિર થઈ ગયેલી પેલાની આંખો સામે ડોળા કાઢતાં રોકડું પરખાવ્યું, ‘કંઈ મેનર્સ જેવું છે કે નહીં? મારું મોઢું જોવા આવ્યા છો કે બૉડી?’
આ સાંભળતાં જ પેલો ભડક્યો, ‘એક મિનિટ! આ શોરૂમ જેવો ડિસ્પ્લે તમે જાતે કર્યો છે! શું હું તમને કોઈ કસ્ટમર લાગું છું?’
‘કસ્ટમર?’ મનીષાની કમાન છટકી, ‘તું મને સમજે છે શું?’ તેણે ઊભી થઈને પેલાના પહોળા જડબા પર એક તમાચો ઝીંકી દીધો.
lll
પૃથ્વી થિયેટરની આ ઘટનાના ૨૪ કલાક પહેલાં...
ઑસ્ટ્રેલિયાથી આવેલો ગોરો, હૅન્ડસમ સમીર મુંબઈની એક ફાઇવસ્ટાર હોટેલની રૂમમાંથી તેની કૉલેજના જિગરી દોસ્ત સુનીલને ફોન જોડીને રૂમમાં આંટા મારી રહ્યો હતો.
આખરે બત્રીસમી રિંગે સુનીલે ફોન ઉપાડ્યો, ‘બોલ સમીર.’
‘ક્યાં છે તું?’
‘ક્યાં હોઉં સાલા?’ સુનીલે ફ્લૅટ અવાજમાં જવાબ આપ્યો હતો, ‘તારી જેમ આજે સિડની તો કાલે પૅરિસ અને પરમ દહાડે ફ્રૅન્કફર્ટમાં ન જ હોઉંને?’
‘કમ ઑન સુનીલ...’
‘યાર, હું અત્યારે એશિયાની બિગેસ્ટ ઝૂંપડપટ્ટીનું બિરુદ પામેલી ધારાવી ઝૂંપડપટ્ટીની ગંદામાં ગંદી ગલીઓમાં મારા ૧૧ વર્ષ જૂના કાઇનેટિક સ્કૂટર પર. રાહ જોવી પડશે. અત્યારે મારા છાપાની મહત્ત્વની અન્ડરવર્લ્ડ ક્રાઇમ-સ્ટોરીની તલાશમાં રખડી રહ્યો છું. કાદિર આઝમ નામના એક ગૅન્ગસ્ટરનો એક ખાસ ખબરી મને એક એક્સક્લુઝિવ ઇન્ફર્મેશન આપવાનો છે. જો મારી આ સ્ટોરી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં છપાશેને તો સમીર, મારી ટેમ્પરરી નોકરી પર્મનેન્ટ થઈ જશે. હવે હું મારું કામ કરવા જાઉં? સાલા, તારી જોડે ફોન પર વાત કરવામાં મારું ઠાઠિયું કાઇનેટિક બંધ પડી ગયું! હવે એ ૧૯ કિક માર્યા વિના ફરી ચાલુ નહીં થાય.’
‘હવે તને શું કહું?’ સમીર અકળાઈને બોલ્યો, ‘મેં તને ૭ વાર મારી કંપનીમાં જૉબ લઈ લેવાની ઑફર કરી, પણ તેં ના પાડી, કારણ કે તારે તારા ‘દેશ’ની સેવા કરવી હતી... અને હવે તું તારા ઠાઠિયા કાઇનેટિકની ફરિયાદ કરે છે.’
‘ફરિયાદ નથી કરતો, અહેવાલ આપું છું. રિપોર્ટર છુંને!’ સુનીલ હસ્યો. ‘હવે ઝટ બોલ, તારા સિડની ટાઇમ મુજબ રાતે દોઢ વાગ્યે મને ફોન કેમ કરી રહ્યો છે?’
‘હું સિડનીમાં નહીં, મુંબઈમાં છું અને દોસ્ત, મુસીબતમાં છું.’
‘મુસીબત?’ સુનીલ હસ્યો, ‘તને શું મુસીબત હોઈ શકે? સાલા, ઇમ્પોર્ટ-એક્સપોર્ટની ડ્યુટીના કોઈ ઘપલામાં ઝલાયો લાગે છે.’
‘એવું નથી યાર...’ સમીરે ફોન પર જ ધડાકો કરી નાખ્યો, ‘વાત એમ છે કે મારે પરણી જવું પડશે!’
‘ચ્યાઇલા!’ સુનીલ પણ ચોંક્યો, ‘સમીરિયા, હું તો તને બહુ સીધી લાઇનનો છોકરો સમજતો હતો. આખરે તને પણ વિદેશી વાયરાનો રંગ લાગી ગયો, એમને? કોણ છે એ છોકરી? ફ્રેન્ચ ગોરી છે કે એ
હવાઇયન કાળી? અને કેટલા મહિનાની પ્રેગ્નન્સી છે?’
‘યાર, તું સમજે છે એવું નથી. રાધર એના કરતાંય કૉમ્પ્લીકેટેડ છે. ફોન પર કહેવું મુશ્કેલ છે. તું પ્લીઝ, મને આવીને મળ.’
lll
આ વાતચીત થયાના ચારેક કલાક પછી સુનીલ પેલી ફાઇવસ્ટાર હોટેલની કૉફી-શૉપમાં સમીર સામે બેઠો હતો.
‘હંઅઅઅ...’ સુનીલે કહ્યું, ‘તો મામલો અરેન્જ મૅરેજનો છે. છોકરી લંડનની છે, તારા મામાના કહેવા મુજબ તારે માટે બેસ્ટ ચૉઇસ છે, તો યાર વાંધો શું છે? પરણી જાને? ઇટ્સ અ વેરી ગુડ મર્જર...’
‘મર્જર?’ સમીર બગડ્યો, ‘સાલા સુનીલિયા, આ અરેન્જ મૅરેજ તને બે કંપનીનું મર્જર લાગે છે?’
‘હાસ્તો વળ...’ સુનીલે કરડા અવાજે કહ્યું, ‘તું કંપનીઓનાં મર્જર કરીને જ મિલ્યનેર થયો છેને? યાર, છોકરી શું કામ જોવા જાય છે. તેના બાપાની બૅલૅન્સશીટ જ જોઈ લેને?’
‘સુનીલ યાર, મામલો બૅલૅન્સશીટનો છે જ નહીં. બલકે ઇમોશન્સનો છે...’ કૉફીની સિપ લેતાં સમીર સિરિયસ થઈ ગયો, ‘તું તો જાણે છે કે મારા મામાએ મને પોતાના પૈસે ઑસ્ટ્રેલિયા ભણવા ન મોકલ્યો હોત તો હું ઇન્ડિયાની કોઈ કમ્પ્યુટર કંપનીમાં ફાલતુ જૉબ કરીને ખાતો હોત. સિડનીમાં મારી પોતાની સૉફ્ટવેર કંપની સ્ટાર્ટ કરવા મારા મામાએ મને વર્કિંગ કૅપિટલ તરીકે પાંચ લાખ ડૉલર ન આપ્યા હોત તો...’
‘એ બધી વાતની મને ખબર છે... આગળ બોલ.’
‘યાર, મને લાગે છે કે જો તે થોડીઘણી પણ ડિસન્ટ છોકરી હશે તો હું મારા મામાને ના નહીં પાડી શકું.’
‘તો યાર, આખી વારતા તું મને શા માટે સંભળાવે છે?’ સુનીલ અકળાઈ રહ્યો હતો.
‘એટલા માટે...’ કૉફીની છેલ્લી સિપ મારીને સમીરે સ્માઇલ આપી, ‘કે જો ખુદ માનસી જ સામે ચાલીને ના પાડે તો આખી વારતા ખતમ થઈ જાયને?’
‘પણ સાલા હૅન્ડસમિયા, માનસી તને ના કયા હિસાબે પાડે?’
‘એક જ હિસાબે...’ સમીરે જ સુનીલનો ખભો પકડતાં કહ્યું, ‘જો મારા જેવા હૅન્ડસમિયાની જગ્યાએ તારા જેવો નૉન-હૅન્ડસમિયો પહોંચી જાય તો...’
lll
બસ, આ જ કારણસર સુનીલ અહીં સમીરનું ડાર્ક વાયલેટ પાર્ટી-શર્ટ પહેરીને આવી પહોંચ્યો હતો અને આવતાંની સાથે જ તેણે ‘માનસી’ના હાથની એક સજ્જડ થપ્પડ ખાધી હતી.
થપ્પડ પડતાં જ સુનીલ સમસમી ગયો. આખી કૅન્ટીનમાં સોપો પડી ગયો હતો. બધા આ તરફ જોઈ રહ્યા હતા. સુનીલે ઝડપથી વિચાર્યું કે અહીં સીન કરવા જેવો નથી. વધારે પડતી બબાલ થશે તો જિગરી દોસ્ત સમીરની બદનામી થશે. તેણે તરત જ માફી માગી લીધી.
‘આઇ ઍમ રિયલી સૉરી માનસી. આઇ ડીડ નૉન મીન ધૅટ. આઇ ઍમ સો સૉરી... રિયલી વેરી વેરી સૉરી.’
‘ઓકે, ઠીક છે...’ મનીષાએ રુઆબથી ચારે બાજુ જોતાં તેને ખુરસી પર બેસવાનો ઇશારો કર્યો. સુનીલ બેઠો.
આખેઆખી દોઢ મિનિટ આમ ને આમ પસાર થઈ ગઈ. લાફો ખાધા પછી સુનીલ ભોંયમાં આંખો ખોસીને બેસી રહ્યો હતો. સાલું ભૂલેચૂકેય પેલીનાં અંગ-ઉપાંગો પર નજર ફરી જાય તો?
આ તરફ મનીષાએ જાણે પહેલા જ બૉલે સિક્સર મારી દીધી હોય એમ બેઠાં-બેઠાં પગ હલાવતી હોઠ પર મૂકેલી સિગારેટને આમથી આમ ફેરવતાં ગોલ્ડન લાઇટરને આંગળીઓમાં રમાડતી પોતાનો રુઆબ છાંટતી બેસી રહી હતી.
‘હવે એ સળગાવવી હોય તો સળગાવી નાખોને?’ સુનીલે નજર નીચી રાખીને ધૂંધવાટ કાઢ્યો.
‘શેની વાત કરો છો?’ મનીષાએ ઉદ્ધતાઈથી પૂછ્યું.
‘આ સિગારેટની, બીજી શેની?’ સુનીલનો અવાજ જરા તીખો થયો, ‘લંડનમાં રહીને આટલી સારી સંસ્કૃતિ શીખ્યાં છો. હવે ભારતમાં એનું પ્રદર્શન નહીં કરો?’
‘એ મિસ્ટર, સ્મોકિંગ તો ઇન્ડિયન વિમેન પણ કરે છે... વર્ષોથી. તમે કોઈ દહાડો ઇન્ડિયાના ગામડામાં ગયા હો તો ખબર પડેને?’
‘કરતી હશે, પણ ઇન્ડિયન વિમેનને દેહ-પ્રદર્શન કરવાની જરૂર પડતી નથી.’
‘દેહ-પ્રદર્શન! વાઉ! બે-ચાર શબ્દ સંસ્કૃતના પણ આવડે છે, મિસ્ટર NRIને!’ મનીષાએ કટાક્ષમાં તીર છોડ્યું.
‘સંસ્કૃતના બે શબ્દો નહીં, સેંકડો શ્લોક આવડે છે. આખેઆખી
ગીતાને હું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકું એમ છું.’
‘ઓ રિયલી? ધેન વ્હાય ડોન્ટ યુ ટ્રાય ટ્રાન્સલેટિંગ કામસૂત્રા? એ તો વર્લ્ડનું બેસ્ટ સેલર બની જશે!’ મનીષા હસવા માંડી.
‘તમારો આ સો કોલ્ડ ફૉરેનર ઍટિટ્યુડ મને જરાય સમજાતો નથી.’ સુનીલનું મગજ તપી ગયું. ‘એક બાજુ ખજૂરાહોની મૂર્તિઓને પણ શરમ આવે એવું અંગપ્રદર્શન કરો છો, બીજી બાજુ એના પર કોઈ સહેજ નજર પણ કરે તો ગુસ્સામાં આવીને લાફો મારો છો અને ત્રીજી બાજુ મને કામસૂત્રનું ટ્રાન્સલેશન કરવાનું સજેશન કરીને બહુ લિબરેટેડ મૉડર્ન વુમન હોવાનો
ઢોંગ કરો છો...’
‘તો તમે પણ શું કરી રહ્યા છો મિસ્ટર ઑસ્ટ્રેલિયન?’ મનીષાએ સામી ચોપડાવી, ‘રહેવું છે ફૉરેનમાં, કમાવા છે ડૉલર્સ, ઊડવું છે વિમાનમાં, પીવો છે દારૂ, કરવી છે પાર્ટીઓ પણ જ્યારે પરણવાની વાત આવે ત્યારે તમે શોધવા નીકળો છો ‘ભારતીય નારી!’
‘એક મિનિટ! તમારી ગેરસમજ થાય છે. હું કાંઈ NRI નથી.’ સુનીલે બાફ્યું! પછી તરત સુધાર્યું ‘હું કાંઈ એવો દંભી NRI નથી. જુઓ, હું ભલે ઑસ્ટ્રેલિયા રહેતો હોઉં, પણ ડીપ ડાઉન ઇન્સાઇડ આઇ ઍમ ઍન ઇન્ડિયન, અને તમે કહો છો એવી કોઈ કઠપૂતળી શોધવા માટે હું ઇન્ડિયા નથી આવ્યો. આઇ ઓલ્સો રિસ્પેક્ટ મૉડર્ન ઇન્ડિયન વુમન.’
‘અચ્છા?’ મનીષા હસી, ‘પણ એવી એકાદ મૉડર્ન વુમન ખરેખર સામે આવી જાય ત્યારે આંખો ચકળવકળ થઈ જાય અને મોંમાંથી લાળ ટપકવા માંડે અને એક થપ્પડ પડે પછી આ બધી દંભી ભારતીય સંસ્કૃતિ-ફંસ્કૃતિની વાતો વડે પોતાની ઇજ્જત બચાવવાનાં ફાંફાં મારતા થઈ જાઓ છો. રાઇટ?’
સુનીલની બોલતી બંધ થઈ ગઈ. હકીકતમાં તેને સમીર પર સખત દાઝ ચડી રહી હતી. સાલો ગધેડો, જાતે આવ્યો હોત તો મારા બદલે તેના ગાલે લાફો પડ્યો હોતને!
મનીષાને મજા પડી રહી હતી. કેવો આ ભિડાવી માર્યો આ બબૂચક NRIને? ડાચું જોઈને તો એવું જ લાગે છે કે ઑસ્ટ્રેલિયામાં કોઈ કન્સ્ટ્રક્શન-સાઇટ પર ડમ્પર-ખટારો ચલાવતો ડ્રાઇવર હશે!
‘મને લાગે છે કે હવે આગળ વાત કરવાનો કોઈ અર્થ નથી. સુનીલે હાથ લંબાવતાં કહ્યું, ‘નાઇસ મીટિંગ યુ.’
મનીષાએ તેનો મજબૂત કડક પંજો પકડતાં કહ્યું, ‘બસ, આમ જ જતા રહેશો મિસ્ટર મુરતિયા? કંઈ સૉફટ ડ્રિન્ક તો પીવડાવો?’
ઝખ મારીને સુનીલે પાછા બેસવું પડ્યું. ઑરેન્જ જૂસ વિથ બ્લૅક ગ્રેપ્સના બે લાર્જ ગ્લાસ મગાવવા પડ્યા. પોતે મૂંગાં-મૂંગાં પોતાનો ગ્લાસ ખતમ કરી નાખ્યો હોવા છતાં તેણે મનીષાના ટોણા, કટાક્ષ, ઉપહાસ અને મજાક સહન કરતા બેસી રહેવું પડ્યું, કારણ કે મનીષા ઉર્ફે માનસી આરામથી, ધીમે-ધીમે જૂસ પી રહી હતી.
lll
‘મનીઈઈ... મનીઈઈઈ...’ માનસી મનીષાની આખી વાત સાંભળતાં-સાંભળતાં પેટ પકડી-પકડીને હસતી હતી, ‘જબરી છે તું! બિચારા સમીરની તો તેં હાલત ખરાબ કરી નાખી.’
‘માનસી, ગુજરાતીમાં એને કચરો કર્યો કહેવાય... કચ્ચરો! સમજી?’
‘ઓકે, પણ હવે થશે શું?’ માનસી ફરી ચિંતામાં પડી, ‘સમી૨ના મામા તરફથી હજી સુધી તો કોઈ મેસેજ નથી આવ્યો, પણ...’
‘એ પહેલાં એક કામ કર...’ મનીષાએ ચપટી વગાડી, ‘માનસી, તારી માસીને કહે કે... આઇ વુડ લાઇક ટુ મીટ હિમ અગેઇન.’
‘અગેઇન?!’ માનસી ચોંકી ગઈ. જવાબમાં મનીષા નટખટ સ્મિત
કરતી રહી.
(ક્રમશઃ)