મનીઈઈઈઈ...યુ ચીટ, યુ રાસ્કલ... સાલી! મારી પાછળ જ ઊભી રહીને આ બધું નાટક કરી રહી હતી?
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘વ્હેર આર યુ? ક્યાં છે તું?’
લંડનથી ગઈ કાલે જ આવેલી માનસીએ તેનાં રીમલેસ ચશ્માંને સરખાં કરતાં મોબાઇલમાં પૂછ્યું.
ADVERTISEMENT
‘એય, આ તારું લંડન નથી, મુંબઈ છે!’ સામે છેડેથી રોકડો જવાબ આવ્યો, ‘હું અત્યારે જે ટૅક્સીમાં બેઠી છું એની બરોબર સામે રોડ ૫૨ ગટરનું એક ઢાંકણું ખુલ્લું પડ્યું છે. ચાર મજૂરો એમાંથી ગંદકીનો રગડો કાઢીને રોડ પર પાથરી રહ્યા છે. એની બાજુમાં રાખેલાં ડામરનાં ત્રણ પીપડાંમાંથી હમણાં જ કોઈક બાઇકવાળાએ બે પીપડાં ગબડાવી નાખ્યાં છે. પાછળથી ગાડીઓવાળા હૉર્ન પર હૉર્ન મારે છે, સામેથી ચાર કૂતરા એકબીજાને બચકાં ભરતાં કબડ્ડી રમી રહ્યા છે. ટૅક્સીની બારીમાં હાથ નાખીને એક લઘરવઘર છોકરી મારી પાસે ભીખ માગી રહી છે અને રૉન્ગ-સાઇડમાં બિલકુલ રોડને અડીને ગેરકાયદે રીતે બનેલા પાનના ગલ્લામાંથી કાન ફાડી નાખે એવા અવાજે ‘છમ્મકછલ્લો’ વાગી રહ્યું છે! લે સાંભળ.’
‘હેલો... હેલો... મનીષા...’ બિચારી માનસી મોબાઇલ કાને માંડીને તેની મુંબઈની બાળપણની સ્કૂલ-ફ્રેન્ડ મનીષા સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી, પણ થોડી વાર સુધી મોબાઇલમાંથી સખત ઘોંઘાટ વચ્ચે ‘ઓ મેરી છમ્મકછલ્લો...’ સંભળાતું રહ્યું.
‘મનીષા... મનીષા પ્લીઝ...’ માનસી અકળાઈ રહી હતી, ‘આઇ ઍમ વેઇટિંગ ફૉર યુ.’
‘વેઇટિંગ?’ સામે છેડેથી મનીષા બગડી, ‘એક તો પૂરાં ૩ વર્ષે લંડનથી મુંબઈ આવી છે, ઉપરથી મને મારી જૉબ પરથી ગૂટલી મરાવીને તારામાસીના બંગલામાં મને મળવા આવવાનો હુકમ છોડે છે? અને પોતે બંગલાના AC બેડરૂમમાં બેઠી-બેઠી કહે છે કે આઇ ઍમ વેઇટિંગ?’
‘મનીષા પ્લીઝ...’ માનસી રડવા જેવી થઈ ગઈ, ‘મારે તને મળવું બહુ ઇમ્પોર્ટન્ટ છે.’
‘તો રાહ પણ જોવી પડે, મહારાણી!’ મનીષા બોલી, ‘જો આ ટૅક્સી ટ્રાફિકમાંથી નીકળી રહી છે. હવે બોલ, તારી આ માસીનો બંગલો કઈ બાજુ છે?’
‘હાઉ ડુ આઇ નો?’ માનસીએ કહ્યું, ‘મુંબઈની બૉસ તું છે.’
‘૧૦ વર્ષ જૂની અને જાણીતી માહિતીનું પુનઃ પ્રસારણ કરવા બદલ આભાર.’ મનીષાએ ખોંખારો ખાધો.
‘કમ ઑન મનીષા... ડોન્ટ ગિવ મી યૉર હેવી ફન્ડુ ગુજ્જુ મલ્ટિસિલેબલ ફોનેટિકલ ડેમોન્સ્ટ્રેશન!’
‘વાઉ!’ મનીષા હસી, ‘હવે આનું શુદ્ધ ગુજરાતી કરી બતાવું?’
‘પ્લીઝ... નોઓઓઓઓ!’ માનસી ફરી રડવા જેવી થઈ ગઈ. આઇ ઍમ ડાઇંગ ટુ મીટ યુ.’
‘ઓકે... મારી ટૅક્સી હવે વર્સોવા બીચ પર આવી ગઈ છે...’ મનીષા બોલી, ‘બટ ધ પ્રૉબ્લેમ ઇઝ, અહીં અનેક બંગલા છે. તું એક કામ કર, ફટાફટ તારી માસીના બંગલાની બહાર નીકળીને કમ્પાઉન્ડના ગેટ પાસે ઊભી રહી જા.’
‘ઇડિયટ, હું તારી રાહ જોતી ક્યારની બંગલાની બહાર જ ઊભી છું...’ માનસીનો અવાજ તરડાઈ રહ્યો હતો.
‘અચ્છા?
પણ મને તો તું દેખાતી નથી.’
‘બટ આઇ ઍમ હિયર, રાઇટ હિયર! જરા ધ્યાનથી જો, મેં લાઇટ પિન્ક કલરનું ટી-શર્ટ અને પૅરટ ગ્રીન કલરની શૉર્ટ્સ પહેરી છે.’
‘ઓકે, તું જ્યાં ઊભી છે ત્યાં જ ઊભી રહે, પણ તારા બન્ને હાથ હવામાં જોરજોરથી હલાવવાનું ચાલુ રાખ, જેથી મારી ટૅક્સી પસાર થઈ જાય ત્યારે હું તને જોઈ શકું.’
‘પણ એક હાથમાં તો મેં મોબાઇલ પકડ્યો છે.’
‘ઓ લંડનની લેડી... પ્લીઝ બિકમ થોડી દેસી... તારી ગરદન જરા ત્રાંસી કર, તારો ખભો જરા ઊંચો કર અને મોબાઇલને એ બન્નેની વચ્ચે ફસાવ...’
‘ઓકે, આઇ ડુ ધિસ. જો, હવે હું હાથ હલાવી રહી છું.’
‘યાર, તારા જેવી બીજી કોઈ છોકરી પણ બીજા બંગલાની બહાર ઊભી-ઊભી હાથ હલાવી રહી છે.
તું તારો એક પગ હવામાં ઉછાળી શકે જોરથી? સો ધૅટ આઇ કૅન સી ફ્રૉમ ફાર!’
માનસી તેનો એક પગ જોરથી ઉછાળવા ગઈ એ જ ઘડીએ તેના બીજા પગ પાછળથી કોઈની લાત વાગી અને તે ધડામ કરતી ચત્તીપાટ થઈને કમ્પાઉન્ડના ઝાંપા આગળ પડી!
બે ક્ષણ તો માનસીને તમ્મર આવી ગયાં, પણ પછી કળ વળી ત્યારે તેણે જોયું કે મનીષા તો તેની સામે ઊભી-ઊભી ખડખડાટ હસી રહી છે! તેના હાથમાં એક પૉકેટ ટેપરેકૉર્ડર હતું, જેમાં સડકના ફુલ ઘોંઘાટ સાથે છમ્મકછલ્લો ગાયન વાગી રહ્યું હતું.
‘મનીઈઈઈઈ...’ ચીસ પાડતી માનસી ઊછળીને મનીષાને વળગી પડી, ‘યુ ચીટ, યુ રાસ્કલ... સાલી! મારી પાછળ જ ઊભી રહીને આ બધું નાટક કરી રહી હતી?’
બોલતાં-બોલતાં માનસીની આંખો છલકાઈ ગઈ.
‘આઇલા?’ મનીષા ચોંકી, ‘હજી તારી રડવાની આદત ગઈ નથી? જો તો ખરી, અહીં તો ગંગા-જમનામાં પૂર આવ્યાં છે!’
‘નોઓઓઓ...’ માનસી હસવા લાગી, ‘ધિઝ આર ટિયર્સ ઑફ જૉય... પેલું ગુજરાતીમાં શું કહેવાય, હ૨સનાં આંસુ...’
‘હરસનાં નહીં ઇડિયટ, હરખનાં!’ મનીષા ખડખડાટ હસવા લાગી, ‘મારી વાંદરી, કૂતરી, બિલાડી! આ વખતે છેને તને ગુજરાતી ડિક્શનરીના થોથે-થોથે મારીશ!’
અચાનક માનસી મનીષાનો હાથ છોડાવીને અંદર ભાગી ‘લે, મારી તો જો! જસ્ટ ટ્રાય ઇટ...’
મનીષા પણ કમ નહોતી, તે તેની પાછળ દોડી, માનસી ગોરી, રૂપાળી, ઇંગ્લૅન્ડની ખુશનુમા હવામાં ઊછરેલી હોવા છતાં માંડ પાંચેક ફુટની હતી, જ્યારે મનીષા પૂરા સાડાપાંચ ફુટની મજબૂત હાડવાળી દેશી છોકરી હતી.
મનીષાએ બંગલાની લીલીછમ લૉનમાં માનસીને પકડીને ગબડાવી પાડી. પહેલાં તો તેના માથાની ક્લિપ છોડી નાખીને તેના વાળ ફેંદી નાખ્યા અને પછી તેના બન્ને ગોરા-ગોરા ગાલ પકડીને ચૂંટી ખણવા લાગી. માનસી ખડખડાટ હસી રહી હતી.
એ જ વખતે લૉનના છેડેથી અવાજ આવ્યો, ‘માય ગૉડ, માનસી? જસ્ટ લુક ઍટ યુ!’
બન્ને સહેલીઓ થંભી ગઈ. સામે માનસીની માસી ઊભી હતી. તેની બન્ને આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી છતાં હોઠો પર હાસ્ય હતું.
‘માસી, આ મનીષા છે. મારી સ્કૂલની ખાસ ફ્રેન્ડ. અમે ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી એક જ સ્કૂલમાં ભણતાં હતાં.’
‘ઓ...’ માસી હસ્યાં, ‘તો તું છે એ નટખટ શેતાન સ્કૂલ-ફેન્ડ મનીષા!’
‘ના માસી, મનીષા તો, ઇન ફૅક્ટ, બહુ ડાહી છોકરી છે. તે અત્યારે ઝેવિયર્સમાં માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરે છે અને સાથે-સાથે ‘આંગન’ નામની એક NGOમાં ફુટપાથનાં બાળકોને પેઇન્ટિંગ, પેપરક્રાફ્ટ અને ડાન્સિંગ શીખવે છે.’
‘વાઉ!’ માસી ખુશ થઈ ગયાં, ‘ધૅટ્સ અ વેરી નાઇસ હૉબી.’
‘આન્ટી, એ મારી હૉબી નથી, જૉબ છે.’ મનીષાએ હળવેકથી કહ્યું, ‘મારા ફાધરના ડેથ પછી ઘર ચલાવવા...’
‘ઓ, આઇ ઍમ સો સૉરી. આઇ ડિડન્ટ મીન ટુ હર્ટ યુ.’ માસી ગંભીર થઈ ગયાં.
‘માસી, કૅન વી ગો ટુ માય રૂમ?’ માનસીએ મનીષાનો હાથ પકડતાં વાત બદલી નાખી.
‘ઓ શ્યૉર...’
માસી હજી કંઈ પૂછે એ પહેલાં માનસી મનીષાને ખેંચીને દોડતી-દોડતી બંગલામાં લઈ ગઈ. વિશાળ બંગલાની સીડીઓ ચડીને માનસીએ ઉપરના મોટા બેડરૂમની પોચી ગાદી પર પડતું મૂક્યું.
મનીષા બંગલાની ભવ્યતા જોઈને અંજાઈ ગઈ હતી. ત્યાં પાછળથી તેને માનસીનું ડૂસકું સંભળાયું. તે પલંગમાં મોં ખોસીને રડી રહી હતી. મનીષા તરત તેની પાસે પહોંચી ગઈ.
‘એય, તું મીનાકુમારી કેમ થઈ ગઈ?’
‘મનીષા... તને ખબર નથી.’ માનસીએ ધડાકો કર્યો : આ લોકો મારા અરેન્જ મૅરેજ કરી નાખવાનાં છે!
‘આ લોકો એટલે કોણ લોકો?’
‘મારી માસી અને માસાજી! કહે છે કે તેમના એક ખાસ ફૅમિલી-ફ્રેન્ડનો એક ભાણો જે ઑસ્ટ્રેલિયાથી આવ્યો છે એ એટલો સરસ છે કે મને જોતાં જ ગમી જશે.’
‘એ છોકરો તને અહીં જોવા આવવાનો છે?’
‘ના, માસી કહે છે કે છોકરો જરા ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડવાળો છે. એટલે જો એકદમ ટિપિકલ ટ્રેડિશનલ રીતે તું હાથમાં ટ્રે લઈને તેની સામે જઈશ તો તને પાસ જ નહીં કરે. ઈવન છોકરાના મામા પણ એવું જ કહે છે
કે તમે બન્ને એકબીજાને બહાર મળો. એ લોકોએ તો કોઈ ફૅન્સી કૉફી-શૉપમાં એક ટેબલ પણ બુક કરાવી દીધું છે...’ માનસી ફરી આંસુ સારવા લાગી, ‘મની, એ છોકરો મને પાસ કરી દેશે તો?’
‘વૉટ ધ હેલ?’ મનીષાની છટકી, ‘તે ઇડિયટ કંઈ મૅથ્સ-સાયન્સનો ટીચર છે કે તને ‘પાસ’ કરી નાખે? અને કરે તો ભલે કરતો? તારે કહી દેવાનું કે મને તે બબૂચક નથી ગમતો.’
‘બટ મનીઈઈ, હી ઇઝ નૉટ બબૂચક!’ માનસી બોલી ઊઠી, ‘હી ઇઝ સમ જિનીયસ. IITનો ગોલ્ડ મેડલિસ્ટ છે. ઑસ્ટ્રેલિયામાં કોઈક ફૉરેન કંપની સાથે ટાઇ-અપ કરીને સૉફટવેર કંપની ચલાવે છે. માસાજી કહેતા હતા કે તેની કંપનીની નેટવર્થ જ ૩૦૦ મિલ્યન ડૉલર્સની છે.’
મનીષા માનસી સામે ક્યાંય સુધી જોતી રહી. પછી માનસીના ખભા ફરતે હાથ ફેરવીને તેની પીઠ થપથપાવતાં કહ્યું, ‘મારી લંડનની લેડી લાલકુંવર, આઇ કૅન અન્ડરસ્ટૅન્ડ, પણ હવે કરવાનું શું છે?’
‘સ્ટુપિડ, તેના માટે તો તને બોલાવી છે.’
‘ઠીક છે...’ મનીષાએ દુપટ્ટો કમરે બાંધતાં કહ્યું, ‘તેનો ફોટો બતાવ.’
‘નથી.’
‘વૉટ ડુ યુ મીન, નથી.’
‘આઇ મીન, ધે આર અફ્રેઇડ કે ફોટો જોઈને અમે કદાચ ના પાડી દઈએ તો? એટલે... નો ફેસબુક, નો ઇન્સ્ટા, નો સ્નૅપચૅટ! ઓન્લી ફેસ ટુ ફેસ મીટિંગ...’
‘ધૅટ્સ ઇટ!’ અચાનક મનીષાએ ચપટી વગાડી, ‘લે, સૉલ્વ થઈ ગયો તારો પ્રૉબ્લેમ!’
‘કઈ રીતે?’
‘તારા બદલે હું જઈશ!’
‘તું?’ માનસી ડઘાઈ ગઈ.
‘અફકોર્સ!’ મનીષા ખતરનાક રીતે હસી, ‘બસ એક કામ ક૨, પેલી ફૅન્સી કૉફી-શૉપને બદલે પૃથ્વી થિયેટરની લૉન્જમાં સમીરને મળવા બોલાવ. પછી જો મજા...’
lll
નક્કી એમ થયું હતું કે માનસી શૉકિંગ પિન્ક કલરનું ટી-શર્ટ પહેરીને આવશે અને સમી૨ ડાર્ક વાયલેટ કલરના પાર્ટી-શર્ટમાં હશે. બન્ને વચ્ચે એક કોડવર્ડ હશે, ‘હેવ યુ સીન રા.વન, માય ડાર્લિંગ?’ ‘નો, આઇ વુડ રાધર સી હનુમાન, માય ડાર્લિંગ.’
મનીષાએ પહેરેલું માનસીનું શૉકિંગ પિન્ક ટી-શર્ટ એટલું બધું ટૂંકું હતું કે ખુદ મનીષાને ઑકવર્ડ ફીલિંગ થઈ રહી હતી. જિંદગીમાં કદી સલવાર-કમીઝ કે કૉટન
કુર્તી-પાયજામા સિવાય બીજું કશું ન પહેરનારી મનીષા અત્યારે સ્કિનટાઇટ ટી-શર્ટને લીધે કોઈ સેક્સી
આઇટમ-બૉમ્બ જેવી લાગતી હતી! ઉપરથી મનીષાએ બ્યુટી-પાર્લરમાં જઈને હેવી મેકઅપ પણ કરાવ્યો હતો. આટલું જાણે ઓછું હોય એમ મનીષાએ એક હાથમાં સળગાવ્યા વિનાની સિગારેટ લટકતી રાખી હતી અને બીજા હાથમાં ચળકતું ગોલ્ડન લાઇટર રમતું રાખ્યું હતું!
પૃથ્વી થિયેટરની લૉન્જમાં આંટા મારી રહેલા હૅન્ડસમ ઍક્ટરો તો ઠીક, પણ ધોળી થઈ રહેલી દાઢીવાળા ડિરેક્ટરોની નજર પણ વારંવાર આ તરફ આકર્ષાઈ રહી હતી.
છતાં મનીષા બિન્દાસ થઈને બેઠી હતી, કેમ કે તેણે તેની ખાસંખાસ ફ્રેન્ડ માનસીને બચાવવાની હતી.
આખરે દૂરથી એક વાયલેટ કલરનું પાર્ટી-શર્ટ આવતું દેખાયું! એ જોતાં જ મનીષા બબડી ઊઠી :
‘ઓ? આ સમીર? આવો?’
(ક્રમશઃ)