અરેન્જ્ડ મૅરેજ તારે નહોતાં કરવાં! હું તો પહેલેથી કહેતી હતી કે સરસ મિલ્યનેર છોકરો છે, પરણી જા
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘આઇ હેટ યૉર પાર્ટી! ઍન્ડ આઇ ઍમ વૉકિંગ આઉટ!’
ધોતિયું ફગાવીને પોતાનું જીન્સ ઉઠાવીને સુનીલ ઝડપભેર હૉલમાંથી બહાર નીકળી ગયો.
ADVERTISEMENT
એ સાથે જ ઓરિજિનલ માનસીના પેટમાં ફાળ પડી.’ મનીષા... સમીર જઈ રહ્યો છે! સ્ટૉપ હિમ! સ્ટૉપ હિમ!’
‘જવા દેને?’ મનીષા હજી
તોરમાં હતી.
‘અરે, નહીં!’ માનસી રડવા જેવી થઈ ગઈ, ‘તે જઈને તેના મામાને કહેશે અને તેના મામા મારી માસી આગળ ફરિયાદ કરશે!’
‘તો કરવા દેને.’
‘વૉટ, કરવા દેને?’
‘ઓ સૉરી.’ મનીષા જાણે અચાનક હોશમાં આવી હોય એમ સમીર એટલે કે સુનીલની પાછળ દોડી.
‘હેલો... હેલો... પ્લીઝ, પ્લીઝ... આ રીતે પાર્ટી છોડીને ના જાઓ?’ મનીષાએ સુનીલની આગળ ફરી વળીને બે હાથ પહોળા કર્યા.
સુનીલ બે ઘડી અટકી ગયો.
અર્ધ-ઉઘાડી મનીષા સામે જોતો રહ્યો. મનીષાએ દયામણા બનવાની ઍક્ટિંગ ચાલુ કરી.
‘પ્લીઝ, ડોન્ટ બી ઍન્ગ્રી, આઇ ડિડ નૉટ મીન ટુ હર્ટ યુ. હવે થોડી જ વારમાં પાર્ટી પૂરી થશે, પ્લીઝ રોકાઈ જાઓ. પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ?’
સુનીલે ઝૂકીને જીન્સ પહેરવા માંડ્યું એટલે મનીષા ખુશ થઈને ઊછળવા માંડી,
‘ઓ થૅન્ક્સ! હજી તો કીચડ રાઉન્ડ બાકી છે, આઇ ઍમ શ્યૉર, એ તમે જ જીતી જશો.’
‘કીચડ રાઉન્ડ?’ સુનીલ થંભી ગયો, તેણે જીન્સની ચેઇન ચડાવતાં પૂછ્યું, ‘હવે આ કીચડ રાઉન્ડ શું છે?’
‘વેલ, યુ નો ઑલ ધિઝ ઝૂંપડપટ્ટીઝ, ધે હેવ સચ કિચડ ઑન ધ રોડ્સ, નો? તો એમાંથી કોણ બેસ્ટ રીતે વૉક કરી શકે એને માટે અમે પાછળ કમ્પાઉન્ડમાં કીચડનો પૅચ બનાવ્યો છે. ઍન્ડ ઇટ્સ વેરી હાઇજીનિક કિચડ યુ નો?’
‘વાઉ, હાઇજીનિક કીચડ..’ સુનીલની આંખોમાં તીખારો ઝબક્યો. તેણે પાછળ જોયું. પાર્ટીનાં મોટા ભાગનાં યુવક-યુવતીઓ બહાર આવી ગયાં હતાં, ‘કમાલ છો તમે લોકો! ઇન્ડિયન કલ્ચરની જે તમારી અન્ડરસ્ટૅન્ડિંગ છે એ તો રિયલી અમૅઝિંગ છે!’
‘યસ, યુ ઑલ્સો ગૉટ ઇમ્પ્રેસ્ડ. નો?’ મનીષા હરખાવા લાગી.
‘બુલશીટ! બુલશીટ!’ સુનીલ અચાનક બગડ્યો, ‘તમારા જેવું ડિસ્ટોર્ટેડ વિઝન આખી દુનિયાની કોઈ યંગર જનરેશનનું નહીં હોય! કીચડ રાઉન્ડ? અને એ પણ હાઇજીનિક કીચડમાં? હદ થઈ ગઈ. દેશના ગરીબોની જે મજબૂરી છે એને તમે ‘ફન’ સમજો છો? ગરીબોની જે કડવી વાસ્તવિકતા છે એને તમે ફોટો પાડવાની ચીજ સમજો છો? સામાન્ય લોકોની કલાને તમે માત્ર ખરીદવાની વસ્તુ સમજો છો અને સમાજની સંસ્કૃતિને તમે શો-કેસની આઇટમ માનો છો. પરંપરાઓને નિભાવવાને બદલે તમે તો એનું મ્યુઝિયમીકરણ કરો છો! તમે જેને ઇન્ડિયન આર્ટ, ઇન્ડિયન કલ્ચર કહો છો એને તમે તમારું ‘ફૅશન-વેવ’ બનાવીને મૂકી દીધું છે.’
સુનીલ આવેશમાં આવીને ઘણું બધું બોલી ગયો. તે જાણતો હતો કે આ બકવાસની આ મૂરખાઓ ૫૨ કોઈ અસ૨ નહીં થાય. પોતાનાં કોલ્હાપુરી ચંપલ પગમાં ખોસીને સુનીલ જવા જતો હતો ત્યાં વિદેશી ઉચ્ચારવાળો એક અવાજ સંભળાયો ઃ
‘સમીર, આઇ બૅગ ઑફ યુ. પ્લીઝ સ્ટે.’
સુનીલે જોયું કે તે એક રીમલેસ ચશ્માંવાળી અત્યંત સુઘડ અને શાલીન લાગતી છોકરી હતી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. નજીક આવીને તેણે સુનીલનો હાથ પોતાના બન્ને હાથમાં પકડીને રિક્વેસ્ટ કરી.
‘હવે પછી તમારું કે ઇન્ડિયાનું અપમાન થાય એવી કોઈ પણ, ગુજરાતીમાં શું કહેવાય... હરકત નહીં થાય... આઇ પ્રૉમિસ.’
સુનીલ જરા ઢીલો પડ્યો, પણ તેનો ઇરાદો બદલાયો નહોતો, ‘આઇ ઍમ સૉરી. અહીં રોકાઈને હું તમારી પાર્ટીનો મૂડ બગાડવા નથી માગતો. આઇ ઍમ ગોઇંગ.’
‘ઓકે, પણ એક રિક્વેસ્ટ છે. જુઓ, આ માનસી મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પ્લીઝ મારી આ ફ્રેન્ડને ખાતર તમે તમારા મામાને જઈને ના કહેતા કે અહીં શું બન્યું હતું.’
સુનીલે એક તીખી નજર મનીષા ૫૨ નાખીને જાણે ઉપકાર કરતો હોય એવા અંદાજમાં કહ્યું, ‘ઠીક છે.’
lll
‘યાર મનીઈઈ, મને ટેન્શન
થાય છે.’
મનીષા તેની NRI બહેનપણીના બેડરૂમમાં બેઠી-બેઠી માનસીનો રડમસ ચહેરો જોઈ રહી હતી.
‘મારી સામે આમ જોયા ન કર. મને ડબલ ટેન્શન થાય છે.’ માનસી રડું-રડું થઈ રહી હતી.
‘અરે ટેન્શન કાયકુ લેને કા?’ જીન્સ-કુર્તામાં સજ્જ મનીષા બિન્દાસ હતી, ‘તારે સમીર પાસે ના પડાવવી હતીને! તો હવે તેની રોકડી ‘ના’ આવશે. પછી શું
પ્રૉબ્લેમ છે?’
‘પ્રૉબ્લેમ ‘ના’નો નથી મનીઈઈ...’ માનસીની આંખમાં આંસુ ધસી આવ્યાં, ‘પ્રૉબ્લેમ ‘ના’ના કારણનો છે. જસ્ટ થિન્ક, સમીરે તેના મામાને શું કહ્યું હશે? યાર મનીષા, તેં તેની વધારે પડતી ખિંચાઈ કરી નાખી. આઇ મીન, બિચારો ધોતિયું તો પહેરી જ રહ્યો હતોને! તેને અન્ડીમાં એક્સપોઝ કરવાની શું જરૂર હતી?’
‘સાચું કહું?’ મનીષાના હોઠો પર નટખટ સ્મિત હતું, ‘તે છેને, મને...’
‘બહુ સેક્સી લાગી રહ્યો હતો?’
‘નાઆઆઆ...’ મનીષા હસવા લાગી, ‘તે એકદમ કાર્ટૂન લાગી રહ્યો હતો! અને તેની પેલી ભારેખમ ભારતીય પરંપરાની સ્પીચ પણ કેવી સ્ટુપિડ હતી!’
‘કમ ઑન. એ વખતે મેં તારો ફેસ બરોબર જોયો હતો. યુ વેર ઍક્ચ્યુઅલી ઇમ્પ્રેસ્ડ બાય હિમ. બોલ, ક્યાંક તારું દિલ એ ભારતીય પરંપરાબાદ પર તો નથી આવી ગયુંને?’
‘શટ અપ!’ મનીષાએ માનસી પર છૂટું ઓશીકું ફેંક્યું.
માનસીએ ઘા ચૂકવીને સામું બીજું ઓશીકું ફેંક્યું. તરત જ રીતસરની
‘પિલો-ફાઇટ’ શરૂ
થઈ ગઈ.
‘માનસી બેટા...’ નીચેથી માનસીની માસીનો અવાજ સંભળાતાં બન્નેએ તાત્કાલિક યુદ્ધવિરામ કરી નાખ્યો.
માનસીની માસી નીચેથી ઉપર આવ્યાં. તેમના ચહેરા પર ૧૨૦૦ વૉટનું ઝગમગતું સ્માઇલ હતું.
‘બેટા માનસી, હમણાં જ સમીરના મામાનો ફોન હતો. કહેતા હતા કે સમીર તો માનસીથી ખૂબ ઇમ્પ્રેસ્ડ થઈ ગયો છે! તેણે કહેવડાવ્યું છે કે હી વૉન્ટ્સ ટુ ટેક યુ ટુ અ ડિસ્કોથેક.’
‘ડિસ્કોથેક?’ માનસી ચોંકી.
‘વેરી ગુડ આઇડિયા, નો?’ માસી તો ખુશખુશાલ હતાં, ‘તમે બન્ને NRI છો. માનસી લંડનમાં ઊછરી છે, સમીર સિડનીમાં સેટલ થયો છે. બોથ ઑફ યુ આર મૉડર્ન યંગ કપલ! તો પછી ડિસ્કોવિસ્કોમાં તો જવું જ જોઈએને?’
‘યુ આર ઍબ્સ્યોલ્યુટલી રાઇટ માસી!’ મનીષાએ બેધડક કહી દીધું, ‘માનસી ડિસ્કોથેકમાં જરૂ૨ જશે!’
lll
‘ડિસ્કોથેક?’ સુનીલ ગુસ્સાથી તમતમી રહ્યો હતો, ‘સાલા ગધેડા, સુવર, અક્કલના બળદ... તારી ડાગળી તો ચસકી નથી ગઈને?’
‘ના, બિલકુલ સલામત છે.’ સમીરે એકદમ શાંત અવાજે સ્માઇલ આપીને જવાબ આપ્યો.
‘તો પછી મને તારા એ હાઇ-ફાઇ ડિસ્કોથેકમાં મોકલવાની શું જરૂર છે? સાલા, પેલી રોઝી ગોન્ઝાલ્વિસની બર્થ-ડે પાર્ટીમાં મારો ઓછો કચરો થયો હતો કે તેં સામે ચાલીને માનસીને ડિસ્કોથેકમાં બોલાવવાનું ગોઠવ્યું?’
સમીર હસવા લાગ્યો. તેણે ઊભા થઈને સુનીલના ખભે હાથ મૂકતાં કહ્યું, ‘યાર, સાચું કહેજે, તને
અંદર-અંદરથી પેલી માનસીને ફરી એક વાર મળવાનું મન નહોતું થતું?’
‘મને...’ સુનીલ કંઈક કહેવા જતો હતો કે તરત અટકી ગયો.
‘બોલ બોલ? તને શું?’
‘કંઈ નહીં યાર, એ છોકરીને જોઈને મને કંઈક થઈ જાય છે.’
‘શું થઈ જાય છે? તેને કિસ કરવાનું મન થઈ જાય છે?’
‘શટ અપ યાર...’ સુનીલ જરા સિરિયસ થઈ ગયો, ‘યાર, એ છોકરી અંદરથી ખૂબ સ્ટ્રૉન્ગ લાગે છે. સાલા, જો હું તારો રોલ ન ભજવતો હોત તો તેના સડેલા દિમાગને મેં ક્યારનુંય ઠેકાણે લાવી દીધું હોત.’
‘તો ડિસ્કોથેકમાં ટ્રાય કરજેને?’ સમીર હસ્યો, ‘મોકો સારો છે.’
‘ધૂળ સારો છે?’ સુનીલ અકળાયો, ‘એક તો તારા આ ડિસ્કોથેકમાં કાન ફાડી નાખે એવું ઘોંઘાટિયું મ્યુઝિક વાગતું હશે, ઉ૫૨થી પૈસાદારના નબીરાઓ જાણે કાલે સવાર પડવાની જ ન હોય એમ દારૂ-સિગારેટ કે ડ્રગ્સના નશામાં ધૂત થઈને નાચતા હશે... અને તને ખબર છે કે હું આ ચીજોને હાથ પણ નથી અડાડતો.’
‘તારે હાથ લગાડવાની જરૂર નથી, પરંતુ મજાની વાત એ છે કે માનસી તો પીતી જ હશે! હવે જસ્ટ ઇમૅજિન કર.’
સમીરે આખો પ્લાન સમજાવ્યો :
‘માનસીએ આ અગાઉ જે કપડાં પહેર્યાં હતાં એનાથી તે સેક્સી ડ્રેસ પહેરીને આવશે! તું તો ડાન્સ ક૨શે નહીં એટલે તે બિન્દાસ બીજાઓ જોડે નાચ કરવામાં મશગૂલ થઈ જશે. ન તો તેના મન પર કાબૂ હશે, ન તન ૫૨... પાર્ટી કૉસ્ચ્યુમ છે. એવા મોકાના સમયે હું ફોન કરીને મારા મામા અને તેની માસીને ડિસ્કોથેક પાર્ટીમાં બોલાવીશ! બસ, પછી એ લોકો જ ડિસાઇડ ક૨શે કે આ મૅરેજ ક૨વાં જેવાં છે કે નહીં...’
સુનીલ બે ઘડી વિચારમાં પડી ગયો, ‘સમીરિયા, સાલા, આઇડિયા તો સારો છે, પણ એનો મતલબ એ પણ થયોને કે તારે મારી સાથે
આવવું પડશે.’
‘અફકોર્સ, હું તારી સાથે જ હોઈશ. મારું નામ સુનીલ હશે. સુનીલ ફ્રૉમ... સિડની!’
lll
‘માનસી યાર, આ તો લોચો વળી ગયો.’ મનીષા નરવસ હતી.
‘લોચો તેં માર્યો છે, મેં નહીં.’
‘શટ અપ. મદદ તેં માગી હતી, મેં નહીં.’ મનીષાએ છણકો કર્યો, ‘અરેન્જ મૅરેજ તારે નહોતાં કરવાં! હું તો પહેલેથી કહેતી હતી કે સરસ મિલ્યનેર છોકરો છે, પરણી જા.’
‘આવાને પરણું?’ માનસી રડવા જેવી થઈ ગઈ. ‘મનીઈઈ... તું જ કહે, આવા બબૂચક સાથે મને ખરેખર પરણી જવું પડે તો?
‘યુ આર રાઇટ...’ મનીષા સિરિયસ થઈ ગઈ, ‘પણ આ ડિસ્કોથેકનો મામલો મારા કન્ટ્રોલ બહારનો છે. પહેલી વાત તો એ છે કે આઇ જસ્ટ હેટ ધિસ ડિસ્કો-કલ્ચર અને બીજી વાત, ત્યાં જે નબીરાઓ દારૂ-સિગારેટ કે ડ્રગ્સના નશામાં ધૂત થઈને નાચતા હોય છે... એ બધું જોઈને જ મારી હટી જશે અને માનસી, તને ખબર છે કે આ નશીલી ચીજોને હું હાથ પણ અડાડતી નથી.’
‘ચલ ચલ હવે,’ માનસીએ આંખો નચાવી, ‘સિગારેટ તો તેં હોઠ પર લગાડી હતી!’
‘એ તો તારા માટે લગાડી હતી, બિલાડી!’
‘તો મારા માટે જ ડિસ્કોથેકમાં જાને?’
‘એક જ શરતે, તું મારી સાથે આવે તો?’
‘ઓ મનીઈઈ... મનીઈઈ... મનીઈઈ... યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ!’ માનસી મનીષાને બાઝી પડી.
‘ડન... હવે બોલ, તું ડિસ્કોથેકમાં શું પહેરીને જઈશ?’
‘હંઅઅઅ... એ પ્રૉબ્લેમ તો છે,’ મનીષાએ બનાવટી ગંભીરતા બતાવતાં કહ્યું, ‘કારણ કે તારી નાની બહેન તો છે નહીં, જેનાં મિની-માઇક્રો સાઇઝનાં કપડાં હું પહેરી શકું.’
‘એની જરૂર નથી.’ માનસીએ કહ્યું, ‘મારી પાસે એક રિયલી ‘ઉમ્ફ’ પાર્ટી-કૉસ્ચ્યુમ છે, જે મેં એક જ વાર મારી ફ્રેન્ડ્સના કહેવાથી મારી કૉલેજની ‘પ્રોમ’ પાર્ટીમાં પહેર્યો છે! તને બતાવું?’
માનસીએ બૅગમાંથી કાઢીને જે ડ્રેસ બતાવ્યો એ જોઈને મનીષાના પગ ઢીલા થઈ ગયા,
‘માય ગૉડ! આવું પહેરીને સેંકડો અજાણ્યા લોકો આગળ જવાનું?’
(ક્રમશઃ)