મુંબઈમાં ભાડાના ઘરની બારીમાંથી તે આમ જ આકાશને તાકતી રહેતીને! એમાં વિમાન જોવા મળે કે તાળી પાડી ઊઠતી. મા લાડલી દીકરીનાં ઓવારણાં લેતી: ‘હા, મારી લાડો, મોટી થઈ તારે વિમાનમાં જ ઊડવાનું છે!’
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
મા લાડલી દીકરીનાં ઓવારણાં લેતી: હા, મારી લાડો, મોટી થઈ તારે વિમાનમાં જ ઊડવાનું છે!
માગશરની ઠંડી જામી છે. આખું શિમલા મોસમની પહેલી હિમવર્ષા પછી થીજેલું લાગે છે. સહેલાણીઓની ઑફ સીઝનમાં વસ્તી આમેય ઓછી, એમાં શહેરથી દૂર નિર્જન ટેકરી પરના તૂટેલી શિલા જેવા પથ્થરની પાળે બેઠેલી યાત્રા, સામે આકાશમાં ડૂબતા સૂરજની લાલિમાથી નીચે ખીણમાં વૃક્ષો પર પથરાયેલી બરફની ચાદર રતાશવર્ણી થઈ કેવું મનગમતું દૃશ્ય સર્જે છે!
ADVERTISEMENT
‘મારી દીકરીને તેનું ગમતું કરવાનું મળ્યું જ નથી જીવનમાં!’
માના શબ્દો પડઘાતાં યાત્રાની મૃગનયનીસી આંખોમાં ઉદાસી ઘૂંટાઈ. સાડીની પાટલી સરખી કરી, ગરમ શાલ બદનસરસી લપેટી તેણે લાંબો ચોટલો આગળ લઈને હળવેકથી પથ્થર પર લંબાવ્યું. મુંબઈમાં ભાડાના ઘરની બારીમાંથી તે આમ જ આકાશને તાકતી રહેતીને! એમાં વિમાન જોવા મળે કે તાળી પાડી ઊઠતી. મા લાડલી દીકરીનાં ઓવારણાં લેતી: ‘હા, મારી લાડો, મોટી થઈ તારે વિમાનમાં જ ઊડવાનું છે!’
મા કહેતી એમ તે વિમાનમાં ઊડવા જેટલી સધ્ધર હોત પણ ખરી, પરંતુ કિસ્મતના લેખ કંઈ ભળતા જ નીકળ્યા...
હળવો નિસાસો નાખી તેણે ગત ખંડની કડી સાંધીઃ
ના, એકની એક દીકરી તરીકે હું ગરીબ મા-બાપના અનહદ લાડની અમીરીમાં ઊછરી. ભણવામાં હોશિયાર એટલે સગાંસંબંધીઓને પણ એવું જ કે યાત્રા ડૉક્ટર-એન્જિનિયર થઈ દર્શનભાઈ-નીરુબહેનના દહાડા ફેરવવાની!
થોડી સમજણી થયા પછી તે એ માટે કટિબદ્ધ પણ હતી. મન દઈને અભ્યાસ કરતી. દસમા ધોરણમાં શાળામાં પ્રથમ આવી ત્યારે પિતાજીએ આડોશપાડોશ-સગાંસ્નેહીઓમાં મીઠાઈ વહેંચવામાં પોતાનું આખું બોનસ ખર્ચી નાખેલું એ યાદે અત્યારે પણ ગદ્ગદ થઈ યાત્રા.
આવું જ પરિણામ રહ્યું તો યાત્રાને સરળતાથી મેડિકલમાં પ્રવેશ મળી જવાનો એવું શાળાના શિક્ષકો પણ કહેતા, પરંતુ કાળની એક જ ચાલમાં ઉંબરા આગળ દેખાતો અજવાશ અમાસની કાળરાત્રિમાં ફેરવાઈ ગયો!
યાત્રાનું દસમાનું વેકેશન પતવાના બે દિવસ પહેલાં દર્શનભાઈને લકવો લાગી ગયો. જમણું અંગ નકામું બની ગયું. ઘરની કમાનારી એકમાત્ર વ્યક્તિ પથારીવશ થઈ ગઈ. તેમની ચાકરીમાં માને કલાકો ખૂટતા, એટલે ક્યારે ડૉક્ટર થવાનું સમણું સંકેલીને પોતે નર્સિંગ કૉલેજમાં ઍડ્મિશન લઈ છેવટે નર્સ તરીકે શહેરની મોટી ગણાતી મલ્ટિસ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં જોતરાઈ ગઈ એની તો ખુદ યાત્રાને ગત નહોતી. મનમાં એટલું જ હતું કે કોઈ પણ હિસાબે મારે ઘર સંભાળવાનું છે, પિતાનો ઇલાજ કરાવાનો છે, માને સુખી કરવાની છે!
યાત્રાના પગારની બાંધી આવક શરૂ થયા પછી ઘરમાં રાશનની રાહત હતી, પિતાજીની દવાઓ ડિસ્કાઉન્ટ રેટે મળતી એથી વિશેષ જાહોજલાલીનો જોગ સંભવ નહોતો. તહેવારની મોસમમાં રજા મૂકવાને બદલે ઊલટું તે ઓવરટાઇમની તક ઝડપી લેતી.
વર્ષો વીતતાં ગયાં કે પછી જિંદગી વીતતી ગઈ. ચૌદ-ચૌદ વર્ષની પથારી ભોગવીને પિતાજીએ સોડ તાણી ત્યાં સુધીમાં મા તનમનથી ઘસાઈ ચૂકેલી. માની ચાકરી, ઘરની સંભાળ અને નોકરી - એકસાથે ત્રણ મોરચે લડવાનું હતું અને યાત્રા લડતી રહી, હોઠોનું સ્મિત ઓસરવા ન દીધું કે ન સ્વભાવની ખુમારીને ઝાંખી પડવા દીધી.
‘અમારી સેવામાં મારી દીકરીને તેનું ગમતું કરવાનું ન મળ્યું...’ દીકરીની કાળજીથી નીરુબહેન ગદ્ગદ થતાં, યાત્રાના માથે હાથ ફેરવી ઉમેરતાં, ‘તારી આજ ભલે સંઘર્ષમય હોય, કાલ સુખથી છલોછલ છે. તેં જેમની આંતરડી ઠારી એ માવતરના આ આશીર્વાદ છે. એ ન ફળે તો તો ધરતી રસાતળ જાય!’
આવું કહેનારી માએ ૬ મહિના અગાઉ આંખો મીંચી ત્યારે ખોબા જેવડા ઘરમાં જગતઆખાનો શૂન્યાવકાશ છવાઈ ગયો. એના બે મહિના પછી હૉસ્પિટલના સ્ટાફે ‘હૅપી બર્થ-ડે’ વિશ કર્યો ત્યારે યાત્રાને અહેસાસ થયો કે પોતે ૩૩નો પડાવ વટાવી પૂરા ૩૪ની થઈ!
જવાબદારીના ઘોડાપૂરમાં કુંવારાં અરમાન, લગ્નની વય કંઈકેટલું તણાઈ ગયું!
ના, એનો અફસોસ તો નહોતો જ, બલકે માબાપ માટે બનતું કરી છૂટ્યાનો આત્મસંતોષ હતો. માની વિદાયથી સર્જાયેલા ખાલીપાને તે હૉસ્પિટલમાં ડ્યુટી-અવર્સથી વધુ રોકાઈને પૂરવા મથતી, સખાવતી હૉસ્પિટલ એની સર્વિસને કારણે પામતા-પહોંચેલા સમુદાયમાંય પ્રતિષ્ઠિત હતી. દરદીઓનો ભરાવો આમેય હોય એટલે યાત્રા વિના ઓવરટાઇમ રોકાતી હોય તો કોઈએ વાંધો લેવા જેવું પણ શું હોય?
‘ક્યાં સુધી ઘર-હૉસ્પિટલ, દર્દ-દરદીઓને વળગેલી રહીશ?’ માતા જેવાં પ્રૌઢ મેટ્રન લક્ષ્મીબહેન જેવાં મમતાથી ટકોરેય ખરાં, ‘આ ચકરાવામાંથી બહાર નીકળ. ખરેખર તો તારા જીવનને નવા ધબકારની જરૂર છે.’
નવા ધબકારનો મતલબ તો યાત્રાને સમજાતો, પણ પછી તે વિચારતી: કોઈને હૈયે બેસાડવાની મારી ઉંમર રહી છે ખરી? એ પડાવ તો ક્યારનો ગયો!
‘મનને સાથીની જરૂર હોય કે ન હોય, તનને તો રહેતી જ હોય છે.’ સરખી વયની સિસ્ટર કુલકર્ણી વહેવારુ બનવાની સલાહ આપતી: ‘સુંવાળી વૃત્તિ તારા ચારિયને ચળવે એ પહેલાં વાંઢો કે ઘરભંગ થયેલો જે મળે તેને લાયક માનીને પરણી જા. અત્યાર સુધી તો મા-બાપની ચાકરીમાં, ઘર-હૉસ્પિટલના કામકાજમાં તારો કામ સુષુપ્ત જ રહ્યો, પણ હવે એ માથું ઊંચક્યા વિના નહીં રહે!’
તેના બોલમાં પારકી પંચાતનો ભાવ હોત તો યાત્રાએ મોઢા પર કહ્યું હોત, ‘મારા કામની ફિકર તું મૂકને, મારી બાઈ!’
છતાં એટલું તો યાત્રાના ધ્યાનમાં આવ્યું કે માના જતાં તે જાણે ‘મુક્ત’ અને ‘અવેલેબલ’ હોય એમ પુરુષોની નજર બદલાઈ છે ખરી...
ના, હૉસ્પિટલમાં તો તેની શિસ્તબદ્ધતા અને મૂલ્યોનો આગ્રહ સિનિયર સ્ટાફમાં પણ કોઈથી છૂપો નથી એટલે કાર્યસ્થળે તો નહીં, પણ ભાડાના મકાનના આડોશીપાડોશીઓ જરૂર નયનચોરી કરતા થઈ ગયા હતા.
અહીં પણ જૂનો પાડોશ હોત તો વાંધો જ ક્યાં હતો? પણ જૂનું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જતું નથી એમાં મોટા ભાગના જૂના રહેવાસીઓ રૂમ ખાલી કરી ગયા, નવા લોકો આવતા ગયા. તેમની સાથે આત્મીયતાનો નાતો જ ક્યાં હતો યાત્રાનો.
એટલે તો સામે રહેતો શ્રીનિવાસ યાત્રા લૉબીમાં ઊભી હોય ત્યારે જ શર્ટ વિનાની ઉઘાડી અવસ્થામાં બહાર આંટાફેરા મારે. બીજા માળે રહેતા મદને તો હદ કરી, એક સાંજે હૉસ્પિટલથી પરત થતી યાત્રાને બિલ્ડિંગની સીડી પર રોકી ગાલાવેલું હસ્યો ઃ તમને રાતે ડિસ્ટર્બન્સ તો નથી થતુંને?
આ માણસ આવું કેમ પૂછે છે? યાત્રા તેને સહેજ બાઘાપણે તાકી રહી એટલે તે નિકટ આવ્યો, ‘શું છે કે રાતે મિસિસ બહુ ચીસો પાડે છે. મને થયું કે તમને સંભળાતી હશે તો તમારી નિંદર બગડતી હશે.’
‘મારી બહુ સાઉન્ડ સ્લીપ છે મદનભાઈ, એ માટે બેફિકર રહેજો. પણ તમારાં મિસિસ ચીસો કેમ પાડે છે?’ યાત્રાએ નર્સની ઉત્સુકતાથી પૂછ્યું, ‘તમે ડૉક્ટરને દેખાડ્યું કે નહીં?’
જવાબમાં ‘તું કેવી બાઘી છે?’નો ભાવ જતાવી મદને હોઠ વંકાવ્યા, ‘આમાં તારું બિનઅનુભવીપણું છતું થાય છે યાત્રા, પથારીમાં પતિના જોશથી પત્ની ચીખી ન ઊઠે તો પુરુષે ડૉક્ટરને કન્સલ્ટ કરવાની નોબત આવે!’
એનો મર્મ સમજાતાં નેત્રો પહોળાં થયાં, કીકીમાં રોષ ઘૂંટાયો ત્યાં પગથિયાં ઊતરતાં તે બોલી ગયો – ‘મારે ડૉક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર નથી એવું સર્ટિફિકેટ તને આપવાની ઇચ્છા થાય તો કહેજે, બંદા બહુ ઓપન છે!’
કેવી નિમ્ન માનસિકતા. કોઈ સદ્ગૃહસ્થ આવા શબ્દો વાપરી જ કેમ શકે? પણ એમ તો શબ્દો સિવાય પણ પુરુષો પાસે નજરની, સ્પર્શની ભાષા હોય છે. એનો અણસાર આવતાં યાત્રા સચેત બની, ‘એકલી પડેલી સ્ત્રી લગ્ન કરે કે ન કરે એ જુદી વાત છે, પણ પોતાની જાતને બચાવવા જેટલી તેણે સાવધ રહેવાની જરૂર છે!’
એ ખબરદારી જોકે આપોઆપ કેળવાતી ગઈ. મદન જેવાને ‘ભાઈ’ પર વજન મૂકી આઘેરો રાખતાં આવડી ગયું. આમાં દિવાળીનું બોનસ આવ્યું ત્યારે પહેલી વાર પ્રશ્ન થયો કે પૈસા ક્યાં વાપરવા?
‘તારી પાછળ...’ તસવીરમાંથી મા જાણે ટહુકી હતી: ‘તને ગમતું કરવાનો અવકાશ ન મળ્યો, હવે એ કર!’
‘શું હોય મને ગમતું?’ આંખો મીંચીને જાતને પૂછ્યું ને બસ, દિવાળી વેકેશનનો ધમધમાટ ઓસરે કે ગમતા સ્થળે મનગમતું એકાંત મળી રહે એ આશયે ડિસેમ્બર બેસતાં જ યાત્રા હૉસ્પિટલમાં ત્રણ વીકની રજા મૂકીને ચાર દિવસ અગાઉ જ શિમલા આવી ગઈ.
આ કોઈ મોંઘી કે સામાન્ય ટેલરમેડ ટૂર નહીં હોય એટલું તો નક્કી હતું. યાત્રાને તો કેવળ પ્રકૃતિની ગોદમાં રમવું હતું, ભમવું હતું. નિજાનંદ માટેનો આ પ્રયાસ હતો એટલે તો મુખ્ય બજારના કોલાહલથી દૂર ખાસ સુવિધા વિનાના ઘરમાં ઊતરી. ૬ જણના વસ્તારી કુટુંબવાળા મજૂરના ઘરની મેડીમાં કપડાના પાર્ટિશનથી અલાયદો એરિયા તેને મળ્યો છે. તેમના રસોડે દેહાતી ખાણું ખાવાનું, દિવસે બાજુવાળા માઇકલની સાઇકલ લઈ રખડપટ્ટી કરવાની અને રાતે સગડીના તાપણે શરીરે ગરમ ધાબળો વીંટાળી બારીમાંથી આભને તાકતા રહેવાનું...
એ પળોમાં ક્યારેક એવુંય થાય કે આ એક ધાબળામાં અમે બે જણ હોત તો! ચાંદની રાતમાં એ ક્ષણ કેવી ગુલાબી-ગુલાબી થઈ જાય! હૈયું જરા જોરથી ધડકી ઊઠે. બદનમાં નવાં જ કોઈ સ્પંદન ઊમડે ને મુગ્ધપણે હું આકાશના તારાઓમાં એક ચહેરાની ભાત ઉપસાવવામાં ડૂબું ને એમ જ ઊંઘમાં સરી જાઉં... સવારે જાગી ખુદને ટપલી મારી ટકોરું : હવે ૩૪ની ઉંમરે આમ ષોડશી જેવાં શમણાં શોભે?
અને વળી આમ પ્રકૃતિમાં ખોવાઈ હોઉં ને હોઠે લતાનું ગીત વહી નીકળે : કુછ દિલને કહા, કુછ ભી નહીં...
આ બધા ખ્યાલો સાથે પોતાને બહુ ગમતું ગીત ગણગણતી વેળા દાંત કડકડ્યા અને શિલા પર પોઢેલી યાત્રા આંચકાભેર બેઠી થઈ ગઈ. તે સ્વગત બબડી : ‘અરે બાપરે, સંધ્યા તો ક્યારની ડૂબી ને આભમાં ધુમ્મસની ચાદર છવાઈ છે, બરફના કરા વરસી રહ્યા છે. આટલું મોડું કદી થયું નથી. જેના ઘરે ઊતરી છું એ બહાદુરે પહેલા જ દિવસે ચેતવેલી : દિવસે તમે ગમે એટલું ફરો, અંધારું થાય એ પહેલાં ઘરે આવી જવાનું રાખજો. અહીં ક્યારેક દીપડા લટાર મારવા નીકળી પડતા હોય છે.’
રાની પશુના ભયે યાત્રાને થથરાવી દીધી.
નજીકમાં પડેલી સાઇકલ તરફ દોડી, એને સીધી કરતાં હાયકારો નીકળી ગયો. બન્ને ટાયરમાં હવા નહોતી! તોરમાં ને તોરમાં તે શહેરના બીજા છેડે આવી ગઈ હતી, ઘર સુધી પહોંચવું કઈ રીતે? ફોન સાથે હોત તો મદદ પણ માગી શકત, પરંતુ અહીં આવ્યા પછી મોબાઇલની આદત છૂટી ગઈ હતી. વીજળીબત્તી વિનાના રસ્તા પર ચાલતા તો જવાય નહીં.
‘નહીં, ઉતારા સુધી ન પહોંચાય તો પણ મારે વિસામાનું કોઈ સ્થળ તો શોધવું રહ્યું, નહીંતર બરફવર્ષાની થીજવી દેતી ઠંડીમાં હું ઠૂંઠવાઈ જવાની.’ આ વિચાર સાથે યાત્રાએ ભીંસ અનુભવી. પછી પોતે જ ઉકેલ કાઢ્યો : ‘અહં, પર્સમાં બૅટરી પડી છે. એના પ્રકાશમાં આગળ વધ્યા સિવાય છૂટકો નથી...’
હોઠ ભીડીને તે સાઇકલના હાથા પર લટકાવેલું પર્સ લેવા ઘૂમે છે કે સીધી દિશામાં દીવાની જ્યોત હાલતી દેખાઈ.
એ દીવો નહીં પણ ઓસરીના છજા પર લટકતું ફાનસ હતું અને ચીમનીમાંથી ધુમાડો નીકળતો પણ દેખાયો.
કદાચ તે પોતાનામાં જ મગન હતી એટલે, કે પછી બરફની ચાદરને કારણે પહેલાં કદાચ ટેકરીના મથાળે આવેલું નાનકડા કૉટેજ જેવું મકાન નજરમાં ઝિલાયું જ નહીં, પણ ત્યાં હવે ફાનસ ઝૂલે છે એનો અર્થ એ કે ઘરમાં માનવવસ્તી પણ હોવી જોઈએ!
‘હાશ, ભલું હશે તો ત્યાંથી મને ઉતારે પહોંચવાની મદદેય મળી રહેશે...’ આવું વિચારીને યાત્રાએ જોશભેર કદમ ઉપાડ્યાં.
તકદીર પોતાને ક્યાં દોરી રહ્યું છે એની યાત્રાને ક્યાં જાણ હતી?
(ક્રમશઃ)