‘ભાઈ, મેં તો તારા ભરોસે તેં કહ્યું ત્યાં સહી કરેલી - આ બધું તો તેં ક્યારેય કહ્યું જ નથી.’ અરવિંદનો સાદ ફાટ્યો
વાર્તા-સપ્તાહ
અજાતશત્રુ (પ્રકરણ ૨)
ત્રિકમઅંકલે દિવાળીના અરસામાં નાશિકમાં ફૅક્ટરી કરી, પછી તેમનો-સુભદ્રાઆન્ટીનો ગામમાં આવરોજાવરો વધી ગયો. અને પછીની હોળી-ધુળેટીમાં અણધાર્યું બની ગયું... અનુજા વાગોળી રહી :
lll
ગામમાં ધુળેટી રમવા ગયેલા અનુજ-અભિજિત પાછા આવ્યા જ નહીં. દોડધામ મચી ગઈ, દરેક દિશામાં ઘોડેસવાર દોડ્યા. પોલીસને જાણ કરાઈ.
- અને કપરાડાનું જંગલ વળોટી નીચાણ તરફના નાના પોંઢાના રસ્તે ઢાળની વનરાજીમાં અભિજિત બેહોશ પડેલો દેખાયો!
‘ત્યારે તો અનુજ પણ અહીં જ ક્યાંક હોવો જોઈએ...’ પોલીસટુકડી ખીણમાં ઊતરી.
આ બાજુ હવેલીની રૂમમાં હોશમાં આવતાં જ અભિજિતે ચીસ નાખી. છાતીસરસો ચાંપી સુભદ્રાએ દીકરાને છાનો પાડ્યો. ‘અભિ...’ સુભદ્રાના ફોને મોડે-મોડેય ફૅક્ટરીથી દોડી આવેલા ત્રિકમે દીકરાનો હવાલો લીધો, ‘અનુજ ક્યાં બેટા?’
‘અનુજ...’ રૂમમાં અનુજ નથી એનો અણસાર હવે આવ્યો હોય એમ સાત વર્ષનો અભિજિત ધ્રૂજી ઊઠ્યો, ‘તેને ચોક્કસ બાવો લઈ ગયો!’
‘બાવો?’
‘હું અને અનુજ પિચકારી લઈ માળીના દીકરા સાથે ધુળેટી રમવા તેના ઘરે જતા હતા ત્યાં સાધુબાવો રસ્તામાં ઊભો હતો... તે પણ ધુળેટી રમ્યા હતા, બોલો! તેમનાં ઑરેન્જ કપડાં પર જાતજાતના રંગ હતા, આખો ચહેરો બ્લૅક કલરથી રંગ્યો હતો...’
વડીલો સમજી ગયા કે પોતાની ઓળખ છુપાવવા બાવાએ રંગનો આબાદ આશરો લીધો!
‘તેણે અમને પણ રંગ કર્યો... ઝોળીમાંથી પ્રસાદની ગોળી ખાવા આપી, અનુજે ના પાડી તો પરાણે તેના મોંમાં મૂકી, બોલો! પછી... હા, પછી છેને અમને એકદમ ઊંઘ આવવા માંડી... પછી’
પછીનું છોકરાને સ્વાભાવિકપણે કશું યાદ નહોતું. આંખ ઊઘડી ત્યારે પોતે હવેલીમાં છે એટલી જ ખબર પડી.
‘આ કહેવાતો બાવો પ્રોફેશનલ કિડનૅપર હોય એવું લાગતું નથી...’ અરવિંદની ભલામણે કમિશનરસાહેબ ખુદ કેસમાં ઇન્વૉલ્વ થયા હતા, ‘દીકરાના બયાન પરથી એવું ફલિત થાય છે કે બાવાએ લાલચમાં બે છોકરાંવને કિડનૅપ કર્યાં, પણ બેને લઈ છટકવું મુશ્કેલ લાગતાં એકને અડધા રસ્તે છોડી દીધો... આવું તો કોઈ શિખાઉ જ કરે અને કિડનૅપર બિનઅનુભવી હોય ત્યારે વિક્ટિમનું જોખમ વધી જાય છે...’
અને છેવટે તો અમંગળ જ જાણવા મળ્યું!
અપહરણના ત્રીજા દિવસે, અભિજિત મળ્યો એ તરફની ઝાડીઓમાં અનુજનાં લોહીભીનાં વસ્ત્રોના ટુકડા, પિચકારી મળી આવ્યાં. આ તરફ દીપડાનો આતંક તો છે જ. સહજ અનુમાન હતું કે સાધુબાવાએ બે બાળકોને કિડનૅપ તો કર્યાં, પણ પછી જોખમ લાગતાં બે બાળકોને ઝાડીમાં ફંગોળ્યાં. અભિજિતના સદ્નસીબે તે ઊગર્યો, પણ અનુજ દીપડાનો કોળિયો થઈ ગયો!
અરવિંદ-સાવિત્રીનાં જીવતર સૂનાં થયાં.
‘તમારો જીવ અહીં ન લાગતો હોય તો જાત્રાએ ઊપડી જાઓ... ઈશ્વરના ધામમાં પૂજા-અર્ચના કરવાથી શાતા સાંપડશે. અહીંની ચિંતા ન કરશો, હું બેઠો છુંને.’
ત્રિકમના સુઝાવ-સધિયારાએ અરવિંદ-સાવિત્રી ભારતભ્રમણે ઊપડ્યાં. કોઈ તીર્થસ્થાન બાકી ન રહ્યું. તેમની ગેરહાજરીમાં ત્રિકમ-સુભદ્રા મોટા ભાગે અહીં રહેતાં અને અભિજિત તેનાં નાના-નાની પાસે મુંબઈ. અઢી વરસે પરત થયેલાં અરવિંદ-સાવિત્રી એથી તો ગદ્ગદ થયેલાં : આનું નામ સાચાં સગાં!
અને જાત્રા ફળી હોય એમ સાવિત્રીને ત્રીજા મહિને ગર્ભ રહેતાં અનુજ જ પાછો આવવાનો એ પુરવાર થયું હોય એમ દંપતીએ શોક ઉતાર્યો. અરવિંદ સતત સાવિત્રીની સાથે રહેતા. ખેતીનો તમામ કારભાર ત્રિકમે સંભાળ્યો હતો, હવેલીનાં સૂત્રો સુભદ્રા પાસે હતાં.
પૂરા મહિને સાવિત્રીએ ચાંદના ટુકડા જેવી કુંવરીને જન્મ આપ્યો. અરવિંદ-સાવિત્રીને દીકરો ન થયાનો ધોકો નહોતો ; અમારે મન તો અનુજ જ અનુજા બનીને આવ્યો!
અરવિંદ-સાવિત્રી દીકરીને અછોવાનાં કરતાં. પળ પૂરતી રેઢી ન મૂકતાં.
દરમ્યાન પિતરાઈ ભાઈ પર મૂકેલા વિશ્વાસની કિંમત કેવી રીતે વસૂલાઈ છે એનો ધડાકો અનુજાની પાંચમી વર્ષગાંઠે થયો. તેની ઉજવણીમાં અરવિંદને દાન-પુણ્યની સૂચિ થમાવી ભંડારો ગોઠવવાનું સૂચવતી સાવિત્રીને હળવેકથી ત્રિકમે ટકોરી,
‘ઉજવણી જરૂર ગોઠવવી જોઈએ ભાભીશ્રી, પણ પહેલાં એ તો જુઓ કે તમારી આર્થિક સ્થિતિ પહેલાં જેવી છે ખરી?’
જાણે બૉમ્બ ફૂટ્યો... અરવિંદ ખળભળી ઊઠ્યો - ‘એટલે?’
‘અરવિંદ, તું અજાણ્યો કાં બને! પાછલાં વરસોમાં વરસાદ-વેધરને કારણે પાક નિષ્ફળ ગયા, મારી ફૅક્ટરી વેચી એનાં નાણાંની નુકસાની ભરપાઈ કરી - બદલામાં તેં જમીન મારા નામે કરી - મને આ રીતે ન જો. અફકોર્સ, યુ નો ધિસ. હિસાબનાં દરેક કાગળ, દસ્તાવેજ પર તારી સહી છે.’
‘ભાઈ, મેં તો તારા ભરોસે તેં કહ્યું ત્યાં સહી કરેલી - આ બધું તો તેં ક્યારેય કહ્યું જ નથી.’ અરવિંદનો સાદ ફાટ્યો.
‘વાહ, મતલબ તું સાચો ને હું ખોટો, એમ?’ ત્રિકમે અવાજ ઊંચો કર્યો, અને બોલવામાં તો સુભદ્રા શાની ચૂકે, ‘એક તો પાઈની ઊપજ નથી, છતાં તમને રાજા-રાણીની જેમ જ અમારી હવેલીમાં રાખ્યાં છે તોય! અને અમારે દાનધરમ કરવાં જ હોય તો અભિજિતના નામે ન કરીએ, તમારી દીકરી પાછળ શું કામ ઘસાઈએ!’
‘બસ ભાભી,’ ધક્કો લાગ્યો હોય એમ અરવિંદ બેસી પડેલો, ‘કોણ કોની પાછળ કેટલું ઘસાયું છે એ તમારો-મારો આત્મા તો જાણે જ છે! ભાઈ ત્રિકમ, ‘તારી’ હવેલીમાં મારે નથી રહેવું. મારાં બૈરી-દીકરી તમારાં ઓશિયાળાં નહીં રહે. તેમની જરૂરિયાત પૂરી કરવાનું કૌવત છે આ કાંડામાં.’
અને બસ, અરવિંદ-સાવિત્રીએ પાંચ વર્ષની દીકરીને લઈ હવેલી છોડી, તેમને તો ગામ પણ છોડવું હતું, પણ રાજાને રૈયત ઓછી જવા દે! હવેલી નજીકનું ખાલી મકાન તેમને સુપરત કરાયું. નિર્વાહ માટે અરવિંદે વલસાડની કૉલેજમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જવા માંડ્યું. ફુરસદના સમયમાં ખેતી વિશેનું માર્ગદર્શન આપવાનું ફરી શરૂ કર્યું. સાવિત્રીએ આંગણામાં શાકભાજી ઉગાડી, આંગણેથી કોઈ ભૂખ્યું ન જાય એ સદાવ્રત ફરી આરંભ્યું.
- પરિણામ એ આવ્યું કે હવેલીમાં બધું હોવા છતાં સૂનકાર છે, જ્યારે અમારે ત્યાં ઘર ભર્યુંભાદર્યું રહે છે!
સ્મરણયાત્રા સમેટતી અનુજાએ ભાઈની તસવીર નિહાળી : ‘પપ્પા-મમ્મીએ મારા જન્મમાં તમારું પુનરાગમન સ્વીકારી લીધું છે, પિતરાઈના દગાનો તેમના હૈયે રંજ નથી, પણ હું તો ત્યાં સુધી માનું છું કે તમારી સાથે જે અઘટિત થયું એમાં પણ ત્રિકમઅંકલનો જ હાથ કેમ ન હોય! તેમના પર શંકા ન થાય એ માટે તેમણે અભિજિતનુંય અપહરણ કરાવ્યું હોય, બાકી અપહૃત થયેલા બેમાંથી તેમનો જ દીકરો કેમ જીવતો મળે! મમ્મી-પપ્પાને આ બધું કહી શકાતું નથી. એટલે પણ મને તમારી ખોટ લાગે છે, હોં ભાઈ! પાછલી દરેક અઢાર બળેવથી હું કેવળ તમારી તસવીરને રાખડી અર્પણ કરું છું, ત્યારે માગું પણ છું કે અનુજ તરીકે નહીં તો કોઈક સ્વરૂપે, કોઈ બીજા જ નામે પણ તમે આવો... દુશ્મનની ગિરફ્તમાંથી આપણી જમીન-હવેલી છોડાવો... આમ તો ઈશ્વર પાસેથી મેં હંમેશાં તમને જ માગ્યા છે ભાઈ, પણ આ વખતે બળેવ પર તમને નિમંત્રવાનો એક નવતર પ્રયોગ કરવાની છું, મારો એ સાદ ઈશ્વર તમારા સુધી પહોંચાડે તો એનો પ્રત્યુત્તર પાઠવવામાં મોડા ન પડતા!’
અને અશ્રુ લૂછી, હોઠ ભીડી તેણે મોબાઇલ હાથમાં લીધો.
lll
‘લુક ઍટ ધિસ!’
બીજી બપોરે અજાતશત્રુ સીમાને કહી રહ્યો છે, ‘ડેટિંગ સાઇડ પર એક બહેને અરજી મૂકી છે કે રક્ષાબંધન
પર રાખી બાંધવા એક ભાઈની તેને જરૂર છે...’
‘મૅચમેકિંગ માટે જાણીતી ડેટિંગ સાઇટનો ઉપયોગ સામાન્યત: પોતાની પસંદનો પાર્ટનર શોધવા થતો હોય છે, પણ એક બહેને ભાઈની શોધ માટે અરજી મૂકી છે એવું તો પહેલી જ વાર જોયું!’
‘આજ સુધી તમે ડેટિંગ સાઇટ પરથી ઘણા કૉલ અટેન્ડ કર્યા છે...’ સીમા સહેજ ગંભીર બની, ‘એક વાર ભાઈ બનીને બહેનના સાદનો પણ પડઘો પાડી જુઓ!’
અનુજાની રિક્વેસ્ટની રિપ્લાય આપતાં અજાતશત્રુને કે મળેલા રિસ્પૉન્સમાંથી તેની અરજીને મંજૂર કરતી અનુજાને સપનેય ખ્યાલ નહીં હોય કે સગાં ભાઈ-બહેનને વરસો પછી મેળવવાનો કારસો કુદરતે જ ઘડ્યો છે!
lll
‘ડેટિંગ સાઇટ!’
આમ તો સમજણી થઈ ત્યારથી અનુજાને મોટા ભાઈની ખોટ સાલતી. પંદરની વયે અંગે યૌવન બેઠા પછી અનુજાની સમજશક્તિ પણ મહોરી હતી. હવેલીમાંથી નીકળ્યા બાદ અરવિંદભાઈ-સાવિત્રીબહેને ત્રિકમ-સુભદ્રા માટે બૂરું વેણ ઉચ્ચાર્યું નથી, પણ અનુજાનું લોહી ધગી જતું. ત્યાં સુધી કે અનુજ સાથે ઘટેલી દુર્ઘટનામાં પણ તેને ત્રિકમઅંકલનો હાથ લાગતો. એમાં વળી ક્યારેક લટાર મારવા નીકળેલી સુભદ્રાઆન્ટી ઝાંપો ખોલી અંદર આવે, મા સાથે એટલે બેસે - ‘તમારી રીસ હજી ઊતરી નહીં! ખેર, આ તમારી ભાઈ વિનાની દીકરી માટે જીવ બળે છે એટલે કહું છું, બળેવ પર મારો અભિજિત મુંબઈથી આવશે, અનુજાને તેને રાખડી બાંધવા મોકલજે...’
‘નો વે!’ અનુજાની ભીતર ઊઠેલો ઇનકાર મા સુધી પહોંચ્યો હોય એમ સાવિત્રીમા ટટ્ટાર ગરદને કહેતાં સંભળાયાં - ‘કોણે કહ્યું, મારી અનુજાની બળેવ સૂની હોય છે? તેની રાખડી તે અનુજની તસવીરને અર્પણ કરે છે. તેને તો હજીયે આશા છે કે તેનો ભાઈ કોઈ બીજા રૂપે બીજા નામે જરૂર પાછો આવશે...’
‘એમ તે મરેલા પાછા આવતા હશે!’ છોભીલાં પડતાં સુભદ્રાઆન્ટી ટલ્લા ફોડતાં - ‘બળ્યું, હવેલીના કહેણનુંય તમને માન નહીં!’
સરકારી કચેરીના કામકાજે ગાડીમાં નીકળતા ત્રિકમઅંકલ હવે પારડીની કૉલેજ જતી થયેલી અનુજાને લિફ્ટ ઑફર કરે તો તે ઇનકાર ફરમાવી દે - ‘ના, હું બસમાં જતી રહીશ!’
ત્યારે પીઠ પાછળ અંકલનું ટકટક સંભળાયા વિના ન રહે : ‘બિ...ચ્ચારી! બાપાએ બધું લૂંટાવ્યા પછી દીકરીએ આમ દુ:ખ જ વેંઢારવાં પડેને!’
અનુજાના હોઠે આવી જતું કે ‘મારા પિતાશ્રીએ લૂંટાવ્યું નથી, તમે લૂંટી લીધું છે!’
મુંબઈમાં ગ્રૅજ્યુએશન ઉપરાંત ઍગ્રિકલ્ચરને લગતો ક્રૅશ કોર્સ કરી અભિજિત પણ અહીં શિફ્ટ થઈ ગયેલો. સુભદ્રાઆન્ટીને ઘરમાં વહુ લાવવાનો ધખારો હતો, પણ દર વીક-એન્ડ મુંબઈ જઈ યારદોસ્તો સાથે જવાનીના જલસા માણનારાને બેડીમાં બંધાવાની ઉતાવળ નથી એટલે અઠ્ઠાવીસ વરસેય ભાઈસાહેબ કુંવારા છે. અરે, ક્યારેક તો અંકલ-આન્ટીની ગેરહાજરીમાં ભાડૂતી બાઈઓને હવેલીએ તેડાવતો હોવાનું પણ સાંભળ્યું છે. સમી સાંજે ઘોડેસવારી કરવા નીકળતો અભિજિત આંગણામાં સૂકવેલાં કપડાં સમેટતી અનુજાને ઘૂરીને નિહાળતો હોય છે, એમાં તેના સંસ્કાર ઉઘાડા પડી જાય છે. એક વાર તો અનુજાએ કહી દીધું – ‘અભિજિતભાઈ, તમારાં મમ્મી તો મને તમને રાખડી બાંધવાનું કહેતાં’તાં, તોય આમ ઘૂરતાં શરમાતા નથી?’
જવાબમાં તે મીંઢું હસ્યો હતો – ‘પણ તેં રાખડી બાંધી ક્યાં છે? તનેય મારામાં ઇન્ટરેસ્ટ હશે, તો જને? હેં?’
નપાવટ. અનુજા વાત વધારવાને બદલે મોં ફેરવી લેતી. આ બધું મમ્મી-પપ્પાને કહેવાતું નહીં, પણ ભાઈની તસવીર સમક્ષ હૈયું ઠાલવી દેવાની ટેવવાળી અનુજા આનો બળાપોય ઠાલવી દેતી - ભાઈ, તમે હોત તો કોઈની મજાલ છે મારું અપમાન કરવાની!
એટલે પણ તે ઉત્કટપણે ભાઈને ઝંખતી. ભાઈ મારી કેવળ પ્રાર્થનાથી આવવાના હોય તો ક્યારના આવી ચૂક્યા હોત... તો? તેમને બોલાવવા માટે હું શું કરું? છાપામાં કે સોશ્યલ મીડિયામાં લખવાથી હાસ્યાસ્પદ ઠરી જવાય, હવેલીવાળાને અમારી મજાક ઉડાવવાનો મોકો મળી જાય... એ સિવાય કયું પ્લૅટફૉર્મ છે જ્યાં અનુજભાઈની એજ-ગ્રુપના - ૨૭-૨૮ વર્ષના જુવાનિયા છાશવારે આંટોફેરો કરતા હોય?
જવાબ એક જ હતો - ડેટિંગ સાઇટ!
જુવાનિયા જ્યાં મૅચમેકિંગ માટે મથતા હોય એવી સાઇટ પર બહેન તરીકે ભાઈ માટે અરજી મૂકવામાં તેને ખચકાટ ન થયો.
અને પરિણામ ઉત્સાહજનક હતું. છ જેટલી અરજી મળી, એમાં અજાતશત્રુએ મોકલેલી પ્રોફાઇલમાં ફોટો જોતાં જ હૈયું ઊછળી પડેલું. સાત વર્ષની વયે મુકાવેલા અનુજભાઈ આજે અઠ્ઠાવીસની ઉંમરે કેવા લાગતા હશે એની કાલ્પનિક તસવીર સર્જેલી એનો જાણે આમાં પડઘો હતો! અજાતશત્રુ - નામ પણ કેવું પ્રભાવશાળી. પ્રોફેશન તેમણે લખ્યો નથી, પણ રૂબરૂ મળવા ફિયાન્સે સાથે આવશે એવું જરૂર ઉમેર્યું છે અજાતભાઈએ.
અજાતભાઈ. નામ પણ અનુજભાઈને મળતું લાગ્યું. ઊર્મિ પણ. એટલે તો પોતે તેમની રિક્વેસ્ટ અપ્રૂવ કરી બળેવના ત્રણ દિવસ અગાઉ વલસાડ મળવાનું ગોઠવ્યું છે.
આ મુલાકાત કેવી નીવડે છે એ હવે જોઈએ!
વધુ આવતી કાલે