Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બરસાત કી એક રાત (પ્રકરણ-૧)

બરસાત કી એક રાત (પ્રકરણ-૧)

Published : 02 October, 2023 07:45 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘એ તો હોય જને...’ તમે ડિફેન્સ પ્લે કરવા માંડ્યા, ‘હવે બધું નૉર્મલ થવા માંડ્યું છે તો આપણા પણ સારા દિવસો આવશે જને...’

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


માથું ફાટતું હતું તમારું. હજી તો ઘરે પહોંચ્યાને માંડ પાંચ મિનિટ થઈ હતી અને ત્યાં જ કકળાટ શરૂ થઈ ગયો હતો. આ વાઇફ ખરેખર કેમ કોઈની માનસિક પરિસ્થિતિ સમજતી નહીં હોય?! ધારો કે ન સમજી શકે તો વાંધો નહીં, પણ કેમ તે પ્રયાસ પણ નહીં કરતી હોય? કોરોના પિરિયડમાં આવેલા લૉકડાઉન વચ્ચે અનેક આઇટી કંપનીઓ બંધ થઈ, જેમાં તમારી કંપનીનો પણ વારો ચડી ગયો અને રાતોરાત બેકારી જોવાનો વારો તમારો આવી ગયો. જૉબ તો બધી જગ્યાએ મળતી હતી, પણ તમને જોઈતી સૅલેરી સાથે જૉબ ક્યાંય મળતી નહોતી અને એવામાં તમે તમારી જ ગાડી ઑનલાઇન ટૅક્સી-સર્વિસમાં મૂકી. ગાડી રેન્ટ પર જતી એટલે નાનીસરખી ઇન્કમ શરૂ થઈ, પણ પછી ભાડે ગાડી ફેરવતા ડ્રાઇવરનાં લફરાં...


બે દિવસ આવ્યો હોય અને ચાર દિવસ બ્રેક પડે.



લાંબો સમય આવું ચાલ્યું એટલે ઑનલાઇન ટૅક્સી-સર્વિસમાંથી રેડ મેઇલ આવી ગઈ. ભાઈ, જો આમ જ ચાલુ રહ્યું તો તમારી ટૅક્સીને અમે અમારા લિસ્ટમાંથી રદબાતલ કરીશું. જો એવું થાય તો ઇન્કમ સાવ જ બંધ થઈ જાય એટલે ટેમ્પરરી તમે ગાડી ચલાવવાનું શરૂ કર્યું અને તમને એમાં જરાસરખી પણ શરમ નહોતી.


lll

‘કોઈ કામ નાનું નથી હોતું અને કોઈ કામમાં નાનપ નથી હોતી.’


નાનપણમાં બાપુજી પાસે સાંભળેલી આ શીખ તમે જીવનભર સાથે રાખી હતી.

ભાડું મળે ત્યારે ટૅક્સી ચલાવવાની અને ભાડું ન હોય એવા સમયે ટૅક્સીમાં બેસીને નવી મોબાઇલ ઍપ્લિકેશન માટે બનાવવા માગતા સૉફ્ટવેર પર કામ કરતા રહેવાનું. લૅપટૉપ સાથે જ હોય એટલે ક્યાંય પણ તરત કામ શરૂ થઈ શકતું.

હવે તમને આ લાઇફની ફાવટ પણ આવી ગઈ હતી.

અત્યાર સુધીમાં તમે બે ઍપ બનાવીને એ ક્લાયન્ટને સેલ પણ કરી દીધી હતી.

અફકોર્સ, એમાં તમને ખાસ કોઈ આર્થિક લાભ નહોતો થયો; પણ માનસિક, માનસિક લાભ ગંજાવરપણે મળ્યો હતો.

lll

‘કેટલાંક કામ કૉન્ફિડન્સ માટે કરવાનાં હોય. જરૂરી નથી કે દરેક કામમાં તમને જાહોજલાલી જ મળે...’ વાઇફની કચકચ ચાલુ થઈ એટલે તમે તેને સમજાવવાની કોશિશ કરી હતી, ‘એ ઍપ્લિકેશનમાં ભલે પાંચ હજાર જ મળ્યા, પણ આપણી ટૅક્સીના રૂટની સાથોસાથ એક્સ્ટ્રા પાંચ હજાર મળ્યા એ જોને તું...’

‘પાંચ હજારમાં આજકાલ કંઈ નથી આવતું. ભાન છે લિટર દૂધનો ભાવ કેટલો છે?’

‘એ તો હોય જને...’ તમે ડિફેન્સ પ્લે કરવા માંડ્યા, ‘હવે બધું નૉર્મલ થવા માંડ્યું છે તો આપણા પણ સારા દિવસો આવશે જને...’

‘સારા દિવસો ને એય તમારી સાથે?!’ વાઇફને એ સ્તર પર ગુસ્સો આવતો હતો કે તેના હોઠના બન્ને ખૂણા પર થૂંક બહાર આવી ગયું હતું, ‘પતી ગ્યું, આ જન્મ તો મારે આમ જ દુઃખી થઈને હવે કાઢવાનો... બાકી તમે મને સુખ આપો એ વાતમાં માલ નથી, જરાય નહીં...’

આજે પણ એ જ થયું હતું.

કર્કશ અવાજ સાથેનો ઝઘડો અને એ ઝઘડા પછી શરૂ થયેલી સીધેસીધી તોડફોડ.

lll

‘કીધું’તુંને, પૈસા લેતા આવજો...’ જેવો તમે ઘરમાં પગ મૂક્યો કે તરત વાઇફનો કિચનમાંથી અવાજ આવ્યો, ‘લેતા આવ્યા?’

‘અરે ભાઈ, ઘરમાં તો આવવા દે પહેલાં...’

‘એની કંઈ જરૂર નથી...’ જોરથી પ્લૅટફૉર્મ પર મુકાયેલા વાસણના અવાજની પાછળ વાઇફનો અવાજ પણ આવ્યો, ‘તમારા જેવા બેકારે તો ઘરની બહાર જ રહેવું જોઈએ... કામ કરવું નથી ને આવી જવું છે બાજુમાં સૂવા...’

તમારા મસ્તકના બરાબર મધ્ય ભાગમાં હથોડી ઝીંકાઈ.

ઇચ્છા તો થઈ આવી કે અત્યારે જ કિચનમાં જઈને પેલીનું ગળું દબાવી દઉં, પણ તમે જાત પર કન્ટ્રોલ કર્યો. જરૂરિયાતોનું પોત પાતળું જ નહીં, ટૂંકું કરીને જીવવાની દરેક તક તમે ઝડપી લેતા હતા અને એ પછી પણ...

‘પૈસા લાવ્યા કે નઈ?!’

‘ના...’ એકાક્ષરી જવાબ પછી તમને લાગ્યું કે ખુલાસા સાથે જવાબ આપવો જોઈએ, ‘આજે ખાસ કોઈ ભાડાં નથી મળ્યાં... ગાડીમાં સર્વિસ કરાવી ને બ્રેકપટ્ટા ચેન્જ કરાવ્યા તો સાત હજાર ત્યાં આપ્યા. હવે છસ્સો રૂપિયા...’

‘બાળી આવો એ છસ્સો રૂપિયા પણ તમારી માને તેના ગામ...’ કડવા શબ્દોની ભરમાર અકબંધ રાખીને કિચનમાંથી બહાર નીકળી વાઇફે તેના લાલચોળ ચહેરાનાં દર્શન પણ આપી દીધાં, ‘જાવ ન્યાં... અહીં તો અમે બધા ભગવાન ભરોસે જીવી લેવાના છીએ... અમે ફોડી લેશું અહીં, તમે નીકળો હાલો...’

‘અરે, શું છે કલ્પુ તને...’

‘કલ્પુ ગઈ તમારી હમણાં કહું ત્યાં...’ હાથમાં રહેલી તપેલી જમીન પર ફેંકતાં વાઇફે ચપટી વગાડીને ઘરની બહાર નીકળવાનું કહ્યું, ‘આ મારી માનું ઘર છે ને અહીંથી હું તમને નીકળી જવાનું કહું છું. ચાલો, નીકળો મારા ઘરમાંથી બહાર...’

આ પ્રકારનો અનુભવ કંઈ તમારા માટે પહેલી વારનો નહોતો. અગાઉ પણ આવા અનેક અનુભવો તમને થયા હતા અને એ દરેક વખતે તમે હસતા મોઢે વાતને પડતી મૂકવાના ઇરાદે ઘરની બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું, પણ આજે... આજે તમારી કમાન પણ બરાબરની છટકતી હતી.

બાપુજીના શબ્દો અત્યારે તમારા કાનમાં ગુંજતા હતા...

‘દાસીને રાણી બનાવો તોય તેના મનમાંથી કચરાં-પોતાં દૂર થાય નહીં.’

મુંબઈ ભણવા આવ્યા પછી ઘરનાં કામો કરવા આવતી બાઈની જ દીકરીના પ્રેમમાં પડવાની ભૂલ આજે તમે ભોગવતા હતા.

lll

‘બાપુજી, તમે જ કહેતાને કે આપણે સમાજને ઉપર લઈ આવવાની કોશિશ કરવી જોઈએ, જેથી દરેક વ્યક્તિને સમાન સ્તર મળે...’ ઘરે વાત કરી ત્યારે સ્વાભાવિક રીતે જ એનો વિરોધ થયો અને તમે તર્કબદ્ધ રીતે તેમને સમજાવવાની શરૂઆત કરી હતી, ‘બને કે એ વ્યક્તિને હવે જૈન બનવાની તક મળે. હવે તે જૈન ધર્મના સંસ્કારો અને પરંપરા શીખે અને આમ પણ આપણા ધર્મમાં તો કહેવાયું જ છેને, સર્વ જન એક સમાન.’

વધારે દલીલ કર્યા વિના તમને મૅરેજ માટે હા પાડી દેવામાં આવી અને એ હા પાડવા પાછળ પણ એક કારણ હતું. માબાપને ક્યાં તમારી સાથે રહેવું હતું.

તે બન્ને ગામમાં જ રહ્યાં અને સમય જતાં બાપુજી અરિહંતશરણ પણ થયા.

હવે ફૅમિલીમાં એકલી મા હતી અને તે પણ મુંબઈ આવવા રાજી નહોતી એટલે તમે દર મહિને તેને ખર્ચ મોકલી આપતા, જે રકમ પણ કલ્પનાને ખટકતી.

જો સાચી રકમની તેને ખબર પડે તો...

તમારા મનમાં અચાનક જ વિચાર ઝબકી ગયો અને વાજબી પણ હતો.

ઑફિશ્યલ અકાઉન્ટમાંથી તમે દર મહિને માને પાંચ હજાર મોકલતા, પણ એટલા રૂપિયામાં મા બિચારીનો ઘરખર્ચ નીકળતો નહીં એટલે તમે તેને બીજા પર્સનલ અકાઉન્ટમાંથી સાત હજાર મોકલતા, જેની કલ્પનાને ખબર નહોતી.

lll

‘આ મારી માનું ઘર છે ને અહીંથી હું તમને નીકળી જવાનું કહું છું. ચાલો, નીકળો મારા ઘરમાંથી બહાર...’

કલ્પનાએ તમને સહેજ ધક્કો માર્યો અને તમને કહેવાનું મન થઈ આવ્યું કે જે ઘરની વાત કરે છે એ ઘરના ઈએમઆઇ આજે પણ હું ભરું છું અને એ પછી પણ તું આવી દલીલ કરે છે?! અલબત્ત, તમે કશું બોલ્યા નહીં. ચૂપ રહ્યા. અગનવર્ષા વચ્ચે જો કેરોસીનની ભૂમિકા ભજવવામાં આવે તો આગ વિફરે અને તમારા શબ્દો કેરોસીનનું કામ કરશે એની તમને ખાતરી હતી. એનો તમને વિરોધ નહોતો; પણ હા, વિફરેલી આગ વચ્ચે તમે આગળ વધવા માગતા નહોતા એટલે તમે...

તમે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા.

મનમાં ઊંડે-ઊંડે ખાતરી હતી કે સવારે કશું નહીં હોય અને બધું રાબેતા મુજબનું થઈ જશે. આવું બનતું શું કામ એ પણ તમે જાણતા હતા, પણ કર્મના સિદ્ધાંતોના મળેલા પાઠને તમે ભૂલ્યા નહોતા અને એટલે જ સતત તમારા મનમાં એક વાત રહેતી કે મારા નસીબમાં જે લખ્યું છે એ મારે જ ભોગવવાનું છે. ગયા જન્મનાં કર્મનો હિસાબ અહીં જ પૂરો કરવાનો છે.

lll

ખરરર...

નીચે આવીને તમે ગાડી ચાલુ કરી અને ગેટની બહાર કાઢી લીધી.

આજે રાતે કાં તો આ ગાડી જ બેડરૂમ બનાવવાની હતી અને કાં તો આખી રાત બેસીને કામ કરવાનું હતું અને જો સવારી મળે તો એ લઈને જવાનું હતું.

શું કરવું જોઈએ? ટૅક્સી-સ્ટૅન્ડ પર ગાડી પાર્ક કરીને લંબાવી દેવું કે પછી ઍરપોર્ટ કે રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરીને સવારીની રાહ માટે ઊભા રહી જવું?

સ્ટિયરિંગ પાસે ચીટકાવેલા સ્ટૅન્ડ પર રહેલા મોબાઇલમાં તમે નજર કરી.

રાતના બે વાગીને ૧૩ મિનિટ થઈ હતી.

- રાતે બે વાગ્યે પણ વાઇફ કિચનમાં હતી એનો સીધો અર્થ એ કે પેલો આજે આવ્યો હતો. હા, એવું જ...

તમારા વિચારોને બ્રેક લાગી અને ફટાફટ તમારી આંખ સામે ઘરના મેઇન ડોરની પાસે પડેલા શૂઝ-સ્ટૅન્ડનું દૃશ્ય આવ્યું. એક પણ ચંપલ સ્ટૅન્ડની બહાર નહોતાં, પણ સ્ટૅન્ડની નીચે નાઇકીનાં શૂઝ પડ્યાં હતાં. મતલબ કે તે હજી ઘરમાં જ હતો...

તમારી અંદર આક્રોશ ઊછળવો શરૂ થયો. તરત જ ઘરે પાછા જવાની તમને ઇચ્છા થઈ આવી. થયું કે આ જ ક્ષણે ઘરમાં જઈને વાઇફના બૉયફ્રેન્ડને ઘરમાં જ મારી નાખે અને એ પણ કલ્પનાની આંખ સામે...

તમે ગાડીનું સ્ટિયરિંગ ફેરવ્યું, પણ પછી બીજી જ ક્ષણે તમે ગાડી સામેની સાઇડ પર પાર્ક કરી દીધી.

ના, એ નહીં થઈ શકે મારાથી.

એ મરાઠો મવાલી છે, એરિયાનો ગુંડો છે અને હું, કંદમૂળ પણ નહીં આરોગતો સીધોસાદો સરળ જૈન, જે આજે પણ આઠમ અને ચૌદસ પાળવાની સતત કોશિશ કરે છે. કોશિશ કરે છે અને વાઇફ ઇરાદાપૂર્વક એ જ દિવસે ઘરમાં મચ્છી પકાવે છે.

lll

‘અરે, મી મરાઠી માણૂસ...’ એક વખત રિક્વેસ્ટ કરી ત્યારે કલ્પનાએ જવાબ આપ્યો હતો, ‘અમને મચ્છી વિના ચાલે જ નહીં... હું તો કહું છું કે તું પણ એક વાર ટ્રાય કર, તને મજા પડી જશે... એકદમ સૉફ્ટ પનીર જેવી...’

તમને ઊબકા આવવા માંડ્યા હતા, પણ તમે મહામહેનતે એના પર કન્ટ્રોલ કર્યો.

‘એક દિવસ તને મચ્છી ખવડાવી દઈશ... પનીરના નામે.’ કલ્પનાએ કહ્યું હતું, ‘ખબર પણ નહીં પડે ને ખાતી વખતે કહેતો જઈશ કે આ વખતે પનીર બહુ સરસ આવ્યું છે... હવેથી આ જ પનીર લેજે.’

એ દિવસ અને આજનો આ દિવસ, તમે પનીર ખાવાનું છોડી દીધું હતું.

પનીર આંખ સામે આવે કે તરત તમને કલ્પનાએ કહેલી મચ્છી યાદ આવી જાય.

અત્યારે પણ જવાહરનગર મેઇન રોડ પર ગાડી ઊભી રાખી ત્યારે પણ તમને મચ્છી યાદ આવી અને મચ્છી યાદ આવવાની સાથોસાથ તમને ઊબકા આવવાના શરૂ થયા.

આજે વૉમિટ રોકી નહીં શકાય.

તમે ગાડીની બહાર આવ્યા કે ત્યાં રસ્તા પર જ તમને વૉમિટ થઈ ગઈ અને એ વૉમિટમાં તમને બ્લડ પણ આવ્યું.

lll

‘સુબોધ, ટ્રીટમેન્ટ શરૂ કરાવી દે. ટીબીનું લાસ્ટ સ્ટેજ છે. ગમે ત્યારે લન્ગ્ઝ કૅન્સરમાં એ કન્વર્ટ થઈ જશે...’ હજી ચાર દિવસ પહેલાં જ ડૉક્ટરે કહ્યું હતું, ‘પૈસાનું ટેન્શન હોય તો મને કહે. ઘણી સંસ્થા છે જે ટ્રીટમેન્ટ ફ્રીમાં કરાવી આપે છે. હું વાત કરું...’

‘હા, પણ સર, એ ચાલુ કરાવ્યા પછી ટૅક્સી બંધ રાખવી પડશેને?’

‘હા, ત્રણેક મહિના રાખવી જ પડશે, પણ... આપણે એમાં પણ...’

‘થોડો સમય આપોને, હું કહું છું તમને...’ ડૉક્ટરની વાત કાપતાં તમે ઊભા થયા, ‘ડ્રાઇવર મળી જાય એટલે આવી જઉં...’

lll

ઘરરરર....

વૉમિટ સાથે આવેલું બ્લડનું સૅમ્પલ જાણે કે રસ્તા પર રહેવા ન દેવું હોય એ રીતે અચાનક જ વરસાદ શરૂ થયો અને એ પણ સીધો સ્પીડમાં. તમે ફટાફટ ગાડીમાં આવીને બેસી ગયા, પણ જેવા તમે ગાડીમાં બેઠા કે તમારા નાકમાં ખુશ્બૂ દાખલ થઈ.

 

વધુ આવતી કાલે

મોગરાની ખુશ્બૂ...

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2023 07:45 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK