‘રાજ કપૂર અને નર્ગિસ માટે ‘બરસાત’ ફિલ્મના ગીત વખતે એવી કોરિયોગ્રાફી હતી અને એમાં અનાયાસ એ બન્નેએ એવો પોઝ આપી દીધો જે પછી કાયમ માટે રાજ કપૂરે તેમની કંપનીના લોગો તરીકે વાપર્યો...’
ધ સ્ટોરીટેલર (પ્રકરણ-૪)
‘તબિયત હવે બગડતી નથી અને બગડવાની પણ નથી...’
જમનાદાસ મજીઠિયાનું ગળું તરડાતું હતું. તે મહામહેનતે શબ્દો ખેંચતા હતા જે છેક નાભિથી ખેંચાઈને આવતા હતા. તેની આંખો અચાનક જ મોટી થઈ ગઈ હતી અને ચહેરા પર પરસેવો બાઝી ગયો હતો. તેની જબાન અસ્ખલિત ચાલતી હતી.
‘એ તો હવે આમ જ રહેશે, આવી જ રહેશે... કારણ કે એને કોઈની રાહ છે. કોઈ આવે, આવીને કહે કે હું છું અહીં જ, તમારી સાથે, તમારી વચ્ચે... ચિંતા ન કરો. ઊડતા રૉકેટની સાથે હું ક્યાંય ગઈ નથી. બસ, અહીં જ તો છું. તમારા માટે... તે જ્યારે કહેશેને કે હું અહીં જ છું, અહીં જ છું ત્યારે પ્રેમની વાત, પ્રેમની પરિભાષા પૂર્ણ થશે. પૂર્ણ પણ થશે અને સૌકોઈને સમજાશે કે પ્રેમ શાશ્વત છે. એમાં ઉંમરનાં કોઈ બંધન નથી અને એમાં જાતિનો પણ બાધ હોતો નથી...’
મજીઠિયાનું આ રૂપ જોઈને મને ડર લાગવા માંડ્યો હતો.
જે અત્યાર સુધી મારી સાથે તર્કબદ્ધ વાતો કરતો જોતો હતો તે અચાનક તર્ક છોડીને કંઈ પણ બકવાસ કરવા માંડ્યો હતો. મને થયું કે મારે ત્યાંથી નીકળવું જોઈએ, પણ હું નીકળું કેવી રીતે? જમનાદાસ મજીઠિયાએ મારો હાથ પકડી રાખ્યો હતો. કડક અને પૂરેપૂરી મજબૂતી સાથે, પૂરેપૂરી તાકાતથી.
‘સર, મારે ડૉ. વિજય હરિભક્તિને મળવાનું છે...’
‘અરે ના...’ જમનાદાસ મજીઠિયા રીતસર આકરા થઈ ગયા, ‘તે હરામખોર છે... મળતો નહીં તેને... નરાધમ છે. લોકોને પીડા આપીને એનો તે આનંદ લે છે... આવો આનંદ લેનારો નર્કમાં જાય...’
‘હા, પણ મારા માટે એ જરૂરી છે...’ વાતાવરણને સામાન્ય કરવા માટે મેં ટૉપિક ચેન્જ કર્યો, ‘સર, તમે પ્રેમ કર્યો લાગે છે...’
‘હા, અખૂટ પ્રેમ... ક્યારેય વિસરી ન શકાય એવો પ્રેમ...’ મજીઠિયાના અવાજમાં હવે જરા નરમાશ આવી હતી, ‘ભૂલ હતી કે નહીં એ તો આજ સુધી મને સમજાયું નથી; પણ હા, એટલું પાકું કે એ કરવાની જરૂર નહોતી...’
‘કેમ એવું?’
‘તે બહુ દુઃખી થઈ યાર...’ મજીઠિયાએ મારો હાથ છોડીને ખભા પર હાથ મૂક્યો, ‘બહુ લડી બધા સાથે. બધું ભૂલીને લડી, જાત ભૂલીને લડી અને હું... હું... હું...’
‘શું કર્યું તમે?’
‘એક વખત સાવ અચાનક, બસ... એમ જ મજાક-મસ્તી કરતાં-કરતાં... યાદ આવ્યું...’ જમનાદાસ મજીઠિયાની આંખોમાં આવેલી ભીનાશ સૂર્યનાં કિરણો વચ્ચે વધારે તગતગવા માંડી હતી, ‘આરકે પોઝ... ખબર છે તને એ?’
‘આરકે મીન્સ... રાજ કપૂર?’
હજી હમણાં જ રાજકુમારનો બંગલો પાંચસો કરોડમાં વેચાયાના ન્યુઝ મેં જ એડિટ કર્યા હતા એટલે મને એ યાદ કરવામાં વધારે તકલીફ તો ન પડી.
‘રાજ કપૂર અને નર્ગિસ માટે ‘બરસાત’ ફિલ્મના ગીત વખતે એવી કોરિયોગ્રાફી હતી અને એમાં અનાયાસ એ બન્નેએ એવો પોઝ આપી દીધો જે પછી કાયમ માટે રાજ કપૂરે તેમની કંપનીના લોગો તરીકે વાપર્યો...’
‘હા, તો શું આરકે પોઝનું...’
‘એ... એ... સાવ આમ...’
જમનાદાસ મજીઠિયાનું ફરીથી તત-પપ શરૂ થયું અને હાથની મોમેન્ટ પણ વિચિત્ર રીતે થવા માંડી.
‘ખબર પણ નહોતી... બસ, એમ જ, સાવ એમ જ... મજાકમાં... અને પછી એ...’ મજીઠિયાએ ફરી વખત હવામાં જોયું અને જાણે ત્યાં કોઈ હોય એ રીતે વાત કરવાની શરૂ થઈ, ‘ખબર છેને મને, તું છો... છો જ તું. બીજે ક્યાં હોવાની...’
આ માણસ પાગલ તો...
મને પહેલી વાર આવો વિચાર આવ્યો અને બીજી જ સેકન્ડે હું ધ્રૂજી ગયો. ધ્રૂજી પણ ગયો અને મને જાત પર ગુસ્સો પણ આવી ગયો.
એક ભલાભોળા સાયન્ટિસ્ટને હું આમ ગાંડો...
મજીઠિયા ફરી નૉર્મલ હતા. તેમના ચહેરા પર આવી ગયેલી પેલી તંગદિલી નીકળી ગઈ અને તે સહજ રીતે જ મારી સાથે વાત કરવા માંડ્યા.
‘જરૂરી કંઈ નથી આ જીવનમાં રિપોર્ટર... આ નામ, આ ફેમ, આ સ્ટેટસ... કંઈ નહીં. બસ, જરૂરી માત્ર એટલું કે તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો અને એ પ્રેમની પાછળ પાગલ થાઓ. પાગલપનનું પહેલું પગલું પ્રેમ અને પાગલપનનું અંતિમ ધ્યેય પણ પ્રેમ... જો તું કોઈને પ્રેમ કરતો હો તો યાદ રાખજે...’
‘એય બુઢ્ઢા...’
અચાનક આવેલી રાડ તરફ મારું ધ્યાન ગયું. પેલો પઠાણ જેવો વૉચમૅન ક્યાંકથી અચાનક ફૂટ્યો હતો. તેનાં કપડાં લઘરવઘર હતાં અને તે સહેજ ખોડંગાતી ચાલે ચાલતો આગળ વધતો હતો.
‘તું શું કરે છે અહીં?!’ વૉચમૅને બીજી દિશામાં જોઈને રાડ પાડી, ‘રાઘવ, અહીં આવ...’
મને કંઈ સમજાતું નહોતું, પણ પેલા વૉચમૅનને જોઈને જમનાદાસ મજીઠિયાનું વર્તન બિલકુલ બદલાઈ હતું. તેના ચહેરા પર ગભરાટ આવી ગયો હતો અને એ ગભરાટની સાથે તેણે મારા હાથ પર પકડ વધારી દીધી હતી.
‘સર તમે... આમ...’
‘ચૂપ...’ તેણે મારી સામે જોયું અને પછી નજર ફેરવીને પેલા પઠાણ જેવા વૉચમૅન સામે જોઈ ઘુરકાટ કર્યો, ‘એય, દૂર રહેજે... નહીં તો, નહીં તો છેને...’
મજીઠિયા ઊભો થયો. તેણે મારો હાથ પકડ્યો હતો એટલે નૅચરલી મારે પણ તેની સાથે ખેંચાવું પડ્યું.
‘મૂક તું તેને...’
‘એમ, હું મૂકું?!’
મજીઠિયાએ મારા હાથને ઝાટકો માર્યો. હું એના માટે તૈયાર નહોતો એટલે હું સીધો તેના તરફ ખેંચાયો કે તરત જ તેણે મને અવળો કરીને મારી ગરદન પર કંઈક રાખી દીધું. એ ચીજ મને દેખાઈ તો નહોતી, પણ સૂર્યની રોશની વચ્ચે એમાં આવી ગયેલી ચમક પરથી મેં એવું ધાર્યું કે એ જે છે એ ધારદાર છે.
‘રાઘવ દૂર... દૂર...’
પઠાણી લુક ધરાવતા વૉચમૅને આ આખું દૃશ્ય નરી આંખે જોયું હતું એટલે તેણે તરત જ અમારી પીઠ પાછળ આવતા રાઘવ નામના વૉચમૅનને રોક્યો અને રાઘવ પણ અટકી ગયો. મને પહેલી વાર વિચાર આવ્યો કે હું કોઈ મોટી તકલીફમાં બરાબરનો ફસાયો છું. અલબત્ત, મને સમજાતું નહોતું કે આ તકલીફ આવી કેવી રીતે અને આવી કેવી રીતે?
હું તો એક સામાન્ય કહેવાય એવા વિઝિટર્સ સાથે વાતો કરતો બેઠો હતો અને એવામાં આવું પિક્ચર...
એ જ સમયે મારા કાનમાં શબ્દો પડ્યા, દબાયેલા અને અમારા બે સિવાય કોઈ સાંભળી ન શકે એવી રીતે.
‘રિપોર્ટર, ગભરાતો નહીં... સાથ આપતો રહેજે...’
‘પણ...’
‘આઇ ઍમ યૉર ફ્રેન્ડ...’ મજીઠિયાએ દબાયેલા અવાજે ફરી કહ્યું, ‘કંઈ નહીં થાય તને. આઇ પ્રૉમિસ...’
ખરેખર, મને એ સમયે બહુ સારું લાગ્યું હતું.
lll
‘રિપોર્ટર ક્યાં છે?’
ડૉક્ટર વિજય હરિભક્તિએ ઑફિસમાં દાખલ થતાં જ પેલા ક્લર્કને સવાલ કર્યો અને ક્લર્ક તરત જ પેલા ‘મિડ-ડે’ના રિપોર્ટરને શોધવા માટે બહાર દોડ્યો. જોકે વિઝિટર્સ રૂમમાં તે મળવાનો નહોતો એટલે તે બીજી જ સેકન્ડે બહારની સાઇડ પર જોવા માટે ગયો અને બહારનું દૃશ્ય જોઈને તે હેબતાઈ ગયો.
ક્લર્કે જોયું હતું કે મજીઠિયાએ મને પકડી લીધો અને મારી ગરદન પર કાચનો મોટો ટુકડો રાખીને મને તાબામાં લઈને ઊભો છે.
lll
‘સર, તે રિપોર્ટર તો...’
એ પછીના જે શબ્દો હતા એ ડૉ. હરિભક્તિનું બ્લડ-પ્રેશર વધારવાનું કામ કરી ગયા. પૂરી વાત પણ સાંભળ્યા વિના તે સીધા બહારની તરફ ભાગ્યા. તમને કહ્યું એમ બહારનું વાતાવરણ પેલું જ હતું જે આગળ તમને નરેટ કર્યું.
મજીઠિયાએ મને પકડી લીધો હતો અને મારી ગરદન પર કાચનો મોટો ટુકડો રાખીને મને તાબામાં લઈને તે ઊભો હતો.
lll
‘એય બુઢ્ઢા, મૂકી દે તેને...’ વૉચમૅન આગળ વધતો અટકી ગયો હતો, પણ તેણે તુમાખી છોડી નહોતી, ‘તે મહેમાન છે...’
‘બધા મહેમાન છે અહીં... તું પણ ને હું પણ...’ મજીઠિયાએ કહ્યું, ‘ટેન્શન નહીં લે, આવે તેણે જવાનું જ છે...’
‘જઈશ તો તું હવે...’ અમારી પીઠ પાછળથી રાઘવનો અવાજ આવ્યો, ‘કેટલાને માર્યા તેં આજે... બોલ, કેટલાને માર્યા...’
‘ચારને...’ જવાબ આપીને મજીઠિયાએ તરત જ સુધારો કર્યો, ‘ના, સાડાત્રણને... પેલો જો... રડે છેને, તે મારા નામનું જ રડે છે...’
મજીઠિયાએ જે તરફ ઇશારો કર્યો એ જોઈને હું હેબતાઈ ગયો હતો.
તે પેલા બંગાળી આર્ટિસ્ટની જ વાત કરતો હતો અને હું તેની વાતમાં આવીને તેની વાત સાચી સમજી બેઠો હતો.
આ પાગલ છે, બીજું કંઈ નહીં... હવે અહીંથી નીકળવામાં સાર છે.
‘સર, મને તો જવા દો...’
‘તારે જ નહીં, આપણે બેઉએ જવાનું છે...’ મજીઠિયાએ મને ઇન્સ્ટ્રક્શન આપી, ‘કહે તેને કે દરવાજો ખોલે...’
‘તે નહીં માને...’ મેં ધીમા અવાજે કહ્યું, ‘મારું કેવી રીતે માને?’
‘માનશે, તું રિપોર્ટર છે... તેને ભાન છે કે તને કંઈ થયું તો...’ સમજાવવાનું પડતું મૂકીને મજીઠિયાએ આદેશ આપ્યો, ‘જલદી કહે તેને...’
‘તમે લોકો દરવાજો ખોલો, પ્લીઝ...’ સામે દેખાતા વૉચમૅનને મેં મરાઠીમાં કહ્યું, ‘જલદી કરો...’
‘સાહેબની પરમિશન વિના ન ખૂલે...’
મને વૉચમૅન પર ગુસ્સો આવી ગયો. આવા સમયે પણ તે ડોબો નિયમની વાત કરે એ કેમ ચાલે? જોકે મારે વધારે ગભરાવું પડ્યું નહીં. મારી જમણી બાજુએથી અવાજ આવ્યો...
‘મુસ્તાક, ખોલી દે તેને દરવાજો...’
‘પણ સાહેબ...’
‘ખોલ જલદી...’ બીજી વાર આવેલા અવાજમાં સત્તાવાહીપણું ઉમેરાઈ ગયું હતું, ‘કહે એમ કર...’
મને એ દિશામાં જોવાનું બહુ મન હતું, પણ મજીઠિયાની પકડ એવી મજબૂત હતી કે મારાથી ગરદન મૂવ નહોતી થતી.
મુસ્તાક એટલે કે પેલો પઠાણી દેખાવ ધરાવતો વૉચમૅન ધીમે-ધીમે તેની ડાબી બાજુએ સરકીને મેઇન ગેટ તરફ આગળ વધ્યો એટલે મજીઠિયા પણ મને લઈને એ બાજુએ ધીમી ચાલે આગળ વધતો હતો. એક વાર રાઘવ અમારી પીઠ પાછળ જવા માગતો હતો, પણ મજીઠિયાએ જ તેને રોકી દીધો હતો અને તેને પણ આગળ રહેવાનો ઇશારો કર્યો અને ચારેક પગલાં ચાલીને તેણે ઑફિસમાંથી બહાર આવી ગયેલા ક્લર્ક અને ડૉ. હરિભક્તિને પણ આગળ વધવાનું કહ્યું.
હવે અમારી પીઠ પાછળ માત્ર ગાંડાઓની દુનિયા હતી અને ગાંડાઓની એ દુનિયામાં જે ડાહ્યાઓ હતા એ બધા આગળ ચાલતા હતા.
ગાર્ડનથી મેઇન ગેટ વચ્ચેનું અંતર સો ફુટ જેટલું હતું જે પૂરું કરતાં અમને અઢીથી ત્રણ મિનિટ જેટલો સમય લાગ્યો. મેઇન ગેટ પાસે પહોંચ્યા પછી મજીઠિયાએ મને અવળો ફેરવ્યો અને પોતે મેઇન ગેટ તરફ પીઠ કરીને અવળા પગલે આગળ વધ્યો...
‘દરવાજો બંધ કરી દે...’
‘પણ...’
‘કહે છે એમ કરતો જા...’
આદેશ હરિભક્તિએ પણ આપ્યો એટલે મેં તેમની વાત માની અને મેઇન ગેટ બંધ કર્યો. જેવો મેઇન ગેટ બંધ થયો અને બહારથી મેં એ બંધ કર્યો કે તરત જ મજીઠિયાએ મને છૂટો મૂકી દીધો.
‘વેહિકલ છે તારી પાસે?’
કશું જ બોલ્યા વિના મેં મારી બાઇકની ચાવી આપી દીધી.
ચાવી તેણે હાથમાં લીધી અને પછી મારી સામે અહોભાવથી જોઈને તે મારી બાઇક તરફ આગળ વધ્યો અને પછી અચાનક જ પાછા આવીને તે મને ભેટી પડ્યો.
‘થૅન્ક યુ રિપોર્ટર...’
હું કંઈ જવાબ આપું એ પહેલાં તો તે બાઇક ચાલુ કરીને હવામાં ઓગળી ગયો.
થોડી વાર પછી ગેટની પાછળથી અવાજો સાંભળીને મેં ગેટ ખોલ્યો.
‘થૅન્ક ગૉડ... યુ આર સેફ...’ હરિભક્તિના ચહેરા પર ખરેખર ટાઢક આવી ગઈ, ‘બહુ ખતરનાક છે આ માણસ... શું લઈને ગયો તે...’
‘કોણ મજીઠિયાને... તે...’
‘વૉટ મજીઠિયા મિસ્ટર બક્ષી?!’ ડૉક્ટર હરિભક્તિ અકળાયા, ‘રશ્મિન શાહ તમને પણ વાર્તામાં અટવાવીને નીકળી ગયા...’
વૉટ?!
મારું મોઢું ખુલ્લું રહી ગયું.
સમાપ્ત