‘સીસીટીવી કૅમેરા તો સુરક્ષા માટે હોય છે, એવા સમયે એનો વપરાશ નહીં કરવા દેવાની સૂચના શું કામ...’
વાર્તા-સપ્તાહ
રેશમ-ગાંઠ (પ્રકરણ ૧)
‘સૂચના પહેલી...’
પોલીસ કમિશનર બોલવણકરે ઊંડો શ્વાસ લઈ સામે બેઠેલા સ્ટાફ સામે જોયું અને વાત આગળ વધારી.
‘આપણને સીસીટીવી કૅમેરાની કોઈ પરમિશન નથી એટલે એક પણ રૂમમાં આપણે સીસીટીવી કૅમેરા મૂકીશું નહીં. કૅમેરાને બદલે આપણે દરેક રૂમમાં પોલીસ સ્ટાફ બેસાડીશું, જે માત્ર સ્ટિક સાથે નહીં બેસે, પણ રાઇફલ સાથે ત્યાં તહેનાત રહેશે. રાઇટ...’
‘યસ સર...’
બધાએ એકસાથે જવાબ આપ્યો, જે જવાબમાં ડિફેન્સ ડિપાર્ટમેન્ટની ડિસિપ્લિન સ્પષ્ટ સંભળાઈ હતી.
‘બીજી વાત... આપણને અંદર કૅમેરા મૂકવાની મનાઈ છે, પણ આપણે બહારના એરિયામાં સીસીટીવી કૅમેરા રાખીશું, જે ૩૬૦ ડિગ્રી પર કામ કરતા રહેશે અને મેદાનની એકેએક ઇંચ જગ્યાને કવર કરશે. એને કારણે અંદર આવનાર વ્યક્તિ પર નજર રાખવાનું કામ બહુ સહેલાઈથી થઈ શકશે...’ કમિશનરની સૂચનાઓ ચાલુ રહી, ‘ત્યાં ડ્યુટી કરતા સ્ટાફની સૌથી અગત્યની શરત જો કોઈ હોય તો એ કે તેણે પોતાની જગ્યા ત્યાં સુધી છોડવાની નહીં રહે જ્યાં સુધી નવી ડ્યુટીનો સ્ટાફ આવીને પોતાની પોઝિશન ન સ્વીકારે. સેકન્ડલી, ફ્રેશ થવું હોય તો પણ આ જ વાત તેને લાગુ પડશે. દર ૪૫ મિનિટે બેલ પડશે અને એ બેલ પછી ફ્રેશ થવા માટે તેમની જગ્યાએ નવી ટીમ આવશે. ફ્રેશ થવાનો સમય પંદર મિનિટનો રહેશે અને એ પછી તેણે તરત ડ્યુટી પર આવવાનું રહેશે.’
ADVERTISEMENT
પોલીસ કમિશનર બોલવણકરની દરેકેદરેક સૂચના નોટ કરવામાં આવતી હતી, તો સાથોસાથ એ સૂચનાઓ રેકૉર્ડ પણ થતી હતી. પ્રાઇમ મિનિસ્ટર આવે ત્યારે પણ રાખવામાં ન આવતી હોય એ સ્તરની તકેદારી અત્યારે રાખવામાં આવતી હતી અને રાખવી પડે એવું જ સાહસ મુંબઈ પોલીસે કર્યું હતું.
મુંબઈ પોલીસે પોલીસ રેક્રીએશન ક્લબના બિલ્ડિંગમાં વેપન-એક્ઝિબિશન રાખવાનું નક્કી કર્યું હતું, જેમાં પહેલી વાર પબ્લિક સામે એ હથિયાર લાવવાનાં હતાં જે હથિયાર મુંબઈ પોલીસે પકડ્યાં હોય. હૅન્ડ રૉકેટ-લૉન્ચરથી માંડીને ગ્રેનેડ, એકે-૪૭ અને એકે-પ૬ જેવાં મૉડર્ન વેપન પણ એમાં સામેલ હતાં તો જૂના જમાનામાં વપરાતાં તલવાર અને ભાલા તથા તીર-કામઠાં જેવાં હથિયાર પણ એમાં સામેલ હતાં. આ જે જૂના જમાનાનાં હથિયાર હતાં એ હથિયાર બ્રિટિશરોના સમયનાં હતાં અને એને ખાસ દિલ્હીથી લઈ આવવામાં આવ્યાં હતાં.
‘મે આઇ આસ્ક યુ સમથિંગ...’
કમિશનરનો સૂચનાનો દોર પૂરો થયો અને રેક્રિએશન શરૂ થયું એટલે ઇન્સ્પેક્ટર પાટીલે સહજ જિજ્ઞાસાવશ જ કમિશનરને પૂછ્યું. સામેથી પરમિશન આવી એટલે ઇન્સ્પેક્ટર પાટીલે પોતાની શંકા વ્યક્ત કરી,
‘સીસીટીવી કૅમેરા તો સુરક્ષા માટે હોય છે, એવા સમયે એનો વપરાશ નહીં કરવા દેવાની સૂચના શું કામ...’
‘હંઅઅઅ...’ કમિશનરે કૉફીનો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો, ‘ક્લોઝ સર્કિટ કૅમેરામાં રહેલી ચિપ પર જે વિઝ્યુઅલ્સ હોય છે એ ડિલીટ કર્યા પછી પણ એના પર અકબંધ રહે છે. ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટની સૂચના મુજબ, જો કોઈ ધારે તો એ વિઝ્યુઅલ્સ કોઈ પણ સામાન્ય ટેક્નિશ્યન પણ પાછાં મેળવી શકે. પાટીલ, આપણે એવાં-એવાં વેપન્સ એક્ઝિબિશનમાં મૂકવાનાં છીએ જે કૉમનમૅને ક્યારેય જોયાં પણ ન હોય. એવા સમયે જો એ વેપન્સને જોઈને એમાંથી નકલ કરવાનું કોઈ વિચારે અને એ વ્યક્તિ ક્લોઝ સર્કિટ કૅમેરાનો દુરુપયોગ કરે તો મુંબઈ જ નહીં, દેશ માટે પણ વિનાશક સમયનું આગમન થઈ જાય...’
‘ગૉટ ઇટ...’
પાટીલે જવાબ તો આપી દીધો હતો, પણ તેને એ નહોતું સમજાયું કે પોલીસ કમિશનર જે મૉડર્ન વેપન્સની ટેક્નૉલૉજી બહાર જતી રહે એ વાતની ચિંતા કરતા હતા એના કરતાં વધારે જોખમી હથિયાર એક્ઝિબિશનમાં ગોઠવવામાં આવ્યાં હતાં અને એ હથિયાર બનાવવા માટે તો કોઈ ટેક્નૉલૉજીની પણ જરૂર નહોતી.
મીટિંગ પૂરી કરીને પાટીલે એક્ઝિબિશન સ્પૉટ પર જવાનું હતું એટલે તે ત્યાંથી સીધા રેક્રીએશન ક્લબ પહોંચ્યા.
lll
રેક્રીએશન ક્લબની ૭ રૂમમાં આ એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું હતું. ૭ રૂમમાંથી શરૂઆતની રૂમોમાં મૉડર્ન વેપન્સ મૂકવામાં આવ્યાં હતાં, તો છેલ્લી બે રૂમમાં જૂના જમાનાનાં હથિયારનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં ભાલા-તલવારથી લઈને તોપ અને પોટાશથી બનાવવામાં આવતા ગોળ દડા જેવા હાથ-બૉમ્બ પણ હતા, તો સૌથી છેલ્લી રૂમમાં માત્ર બે જ વસ્તુઓ હતી.
એક, પીળા રંગનો રૂમાલ અને બીજી સિલ્કની એક લાંબી દોરી!
આ બન્ને હથિયાર હતાં અને જગતમાં જ્યારે હથિયારની શોધ હજી નવીસવી હતી અને જે હથિયાર શોધાયાં હતાં એનો વ્યાપક પ્રમાણમાં વપરાશ નહોતો વધ્યો ત્યારે આ બન્ને હથિયારનો ઉપયોગ થતો હતો.
lll
‘પાટીલ, આ જે રૂમાલ છે એના પર તો અમારી ગુજરાતીમાં જબરદસ્ત નૉવેલ પણ લખાય છે, આઇ થિન્ક એ મરાઠીમાં પણ ટ્રાન્સલેટ થઈ છે...’
ઓપનિંગના પહેલા બે કલાક માત્ર અને માત્ર વીવીઆઇપી અને પોલીસ સ્ટાફ માટે અકબંધ રાખવામાં આવ્યા હતા. કમિશનર બોલવણકરે જો ઇન્વિટેશન ન મોકલ્યું હોત તો પણ ડિટેક્ટિવ સોમચંદ આ એક્ઝિબિશન જોવા માટે પહોંચ્યા જ હોત એની ખાતરી બોલવણકર કરતાં વધારે સોમચંદને હતી.
એક્ઝિબિશનની બાકીની રૂમ જોવામાં જેટલો સમય સોમચંદે નહોતો ખર્ચ્યો એટલો સમય તેણે આ છેલ્લી રૂમમાં ગાળ્યો હતો.
‘દોસ્ત, આ રૂમાલ દેખાડીને તેં ખરેખર મજા કરાવી દીધી...’ સોમચંદે ઉત્સાહ સાથે કહ્યું હતું, ‘પાટીલ, આ જે રૂમાલ છે એના પર તો અમારી ગુજરાતીમાં જબરદસ્ત નૉવેલ પણ લખાઈ છે, આઇ થિન્ક એ મરાઠીમાં પણ ટ્રાન્સલેટ થઈ છે...’
‘ઓહ...’ પાટીલે પૂછ્યું, ‘શું એ નૉવેલનું નામ...’
‘આમિરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ...’ સોમચંદે ચોખવટ પણ કરી, ‘ગુજરાતી નૉવેલનું નામ. હરકિસન મહેતાએ એવી અદ્ભુત નૉવેલ લખી છે કે તું વિચારી પણ ન શકે... વાંચવી જ જોઈએ તારે. પહેલાંના સમયમાં જે ઠગ કમ્યુનિટી હતી એ કમ્યુનિટીને એવી સૂચના હતી કે જ્યારે પણ કોઈની હત્યા કરે ત્યારે એ જેને મારે તેના શરીરમાંથી લોહી ન નીકળવું જોઈએ, એટલે એ લોકો વેપન તરીકે આવો પીળો રૂમાલ ગળામાં પહેરી રાખતા...’
રૂમાલની બાજુમાં રાખેલી પાતળી સિલ્કની દોરી તરફ પાટીલ ફર્યો.
‘આ દોરીની શું હિસ્ટરી...’
આ પણ વાંચો: 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૩૧)
‘સાવ સાચું કહું તો, મને પણ એનો આઇડિયા નથી, પણ મને લાગે છે ત્યાં સુધી એ પણ ઠગ લોકો જ વાપરતા હશે. પીળો રૂમાલ ઠગ પાસે હોય એ વાત ચારેક દસકામાં એ સ્તરે પ્રસરી ગઈ હતી કે બ્રિટિશરોના રાજમાં એક સમયે તો પીળો રૂમાલ બનાવવા પર બૅન મૂકી દેવામાં આવ્યો હતો.’ સોમચંદે સિલ્કની દોરીને ધ્યાનથી જોઈ, ‘મને લાગે છે કે આ દોરી એ પછી અમલમાં આવી હશે... અહીં કોઈ એની હિસ્ટરી નથી લખાયેલી?’
‘ના, જે છે એ બહુ ઉપરછલ્લું છે...’ પાટીલે એક ડ્રૉઅર ખોલીને એમાંથી બુક બહાર કાઢી, ‘આમાં લખ્યું છે કે આ દોરીની હેલ્પથી આસામ-નાગાલૅન્ડ સાઇડના એક ડફેરે ૨૦૦થી વધારે લોકોને માર્યા હતા. તેની પાસે બીજું કોઈ હથિયાર હોય જ નહીં. બસ, આ સિલ્કની દોરી અને તેનાં બે મજબૂત બાવડાં...’
‘આ રૂમમાં ડ્યુટી માટે કોણ છે?’
‘કોઈ નહીં...’ ઇન્સ્પેક્ટર પાટીલે કહ્યું, ‘આ બન્ને ચીજોનો ઉપયોગ વેપન તરીકે થાય એવું આજે કોઈ વ્યક્તિ વિચારી પણ ન શકે એટલે નક્કી કર્યું છે કે અહીં કોઈને રાખવા નહીં. હા, આ ચીજને કોઈ અડકે નહીં એને માટે એની ફરતે કાચની વૉલ બનાવી છે, જે ઍક્વેરિયમ જેવી હશે અને એમાં દોરી અને રૂમાલ બન્ને લટકતાં હશે...’
જો કમિશનર અંદર ન આવ્યા હોત તો હજી પણ આ વાતો ચાલુ રહી હોત, પણ બોલવણકર અંદર આવ્યા એટલે સોમચંદ તેની સાથે વાતે વળગ્યો અને બે કલાકના વીઆઇપી-અવર્સ પછી તે ઘરે જવા નીકળી ગયો. સોમચંદ ઘરે જવા રવાના થયો ત્યારે તેને ખબર નહોતી કે તેણે બીજા દિવસે ફરી પાછું આવવું પડશે અને આ જ રૂમમાં તેણે તપાસ કરવાની પણ આવશે.
lll
બીજા દિવસથી એક્ઝિબિશનનો સમય સાંજે ૪થી રાતે ૧૧ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો અને બે દિવસ માટે હવે એક્ઝિબિશન એ જ સમય પર જાહેર જનતા માટે ખુલ્લું રહેવાનું હતું. આમ તો રેક્રીએશન ક્લબમાં એન્ટ્રી અને એક્ઝિટના ડોર જુદા-જુદા હતા, પણ એક્ઝિબિશનને કારણે એક્ઝિટ ડોર બંધ કરી દેવામાં આવ્યો હતો અને એન્ટ્રી પૉઇન્ટ એકનો જ ઉપયોગ થતો હતો, જ્યાં ચાર પોલીસ-કર્મચારીઓ રાઇફલ સાથે ડ્યુટી પર હતા, તો દરેક રૂમમાં બબ્બે પોલીસ-કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા.
એક્ઝિબિશનના બીજા દિવસે ન્યુઝપેપરમાં આવેલા આર્ટિકલ્સ અને રિપોર્ટને કારણે પબ્લિકમાં ડિમાન્ડ જનરેટ થશે એવી ધારણા પોલીસ ડિપાર્ટમેન્ટે રાખી હતી, પણ એ ધારણા પોકળ પુરવાર થઈ. એનું કારણ એક્ઝામ પણ હતું. અલબત્ત, સ્કૂલ એક્ઝામને ભાંડતા પોલીસ-કર્મચારીઓની એક વિચિત્ર એક્ઝામની તૈયારીઓ આ બીજા દિવસે જ થઈ.
lll
લગભગ પોણાપાંચ વાગ્યે બે વ્યક્તિ એકસાથે એક્ઝિબિશન જોવા આવ્યા અને એ પછીની પંદરેક મિનિટે ત્રીજી વ્યક્તિ પણ એક્ઝિબિશનમાં દાખલ થઈ. એ વખતે એક્ઝિબિશનમાં એકલદોકલ વિઝિટર સિવાય બીજું કોઈ નહોતું. બહાર પોલીસ પોતાની ડ્યુટી પર હતા, તો એક્ઝિટ ડોર બંધ હતો એટલે કોઈ અંદર દાખલ થઈ શકે એવી પણ સિચુએશન નહોતી.
ત્રીજો માણસ અંદર દાખલ થયા પછી સાત-આઠ મિનિટે એકાએક જ સૌથી પાછળની રૂમમાંથી એટલે કે પેલી હિસ્ટોરિકલ રેશમી દોરીવાળા ઓરડામાં કંઈ બવાલ થવાનો અવાજ આવ્યો અને એ અવાજ સાથે જ આગળની રૂમમાં ડ્યુટી બજાવતો પોલીસ-કર્મચારી દોડતો અંદર ગયો.
‘ઓહ...’
અંદરનું દૃશ્ય જોતાં જ તેની આંખો અને મોઢું ખુલ્લાં રહી ગયાં.
તેણે જોયું કે રૂમમાં દાખલ થયેલો ત્રીજો વ્યક્તિ એ રૂમમાં ચત્તોપાટ પડ્યો હતો અને તેના ગળા ફરતે સિલ્કની દોરી સખતાઈથી વીંટળાયેલી હતી, દોરી એટલી ટાઇટ રીતે બાંધવામાં આવી હતી કે મરનાર ત્રીજી વ્યક્તિના ગળામાં એના રીતસર આંકા ઊપસી આવ્યા હતા. નરી આંખે દેખાતું હતું કે સિલ્કની દોરીથી જ પેલાનું મર્ડર કરવામાં આવ્યું છે. અચાનક ગળા પર આવેલી એ ભરાવદાર બાવડાની ભીંસને કારણે મરનારની બન્ને આંખોના ડોળા પડળમાંથી બહાર ખેંચાઈ આવ્યા હતા, તો તેની જીભ પણ બહાર નીકળી ગઈ હતી અને જીભ પર દંતપંક્તિઓ ભીંસાવાને લીધે એમાંથી લોહી ટપકવા માંડ્યું હતું.
ધડામ...
પોલીસ-કર્મચારી હજી તો કંઈ કરે કે બોલે એ પહેલાં જ ખૂણામાંથી ફરી જોરથી અવાજ આવ્યો અને તેનું ધ્યાન એ દિશામાં ખેંચાયું.
રૂમમાં ઑલરેડી હાજર એવા પેલા બન્ને જણ એકબીજા સાથે લડતા હતા.
એકે બીજાને મુક્કો મારી દીધો હતો અને બીજાએ તેના પર હુમલો કર્યો હતો.
‘એય... એય...’
બન્નેમાંથી કોઈએ અવાજની દિશામાં ધ્યાન આપ્યું નહીં એટલે પોલીસ-કર્મચારીએ જોરથી રાડ પાડી, પણ રાડની કોઈ અસર થઈ નહીં એટલે તેણે સાવચેતી સાથે છત તરફ ફાયરિંગ કર્યું.
સનનન...
ફાયરિંગના અવાજે પેલા બન્નેને લડતા તો અટકાવી દીધા, પણ અટકી ગયા પછી પણ એ બન્ને એકબીજા સામે ઘૂરકિયાં તો કરતા જ રહ્યા. આખા મુંબઈનું ધ્યાન જે એક્ઝિબિશન પર હતું એ એક્ઝિબિશનમાં મર્ડર અને એ મર્ડર વચ્ચે શંકાસ્પદ કહેવાય એવા બે જણની મારપીટ...
મુંબઈ પોલીસે તાત્કાલિક પેલા બન્નેની અરેસ્ટ કરી અને ડેડ બૉડી પોસ્ટમૉર્ટમ માટે રવાના કરી. અલબત્ત, એ સમયે તેમને ખબર નહોતી કે સીધો અને સિમ્પલ લાગતો આ મર્ડરકેસ પોલીસ ડિપાર્ટમેન્ટને કેવું શીર્ષાસન કરાવવાનો છે.
આગળની વાર્તા બુધવારે...