‘હોતું હોય! મામાએ તારી તસવીર દેખાડીને તેમને... બાકી લગ્ન પહેલાં એકમેકને જોવા-મળવાનો જાડેજાજીને ત્યાં રિવાજ નથી.’
વાર્તા-સપ્તાહ
દેવ-દૈત્ય (પ્રકરણ ૨)
‘દીકરા-વહુ આવે છે!’
બધું વીસરીને રાધાબહેન ઉમંગભર્યાં થઈ ગયાં. બપોરે જમી-પરવારી રૂમમાં જઈ તેમણે કબાટનું ચોરખાનું ખોલીને ઘરેણાંના બૉક્સમાં જતનથી જાળવેલી તસવીર કાઢી, આંખો આગળ ધરી : આસુ-અદિતિ આવી રહ્યાં છે, આનંદ!
‘આનંદ... ગામમાં કોઈને એ યાદ પણ નહીં હોય. લોકોની સ્મૃતિમાંથી નામશેષ થઈ ચૂકેલું નામ મારા હૈયેથી ક્યારેય ભૂંસાવાનું નહીં! પહેલો પ્રેમ કદી વીસરાતો હશે?’
આંખમાં અશ્રુ તગતગ્યાં, તસવીર ધૂંધળી થતી ગઈ અને ગતખંડ તરવરી ઊઠ્યો.
lll
‘રાધા, ખુશખબર છે.’
મામીએ મીઠાશ ઘોળતાં વાસણ માંજતી રાધાના હાથ થંભી ગયા. મા-પિતાના અકાળ અવસાને કિશોરાવસ્થામાં મામાનો આશરો લેવો પડ્યો એ સુધામામીને ગમ્યું નથી એનો અણસાર રાધાને બહુ જલદી થઈ ગયેલો. મામી આમેય કજિયાળાં ને શ્રીકાંતમામાનું તેમની આગળ ફદિયુંય ન ઊપજે. અનાથ ભાણીને દીકરીની જેમ સાચવીશું એવો મલાવો કરી જામનગરથી અમરેલી લઈ આવ્યા. ખરેખર તો એ બહાને પિતાજીનું ઘર વેચીને મૂડી ભેગી કરી લીધી એ પછી તો તેમના તેવર જ બદલાતા ગયા. કામવાળીને છુટ્ટી આપીને રાધાના હાથમાં ઝાડુ પકડાવી દીધું : ‘બારમી ચોપડી સુધી ભણ્યાં એ બહુ થયું, આપણે કૉલેજ જવાની જરૂર નથી. મફતના રોટલા તોડે છે તો ઘરનાં કામ પણ કરવાં પડે!’ મામી આજુબાજુમાં પણ તેને ભળવા ન દેતી : ‘તારે મારી બદબોઈ કરવા લોકોનાં ઘર ગણવાં છે?’
ADVERTISEMENT
દલીલ કરવી વ્યર્થ હતી. આંસુ પણ કેટલાં સારવાં? એક તબક્કે રાધા નિ:સ્પૃહ થઈ ગઈ. દિવસઆખો કામમાં નીકળી જતો. રાતે રાધા સમણું પંપાળતી : ‘એક દી કોઈ મને વરવા આવશે. મારા પરણેતરની હારે હું મારા ઘરે જાઉં પછી હું કોઈની ઓશિયાળી તો નહીં!’
એકવીસના ઉંબરે ઊભી રૂપરૂપના અંબાર જેવી રાધા માટે બેચાર જગ્યાએથી માગું આવવા છતા મામી વાત ઉડાડી મૂકતાં. રાધાને સમજાતું : ‘વગર પગારની આયાને વિદા કરવામાં મામીને શું રસ હોય!’
પણ એ બપોરે મામી જુદા જ મૂડમાં લાગ્યાં.
‘તારા મામાએ શ્રીફળ લઈને સગાઈ પાકી કરી નાખી છે. આવતા મહિને સીધાં લગ્ન!’
‘હેં!’
‘દેવગઢના શ્રીમંત જમીનદારનું ખાનદાન ખોરડું છે. રાણીની જેમ રાજ કરીશ તું.’
‘એ કેમ બને મામી?’ રાધા હાથ લૂછતી ઊભી થઈ ગઈ, ‘મને જોયા-મળ્યા વગર કોઈએ મને પસંદ કરી લીધી?’
‘હોતું હોય! મામાએ તારી તસવીર દેખાડીને તેમને... બાકી લગ્ન પહેલાં એકમેકને જોવા-મળવાનો જાડેજાજીને ત્યાં રિવાજ નથી.’
સાંભળીને રાધા પણ અડી ગઈ : ‘મને પણ એ જાડેજાનો ફોટો દેખાડો અને તો જ ચોરીમાં બેસીશ, બાકી હું ભારે પડતી હોઉં તો મારા પપ્પાનો ભાગ આપીને મને છૂટી કરો.’
સાંભળીને મામા-મામી એવાં તો ગિન્નાયાં, જમાઈનો ફોટો માગવો સારો ન લાગે એવુંય કહ્યું, પણ રાધા અડગ રહી. ચોથે દહાડે મામીએ ફોટો હાથમાં મૂક્યો : ‘જો, આ તારો મંગેતર!’
‘આ જુવાન!’ જોતાં જ મોહી પડાય એવી સોહામણી સૂરત સીધી આંખના રસ્તે હૈયે ઊતરી ગઈ : ‘તમે જ મારા દેવ!’
‘જમાઈ દેખાવડો છે એનાથી વધુ ગુણવાન છે... હવે વિશ્વાસ બેઠો, મામા-મામી પર?’ ગળગળાં થઈ મામીએ માથે હાથ ફેરવ્યો, ‘તારી મામી કડવી હશે, તારી દુશ્મન નથી!’
રાધા મામીને વળગી પડી.
હવે તેના સમણાના સાથીનો એક ચહેરો હતો. એની તસવીર હૈયે ચાંપીને રાધા પ્રણયબંધ ગૂંથતી ગઈ.
રંગેચંગે લગ્ન લેવાયાં. રાધાની આંખો દુલ્હાના સહેરા પાછળ છુપાયેલી એ મોહિની સૂરતને મનોમન પોંખતી રહી.
-છેવટે સાસરાના સોહાગખંડમાં તેના પગરવ થયા. ઘૂંઘટ ઓઢીને બેઠેલી રાધા સંકોચાઈ, હૈયું ધડકી ગયું.
અને પોતાનો ઘૂંઘટ ખોલનાર પર નજર જતાં જ રાધા ચીખી ઊઠી : ‘ના, આ એ ચહેરો નથી!’
lll
એ યાદે અત્યારે પણ હાંફી ગયાં રાધાબહેન.
ઘૂંઘટની સાથે સત્ય પણ ખૂલી ગયું. બેડોળ અમૂલખનાં લગ્નનો મેળ પડતો નહોતો. આ બાજુ ગરજાઉ જમીનદારને કન્યાનો ખપ છે એ મામીના ધ્યાનમાં આવતાં તેમણે પાસો ફેંક્યો અને અમુક લાખમાં સોદો પાર પડ્યો. સીધી ગોઠવણમાં અડચણ એક જ આવી. મુરતિયો જોયા વિના રાધા ફેરા નહીં જ ફરે એવું લાગતાં બન્ને પાર્ટી મૂંઝાઈ. અમૂલખનો ફોટો જોઈને રાધા રાજી ન જ થાય, તો કરવું શું?
આનો તોડ અમૂલખે કાઢ્યો : ‘રાધાને મારા બદલે કોઈ હૅન્ડસમ જુવાનની તસવીર દેખાડીએ તો? જૂની હિન્દી ફિલ્મોમાં આવું બનતું જ હતુંને!’
ફોટો પણ અમૂલખે જ આપ્યો : ‘જૂનાગઢના ફોટો સ્ટુડિયોમાંથી કૉપી કઢાવી છે. આસપાસના જાણીતાની તસવીર આપું તો રાધા પાછળથી જોણું કરી શકે. આનાં તો નામઠામનીય કોઈ માહિતી નથી. તેને ખોળવા ક્યાં જવાની! અત્યારે તો આને જ અમૂલખ માનીને રાધાને રાજી થવા દો!’
lll આ પણ વાંચો: દેવ-દૈત્ય (પ્રકરણ ૧)
‘આટલું છળ!’
સુહાગરાતે અમૂલખે ભેદ ખોલતાં રાધાએ હૃદયમાં તિરાડ પડતી અનુભવી. મામા-મામીને શ્રાપ દીધા, અમૂલખ નજીક આવવા ગયો તો વાઘણની જેમ વીફરી. શણગારેલા પલંગને અડીને મૂકેલા ટેબલ પર સજાવેલી માવા-ફ્રૂટની ડિશમાંથી ચાકુ ઉઠાવીને અમૂલખ આગળ ઘુમાવ્યુ, ‘પરાણે તો હું કોઈની પરણેતર બનવાથી રહી અમૂલખ... મનથી તો હું એ તસવીરના જુવાનને વરી ચૂકી, આ ભવમાં તો બીજા કોઈની થવાની નહીં!’
એનો રણકો અમૂલખને દઝાડી ગયો, ‘મૂરખ છે તું. આ જુવાનનો કોઈ અતોપતો નથી, અરે તે પરણેલો પણ હોય, તેની પાછળ ઘેલા થવાનો મતલબ નથી.’
‘એ જુવાન મને આ જિંદગીમાં મળે કે ન મળે, મારો થાય કે ન થાય, પણ હું તારી તો નહીં જ થાઉં અમૂલખ... બાકીની વાત કાલે કરીશું. અત્યારે તો તું રૂમની બહાર નીકળ.’
એક તો તુંકારો ને પાછો જાકારો.
‘જાણું છું, હું કદરૂપો છુંને એટલે તું મને હડધૂત કરે છે...’ સ્વર ભીનો કરીને તે ઇમોશનલ કાર્ડ રમવા ગયો, પણ રાધા એમ ભરમાય એમ નહોતી, ‘શરીરની બદસૂરતી મેં જતી કરી હોત અમૂલખ, પણ તારું તો મન મેલું છે! હવે નીકળે છે કે...’ તેણે ચાકુ ઉગામતાં ભડકીને અમૂલખે રૂમની બહાર નીકળી જવું પડ્યું – ‘જોઉં છું, કેટલી રાત એકલી ગુજારે છે!’
દરવાજો અંદરથી બંધ કરી રાધાએ થોડું રડી લીધું. પછી દાયજાનાં ઘરેણાંના બૉક્સના વેલ્વેટ નીચે સાચવીને મૂકેલી તસવીર કાઢી : ‘હું તો તમને અમૂલખ માનીને દિલ દઈ બેઠી... મારું દરેક સમણું મેં તમારી જોડે સજાવ્યું... અને સ્ત્રીનું હૈયું સતીનું હોય તો તે એક વાર જેનું થયું તેનું થયું! મારા રુદિયે હું બીજા દેવને સ્થાપી ન શકું - દૈત્ય જેવા અમૂલખને તો નહીં જ! અમૂલખે તમારો ફોટો જૂનાગઢના સ્ટુડિયોમાંથી મેળવ્યો. ત્યાંથી તમારા સગડ મળી શકે ખરા...’
આવા વિચારોમાં નિંદર આવી અને બીજી સવારે નહીં ધારેલું દૃશ્ય જોવા મળ્યું.
‘અમૂલખભાઈનું ઘર આજ કે?’
રાધાએ બૅગ તૈયાર રાખી હતી. નીકળવાની ઘડીએ ઝાંપે આવીને ઘર પૂછતા જુવાનને જોઈને ડઘાઈ જવાયું: ‘એ જ સોહામણી સૂરત... એ જ મોહિની મૂરત!’
‘મારું નામ આનંદ...’ રાધાની પ્રતિક્રિયાએ સહેજ અચરજ પામતા આનંદે નજીક આવીને ઉમેર્યું, ‘હું જૂનાગઢ પાલિકાનો ઇજનેર છું. ગામનાં તળાવ ઊંડાં કરવાના પ્રોજેક્ટ અંતર્ગત ગામેગામ સર્વે માટે ફરીએ છીએ... એને માટે અમૂલખસાહેબને તેડવા આવ્યો છું.’
અને રાધાના હોઠમાંથી પ્રશ્ન સરી ગયો - ‘તમે પરિણીત છો?’
lll
મારા પ્રશ્ને આનંદ કેવા ડઘાયેલા એ સાંભરીને અત્યારે પણ રાધાબહેનના હોઠ મલકી ગયા.
‘ના, આનંદ પરિણીત નહોતા. માતાપિતાના દેહાંત બાદ સંસારમાં એકલા પડેલા આનંદની હૈયાપાટી પણ કોરી હતી. તેનું આગમન અમૂલખ માટે પણ શૉકિંગ હતું. વાગદત્તાને છેતરવા જેનો ફોટો ‘અમૂલખ’ તરીકે મોકલાવ્યો એ સાવ અજાણી વ્યક્તિ લગ્નની બીજી સવારે પાલિકાના ઇજનેર તરીકે આંગણે ઊભી રહેશે એવું તો તેણે પણ ધાર્યું નહીં હોયને! આને કુદરતનું કરવું કહેવું કે વિધાતાની રમત?’
રાધા સાથે થયેલી છેતરપિંડી જાણીને આનંદે અમૂલખનો કાંઠલો ઝાલ્યો હતો: ‘એક કુંવારી કન્યાનાં અરમાન સાથે રમત રમવા તમે મારી તસવીરનો ઉપયોગ કર્યો! રાધા, તારા પ્યારનો જવાબ પ્યારથી આપી શકું કે નહીં એ તો અત્યારે કહી ન શકું, પણ મને પતિ માનનારી સ્ત્રીને કોઈની છેતરપિંડીનો ભોગ તો નહીં જ બનવા દઉં.’
રાધા માટે આટલું પૂરતું હતું : ‘આનંદ મેં ધારેલા એવા પાણીદાર નીકળ્યા.’
જોકે બૅગ લઈને આનંદ સાથે નીકળતી રાધાના અમૂલખે પગ પકડી લીધા : ‘મારી પરણેતર આમ પરણ્યાની બીજી સવારે કોઈકનો હાથ પકડીને નીકળી જાય તો લોકો મને કદરૂપો તો કહે જ છે, નપુંસક કહેતા થઈ જશે!’ તે રડી પડ્યો : ‘હું તને મારી બહેન બનાવીને ઘરમાં રાખીશ, બેચાર મહિના ખમી ખા, તને ફારગતી આપી છૂટી કરીશ, બસ! આનંદ, તું જ તેને સમજાવ.’
તેનાં અશ્રુએ આનંદ કૂણો પડ્યો. કોરા કાગળ પર અમૂલખે બાંયધરી લખી આપી. આનંદની મધ્યસ્થી પછી રાધાને કોઈ ડર કે આશંકા નહોતાં. ત્રણ વચ્ચે થયેલી ચર્ચા કદી બહાર ન આવી. તળાવના કામના બહાને આનંદ રોજ આંટાફેરો કરી જતો. તેને ભાળીને રાધા ખીલી ઊઠતી. તેને જાણતો ગયો એમ રાધા આનંદના હૈયે ઘર કરતી ગઈ. રાધાના સમણાં આનંદનાં સહિયારાં બન્યાં.
અને આવી હોળી. અમૂલખ સવારથી કોઈ કામે શહેર ગયેલો અને તે સાંજ વગર આવવાનો નહોતો. બહાર મસ્ત ગુલાલ ઊડતો હતો. ભજિયાં-ભાંગની ખાણીપીણી હતી. રંગીન પાણીની પિચકારીમાં સ્ત્રી-પુરુષો ભીંજાઈ રહ્યાં હતાં, ત્યા આનંદને આવેલો જોઈને રાધાનો ઉમંગ ઊછળ્યો. પ્રેયસી સાથે પહેલી હોળી રમતા આનંદનો માંહ્યલો પણ ગહેકવા લાગ્યો. ભાંગ પીધા પછી પ્રણયનો નશો બેકાબૂ બન્યો. ઘરના એકાંતમાં આવરણની તમામ મર્યાદા ઓળંગાઈ ગઈ.
ના, આનો રંજ તો બિલકુલ નહોતો. બસ, હવે જલદી ફારગતી થાય!
‘મેં પેપર્સ તૈયાર કરવા આપ્યાં છે... જાણીતા વકીલ પાસે જવાય નહીં, જે અજાણ્યા ભાઈને કામ સોંપ્યું એ વિદેશ ગયા છે. આ બાજુ હવે કેરીની સીઝન માથે છે. આ એક-બે મહિના ખેંચી કાઢો.’
અમૂલખના વર્તનમાં મેલાપણું દેખાતું નહોતું. રાધાને કોઈ કનડગત નહોતી, એટલે પણ આનંદ-રાધાએ મન મનાવ્યું: ‘ખોટી ઉતાવળ દાખવીને અમૂલખને છંછેડવા જેવું નથી કરવું. નાહક તેનું મન બદલાયું તો કાયદેસર છૂટાં પડવામાં વર્ષો નીકળી જાય.
જોકે બીજા મહિને રાધાને ઊબકા-ઊલટી શરૂ થયાં. મહિના પર દિવસ ચડ્યા હોવાનું ધ્યાનમાં આવતાં હૈયું ઉમડઘૂમડ થયું. પ્રેગ્નન્સી ટેસ્ટ કન્ફર્મ થતાં આનંદ-રાધા ઘેલાં સમણાં સજાવવા લાગ્યાં. અમૂલખને જાણ થતાં તે ભડક્યા, ‘તમે વિનાલગ્ને મર્યાદા ઓળંગી નાખી? અને હું પરણીને પણ...’
તેના અધ્યાહારમાં પહેલી વાર રાધાને ઈર્ષા, જલનનું તત્ત્વ કળાયું-ન કળાયું કે અમૂલખે રણકો બદલેલો : ‘ઠીક છે. હવે બીજો વકીલ પકડીને અઠવાડિયામાં ફારગતીનું ફાઇનલ કરી દઉં.’
પણ હાયરે! એ બને એ પહેલાં રાધાના અરમાનો પર ટ્રક ફરી વળી... રોજની જેમ બાઇક પર જૂનાગઢથી દેવગઢ આવતા આનંદને ટ્રકની ટક્કર લાગતાં ઘટનાસ્થળ પર જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.
રાધા માટે જિંદગીના સૌથી વસમા ખબર હતા. પેટમાં આનંદનો અંશ ન હોત તો માથું પટકીને તેણે પ્રાણ ત્યજ્યા હોત.
‘તારે જીવવાનું છે, રાધા...’ અમૂલખે તેને જુદી રીતે સાંત્વના આપી, ‘આનંદના સંતાન ખાતર...’
‘હા, હવે તો એ જ મારો આધાર!’ રાધાએ જાતને સંભાળી. શણગાર ઉતાર્યા, સફેદ સાડલો ધારણ કર્યો. બૅગ તૈયાર કરી અમૂલખની રજા માગી.
‘આ શું ગાંડા કાઢે છે, રાધા! પેટમાં છોકરું લઈને વિધવાવેશે ક્યાં જઈશ? લોકોને શું જવાબ આપીશ? તું મારી પત્ની છે રાધા, એ સત્ય બદલાયું નથી. આનંદ સાથેના સંબંધ પર કાયદાની મહોર નથી. એટલું યાદ રાખ કે આ ઘરનો ઉંબરો ઓળંગતાં તારા સંતાનના માથે અનૌરસનું લેબલ લાગી જવાનું... આવી દીકરીનો હાથ કોણ ઝાલશે? દીકરો થયો તો તને વઢશે કે મા તારી વાસનાનું ફળ મારે ભોગવવાનું?’
અમૂલખનો શબ્દેશબ્દ માતૃત્વને પીંખતો ગયો, ‘રે દેવ, હું શું કરું!’
‘અહીં રહી જા, રાધા... તારા અને આનંદ વચ્ચે હું ક્યારેય નહીં આવું. તને બહેન તરીકે રાખવાનો દસ્તાવેજ તો તારી પાસે છે જ. આપણા બે વચ્ચેનો ભેદ ક્યારેય બહાર નહીં જાય.’
અને રાધા રોકાઈ ગઈ, પણ કેવી રહી એ સફર?
વધુ આવતીકાલે