Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દેવ-દૈત્ય (પ્રકરણ ૧)

દેવ-દૈત્ય (પ્રકરણ ૧)

Published : 13 March, 2023 03:19 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘સાંભળીને મારું હૈયું ઠર્યું, દીકરી...’ પહેલી વાર વાત કરતાં માના બોલમાં ઉપરછલ્લો ભાવ નહોતો, ‘ક્યારેક માના ખોળાની જરૂર વર્તાય તો લાંબુંટૂંકુ વિચાર્યા વિના મારી પાસે આવતી રહેજે. બોલ, કાલે શું ખાવું છે?’

દેવ-દૈત્ય (પ્રકરણ ૧)

વાર્તા-સપ્તાહ

દેવ-દૈત્ય (પ્રકરણ ૧)


‘હોલી હૈ...’ 
દૂર ક્યાંક ગુંજતા હોળીગીતે આંગણામાં તડકે મૂકેલા મરચાનું પોટલું સમેટતાં રાધાબહેનના હાથ થંભી ગયા, પોતાની સાસરાની પહેલી હોળી ઝબકી ગઈ. લગ્નના ત્રીજા જ મહિને ઊજવેલી એ હોળી કેટલી રંગીન, કેટલી દિવ્ય હતી! પ્યારના રંગમાં ભાંગનો નશો ચડ્યા પછી જે બન્યું એ આ ભવનું સૌથી સલોણું સંભારણું છે! 
અને એના બે મહિના પછી બનેલી ઘટનાએ સુખમાં અધૂરપ સર્જી દીધી, કોઈને દેખાય કે કળાય નહીં એવી! 
‘અરે, રાધા...’ બાજુમાંથી કાંતાબહેને સાદ નાખી રાધાબહેનને ઝબકાવ્યાં, ‘હોળી ઢૂંકડી છે... તારાં દીકરા-વહુ મુંબઈથી આવે છેને?’
‘આવશે જને...’ તેમની વહુ ટહુકી, ‘અદિતિની તો આ પહેલી હોળી!’  
‘હજી કાંઈ નક્કી નથી. આશ્લેષને કામ કેવું છે એના પર આધાર.’ 


‘તુંય ખરી નિર્મોહી, રાધા!’ કાંતાબહેનથી બોલાઈ ગયું, ‘ઠીક છે, આશ્લેષ તેજસ્વી છોકરો એટલે પહેલાં ભણવાના બહાને તેં તેને શહેર રવાના કર્યો, પછી મુંબઈમાં નોકરી, છોકરી પણ તેણે શોધી મુંબઈની! અરે! તમારે તો અહીંય શું ઓછું છે! ઘર-જમીન અને ગામનો સરપંચ પણ પૂછીને પાણી પીએ એવી તારા ધણી અમૂલખરાયની શાખ. તોય દીકરાને આંખથી દૂર કરતાં માનો જીવ કેમ ચાલે, દિવસમાં બે-ચાર વાર વહુનો સાચોખોટો વાંક ન કાઢીએ તો સાસુપણાની મજા શું! અને તું તો ઘણી વાર દીકરા ભેગી રહી આવતી હોય છે, અમૂલખભાઈનું શું!’
‘કોણ મારી બૂરાઈ કરે છે!’ 



પીઠ પાછળના સાદે રાધાબહેન ચમક્યાં. આંગણામાં પતિને ઊભેલા જોઈ નજર વાળી લીધી, પોટલું ઊંચકતાં બોલી ગયાં, ‘તમને આંબાવાડી જવાનું મોડું નથી થતું?’
‘અરે હા...’ હળવું હસી લઈ અમૂલખભાઈ નીકળી પણ ગયા.  
તેઓ જતાં જ કાંતાબહેનની વહુ બોલી પડી, ‘સારું છે આશ્લેષભાઈ તમારા પર પડ્યાં માસી, અમૂલખમાસા પર પડ્યા હોત તો...’ 
બાજુમાં ઊભેલી સાસુએ આંખ કાઢતાં ગાલાવેલું હસી સુલભાએ વાત વાળી લીધી, ‘બાકી આશ્લેષ-અદિતિની જોડી રામ-સીતા જેવી ભાસે છે!’નો મલાવો કરી સાસુ-વહુએ રુખસદ લીધી અને મરચાનું પોટલું લઈ ઘરમાં પ્રવેશતાં રાધાબહેન થાક્યાં હોય એમ ફર્શ પર બેસી પડ્યાં. 
‘સારું છે, આશ્લેષ તમારા પર પડ્યા, નહીંતર તો...’ 


સુલભાના શબ્દો હૈયાસોંસરવા લગ્યા. ‘ના, આની નવાઈ નહોતી. અમૂલખની કુરૂપતા દેખીતી હતી. તેમનું શરીર ખડતલ, વાને ઘઉંવર્ણો, પણ પીઠની ખૂંધ, મોં પર શીળીનાં ચાંઠાં ને નીચલા હોઠની બહાર રહેતા ઉપરના બે દાંતને કારણે અમને ત્રણેયને સાથે જોનારને પહેલો વિચાર એ જ આવે કે ઘરના મોભી ગણાતા પુરુષની સરખામણીએ મા-દીકરો કેવાં રૂપાળાં છે!’ 
‘આવું બોલનાર કે ધારનારને કેમ કહેવું કે શરીરની બેડોળતા તો હજીય જતી કરાય, પણ અમૂલખના તો મનમાં મેલ છે! અમારા સહજીવનના પાયામાં જ છળ છે... કાશ, એ છળે સર્જેલું અંતર કોઈને દેખાડી શકાતું હોત... પણ કોઈને શું, હું તો પંડના દીકરાથીય કાંઈકેટલું છુપાવી રહી છું.’ 
સાંભરીને નિઃશ્વાસ જ નાખી શક્યાં રાધાબહેન! 
lll

‘આસુ, હોળી પર ગામ જઈશું, હં.’
રાતે ડિનર સર્વ કરી ડાઇનિંગ ટેબલ પર પતિ સામે ગોઠવાતી અદિતિએ પાકું કરવાની ઢબે કહ્યું.
‘ગામ!’ આશ્લેષે અચરજ દાખવ્યું, ‘સૌરાષ્ટ્રના સીમાડા જેવા જૂનાગઢથીય અંતરિયાળ આવેલા દેવગઢ ગામમાં તારે હોળી રમવા જવું છે? ત્યાંની ગરમીનો અંદાજ પણ છે તને!’ કહી ખભા ઉલાળ્યા, ‘ઑફિસમાં વર્કલોડ કેવો છે એ પણ જોવાનુંને.’
‘સીએ થઈ ફાઇનૅન્સ કંપનીના મુખ્ય ઍડ્વાઇઝર તરીકે જોડાયેલા આશ્લેષનું શેડ્યુલ હેક્ટિક હોય છે, કબૂલ, એમ ચાર-છ દહાડા રજા લેવી હોય તો તેમણે કોઈને પૂછવાનું ન હોય, પણ હકીકત તો એ છે કે તેમને ગામનું અટેચમેન્ટ જ નથી!’ 
‘ગામનું પણ અને પિતાનું પણ...’ 
અદિતિએ હોઠ કરડ્યો. 


અંધેરીમાં નાનકડી કટલરીની દુકાન ધરાવતાં કમલભાઈ-સાવિત્રીબહેનની  એકની એક દીકરી તરીકે અદિતિ સ્વાભાવિકપણે માવતરની લાડલી હતી. તેના સંસ્કાર-ઉછેરમાં કહેવાપણું નહોતું. રૂપાળી એવી કે અપ્સરાય પાણી ભરે. જોકે એકધારું સુખ કોને મળ્યું છે! અદિતિ કૉલેજના છેલ્લા વર્ષમાં હતી ને માની શ્વાસદોરી તૂટી. બહુ વસમો આઘાત હતો, પણ પિતા-પુત્રીએ એકમેકને જાળવી લીધાં.  

માસ્ટર્સ પતાવી અદિતિએ ઘર નજીકની બૅન્કમાં જૉબ લીધી, એના થોડા મહિનામાં ઑડિટ અર્થે આશ્લેષનું બૅન્કમાં આવવાનું થયું... ૧૦ દિવસનું મેન્ડેટરી ઑડિટ હતું. આમ તો આશ્લેષે ઑડિટમાં જવાનું ન હોય, પણ લીડ ઑડિટરની ઍબ્સન્ટમાં સ્ટાફનું કામ કરવામાં આશ્લેષને નાનમ પણ નહીં. મૂલ્યોમાં માનનારો આશ્લેષ ઑડિટર્સની થતી આળપંપાળથીય દૂર રહેવામાં માને. ઊલટું આશ્લેષ તો સ્ટાફ સાથે ઘરેથી લાવેલું ટિફિન શૅર કરે અને કેટલું સ્વાદિષ્ટ ખાણું! 
‘આ કમાલ મારાં માતુશ્રીની છે... હાલ મા મુંબઈ છે એટલે બંદાને રોજ ભાવતાં ભોજન મળશે. હું તો માને અન્નપૂર્ણા જ કહું છું.’ 
આશ્લેષના બોલમાં મા પ્રત્યે ભારોભાર પ્રેમ-આદર છલકતો હતો. પળવાર અદિતિને પોતાની સાવિત્રીમા સાંભરી ગયેલી. માની રસોઈમાં ખરેખર તો તેનો પ્રેમ ભળતો હોય છે એટલે તો તેના જેવા સ્વાદ-સોડમ બીજી કોઈ રસોઈમાં નથી મળતાં!  

અદિતિના બોલમાં આશ્લેષને એનો ઝુરાપો પણ વર્તાયો. 
ત્યારે તો વિશેષ વાતો ન થઈ, પણ ઑડિટમાં બૅન્ક-મૅનેજરને અસિસ્ટ કરતી અદિતિને મહત્તમ કામ આશ્લેષ સાથે રહેતું. ઑડિટર તરીકે આશ્લેષ અદ્ભુત લાગ્યો. એમ તો મૅનેજર કરતાં વધુ ચપળતાથી કામ કરતી અદિતિની સ્કિલ્સથી આશ્લેષ પણ પ્રભાવિત હતો. રોજ બાર-પંદર કલાક સાથે ગાળવાના થતા એમાં ફુરસદની પળોમાં અજાણતાં જ બેઉ અંતરંગ બનતાં ગયાં. લતાનાં ગીતોથી લી ચાઇલ્ડની નૉવેલ્સ સુધીની તેમની પસંદગી મળતી હતી. ઘરે ગયા પછી પણ એકમેકની અસરમાંથી મુક્ત થવાતું નહીં, એવું બેઉ સાથે પહેલી વાર બન્યું હતું.
‘અદિતિ, માએ ખાસ કહેવડાવ્યું છે કે આજની રસોઈ સાવિત્રીમાએ બનાવી છે એમ સમજીને આરોગજે.’
ચોથે દહાડે આશ્લેષે કહેતાં અદિતિ અભિભૂત થયેલી : ‘આમાં આશ્લેષની દરકાર તો છે જ, તેમનાં મધરે મારા માટે તકલીફ લીધી!’ 
જમ્યા પછી તેણે રાધામાને ફોન કર્યો હતો- ‘આન્ટી, આજે ખરેખર મારી સાવિત્રીમાનો સ્વાદ મળ્યો!’ 
‘સાંભળીને મારું હૈયું ઠર્યું, દીકરી...’ પહેલી વાર વાત કરતાં માના બોલમાં ઉપરછલ્લો ભાવ નહોતો, ‘ક્યારેક માના ખોળાની જરૂર વર્તાય તો લાંબુંટૂંકુ વિચાર્યા વિના મારી પાસે આવતી રહેજે. બોલ, કાલે શું ખાવું છે?’

આ પણ વાંચો: ગત-અંગત (પ્રકરણ-૧)

‘તમે કહ્યું એમાં જ મારું પેટ ભરાઈ ગયું, મા!’ 
એક જ કૉલમાં આત્મીયતા બંધાઈ જાય એવું ભલે જવલ્લે જ, પણ બનતું હોય છે.  
રાધામાનો ભાવ જ એવો હતો કે રાતે વાળુ કરીને અદિતિ પિતાને લઈ આશ્લેષના વરલીના પેન્ટહાઉસ પહોંચી ગઈ.  તેને ભાળી આશ્લેષ ઝૂમી ઊઠેલો, પણ અદિતિનું ધ્યાન તો ‘આવ દીકરી’ કહી હાથ ફેલાવતાં રાધામા પર હતું. 
‘અડતાલીસની વય, હળદરિયા રંગનો સુતરાઉ સાડલો, ગોરો વર્ણ, સપ્રમાણ બાંધો. ના, સોહાગણ હોવા છતાં તેમના માથામાં સિંદૂર નહોતું, કદાચ માંગ ભરવાનો રિવાજ નહીં હોય. લંબગોળ મુખ પર લાલચટક ચાંદલાને બદલે છોટીસી બિંદી હતી અને વાત્સલ્ય તેમના રોમરોમમાંથી જાણે વહેતું હતું. બિલકુલ સાવિત્રીમાની જેમ!’ 
અદિતિ દોડીને તેમને વળગી પડેલી. 

એ મુલાકાત પછી આશ્લેષ-અદિતિ વધુ નિકટ આવતાં ગયાં. બેઉની કોરી હૈયાપાટી પર એકમેકનાં નામ ચીતરાઈ ગયાં. વડીલોથી એ છૂપું નહોતું, બલકે તેમના આશિષ હતા. 
મા ત્યારે મહિનો મુંબઈ રહેલાં. અદિતિ રોજ તેમને મળવા જતી. મા સાથે મન મળી ગયું. મા ગામ ગયા પછી તે માને સાંભરતી ને આશ્લેષ ઊઘડતો, 
‘મા મને હમેશાં અદ્ભુત એટલી જ અકળ લાગી છે... નાનપણથી મેં તેને મારા માટે ઉજાગરા કરતી, સદા મારી ચિંતામાં અડધી થતી ભાળી છે... ગામની નિશાળેથી આવતાં પાંચ મિનિટ પણ મોડું થાય તો તેના પ્રાણ જાણે કંઠે આવી ગયા હોય... અને એ જ મા પછીથી મને રાજકોટના ગુરુકુળમાં મોકલે એ વિરોધાભાસમાં મને એટલું જ સમજાયું કે દીકરાના ભવિષ્ય ખાતર પોતે વિરહવેદના વેઠે એ પણ માતૃત્વ જ!’ 
‘વિરહ તો તમારા પિતાએ પણ વેઠ્યોને.’

અદિતિથી બોલી પડાતું. આશ્લેષ ખાલી ડોકું ધુણાવતો, ‘યા...’
ધીરે-ધીરે અદિતિના ધ્યાનમાં આવ્યું કે આસુ જેટલી સહજતાથી, જે ભાવથી માને સાંભરે છે એવું અમૂલખપપ્પા માટે નથી. ના, ઘરમાં મમ્મીની જેમ પપ્પાની તસવીર છે ખરી, એમાં તેમની શારીરિક બેડોળતા છૂપી નથી રહેતી, પણ પોતાના માણસની ખોડ ડંખતી નથી હોતી. આશ્લેષ એવા ટૂંકા મનના છે જ નહીં. તો પછી?
‘આનું કારણ છે અદિતિ...’ છેવટે આશ્લેષે અંતર ખોલેલું, ‘સાવ નાનો હતો ત્યારે પપ્પાના દેખાવને કારણે તેમની બીક રહેતી... એ ડર ઓળંગવાની પહેલ તેમનાથી થઈ નહીં, થઈ હોય તો મારા સુધી પહોંચી નહીં... બની શકે, પુરુષ તરીકે તેમને વહાલ જતાવવાનું ફાવતું ન હોય... શક્ય એ પણ છે કે માની મારા માટેની કાળજી તેમને અક્કડ રાખતી હોય.’

આશ્લેષે વિનાસંકોચ આનો પણ ફોડ પાડેલો, ‘ગામના ઘરે રહ્યો ત્યાં સુધી હું મા સાથે સૂતો, મા મને સ્ટોરી કહે, મૂલ્યોના પાઠ ભણાવે. તેના વહાલમાં મા સાથે જ સૂવાની જીદ કદી ખોટી લાગી જ નહીં, માએ કદી મને વાર્યો નહીં. એ તો મોટો થયા પછી સમજાયું કે તેમના પતિસુખમાં હું આડો આવતો હોઉં એવું માની પપ્પા મારાથી અતડા રહ્યા હોય... સંભવ છે, હું ગામ રહ્યો હોત તો પિતા સાથે યુવાન દીકરાની મૈત્રી રચાઈ હોત, પણ એય બન્યું નહીં. અભ્યાસ માટે ઘરની બહાર નીકળેલો હું ગામના ઘરથી, પિતાથી વધુ ને વધુ અળગો જ થતો રહ્યો... અમે બન્ને કદાચ અમારી વચ્ચેની શીતળતાથી ટેવાઈ ગયા છીએ. ગામ જવાનો, પિતાને મળવાનો ઑનેસ્ટલી, ઉમળકો જ નથી હોતો. માના પ્રેમે મને જીવનમાં કશુંક ખૂટતું હોય એવું કદી લાગ્યું નહીં.’
માનો પ્રેમ. અદિતિએ માની લીધું કે પિતા-પુત્ર વચ્ચેની ખાઈ વિસ્તરે નહીં એ માટે જ દૂરંદેશી ધરાવતાં રાધામાએ હૈયે પથ્થર મૂકીને દીકરાને દૂર કર્યો હોય. તો જ કદાચ જે છે એ સચવાઈ રહ્યું.  અદિતિએ વાગોળ્યું... 

આ પણ વાંચો: ગત-અંગત (પ્રકરણ-૨)

ગોળધાણા નિમિત્તે ગામ જવાનું થયું ત્યારે પહેલી વાર અમૂલખપપ્પાને મળવાનું બન્યું. તેમના દેખાવની ખોટ સ્વભાવમાં લાગી નહોતી.
‘તમે બહુ સુંદર દેખાઓ છો... અફકોર્સ, આસુની પસંદગીમાં કહેવાપણું થોડું હોય!’ તેમના આવું કહેવામાં પિતાનો ગર્વ જ વર્તાયેલો. લગ્નમાં જાન લઈ મુંબઈ આવ્યા ત્યારેય વરના પિતા તરીકે કોઈ વિશેષ માનમોભાની માગ નહીં. સ્વિટ્ઝરલૅન્ડના આહ્‍‍લાદક હનીમૂન પછી કુળદેવીને પગે લાગવા નિમિત્તે ફરી ગામ ગયાં ત્યારે પહેલી વાર ચાર દિવસ સાસરે રહેવાનું બન્યું. મા મને લાડકોડથી રાખે. પિતાનો મોટા ભાગનો સમય ખેતીના, ગામનાં કામમાં વ્યતીત થતો હોય. આશ્લેષ સાથેય તેમને ભાગ્યે જ વાતો થાય. ક્યારેક ખેતરથી આવતાં ફ્રૂટ, શાકભાજી લઈ આવે ખરા. 

‘મા જોકે પછીના આ આઠ મહિનામાં ચારેક વાર આવી ગયાં. અમે ખૂબ મજા કરીએ, પણ પપ્પાનું શું? મોટા ભાગે તેમના ખબર મા પાસેથી જ સાંપડે.  એકબે વાર મેં તેમને સામેથી ફોન કરેલા તો માએ ત્રીજી વાર કહી દીધું કે તેમને સત્તર કામ હોય વહુ, નાહક ફોન કરી ડિસ્ટર્બ શું કામ કરવા?’ 
‘નૅચરલી, પોતે કામમાં ડિસ્ટર્બ થતા હોવાનું પપ્પાજીએ કહ્યું હોય તો જ મા ટકોર કરેને! પપ્પાજી મને એવું દાખવતા નથી ને માને રાવ કરે છે!’ 
પહેલી વાર અદિતિને અમૂલખભાઈનો વાંક દેખાયો : ‘આવા સ્વભાવને કારણે જ આસુને ફાવ્યું નહીં હોય... તો તો જે છે એને એમ જ રહેવા દેવામાં સમજદારી છે!’  
‘હોળી નિમિત્તે ગામ જવામાં પહેલી હોળી સાસરે મનાવવાનો ઉમંગ છે. દિવાળીમાં અમે ફરવા ગયાં ને પછી મા આવ્યાં એટલે ત્યારે જવાયું નહીં, પણ હોળી પર તો જવું જ છે!’ 
પત્નીની ઇચ્છાને ટાળવાનું જોખમ કયો પતિ ખેડી શક્યો છે! છેવટે આસુએ હામી ભરવી પડી. અદિતિએ ત્રણ દિવસનો પ્રોગ્રામ ઘડી માને જાણ પણ કરી દીધી... 
જોકે આ વખતની હોળીમાં શું થવાનું છે એની કોને ખબર હતી?

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2023 03:19 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK