‘માછલી કેવી રીતે એક માણસનો જીવ બચાવે મહારાજ?’ તેના સ્વરમાં શંકા નહીં પણ જિજ્ઞાસા હતી, ‘જો આપ થાક્યા ન હો તો સાજિદનો જીવ માછલીએ કેવી રીતે બચાવ્યો હતો એ જરાક તમે વાત તો કરો...’
મૉરલ સ્ટોરી
અધૂરી વાત
‘દરેક જીવને જીવવાનો હક છે, દરેક જીવને આ સૃષ્ટિ પર રહેવાનો હક છે પણ માણસ, માણસ એને જીવવા નથી દેતો. એ તો પોતાના મોજશોખ ખાતર કે પછી પોતાના ખાનપાન માટે એનો જીવ લેતાં પણ ખચકાતો નથી...’ સાધુમહારાજે સામે બેઠેલા ભક્તોની સામે જોયું અને પછી પોતાનું પ્રવચન આગળ વધાર્યું, ‘આ પૃથ્વી સૌકોઈના માટે છે, બધાએ જીવવાનું છે અને દરેક જીવી શકે એના માટે જે કંઈ છોડવું પડે, જે કંઈ કરવું પડે એ બધું કરતા પણ જવાનું છે. જે એવું કરશે, જે એ રસ્તે ચાલશે એ આજના સમયમાં મહામાનવ કહેવાશે...’
સાધુમહારાજની વાત સાંભળીને ત્યાં હાજર રહેલા સૌ ભક્તો ખુશ થઈ ગયા પણ એ ખુશીમાં ઉમેરો તો ત્યારે થયો જ્યારે એક માણસ ઊભો થઈને રાડો પાડી-પાડી સાધુમહારાજનાં વખાણ કરવા માંડ્યો.
‘સાવ સાચી વાત મહારાજ, તમારી વાત સાવ સાચી છે...’ એ માણસે પછી લોકોની સામે જોયું, ‘સાધુમહારાજ જે કહે છે એ સાવ સાચું છે. આપણે બધાએ જીવવાનું છે અને દરેકે કોઈને કોઈ માટે કંઈક તો છોડવાનું જ છે. સાવ સાચી વાત છે મહારાજ તમારી...’
સાધુએ હાથ ઊંચો કરી એ માણસને શાંત રહેવા ઇશારો કર્યો અને પછી ધીમેકથી તેને પૂછ્યું,
‘તું કોણ છે વત્સ...’
ADVERTISEMENT
‘મારું નામ સાજિદ છે મહારાજ.’ પેલાએ હાથ જોડીને કહ્યું, ‘હું અહીં બાજુના ગામમાં જ રહું છું. થોડા દિવસોથી મારા ગામના લોકો તમારું પ્રવચન સાંભળવા આવે છે અને પછી ગામમાં તમારા પ્રવચનની બહુ વાતો થાય છે એટલે મને થયું કે હું અહીં આવી એમાં તથ્ય કેટલું છે એ જોઉં. પણ મહારાજ, તમારી વાત સાવ સાચી છે. દરેકને જીવવાનો હક છે, જો દરેક જીવ જીવશે તો જ બીજા જીવો બચશે.’
સાજિદનું છેલ્લું વાક્ય મહારાજને સમજાયું નહીં એટલે તેમણે સ્પષ્ટતા સાથે પૂછ્યું, ‘વત્સ, તું કહેવા શું માગે છે?’
‘એ જ કે મહારાજ, તમારી વાત બ્રહ્મવાણી છે. તમે કહ્યુંને, દરેક જીવ જીવશે તો જ માણસ બચશે. મારા કેસમાં આ સાવ સાચું છે.’
બધા સાજિદને સાંભળતા હતા એટલે તેનો અવાજ હવે મોટો થઈ ગયો હતો, ‘તમને બધાને નવીન લાગશે પણ એક વખત મારો જીવ માછલીએ બચાવ્યો હતો.’
અને દેકારો મચી ગયો.
માછલીએ એક માણસનો જીવ બચાવ્યો!
સાજિદ અને દરેક જીવને જીવવાનો હક છે એવું પ્રવચન આપનારા સાધુમહારાજની તો ચારેકોર વાહ-વાહ થઈ ગઈ. સાજિદ અને સાધુનાં બધા વખાણ કરવા લાગ્યા અને પછી ધીમે-ધીમે બધા છૂટા પડ્યા પણ મહારાજનો જીવ પેલા સાજિદમાં અટવાઈ ગયો. તેણે સાજિદને રોકી લીધો અને પછી તેને સમજાવી-મનાવીને પોતાનો શિષ્ય પણ બનાવી લીધો.
lll
‘કોઈ કારણ હોય તો જ સ્ટોરી થોડી હોય પપ્પા...’ ઢબ્બુએ જીદ પકડી, ‘આજે રીઝન વિના પણ મને સ્ટોરી કહો.’
‘કોની સ્ટોરી કહું?’ ઢબ્બુની જીદ જોઈ પપ્પાએ પોતાની બુક સાઇડ પર મૂકી, ‘રીઝન હોય તો એ સ્ટોરી લાઇફટાઇમ યાદ રહે.’
‘ગમે તે સ્ટોરી કહો, હું લાઇફટાઇમ યાદ રાખીશ.’
‘કાલે કરીએ તો...’ પપ્પાએ પોતાની બુક દેખાડી, ‘આ હું વાંચીશ તો જ મને નવી સ્ટોરી સૂઝશેને?’
‘હા પણ એ હું સૂઈ જાઉં પછી વાંચજો.’ ઢબ્બુએ જીદ છોડી નહીં, ‘અત્યારે પહેલાં મને સ્ટોરી કહો.’
‘પણ આ જે બુક છે એ...’
‘મારે કંઈ નથી સાંભળવું...’ ઢબ્બુનો અવાજ મોટો થઈ ગયો, ‘સ્ટોરી... સ્ટોરી... સ્ટોરી...’
‘પણ...’
‘સ્ટોરી... સ્ટોરી...’ ઢબ્બુએ રીતસર નારેબાજી શરૂ કરી હતી, ‘સ્ટોરી... સ્ટોરી...’
‘વાત તો મારી તું સાંભળ...’
‘સ્ટોરી... સ્ટોરી...’
બસ, પપ્પાને રીઝન મળી ગયું.
પૂરી વાત સાંભળ્યા વિના જો તમે આગળ વધો તો કેવી હાલત થાય.
અને પપ્પાએ સ્ટોરી શરૂ કરી.
‘એક નાનકડું ગામ હતું. ગામમાં દર મહિને એકાદ સાધુમહારાજ આવે અને બધાને ધર્મને લગતી વાત કહે. એક દિવસ ગામમાં એક એવા સાધુ આવ્યા જે અગાઉ ક્યારેય ગામમાં આવ્યા નહોતા. સાધુએ હજી હમણાં-હમણાં જ દીક્ષા લીધી હતી એટલે તેમની પાસે બહુ શિષ્યો પણ નહોતા પણ એ સાધુની એક ખાસિયત હતી. તેની પાસે શબ્દભંડોળ બહુ વિશાળ હતું એટલે એ પ્રવચન આપવામાં એકદમ એક્સપર્ટ બની ગયા હતા. ગામમાં આવીને સાધુમહારાજે જાહેર કર્યું કે તે દરરોજ સવારે નવ વાગ્યે પ્રવચન કરશે અને તેની વાણીના પ્રભાવથી ધીમે-ધીમે લોકોનાં ટોળાં થવા માંડ્યાં.’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘એક દિવસ મહારાજે જીવદયા પર વાત શરૂ કરી અને પ્રવચન સાંભળવા આવેલા લોકોને કહ્યું, દરેક જીવને જીવવાનો હક છે, દરેક જીવને આ સૃષ્ટિ પર રહેવાનો હક છે પણ માણસ, માણસ એને જીવવા નથી દેતો. એ તો પોતાના મોજશોખ ખાતર કે પછી પોતાના ખાનપાન માટે એનો જીવ લેતાં પણ ખચકાતો નથી...’
lll
આ પણ વાંચો : વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૧)
સાજિદથી ખુશ થયેલા મહારાજે તેને શિષ્ય બનાવીને પોતાની સાથે જ લઈ લીધો. મહારાજ જે કોઈ ગામે જાય ત્યાં પોતાનું આ જ પ્રવચન કરે અને પ્રવચન પછી બધાની સામે સાજિદને ઊભો કરે. સાજિદ જેવો ઊભો થાય કે તરત એક જ વાત કહે, ‘મહારાજની વાત સાચી છે. દરેક જીવને જીવવાનો હક છે, દરેક જીવને આ સૃષ્ટિ પર રહેવાનો હક છે. એક વખત મારો જીવ માછલીએ બચાવ્યો હતો...’
મહારાજનું પ્રવચન અને એ પછી શિષ્યની વાત સાંભળીને લોકો હતપ્રભ રહી જાય અને ગુરુ-ચેલાને પગે લાગવા માંડે.
lll
ધીમે-ધીમે મહારાજની આ વાત તો આજુબાજુનાં અનેક ગામોમાં ફેલાઈ ગઈ અને લોકોમાં તેમના પ્રત્યેનો ભક્તિભાવ પણ ખૂબ વધી ગયો. નવા-નવા લોકો મહારાજના શિષ્ય થવા માટે આવવા માંડ્યા અને મહારાજનાં ગુણગાનને કારણે તેમનો સંપ્રદાય ખૂબ મોટો થવા માંડ્યો.
નવા ઉમેરાયેલા આ શિષ્યોમાં એક શિષ્ય થોડો વધારે ક્યુરિયોસિટી ધરાવનારો.
એક વાર રાતે મહારાજના પગ દબાવતાં-દબાવતાં તેણે ધીમેકથી મહારાજને પૂછ્યું, ‘માછલી કેવી રીતે એક માણસનો જીવ બચાવે મહારાજ?’ તેના સ્વરમાં શંકા નહીં પણ જિજ્ઞાસા હતી, ‘જો આપ થાક્યા ન હો તો સાજિદનો જીવ માછલીએ કેવી રીતે બચાવ્યો હતો એ જરાક તમે વાત તો કરો...’
ધત્ તેરી કી!
મહારાજની આંખો ખૂલી ગઈ અને તેમની ઊંઘ ઊડી ગઈ.
આ વાત તો મેં પણ ક્યારેય તેને પૂછી નથી.
આવું શિષ્યને કહેવું કઈ રીતે?
મહારાજે મસ્ત વચ્ચેનો રસ્તો કાઢ્યો અને આંખો ફરી બંધ કરી તેમણે ધીમેકથી કહ્યું, ‘વત્સ, અત્યારે હું બહુ થાકી ગયો છું અને સવારે પ્રવચન પણ છે એટલે આપણે પછી ક્યારેક આ વિષય પર વાત કરીશું.’
‘જેવી આપની આજ્ઞા મહારાજ...’
lll
બીજી સવારે પહેલું કામ મહારાજે સાજિદને બોલાવવાનું કર્યું.
‘અલ્યા, તું કહે છે કે માછલીએ તારો જીવ બચાવ્યો પણ એ કેવી રીતે જીવ બચાવ્યો એની વાત તો જરા માંડીને કર, મને પણ ખબર પડે કે હથેળી જેવડી માછલી કેવી રીતે સાંઢ જેવડા માણસને બચાવી શકે...’
‘અરે મહારાજ, એ બહુ લાંબી વાત છે.’
‘વાંધો નહીં, ભલે રહી લાંબી વાત...’ મહારાજે કહ્યું, ‘હું અત્યારે ફ્રી જ છું. કહે તું કે તારી સાથે શું બન્યું હતું.’
‘એમાં છેને એવું થયું હતું...’ શિષ્ય સાજિદે તો લગાવી પલાંઠી અને શરૂ કરી વાત, ‘એક વખત હું અને મારા ભાઈબંધો જંગલમાં ગયા. બહુ ફર્યા અને પછી થાકી ગયા એટલે એક ઝાડ નીચે અમે સૂઈ ગયા. હું તો એવો થાક્યો હતો કે ઘસઘસાટ ઊંઘી ગયો. મને ખબર નથી કે હું ક્યારે જાગ્યો હોઈશ પણ જાગ્યો ત્યારે રાત પડી ગઈ હતી અને જંગલમાં હું એકલો હતો! મારો એક પણ ભાઈબંધ ત્યાં હતો નહીં...’
‘ઓહ, પછી...’
‘અંધારાથી ડરતો સાજિદ ઝાડ પર ચડી ગયો. આખી રાત સિંહ-વાઘ, દીપડા અને ચિત્તાના અવાજ આવતા રહ્યા.’
lll
‘ચિત્તો નહીં હોય પપ્પા...’ પપ્પાના ખોળામાં માથું રાખીને સૂતેલો ઢબ્બુ તરત જ ઊભો થયો, ‘ચિત્તા તો હમણાં આપણા પ્રાઇમ મિનિસ્ટર લાવ્યા...’
ઢબ્બુના જનરલ નૉલેજ અને સાથે ન્યુઝ પર નજર રાખવાની રીતથી પપ્પા ઇમ્પ્રેસ થયા અને તરત જ તેમણે સ્ટોરીમાં ચેન્જ કર્યો.
‘અંધારાથી ડરતો સાજિદ ઝાડ પર ચડી ગયો. આખી રાત સિંહ-વાઘ, દીપડા અને વરુના અવાજ આવતા રહ્યા.’
‘હંમ...’ ઢબ્બુ ફરી પપ્પાના ખોળામાં સૂઈ ગયો, ‘પછી?’
lll
આખી રાત ઝાડ પર પસાર કર્યા પછી સવાર પડી એટલે સાજિદ ધીમેકથી નીચે ઊતર્યો અને ધીમે-ધીમે આગળ વધવા માંડ્યો પણ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો તો તેને ખબર નહોતી એટલે તે જંગલમાં ભૂલો પડી ગયો. ધીમે-ધીમે જંગલ એવું તે ગીચ થવા માંડ્યું કે ભલભલાને પરસેવો છૂટી જાય.
રસ્તો શોધતાં આગળ વધતો સાજિદ જેવી સાંજ પડે કે તરત જ ઝાડ પર ચડીને આશરો લઈ લે અને સવાર પડે એટલે ઝાડ પરથી ઊતરીને નવેસરથી રસ્તો શોધવા માટે આગળ વધવા માંડે.
એક દિવસ.
બે દિવસ.
ત્રણ દિવસ.
સાજિદ બિચારો રસ્તો જ શોધતો રહ્યો પણ એને ક્યાંય રસ્તો મળે નહીં. હવે તો એ એવો તે થાકી ગયો હતો કે ન પૂછો વાત. ખાવાનું પણ તેની પાસે કશું નહોતું એટલે એ બિચારો હવે રસ્તો શોધવાને બદલે ખાવાનું શોધવામાં લાગી ગયો હતો. બે દિવસથી તો તેને કોઈ તળાવ જેવું પણ મળ્યું નહોતું એટલે તેને પાણી પણ પીવા નહોતું મળ્યું.
ભૂખ અને તરસે સાજિદના શરીરની તાકાત ચૂસી લીધી હતી પણ આગળ વધવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો.
મહામહેનતે હિંમત રાખીને સાજિદ આગળ વધતો ગયો અને એક દિવસ અચાનક સાજિદની નજર એક નાનકડા તળાવ પર પડી.
સાજિદ દોડીને તળાવ પાસે ગયો અને પહેલાં તેણે પેટ ભરીને પાણી પીધું. પાણી શરીરમાં ગયું એટલે તેને રાહત થઈ અને હવે તેને બધું બરાબર સૂઝવાનું પણ શરૂ થયું.
શું કરું હું? કેવી રીતે રસ્તો કાઢું આગળ?
વિચારતાં-વિચારતાં જ સાજિદની નજર અચાનક તળાવના તળિયે ગઈ અને તેની આંખો ચમકી.
માછલી.
સાજિદે કંઈ વિચાર્યા વિના સીધો જ કૂદકો તળાવમાં માર્યો અને એમાંથી ચાર-પાંચ માછલી પકડી લીધી.
lll
‘મહારાજ, એ માછલી શેકીને મેં ખાધી અને મારો જીવ બચી ગયો.’
સાજિદે જેવી વાત પૂરી કરી કે સાધુમહારાજ ઊલટી કરવા સીધા દોડતાં બહાર ભાગ્યા. પૂરી વાત નહીં સાંભળવાનું પરિણામ તે ભોગવી ચૂક્યા હતા અને આખી જિંદગી જેણે જીવદયાની વાત કરી હતી તેની સાથે એવો માણસ રહેવા માંડ્યો હતો જેણે માછલીઓ ખાઈને પોતાનો જીવ બચાવ્યો હતો.
ઊલટી કરીને પાછા આવેલા મહારાજે તરત જ સાજિદને પોતાના શિષ્ય તરીકે છૂટો કરી દીધો.
lll
‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’
‘વાત પૂરી સાંભળવી અને એ સાંભળીને જ આગળ બોલવું.’ પપ્પાએ પૂછ્યું કે તરત જ ઢબ્બુએ જવાબ આપી પૂછી પણ લીધું, ‘તમે બુકનું શું કહેતા હતા?’
‘એ જ કે કાલે મારી માસ્ટર્સની એક્ઝામ છે, જો આજે તું સ્ટોરી ન સાંભળે તો હું થોડું વાંચી લઉં.’
‘ઓહ...’ ઢબ્બુએ રીઍક્શન આપી તરત જ કહ્યું, ‘હા, વાંધો નહીં. વાંચી લો. કાલે સ્ટોરી કહેજો.’
ડાહ્યોડમરો થઈ રૂમમાં જતા ઢબ્બુને જોઈને હસવું કે રડવું એ પપ્પાને સમજાયું નહીં.
સંપૂર્ણ