હવે ઈર્ષાનો નવો ટ્રેન્ડ જન્મી રહ્યો છે અને આ વખતે પુરુષોના મનમાં વિચાર આવવા લાગ્યો છે કે કાશ, હું સ્ત્રી હોત
પ્રતીકાત્મક તસવીર
શારીરિક રચના અને સામાજિક મર્યાદાઓને પગલે અત્યાર સુધી સ્ત્રીઓને પુરુષોની ફ્રીડમ માટે ઈર્ષા થતી હતી, પણ તાજેતરમાં રિલેશનશિપ પર અભ્યાસ કરતા નિષ્ણાતોએ તારવ્યું હતું કે હવે ઈર્ષાનો નવો ટ્રેન્ડ જન્મી રહ્યો છે અને આ વખતે પુરુષોના મનમાં વિચાર આવવા લાગ્યો છે કે કાશ, હું સ્ત્રી હોત. આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં કોઈ પુરુષ આવું વિચારે એ વિચાર માત્ર અતિશયોક્તિ હતો, પણ આજે બદલાતા સમય સાથે ગમ્મતમાં પણ પુરુષો વિચારતા તો થયા છે.
ફ્રન્ટિયર્સ ઇન સાઇકોલૉજી નામની એક જર્નલમાં છપાયેલા એક સ્ટડી અનુસાર પુરુષ અને સ્ત્રી બન્ને જાતિ એકબીજા માટે જીવનમાં ક્યારેકને ક્યારેક ઈર્ષાભાવ રાખે છે. તમે ગમેતેટલા ખુદથી સંતુષ્ટ હો, પરંતુ બીજી જાતિને મળતા અમુક પ્રકારના ફાયદા જોઈને તમને ક્યારેક લાગી શકે છે કે કાશ, હું પણ આ હોત તો મને પણ આ ફાયદાઓ મળત. સ્ત્રીને લાગે છે કે કાશ, તે પુરુષ હોત! સમાજમાં પુરુષનું જે સ્થાન છે, તેના હક અને તેને મળતા પાવરથી પ્રભાવિત થઈને સ્ત્રી આમ કહે એ કદાચ સહજ લાગે પરંતુ સમય ખાસ્સો બદલાયો છે. સમાજમાં સ્ત્રીઓના પદાર્પણને ઘણું જ બિરદાવવામાં આવી રહ્યું છે ત્યારે પુરુષને પણ સ્ત્રીની ઈર્ષા થાય એમાં નવાઈ નહીં. આજે જાણીએ સમાજના જુદા-જુદા પ્રોફેશનમાં કામ કરનારા પુરુષો પાસેથી કે તેમને ક્યારેય એવું ફીલ થયું છે ખરું કે હું સ્ત્રી હોત.
ADVERTISEMENT
સ્ત્રી હોત તો મેકઅપ કરી શકત : મનન દેસાઈ, ૩૭ વર્ષ, સ્ટૅન્ડ-અપ કૉમેડિયન
આમ તો હું અતિ ખુશ છું પુરુષ બનીને પણ વિચારું કે સ્ત્રી હોત તો ફાયદા તો ઘણા છે. બે ઘડી ગમ્મત માટે પણ વિચારીએ તો સૌથી પહેલો ફાયદો મને એ મગજમાં આવે છે કે સ્ત્રી હો તો મેકઅપ કરવા મળે. આજકાલ પુરુષોએ પણ ચાલુ તો કર્યું છે મેકઅપ કરવાનું પણ હજી સમાજ એટલો વિકસિત થયો નથી કે સ્ત્રીઓ જેટલો મેકઅપ કરતા પુરુષને અપનાવી લે. સ્ત્રીઓ ફિલ્ટર લગાડે તો તેનો હક છે અને અમે ફિલ્ટર લગાડીએ તો અમને સોસાયટી જજ કરે છે. સ્ત્રીઓને આ માટે કોઈ જજ નથી કરતું. ઘણીબધી જગ્યાએ મેં જોયું છે કે સ્ત્રીઓએ જવાબ આપવા પડતા નથી. ભણી-ગણીને શું ઉખાડ્યું? મહિને કેટલું કમાય છે તું? હજી ઘરનું ઘર નથી લીધું? પૈસા વિશે કેમ ભાન નથી પડતી? આટલા સમયથી નોકરી કરે છે, એક ગાડી નથી ખરીદી શકતી તું? આવા પ્રશ્નો ન તેને કોઈ પૂછે છે કે ન તેણે એના જવાબ દેવાના હોય છે. વળી મને એમ પણ છે કે જો હું સ્ત્રી હોત તો જાણી શકત કે સ્ત્રીઓ આટલીબધી પંચાત કરે છે શાની? મને ખરેખર તેમની ગૉસિપમાં રસ છે. બીજો એક મોટો ફાયદો એ થશે કદાચ કે છોકરી બનીશ તો કોઈ પણ પ્રકારની ફીલિંગ મારા મિત્રો સાથે હું બેધડક શૅર કરી શકીશ. સ્ત્રીઓની તો શું વાત કરીએ, પુરુષોની અંદર બીજા પુરુષ માટે કોઈ સહાનુભૂતિ હોતી નથી. અમે કંઈ કહીએ તો કહેશે કે ડરપોક છે, છોકરીવેડા કરે છે, રોતો જ હોય આ તો. આવાં સ્ટેટમેન્ટ નહીં સાંભળવા મળે. સ્ત્રીઓ એકબીજાની વાત ઘણા પ્રેમથી સાંભળે છે અને એને સમજે પણ છે. મોટા પાયે કહું તો સ્ત્રી બનું કે નહીં, પરંતુ તેમની પાસેથી જે મને જોઈએ એ છે તેમની સહનશક્તિ અને સહાનુભૂતિ. આ બન્ને જો મળી જાય તો જગત જીતી શકાય.
મને મારી પત્નીની નોકરીની ઘણી ઈર્ષા આવે છે : દિગીશ રાવલ, ૪૧ વર્ષ, કૉર્પોરેટ વકીલ
હું સ્ત્રીઓને ઘણું જ માન આપું છું. તેમના દરેક પ્રદાનને બિરદાવું છું. તેઓ ન હોત તો અમારી લાઇફમાં મોટી ખોટ રહી ગઈ હોત, પણ કેટલીક બાબતો ચોક્કસ છે જેમાં મને મારી પત્નીની ખૂબ ઈર્ષા આવે છે. એ બાબતમાં સર્વોપરી છે તેનું કામ. મારી પત્ની ખ્યાતિ બાયોટેક્નૉલૉજી ભણી. એ પણ મારી જેમ કૉર્પોરેટ જૉબ જ કરતી હતી, પરંતુ અમારા દીકરાના આવ્યા પછી તેણે પોતાનું કામ બદલ્યું. જીવનનું ધ્યેય જ બદલી નાખ્યું. પૈસા માટે કે પોઝિશન માટે તેને કામ નહોતું કરવું. તેને સમાજ માટે કામ કરવું હતું. એટલે તેણે ટીચિંગ પ્રોફેશન પસંદ કર્યો. નક્કી તે મારા કરતાં ઓછું કમાય છે, પણ તેનું કામ પૈસાને આધીન નથી. પૈસા માટે તે કામ જ નથી કરી રહી. તે પોતાના કામ માટે ઓવર-ક્વૉલિફાઇડ છે. તે જે કામ કરી રહી છે એ બાળકોના ઘડતરનું કામ છે. તેમને એક સાચી દિશા આપવાનું કામ છે. તે દરરોજ ઘરે આવે ત્યારે તેના મોઢા પર જે સંતોષ હોય છે એ મારા મોઢા પર નથી હોતો. કેટલાંક બગડેલાં બાળકોને તે જે રીતે સુધારે છે એ સુધાર તેને સારું કામ કરવાનો સંતોષ આપે છે. ભલે હું ગમેતેટલી મોટી પોઝિશન પર હોઉં, આખી દુનિયામાં ફરતો હોઉં, મોટા ટાર્ગેટ અચીવ કરતો હોઉં, પૈસા કમાતો હોઉં; આ બધું મને ખુશી આપે જ છે પણ મારી પત્ની પાસે જે જૉબ-સૅટિસ્ફૅક્શન છે એ મારી પાસે નથી. નિ:સ્વાર્થ સેવા, નિ:સ્વાર્થ ભાવ અને નિ:સ્વાર્થ ભક્તિ આ ત્રણેય તેના જીવનમાં છે; મારી પાસે નથી. એટલે મને તેની ઈર્ષા આવે. ક્યારેક લાગે કે હું પણ આવી જ કોઈ જૉબ લઈ લઉં. પણ મારાં સપનાંઓ અને જવાબદારીઓ જુદાં છે. એટલે એ શક્ય નથી એ હું સમજું છું.
છોકરીઓને ક્યારેય માર ન પડે એ જોઈને લાગતું કે છોકરી થવું સારું : ચિંતન નાયક, ૩૭ વર્ષ, સાઇકોલૉજિસ્ટ
મોટા થઈને હવે લાગતું નથી કે હું સ્ત્રી હોત તો સારું, પણ મને યાદ છે કે બાળપણમાં એવું ઘણું થયું છે. અમે દક્ષિણ ગુજરાતના એટલે ત્યાંની સ્કૂલમાં છોકરીઓ મોળાકત રાખે ત્યારે તેમને ઘરે જલદી જવા મળે. અમારે છોકરાઓએ ભણવાનું. ત્યારે મને એમ થતું કે મારે પણ ઘરે જવું છે, હું કરી લઈશ મોળાકત. એ સમયે શિક્ષકો પણ છોકરા-છોકરીમાં ખૂબ ભેદ રાખતા. છોકરો કશી ભૂલ કરે તો બધાની વચ્ચે ખૂબ માર મારે. છોકરીઓ પર કોઈ હાથ ન ઉપાડે. આ માર ખાતી વખતે મને ચોક્કસ લાગેલું કે આના કરતાં તો હું છોકરી હોત તો સારું હતું. હું સાઇકોલૉજી ભણ્યો ત્યારે સમજાતું ગયું કે જે આપણા માટે એક મજાક હતી એ ઘણાના જીવનનું સત્ય હોય છે. અત્યારે ઘણા લોકો મારી પાસે મદદ માટે આવે છે. જે ખુદ શરીરથી છોકરો છે, પણ મનથી તેણે ખુદને છોકરી જ માન્યો છે. તેને જાતિ બદલાવવી છે. આવી કેટલીક છોકરીઓ પણ છે જે ખુદને છોકરો માને છે. તેમનાં દ્વંદ્વ મેં જોયાં છે. એ સરળ નથી. તેમનું જીવન જ સરળ નથી. તેમને છોડીને જે નૉર્મલ લોકોમાં એકબીજા માટેની ઈર્ષા છે એ થોડી માનવસહજ છે. બીજાની થાળીમાં રાખેલો લાડુ આપણને મોટો જ લાગવાનો. હકીકતે બન્નેની પોતાની તકલીફો અને પોતપોતાનાં લિમિટેશન્સ છે. ઘણી વાર તો મને લાગે છે કે એક સોશ્યલ રિચ્યુઅલ માનીને બન્ને એકબીજાને મહેણાંટોણા માર્યા કરે છે પરંતુ ખરેખર એકબીજાની ઈર્ષા જેવું કંઈ નથી.
કાશ, હું છોકરી હોત તો મને તકો વધુ મળત કેમ કે છોકરીઓને આગળ વધવા માટે ઘણી મદદ મળી રહે છે : કુશ કાપડિયા, ૨૦ વર્ષ, સ્ટુડન્ટ
હું ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ત્રીજા વર્ષમાં છું. મને ઘણી વાર એવું થયું છે કે કાશ! હું છોકરી હોત, કારણકે અમારા ફીલ્ડમાં છોકરીઓને જેટલા ફાયદા છે એટલા છોકરાઓને નથી. છોકરાઓ તો આગળ વધી શકે જો તેમનામાં ટૅલન્ટ હોય, પણ છોકરીઓને આગળ વધવા માટે ઘણી મદદ મળી રહે છે. જેમ કે ઍમૅઝૉન અને ગૂગલ જેવી મોટી કંપનીઓ છોકરીઓ માટે સ્પેશ્યલ પ્રોગ્રામ બનાવે છે જેમાં તેઓ નવું-નવું શીખી શકે. છોકરાઓ માટે આવો કોઈ સ્પેશ્યલ પ્રોગ્રામ નથી અને તેમની ઇન્ટર્નશિપમાં પણ છોકરીઓને વધુ પ્રાધાન્ય મળે છે. આ ઉપરાંત દુનિયાભરમાં હૅકેથૉન્સનું આયોજન થાય છે જેમાં કેટલીક હૅકેથૉન્સ ફક્ત છોકરીઓની હોય છે. ફક્ત છોકરાઓ માટે કોઈ હૅકેથૉન નથી. તેમને ભાગ લેવો હોય તો જનરલ હૅકેથૉન્સમાં લેવાનો. એશિયાની સૌથી મોટી હૅકેથૉન હાલમાં ઇન્ડિયામાં યોજાઈ. ભારત સરકાર ઇચ્છતી હતી કે છોકરીઓને ટેક્નૉલૉજી ભણવામાં પ્રોત્સાહન મળે એટલે એ હૅકેથૉનના નિયમો એવા હતા કે તમારું જે ગ્રુપ હોય એમાં ઓછામાં ઓછી એક છોકરી હોવી જોઈએ. પ્રૉબ્લેમ એ છે કે એન્જિનિયરિંગ જેવા ફીલ્ડમાં છોકરીઓને રસ ઓછો હોય છે;તેમને આવડતું હોય કે ન આવડતું હોય, પણ ફરજિયાત તેમને ગ્રુપમાં રાખવાની. વળી ગ્રુપમાં બધી જ છોકરીઓ હોય તો ચાલે, પરંતુ ગ્રુપમાં બધા છોકરાઓ જ હોય તો ન ચાલે. એટલું ઓછું હોય એમ આ હૅકેથૉનનું માર્કિંગ જે થાય કે જેના આધાર પર એ જીતી શકાય એમાં પણ એ ગ્રુપને વધુ પૉઇન્ટ મળે જે ગ્રુપમાં છોકરીઓ વધુ હોય. આ તો થઈ હૅકેથૉન્સની વાત. અમારે ત્યાં જે કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવે છે એમાં અમે જોયું છે કે એક છોકરો ભલે વધુ ટૅલન્ટેડ હોય, પણ એ લોકો છોકરીને નોકરી આપી દેશે કારણ કે તેમને ઑફિસમાં મેન-વિમેન રેશિયો પણ મૅનેજ કરવાનો હોય છે. આમ સ્ત્રી હોવાના ઘણા ઍડ્વાન્ટેજ છે આજના સમયમાં, તો લાગે કે આના કરતાં તો છોકરી તરીકે જ જન્મ્યા હોત તો સારું હતું.