ફક્ત અભિનય નહીં; લેખન, ડિરેક્શન, ડબિંગ, ડિઝાઇનિંગ બધી જ કલાઓ પ્રોફેશનલી નિભાવી ચૂકેલા; રંગમંચ, જાહેરખબરો, સિરિયલો અને ફિલ્મનાં જુદાં-જુદાં માધ્યમોમાં કામ કરી ચૂકેલા મેહુલ બુચ જીવનના છેલ્લા શ્વાસ સુધી કલા અને ક્રીએટિવિટી સાથે જીવવા માગે છે
મેહુલ બુચ
૬ વર્ષની ઉંમરમાં જેને ઍક્ટિંગ માટે ગુલઝારના હાથે અવૉર્ડ મળ્યો હોય એ વ્યક્તિ મોટી થઈને ઍક્ટિંગની દુનિયામાં જ મોટું નામ કમાય એ સહજ છે. જેની ગણતરી કરવી તેમના માટે પણ શક્ય નથી એટલાં ગુજરાતી નાટકો અને સિરિયલોમાં કામ કરનાર ઍક્ટર, અગણિત હિન્દી સિરિયલોના અને ફિલ્મોના કલાકાર, જાહેરખબરોમાં દેખાયા કરતો અત્યંત જાણીતો ચહેરો એટલે મેહુલ બુચ. ઍક્ટર ઉપરાંત તેઓ નામી ડબિંગ આર્ટિસ્ટ છે. નાટકો અને ફિલ્મોના લેખક બની ચૂક્યા છે અને ઘણાં નાટકોમાં ડિરેક્શન પણ તેઓ કરી ચૂક્યા છે. આ સિવાય ગ્રાફિક ડિઝાઇનિંગ, ઍનિમેશન જેવું કામ પણ તેઓ પ્રોફેશનલી કરી ચૂક્યા છે. આજે તેઓ નવી પેઢીને વર્કશૉપ્સ દ્વારા ઍક્ટિંગની તાલીમ પણ આપી રહ્યા છે.
નાનપણ માટુંગામાં
ADVERTISEMENT
માટુંગામાં જન્મેલા અને મોટા થયેલા મેહુલભાઈના જન્મ પહેલાંનાં ૪૫ વર્ષ પહેલાં જ તેમના દાદા મુંબઈ આવીને વસ્યા હતા. મમ્મી ગૃહિણી અને પપ્પા ન્યુ એરા સ્કૂલના શિક્ષક હતા. જોકે મેહુલભાઈને તેમણે ખારમાં આવેલી એમ. એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ અને શારદા મંદિરમાં દાખલ કર્યા. એ વાતની સ્પષ્ટતા કરતાં મેહુલભાઈ કહે છે, ‘મારા પપ્પા ખૂબ સિદ્ધાંતવાદી છે. તેમને એ સમયે થયું કે મારી જ સ્કૂલમાં મૂકીશ અને જો છોકરાનો રૅન્ક આવ્યો તો કોઈ તો હશે જ જે કહેશે કે પપ્પા સ્કૂલમાં શિક્ષક છે એટલે રૅન્ક આવ્યો. આવું ન સાંભળવું પડે એટલે મને બીજી શાળામાં મૂક્યો. ફાલ્ગુની પાઠક અને હું બન્ને એક જ ક્લાસમાં હતાં. ઍક્ટર રાગિણી અમારાં સિનિયર હતાં. હું ૬ વર્ષનો હતો ત્યારે મને નાટકમાં એક પારસીનો રોલ મળ્યો હતો જેના માટે મને ગુલઝારસાહેબના હસ્તે અવૉર્ડ મળ્યો હતો. એ પછી તો સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા હોય કે કાવ્યપઠન, ઍક્ટિંગ કરવાની હોય કે ઍન્કરિંગ; આપણે સ્ટેજ પર જ જોવા મળીએ. સ્ટેજ મને પહેલેથી જ ખૂબ ગમતું. મને યાદ છે કે એક વખત મારી મમ્મી મારી સ્કૂલમાં મારા માટે લડવા આવેલી કે તમે જાણીજોઈને મારા દીકરાને નાટકમાં નથી લઈ રહ્યા, આવું નહીં ચાલે; તેનામાં ટૅલન્ટ છે, તેને નાટકમાં લો. અમારા ઘરમાંથી કોઈ કલાકાર નહીં, પણ મારી મમ્મીને એવું ઘણું હતું કે હું નાટકોમાં કામ કરું.’
નાટક શીખવાની શરૂઆત
એક શિક્ષકના ઘરમાં ભણતરનું મહત્ત્વ ઓછું તો હોય નહીં. એટલે મેહુલભાઈએ કૉમર્સમાં ગ્રૅજ્યુએશન પતાવીને કમ્પ્યુટર ઍપ્લિકેશનમાં માસ્ટર્સ પણ કર્યું. તેમણે ગ્રાફિક ડિઝાઇનિંગ શીખ્યું અને નાટકના જ બે મિત્રો સાથે મળીને પોતાની એક કંપની શરૂ કરી જેમાં એ સમયે ૧૦૦થી પણ વધુ ડેસ્કટૉપ સેટ-અપ કરીને તેમણે ડિઝાઇનિંગનો બિઝનેસ કર્યો. તો પછી ઍક્ટિંગની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં મેહુલભાઈ કહે છે, ‘મને સ્ટેજનો મોહ ખૂબ હતો. ભવન્સ કૉલેજમાં મેં ઍડ્મિશન જ એટલે લીધું હતું કારણ કે મેં સાંભળેલું કે કમલેશ મોતા નામની વ્યક્તિ છે જે નાટકો કરાવે છે. તેઓ મારાથી ૫-૬ વર્ષ સિનિયર હતા. ૧૯૮૯માં મમ્મી શોધી લાવી કે બેટા, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક નાટકની વર્કશૉપનું આયોજન કરી રહ્યું છે જેમાં કાન્તિ મડિયા નાટક શીખવશે. સાચું કહું તો કાન્તિ મડિયા અમારા માટે ભગવાન હતા એ સમયે. તેમની પાસેથી શીખવાની તક કેવી રીતે જતી કરી શકાય? એટલે મેં એ વર્કશૉપમાં ભાગ લીધો. એમાં મધુ રાયનું ‘પાનકોર નાકે જઈએ’ નાટક તેમણે અમને શીખવ્યું. એ ફક્ત ૧ મહિનાની વર્કશૉપ હતી, ફક્ત ૧૦૦ રૂપિયાની ફી સાથે જ તેમણે ૯ મહિના સુધી ચલાવી કારણ કે કાન્તિભાઈને એવું હતું કે જ્યાં સુધી નાટક આત્મસાત્ ન થઈ જાય ત્યાં સુધી તે મૂકે નહીં. સવારે ૧૦થી રાત્રે ૮ સુધી તેમની પાસે જે અમે ટ્રેઇનિંગ લીધી એ જીવનભરનું લર્નિંગ બની ગયું. એ પછી કમર્શિયલી કાન્તિભાઈએ જ અમને કામ આપ્યું અને અમે રંગભૂમિ પર કામ શરૂ કર્યું. ૧૯૮૯થી આજ સુધી કેટલાં નાટકો કર્યાં એની ગણતરી નથી કરી શક્યો, પરંતુ હાલમાં શેમારુ અને ફાઉન્ટન વિડિયો પર મારાં ૧૦૪ જેટલાં નાટકો તો છે.’
લગ્ન સમયની તસવીરમાં ડાબેથી પરેશ દરુ, મેહુલભાઈ અને અલ્પના બુચ અને છેલભાઈ.
જીવનસાથી સાથે મુલાકાત
વર્કશૉપ દરમિયાન જ નાટકોના વિખ્યાત આર્ટ-ડિરેક્ટર છેલભાઈની દીકરી અલ્પના સાથે તેમની મુલાકાત થઈ. એ સમય યાદ કરતાં મેહુલભાઈ કહે છે, ‘હું એ વર્કશૉપનો મૉનિટર બની ગયેલો. એક દિવસ કાન્તિભાઈએ કહ્યું કે આજે છેલભાઈની દીકરી આવવાની છે રિહર્સલ જોવા તો મને થયું ખબર નહીં કોણ છે. હું ત્યાં મૉનિટર થઈને ફરું અને ત્યાં અલ્પના આવી. એ તો કાન્તિભાઈ સાથે કામ કરી ચૂકેલી અને વળી છેલભાઈની દીકરી એટલે અલગ જ ઍટિટ્યુડ હતો તેનો. એ મુલાકાત પછી અમે વર્કશૉપ અને નાટકોના બહાને મળતાં રહ્યાં. એક દિવસ તેની મિત્ર છાયા વોરા થકી તેણે પ્રપોઝલ મૂકી. છાયાએ મને પૂછ્યું કે અલ્પના કેવી છે? મેં કહ્યું સારી છે. તો કહે કે એમ નહીં, કોઈની સાથે લગ્ન કરે તો? મેં કહ્યું કે હા, એ છોકરા માટે સારું રહેશે. તો છાયાએ ભડકીને મને કહ્યું કે અરે! તારા માટે કેવી રહેશે? પછી મને ઝબકી. હું ખૂબ જ અલગારી જીવ હતો એ સમયે. અમારા બન્નેના ઘરેથી કોઈ જ વિરોધ નહોતો એટલે ખૂબ સરળતાથી લગ્ન થઈ ગયાં.’
જાહેરખબરમાં ખૂબ કામ કર્યું
લગ્ન પછી અલ્પનાબહેને મેહુલભાઈના કેટલાક ફોટોઝ કોઈ એજન્સીમાં મોકલી દીધા હતા જ્યાંથી તેમને જાહેરખબર માટેના ઑડિશનમાં બોલાવવામાં આવ્યા. એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘એ સમયે પેજર હતાં. મને એના પર મેસેજ આવ્યો એટલે હું ઑડિશન માટે ગયો. ત્યાં મારા કરતાં ખૂબ સારા દેખાતા છોકરાઓ આવેલા. મને થયું હું કેવી રીતે સિલેક્ટ થઈશ? પણ એ છોકરાઓને જે સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી તેઓ એ યાદ કરીને વ્યવસ્થિત બોલી શકતા નહોતા. નાનપણથી હું ફોટોજેનિક મેમરી ધરાવું છું. જોઉં એટલે યાદ રહી જ ગયું હોય. વળી વક્તૃત્વ સ્પર્ધાઓ અને રંગમંચની પ્રૅક્ટિસ એટલી કે એ લાઇનો તો હું સરળતાથી બોલી ગયો. મને આજે પણ યાદ છે ત્યાંથી ફોન આવ્યો કે સર, તમને અન્નપૂર્ણા સૉલ્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે, તમારું બજેટ શું છે? મને તો કંઈ ખબર નહોતી એટલે મેં કહ્યું ૧૫. તેમણે કહ્યું કે કૉન્ટ્રૅક્ટ બનશે. તો મેં કહ્યું કે તો-તો ૨૫ આપજો. એ છોકરીએ કહ્યું કે સર, ૧.૭૫થી વધુ અમે નહીં આપી શકીએ. એ છોકરી સમજતી હતી કે હું અઢી લાખ માગી રહ્યો છું, જ્યારે હું તો ૨૫ હજાર કહેતો હતો. તેમનું બજેટ લાખોમાં હતું. એ સમયે જાહેરખબરોમાં ખૂબ પૈસા મળતા. ૧૯૯૯-૨૦૦૧ સુધીનો સમય એવો હતો કે વર્લ્ડ કપ ચાલતો હોય ત્યારે એક બ્રેકમાં આવતી ૮ જાહેરખબરમાંથી છમાં હું આવતો. વળી ત્યારે એ સમયે ખાસ નિયમો હતા નહીં એટલે મેં એકલાએ અલગ-અલગ બૅન્કો જેમ કે HDFC, બૅન્ક ઑફ પંજાબ, SBI, BoB કાર્ડ બધામાં કામ કર્યું છે. એ સમયે ૨૩૬ જાહેરખબરોમાં મેં કામ કર્યું. સાઉથ ઇન્ડિયાની પણ લગભગ ૧૦૪ જાહેરખબરોમાં મેં એ સમયે કામ કરેલું જેના માટે ચેન્નઈ પણ ઘણું આવવા-જવાનું રહ્યું.’
લગ્નજીવન
૧૯૯૯માં મેહુલભાઈ અને અલ્પનાબહેનનાં લગ્ન થઈ ગયાં હતાં. એ પછી તેમને જાહેરખબરોમાં એટલું કામ મળ્યું કે તેમણે તેમનો ગ્રાફિક ડિઝાઇનિંગવાળો બિઝનેસ બંધ કરી દીધો. લગ્ન પછી અલ્પનાબહેનને ઑલ ઇન્ડિયા રેડિયોમાં કાયમી અનાઉન્સર તરીકેની જૉબ મળી ગઈ હતી. બન્નેને એક દીકરી છે ભવ્યા, જે તેના નાનાના પગલે આર્ટ-ડિરેક્શનમાં જ આગળ વધી રહી છે. અલ્પનાબહેન વિશે વાત કરતાં મેહુલભાઈ કહે છે, ‘અલ્પનાને કારણે જ મને મૉડલિંગનું કામ મળ્યું, કારણ કે એ ફોટોઝ તો તેણે જ મને પૂછ્યા વગર મોકલી આપેલા. બીજું એ કે ગમેતેટલું નામ અને કામ અમારા ફીલ્ડમાં મળે પણ અસુરક્ષા તો લટકતી તલવારની જેમ માથે જ ઊભી રહેતી હોય છે. અલ્પનાએ ૧૭ વર્ષ આકાશવાણીમાં કામ કર્યું, જેને લીધે એક સ્થાયી આવક આવતી થઈ ગઈ. એટલે હું એક ઍક્ટર તરીકે વગર ચિંતાએ કામ કરી શક્યો. જે કામ મને ગમતું હતું એ કરી શક્યો. જો તેણે એ જૉબ ન કરી હોત તો હું ઍક્ટર ન બની શકત, કારણ કે એ જવાબદારીઓ મને પાછળ ખેંચત.’
લેખનમાં રસ
નાનપણથી મેહુલભાઈને લેખનમાં રસ તો હતો જ. તેમને મળતાં પાત્રો જ્યારે તેમને ન ગમે કે તેમને સંભળાવવામાં આવતી વાર્તાઓ ન ગમે ત્યારે તેમની અંદરનો લેખક જાગે અને તેમને ઢંઢોળે કે તું કંઈક લખ. મેહુલભાઈએ ઘણાં પ્લે લખ્યાં છે પણ ફિલ્મ પહેલી વાર લખી છે, જે વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘બધાં જ ક્રીએટિવ કામ મને ગમે છે. એમાં લેખન પણ એક છે. કોઈ વિષય મને ગમી જાય તો એ વિશે ઊંડાણપૂર્વક લખવું મને ગમે. હાલમાં મારી લખેલી એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જે વૃદ્ધાવસ્થાની પરિસ્થિતિ પર આધારિત છે. એનું નામ છે, ‘જિંદગી હજી બાકી છે દોસ્ત!’’
યાદગાર પળ
જીવનની એક અતિ યાદગાર ક્ષણ વિશે વાત કરતાં મેહુલ બુચ કહે છે, ‘એક વાર રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ મુંબઈ આવવાના હતા ત્યારે આખા મુંબઈમાંથી ૬ બાળકો સિલેક્ટ થયાં હતાં જેમાં મારી દીકરી ભવ્યા પણ હતી જે કલામસાહેબ સામે સ્પીચ આપવાની હતી. અમારા માટે એ ગર્વની વાત હતી એટલે હું મારા પપ્પાને લઈને પહોંચી ગયો. ઘરના બાકીના સદસ્યો મોડા આવવાના હતા. મારી પાસે ત્યારે પાસ નહોતો અને સિક્યૉરિટી એકદમ કડક. ત્યારે એક લેડી કૉન્સ્ટેબલે મને ઓળખી લીધો. મને અને પપ્પાને ખૂબ માન સાથે અંદર લઈ ગયાં. મેં કહ્યું મારા ઘરના બીજા લોકો પણ આવે છે તો તેમણે કહ્યું, આ VVIPની લાઇનમાં તમે બેસી જાઓ. એ ફંક્શન પત્યું અને જેવા બહાર નીકળ્યા તો એકસાથે એક મોટું ટોળું મને ઘેરી વળ્યું. ઑટોગ્રાફ અને ફોટોગ્રાફ માટે પડાપડી થતી જોઈને મારા પપ્પા ગદ્ગદ થઈ ગયા અને એ સમયે મેં તેમની આંખમાં આંસુ ઝળકતું જોયું. આ ક્ષણ મારા માટે અત્યંત યાદગાર છે. એ હું ક્યારેય નહીં ભૂલું.’
છેલભાઈ સાથેનાં સ્મરણો
ગુજરાતી રંગભૂમિના રસિકો છેલ-પરેશનાં નામથી અજાણ નહીં હોય. ચાર-ચાર દાયકા સુધી આર્ટ-ડિરેક્શનમાં ગુજરાતી રંગભૂમિને આગળ પડતી રાખનારી આ બેલડીમાંના એક એટલે સ્વ. છેલભાઈ વાયડા. તેમને યાદ કરતાં મેહુલભાઈ કહે છે, ‘છેલભાઈ નાટકોને કારણે મને પહેલેથી ઓળખે. જ્યારે અમારાં લગ્ન નક્કી થયાં ત્યારે તેમણે મને કહ્યું હતું કે હું મેહુલને કુમાર નથી કહેવાનો, તે મારા માટે મેહુલ જ રહેશે. અને મેં તેમને કહ્યું હતું કે હું તમને પપ્પા નહીં કહું, તમે મારા માટે છેલભાઈ જ રહેશો. એ વાતનાં વર્ષો પછી એક નાટકના રિહર્સલમાં નાદિરા બબ્બર બાજુમાં જ શૂટ કરતાં હતાં એટલે અમને મળવા આવ્યાં હતાં. તેમણે પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે તમે બન્ને સસરા-જમાઈ છો. તો અમે કહ્યું કે હા. પણ તેઓ માનવા જ તૈયાર નહીં. તેમણે કહ્યું કે હમણાં તો તમે બન્ને બાજુના રૂમમાં ઘાંટાઓ પાડીને ઝઘડતા હતા. ત્યારે અમે બન્ને હસી પડ્યા હતા. મેં તેમને કહ્યું કે અમે ભલે સસરા-જમાઈ રહ્યા પણ અત્યારે હું ડિરેક્ટર છું અને તેઓ આર્ટ-ડિરેક્ટર. એટલે અહીં તો ઝઘડી શકાય.’
નૅશનલ અવૉર્ડની કામના
તમારું કોઈ બકેટ લિસ્ટ ખરું? આટઆટલું કામ કર્યા પછી હજી જીવનમાં શું રહી ગયું છે? આ વાતનો જવાબ આપતાં મેહુલભાઈ કહે છે, ‘બકેટ લિસ્ટ જેવું મર્યાદિત ગોલ્સવાળું જીવન મને ગમતું નથી એટલે મેં એવું કશું બનાવ્યું નથી. એક કલાકાર તરીકે હું અત્યંત કૃતાર્થ છું કે મને આવું અને આટલું કામ કરવા મળી રહ્યું છે. એનાથી વધુ શું જોઈએ? પણ એક વસ્તુ જે મને જોઈએ જ છે એ છે એક નૅશનલ અવૉર્ડ. એ તો હું લઈને જ રહીશ.’

