Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પાર્કિન્સન્સ છે તો શું થયું? એને હંફાવીને જ જંપીશ

પાર્કિન્સન્સ છે તો શું થયું? એને હંફાવીને જ જંપીશ

Published : 18 December, 2024 02:19 PM | Modified : 18 December, 2024 02:49 PM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

ખબર છે કે આ રોગ એક દિવસ પથારીવશ બનાવીને જ રહેશે અને છતાં એને હંફાવવા માટે વરલીમાં રહેતા યોગેશ રૂપારેલે જે કમિટમેન્ટ સાથે કમર કસી છે એ કાબિલેદાદ છે.

પત્ની જાગૃતિ, પુત્ર મનીષ અને  દીકરી માનસી સાથે યોગેશ રૂપારેલ.

પત્ની જાગૃતિ, પુત્ર મનીષ અને દીકરી માનસી સાથે યોગેશ રૂપારેલ.


ખબર છે કે આ રોગ એક દિવસ પથારીવશ બનાવીને જ રહેશે અને છતાં એને હંફાવવા માટે વરલીમાં રહેતા યોગેશ રૂપારેલે જે કમિટમેન્ટ સાથે કમર કસી છે એ કાબિલેદાદ છે. પાર્કિન્સન્સને કારણે જે-જે મુશ્કેલીઓ આવી શકે એમ છે એને પાછી ઠેલવા માટે તેમણે ખૂબ રિસર્ચ કરીને આહાર-વિહાર અને ઍક્ટિવિટીનું એવું શેડ્યુલ બનાવ્યું છે જેને તેઓ આકાશ-પાતાળ એક થાય તોય જાળવી રાખે છે. જે રીતે તેઓ પાર્કિન્સન્સ જેવા ડિસીઝને હંફાવી રહ્યા છે એ જોઈને હવે તો ડૉક્ટરો તેમના પેશન્ટ્સને સારવારની સાથે શું કરવું એ માટે યોગેશભાઈને મળવાનું કહે છે


ઘરમાં પપ્પાને ૧૦ વર્ષથી પાર્કિન્સન્સ ડિસીઝને કારણે પથારીવશ અવસ્થામાં જોયા હોય એ વ્યક્તિને ૫૪ વર્ષની ઉંમરે પાર્કિન્સન્સ છે એવું નિદાન થાય ત્યારે શું થાય? સૌથી પહેલાં તો આંખ સામે રીલ બનવા લાગે કે હવે મારી હાલત પણ પપ્પા જેવી જ થશે, હું પણ આવી જ રીતે ઘરમાં બંધિયાર થઈને રહીશ, મારો પણ બિઝનેસ અને સામાજિક મેળાવડા બંધ થઈ જશે... મારી પણ જિંદગી હવે પૂરી થઈ ગઈ...



વરલીમાં રહેતા ૫૮ વર્ષના યોગેશ રૂપારેલને ચાર વર્ષ પહેલાં જ્યારે પાર્કિન્સન્સ ડિસીઝનું નિદાન થયું ત્યારે તેમને પણ શરૂઆતમાં આવા વિચારો આવ્યા. થોડોક સમય ડિપ્રેશન જેવું પણ રહ્યું, પણ થોડા જ સમયમાં તેમણે પથારીવશ થઈ જવાના ભયાવહ સપનાને ખૂબ સભાનતાપૂર્વક લાત મારીને તગેડી મૂક્યું. પાર્કિન્સન્સ છે એવો સ્વીકાર કરીને તેમણે એની સામે બાથ ભીડવાનું નક્કી કર્યું. ખબર છે કે આ રોગનો કોઈ ઇલાજ નથી, તમે બહુ મહેનત કરો તો પણ એના પ્રોગ્રેશનને થોડાક મહિના કે થોડાંક વર્ષોથી વધુ ડિલે નહીં કરી શકો. બાકી ડેસ્ટિનીને કોઈ રોકી નથી શકવાનું. એમ છતાં તેમણે પાર્કિન્સન્સને હંફાવવામાં કશું બાકી નથી રાખ્યું. પાર્કિન્સન્સ જેવા ન્યુરોડીજનરેટિવ અને ઇન્ક્યૉરેબલ ડિસીઝને પોતાનો મિત્ર બનાવીને યોગેશ રૂપારેલે જીવનને અલગ જ રીતે જીવવા-માણવાની એટલી સુંદર યોજના ઘડી છે કે આજે તેઓ આ રોગના દરદીઓ માટે મિસાલ બની ચૂક્યા છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.


ખતરાની પહેલી ઘંટી
૨૦૨૧નો માર્ચ મહિનો હતો. કોવિડની પહેલી વૅક્સિન લઈને આવ્યા પછી પહેલી વાર ખતરાની ઘંટી અનુભવાઈ એ વિશે યોગેશ રૂપારેલ કહે છે, ‘ઘરમાં એક વાર નિરાંતે પગ લાંબા કરીને ટીવી જોતો હતો ત્યારે મારું અચાનક જ ધ્યાન ગયું કે જમણા પગનો અંગૂઠો હલી રહ્યો છે, હું નથી હલાવતો છતાં હલી જ રહ્યો છે, રોકવાની કોશિશ છતાં રોકાતો નથી. તરત મનમાં ખતરાની ઘંટી વાગી. ઘરમાં નજર સામે જ પપ્પા પાર્કિન્સન્સ ડિસીઝથી બેડરિડન હતા. પપ્પાની પણ શરૂઆત કંઈક આવી જ રીતે થયેલી. પપ્પા બહુ હેરાન થઈ રહ્યા હતા એ હું જોઈ રહ્યો હતો, પણ તેમને એમ જ જોવા સિવાય ‌બીજો કોઈ વિકલ્પ નહોતો. હું પણ માનતો હતો કે પાર્કિન્સન્સ ડિસીઝ તો બુઢાપાનો રોગ છે, એનું કંઈ ન થઈ શકે; પણ મને જે લક્ષણો દેખાયાં એ જોઈને થયું કે મને પણ કદાચ હશે તો? મારા પપ્પાની ડૉ. જૉય દેસાઈની ટ્રીટમેન્ટ ચાલતી હતી. સીક્રેટ‍્લી મેં તેમની અપૉઇન્ટમેન્ટ લીધી. ચેક કરીને તેમને લાગ્યું કે ના, પાર્કિન્સન્સ નથી. મને હાશકારો થયો અને પછી પત્નીને જાણ કરી કે ભઈ તમારાથી છુપાઈને મેં ડૉક્ટરને કન્સલ્ટ કરેલા પણ મારો ભ્રમ જ હતો, પાર્કિન્સન્સ નથી; ડૉક્ટર કહે છે કે તમાકુ છોડી દેજે, પણ મારાથી એ થવાનું નથી. મનથી ભલે શાંતિ થયેલી, પણ શારીરિક લક્ષણો મટ્યાં નહોતાં. પહેલાં માત્ર અંગૂઠો ધ્રૂજતો હતો અને હવે પગ હલવા લાગ્યો. નાહવા બેસીએ તોય પગ અચાનક હલવા લાગે. જોકે એ દરમ્યાન પપ્પાની તબિયત લથડી એટલે એની ભાગાદોડીમાં ખાસ ધ્યાન ન આપ્યું. એપ્રિલ મહિનામાં પપ્પાને કોવિડ થયો અને એમાં પપ્પા જતા રહ્યા. એ પછી મને થયું કે ફરી એક વાર ડૉક્ટરને પૂછી લઉં કે ધ્રુજારી કેમ વધી રહી છે. આ વખતે ડૉ. જૉય દેસાઈએ મને તપાસીને કહ્યું કે યોગેશભાઈ, લાગે છે કે પાર્કિન્સન્સ ડિસીઝ છે જ. મને શંકા હતી એટલે જ બતાવવા ગયેલો, પણ જ્યારે ડૉક્ટરે કહ્યું કે છે ત્યારે મન માનવા તૈયાર નહોતું; ના-ના, મને ન હોય; આ ઉંમરે વળી થોડો થતો હશે! પહેલાં હું કહેતો હતો કે કદાચ મને પાર્કિન્સન્સ છે, પણ હવે ડૉક્ટર કહે છે ત્યારે હું માનવા તૈયાર નહોતો. હું બીજા ડૉક્ટરને મળ્યો. ડૉ. પ્રશાંત મખીજાને મળ્યો. તેમણે મને દોડાવ્યો, સર્કલમાં ચલાવ્યું અને બીજી કેટલીક ટેસ્ટ લીધી અને કહ્યું કે ના, પાર્કિન્સન્સ નથી. ફરી ખુશી થઈ. જોકે લક્ષણો તો વધ્યા જ કરે. પગની ધ્રુજારીના ફેઝ પણ વધ્યા કરે. હું ડૉ. જિમી લાલકાકા પાસે ગયો. તેમણે મારાં લક્ષણો જોઈને નિદાન કર્યું કે તને પાર્કિન્સન્સ છે જ.’


જિમમાં ટ્રેઇનિંગનો નિયમ અચૂક પાળે છે યોગેશ રૂપારેલ.

હવે શરૂ થયો સેટબૅક
લક્ષણો વધતાં ચાલ્યાં અને સાથે પાર્કિન્સન્સ માટેનો અસ્વીકાર પણ મનમાં ઘેરો થયા કર્યો. પપ્પાની સ્થિતિ નજરે જોયેલી એટલે હવે આગળ મારું શું થવાનું છે એની કલ્પના પણ કમકમાં લાવી દેનારી હતી અને એટલે મન છટપટતું હતું કે કાશ, કોઈ કહે કે મને પાર્કિન્સન્સ નથી. મનના આ ઉદ્વેગને અત્યારે ખૂબ સ્વસ્થતા સાથે શૅર કરતાં યોગેશભાઈ કહે છે, ‘ઑક્ટોબર મહિના સુધી મારું મન ડિનાયલ મોડમાં જ રહ્યું. ક્યાંક મનમાં કચવાટ થતો. હું ૨૩ વર્ષનો હતો ત્યારથી ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસનો શિકાર રહ્યો છું. ૨૦૧૫ની સાલ સુધી મારી એવી સ્થિતિ હતી કે પાછળ જોવું હોય તો મૂંડી પણ ન વાળી શકું. દવાથી માંડ એ થાળે પડ્યું ત્યાં આ નવો પડકાર? હું મનથી રોગને નકારતો હતો, પણ લક્ષણો આગળ વધતાં રોકાતાં નહોતાં. બોલતી વખતે જીભ થોથવાય, ચાલતી વખતે પગ ઊંચકાવાને બદલે ઢસડાય, સોફામાં બેસવા જઈએ તો પ્રૉપર્લી જ્યાં બેસવાનું હોય એનાથી આગળ-પાછળ બેસી પડાય. લક્ષણો બહુ ઝડપથી પ્રોગ્રેસ થતાં જતાં હતાં. હું જોતો હતો કે પાર્કિન્સન્સનું નિદાન થાય એટલે દરદીઓ બિઝનેસ આટોપી લેતા. ધ્રુજારી આવે ત્યારે લોકો શરમાતા અને જાહેરમાં આવું ન થાય એ માટે ઘરમાં જ ગોંધાઈ રહેતા. મેં વિચાર્યું કે અત્યાર સુધી ‌આખી જિંદગી ફાઇટર બનીને જીવ્યો અને હવે હું આમ જ હાર માની લઈશ? દિલમાંથી જવાબ આવ્યો ના, હરગિજ નહીં.’

પાર્કિન્સન્સના દરદી થઈને પણ આરામથી ઢોલ વગાડી શકે એવું કદાચ ઇન્ડિયામાં પહેલી વાર હશે. 

તો કરવું શું?
ઑલરેડી જબરજસ્ત સ્ટિફનેસ આવી જાય એવી સાંધાની સમસ્યા ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસ સામે ફાઇટર સ્પિરિટ દેખાડી ચૂક્યા પછી હવે જંગ પાર્કિન્સન્સ સામે ખેલવાનો હતો. એ ખેલ માટે દુશ્મન કોણ છે અને કેવો છે એ સમજવું બહુ જરૂરી હોવાથી પાર્કિન્સન્સ વિશે અભ્યાસ કરવાની શરૂઆત કરવા વિશે યોગેશભાઈ કહે છે, ‘મેં પાર્કિન્સન્સ ડિસીઝના દરેક તબક્કાને સમજવાનું શરૂ કર્યું. કઈ રીતે ધીમે-ધીમે આ રોગ તમને જકડતો જાય છે એ નોંધ્યું. આ રોગમાં ચાલવાની પદ્ધતિ, બૅલૅન્સ જાળવવાની ક્ષમતા એ બધું ધીમે-ધીમે ખોરવાતું જાય. આ બધું મસલ પરનો કન્ટ્રોલ છૂટી જવાને કારણે થાય. મારા દીકરાએ મને બૅલૅન્સ અને મૂવમેન્ટની જાળવણી માટે એક ડાન્સ મૂવમેન્ટ થેરપિસ્ટ શોધી આપી. એ થેરપી લેતાં-લેતાં મને આ રોગ માટેનાં ઘણાં રિયલાઇઝેશન થયાં. મને ખબર પડી કે જ્યારે ધ્રુજારીના અટૅક આવે છે ત્યારે મસલ ખૂબ જ યુઝ થઈ જાય. તમે દસ-બાર કિલોમીટર ચાલો એટલા પગના મસલ્સ તમારા કંપનના અટૅક દરમ્યાન યુઝ થઈ જાય. જ્યારે પણ મસલ આમ યુઝ થઈ જાય એ પછી એને પૂરતો એક્સરસાઇઝનો ઇન્પુટ ન મળે તો એ લૂઝ થઈ જાય. એનો મતલબ એ કે મસલને મારે સ્ટ્રૉન્ગ કરવા જોઈએ. મેં મારી ક્લબના‌ ફિઝિયોને પકડ્યો અને કહ્યું કે મને જિમમાં વેઇટ-ટ્રેઇનિંગ આપી શકે? તેણે હા પાડી અને મેં એની શરૂઆત કરી દીધી. ટૉપ ન્યુરોલૉજિસ્ટ્સની સલાહ લઈને મેં રોગનું પ્રોગ્રેશન અટકાવવા શું-શું થઈ શકે એની યાદી બનાવવી શરૂ કરી. એ દરમ્યાન પાર્કિન્સન્સ માટે જે એકમાત્ર ગોળી છે સિન્ડોપા એ લેવાની શરૂઆત પણ થઈ ગઈ. આ એવી દવા છે જે એક વાર શરૂ થઈ એ પછીથી એની જરૂરિયાત ધીમે-ધીમે વધતી જ જાય. કેટલાકને દિવસમાં દસ-બાર ગોળીઓ લેવી પડે અને છેલ્લે તો એની અસર પણ બંધ થઈ જાય. મારો ટાર્ગેટ હતો સિન્ડોપાનો ડોઝ વધવા ન દેવાનો, જે મેં છેલ્લાં ત્રણ વર્ષથી દિવસની ત્રણ ગોળી લઈને રોગને કન્ટ્રોલમાં રાખ્યો છે એની ખુશી છે.’

દિલથી સ્વીકાર પહેલું પગલું
ત્રણ વર્ષથી આ બિહામણા રોગ સામે લડવાની શક્તિ ક્યાંથી પ્રાપ્ત થઈ એનું રહસ્ય પણ મજાનું છે. યોગેશભાઈ કહે છે, ‘આમ જુઓ તો સ્વીકાર, દિલથી સ્વીકાર કરો એ જરૂરી છે. નકારવાથી કે છુપાવવાથી તમારામાં જિગર નથી કેળવાવાનું. મોટા ભાગે પાર્કિન્સન્સના દરદીઓ અચાનક શરીરમાં આવતાં કંપનોથી શરમાતા હોય છે. બીજા લોકો શું વિચારશે? અત્યાર સુધી આપણે એકદમ હૅન્ડસમ અને વટ પડે એમ અપટુડેટ રહેતા હોઈએ ને અચાનક ધ્રૂજવા લાગીએ તો કેવું લાગે? આવા વિચારો છોડી દેવા જોઈએ. ઇન ફૅક્ટ, મેં તો લોકોને સામેથી કહેવાનું શરૂ કર્યું કે મને પાર્કિન્સન્સ છે. ક્યારેક કપડાં ખરીદવા જઈએ અને અચાનક કંપન શરૂ થાય તો હું જરાય ખચકાયા વિના કહી દઉં, અને હું મૅનેજ કરી લઈશ એ પણ જણાવું. એક વાર તો હું શૉર્ટ્સ પહેરીને નીચે ચાલતો હતો અને પગ ધ્રૂજતા હતા એટલે સોસાયટીના ફ્રેન્ડે કહ્યું કે આટલી ઠંડી લાગે છે તો પૅન્ટ પહેરને? મેં કહ્યું ભઈ, ઠંડીથી નહીં પણ પાર્કિન્સન્સને કારણે ધ્રૂજે છે, તું ચિંતા ન કર. આમ જાહેરમાં મારા રોગ વિશે વાત કરતા રહેવાથી મને એ ફાયદો થયો કે જ્યારે ધ્રુજારી થાય ત્યારે કોઈને જાણ થઈ જશે એનું નાહકનું સ્ટ્રેસ ન રહે. બીજું, મેં નક્કી કર્યું છે કે નેક્સ્ટ પંદરથી વીસ વર્ષ મારે પાર્કિન્સન્સને મૅનેજ કરીને નૉર્મલ જિંદગી જીવવી છે. લોકોને મળવાનું બંધ નથી જ કરવાનું. હું શૅરબજારનું કામ કરું છું, મારા મિત્રોને પણ ખબર છે. જાહેર જિંદગીમાંથી બ્રેક લેવો જ નથી. જેમ નૉર્મલ માણસ ફરે એમ જ ફરીશ. જ્યારે ધ્રુજારી થાય અને લોકો તમારી સામે જોયા કરે તો જોવા દો. જાતને મૅનેજ કરી લેતાં શીખી લેવાનું. આનો ફાયદો એ થયો કે જેમને પાર્કિન્સન્સ હોય એવા લોકો મને સામેથી મળવા લાગ્યા અને એમાંથી મને જાણે જીવનનું મિશન મળી ગયું.’

સેલ્ફ-હેલ્પ ગ્રુપ બન્યું
લોકો સામેથી યોગેશ રૂપારેલ સાથે પાર્કિન્સન્સ વિશે વાતો કરવા લાગ્યા. બીજા દરદીને ખૂબ પીડાતા જોઈને લોકોને નવાઈ લાગતી કે આ માણસ કઈ રીતે આટલી સ્વસ્થતાથી બધું સ્વીકારીને રહે છે. કંપન ન આવતું હોય ત્યારે તો કોઈ જોઈને કહી પણ ન શકે કે આમને પાર્કિન્સન્સ હશે. તેમની સ્વસ્થતાનો રાઝ સમજવા લોકો સામેથી પૂછતા થયા અને એમાંથી શરૂ થયું એક હેલ્પ ગ્રુપ. એ વિશે યોગેશભાઈ કહે છે, ‘સૌથી પહેલાં માણગાંવના રૂરલ વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષના એક ભાઈનો સંપર્ક થયો. છેલ્લાં આઠ વર્ષથી તેમણે ધંધો બંધ કરી દીધો હતો અને કંઈક થઈ જશે એ ડરે ઘરની બહાર પણ નીકળતા નહીં. તેઓ દવા પણ લેતા નહીં. તેમને મેં હિંમત અપાવીને દવા લેતા કર્યા અને રોગના પ્રોગ્રેશનને અટકાવવા માટે શું થઈ શકે એની ઍક્ટિવિટીઝ કરતા શરૂ કર્યા. બીજા બે ભાઈઓને પણ પાર્કિન્સન્સ છે એ પણ મળ્યા. જે કોઈ પણ મને મળે તેમને જબરું આશ્ચર્ય થાય કે આટલી સ્વસ્થતાથી કઈ રીતે આ માણસ રહે છે? મારા સપોર્ટ ગ્રુપમાં અત્યારે આઠેક જણ છે. તેમને પણ હું દિવસમાં ચોક્કસ અમુક એક્સરસાઇઝ અને ઍક્ટિવિટીઝ કરવા પ્રેરું છું. બધાએ રોજની ઍક્ટિવિટી ગ્રુપમાં શૅર કરવાની. હું તેમને પ્રેરણા મળે એ માટે મારા ડાન્સના વિડિયો મોકલું. જિમમાં જે બૅલૅન્સ એક્સરસાઇઝ કરું એના વિડિયો પણ શૅર કરું. આગળ-પાછળ અને સાઇડમાં ચાલવાની એક્સરસાઇઝ કરતો હોઉં કે પછી ઢોલ વગાડતો હોઉં એ વિડિયો જોઈને તેઓ દંગ રહી જાય. એક વાર તો મારા જ ગ્રુપના એક મેમ્બરે એક ન્યુરોલૉજિસ્ટને મારા વિડિયો બતાવ્યા. તો એ ડૉક્ટરે કહ્યું કે આમાં ત્રણ જ શક્યતા છેઃ એક, કાં તો આ માણસ ખોટાડો છે, તેને પાર્કિન્સન્સ છે જ નહીં; બીજું, ધારો કે કંઈ તકલીફ હશે તો પાર્કિન્સન્સ નહીં, બીજું કંઈક હશે અને ત્રીજું, જો તેને પાર્કિન્સન્સ હોય તો આ માણસનો વિલપાવર કાબિલેદાદ છે.’

જ્યારથી પાર્કિન્સન્સ ડિસીઝનું નિદાન થયું છે ત્યારથી યોગેશભાઈના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે આવનારાં વીસ વર્ષ સુધી આ જ જીવનશૈલીને ટકાવી રાખવાનું મિશન. એ માટે તેમણે લાઇફસ્ટાઇલને એટલી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી છે જેમાં રોજિંદી શારીરિક-માનસિક એક્સરસાઇઝમાં કોઈ જ બાંધછોડ નહીં કરવાની. યોગેશભાઈ કહે છે, ‘બપોરે સાડાત્રણ સુધી હું બાંદરાની ઑફિસે કામ કરતો હોઉં. એ પછી બે દિવસ જિમ, બે દિવસ ‌ડાન્સ મૂવમેન્ટ થેરપી અને બે દિવસ ડાન્સ/ફિઝિયો નિશ્ચિત છે. એ કોઈ કાળે કૉમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. કોઈનાં લગ્ન હોય કે કરોડોની ડીલ માટેની મીટિંગ, આ સમયે નહીં એટલે નહીં જ. હવે તો મારા ફ્રેન્ડ્સ અને બિઝનેસ કલીગ્સ પણ સમજી ગયા છે એટલે ફોર્સ નથી કરતા. અને હા, ગૂઢી પાડવા વખતે ગિરગામ પથકમાં આજે પણ હું ઢોલ વગાડવા જાઉં છું અને એ માટે મહિના પહેલાંથી પ્રૅક્ટિસ કરવાની હોય એમાં પણ દિલથી ભાગ લઉં. પાર્કિન્સન્સનો કોઈ પેશન્ટ ઢોલ વગાડતો હોય એવો કેસ અત્યાર સુધી ઇન્ડિયામાં જોવા નથી મળ્યો. બસ, લોકો આવું કહે ત્યારે દિલને ખૂબ ખુશી થાય છે.’

શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ કરતા અને ડાન્સ મૂવમેન્ટ થેરપિસ્ટ તેજાલી કુંતે સાથે યોગેશ રૂપારેલ.

અનુભવથી મોટો કોઈ ગુરુ નહીં
કોઈ ડૉક્ટર પાર્કિન્સન્સ ડિસીઝને સમજે તો એ તેનું મેડિકલ જ્ઞાન હશે પણ યોગેશભાઈ પોતાના શરીરને સાંભળીને, સમજીને એના પ્રયોગો પોતાના પર કરે છે. તે કહે છે, ‘પાર્કિન્સન્સને હું ક્યારેય દિવ્યાંગતા નથી સમજતો કે નથી સમજવાનો. જેમ ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિન હૉર્મોન નથી ઝરતો તો ડાયાબિટીઝ થાય છે એમ મગજમાંથી ડોપમીન ઝરવાનું ઘટી જાય છે એટલે પાર્કિન્સન્સ થાય છે. આપણે જો ડાયાબિટીઝને અક્ષમતા નથી ગણતા તો પાર્કિન્સન્સને કેમ ગણવાનો? એ પણ ડાયાબિટીઝની જેમ મૅનેજ થઈ જ શકે છે. દરેક દરદીએ પોતાના શરીરની મૂવમેન્ટમાં આવતા બદલાવને સમજીને એને રોકવાનો પડકાર ઝીલવાની જરૂર છે.’

પાર્કિન્સન્સ સામેથી લડત માટે શું કરે છે યોગેશ રૂપારેલ?

તેમણે આ રોગનાં તમામ લક્ષણોને બારીકીથી સમજ્યાં છે અને અત્યારથી જ તેમણે એ લક્ષણો પ્રોગ્રેસ ન થાય એ માટે મસલને ટ્રેઇન કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક ઉદાહરણો જાણીએ.

. રોજ મોટા અક્ષરમાં ABCD લખવાનીઃ આ રોગમાં દરદીના અક્ષરો ઝીણા થવા લાગે છે અને ધીમે-ધીમે તે લખવાની ક્ષમતા ગુમાવી દે છે. સહી પણ નથી થઈ શકતી. આના માટે રોજ મોટા અક્ષરે કૅપિટલ અને સ્મૉલ ABCD લખવાની. રોજ આદત રાખવાથી મગજ-હાથનું કો-ઑર્ડિનેશન સતત જળવાયેલું રહે.

. રોજ જાત-ભાતનાં એક્સપ્રેશન આપવાનાં: આ રોગના દરદીઓનો ચહેરો ધીમે-ધીમે હાવભાવવિહોણો થવા લાગે. એને સ્ટોન-ફેસ કહેવાય. તમારા ચહેરાના સ્નાયુઓને સતત કામ કરતા રાખવા માટે ચહેરાના મસલ્સની સ્ટ્રેચિંગ અને કૉન્ટ્રૅક્શનની મૂવમેન્ટ કરતી એક્સરસાઇઝનો ચાર્ટ બનાવ્યો છે. રોજ અરીસામાં જોઈને જાત-જાતનાં મોં બનાવવાની આ કસરત કરવાની.

. રોજ સવારે ઊઠીને સ્ટ્રેચિંગ કરવાનુંઃ આર્થ્રાઇટિસમાં જૉઇન્ટ્સ સ્ટિફ થઈ જાય, જ્યારે પાર્કિન્સન્સમાં મસલ્સ સ્ટિફ થવા લાગે. સ્ટિફનેસને કારણે તમારી ચાલવાની લઢણ બદલાઈ જાય. એવું ન થાય એ માટે રોજ સવારે ઊઠીને પગથી ગરદન સુધીના તમામ સ્નાયુઓને સ્ટ્રેચ કરવાના.

. વૉક, રિવર્સ-વૉક અને સ્વિંગ્સઃ ચાલતી વખતે સંતુલન બગડી જાય છે પાર્કિન્સન્સમાં.  ચાલવાની પ્રૅક્ટિસ બહુ જ જરૂરી છે. જોકે સીધાની સાથે રિવર્સમાં પણ ચાલવું. એનાથી મગજને વધુ કસરત મળે છે. એનાથી શરીર અને હાથ-પગનું કૉ-ઑર્ડિનેશન સુધરે છે. અને હા, ચાલતી વખતે સભાનતાપૂર્વક હાથને આગળ-પાછળ સ્વિંગ કરવા. પાર્કિન્સન્સના દરદીઓ હાથ સીધા સ્થિર રાખીને ચાલવા લાગે છે, જે તેમની ચાલ અને સંતુલન બગાડે છે.

. મસલને લૂઝ પડવા દેવા; જિમ, ફિઝિયો કે ડાન્સ કશુંક તો કરવું જઃ વેઇટ-ટ્રેઇનિંગ બેસ્ટ છે, જોકે રોજ એકની એક એક્સરસાઇઝ કરવાને બદલે મસલને સતત લવચીક રાખવા. બે દિવસ જિમમાં ટ્રેઇનિંગ, બે દિવસ ફિઝિયોથેરપી કે ડાન્સ મૂવમેન્ટ થેરપી અને બે દિવસ ડાન્સ. જેવો આવડે એવો ડાન્સ મોજથી કરો.

. દવા લેવાના સમયમાં ધ્યાનઃ સિન્ડોપા એ એવી દવા છે જે અન્ય પ્રોટીન સાથે લેવામાં આવે તો એ પૂરેપૂરી શરીરમાં શોષાતી નથી. એને કારણે દવા લઈને ચા પીઓ કે ચા પીને દવા લો તો એની પૂરતી અસર નથી થતી. દવા લેવાના એક કલાક પહેલાં કે પછી કશું જ ન ખાવું. એનાથી દવાની અસરકારકતા વધે છે અને ડોઝમાં વધારાની જરૂર નથી પડતી.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2024 02:49 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK