‘બીમા સખી’ શબ્દ ભલે હવે ચર્ચામાં છે, પણ આપણી ગુજરાતી મહિલાઓ દાયકાઓ પહેલાં જ આ ક્ષેત્રમાં સક્રિય બની ચૂકી હતી અને પોતાની એક અનોખી ઓળખ પણ બનાવી ચૂકી છે
લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)
‘બીમા સખી’ શબ્દ ભલે હવે ચર્ચામાં છે, પણ આપણી ગુજરાતી મહિલાઓ દાયકાઓ પહેલાં જ આ ક્ષેત્રમાં સક્રિય બની ચૂકી હતી અને પોતાની એક અનોખી ઓળખ પણ બનાવી ચૂકી છે. ‘બીમા સખી યોજના’ હેઠળ સરકાર મહિલાઓને ઇન્શ્યૉરન્સ એજન્ટ બનાવવાની દિશામાં ભરપૂર પ્રયાસો કરી રહી છે ત્યારે મળી લો કેટલીક એવી જ એસ્ટૅબ્લિશ્ડ બીમા સખીઓને
લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC) પાસે લગભગ સાડાચૌદ લાખ એજન્ટ છે જેમાંથી દર ૧૦૦ એજન્ટમાંથી ૨૮ મહિલાઓ છે. જ્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બીમા સખી યોજના’ની જાહેરાત કરી છે ત્યારથી મહિલાઓને LIC એજન્ટ બનવાની દિશામાં ટ્રેઇન કરવાના પ્રયાસોમાં જબ્બર વધારો થયો છે. એનું પરિણામ પણ દેખાવાનું શરૂ થયું છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મોદીજીની જાહેરાતના એક જ મહિનામાં લગભગ ૫૦ હજાર મહિલાઓએ બીમા સખી યોજના માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. દસમું પાસ હોય એવી મહિલાઓને વીમા એજન્ટ તરીકે ટ્રેઇન કરવાની સરકારની યોજનામાં તેમને પાંચથી સાત હજાર રૂપિયા મહિનાનું સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઈ પણ છે. લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી માટે હવે જાગૃતિ વધી છે અને લોકો ઇન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ પણ ઇન્શ્યૉરન્સને મહત્ત્વપૂર્ણ ગણતા રહ્યા છે ત્યારે મળીએ મુંબઈની ચાર એવી બીમા સખીને જેમણે દાયકાઓ પહેલાં કોઈ પણ જાતના ફાઇનૅન્શિયલ બૅકગ્રાઉન્ડ વિના આ ક્ષેત્રમાં ડગ માંડ્યાં અને સફળતાનો એક નવો જ વિક્રમ સરજ્યો.
ADVERTISEMENT
૭૦ વર્ષે પણ આ બાનો વટ પડે છે ઇન્શ્યૉરન્સનાં જાણકાર તરીકે
ઘાટકોપરમાં રહેતાં પ્રજ્ઞા કોઠારી છેલ્લાં ૩૬ વર્ષથી LIC એજન્ટ તરીકે સક્રિય છે. ઉંમરના સાત દાયકા વીતી ગયા છે અને હવે પૈસાની એવી જરૂર નથી એટલે તેમણે ઘણી વાર સ્વૈચ્છિક નિવૃિત્ત માટે અપ્લાય કર્યું પણ તેમના નિવૃત્તિપત્રને સ્વીકૃતિ નથી મળી. તેઓ કહે છે, ‘હું છોડું એવું એ લોકો નથી ઇચ્છતા. આખું જીવન ખૂબ કામ કર્યું છે અને પૈસાની સાથે આ કામને કારણે મને રિસ્પેક્ટ પણ ખૂબ મળ્યો અને લોકોની દુઆઓ પણ ખૂબ મળી.’
પોતાની જર્ની શરૂ કઈ રીતે થઈ એ અરસાને યાદ કરતાં પ્રજ્ઞાબહેન કહે છે, ‘હું ભણતી હતી અને મારાં લગ્ન થઈ ગયાં. ગ્રૅજ્યુએટ પણ નહોતી થઈ શકી. લગ્ન પછી લગભગ બાર વર્ષે મેં LICનું કામ શરૂ કર્યું હતું. સસરાની બીમારી હતી. હસબન્ડની પણ તબિયત નાદુરસ્ત રહેતી હતી. એની વચ્ચે એક વાર મારા પપ્પાને એક રિલેટિવ મળવા આવ્યા હતા. વાત-વાતમાં તેમણે કહ્યું કે તેઓ પોતાના દીકરાને LIC એજન્ટ બનાવવા માગે છે. તેમની વાતો સાંભળીને મને થયું કે હું પણ આવું કંઈક કરું તો? મેં પપ્પાને પૂછ્યું તો તેમણે સાસરિયાંમાંથી બધાની અનુમતિ હોય તો કર એવું કહ્યું. મારા સસરાએ ફરી મારા પપ્પાને પૂછ્યું અને છેલ્લે બધાએ એવું વિચાર્યું કે ટ્રાય કરવા દઈએ, શાકભાજીનો ખર્ચ નીકળી જાય તો ઘણું. મેં શીખવાનું શરૂ કર્યું. અઘરું હતું. તમને કહું તો શરૂઆતમાં એક વર્ષમાં બાર પૉલિસી કાઢવામાં પણ દમ નીકળી જતો હતો. જોકે હું શીખતી ગઈ, કારણ કે એ જમાનામાં લોકોને આ બધામાં એવો રસ ન હોય, એવા પૈસા પણ ન હોય. એમાં હું જૈન પરિવારમાંથી આવતી એટલે એનો પણ એક સંકોચ હતો. જોકે બધામાંથી રસ્તો શોધતી ગઈ.’
આજ સુધીમાં ૫૦૦થી વધારે પરિવારોની વિવિધ પૉલિસી કાઢી ચૂકેલાં પ્રજ્ઞાબહેનની ગુડવિલ એવી છે કે લોકો તેમને ઇન્શ્યૉરન્સવાળાં આન્ટી તરીકે જ બોલાવતાં થયાં છે. તેઓ કહે છે, ‘લોકોને મેં સર્વિસ આપી અને તેમનો વિશ્વાસ જીત્યો. મારું બધું જ કામ એકમેકની ભલામણથી થયું અને મેં મારા ક્લાયન્ટ છે એટલે સર્વિસ આપું અને બીજાના છે તો ન આપું એવો વ્યવહાર નથી રાખ્યો. મુસીબતમાં હોય અને ઇન્શ્યૉરન્સને લગતી મદદ જોઈતી વ્યક્તિ મારી પાસે આવે તો સપોર્ટ કરવાનો. એ જ મને ફળ્યું. ઘરમાં બીમારીનો મોટો ખર્ચ આવ્યો, સંતાનો મોટાં કરવાની જવાબદારી વચ્ચે આ કામ થયું. પૂરેપૂરી સફળતા મળી છે એમાં કોઈ શંકા નથી.’
ઇન્શ્યૉરન્સમાં મહત્ત્વનું ગણાય એવું મિલ્યન ડૉલર રાઉન્ડ ટેબલ (MDRT)નું ટાઇટલ પ્રજ્ઞાબહેનને ૨૦૦૧માં જ મળી ગયું હતું. ૧૦ લાખ રૂપિયાથી વધારેનો બિઝનેસ એક વર્ષમાં કરાવે એવા એજન્ટને આ ટાઇટલ મળતું હોય છે. તેમણે વર્ષમાં એક કરોડ રૂપિયાનો ટાર્ગેટ પણ અચીવ કર્યો છે. પ્રજ્ઞાબહેન કહે છે, ‘મારા પરિવારનો ભરપૂર સપોર્ટ મળ્યો. હવે તો મારા ગ્રૅન્ડચિલ્ડ્રન પર મોટાં થઈ ગયાં અને જીવન બહુ જ ઈઝી થઈ ગયું. જોકે સંઘર્ષના એ દિવસોમાં આ કામને કારણે ખૂબ સપોર્ટ મળ્યો. પરિવારનો સાથ હતો. મોટું ઘર લીધું, બાળકોને મોટાં કર્યાં એ બધું જ શક્ય બની શક્યું.’
એક ટ્રેનયાત્રાને લીધે કામની અને જીવનની દિશા બદલાઈ ગઈ
મલાડમાં રહેતાં ૬૪ વર્ષનાં ભારતી પારેખ છેલ્લાં પચીસ કરતાં વધુ વર્ષોથી ઇન્શ્યૉરન્સ એજન્ટ તરીકે સક્રિય છે. એક જ વર્ષમાં ત્રણ વાર મિલ્યન ડૉલર રાઉન્ડ ટેબલનો ખિતાબ અચીવ કરનારાં અને LIC દ્વારા અઢળક અવૉર્ડ જીતી ચૂકેલાં ભારતીબહેનની લાઇફમાં ઇન્શ્યૉરન્સ એજન્ટ બનવાની યાત્રા એક ટ્રેનયાત્રાને કારણે શરૂ થઈ. પચીસ વર્ષ પહેલાંની વાતને યાદ કરીને તેઓ કહે છે, ‘હું કોલ્હાપુરથી મુંબઈ આવી રહી હતી. આર્થિક રીતે બહુ જ સંઘર્ષના દિવસો હતા. હસબન્ડની આવક નહોતી. હું પાર્લરનું કામ કરીને, મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટ્સ, બેડશીટ વગેરે વેચીને મહિને પાંચ-સાત હજાર રૂપિયાની આવક ઊભી કરવાના પ્રયાસ કરતી હતી. ટ્રેનના એ પ્રવાસમાં મારી સામેની સીટ પર એક વડીલ કપલ હતું જેમાંથી અંકલ LICમાંથી રિટાયર થયા હતા. તેમને રિટાયરમેન્ટ પછી પણ તેમના થકી શરૂ થયેલી પૉલિસીના પ્રીમિયમના આધારે કમિશન મળતું રહેશે એ વાતની ખબર પડી. ઇન્શ્યૉરન્સનું મહત્ત્વ તેમની પાસે સમજીને મેં નક્કી કર્યું કે હું પણ આ ક્ષેત્રમાં જઈશ.’
એ પહેલાં સુધી ક્યારેય ઇન્શ્યૉરન્સનું નામ સુધ્ધાં નહીં સાંભળનારાં ભારતીબહેન માટે ઇન્શ્યૉરન્સ સર્વાઇવલનો પ્રશ્ન હતો એટલે તેમણે પોતાની જાતને સંપૂર્ણપણે એમાં ડુબાડી દીધી. તેઓ કહે છે, ‘તમે નવા હો ત્યારે આમેય લોકો તમારી વાતને મહત્ત્વ ન આપે. એમાંય મહિલા હોય તો પહેલો વિચાર આવે કે આ બહેન તો હમણાં બે-પાંચ વર્ષમાં છોડી દેશે, પછી આપણે ક્લેમ પાસ કરાવવા ક્યાં દોડવું? શરૂઆતમાં એ રીતે શંકા સાથેનું રિજેક્શન મળ્યું પણ ખરું, પણ હું હારી નહીં. નિષ્ઠાથી કામ કરતી ગઈ. ધીમે-ધીમે લોકોનો ભરોસો મજબૂત થતો ગયો. ૧૯૯૯માં મેં જનરલ ઇન્શ્યૉરન્સની એજન્સી લીધી. ઉપરવાળાએ મદદ કરી. મારા નૉલેજના આધારે અને હું તમારી મદદ માટે ઊભી રહીશ એ કન્વિક્શનના આધારે લોકોને ભરોસો બેઠો અને કામ ગોઠવાતું ગયું.’
૨૦૦૭માં ભારતીબહેનના હસબન્ડ બીમારીને કારણે સંપૂર્ણ પથારીવશ અવસ્થામાં આવી ગયા. ૨૦૧૨માં તેમનો દેહાંત થયો ત્યાં સુધી તેમણે એકલે હાથે ઘર ચલાવ્યું. હસબન્ડની બીમારીનો તમામ ખર્ચ માત્ર આ કામમાંથી પાર પાડ્યો. દીકરીને ભણાવી-ગણાવી. તેને પણ આ કામ શીખવ્યું. ભારતીબહેન કહે છે, ‘ઇન્શ્યૉરન્સ માટે લોકોને તેમની આર્થિક સ્થિતિ અને જરૂરિયાત મુજબ હું સમજાવતી. મેં મારી જાતને ટ્રેઇન કરવામાં પણ પુષ્કળ મહેનત કરી અને એ દરમ્યાન ઉપરવાળાના આશીર્વાદ ભળ્યા એટલે એક સમયે પાંચ-સાત હજારની આવક પણ અઘરી લાગતી હોય તેમના માટે મહિને પચાસ હજાર અને લાખ રૂપિયાની આવકનો ફ્લો શરૂ થયો માત્ર આ કામને કારણે. કંપનીને લાખોનો બિઝનેસ કરાવવાનું ફળ મને એ મળ્યું કે મારો આત્મવિશ્વાસ વધ્યો અને સમાજમાં સન્માનનીય સ્થાન મળ્યું. મારા પૈસાથી મેં ગાડી ખરીદી. મોટું ઘર ખરીદવાની દિશામાં કામ ચાલુ છે. આજે મોટા લોકો સાથે ઊઠવા-બેસવાની અને આત્મવિશ્વાસ સાથે તેમને ઇન્વેસ્ટમેન્ટ માટે કન્વિન્સ કરવાની જર્ની કલ્પના બહારની રહી છે. લોકો તરફથી મળેલો વિશ્વાસ, સન્માન અને આર્થિક સ્વતંત્રતા આ બધાનું વર્ણન કરી શકું એમ નથી. હું દરેક મહિલાને કહીશ, આગળ વધવા માટે જ્યારે જે રસ્તો મળે એના પર મૂંઝાયા વિના ચાલો. તકલીફ પડશે, પણ તમારો આત્મવિશ્વાસ અને મહેનતની તૈયારી અકબંધ હશે તો તમે ટકી પણ જશો અને ઉપરવાળાની સહાયથી સફળ પણ થશો.’
પ્લે-ગ્રુપમાં ભણતા બાળકની સ્કૂલમાંથી મળ્યો આ આઇડિયા
૨૦૦૫માં LIC એજન્ટ તરીકેની જર્ની શરૂ કરનારાં અને આજે પોતાની ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ તરીકેની કંપની ચલાવતાં બોરીવલીનાં માનસી ગંગર-હલનકર ૨૦૦૨માં મમ્મી બન્યાં એ પછી તેમણે કરીઅરમાંથી બ્રેક લીધો હતો. ફાઇનૅન્સમાં માસ્ટર્સ કર્યા પછી ઘણી નાની-મોટી કંપનીઓમાં જૉબ કરી, પણ એ બધું છૂટી ગયું. માનસી કહે છે, ‘વીસ વર્ષ પહેલાં હવે હું શું કરુંના પ્રશ્ન સાથે દિશાહીન હતી. બાળકને મારી જરૂર હતી અને તે મારા વગર સહેજ પણ રહેતો નહોતો એટલે તેને બેબી-સિટિંગમાં મૂકીને નોકરીએ જવા માટે મન નહોતું માનતું. મારો દીકરો પ્લે-સ્કૂલમાં જવા માંડ્યો. હું તેને લેવા-મૂકવા જતી એ દરમ્યાન એક પેરન્ટ સાથેની વાતચીતમાં LIC એજન્ટ તરીકેની તેમની વાતો સાંભળી. મને રસ પડ્યો અને મેં વધુ તપાસ કરી. આ એવું કામ હતું જેને હું મારા દીકરાનું પૂરતું ધ્યાન રાખતાં-રાખતાં મારી અનુકૂળતાએ કરી શકું. મેં ટ્રેઇનિંગ શરૂ કરી. એ દિવસ અને આજનો દિવસ. આ કામમાં મેં પાછળ વળીને જોયું નથી.’
માનસીએ LIC ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટના અન્ય પર્યાયો વિશે પણ જાતને ટ્રેઇન કરી અને લોકોની અનુકૂળતા અને અનિવાર્યતા પ્રમાણે કામ શરૂ કર્યું. આજે હજારો લોકો તેના ક્લાયન્ટ લિસ્ટમાં છે. માનસી કહે છે, ‘મમ્મી બન્યા પછી મોટા ભાગની સ્ત્રી માટે જૉબના કલાકો સાથે કામ અઘરું બને છે અને તેઓ પોતાની જાતને ક્યાંય ખોઈ બેસે છે. મારે એ નહોતું થવા દેવું. એમાં આ નવા ઑપ્શને મારા માટે નવી દુનિયા જ ખોલી નાખી. ૧૦ લાખ રૂપિયાના પ્રીમિયમનો ટાર્ગેટ ૨૦૧૭માં પૂરો કર્યો. લોકોનો પ્રતિભાવ પણ સારો છે. મને આમાં પર્પઝ ઑફ લાઇફ મળી ગયો. સ્વ. કેતુલ દેસાઈએ ૧૮ વર્ષ સુધી આ આખી જર્નીમાં મને ટ્રેઇન કરી છે.’
અહીં ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ્સને, મહિલાઓને મોટિવેટ કરવા માટે માનસી લેક્ચર્સ આપે છે. તેમના કામ માટે અનુપમ ખેરના હાથે અવૉર્ડ પણ મળ્યો છે.

