સિત્તેરથી વધુ ગુજરાતી નાટકો પ્રોડ્યુસ કરી ચૂકેલા રાજેન્દ્ર બુટાલા અમેરિકન સિટિઝન છે એની ભાગ્યે જ કોઈને ખબર હશે. ૧૧ વર્ષ એકધારું અમેરિકામાં રહ્યા પછી રાજેન્દ્ર બુટાલાને ફરી ઇન્ડિયા લાવવાનું કામ નાટકોએ કર્યું અને બસ.
રાજેન્દ્ર બુટાલા
સિત્તેરથી વધુ ગુજરાતી નાટકો પ્રોડ્યુસ કરી ચૂકેલા રાજેન્દ્ર બુટાલા અમેરિકન સિટિઝન છે એની ભાગ્યે જ કોઈને ખબર હશે. ૧૧ વર્ષ એકધારું અમેરિકામાં રહ્યા પછી રાજેન્દ્ર બુટાલાને ફરી ઇન્ડિયા લાવવાનું કામ નાટકોએ કર્યું અને બસ, ત્યાર પછી માત્ર કાગળ પર જ તેઓ અમેરિકન રહ્યા છે
ગુજરાતી રંગભૂમિને અનેક અદ્ભુત નાટકો આપી ચૂકેલા રાજેન્દ્ર બુટાલાની જર્ની તમે જુઓ તો તમને એમાં હાઈ વૉલ્ટેજ ચકરડીની અસર જોવા મળે. રાજેન્દ્ર બુટાલા મુંબઈના ઇન્ક્મ ટૅક્સ કમિશનર છોટાલાલ બુટાલાનાં બીજા નંબરનાં પત્ની લીલાવતીબહેનનાં સંતાન. કુલ ત્રણ ભાઈ ને પાંચ બહેનમાં રાજેન્દ્રભાઈ આઠમા ક્રમે સૌથી નાના. રાજેન્દ્રભાઈ કહે છે, ‘નવ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા મોડી રાતે હાર્ટ-અટૅકના કારણે ગુજરી ગયા અને બીજી સવારે સાત વાગ્યે હું ક્રિકેટ રમવા ગયો હતો એટલો હું નાદાન, પણ સમય જતાં ખબર પડી કે બાપની છત્રછાયા વિના જીવવું કેટલું અઘરું છે. હા, મોટાં ભાઈ-બહેનોનો હાથ હતો એટલે બીજી કોઈ તકલીફ તો ન પડી પણ ગાઇડન્સ મળવાની જે વાત હતી એનો અભાવ તો જિંદગીભર રહ્યો અને એનો મને અફસોસ આજે પણ છે.’
ADVERTISEMENT
૭૬ વર્ષના રાજેન્દ્રભાઈ ચોપાટી પર સુખસાગર રેસ્ટોરાંની સામે રહે છે. આ ઘરમાં રાજેન્દ્રભાઈ પંચોતેર વર્ષથી રહે છે. રાજેન્દ્રભાઈ કહે છે, ‘મારો સન અમર મને કહ્યા કરે કે હવે આપણે જુહુ કે વર્સોવા શિફ્ટ થઈ જઈએ પણ મારું મન માનતું નથી. આખી જિંદગી અહીં પસાર કરી છે તો ઇચ્છા છે કે ભગવાન અંતિમ યાત્રા પણ આ જ ઘરમાંથી રવાના કરે.’
કૉલેજ અને આર્ટ
ગામદેવીની ચિલ્ડ્રન્સ ઍકૅડેમીમાં મેટ્રિક સુધી ભણનારા રાજેન્દ્રભાઈએ ચર્ચગેટની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સમાંથી ગ્રૅજ્યુએશન કર્યું. રાજેન્દ્રભાઈની તો ઇચ્છા હતી કે તે લૉયર બને અને એ માટે તે દોઢ વર્ષ ભણ્યા પણ ખરા, પણ પછી એક ઘટના એવી બની કે તેમનું જીવન જુદી દિશામાં ફંટાઈ ગયું. બન્યું એવું કે સાઠના દશકમાં થયેલા ભારત-પાકિસ્તાન વૉર પછી કૉલેજમાં NCC એટલે કે નૅશનલ કૅડેટ કૉર્ઝ ફરજિયાત થઈ ગયું અને રાજેન્દ્રભાઈને એનો ત્રાસ થવાનું શરૂ થયું. રાજેન્દ્રભાઈ કહે છે, ‘રોજ પાંચ વાગ્યે ઊઠવું ને પાંચ કિલોમીટર દોડવું ને પછી ફિઝિકલ એક્સરસાઇઝ ને એ બધું મારાથી થાય નહીં. જમવામાં પણ નિયમો લાગુ પડી ગયા, એ પણ મારાથી સહન થાય નહીં એટલે મેં પ્લાન બનાવીને મારા NCCના કમાન્ડરને સમજાવ્યું કે તમે મને બીજું કોઈ પણ કામ સોંપો, હું એ કરીશ અને સાથોસાથ હું આપણે જે યંગ કૉર્ઝ છે એ બધાને એન્ટરટેઇન કરવાનું પણ કામ કરીશ. કમાન્ડર માની ગયા.
તેમણે મને વૉચમૅન બનાવીને બધાની હાજરી લેવાનું કામ સોંપ્યું અને રાતે મારે બધાને મનોરંજન આપવાનું. હું તો ગીતો-બીતો ગાઈને એ લોકોને મજા કરાવું. પનવેલમાં અમારો જે કૅમ્પ હતો એ કૅમ્પમાં મેં પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, દેવ આનંદ અને જૉની વૉકરની મિમિક્રી કરી અને બધાને બહુ મજા આવી ગઈ. મારા માટે પણ એ નવી વાત હતી. પછી તો મુંબઈ પાછા આવીને મેં મિમિક્રી પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું અને એમાં મને સાથ મળ્યો રાજકોટના એક ફૂટડા યુવાનનો, નામ એનું મનહર ઉધાસ.’
સિંગર બનવા મુંબઈ આવેલા મનહરભાઈ રાજેન્દ્ર બુટાલાના ઘરની બિલકુલ બાજુના અપાર્ટમેન્ટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે. બન્ને વચ્ચે દોસ્તી થઈ અને મનહરભાઈએ બુટાલાની ઓળખાણ મ્યુઝિકલ શો કરતા ઑર્ગેનાઇઝરો સાથે કરાવવાનું શરૂ કર્યું. રાજેન્દ્રભાઈને બમણો ફાયદો થયો. રાજેન્દ્રભાઈ કહે છે, ‘મનહરના બધા પ્રોગ્રામમાં મિમિક્રી અને અનાઉન્સરની જવાબદારી મારી અને પછી તો મને શો ઉપર શો આવવા લાગ્યા. કિશોરકુમાર, મુકેશ, મોહમ્મદ રફીથી માંડીને શૈલેન્દ્ર સિંહ, મહેન્દ્ર કપૂર જેવા અનેક સિંગરો સાથે શો કર્યા અને આપણી ભક્તિ ચાલી.’
ચાલોને નાટક કરીએ...
જીવનમાં નાટક કેવી રીતે આવ્યા એની વાત કરતાં રાજેન્દ્ર બુટાલા કહે છે, ‘જો મારી ભૂલ ન થતી હોય તો ૧૯૭૦-’૭૧નું વર્ષ હતું અને મારા મિત્ર વિજયભાઈ ધોળકિયા મારી પાસે આ વાત લઈને આવ્યા. અમે જઈને મળ્યા શૈલેશ દવેને. શૈલેશ દવેનું કામ ત્યારે વખણાતું. અમે વાત કરી પણ દવેએ કહ્યું કે સન્ડે-ટુ-સન્ડે જ નાટક થાય છે ત્યારે તમે વચ્ચે કેવી રીતે નવું નાટક લાવશો. મને એ જ મિનિટે સૂઝ્યું, આપણે ગુરુવાર માટે નાટક કરીએ. સાહેબ, મેં મારા એ નાટકની ઍડમાં મોટા અક્ષરે લખ્યુંઃ આ નાટક માત્ર ગુરુવારે ભજવાશે અને લોકો ગુરુવારે લાઇન લગાવવા માંડ્યા. એ નાટક હતું ‘ચીતરેલા સૂરજ’, મૂળ લેખક સાગર સરહદી અને અડૅપ્ટેપ્શન કર્યું શૈલેશ દવેએ. એ નાટકનું કાસ્ટિંગ હતું ‘શોલે’ના બાપ જેવું. શૈલેશ દવે પોતે, દીપક ઘીવાલા, અરવિંદ રાઠોડ અને તારક મહેતા. હિરોઇનમાં દીના પાઠક, પદ્મારાણી અને નવો ચહેરો એટલે રાગિણી.’
માત્ર ગુરુવારે જ ભજવાતું આ નાટક સુપરહિટ થયું અને આમ રાજેન્દ્ર બુટાલા નાટકના પ્રોડ્યુસર બન્યા. અલબત્ત, અંદર પેલો ઍક્ટરવાળો કીડો તો ખરો એટલે પોતે ઍક્ટિંગ પણ કર્યા કરે અને નાટકો પણ પ્રોડ્યુસ કરે. ઍક્ટર તરીકે રાજેન્દ્રભાઈએ ‘આજ ધંધા બંદ હૈ’ નાટકની અમેરિકાની ટૂર કરી. આ નાટકમાં મિથુન ચક્રવર્તીની હમણાં જ ગુજરી ગઈ તે પત્ની હેલેના લ્યુક અને ભૈરવી શાહ પણ હતાં.
આહ અમેરિકા, વાહ અમેરિકા
અમેરિકામાં નાટક કરવા પહોંચેલી ટીમને બીજા જ દિવસે ઝટકો લાગ્યો. ઑર્ગેનાઇઝર ભાગી ગયો. હવે આખી ટીમ કરે શું? રિટર્ન ટિકિટ પણ નહીં. ત્રણ મહિનાના વર્ક-વીઝા હતા એટલે બધા પોતપોતાની રીતે કામે લાગી ગયા. રાજેન્દ્રભાઈને પણ કામ મળી ગયું. તેમના કામથી કંપની એવી તે ખુશ થઈ કે તેમણે રાજેન્દ્રભાઈને ત્રણ મહિના પછી છોડ્યા નહીં, ઊલટું તેમના વર્ક-વીઝા લંબાવી આપ્યા અને એ જ કંપનીએ રાજેન્દ્રભાઈને ગ્રીન કાર્ડ પણ અપાવી દીધું. રાજેન્દ્રભાઈ કહે છે, ‘આ જ પિરિયડમાં મારાં બન્ને બાળકો અને વાઇફ શીલા પણ અમેરિકા આવ્યાં, એ લોકોનાં ગ્રીન કાર્ડ પણ નીકળી ગયાં. એક સમય હતો કે અમને એમ જ હતું કે અમેરિકા રહી જઈએ, પણ સાલું નાટક મને પાછું ઇન્ડિયા ખેંચી લાવ્યું અને ૧૧ વર્ષ અમેરિકા રહ્યા પછી હું ફરી ઇન્ડિયા આવી ગયો.’
પહેલાં તો રાજેન્દ્ર બુટાલાને દર વર્ષે કમ્પલ્સરી અમેરિકા જવું પડતું હતું, પણ અટલ બિહારી વાજપેયીની સરકારે નિયમોમાં ફેરફાર કરતાં હવે પોતે ગ્રીન કાર્ડ હોલ્ડર હોવા છતાં તેમણે દર વર્ષે અમેરિકા જવું નથી પડતું. રાજેન્દ્રભાઈ કહે છે, ‘હું ને વાજપેયીજી બન્ને એક જ બર્થ-ડે શૅર કરીએ છીએ. મેં તો આ નિયમ આવ્યો ત્યારે તેમને પત્ર પણ લખ્યો હતો અને કહ્યું હતું કે બર્થ-ડેની રિટર્ન ગિફ્ટ આપવા બદલ થૅન્ક્સ. વાજપેયીજીનો પણ જવાબ આવ્યો હતો.’
ઔર યે લગા સિક્સર
અમેરિકામાં હોવા છતાં પણ રાજેન્દ્ર બુટાલા તમામ ઍક્ટરો-ડિરેક્ટરોના કૉન્ટૅક્ટમાં હતા. રિટર્ન થયા પછી બીજા જ દિવસે તેમણે ખાસ ભાઈબંધ એવા શફી ઇનામદારને ફોન કર્યો. એ સમયે શફીભાઈએ ડિરેક્ટ કરેલું નાટક ‘બા રિટાયર થાય છે’ જબરદસ્ત હિટ અને બધા પ્રોડ્યુસર શફીભાઈની પાછળ. રાજેન્દ્રભાઈ એ દિવસ યાદ કરતાં કહે છે, ‘શફી, મૈં વાપસ આ ગયા... હું આટલું જ બોલ્યો અને તેણે મને કહ્યું ઘર પે ચાય બનાને કા બોલ દો, અભી આ રહા હૂં...’
શફીભાઈ આવ્યા ત્યારે તેમની પાસે પેલી જૂના જમાનાની જાડીપાડી વિડિયો કૅસેટ હતી. શફીભાઈએ પાકિસ્તાની ફિલ્મ પ્લે કરી અને ચાલીસ મિનિટ ફિલ્મ જોવાઈ ત્યાં જ રાજેન્દ્ર બુટાલાએ કહી દીધું, ‘હું આ નાટક કરું છું.’
એ નાટક એટલે ગુજરાતી રંગભૂમિના ટોચનાં દસ નાટકમાં સમાવિષ્ટ થતું ‘ગુરુબ્રહ્મા’. લીડ રોલમાં સિદ્ધાર્થ રાંદેરિયાને લેવામાં આવ્યા. નાટક એ સ્તર પર સુપરહિટ થયું કે આજે પણ સિદ્ધાર્થ રાંદેરિયાનાં ફેવરિટ નાટકોના લિસ્ટમાં આ ‘ગુરુબ્રહ્મા’ ટૉપ ત્રણમાં આવે છે. એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાર્થભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હું ઇચ્છું કે ‘ગુરુબ્રહ્મા’ પરથી ફિલ્મ બનવી જ જોઈએ. ‘ગુરુબ્રહ્મા’ પછી નાટક આવ્યું ‘રમત શૂન્ય ચોકડીની’. રાજેન્દ્રભાઈ કહે છે, ‘બન્યું એવું કે શૈલેશ દવે મારી પાસે આવ્યા. તેમનું છેલ્લું નાટક ‘સંઘર્ષ’ ફ્લૉપ ગયું હતું અને તેમની પાસે કામ નહોતું. મને કહે કે બુટાલા, કંઈક સાથે કામ કરીએ. મેં તેમને કહ્યું કે આપણે ‘સંઘર્ષ’ જ ફરીથી કરીએ. દવે શૉક્ડ. મને કહે કે ત્રણ જ શો થયા છે, સુપર ફ્લૉપ નાટક છે. એટલે મેં તેમને કહ્યું કે એ તમે ટેન્શન છોડી દો, તમે સ્ક્રિપ્ટ વાંચો, હું કહું ત્યાં સુધી બધું અકબંધ રાખો અને પછી આપણે વાર્તા ફેરવીએ; બીજી વાત, તમારા સિવાયનું નાટકનું કાસ્ટિંગ ચેન્જ કરીએ. હોમી વાડિયાનું નામ મને નહોતું આવડતું પણ તેનો લુક અને તેની સ્ટાઇલ મને ખબર. મેં શૈલેશને વાત કરી અને અમે બન્ને હોમીને શોધવા પૃથ્વી થિયેટર પર ગયા. હોમીની કરીઅરનો આ સૌથી મોટો બ્રેક. વાત આવી હિરોઇનની. એક સવારે મેં ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT)ની ઍડ વાંચી, જેમાં લીડ રોલમાં રક્ષા દેસાઈ હતાં. મને સ્ટ્રાઇક થયું અને હું ગયો સરિતા જોષી પાસે. સરિતાબહેન કહે કે બુટાલા, તમને ખબર છે કે હું INT સિવાય નાટક કરતી નથી એટલે મેં તેમને નવા નાટકની ઍડ દેખાડીને કહ્યું કે આ નાટક છ મહિના ચાલશે, તમે છ મહિના ફ્રી છો, આ બૅગ લો, એમાં એકાવન શોનું ઍડ્વાન્સ પેમેન્ટ છે, હું બે મિનિટમાં નીચે જઈને આવું, જો આ બૅગ અંદર મૂકી દીધી હશે તો હું માનીશ કે તમે નાટક કરો છો... બાકી મારાં નસીબ...’
રેસ્ટ ઇઝ હિસ્ટરી. સરિતા જોષીએ INT છોડીને પહેલું નાટક શિવમનું કર્યું.
બાત કુછ ઘર કી
રાજેન્દ્ર બુટાલા અને શીલા બુટાલા વચ્ચે જે હાર્મની છે એની વાતો આખી ગુજરાતી રંગભૂમિ કરે છે. બન્ને કૉલેજમાં સાથે ભણતાં હતાં. રાજેન્દ્રભાઈ સિનિયર પણ સેકન્ડ યરમાં તે ફેલ થયા એમાં ભણવામાં શીલાબહેન સાથે થઈ ગયાં. રાજેન્દ્રભાઈ કહે છે, ‘તે પાલનપુરી અબજોપતિ જૈન ફૅમિલીની ને હું તો લુખ્ખો મિમિક્રીવાળો, પણ શીલાએ મૅરેજની જીદ પકડી રાખી. ત્રણ-ચાર વર્ષ સુધી લપ ચાલી પણ ફાઇનલી તેની ફૅમિલી તૈયાર થઈ અને અમે મૅરેજ કર્યાં.’ રાજેન્દ્ર-શીલા બુટાલાને અમર અને રાધિકા એમ બે સંતાન છે. અમર બુટાલા ફિલ્મ-લાઇન સાથે છે. સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શન, યુટીવી, બાલાજી ટેલિફિલ્મ્સ જેવી અનેક માતબર કંપનીમાં CEO રહી ચૂકેલા અમરની હવે પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની છે, જેમાં તેણે નેટફ્લિક્સ માટે ‘મિશન મજનૂ’ બનાવી. CNBC ન્યુઝ ચૅનલ સાથે કામ કરી ચૂકેલી રાધિકા અત્યારે બુટાલા માર્કેટિંગ અને બ્રૅન્ડ કન્સલ્ટન્ટ ફર્મ ચલાવે છે.
ધ મીઠાઈમૅન
રાજેન્દ્ર બુટાલાને નજીકથી ઓળખતા સૌકોઈને ખબર છે કે તેમને મીઠાઈનો અદ્ભુત શોખ છે. મીઠાઈમાં કોઈ એક નહીં બલકે બધી જ ફેવરિટ. બસ, એમાં ગળાશ હોવી જોઈએ. રાજેન્દ્રભાઈ કહે છે, ‘ગમે એટલો ગુસ્સો આવ્યો હોય પણ જો મારી સામે મીઠાઈ મૂકી દેવામાં આવે તો મારો ગુસ્સો ઓસરી જાય. હું અમેરિકા ૧૧ વર્ષ રહ્યો, એ દરમ્યાન રવિવારનો એક નિયમ. રવિવારે જઈને સવા કિલો શ્રીખંડનું પૅક લઈ આવવાનું અને નવા રવિવાર પહેલાં એ ખાલી કરી નાખવાનું. આમ હું ત્યાં દર વર્ષે ૬પ કિલો શ્રીખંડ ખાતો અને એ પણ સતત ૧૧ વર્ષ સુધી.’
મુંબઈની બહાર પગ મૂકતાં પહેલાં રાજેન્દ્રભાઈ પોતાના મિત્રો માટે મોહનલાલ એસ. મીઠાઈવાળાને ત્યાંથી મીઠાઈના ડબ્બાઓ અચૂક ખરીદે અને સાથે લઈ જાય. મહેમાનગતિના પણ તે એવા જ શોખીન. જો તમે રાજેન્દ્રભાઈ સાથે જમવા ગયા હો અને વહેલા ઊભા થઈને તમે બિલ ચૂકવી દો તો રાજેન્દ્રભાઈનું મોઢું ચડી જાય. રાઇટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર ઇમ્તિયાઝ પટેલે એક વાર આવી ભૂલ કરી તો રાજેન્દ્ર બુટાલા તેમની સાથે ત્રણ મહિના બોલ્યા નહોતા.

