દરેક વ્યક્તિના જીવનમાં પડકારો આવતા હોય છે, પણ સકારાત્મક રહીને કઈ રીતે એનો સામનો કરવો એ આપણા હાથમાં છે. આર્ટિસ્ટ તથા સ્પોર્ટ્સવુમન તરીકે જાણીતાં ૪૭ વર્ષનાં પ્રીતિ ગાલાને જ તમે જોઈ લો
પ્રીતિ ગાલા અને પરિવાર
દરેક વ્યક્તિના જીવનમાં પડકારો આવતા હોય છે, પણ સકારાત્મક રહીને કઈ રીતે એનો સામનો કરવો એ આપણા હાથમાં છે. આર્ટિસ્ટ તથા સ્પોર્ટ્સવુમન તરીકે જાણીતાં ૪૭ વર્ષનાં પ્રીતિ ગાલાને જ તમે જોઈ લો. તેમના જીવનમાં એવા વળાંકો આવેલા જેમાં તેઓ હાર માની શક્યાં હોત, પણ તેમણે કપરી પરિસ્થિતિમાં જીવનને નવી દિશા આપી. એટલે જ લગ્નનાં ૨૦ વર્ષ બાદ તેમણે પહેલાં તેમના વાગડ સમાજમાં સ્પોર્ટ્સવુમન તરીકે ઓળખ ઊભી કરી અને પછી એક આર્ટિસ્ટ તરીકે કારકિર્દી બનાવી
વ્યક્તિ ઇચ્છે તો કોઈ પણ ઉંમરમાં પોતાનાં સપનાં પૂરાં કરી શકે છે. આ સાબિત કરીને દેખાડ્યું છે દાદરમાં રહેતાં ૪૭ વર્ષનાં પ્રીતિ ગાલાએ. ૨૨ વર્ષની ઉંમરે લગ્ન થયાં અને એ પછી પરિવાર અને બાળકોની જવાબદારી વચ્ચે પ્રીતિબહેનને જીવનમાં ક્યારેય કારકિર્દી બનાવવાનો મોકો ન મળ્યો. જોકે પાંચ વર્ષ પહેલાં તેમના જીવનમાં એક એવો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો જે તેમને તેમના આર્ટના પ્રેમ તરફ દોરી ગયો. પ્રીતિબહેન આર્ટમાં તો માહેર છે જ, સાથે વિવિધ સ્પોર્ટ્સ ઍક્ટિવિટીમાં પાર્ટ લેવામાં પણ જરાય પાછા પડે એમ નથી. તેમણે ક્રિકેટ, મૅરથૉન, ટ્રેકિંગ જેવી અનેક સ્પોર્ટ્સ અને ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝમાં અનેક મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યાં છે.
ADVERTISEMENT
આર્ટિસ્ટ બનવાની સફર
પ્રીતિબહેન છેલ્લાં પાંચ વર્ષથી આર્ટ-વર્કશૉપ લે છે. એમાં તેઓ સ્ટુડન્ટ્સને લીંપણ આર્ટ, મંડલા આર્ટ, કૅન્વસ પેઇન્ટિંગ, ટ્રેડિશનલ કૅલિગ્રાફી વગેરે શીખવે છે. પ્રીતિબહેનની આર્ટ-ટીચર તરીકેની જર્નીની કઈ રીતે શરૂઆત થઈ એ વિશે તેઓ કહે છે, ‘હું સાઇકલ પર ક્રિકેટની પ્રૅક્ટિસ માટે જઈ રહી હતી. એ સમયે એક બાઇકવાળાએ મને પાછળથી જોરથી ટક્કર મારી. એ સમયે મેં હાથમાં થયેલી ઈજા પર વધુ ધ્યાન આપ્યું નહોતું. એ પછી તો હું ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમી. પેઇનકિલર લઈને અને લોકલ ડૉક્ટર પાસે હાથમાં પાટો બંધાવીને કામ ચલાવી દીધું. જોકે પછી હાથમાં અસહ્ય દુખાવો થવાથી અમે ઑર્થોપેડિક ડૉક્ટર પાસે ગયા. એ સમયે ખબર પડી કે હાથમાં ગંભીર ફ્રૅક્ચર થયું છે અને સર્જરી કરવી પડશે. એ સમયે મને મારી જાત પર ખૂબ ગુસ્સો આવ્યો કે મેં શા માટે સમયસર સારવાર કરાવવામાં મોડું કર્યું? હાથની રિકવરી થવામાં છ મહિના જેટલો સમય લાગ્યો. મારા જેવી વ્યક્તિ જેને જરાય ઘરમાં બેસી રહેવું ન ગમે તેને ઘરે બેસવાનો વારો આવ્યો. એ સમયે મેં આર્ટમાં રસ લેવાનું શરૂ કર્યું.’
આર્ટમાં જ રસ શા માટે આવ્યો એ વિશે ચોખવટ કરતાં પ્રીતિબહેન કહે છે, ‘હું બાળપણથી આર્ટમાં સારી હતી, પણ કોઈ દિવસ આ કામ હાથમાં લીધું નહોતું. હાથ ભાંગતાં ઘરમાં નવરા બેઠાં-બેઠાં મને ડૉટ મંડલા આર્ટ કરવાનું સૂઝ્યું એટલે એની ટેક્નિક્સ શીખી. એમાં મેં મારી ક્રીએટિવિટી ઍડ કરી. મારી દીકરીને એ ડિઝાઇન્સ ખૂબ પસંદ આવી. એ પછી વિડિયો જોઈને ડિફરન્ટ ટાઇપનાં પેઇન્ટિંગ્સ શીખવાનું શરૂ કર્યું.’
આર્ટની વર્કશૉપ કઈ રીતે શરૂ થઈ એ વિશે પ્રીતિબહેન કહે છે, ‘મારા સોશ્યલ સર્કલમાં બધાને મારું કામ પસંદ આવવા લાગ્યું. મારા સ્કૂલ-ફ્રેન્ડ્સે મને આર્ટની વર્કશૉપ લેવાનું સજેશન આપ્યું. એમાં મને મારી ફૅમિલીનો સપોર્ટ મળ્યો. એ સમયે ગણ્યાગાંઠ્યા સ્ટુડન્ટ્સ સાથે મેં ઘરેથી ક્લાસિસ લેવાની શરૂઆત કરેલી. આજે સ્થિતિ એવી છે કે મારે ત્યાં એટલા સ્ટુડન્ટ્સ આવે છે કે મારું ઘર નાનું પડવા લાગ્યું છે. મારી પાસેથી આર્ટ શીખવા માટે દેશ-વિદેશથી સ્ટુડન્ટ્સ આવે છે. એમાં નાનાં બાળકોથી લઈને કૉલેજમાં ભણતા યુવાનો, ગર્ભવતી મહિલાઓ, ગૃહિણીઓ અને વૃદ્ધો બધાં જ છે. મારા ક્લાસિસમાં એવું કોઈ સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ નથી હોતું. બધા જ હળીમળીને આર્ટ શીખે અને મોકળા મને વાતચીત થાય. ઘણા સ્ટુડન્ટ્સે તેમના જીવનનાં સુખ-દુખ મારી સાથે શૅર કર્યાં છે, મારી સાથે હસ્યા-રડ્યા છે. ઘણા સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં હોય છે અને આર્ટ-ક્લાસ તેમના માટે હીલિંગનું કામ કરે છે.’
દીકરીનો સપોર્ટ મળ્યો
પ્રીતિબહેન તેમની દીકરી હનિષાને પોતાનો આધારસ્તંભ માને છે. બાવીસ વર્ષની હનિષા અપ્લાઇડ આર્ટ્સનો કોર્સ કરે છે. પ્રીતિબહેન કહે છે, ‘મારું સોશ્યલ મીડિયા હૅન્ડલ કરવાનું કામ મારી દીકરી કરે છે. આજના જમાનામાં સારું કામ કરવાની સાથે લોકોની સામે એ રજૂ કરવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. હું સોશ્યલ મીડિયા પર આટલી ઍક્ટિવ ન હોત તો કદાચ મને આટલી પ્રસિદ્ધિ ન મળી હોત. અમે સોશ્યલ મીડિયા પર ક્યારેય ફેક ફૉલોઅર્સ નથી લીધા. આજે મારા ઇન્સ્ટાગ્રામ પેજ આર્ટ અફેર બાય પ્રીતિ ગાલાના ૩૭,૮૦૦ ફૉલોઅર્સ છે. પાંચ વર્ષ પછી આ વર્ષે ૨૩ માર્ચે મારા ૧૦,૦૦૦ ફૉલોઅર્સ પૂરા થયા હતા. એ દિવસે મારી આંખમાં રીતસર આંસુ આવી ગયાં હતાં, કારણ કે પાંચ વર્ષની મહેનત મને હવે દેખાઈ છે. મને સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સથી એટલો ફરક નથી પડતો, પણ મેં જોયું છે કે આજકાલ યંગ જનરેશન તમારા કામની તો જ વૅલ્યુ કરે જો તમારા સોશ્યલ મીડિયા પર સારાએવા ફૉલોઅર્સ હોય. સોશ્યલ મીડિયાનું મને એટલું નૉલેજ નથી, પણ મારી દીકરીએ મારું અકાઉન્ટ હૅન્ડલ કરીને મને સફળતાની નવી ઊંચાઈએ પહોંચવામાં મદદ કરી છે.’
પહેલી ઓળખ સ્પોર્ટ્સની
પ્રીતિબહેનને આર્ટિસ્ટ તરીકે તો બધા ઓળખે છે, પણ તેમના વાગડ સમાજમાં બધા તેમને સ્પોર્ટ્સવુમન તરીકે પણ ઓળખે છે. તેમની આ ઓળખ ઊભી થવા પાછળ પણ જીવનમાં આવેલો એક એવો વળાંક છે જેણે તેમનામાં સ્પોર્ટ્સ પ્રત્યે ઝનૂન ભરી દીધું હતું. આ વિશે વાત કરતાં પ્રીતિબહેન કહે છે, ‘આમ તો સ્પોર્ટ્સ ઍક્ટિવિટીઝમાં હું પહેલેથી ઍક્ટિવ હતી, પણ મેં જેટલા પણ મોટા રેકૉર્ડ્સ બનાવ્યા છે એ ૨૦૧૪માં મારી મમ્મીના અવસાન પછી જ બનાવ્યા છે. હું મારી મમ્મીથી ખૂબ જ અટૅચ્ડ હતી. આજે હું પગભર છું તો એ પણ મારી મમ્મીના સપોર્ટને કારણે જ છું. મારી મમ્મીએ આ દુનિયામાંથી વિદાય લીધી એ મારા માટે ખૂબ જ મોટો આઘાત હતો. મારી મમ્મી હયાત હતાં ત્યારે એવું ઘણી વાર બન્યું છે કે તે મને કૉલ કરે અને હું કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત હોઉં એટલે તેમની સાથે વાત ન કરી શકું. મમ્મીના ગયા પછી મને મનમાં એ વાતનો ખૂબ જ વસવસો રહી ગયો. હું ડિપ્રેશનમાં સરી પડી હતી. એ સમયે મારા ફૅમિલી-ડૉક્ટરે મને મનગમતી પ્રવૃત્તિમાં મન પરોવવા કહ્યું. સ્પોર્ટ્સમાં મને રસ હતો જ અને એમાં પતિ અને બાળકોનો સપોર્ટ મળ્યો એટલે મેં ધીમે-ધીમે ૧૦થી ૨૧ કિલોમીટરની મુંબઈ મૅરથૉન, વસઈ-વિરાર મૅરથૉન, સાતારા હિલ મૅરથૉનમાં દોડવાનું શરૂ કર્યું. અલ્ટ્રા-રન કરી જેમાં સતત ૧૨ કલાક દોડવું પડે. લૉન્ગ-ડિસ્ટન્સ સાઇક્લિંગ ઇવેન્ટમાં પાર્ટ લીધો. ટ્રાયથ્લોન કરી જેમાં સ્વિમિંગ, સાઇક્લિંગ, રનિંગ કરવાનાં હોય. હિમાલય, સહ્યાદ્રિ જેવા ટ્રેક્સ કર્યા. હું ૨૦૧૫માં પિન્કેથૉન મૅરથૉનની ઍમ્બૅસૅડર પણ રહી ચૂકી છું.’
બાળપણથી જ સ્પોર્ટ્સ-આર્ટમાં રસ
પ્રીતિબહેનને બાળપણથી જ ભણવામાં એટલો રસ નહોતો, પણ સ્પોર્ટ્સ અને આર્ટ બન્નેમાં તેઓ ખૂબ જ હોશિયાર હતાં. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સ્પોર્ટ્સમાં મને સ્કૂલ તરફથી સિલેક્ટ કરવામાં આવતી અને ઇન્ટર-કૉલેજ કૉમ્પિટિશનમાં મોકલવામાં આવતી. એમાં હું પ્રાઇઝ પણ જીતીને આવતી. હું ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ બન્નેમાં ઍક્ટિવ હતી; પછી એ ચેસ, ટેબલટેનિસ કે રનિંગ હોય. મારું ડ્રૉઇંગ પણ એટલું સારું હતું કે બાયોલૉજીમાં દેડકા કે એવું દોરવાનું આવે ત્યારે હું મારા ફ્રેન્ડ્સને પણ દોરીને આપતી. મારા ડ્રૉઇંગ-ટીચરને પણ મારું કામ એટલું પસંદ આવતું કે તેઓ આખા ક્લાસ સામે મારી પ્રશંસા કરતા. કેટલાંક ખૂબ જ સારાં હોય એવાં ડ્રૉઇંગ્સ સ્કૂલના નોટિસ બોર્ડમાં પર ડિસ્પ્લે કરવામાં આવતાં.’
શ્રેય મમ્મીને
જીવનમાં પગભર થવાનું શ્રેય પ્રીતિબહેન તેમનાં મમ્મી રેખાબહેનને આપે છે. આ વિશે વાત કરતાં પ્રીતિ ગાલા કહે છે, ‘અમારી જ્ઞાતિમાં એ સમયે દીકરીઓનાં લગ્ન જલદી થઈ જતાં. ઉપરથી હું મારા દાદાની પહેલી પૌત્રી હતી એટલે તેમને મારાં લગ્નની ઉતાવળ હતી. દસમા ધોરણમાંથી જ મારાં લગ્ન માટે છોકરાઓનાં માગાં આવવા લાગ્યાં. જોકે એ સમયે મારી મમ્મીએ મારા માટે અવાજ ઉઠાવેલો. દસમા ધોરણ પછી આગળ ભણવાની વાત આવી ત્યારે પણ બધાએ ઍડ્વાઇઝ આપેલી કે હોમ સાયન્સ કરાવી દો, આગળ જઈને એ જ કામ આવશે. એ સમયે પણ મારી મમ્મીએ મને કમર્શિયલ આર્ટમાં ઍડ્મિશન લેવડાવેલું. તેમને ખબર હતી કે હું આર્ટમાં સારી છું એટલે મારા માટે એ ફીલ્ડ સારું રહેશે. મારા એક ડ્રૉઇંગ-ટીચરે તેમને આ ફીલ્ડ સજેસ્ટ કર્યું હતું. બાકી આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં કોઈને આ ફીલ્ડનું એટલું નૉલેજ નહોતું. એ પછી બાવીસ વર્ષે લગ્ન થયાં અને પછી પરિવાર અને સંતાનોની જવાબદારી વચ્ચે કારકિર્દી બનાવવાનો એવો કોઈ મોકો ન મળ્યો. જોકે લગ્નનાં ૨૦ વર્ષ બાદ હું એક આર્ટ-ટીચરની કારકિર્દી બનાવીશ એ સપનામાં પણ નહોતું વિચાર્યું.’