બાળકોનાં જૂનાં રમકડાંમાંથી બનાવેલી ખુરસી, એક મોટા વૉર્ડરોબનો જુદા જ પ્રકારનો દરવાજો કે પછી અલગ પ્રકારનું ડાઇનિંગ ટેબલ હોય, દરેકમાંં રેઝિન આર્ટનો પ્રયોગ કરીને પૂનમ શાહ બનાવે છે પર્સનલ ટચવાળું મનમોહક ફર્નિચર
પૂનમ શાહ, આર્ટિસ્ટિક ટેબલ ટૉપ રેઝિન આર્ટ.
અત્યારે બહુચર્ચિત રેઝિન આર્ટમાંથી શું બને છે? સાચાં ફૂલોને સ્ટોર કરવાની રીત કે કોઈ વૉલપીસ કે કોઈ ફોટોફ્રેમ? બહુ-બહુ તો જ્વેલરી કે કીચેન. પણ હકીકતમાં રેઝિન આર્ટ થકી તમે ન જોયું હોય એવું જ નહીં, જે વિચાર્યું પણ ન હોય એવું બધું બની શકે છે. તમારા બાળકનાં જૂનાં રમકડાંઓનો ઉપયોગ કરીને એક સુંદર ટેબલ કે ખુરશી બની શકે છે જે જીવનભરનું સંભારણું બની જતું હોય છે એટલું જ નહીં, રેઝિન આર્ટથી અતિ સુંદર દેખાતું ડાઇનિંગ ટેબલ પણ બને છે. વર અને વધૂ કઈ રીતે મળ્યાં અને તેમની લવ સ્ટોરીમાં કઈ-કઈ બાબતોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો એ વસ્તુઓને લઈને એક કૅન્ડલ સ્ટૅન્ડ જેવું આર્ટપીસ બનાવી શકાય છે જે લગ્નની રિટર્ન ગિફ્ટ હોઈ શકે છે. રેઝિનથી અવૉર્ડની ટ્રોફી પણ બને અને ફ્લાવર પૉટ પણ.
રેઝિન આર્ટ વાપરતા ઘણા આર્ટિસ્ટ છે પણ આ આર્ટ ફૉર્મની શરૂઆત કરનારા ગણ્યાગાંઠ્યા લોકોમાંની એક એટલે સાંતાક્રુઝમાં રહેતી પૂનમ શાહ. UKમાં ભણેલી અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ડિગ્રી મેળવનાર પૂનમનાં લગ્ન થયાં અને તેણે તરત અમેરિકા શિફ્ટ થવું પડ્યું. સ્પાઉઝ વીઝા પર ગયેલી પૂનમને ત્યાં કામ કરવા મળવાનું નહોતું એટલે અમેરિકામાં સમય પસાર કરવા માટે એક આર્ટ ગૅલેરીમાં તેણે પહેલી વાર રેઝિન આર્ટ જોઈ અને તેને એ ખૂબ ગમી. તેણે ત્યાં એની વર્કશૉપ કરી અને શીખ્યું. એ પછી તેઓ મુંબઈ પાછાં ફર્યાં. એ સમયની વાત કરતાં પૂનમ કહે છે, ‘રેઝિન જે મીડિયમ છે એને મારે એક્સપ્લોર કરવું હતું. અહીં કોઈને એના વિશે ખાસ ખબર નહોતી. રેઝિન ૨૦૦૦-૩૦૦૦ રૂપિયે લીટર મળે છે પણ મને એમાં ખૂબ રસ હતો એટલે એ મીડિયમની પરખ માટે મેં ઘણું કામ કર્યું. એનું રિઝલ્ટ આજે એ છે કે મારામાં એ માધ્યમ સાથે ઘણું અવનવું કરવાની સૂઝ ડેવલપ થઈ છે.’
ADVERTISEMENT
ટેબલ લૅમ્પ
ધીમે-ધીમે પૂનમને લાગ્યું કે તે કામ શરૂ કરી શકે એમ છે. પહેલાં તેણે કોસ્ટર જેવી નાનકડી વસ્તુઓ બનાવી. એના વિશે વાત કરતાં પૂનમે કહ્યું, ‘તમારી બનાવેલી વસ્તુ જ્યારે વેચાય અને એના પૈસા હાથમાં આવે એ ફીલિંગ જ જુદી છે. મારા પિયર અને સાસરા બન્ને પક્ષે બધા વર્કિંગ પ્રોફેશનલ્સ છે, કોઈ જ આર્ટિસ્ટ નથી. એક આર્ટિસ્ટની ઇમ્પ્રેશન આમ પણ ખૂબ ગરીબડી છે સમાજમાં જે ધીમે-ધીમે બદલાતી જાય છે. મને પણ એક પ્રોફેશનલ આર્ટિસ્ટ બનવું છે એમ માનીને મેં કામ શરૂ કર્યું હતું પણ જ્યારે અર્નિંગ ચાલુ થયું ત્યારે મને ખૂબ બળ મળ્યું. મને થયું કે હું કરી શકીશ.’
બાળકોનાં રમકડાંમાંથી ખુરસી.
પૂનમે ધીમે-ધીમે આર્કિટેક્ટ, ઇન્ટીરિયર ડિઝાઇનર સાથે કામ કરવાનું શરૂ કર્યું. પહેલાં જે ફક્ત સુશોભનના આર્ટપીસ બનાવતી હતી તે ધીમે-ધીમે ફર્નિચર બનાવતી થઈ. તેણે અંધેરીમાં પોતાની એક પ્રોફેશનલ વર્કપ્લેસ ઊભી કરી જ્યાં તે આર્ટપીસ બનાવે પણ છે અને મીટિંગ્સ પણ કરે છે. ફર્નિચર વિશે વાત કરતાં પૂનમ કહે છે, ‘મને કોઈ વસ્તુ રિપીટ કરવી નથી ગમતી. હું જે બનાવું છું એ બધું અલગ-અલગ બનાવવાનું વધુ પસંદ કરું છું. દરેક આર્ટપીસ ફક્ત સુંદરતા માટે નથી. સુંદરતાની સાથે એમાં એક સ્ટોરી જોડાયેલી હોય છે. ફર્નિચરની દુનિયામાં પર્સનલાઇઝ્ડ ટચ આપીને ફર્નિચર બનાવવાનું મારું કામ લોકોને ખૂબ જ ગમી રહ્યું છે અને એક નિર્જીવ ફર્નિચર એની ખુદની ઓળખ દર્શાવે છે. એની સાથે તેમની લાગણીઓ જોડાય છે એટલે એ સ્પેશ્યલ બની જાય છે.’
રેઝિન આર્ટથી વૉર્ડરોબનો દરવાજો
પૂનમ રેઝિન આર્ટની વર્કશૉપ પણ લે છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘કોઈ પણ આર્ટ સીમિત નથી હોતી. એના આર્ટિસ્ટની કલ્પના પર એ ઘણો વિકાસ પામે છે. હું બે કલાકની વર્કશૉપ લેતી નથી. હું નથી ઇચ્છતી કે કોઈ પણ વ્યક્તિ ઉપરછલ્લી રીતે આર્ટને જુએ. જ્યાં સુધી તમે તમારા મીડિયમ સાથે સમય પસાર ન કરો ત્યાં સુધી એની ઓળખ ન થાય અને એટલે કામ સારું ન થાય. હું મારા વિદ્યાર્થીઓને આ જ સમજાવું છું.’
કૅન્ડલ સ્ટૅન્ડ
રેઝિન આર્ટમાં હજી પણ ઘણું એક્સપ્લોર કરવાનું છે એમ માનતાં પૂનમ શાહ કહે છે, ‘મને નવા-નવા ક્રીએટિવ વિચારો પર કામ કરવાનું ગમે છે. કોઈ કહે કે આવું થઈ શકે તો હું ક્યારેય ના નથી પાડતી. કહું છું કે હું ટ્રાય કરી જોઉં. આ અપ્રોચને કારણે જ હું નવી વસ્તુઓ બનાવી શકી. આજે ઘણા કૉર્પોરેટ ગિફ્ટ ઑર્ડર્સ અમે બનાવીએ છીએ. પર્સનલ ઑર્ડર્સ પણ લઈએ છીએ, અલગ-અલગ ક્લાયન્ટની ડિમાન્ડ પ્રમાણે હું પર્સનલ ડિઝાઇન તૈયાર કરું છું અને મારા સ્ટાફની મદદથી બનાવું છું. રેઝિનના આ કામમાં મહેનત ઘણી છે પણ એ મારું પૅશન બની ગયું છે. મને આ આર્ટમાં અસંખ્ય તક દેખાય છે જેના પર હું કામ કરવા માગું છું.’

