પોતપોતાનાં કામ અને પરિવારને સાચવવાની સાથે કાંદિવલીનાં હર્ષા વોરા અને રચના મહેતાએ શરૂ કરેલી રમકડાંની લાઇબ્રેરી અનેક પેરન્ટ્સ માટે યુઝફુલ સાબિત થઈ રહી છે
૨૦૨૧માં સેટઅપ મોટો કરવા માટે હર્ષા-રચનાએ દુકાન ભાડે લીધી હતી.
કોઈએ ન વિચાર્યો હોય એવા રૅન્ડમ આઇડિયાથી બિઝનેસ ડેવલપ થવા સુધીની સફર બહુ જ રોમાંચક હોય છે. મુંબઈમાં લોકલ લેવલ પર અઢળક સ્ટાર્ટઅપ બિઝનેસ થઈ રહ્યા છે પણ કાંદિવલીની બે ગુજરાતી લેડીઝે શરૂ કરેલા બિઝનેસ જેવા આઇડિયા ઓછા જોવા મળે છે. હર્ષા વોરા અને રચના મહેતાએ રમકડાં ભાડે આપીને બિઝનેસ ડેવલપ કર્યો છે અને આજે એને સફળતાપૂર્વક ચલાવી રહ્યાં છે.
આઇડિયા કઈ રીતે આવ્યો?
ADVERTISEMENT
રમકડાંને ભાડે આપવાનો બિઝનેસ-આઇડિયા કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં ટૉય સ્ટેશન ઍન્ડ બુક લાઇબ્રેરીનાં ફાઉન્ડર હર્ષા વોરા કહે છે, ‘મારા અને રચનાના દીકરા નાના હતા અને તેમના માટે અમે રમકડાં ભેગા કરતા હતા, પણ થતું એવું કે ઉંમર વધે એટલે તેમના માટે બીજાં રમકડાં લેવાં પડે અને જૂનાં રમકડાંને ફેંકવાં પડે અને રમકડાં થોડાં મોંઘાં આવે. મને થયું કે બધા જ પેરન્ટ્સ આવું કરતા હશે? તો એક વાર મગજમાં વિચાર આવ્યો કે જો આપણે રમકડાં ભાડે આપી શકીએ તો? બાળકોને પણ વરાઇટી મળશે અને પેરન્ટ્સના પણ પૈસા બચશે. આ એક વિચારે અમને ઇન્સ્ટન્ટ બિઝનેસ આઇડિયા આપ્યો અને વર્ષ ૨૦૧૧માં અમારી નવી જર્નીની શરૂઆત થઈ. આમ તો ક્યારેય સપનેય નહોતું વિચાર્યું કે હું બિઝનેસ કરીશ, પણ રમકડાં ભાડે આપવાના આઇડિયાએ મને એમ કરવા મોટિવેટ કરી. આ જર્નીમાં હું એકલી નહોતી, મારી બહેનપણી રચના મહેતા પણ હતી. અમને બન્નેને દીકરા હતા અને તેમની ઉંમર સરખી જ હતી. જ્યારે અમે બિઝનેસ શરૂ કર્યો ત્યારે અમારા બન્નેના દીકરા ત્રણ કે ચાર વર્ષના હતા. રચના મારા બિલ્ડિંગમાં જ રહે એટલે પાડોશીધર્મ અને બહેનપણીધર્મ સાથે પાળીએ. અમે જ્યાં જઈએ ત્યાં ભેગાં જ હોઈએ. જ્યારે બિઝનેસનો વિચાર આવ્યો ત્યારે પ્રાયોગિક ધોરણે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ થઈ શકે છે કે નહીં એનો અખતરો કરવો હતો. અમારા ઘરે જે રમકડાં હતાં એ બહુ જ ઓછાં પડે એમ હતાં તેથી હોલસેલ ભાવે સારી ક્વૉલિટીનાં રમકડાં ક્યાંથી મળે એની શોધ શરૂ કરી. થોડાં રમકડાં ખરીદીને જમા કરીને ઘરેથી જ બિઝનેસ શરૂ કર્યો. રમકડાં ભાડે આપવાનો કન્સેપ્ટ લોકો માટે ૨૦૧૧માં તો નવો હતો જ અને હજી પણ એટલો પૉપ્યુલર થયો નથી. જોકે અમે તો આ પ્રકારનો કન્સેપ્ટ જોયો પણ હતો અને એ જૉઇન પણ કર્યું હતું. અમે ત્યાંથી રમકડાં ભાડે લાવતાં પણ હતાં. પછી અમને થયું કે આનો બિઝનેસ થઈ શકે એમ છે. પૉસિબિલિટી ચેક કરી તો ખબર પડી કે આમાં કૉમ્પિટિશન નથી, પણ લોકોમાં જાગરૂકતા લાવવાની મહેનત છે. જોકે અમારા પરિવારે એમાં સાથ આપ્યો. એનાથી વિશેષ અમારા માટે કંઈ નહોતું.’
હર્ષા અને રચનાએ વસાવેલી ટૉય લાઇબ્રેરી.
પચીસ મેમ્બર્સથી થયા શ્રીગણેશ
બિઝનેસ શરૂ કરવો ઈઝી છે પણ એના માટે સાતત્ય જાળવીને આગળ વધારતા રહેવું મુશ્કેલ છે એમ જણાવતાં ૫૪ વર્ષનાં હર્ષાબહેન વાતના દોરને આગળ વધારતાં કહે છે, ‘અમારા બન્નેનું નાના છોકરાવાળું ઘર હતું. તેથી ભાડે આપવાનાં રમકડાં ઘરમાં વસાવવાં થોડું મુશ્કેલ હતું. જોકે મારી પાસે એક્સ્ટ્રા ફ્લૅટ હતો અને અમે ત્યાં બિઝનેસ સેટઅપ કર્યો. શરૂઆતમાં મેમ્બર્સ બનાવતાં સમય લાગ્યો. આજથી ૧૪ વર્ષ પહેલાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સનું પણ એટલું વર્ચસ્વ નહોતું. અમે અમારી સોસાયટીના વિસ્તારમાં પૅમ્ફ્લેટ્સ વહેંચીને અને માઉથ પબ્લિસિટી કરીને પ્રચાર કરતાં. એ સમયે અમને ધીરે-ધીરે પચીસ પેરન્ટ્સ મળ્યા હતા જેમને પોતાનાં બાળકો માટે રમકડાં જોઈતાં હતાં. અઠવાડિયાનાં બે એટલે કે એક મહિનાનાં આઠ રમકડાં માટે ૨૫૦ રૂપિયાનું ભાડું લેતા હતા. ખરીદવા જઈએ તો ૨૫૦ રૂપિયામાં એક રમકડું આવે અને અમે આઠ રમકડાં ભાડે આપતા. પ્રૅક્ટિકલી લોકોને અમારો કન્સેપ્ટ ગમતો એટલે સમય જતાં બિઝનેસ વધતો ગયો.’
નોકરી સાથે બિઝનેસ સંભાળ્યો
મહિલા ઘર સંભાળવાની સાથે બિઝનેસ અને નોકરીને સંભાળી શકે છે એ ઉદાહરણ હર્ષા અને રચનાએ પૂરું પાડ્યું છે. રચના તેના ઘરે બાળકોને ટ્યુશન કરાવે છે અને હસબન્ડને અકાઉન્ટિંગમાં હેલ્પ કરે છે, જ્યારે હર્ષા સ્ટૉક માર્કેટમાં જૉબ કરે છે. ઘર સંભાળવાની વણલિખિત જવાબદારીઓ સાથે વર્કિંગ વુમન માટે બિઝનેસમાં ધ્યાન આપવાનું થોડું મુશ્કેલ છે પણ એને મેનૅજ અને બૅલૅન્સ કરવાની કળા આ બન્ને બિઝનેસવિમેનમાં હતી. હર્ષાબહેન સોમવારથી શુક્રવાર નોકરી કરતાં ત્યારે રચનાબહેન પણ સોમવારથી શનિવાર ટ્યુશન લેતાં હતાં. વીક-એન્ડમાં થોડો સમય ફાળવીને લાઇબ્રેરીને મેઇન્ટેન કરતાં અને અઠવાડિયા દરમિયાન પેરન્ટ્સની ઇન્ક્વાયરી આવે તો તેમને વીક-એન્ડમાં ટાઇમ આપીને ટૉય્ઝ આપતાં. જોકે હવે મેમ્બર્સ વધી ગયા હોવાથી દુકાન ભાડે રાખી છે અને ત્યાંથી બિઝનેસ થાય છે. ઇન્ક્વાયરીઝ વધુ આવતી હોવાથી હવે તેઓ વીક-એન્ડ ઉપરાંત બુધવાર અને ગુરુવારે સવારે પણ રમકડાં ભાડે આપે છે.
રમકડાં રેન્ટ પર લઈને રમતાં બાળકો.
કોરોનાકાળ થોડો ટફ
કોરોનાની મહામારી બધા માટે વસમી હતી ત્યારે હર્ષા અને રચનાના ફુલ સ્વિંગમાં ચાલી રહેલા બિઝનેસને પણ અસર થઈ હતી. એ સમયને યાદ દરતાં હર્ષાબહેન કહે છે, ‘અમે મારા ફ્લૅટમાં જ બિઝનેસ કરતા હતા પણ કોરોનાકાળમાં સોસાયટીના લોકોએ વાંધો ઉઠાવ્યો હોવાથી અમારે દુકાન બંધ કરવી પડી અને એ સમયે મેમ્બર્સમાં પણ ઘટાડો થયો હતો, પણ જેવી સ્થિતિ સુધરી કે તરત જ અમે દુકાન લીધી અને ત્યાંથી વ્યવસ્થિત રીતે ઑપરેટ કરવાનું શરૂ કર્યું. જે પણ રમકડાં ભાડે અપાતાં એને ડિસઇન્ફેક્ટ કરવામાં આવતાં અને પેરન્ટ્સને પણ ઘરે લઈ ગયા બાદ અને દુકાને આપતાં પહેલાં એક વાર સૅનિટાઇઝ કરવાનું કહેતાં. નાનાં બાળકોની સેફ્ટી માટે અમે એક્સ્ટ્રા કૅર કરતાં.’
લાઇબ્રેરીનાં રમકડાંનું મૅનેજમેન્ટ કઈ રીતે થાય છે એ વિશે જણાવતાં રચના મહેતા કહે છે, ‘જે રમકડાં જૂનાં થઈ જાય એને અમે મેમ્બર્સને ઓછા પૈસામાં વેચી દઈએ અથવા તો ડિસ્કાર્ડ કરી નાખીએ. થોડા-થોડા સમયે અમે અમારી લાઇબ્રેરીને અપડેટ કરીએ છીએ અને સાથે એવાં રમકડાંની પસંદગી કરીએ છીએ જે બાળકોને ગમે અને એમાંથી તે કંઈક શીખે.`
કેવાં રમકડાં મળે?
ટૉય સ્ટેશનમાંથી બાળકો માટે કેવા પ્રકારનાં રમકડાં મળે છે એ વિશે વાત કરતાં આ સ્ટાર્ટઅપનાં કો-ફાન્ડર રચના મહેતા જણાવે છે, ‘છ મહિનાથી લઈને ૧૪ વર્ષનાં બાળકો માટે રમકડાં મળે છે. એમાં ઘરે રમી શકાય એવાં અને આઉટડોર ઍક્ટિવિટી માટેની ગેમ્સ અને ટૉય્ઝ, ઇન્ટેલેક્ચ્યુઅલ ટૉય્ઝ, બ્રેઇન બૂસ્ટિંગ ગેમ્સ, બોર્ડ ગેમ્સ અને પઝલ્સ પણ પરવડે એવા ભાવમાં મળી રહે છે. આ ઉપરાંત ટચ ઍન્ડ ફીલ બુક્સ, ક્લોથ બુક, ફોનિક્સ બુક્સ, પંચતંત્ર અને ધાર્મિક પુસ્તકો, મોરલ વૅલ્યુઝ આપતી હોય એવી બુક્સ અને ૧૦ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે એન્સાઇક્લોપીડિયા પણ ઉપલબ્ધ છે.’
રમકડાં ભાડે આપ્યા બાદ કોઈ કસ્ટમરે પરત ન કર્યાં હોય એવા કિસ્સા બન્યા છે? એ સવાલનો જવાબ આપતાં હર્ષાબહેન જણાવે છે, ‘લકીલી અમને બહુ જ વિશ્વાસપાત્ર મેમ્બર્સ મળ્યા છે. તેમણે ક્યારેય આવું કર્યું નથી. હા, રમતી વખતે બાળકોના હાથેથી રમકડાં તૂટી જાય તો તેમની પાસેથી ડૅમેજનો ચાર્જ લઈ લેવામાં આવે અથવા તો એ જ રમકડાંને અમે જે ભાવે લીધાં હોય એનાથી થોડા ઓછા ભાવમાં અમે તેમને જ વેચી દઈએ.’
બિઝનેસ એક્સપાન્શન
રમકડાં ભાડે આપવાનો બિઝનેસ સમયાંતરે વધ્યો એ વિશે વાત કરતાં હર્ષાબહેન કહે છે, ‘૧૪ વર્ષમાં અમારો કસ્ટમર-બેઝ પણ વધી ગયો છે. પહેલાં કાંદિવલીના જ મેમ્બર હતા, હવે ગોરેગામ અને દહિસર સુધીના લોકો અમારી પાસેથી રમકડાં લે છે. જે લોકો અહીં લેવા ન આવી શકે એ લોકોને અમે કૅટલૉગ દેખાડી જે પસંદ આવે એ કુરિયર કરી દઈએ. જોકે મોટા ભાગે પેરન્ટ્સને તેમનાં બાળકો માટે રમકડાં જોઈને અને ફીલ કરીને લેવાં હોય છે તો ઑનલાઇન મગાવવાનું પ્રમાણ બહુ જ ઓછું છે. પચીસ મેમ્બર્સથી શરૂ કરેલા બિઝનેસમાં અત્યારે ૫૦૦ ઍક્ટિવ મેમ્બર્સ છે. અત્યારે અમે પેરન્ટ્સ પાસેથી ૧૦૦૦ રૂપિયાની ડિપોઝિટ લઈએ છીએ અને અમે ટૉય્ઝને રેન્ટ કરવાના ૬૦૦થી ૧૨૦૦ રૂપિયાનાં પૅકેજ ડિઝાઇન કર્યાં છે. હવે અમારાં બાળકો પણ મોટાં થઈ ગયાં છે. મારો દીકરો મનન BMSના બીજા વર્ષમાં છે ત્યારે રચનાનો દીકરો આર્ય IITમાં એન્જિનિયરિંગ કરી રહ્યો છે. તેના બીજા દીકરાએ પણ હાલમાં દસમાની પરીક્ષા આપી છે. તેથી હવે બિઝનેસમાં થોડું વધુ ધ્યાન આપી શકાય એમ હોવાથી ફ્રૅન્ચાઇઝી ખોલવાની શરૂઆત કરી છે. પહેલી ફ્રૅન્ચાઇઝી મલાડમાં ખૂલી ગઈ છે. પરવડે એવા ભાવમાં બાળકોને રમવાનાં રમકડાં ઉપલબ્ધ કરાવી શકીએ એ મિશન સાથે અમારું આખા મુંબઈ અને નવી મુંબઈમાં ટૉય સ્ટેશનની બ્રાન્ચ શરૂ કરવાનું સપનું છે.’

