ટ્યુશન ક્લાસમાં શરૂ થયેલી દોસ્તીથી લઈને લગ્ન સુધીની ઘટનાઓનું નિરૂપણ કરતી મેંદી
વિધિ શાહ
મુલુંડમાં રહેતી ગુજરાતી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર વિધિ શાહ બ્રાઇડલ મેંદીને એક નવા લેવલ પર લઈ ગઈ છે. લાંબી ફ્રેન્ડશિપ પછી લવમૅરેજ કરનારી આ ક્રીએટિવ ગર્લે ૧૫ વર્ષની તમામ સ્પેશ્યલ મોમેન્ટ્સને મેંદીમાં મૂકીને એટલી અદ્ભુત રીતે સ્ટોરીટેલિંગ કર્યું છે કે એ જોઈને સવાલ થશે કે વાહ, મેંદી પણ આટલી કસ્ટમાઇઝ્ડ થાય?
દુ્લ્હનની મેંદીમાં દુલ્હાનું નામ સૌથી મહત્ત્વનું હોય છે. જોકે વિધિએ હસબન્ડ વત્સલનું નામ આખું એક જ જગ્યાએ લખવાને બદલે નામ VATSALના દરેક અક્ષરને અલગ-અલગ જગ્યાએ લખાવ્યા હતા એને કારણે વત્સલને નામ શોધવાનું અઘરું પડી ગયેલું
ADVERTISEMENT
લગ્નમાં કસ્ટમાઇઝેશનનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે ખાસ કરીને મેંદીમાં પણ બ્રાઇડ્સ પોતાની આખેઆખી લવસ્ટોરીઝ ઉતારાવે છે. મુલુંડમાં રહેતી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર વિધિ શાહે પણ તેની બ્રાઇડલ મેંદી આવી જ રીતે કરાવી હતી. મેંદી માટેના યુનિક કન્સેપ્ટને ડેવલપ કરવાથી લઈને હાથ પર ઉતારવા સુધીની સફર વિશે વિધિ પાસેથી જ જાણીએ.
વેડિંગ ડેટ એક્સ્ટ્રા સ્પેશ્યલ
મેંદીમાં ઉમેરાયેલા લવસ્ટોરીના એલિમેન્ટ્સ વિશે વાત કરતાં વિધિ જણાવે છે, ‘મને પહેલેથી જ મારી ચીજોને કસ્ટમાઇઝ કરાવવાનો શોખ છે ત્યારે મારાં પોતાનાં લગ્નમાં બધું મારા હિસાબે હોય એવી ઇચ્છા હતી. કપડાંમાં તો કસ્ટમાઇઝેશન નવી વાત નથી, પણ મારા મગજમાં અમારી આખી લવસ્ટોરીને મેંદીના માધ્યમથી લોકોને દર્શાવવાનો વિચાર આવ્યો. ઇમૅજિનેશનથી એક્ઝિક્યુશન સુધીની સફર મારા માટે ખરેખર રોમાંચક રહી છે. લગ્ન તો સ્પેશ્યલ હતાં જ, પણ મેંદીને લીધે એ એક્સ્ટ્રા સ્પેશ્યલ થઈ ગયાં છે.અમે એકબીજાને ડેટ કરવાની શરૂઆત ૨૦૦૯ની ૨૭ નવેમ્બરે કરી હતી અને એનાં એક્ઝૅક્ટ ૧૫ વર્ષ બાદ એટલે કે ૨૦૨૪ની ૨૭ નવેમ્બરે અમે લગ્નબંધને બંધાયાં.આ બન્ને તારીખ મેં મારા હાથમાં લખાવી છે.મારી લાઇફનાં આ ૧૫ વર્ષને મેંદીમાં ઉતારવાં હતાં.’
વત્સલ શેઠિયા અને વિધિ શાહ.
સંસ્કૃત ટ્યુશનમાં પહેલી મુલાકાત
વાતના દોરને આગળ વધારતાં વિધિ તેના પતિ વત્સલ શેઠિયા સાથેના સંબંધોની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે વાત કરતાં કહે છે, ‘હું અને વત્સલ અલગ-અલગ સ્કૂલમાં ભણતાં હતાં. હું જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે વત્સલ સાથે પહેલી મુલાકાત સંસ્કૃત ક્લાસમાં થઈ હતી.એ સમયે હું નવમા ધોરણમાં હતી.અમારી વચ્ચે થોડી વાતચીત થયા બાદ વત્સલે તેના મિત્રોને કહ્યું કે આ તમારી ભાભી બનશે. પછી શું? અમારા બન્નેના પ્રેમસંબંધોની શરૂઆત થઈ. મેંદીમાં મેં અમારા ટ્યુશનમાં થયેલી મુલાકાતના કિસ્સાને હાઇલાઇટ કર્યો છે. બે બાળકો સ્કૂલમાં ભણે છે અને ચોપડી પાછળ સંસ્કૃત ક્લાસ નવ લખ્યું છે. મારી મેંદી-આર્ટિસ્ટે બહુ ચીવટથી એક-એક એલિમેન્ટમાં ઝીણવટભર્યું કામ કર્યું છે જે ખરેખર કાબિલ-એ-તારીફ છે.’
પિક્ચર અભી બાકી હૈ
વિધિ અને વત્સલની પ્રેમકથામાં વધુ રસપ્રદ એલિમેન્ટ્સને ઉમેરતાં વિધિ તેની મેંદી વિશે જણાવે છે, ‘ટ્યુશન અને સ્કૂલનો સમય પૂરો થયા બાદ અમને રીલ્સ બનાવવી અને મૂવી જોવી બહુ પસંદ હતી અને આ એલિમેન્ટને પણ મારે હાઇલાઇટ કરવું હતું તેથી મૂવી રીલના સિમ્બૉલ્સ અને પૉપકૉર્ન બનાવ્યા છે અને એમાં લખ્યું પણ છે કે ‘પિક્ચર અભી બાકી હૈ’. જીવનની ખરી શરૂઆત હવે થશે એવું કહેવાનો મારો અર્થ હતો.હું છેલ્લાં આઠ વર્ષથી કન્ટેન્ટ ક્રીએટર છું. ફૅશન અને બ્યુટી પર હું રીલ્સ બનાવું છું અને મારા હસબન્ડ બૉલીવુડ અને કમર્શિયલ ફોટોગ્રાફર છે. મારી રીલ્સ એ જ શૂટ કરે. અમે બન્ને એકબીજાના સપોર્ટ સાથે આ રીતે જ આગળ વધ્યાં હોવાથી મારે અમારા બન્નેના પ્રોફેશનને પણ દર્શાવવું હતું તેથી છોકરી શૂટ કરાવે છે અને છોકરો ફોટો પાડે છે એવું એલિમેન્ટ પણ મેં મારી મેંદીમાં ઍડ કરાવ્યું છે. આ સાથે બીજા હાથમાં મેં મારું ઇન્સ્ટાગ્રામ ID@a_lot_from_life અને મારા હસબન્ડના બિઝનેસનું નામ નૉટ શૉટ્સ પણ લખાવ્યું છે.
દુબઈમાં કર્યું પ્રપોઝ
વત્સલે વિધિને દુબઈમાં બુર્જ ખલીફા સામે પ્રપોઝ કર્યું હતું એ મોમેન્ટ પણ બહુ સ્પેશ્યલ હોવાથી આ એલિમેન્ટને પણ મેંદીમાં આવરી લેવામાં આવે એવી ઇચ્છા વિધિની હતી. આ સ્પેશ્યલ મોમેન્ટ વિશે વાત કરતાં વિધિ કહે છે, ‘વત્સલે મને એક વર્ષ પહેલાં દુબઈમાં પ્રપોઝ કર્યું હતું. મને આ વાતનો જરાય આઇડિયા નહોતો અને મારા માટે સરપ્રાઇઝ હતી. વર્ષો સુધી ડેટ કર્યા બાદ આ મોમેન્ટ આવે ત્યારે સ્પેશ્યલ કરતાં પણ સ્પેશ્યલ ફીલ થાય. તેથી એક હાથમાં મેં બુર્જ ખલીફા અને દુબઈની સ્કાયલાઇનની સામે તે મને પ્રપોઝ કરે છે એ મોમેન્ટને મારી મેંદીમાં રીક્રીએટ કરી. વત્સલને આઇડિયા હતો કે હું થોડી કસ્ટમાઇઝ્ડ મેંદી મુકાવીશ, પણ આટલા ડીટેલિંગ સાથે કરાવીશ એ તેને ખબર નહોતી. જ્યારે તેણે મારી મેંદી જોઈ ત્યારે તે એકદમ અવાક થઈ ગયો. તેનુંરીઍક્શન જોઈને મને બહુ ખુશી થઈ હતી. હું અને વત્સલ અમે બન્ને જૈન હોવાથી અમારા પરિવાર થોડા સમયમાં માની ગયા હતા. આ મેંદીની વધુ એક ખાસ વાત એ પણ હતી કે મેં વત્સલનું નામ પણ યુનિક રીતે છુપાવ્યું હતું. V એક બાજુ તો બીજી બાજુ A એમ દરેક અક્ષર છૂટા લખાવ્યા હતા. તેને શોધવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો પણ અંતે તેને મળી ગયું. પછી એ પણ ખુશ અને હું પણ ખુશ. ’
જયમાલા વખતે જે ઓઢણી ઓઢેલી એમાં પણ હૅશ ટૅગ અને લગ્નની તારીખ.
ફૅમિલી મોમેન્ટ્સ આર મસ્ટ
વિધિને તેની મેંદીમાં લવસ્ટોરીની સાથે તેની ફૅમિલી સાથે વિતાવેલી પળોને પણ સમાવવાની ઇચ્છા હતી. વિધિ જણાવે છે, ‘મારા પપ્પા કીબોર્ડ પ્લેયર છે અને મમ્મી સિંગર છે. બન્ને સાથે કામ કરે એ જોઈને હું અને મારી મોટી બહેન ડાન્સ કરવા લાગતાં હતાં. આ મોમેન્ટને મારે મેંદીમાં ઉમેરાવવી હતી. એક હાથના પંજામાં મારા પપ્પા કીબોર્ડ વગાડે છે, મમ્મી માઇક લઈને ગાય છે, તેમની સાથે હું અને મારી બહેન આજુબાજુ ડાન્સ કરીએ છીએ એવું દર્શાવવાની કોશિશ કરી છે. આ સાથે બીજા હાથના પંજામાં ગૃહપ્રવેશનું એલિમેન્ટ ઍડ કરાવ્યું છે.એમાં હું વત્સલના ઘરે પ્રવેશ કરું છું ત્યારે મારાં સાસુ-સસરા અને દિયર અમારું સ્વાગત કરે છે એ રીતે મેં દોરાવ્યું છે.’
સંગીતમાં પહેરેલા શૂઝ પણ કસ્ટમાઇઝ કરાવ્યા છે.
લગ્નબંધને બંધાયાની ક્ષણ
મેંદીમાં વેડિંગ એલિમેન્ટ્સ વિશે વાત કરતાં વિધિ જણાવે છે, ‘હું અને વત્સલ ફેરા ફરતાં હોઈએ એ મોમેન્ટ પણ મને મારી મેંદીમાં જોઈતી હોવાથી પિન્કી અને ભાવનાએ મારી એ ઇચ્છા પણ પૂરી કરી હતી. આ સાથે એલિફન્ટ્સ, હવનકુંડ અને હસ્તમેળાપ જેવા વેડિંગ સિમ્બૉલ્સને પણ તેમણે હાઇલાઇટ કર્યા હતા.આ સાથે મહેલ, ફ્લાવર્સ, કેરી અને લોટસની કટવર્ક સાથેની ડિઝાઇનમાં બધાં એલિમેન્ટ્સને મર્જ કરવાથી એ વધુ સારાં દેખાતાં હતાં.’
હૅશટૅગ અને લોગોને કેમ ભુલાય?
વિધિએ તેનાં લગ્ન માટે કસ્ટમાઇઝેશન પર બહુ ફોકસ કર્યું હતું. તે કહે છે, ‘મારાં લગ્ન માટે બનાવેલું હૅશટૅગ #ViVaKaVivah મારી મેંદીમાં લખાવડાવ્યું હતું. આ સાથે અમારા બન્નેના નામના પહેલા અક્ષરનો લોગો બનાવડાવ્યો છે.અમારા રિલેશનને ૧૫ વર્ષ પૂરાં થયાં હોવાથી એ પણ ચીજ હાઇલાઇટ કરવાનું કહ્યું હતું.મેં મારા બન્ને પરિવારને જ્યારે આ મેંદી દેખાડી તો તેઓ સૌથી પહેલાં આશ્ચર્યચકિત થયા હતા કે મેંદીમાં પણ આવું હોતું હશે? અને પછી એક-એક એલિમેન્ટને જોઈને ખુશ-ખુશ થઈ ગયા હતા.’
કલીરા અને લેંહગાનાં લટકણ પણ કર્યાં કસ્ટમાઇઝ્ડ
મેંદીની જેમ વિધિએ કલીરા અને લેહંગાનાં લટકણને પણ કસ્ટમાઇઝ કર્યાં છે.આ વિશે વિધિ જણાવે છે, ‘મારા વેડિંગ લેહંગાનાં લટકણમાં મેં અમારો હૅશટૅગ, વેડિંગ ડેટ અને ૧૫ વર્ષની સફર છે એવું કસ્ટમાઇઝ કરાવ્યું છે.આ સાથે મેં પહેરેલા કલીરા પણ ફુલ્લી કસ્ટમાઇઝ્ડ છે.કલીરામાં મેં દુબઈનોબુર્જ ખલીફા, મુંબઈનો ગેટવે ઑફ ઇન્ડિયા, અમારી ટ્યુશનની પહેલી મુલાકાત, લગ્નની તારીખ અને હૅશટૅગ કસ્ટમાઇઝ કરાવ્યાં છે.’
મેંદીની કમાલ કરી હતી પિન્કી દેવરા અને ભાવના પટેલે
મેંદી-આર્ટિસ્ટને કન્સેપ્ટ સમજાવવાનો ટાસ્ક વિધિને થોડો ટફ લાગ્યો હતો. આર્ટિસ્ટ સાથેના અનુભવ વિશે વાત કરતાં તે કહે છે, ‘અગાઉ હું મારી એક ફ્રેન્ડનાં લગ્નમાં ગઈ હતી ત્યાં મેં મેંદી-આર્ટિસ્ટ પિન્કી દેવરા અને ભાવના પટેલની મેંદી જોઈ અને મને ગમી ગઈ. મારાં લગ્ન નજીક આવી રહ્યાં હતાં અને મારા દિમાગમાં જે રીતે બધા કસ્ટમાઇઝ્ડ કન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યા હતા એને સમજાવવા તો ઈઝી હતા પણ આર્ટિસ્ટ મારી સ્ટોરીને સમજશે કે નહીં એનું થોડું ટેન્શન હતું. મેં પિન્કી અને ભાવના સાથે કલાકો સુધી વાત કરી.મારી આખી સ્ટોરી સમજાવી.ઇન્ટરનેટ પરથી આઇડિયાઝ શોધી-શોધીને તેમને બતાવ્યા.હું તો ઘણા આઇડિયાઝ આપું, પણ પ્રૅક્ટિકલી આર્ટિસ્ટ માટે એને એક્ઝિક્યુટ કરવા પૉસિબલ છે કે નહીં એ તો આર્ટિસ્ટ જ જણાવી શકે. મારા આઇડિયા સમજાવ્યા બાદ આ બધાં જ એલિમેન્ટ્સને ભેગાં કરીને બ્રાઇડલ મેંદી બનાવવી કેટલી હદે પૉસિબલ છે એ મેં પૂછ્યું, કારણ કે મારા હાથ પાતળા હતા અને એલિમેન્ટ્સ હેવી અને મોટાં જોઈતાં હતાં. પિન્કીએ મને કહ્યું કે તમને જેવું જોઈએ છે એવું અમે કરી આપીશું. આ સાંભળીને મારા જીવમાં જીવ આવ્યો. મેંદીના દિવસે પણ અમે મેંદી કેવી રીતે અને કયાં એલિમેન્ટ્સને ક્યાં રાખવાં એ બાબતે અડધા કલાક સુધી ચર્ચા કરી અને ફાઇનલી મેંદી લગાવવાની શરૂઆત થઈ.દરેક એલિમેન્ટ પહેલાં પિન્કી અને ભાવના મારી સાથે વાત કરતાં કે હવે અમે આમ કરીશું.જ્યારે હું હા પાડું ત્યારે તેઓ આગળ વધે.મેંદી પૂરી કરતાં બન્ને આર્ટિસ્ટને આઠ કલાકનો સમય લાગ્યો હતો. મારે તો બેસવાનું હતું પણ બન્ને આર્ટિસ્ટની મહેનતને લીધે મારી મેંદી વાઇરલ થઈ રહી છે એ માટે હું હંમેશાં થૅન્કફુલ રહીશ. આઠ કલાક દરમિયાન મારા બન્ને સાથેના સંબંધો સારા બન્યા. અમે એટલી વાતો કરી કે મેંદી પૂરી થઈ, પણ વાતો નહીં.’