Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > દુનિયાની સૌથી મોટા કદની નોટ આ બિઝનેસમૅન પાસે છે

દુનિયાની સૌથી મોટા કદની નોટ આ બિઝનેસમૅન પાસે છે

19 September, 2024 11:30 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

આજે મળીએ ચલણી નોટોના આ અદ્ભુત કલેક્ટરને અને તેમના મસ્ત કલેક્શનમાં કેવી-કેવી અજાયબીઓ છે એ જાણીએ

૬૦૦ મલેશિયન રિન્ગિટની વિશ્વની સૌથી મોટા કદની ચલણી નોટ સાથે નીતિન શાહ

૬૦૦ મલેશિયન રિન્ગિટની વિશ્વની સૌથી મોટા કદની ચલણી નોટ સાથે નીતિન શાહ


એકદમ અળવીતરી સંખ્યાની ચલણી નોટોનું અનોખું કલેક્શન ધરાવતા માટુંગાના બિઝનેસમૅન નીતિન શાહ પાસે વિવિધ દેશોની જૂનીપુરાણી, ઇતિહાસનો ટુકડો બની ગયેલી બૅન્ક-નોટ્સનો એવો ખજાનો છે જે વિશ્વમાં મુઠ્ઠીભર લોકો પાસે જ છે. 3, 4, 7, 15, 21, 25, 30, 40, 45, 60, 75, 90, 150, 250, 300, 600, 2500 એવા ઑડ ડિનૉમિનેશનની નોટ્સ તેમના ખજાનામાં છે. વિશ્વભરનાં સ્મારકો સાથે સંકળાયેલી નોટ‍્સ ઉપરાંત ભારતના ચલણી ઇતિહાસને દર્શાવતી પોર્ટુગીઝ અને બિટિશ ઇન્ડિયાના સમયની નોટ્સ પણ તેમની પાસે છે. આજે મળીએ ચલણી નોટોના આ અદ્ભુત કલેક્ટરને અને તેમના મસ્ત કલેક્શનમાં કેવી-કેવી અજાયબીઓ છે એ જાણીએ


માટુંગામાં રહેતા નીતિન શાહનો મૂળ વ્યવસાય આમ તો લૅમિનેટ મૅન્યુફૅક્ચરિંગનો છે પણ તેમના આ વ્યવસાય કરતાં તેઓ વધુ જાણીતા છે તેમના નોખા-અનોખા શોખ માટે. નીતિનભાઈને નાનપણથી જ દેશ-વિદેશથી આવેલી ચલણી નોટો એકઠી કરવાનો શોખ. જ્યારે તેમના પપ્પા જેઠાલાલ ધનજી શાહ અને વિશેષ તો તેમના કાકા વેલજી ધનજી અને જયંતીલાલ ધનજીને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતાનું બધું જ કલેક્શન, જેમાં સ્ટૅમ્પ અને સિક્કાઓ હતાં એ તેમના ભત્રીજાને ધરી દીધું. બસ, ત્યાર પછી નીતિનભાઈને કલેક્શનમાં રસ પડવા લાગ્યો. એ પછી તો તેમણે દુર્લભ નોટોનો અભ્યાસ અને કલેક્શન કરવામાં પાછું વળીને જોયું જ નથી.  આ ખજાનામાં પોતાના ક્લેકશનનો ઉમેરો કરીને એને એટલો વિશાળ બનાવી દીધો છે કે આજે ‘નોટાફિલિસ્ટ’ એટલે કે ચલણી નોટોના અભ્યાસુ અને કલેક્ટર તરીકે વિશ્વની દુર્લભ ગણાતી નોટો ભેગી કરી છે અને એ માટે અનેક અવૉર્ડ‍્સ પણ જીતી ચૂક્યા છે.



વડીલોનું પ્રોત્સાહન


આજના સમયમાં જ્યાં મોટા ભાગના લોકો નવીનતમ ટેક્નૉલૉજી અને ટ્રેન્ડ્સ સાથે આગળ વધવા માટે પ્રયત્નશીલ રહે છે એવા સમયમાં પણ એક વિશ્વ એવું છે જ્યાં શાંતિપૂર્ણ રીતે ઇતિહાસના ટુકડાઓ જાળવી રાખવાનો પ્રયાસ થાય છે. ચલણી નોટોનું કલેક્શન કરવાનો શોખ કઈ રીતે તેમને નોટાફિલિસ્ટ એટલે કે બૅન્ક નોટ્સના અભ્યાસુ બનાવવા તરફ લઈ ગયો એ વિશે વિસ્તારથી વાત કરતાં ૪૮ વર્ષના નીતિનભાઈ કહે છે, ‘હું ૧૯૯૦માં મારા કઝિન સાથે લંડન ગયેલો. ત્યાંથી પાછો ફર્યો ત્યારે એક પાઉન્ડની નોટ ચલણમાં હતી એ સાચવી રાખી. પપ્પાએ એને વટાવીને એન્કૅશ કરવાનું કહ્યું પણ મેં કહ્યું કે ના, મારે સાચવવી છે. આ વાતની ખબર પડતાં પપ્પા અને કાકાએ તેમની પાસે હાજર ભારતીય નોટ્સનું કલેક્શન મને આપી દીધું. એ વખતની નોટ્સ એટલી મોટી હતી કે તમે એને ‘ફાફડા નોટ્સ’ કહી શકો. આ સિવાય તેમની પાસે રૅન્ડમ ફૉરેન નોટ્સ પણ હતી. પપ્પા ફરવા જતા ત્યારે ભેગી કરેલી અને કાકાઓના મિત્રો ફરવા જાય ત્યારે તેમની પાસેથી ભેગી કરેલી નોટ્સ અને કૉઇન્સ હતાં. કાકા પાસેનું કલેક્શન મોટું હતું. આ રીતે મારી પાસે સારુંએવું કલેક્શન ભેગું થયેલું પણ બધું રૅન્ડમ કલેક્શન હતું. એ સમયે, જ્યારે બ્રિટિશ ભારતના યુગની જૂની અને કચરી ગયેલી બૅન્ક નોટ્સ જોવા મળી ત્યારે મારું ધ્યાન ખાસ રીતે આકર્ષાયું. આ નોટોની કળાત્મક ડિઝાઇન, રાજાઓની છબીઓ અને એનું ઐતિહાસિક મહત્ત્વ મને પ્રભાવિત કરતાં હતાં. આમ એક રીતે જોઈએ તો પારિવારિક મોટિવેશનને લીધે આ શોખ જાગ્યો.’

થીમ-આધારિત કલેક્શન


આજે નીતિન શાહ કોઈ રૅન્ડમ નોટ-કલેક્ટર નથી પણ તેઓ ચોક્કસ થીમ, ઐતિહાસિક ભૂતકાળ અને સ્મારક કહેવાય એવી નોટ્સનું કલેક્શન અને અભ્યાસ કરીને નોટાફિલિસ્ટ બની ચૂક્યા છે. એટલે જ તેમની બૅન્ક નોટ્સના ખજાનામાં જોવા મળે છે ભારતીય ચલણના વિવિધ યુગોની વિકાસયાત્રા, ભારતનો ઐતિહાસિક ભૂતકાળ, દેશવિદેશથી ખાસ પ્રસંગે જાહેર કરવામાં આવતી સ્મારક નોટો એટલે કે કૉમેમોરેટિવ નોટ્સ અને ઑડ ડિનૉમિનેશન નોટ્સ. આ વિશે જણાવતાં નીતિન શાહ કહે છે, ‘શરૂઆતમાં મેં રૅન્ડમ કલેક્શન ચાલુ રાખેલું. જોકે નોટાફિલિસ્ટો પ્રદર્શન કરે છે. એક વખત મારા ભાઈને આવું પ્રદર્શન જોવાનું આમંત્રણ મળ્યું અને એ રીતે હું ઇન્ટરનૅશનલ બૅન્ક નોટ્સ સોસાયટીના ભારતના ચૅપ્ટર-હેડ અનિશ મહેતાને મળ્યો. તેમને મારા શોખની જાણ થઈ. પછી મારું કલેક્શન જોઈ તેમણે મને થીમ-બેઝ્ડ કલેક્શન કરવાની પ્રેરણા આપી.’

નીતિન શાહ માને છે કે નોટસંગ્રહ માત્ર એક શોખ નથી, એ ઇતિહાસને જાળવી રાખવાની રીત છે. તેઓ માને છે કે પ્રત્યેક નોટ એના સમયના વર્તમાનનું પ્રતિનિધિત્વ કરે છે અને એ રાજકીય અને આર્થિક પરિવર્તનોનું દર્શન કરાવે છે. નીતિનભાઈએ પોતાના સંગ્રહને પાંચ અલગ-અલગ થીમમાં વિભાજિત કર્યો છે. એક, ઇન્ડિયન બૅન્ક નોટ્સ, બીજું કમેમરેટિવ નોટ્સ એટલે કે સ્મારક નોટ્સ, ઑડ ડિનૉમિનેશનની નોટ્સ, ઑડ મટીરિયલની નોટ અને IBNS બૅન્ક નોટ ઑફ ધ યરનું કલેક્શન.

ભારતીય ચલણી નોટોનો ખજાનો

બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં ભારત સાત સર્કલમાં વિભાજિત હતું જે અનુક્રમે કાનપુર, બૉમ્બે, કલકત્તા, કરાચી,  લાહોર, મદ્રાસ અને રંગૂનમાં વિભાજિત હતું. એમાંથી રંગૂન એટલે કે અત્યારના મ્યાનમારની બૅન્ક નોટ્સની સિરીઝ નીતિનભાઈ પાસે છે. પ્રિફિક્સના આધારે જે-તે સર્કલ ઓળખી શકાય છે. ભારતમાં પોર્ટુગીઝોનું રાજ હતું એવા સમયે જોવા મળતી 30, 60, 300, 600 એસક્યુડોની નોટ્સ પણ નીતિનભાઈ પાસે જોવા મળે છે. ઈ. સ. ૧૯૧૭માં ૨.૫ રૂપિયાની નોટ બહાર પાડવામાં આવેલી. આ નોટ વિશે વાત કરતાં નીતિનભાઈ કહે છે, ‘એ સમયે પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને એના લીધે આખું વિશ્વ મેટલની તંગી ભોગવી રહ્યું હતું. એવા સમયે છૂટા પૈસાની અછતનો સામનો કરવા ભારતમાં ૨.૫ રૂપિયા (બે રૂપિયા અને આઠ આના)ની નોટ અસ્તિત્વમાં આવી હતી. એ સમયે ગવર્નમેન્ટ સર્વન્ટનો પગાર ૨૨.૫ રૂપિયા હતો એટલે વીસ રૂપિયા ઉપર આ અઢી રૂપિયા બરાબર ફિટ બેસતા હતા એટલે આવી નોટ અસ્તિત્વમાં આવેલી.’

કમેમરેટિવ બૅન્ક-નોટ્સ

કમેમરેટિવ એટલે કે સ્મારક નોટ્સ. આ એવી નોટ્સ હોય છે જે જે-તે દેશની સેન્ટ્રલ બૅન્ક અને મૉનિટરી ઑથોરિટી ચોક્કસ ઘટના, વ્યક્તિ કે ઐતિહાસિક ઘટનાના માનમાં ઇશ્યૂ કરે છે. આ વિશે જણાવતાં નીતિનભાઈ કહે છે, ‘દુનિયામાં હાલ ૧૩૬ દેશોએ ૮૫૦ જેટલી કમેમરેટિવ નોટ્સ ઇશ્યુ કરેલી છે જેમાંની ૧૩૩ દેશોની ૭૧૦ જેટલી નોટ્સ મેં કલેક્ટ કરી છે, જે ભારતમાં હાઇએસ્ટ કલેક્શન છે. મારી પાસે પહેલાં ૫૮૬ નોટ્સ હતી ત્યારે મેં લિમકા બુક ઑફ અવૉર્ડ્સમાં અપ્લાય કરેલું, જે ટૂંક સમયમાં જાહેર થશે. આઝાદીનાં ૬૦ વર્ષ પૂરાં થતાં મલેશિયાએ ૬૦૦ રિંગિટની નોટ જાહેર કરેલી. મલેશિયાની આ ૬૦૦ રિંગિટની બૅન્ક નોટ માટે એ નોટને ૨૦૧૭માં ‘લાર્જેસ્ટ સાઇઝની બૅન્ક નોટ’નો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ મળ્યો છે. આ નોટની ખાસિયત એ છે કે એ ઑડ ડિનૉમિનેશન નોટ પણ છે. આ કલેક્શનમાં ૧૯૯૮ની ફિલિપીન્સની ૧,૦૦,૦૦૦ પેસોની નોટ પણ છે, એ પણ લાર્જેસ્ટ બૅન્ક નોટનો ખિતાબ જીતેલી છે.’

ઑડ ડિનૉમિનેશન નોટ્સ

ભારતમાં પાંચ, દસ, વીસ, પચાસ, સો, બસો, પાંચસો, બે હજાર એવા  ડિનૉમિનેશનમાં નોટ્સ જોવા મળે છે. એ સિવાય જો કોઈ પણ ડિનૉમિનેશનમાં કોઈ નોટ્સ પ્રિન્ટ થાય તો એ ઑડ ડિનૉમિનેશનવાળી ભારતીય નોટ્સ કહેવાય છે. આ જ રીતે વિશ્વભરના દેશોમાં એમના ચલણ મુજબ જે-તે દેશો ખાસ પ્રસંગો માટે પોતાની ઑડ ડિનૉમિનેશન નોટ્સ પ્રસિદ્ધ કરે છે. ભારતીય ઉપરાંત વિશ્વભરના પચાસથી વધુ દેશોની ખાસ મોકા પર જાહેર કરેલી આવી ઘણી ઑડ ડિનૉમિનેશન નોટ્સનું કલેક્શન જોવા મળે નીતિનભાઈ પાસે, જેમાં ૨૫ ડિનૉમિનેશનની દસેક પૅનલનું ખાસ કલેક્શન નીતિનભાઈ પ્રદર્શિત કરીને અવૉર્ડ જીતી ચૂકેલા છે. આ વિશે નીતિનભાઈ કહે છે, ‘મારી પાસે 3, 4, 7, 15, 21, 25, 30, 40, 45, 60, 75, 90, 150, 250, 300, 600, 2500 એવા દરેક ઑડ ડિનૉમિનેશનની નોટ્સ છે જેમાંથી 25 નંબર મને બહુ જ આકર્ષિત કરે છે. એટલે સૌથી પહેલાં એનું જ કલેક્શન કરેલું. મારી પાસે 0.25થી લઈને 25, 250થી લઈને 25 બિલ્યન સુધીની બૅન્ક નોટ્સ ઉપલબદ્ધ છે. જોકે દરેક દેશ આવી નોટ્સ જાહેર નથી કરતા. 3, 30, 300, 3 લાખ એવા ડિનૉમિનેશનની આખા વિશ્વમાં લગભગ ૪૧ દેશોએ નોટ્સ બહાર પાડી છે. એમાંની સાઠેક નોટ્સ મારી પાસે છે. આ સિવાય મલેશિયાએ જાહેર કરેલી 60 અને 600 ડિનૉમિનેશનની નોટ્સ પણ મારી પાસે છે.’

IBNS બૅન્ક-નોટ્સ ઑફ ધ યર

આખા વિશ્વમાં નોટ કલેક્શન માટે જાણીતા ગ્રુપ IBNSના આ હિન્દુસ્તાન ચૅપ્ટરમાં દર વર્ષે પબ્લિશ થતી ‘બૅન્ક નોટ ઑફ ધ યર’ની તમામ નોટ્સનું કલેક્શન નીતિનભાઈ પાસે છે, જેમાં તેમણે ૨૦૦૪થી લઈને ૨૦૨૩ સુધીની બધી જ નોટ્સનું કલેક્શન કરીને પ્રદર્શન કરેલું. એના લીધે તેમને IBNS ‘બેસ્ટ ડિસ્પ્લે’નો અવૉર્ડ મળેલો છે.

ઑડ મટીરિયલ નોટ્સ

ઑડ ડિનૉમિનેશનની જેમ ઑડ મટીરિયલ પર પણ નોટ્સ છાપવામાં આવી છે. આ વિશે વાત કરતાં નીતિનભાઈ કહે છે, ‘બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મેટલની તંગીને લીધે જર્મનીમાં લાકડા પર નોટ્સ છાપવામાં આવતી હતી. એ સિવાય સિલ્ક, જૂટ, વેલ્વેટ પર પણ નોટ્સ જોવા મળે છે.’ નીતિન શાહના આવા નોટપ્રેમને તેમના પરિવારજનોનો પૂરો સપોર્ટ છે. એ માટે નીતિનભાઈ કહે છે, ‘ઘણી વાર એ લોકો કહે છે કે આ શું જૂનું ભેગું કરે છે, પણ એ સાથે એ લોકો ખુશ પણ છે મારા આ શોખથી. નોટાફિલિસ્ટ માટે સફળતા માત્ર નોટના સંગ્રહમાં કે એના કદમાં નથી હોતી, આ બધી નોટોને સાચવવાની કળા અને વિજ્ઞાનને સમજવામાં છે. નોટનો સંગ્રહ એ ઇતિહાસનો સંગ્રહ કરવા બરાબર છે.’

નીતિનભાઈના ખજાનામાં આવી યુનિક ચીજો પણ છે

મહાત્મા ગાંધીની જન્મશતાબ્દી સમયે ૨/૧૦/૧૯૬૯ના સ્મારક નોટ બહાર પાડેલી. ત્યારે એક, બે, પાંચ, દસ અને સો રૂપિયાની ચલણી નોટોમાં ગાંધીજીનો ફોટો છાપેલી નોટ્સ.

ઑસ્ટ્રેલિયામાં બહારની પ્રજાએ આવીને વસવાટ કર્યો એને ૨૦૦ વર્ષ પૂરાં થયાં એની સ્મૃતિમાં ૧૦ ડૉલરની નોટ બહાર પાડવામાં આવેલી એ નોટ.

ચીને ઑલિમ્પિક વિન્ટર ગેમ્સ 2022માં રમાઈ એની યાદમાં યુઆન બહાર પાડેલા એ બૅન્ક નોટ.

ઑસ્ટ્રેલિયા પાસેના કુક આઇલૅન્ડમાં પૅસિફિક આર્ટનો છઠ્ઠો ફેસ્ટિવલ ૧૬થી ૨૭ ઑક્ટોબર ૧૯૯૨માં યોજાયેલો એની યાદગીરીરૂપે ૩ ડૉલરની નોટ બહાર પાડેલી એ બૅન્ક નોટ.

યુરોપના નાના દેશ ગન્ઝાએ રાણી એલિઝાબેથની ડાયમન્ડ જ્યુબિલી પ્રસંગે ૨૦૧૨માં 20 પાઉન્ડની નોટ બજારમાં મૂકી હતી. ૧૯૧૪થી ૧૯૧૮ દરમિયાન યુરોપમાં યુદ્ધ ખેલાયું એ ગ્રેટ વૉરની યાદમાં ગન્ઝાએ 20 પાઉન્ડની નોટ છાપીને વ્યવહારમાં મૂકી હતી એ બૅન્ક નોટ.

મકાઉ (ચાઇના)એ દર વર્ષે એક રાશિની વિગતો આપતી ચલણી નોટ છાપી હતી. આવી ૧૨ રાશિની ૧૨ ચલણી નોટ છાપી હતી જે દરેક નોટ 10 યુઆનની હતી. છેલ્લી કરન્સી નોટ 2023માં છાપી હતી. આ બારેબાર બૅન્ક નોટ્સ.

જ્યારે ક્રોએશિયાએ એની નૅશનલ બૅન્કને ૧૦ વર્ષ અને ૨૦ વર્ષ થયાં ત્યારે ૧૦ અને ૨૦ કુના (ચલણ)ની નોટ બહાર પાડેલી એ બૅન્ક નોટ્સ.

ચેકોસ્લોવેકિયા પહેલાં એક દેશ હતો જેના વિભાજન બાદ એક દેશ ચેક રિપબ્લિક અસ્તિત્વમાં આવ્યો. ત્યાંના અર્થશાસ્ત્રી કેરલ ઇંગ્લિશના મૃત્યુને ૬૦ વર્ષ થયાં હતાં ત્યારે 100 ક્રાઉનની નોટ ચલણમાં મૂકી હતી એ બૅન્ક નોટ.

૧૯૯૭માં હૉન્ગકૉન્ગ ચીનને પાછું સોંપ્યું ત્યારે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પાંચ પાઉન્ડની કરન્સી નોટ જાહેર કરેલી, જેમાં માત્ર 9999 નોટ્સ જ હતી એ પાંચ પાઉન્ડની બૅન્ક નોટ.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 11:30 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK