Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ચાલી નથી શકતી, પણ મક્કમ મનોબળને પાંખો બનાવી છે આ સુપરવુમને

ચાલી નથી શકતી, પણ મક્કમ મનોબળને પાંખો બનાવી છે આ સુપરવુમને

Published : 26 November, 2024 03:52 PM | Modified : 26 November, 2024 03:56 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

જન્મજાત સમસ્યાને કારણે કમરની નીચેનો ભાગ લકવાગ્રસ્ત હોવા છતાં મુલુંડની ૩૪ વર્ષની ખુશી ગણાત્રાએ જીવનને માણવા અને નવું-નવું શીખવા કે એક્સપ્લોર કરવામાં કોઈ કમી નથી રાખી એટલું જ નહીં

પરિવાર સાથે સોમનાથનાં દર્શન કરવા ગયેલી ખુશી ગણાત્રા.

પરિવાર સાથે સોમનાથનાં દર્શન કરવા ગયેલી ખુશી ગણાત્રા.


જન્મજાત સમસ્યાને કારણે કમરની નીચેનો ભાગ લકવાગ્રસ્ત હોવા છતાં મુલુંડની ૩૪ વર્ષની ખુશી ગણાત્રાએ જીવનને માણવા અને નવું-નવું શીખવા કે એક્સપ્લોર કરવામાં કોઈ કમી નથી રાખી એટલું જ નહીં; સ્પોર્ટ‍્સ અને ફૅશન-શોમાં ભાગ લેવા ઉપરાંત પોતાના જેવા દિવ્યાંગોનો હોંસલો બુલંદ થાય એ માટે તે કોચિંગ, ટ્રેઇનિંગ અને વર્કશૉપ્સ પણ લે છે. આ ક્ષમતાઓ તેનામાં ક્યાંથી આવી છે એ જાણવા જેવું છે


‘બીજાથી અલગ હોવામાં કોઈ બૂરાઈ નથી. વાસ્તવિકતામાં એ જ વસ્તુ તમને ખાસ બનાવે છે. તમારી અક્ષમતાને સ્વીકારી આ વર્લ્ડને બેટર પ્લેસ બનાવવાનો પ્રયત્ન કરો. તમે પણ બીજા માટે પ્રેરણારૂપ બની શકો છો. તમે તેમને દેખાડો કે કંઈ પણ કરવું મુશ્કેલ નથી. બધું જ પૉસિબલ છે.’




આ વિચાર છે મુલુંડમાં રહેતી ખુશી ગણાત્રાના. ૩૪ વર્ષની ખુશી ગણાત્રાને જન્મથી જ સ્પાઇના બાયફિડા છે, જેને કારણે શરીરનો નીચેનો ભાગ આખો પૅરૅલાઇઝ્ડ છે એટલે હરવા-ફરવા માટે તેણે વ્હીલચૅરનો ઉપયોગ કરવો પડે છે. આ એક જન્મજાત અવસ્થા છે. માના ગર્ભમાં જ બાળકની કરોડરજ્જુ બરાબર વિકસી નથી હોતી એને કારણે સ્પાઇનના મણકા વચ્ચે અનિયમિત ગૅપ થઈ જાય છે એને કારણે મોટા ભાગે શરીરની નીચેના ભાગનો મગજ સાથેનો તંતુ છૂટી જતાં કમર નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ જાય છે. ખુશીનું જીવન સ્ટ્રગલથી ભરેલું રહ્યું છે, પણ હાલમાં તે તેના જેવા જ બીજા દિવ્યાંગોને સશક્ત કરવાની દિશામાં કામ કરી રહી છે.


ગયા વર્ષે ‘ઇન્ડિયન આઇડલ’માં તેની પ્રવૃત્તિઓની રજૂઆત કરવા ગયેલી ખુશી.

શરૂઆતનું જીવન
આજે ખુશી પાસે વ્હીલચૅર છે જેના સહારે તે બહાર હરી-ફરી શકે છે, પણ તેના જીવનનાં અનેક વર્ષો તેણે ઘરની ચાર દીવાલ વચ્ચે જ કાઢ્યાં છે. ક્યાંય હરવા-ફરવા જવાનું નહીં, ઘરમાં ને ઘરમાં ઘૂંટણિયાભેર ફરવાનું. આવી સ્થિતિની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે. ખુશી તેના જીવનના શરૂઆતના દિવસોને યાદ કરતાં કહે છે, ‘હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. હું જન્મી ત્યારે મને પીઠ પર નીચેના ભાગે કરોડરજ્જુ હોય ત્યાં ગાંઠ હતી. બાળકના જન્મના ૪૮ કલાકમાં જ એની સર્જરી કરવાની હોય છે જેથી ઇન્ફેક્શન વધવાનું રિસ્ક ન રહે. જોકે મારી સર્જરી હું જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે થઈ. એ સમયે આ વિશે લોકોમાં એટલી જાગરૂકતા નહોતી. પેરન્ટ્સને પણ એટલો કોઈ આઇડિયા નહોતો છતાં તેમનાથી શક્ય હોય એટલું કરીને મારી સારવાર કરાવી. મને બ્લૅડર અને બોવેલ મૂવમેન્ટનો પણ ઇશ્યુ છે એટલે યુરિન અને સ્ટૂલ પાસ કરવામાં કન્ટ્રોલ ન રહે. મારી આવી શારીરિક પરિસ્થિતિને કારણે હું ફૉર્મલ એજ્યુકેશનથી પણ વંચિત રહી ગઈ. બીજાં બાળકોની જેમ મને સ્કૂલ જઈને ભણવાનો અનુભવ નથી મળ્યો. ઘરની બહાર જઈને બીજાં બાળકો સાથે રમવાનો લહાવો પણ હું લઈ નહોતી શકી. ઘરમાં પણ મમ્મી મને બધી જગ્યાએ ઊંચકી-ઊંચકીને લઈ જતી. થોડી મોટી થઈ પછી જાતે ઘૂંટણિયાભેર ચાલતી. હું ૧૦ વર્ષની હતી ત્યારે મારાં મમ્મી-પપ્પા અલગ થઈ ગયાં હતાં એટલે ઘર ચલાવવાની બધી જવાબદારી મમ્મીને માથે હતી. એટલે મને અને મારા ભાઈ ધીરેનને ઘરે મૂકીને મમ્મીએ નોકરીએ જવું પડતું. આખો દિવસ હું અને મારો ભાઈ ઘરે એકલાં હોઈએ. તેને જોઈ-જોઈને હું બધી વસ્તુ જાતે શીખતી. તે બુક્સ લઈને બેસે તો એમાંથી હું પણ શીખવાનો પ્રયત્ન કરતી. તેને ઘરનાં કામ જાતે કરતાં જોઈને હું પણ એ કરવાનો પ્રયત્ન કરતી. એ સમયગાળામાં હું થોડી વધુ આત્મનિર્ભર બની.’

ડ્રાઇવિંગ કરતી ખુશી ગણાત્રા. 

પગભર થઈ
ખુશીના જીવનનાં વર્ષો વીતી રહ્યાં હતાં, પણ જીવનમાં ૨૦૦૮ના વર્ષમાં એક એવો વળાંક આવ્યો જ્યારે ખુશીએ જીવનમાં આ​ર્થિક રીતે પગભર થવાનો નિર્ણય લેવાની જરૂર પડી. એ વિશે વાત કરતાં ખુશી કહે છે, ‘હું ૧૮ વર્ષની હતી ત્યારે મારા નાના ભાઈનું એક અકસ્માતમાં નિધન થયું. ભાઈ ગયા પછી હું અને મમ્મી ડોમ્બિવલીથી મુલુંડ રહેવા આવી ગયાં, કારણ કે અહીં મારી મમ્મીની બાજુનાં બધાં સગાં રહેતાં હતાં. મુલુંડમાં રહેવા આવી એ સમયે મને મારી માસીના દીકરા ધર્મેશનો ખૂબ સાથ મળ્યો. ઉંમરમાં તે મારાથી નાનો છે, પણ તેણે મોટા ભાઈની જેમ મારી કાળજી રાખી. એ ઉપરાંત મને પાડોશમાં રહેતી સારી બહેનપણીઓ પણ મળી. તેઓ મને એક સામાન્ય વ્યક્તિની જેમ જ ટ્રીટ કરતી. હું ૨૦ વર્ષની થઈ ત્યારે મારી પાસે પહેલી વ્હીલચૅર આવી. એ પછી તો મારું નીચે ફરવા જવાનું શરૂ થઈ ગયું. મારે જ્યાં જવું હોય ત્યાં મારો ભાઈ મને લઈ જાય. મારું ઘરની બહાર નીકળવાનું શરૂ થતાં મારામાં થોડો આત્મવિશ્વાસ આવવા માંડ્યો. એ પછી મેં વિડિયો-એડિટિંગનો ડિપ્લોમા કોર્સ પણ કર્યો. એ પૂરો થયા પછી મેં જૉબ શોધવાનું શરૂ કર્યું. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પણ ક્યાંય મેળ ન પડ્યો. મારી આવી કન્ડિશન જોઈને તેઓ મને ખોટું ન લાગે એટલે મોઢા પર તો એમ કહી દે કે અમે તમને કૉલ કરીને જણાવીશું. જોકે પછી સામેથી તેમનો કૉલ આવે જ નહીં. આમ ને આમ ૬ મહિના નીકળી ગયા. અંતે ૬ મહિના પછી મુલુંડમાં જ એક સ્ટુડિયામાં મને જૉબ મળી ગઈ. તેમણે મને તરત જ બીજા દિવસે જોડાઈ જવાનું કહી દીધું. એ રીતે હું આર્થિક રીતે આત્મનિર્ભર બની. લગભગ ૧૦ વર્ષ મેં ત્યાં જૉબ કરી. આ વર્ષે જાન્યુઆરીમાં સ્કૂટર પરથી પડી જતાં મારા હિપમાં ફ્રૅક્ચર આવ્યું એટલે મેં જૉબ છોડીને ઘરેથી ફ્રી-લાન્સિંગ કામ શરૂ કર્યું છે.’

લૉન-ટેનિસ અને પાવરલિફ્ટિંગ જેવી સ્પોર્ટ્‍સમાં પણ તે સક્રિય રહી ચૂકી છે.

સ્પોર્ટ્‍સ જર્ની
ખુશી પૅરા-ઍથ્લીટ પણ રહી ચૂકી છે. ૨૦૧૬માં તેની સ્પોર્ટ્‍સ જર્નીની શરૂઆત થઈ હતી. એ વિશે વાત કરતાં ખુશી કહે છે, ‘એક વાર હું બસમાં ટ્રાવેલ કરતી વખતે નીચે પડી ગઈ હતી જેને કારણે મને ઘૂંટણમાં ઈજા થઈ અને ઘૂંટણનું ઑપરેશન કરવું પડ્યું અને ત્રણ મહિના બેડ-રેસ્ટ કરવાનો વારો આવ્યો. ​એ સમયે મેં સોશ્યલ મીડિયાનો યુઝ શરૂ કર્યો. આ પ્લૅટફૉર્મ પર મને મારા જેવા અનેક લોકો મળ્યા. મારા જેવા બીજા શારીરિક અક્ષમ લોકોના કૉન્ટૅક્ટમાં આવી અને ત્યાં મારું ફલક વિસ્તર્યું. કંઈક કરવાના આશયથી હું વ્હીલચૅર બાસ્કેટબૉલ ટીમનો હિસ્સો બની. સ્પોર્ટ્‍સમાં ઇન્ટરેસ્ટ આવતો ગયો એટલે પછી મેં લૉન-ટેનિસ અને પાવરલિફ્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. સ્પોર્ટ્‍સને કારણે અને એમાં પણ ખાસ જિમમાં જઈને પાવરલિફ્ટિંગની ટ્રેઇનિંગને કારણે મારામાં ખૂબ ફિઝિકલ સ્ટ્રેંગ્થ આવી ગઈ. ૨૦૧૯માં હું નૅશનલ પૅરા પાવરલિફ્ટિંગમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ૨૦૨૩માં જ હું સ્ટેટ પૅરા યોગાસન ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીતી હતી. અત્યારે મેં સ્પોર્ટ્‍સમાં ભાગ લેવાનું ઓછું કરી દીધું છે, કેમ કે હવે મારું ફોકસ સોશ્યલ ઍક્ટિવિટીઝમાં વધુ છે.’

ફાઉન્ડેશનની શરૂઆત
ખુશીએ હજી બે વર્ષ પહેલાં જ વૉક ઍન વ્હીલ્સ ફાઉન્ડેશનની શરૂઆત કરી છે એ વિશે માહિતી આપતાં તે કહે છે, ‘મારા નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)નો ઉદ્દેશ ઇન્ક્લુઝિવ એટલે કે સર્વસમાવેશક સ્પોર્ટ્‍સને પ્રમોટ કરવાનો છે. એ માટે અમે નૉર્મલ અને ડિસેબલ્ડ બન્ને લોકોને એકસાથે રમાડીએ છીએ. અત્યાર સુધી અમે અનેક થ્રોબૉલ ટુર્નામેન્ટ્સ ઑર્ગેનાઇઝ કરી ચૂક્યાં છીએ. ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્‍સથી ડિસેબલ્ડ લોકોમાં આત્મવિશ્વાસ વધે છે, તેમનામાં એક પૉઝિટિવ ઍટિટ્યુડ બિલ્ડ થાય છે. તેમને એ વાતનો અહેસાસ અપાવે છે કે હમ કિસીસે કમ નહીં. એક ડિસેબલ્ડ પર્સન માટે શરીરનું પોશ્ચર સુધારવા માટે કે બૅલૅન્સ અને સ્ટ્રેંગ્થ માટે ફિઝિયોથેરપી ખૂબ જરૂરી હોય છે. તેમને વેઇટ-મૅનેજમેન્ટ સંબંધિત સમસ્યા પણ વારંવાર થતી હોય છે તો એ માટે ડાયટનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. એને ધ્યાનમાં લઈને અમારા ફાઉન્ડેશન દ્વારા ડિસેબલ્ડ લોકો માટે હેલ્થ-કૅમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેઓ સાવ નૉમિનલ ચાર્જમાં ડાયટિશ્યન, ફિઝિયોથેરપિસ્ટ પાસેથી કન્સલ્ટેશન લઈ શકે. એ સિવાય એવી ઇવેન્ટ કરીએ છીએ જેમાં ડિસેબલ્ડ લોકોને હરવા-ફરવામાં સપોર્ટ આપી શકે એવાં વિવિધ પ્રકારનાં ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ માર્કેટમાં અવેલેબલ હોય એ વિશે સમજણ આપવામાં આવે છે. આજે પણ એવા ઘણા ડિસેબલ્ડ લોકો છે જેમને ખબર જ નથી કે તેમના માટે કેવા પ્રકારનાં ઇક્વિપમેન્ટ યોગ્ય છે અને માર્કેટમાં તેમને માટે શું અવેલેબલ છે.’

જિમમાં પસીનો પાડતી ખુશી.

 ફાઉન્ડેશન સાથે ખુશી ડિસેબલ્ડ લોકોને સક્ષમ કરવા રાહ કન્સલ્ટન્સી ચલાવે છે જેના માધ્યમથી તે કોચિંગ, ટ્રેઇનિંગ અને વર્કશૉપ્સ લે છે. શારીરિક અક્ષમ લોકોને એજ્યુકેશન કે જૉબને લઈને કોઈ ગાઇડન્સ જોઈતું હોય, મોબિલિટી માટે કયાં ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવાં એને લઈને માર્ગદર્શન લેવું હોય કે કોઈ પેરન્ટ્સને તેમના ડિસેબલ્ડ બાળકના ઉછેરને લઈને કોઈ સમસ્યા કે મૂંઝવણ હોય તો તેમને રાહ ચીંધવાનું કામ ખુશી કરે છે.

બદલાવની જરૂર
સ્પાઇના બાયફિડાને લઈને લોકોમાં અવેરનેસની જરૂર છે. પોતાનો એક્સ્પીરિયન્સ શૅર કરતાં ખુશી કહે છે, ‘મેં જ્યારે વ્હીલચૅર પર બહાર હરવા-ફરવાની શરૂઆત કરી ત્યારે મારી નાની હાઇટ અને બૉડીના સ્ટ્રક્ચરને લઈને લોકો મને ઘૂરકી-ઘૂરકીને જોતા હતા. એ સમયે મને થોડું અજીબ લાગતું હતું, પણ પછી હું એ વાતને સકારાત્મક રીતે જોવા માંડી. આજે પણ ઘણી વાર એવું થાય કે હું એકલી ક્યાંય ટ્રાવેલિંગ કરતી હોઉં તો લોકો મને વિચિત્ર સવાલ પૂછે છે કે તમને પિરિયડ્સ આવે છે? તમને બાળક થઈ શકે? લોકોને આ બધું જાણવાની ખૂબ ઉત્સુકતા હોય. હું પણ તેમને શાંતિથી જવાબ આપું. લોકોને અવેર કરવા માટે એ વિશે વાતો કરવી જરૂરી છે. અમારા જેવા લોકોએ કેવી-કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે એ વિશે બોલવું જરૂરી છે. આજે મુંબઈના રસ્તાઓ પર બેસ્ટની ઇલેક્ટ્રિક બસ દોડે છે જેમાં અમારા જેવા પૅસેન્જર્સ માટે હાઇડ્રોલિક લિફ્ટ છે જેથી અમે વ્હીલચૅરની સાથે બસમાં આરામથી એન્ટર થઈ શકીએ. અમારા જેવા પૅસેન્જર્સ માટે આ સુવિધાનો કોઈ દિવસ ઉપયોગ થયો નથી. ડ્રાઇવર-કન્ડક્ટરને ખબર જ નથી હોતી કે એ લિફ્ટને ઑપરેટ કઈ રીતે કરાય અથવા કોઈને ખબર હોય તો પણ એ લોકો એનો ઉપયોગ કરવાનું ટાળે છે. એટલે નાછૂટકે અમારા જેવા લોકોએ બીજાની મદદથી બસમાં ચડવું પડે છે. એમાં પણ બસમાં ચડતી વખતે વચ્ચે થાંભલો નડે. ઘણી જગ્યાએ વ્હીલચૅર-યુઝર માટે સ્લૅબ બનાવેલા હોય છે, પણ એ સ્લૅબ એટલા બધા સ્ટીપ હોય છે કે કોઈની મદદ વિના ઉપર ચડી જ ન શકાય. અમારા જેવા લોકો માટે કોઈ હેલ્થ-ઇન્શ્યૉરન્સ પ્લાન નથી. જીવનના દરેક તબક્કે અમારા જેવા લોકોને શું તકલીફ થઈ રહી છે એ લોકો સમજે અને એ દિશામાં કામ કરે એ જરૂરી છે. એ માટે હું સોશ્યલ ઇવેન્ટ્સ, ઇન્ડિયન આઇડલ જેવા રિયલિટી શોથી લઈને ઇન્ક્લુઝિવ ફૅશન-શોમાં રૅમ્પ-વૉક કરીને બધી જગ્યાએ જાઉં છું અને શક્ય હોય એટલી અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરું છું. એ સિવાય દરરોજ રાતે ૧૧થી ૧ વાગ્યા સુધીના સમયગાળામાં રિસર્ચ કરવા બેસું છું. ડિસેબલ્ડ લોકો માટે બીજા દેશોમાં કઈ ફૅસિલિટીઝ છે, તેમને એમ્પાવર કરવા માટે કઈ ટાઇપની ઇવેન્ટ્સ થાય છે, ભારતમાં હું એ દિશામાં કઈ રીતે કામ કરી શકું એ બધી વસ્તુ જોઉં છું.’

પૉઝિટિવ ઍટિટ્યુડ
ખુશી હાલમાં સ્કોલિઓસિસની સમસ્યાથી પીડાઈ રહી છે જેમાં કરોડરજ્જુ સાઇડમાં વળી જાય છે. આને કારણે લંગ્સ પર પ્રેશર આવવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે. આવતા વર્ષે એની સર્જરી કરવાનું પ્લાનિંગ હોવાથી એ માટે ફન્ડ ભેગું કરવાનું કામ ખુશી કરી રહી છે. ખુશીને જીવનમાં ઘણી શારીરિક તકલીફો છે પણ તેનો પૉઝિટિવ ઍટિટ્યુડ તેને આગળ વધવાનું બળ પૂરું પાડે છે. ખુશી કહે છે, ‘મારા જીવનમાં એક પછી એક તકલીફ એટલા માટે આવી રહી છે કારણ કે ભગવાનને ખબર છે કે હું એ બધામાંથી બહાર નીકળવામાં સક્ષમ છું. હું મારા કામના માધ્યમથી લોકોને દેખાડવા માગું છું કે જીવનમાં સિદ્ધિ મેળવવા માટે તમારી શારીરિક અક્ષમતા વચ્ચે આવતી નથી. હું સોશ્યલ ઍક્ટિવિટી તો કરું જ છું અને સાથે-સાથે મારી લાઇફને પણ ખૂબ એન્જૉય કરીને જીવું છું. ફ્રેન્ડ્સ સાથે ડિનર-પાર્ટીમાં જવાનું હોય કે નવરાત્રિમાં દાંડિયા રમવા જવાનું હોય, એ બધું જ કરું છું જે એક નૉર્મલ વ્યક્તિ કરી શકે.’

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2024 03:56 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK