રિટાયર્ડ બૅન્કર પ્રવીણભાઈ બે સોસાયટીમાં મૅનેજર તરીકે કાર્યરત છે. આ ઉંમરે પણ તેમનો કામ કરવાનો જે જુસ્સો છે એ પ્રશંસનીય છે
પ્રવીણ પાઠક
નિવૃત્ત થયા પછી પણ કઈ રીતે પ્રવૃત્ત રહી શકાય એનું ઉત્તમ ઉદાહરણ છે કાંદિવલીમાં રહેતા પ્રવીણ પાઠક. રિટાયર્ડ બૅન્કર પ્રવીણભાઈ બે સોસાયટીમાં મૅનેજર તરીકે કાર્યરત છે. આ ઉંમરે પણ તેમનો કામ કરવાનો જે જુસ્સો છે એ પ્રશંસનીય છે. ૧૫ની જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા પ્રવીણભાઈ ઘરના બધા વ્યવહાર પણ હજી પોતે જ કરે છે
નિવૃત્તિ પછી જીવનમાં કોઈ ધ્યેય શોધવું ખૂબ જરૂરી છે; નહીંતર જીવન હતાશા, નિરાશામાં સરી પડે. એ માટે પોતાનું મનગમતું કામ કરીને કે પછી મનગમતી પ્રવૃત્તિ કરીને પોતાની જાતને વ્યસ્ત રાખવી ખૂબ જરૂરી છે. આ વાત કાંદિવલીમાં રહેતા ૮૦ વર્ષના પ્રવીણ પાઠક સારી રીતે સમજે છે. એટલે જ તેઓ બે સોસાયટીઓમાં મૅનેજર તરીકે કામ કરીને કામમાં વ્યસ્ત રહે છે. સોસાયટીના રહેવાસીઓની કોઈ સમસ્યા કે ફરિયાદ હોય તો એનું નિવારણ કરવાનું, સોસાયટીના સ્ટાફને મૅનેજ કરવાનો, સોસાયટીના મેઇન્ટેન્સ-રિપેરનું કામ જોવાનું, ફાઇનૅન્સ અને બજેટનું કામ જોવાનું ખૂબ જ પડકારરૂપ હોય છે. એમાં પણ ૮૦ વર્ષની ઉંમરે આવું ટેન્શનવાળું કામ પોતાની મરજીથી હસતાં-હસતાં કરવું એ ખરેખર પ્રશંસનીય છે.
ADVERTISEMENT
સોસાયટીની ઑફિસમાં કામ કરી રહેલા પ્રવીણભાઈ.
પ્રવીણભાઈ નિવૃત્ત થયા ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાં કામ કરતા હતા. છેલ્લા એક દાયકાથી તેઓ કાંદિવલીની બે સોસાયટી વસંત ઐશ્વર્ય કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અને શ્રી દ્વારકાધીશ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે મૅનેજર તરીકે કામ કરે છે. આ બન્ને સોસાયટીઓમાં કુલ ૨૦૦ જેટલા ફ્લૅટ્સ છે. એને બખૂબી મૅનેજ કરવાનું કામ પ્રવીણભાઈ કરી રહ્યા છે. પોતાના કામકાજ વિશે માહિતી આપતાં પ્રવીણભાઈ કહે છે, ‘હું જે બે સોસાયટીઓ માટે કામ કરું છું એ મારા ઘરથી નજીક છે. એટલે સવારે નવ વાગ્યે હું સોસાયટીની ઑફિસમાં પહોંચી જાઉં. વારાફરતી બન્ને સોસાયટીઓનાં જે રોજબરોજનાં કામ હોય એ પતાવું. બે વાગ્યા સુધીમાં હું ઘરે આવી જઉં. જનરલી પાણીની કોઈ સમસ્યા થઈ હોય, લિફ્ટ કામ કરતી બંધ થઈ ગઈ હોય કે ક્લીનિંગનું કામ સરખી રીતે ન થતું હોય તો એ બધી ફરિયાદો મારી પાસે આવતી હોય. મારે એનો ઉકેલ લાવવાનો હોય. લિફ્ટનું સર્વિસિંગનું કામ કે પાણીની ટાંકીના ક્લીનિંગનું કામ એ બધું વખતોવખત કરાવી લેવાનું. એવી જ રીતે જે વેન્ડર્સ છે એટલે કે સિક્યૉરિટી ગાર્ડ, હાઉસકીપિંગ સ્ટાફ વગેરેના પેમેન્ટનું ધ્યાન રાખવાનું. સોસાયટીના મેઇન્ટેનન્સના ચેક લઈને એને બૅન્કમાં જમા કરાવવા જવાના. એ સિવાયનો પણ બીજો જે હિસાબ-કિતાબ રાખવાનો હોય એ રાખું. સોસાયટીમાં હોળી, નવરાત્રિ જેવા તહેવાર નિમિત્તે કાર્યક્રમ હોય તો સોસાયટીની કલ્ચરલ કમિટીને સહયોગ કરવાનો. આ બધી મારી જવાબદારી છે. કોઈક વાર કામ માટે BMની ઑફિસમાં જવું પડે, પણ એ નજીકમાં જ છે એટલે વાંધો ન આવે. સોસાયટીનું કોઈ લીગલ કામ હોય તો એ માટે પણ ઍડ્વોકેટ નજીકમાં છે એટલે મારે વધારે ભાગદોડ નથી કરવી પડતી. મોટા ભાગનાં કામ ઑફિસમાં બેસીને જ થઈ જાય છે. મને કામ કરવાથી જ આનંદ મળે છે એટલે હું મારી મરજીથી આ સોસાયટીઓ માટે કામ કરુ છું.’
પ્રવીણભાઈ તેમની જૉઇન્ટ ફૅમિલી સાથે.
ઘરના વ્યવહાર પણ સંભાળે
પ્રવીણભાઈ સોસાયટીઓની જવાબદારી સાથે ઘરની જવાબદારી પણ સુપેરે નિભાવે છે. પ્રવીણભાઈ વિશે વાત કરતાં તેમના દીકરા વિકાસ પાઠક કહે છે, ‘આ ઉંમરમાં પણ પપ્પા ખૂબ ઍક્ટિવ છે. અમારા ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ હોય, ગૅસ બિલ હોય, મેઇન્ટેનન્સ ભરવાનું હોય, દૂધવાળા- ઇસ્ત્રીવાળાને પૈસા ચૂકવવાના હોય... બધાં જ કામ પપ્પા કરી નાખે. બીજા સામાજિક વ્યવહાર હોય જેમ કે લગ્નપ્રસંગમાં કોઈને કંઈ આપવાનું હોય તો એ બધા વ્યવહાર પણ હજી તેઓ જ કરે છે એટલે અમારે એ બધી વસ્તુની ચિંતા કરવાની જ ન હોય. પપ્પા કહેતા હોય છે કે હું જીવતો છું ત્યાં સુધી આ બધાં કામ કરતો રહીશ, તમારે એની ચિંતા કરવાની નહીં. પપ્પાને ન્યુઝપેપર વાંચવાનો પણ ખૂબ શોખ છે. ઑફિસનું કામ પતાવીને ઘરે આવી જમીને થોડી વાર સૂઈ જાય. એ પછી છાપાં લઈને બેસે. દરરોજ ત્રણ છાપાં તેઓ વાંચે. ઘણી વાર ૧૦ દિવસ માટે બહારગામ ગયા હોય તો અમારે એટલા દિવસનાં પેપર સાચવીને રાખવાં પડે. ભગવાનની દયાથી તેઓ હરતા-ફરતા રહે છે. કોઈ બીમારી નથી. અમે તેમને ઘણી વાર કહીએ કે આ ઉંમરે કામ કરવાની શું જરૂર છે, આરામ કરો, બહાર ફરવા જાઓ. તેમનું કહેવું હોય છે કે બહાર ફરવા જઈએ તો પણ દસ-બાર દિવસ ફરી શકીએ, એ પછી પાછું ઘરે શું કરવાનું? તેમને ઘરે બેસવું જરાય ગમતું નથી. એમાં પણ સોસાયટીવાળા તેમને એટલો આદર આપે છે કે તેમને કામ છોડવાનું મન નથી થતું. એમ પણ આ ઉંમરમાં તેમને લોકો સામેથી બોલાવે, તેમની સાથે વાતચીત કરે તો એ તેમને બહુ ગમે. કામકાજમાં તેમનો ટાઇમ રાજીખુશીથી પસાર થઈ જાય છે એટલે અમે પણ તેમને કામ છોડવા માટે વધુ ફોર્સ નથી કરતા.’
જૉઇન્ટ ફૅમિલીમાં રહે
પ્રવીણભાઈનો સવારનો ટાઇમ સોસાયટીના કામ માટે અને સાંજનો ટાઇમ પરિવાર માટે હોય છે. પ્રવીણભાઈની કુલ ૧૫ સભ્યોની જૉઇન્ટ ફૅમિલી છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની અરુણા, મોટા ભાઈ ચંદ્રકાંતભાઈ તેમ જ તેમનાં પત્ની ભગવતી, પ્રવીણભાઈનો સૌથી મોટો દીકરો વિકાસ અને તેની પત્ની કામિની, વચલો દીકરો દિવ્યેશ અને તેની પત્ની પલ્લવી, સૌથી નાનો દીકરો મેહુલ અને તેની પત્ની હેતલ તેમ જ પાંચ પૌત્ર-પૌત્રી મિલોની, આર્યન, ઋષાંત, વિવાન અને રિધાન છે. એટલે આમ જોવા જઈએ તો તેઓ એક હર્યાભર્યા પરિવાર વચ્ચે રહે છે. પ્રવીણભાઈ તેમના પરિવાર વિશે વાત કરતાં કહે છે, ‘અમારા પરિવારના સભ્યો વચ્ચે સારો સંપ છે. હું અને મારાં પત્ની મારા ઘરની વહુઓનાં સાસુ-સસરા નહીં પણ મમ્મી-પપ્પા બનીને રહીએ છીએ. અમારી એક વહુ બ્રાહ્મણ, એક કપોળ અને એક કચ્છી જૈન સમાજની છે અને ત્રણેય સાથે મારાં પત્ની સરસ રીતે સુમેળ સાધીને રહી છે. મારી વહુઓ પણ ખૂબ પ્રેમાળ છે. બધાં જ બાળકોને તેઓ એકસરખો પ્રેમ કરે, તમે ફરક ન કરી શકો કે કોણ કોનું સંતાન છે. મારાં બધાં જ પૌત્ર અને પૌત્રી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણ્યાં છે. મેં તેમને એવી રીતે ભણાવ્યાં છે કે એક-એક શબ્દ અંગ્રેજીથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સમજાવું. માતૃભાષામાં એ વસ્તુ સમજાવીએ તો તેમને જલદી સમજાય અને યાદ રાખવામાં પણ સરળ પડે. મેં મેટ્રિક પાસ કરીને ટ્યુશન લેવાનું સ્ટાર્ટ કરી દીધું હતું જેથી મારી કૉલેજનો ખર્ચ કાઢી શકું. મારા ત્રણેય દીકરાઓને પણ મેં ભણાવ્યા છે. હું મારા પરિવાર સાથે ખુશીથી જીવન વિતાવી રહ્યો છું. જીવનમાં જેટલું સહન કરશો, બાંધછોડ કરશો, જતું કરશો એટલા વધુ ખુશ રહેશો.’

