કચ્છના ૨૦૦૧ના ધરતીકંપે પાંચ વર્ષની બાળકીને વ્હીલચૅર પર લાવી દીધી, ૭ દિવસે જ્યારે ભાનમાં આવી ત્યારે યાદદાસ્ત જતી રહેલી અને મમ્મી-પપ્પા પણ ઓળખાતાં નહોતાં, મુંબઈ પાછા ફર્યા પછી શારીરિક અક્ષમતાએ તેને જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ કરાવ્યો; પણ...
ડિંકલ શાહ મહેતા
ડોમ્બિવલીમાં રહેતી ડિંકલ શાહ મહેતાનું છાતીથી નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત છે. શિક્ષણથી લઈને કારકિર્દી બનાવવા સુધી તેણે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જોકે હાર માન્યા વગર MBA થઈને તે જાણીતી મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરી રહી છે એટલું જ નહીં, સ્પોર્ટ્સમાં પણ તેણે ઘણી સિદ્ધિઓ મેળવી છે
વ્યક્તિમાં કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાની તાકાત હોય તો તેને આગળ વધતાં કોઈ રોકી શકે નહીં. આનું જીવંત ઉદાહરણ એટલે ડોમ્બિવલીમાં રહેતી ૩૦ વર્ષની ડિંકલ શાહ મહેતા. ડિંકલનો છાતીથી નીચેનો આખો ભાગ લકવાગ્રસ્ત છે એટલે વ્હીલચૅરના સહારા વગર તે હરીફરી શકે નહીં. આટલી બધી શારીરિક તકલીફ છતાં ડિંકલે MBAનો અભ્યાસ કર્યો. હાલમાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં અસિસ્ટન્ટ મૅનેજરની પોસ્ટ પર કામ કરે છે. તે નૅશનલ, ઇન્ટરનૅશનલ લેવલ પર બાસ્કેટબૉલ અને બૅડ્મિન્ટનમાં પણ મેડલ્સ જીતી ચૂકી છે.
ADVERTISEMENT
ડિંકલ જન્મથી જ શારીરિક રીતે અક્ષમ છે એવું નથી. ડિંકલ પાંચ વર્ષની થઈ ત્યારે તેના જીવનમાં એક વળાંક આવ્યો. એ ઘટનાએ તેના જીવનની આખી બાજી પલટી નાખી. તેને જીવન જીવવા માટે બીજા પર નિર્ભર બનાવી દીધી. તેની છાતી નીચેનો આખો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો. એ વિશે વાત કરતાં ડિંકલ કહે છે, ‘૨૦૦૧ની વાત છે. અમે ડોમ્બિવલીમાં રહેતા હતા. એક ફૅમિલી-ફંક્શન માટે અમે ભુજ ગયેલા. એ સમયે હું પાંચ વર્ષની હતી. ૨૬ જાન્યુઆરીનો એ દિવસ હતો. સવારનો સમય હતો. ફૅમિલીના બધા સભ્યો ફંક્શન માટે રેડી થઈ રહ્યા હતા. એ સમયે અચાનક ભૂકંપ આવ્યો. એમાં હું ગંભીર રીતે ઘાયલ થઈ. માથામાંથી લોહી વહેવા લાગ્યું. મારો પરિવાર મને ઊંચકીને સારવાર માટે જ્યાં-ત્યાં રખડી રહ્યો હતો. ભૂકંપના ભારે આંચકાને કારણે બધી જગ્યાએ સર્વનાશ વેરાયો હતો એટલે છેક સાંજે મને એક હૉસ્પિટલમાં સારવાર મળી. માથામાં સાત જગ્યાએ મને ટાંકા આવ્યા હતા.’
જનરલી હાથ-પગ કે માથામાં ઇન્જરી થઈ હોય તો લોહી નીકળે એટલે તરત ખબર પડી જાય, પણ સ્પાઇનમાં ઇન્જરી થઈ હોય તો બહારથી ખબર ન પડે એમ જણાવતાં ડિંકલ કહે છે, ‘ડૉક્ટર પાસે સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે તેમણે મારા પરિવારને કહ્યું કે મને સ્પાઇનમાં ગંભીર ઈજા થઈ છે. જોકે એની સારવાર માટે એ હૉસ્પિટલમાં કોઈ સગવડ નહોતી. તેમણે મને બીજી એક મોટી હૉસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું. એ હૉસ્પિટલમાં હું સાત દિવસ ઍડ્મિટ રહી. એ સમયે તો હું ભાનમાં પણ નહોતી. ડૉક્ટર્સે બધા રિપોર્ટ્સ કરાવીને કન્ફર્મ કર્યું કે મારી સ્પાઇનલ કૉર્ડ ઇન્જર થઈ ગઈ છે, છાતીના નીચેના ભાગથી લઈને પગની પાની સુધી મને કોઈ સેન્સેશન જ નથી રહ્યું. હું જ્યારે ભાનમાં આવી ત્યારે મારી યાદશક્તિ જતી રહેલી. હું મારાં મમ્મી-પપ્પાને પણ ઓળખી શકતી નહોતી. એ પછી અમે મુંબઈ આવ્યાં. સ્પાઇનલ કૉર્ડમાં ઇન્જરી આવે એટલે એ શરીરને ઘણીબધી રીતે પ્રભાવિત કરે. બ્લૅડર અને બોવેલ પર કન્ટ્રોલ ન રહે. એ સિવાય પણ શરીરમાં ઇન્ટરનલી બીજી કોઈ તકલીફ છે કે કેમ એ ડૉક્ટર પાસે જઈને દેખાડવું પડે. એટલે એના માટે અમે દોઢ વર્ષ સુધી શહેરની વિવિધ હૉસ્પિટલનાં ચક્કર ખાઈને બધી તપાસ કરાવતા રહ્યા.’
સ્પાઇનલ કૉર્ડની ઇન્જરીને કારણે ડિંકલ વ્હીલચૅર પર આવી ગઈ. આ કન્ડિશન સાથે લાઇફમાં આગળ વધવાની જર્ની કઈ રીતે શરૂ થઈ એ વિશે વાત કરતાં તે કહે છે, ‘અમારા જેવા લોકો માટે એક રીહૅબિલિટેશન પ્રોગ્રામ હોય છે જેમાં અમને ટ્રેઇનિંગ આપવામાં આવે છે કે તમે કેવી રીતે પોતાનું કામ પોતે કરી શકો, કઈ રીતે બેઝિક એક્સરસાઇઝ કરીને સ્ટ્રેન્ગ્થ મેળવી શકો જેથી પૉસિબલ હોય એટલું બીજા પર ઓછું નિર્ભર રહેવું પડે અને ક્વૉલિટી લાઇફ જીવી શકીએ. આ પ્રોગ્રામ છ મહિનાનો હતો, પણ મેં ત્રણ મહિના સુધી જ કર્યો. ટ્રેઇનિંગ ચાલતી હોય ત્યાં સુધી મમ્મી અને પપ્પાએ મારી સાથે રહેવું પડે, એટલે મારા નાના ભાઈને બીજાના ઘરે રાખવો પડે. પપ્પાનો બિઝનેસ હતો તો ત્યાં પણ ધ્યાન રાખવું જરૂરી હતું. જોકે ત્રણ મહિનામાં જ હું ઘણુંબધું શીખી ગઈ હતી એટલે એમ વાંધો ન આવ્યો.’
મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી સાથે ડિંકલ શાહ.
શિક્ષણમાં સંઘર્ષ
વ્હીલચૅર પર આવ્યા પછી ડિંકલને સ્કૂલમાં ઍડ્મિશન મેળવવા તેમ જ ભણવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એ વિશે વાત કરતાં ડિંકલ કહે છે, ‘હું ઇન્જર્ડ થઈ ત્યારે પહેલા ધોરણમાં ભણતી હતી. જોકે મારી યાદશક્તિ ચાલી જતાં મેં ફરી પહેલા ધોરણથી ભણવાની શરૂઆત કરી. અગાઉ જે સ્કૂલમાં હતી એ જ શાળામાં મેં ભણવાનું શરૂ કર્યું. અમે ચોથા માળ પર રહેતા હતા, સ્કૂલમાં પણ મારો જે ક્લાસ હતો એ ઉપરના ફ્લોર પર હતો એટલે દર વખતે મને ઊંચકીને લાવવી-લઈ જવી પડે. હું મોટી થઈ એટલે એ રીતે ઊંચકીને દાદરા ચડાવવાનું મારા પરિવારના સભ્યો માટે થોડું મુશ્કેલ હતું. એ પછી અમે મલાડ શિફ્ટ થઈ ગયા. અહીં મને ઍડ્મિશન મેળવવામાં ખૂબ તકલીફ પડી. ઘણી સ્કૂલો કોઈ ને કોઈ બહાનું દઈને ઍડ્મિશન આપવાની ના પાડી દે. ઘણી સ્કૂલ તો મોઢા પર જ કહી દે કે તમારું બાળક હૅન્ડિકેપ્ડ છે અને તેને કારણે અમારા પર જવાબદારીનો બોજ વધી જશે. ઘણી સ્કૂલોમાં રખડ્યા બાદ અંતે એક સ્કૂલમાં ઍડ્મિશન મેળવવામાં સફળતા મળી. જોકે એ સ્કૂલમાં પણ મને ઘણો પ્રૉબ્લેમ થતો. અહીંના વૉશરૂમ એટલા સ્વચ્છ નહોતા અને એકલા ત્યાં સુધી જવાનું પણ શક્ય નહોતું. કમ્પ્યુટર ક્લાસિસ પણ ચોથા માળે હતા અને ત્યાં સુધી રેગ્યુલર બેઝિસ પર જવું શક્ય નહોતું એટલે મમ્મી દર ત્રણ મહિનામાં એક વાર મને ઉપર કમ્પ્યુટર ક્લાસમાં લઈ જાય અને ટીચર મને એકસાથે બધું શીખવાડી દે. એવી જ રીતે ઘણી વાર પી.ટી.ના પીરિયડ હોય તો બધા બહાર સ્પોર્ટ્સ રમવા માટે જતા રહે અને મારે એકલા ક્લાસમાં બેઠા રહેવું પડે. હું આઠમા ધોરણમાં આવી એટલે મેં પછી નક્કી કર્યું કે થોડી સારી સ્કૂલમાં ઍડ્મિશન લેવું છે, ભલે એ ઘરથી અઢી-ત્રણ કિલોમીટર દૂર હોય. અમને એક એવી સ્કૂલ મળી જે વ્યવસ્થિત હતી. એ સ્કૂલ હતી ઇન્ફન્ટ જીઝસ સ્કૂલ. ત્યાં બધી ફૅસિલિટીઝ પણ સારી હતી અને ત્યાંનો સ્ટાફ પણ સારો હતો. એ રીતે સ્કૂલો બદલી-બદલીને મેં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો.’
પૅરા બૅડ્મિન્ટન અને બાસ્કેટબૉલમાં નૅશનલ લેવલ પર રમી ચૂકી છે ડિંકલ.
કારકિર્દીની ઘડી
કારકિર્દી બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ લેવાનો સમય આવ્યો ત્યારે પણ ડિંકલને ઘણી સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. ડિંકલે ગ્રૅજ્યુએશન મલાડની નગીનદાસ ખાંડવાલા કૉલેજમાંથી કર્યું અને MBAનો અભ્યાસ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝમાંથી કર્યો છે. એ માટે તેને દરરોજ મલાડથી ચર્ચગેટનો ટ્રેનમાં પ્રવાસ કરવો પડતો. એ સમયે પડતી તકલીફો વિશે વાત કરતાં ડિંકલ કહે છે, ‘ટ્રેનમાં હું એકલી ટ્રાવેલિંગ ન કરી શકું એટલે ઘરેથી કોઈ એકને મારી સાથે કૉલેજ આવવું પડતું. મારા ક્લાસ પૂરા ન થાય ત્યાં સુધી તેમને બહાર વેઇટ કરવું પડતું. એમાં અમારા MBAનાં લેક્ચર ૧૨-૧૪ કલાક સુધી ચાલે. એક-દોઢ મહિના સુધી તો આ રૂટીન ચાલ્યું, પણ આ રીતે રોજ-રોજના ટ્રાવેલિંગથી મારો અને ફૅમિલી-મેમ્બર બન્નેનો ટાઇમ ખૂબ જતો હતો. મારે ક્લાસિસ અટેન્ડ કરવા સિવાય પણ અસાઇનમેન્ટ્સ વગેરે હોય તો એના માટે પછી એનર્જી જ ન બચતી. એટલે પછી કૉલેજ નજીક જ હૉસ્ટેલ શોધીને ત્યાં રહેવાનું નક્કી કર્યું. એ હૉસ્ટેલ મારા માટે ઍક્સેસિબલ નહોતી. રૂમ્સ બધા ઉપરના ફ્લોર પર હતા. એ પણ નાના અને એમાં પણ બે-ત્રણ લોકોને સાથે રહેવાનું. વૉશરૂમ કૉમન હતા એટલે પછી મારા માટે એ લોકોએ ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્ટોરરૂમને તોડીને બાથરૂમની સુવિધા સાથેની રૂમ જેવું બનાવી આપ્યું. આ રૂમમાં હું બે વર્ષ રહી અને MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો.’
એ પછી કૅમ્પસ-પ્લેસમેન્ટનો વારો આવ્યો જેમાં ડિંકલને ડેલોઇટ કંપનીમાં જૉબ મળી. છેલ્લાં ત્રણ વર્ષથી તે આ જ કંપનીમાં જૉબ કરી રહી છે. હાલમાં તે અસિસ્ટન્ટ મૅનેજરની પોસ્ટ પર છે. ડિંકલને કંપનીની જુદી-જુદી બ્રાન્ચમાં જવું પડે છે. પહેલાં તે ઑટો કે કૅબમાં જતી હતી, પણ દોઢેક વર્ષથી તેણે ડ્રાઇવિંગ શીખી લીધું છે અને તે કસ્ટમાઇઝ્ડ કારમાં ટ્રાવેલ કરે છે.
સ્પોર્ટ્સ-જર્ની
ડિંકલની સ્પોર્ટ્સ-જર્નીની શરૂઆત નીના ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા પછી શરૂ થઈ હતી. આ ફાઉન્ડેશન સ્પાઇનલ કૉર્ડની ઇન્જરી ધરાવતા લોકોના રીહૅબિલિટેશનનું કામ કરે છે. પોતાની સ્પોર્ટ્સ-જર્ની વિશે વાત કરતાં ડિંકલ કહે છે, ‘હું નૉર્મલ હતી ત્યારે મને રમતગમતમાં ભાગ લેવાનું ખૂબ ગમતું. વ્હીલચૅર પર આવ્યા પછીથી કોઈ દિવસ સ્પોર્ટ્સ રમી નહોતી. ફાઉન્ડેશન સાથે કૉન્ટૅક્ટમાં આવ્યા પછી મને ખબર પડી કે વ્હીલચૅર પર પણ સ્પોર્ટ્સ રમાય છે. સ્પોર્ટ્સ રમીશ તો બેઝિક ફિટનેસ પણ મેઇન્ટેન થઈ જશે, બધા રમે છે તો હું પણ ટ્રાય કરું એમ વિચારીને મેં બાસ્કેટબૉલ રમવાની શરૂઆત કરી. એ પછી તો ૨૦૧૫, ૨૦૧૮ અને ૨૦૧૯માં નૅશનલ વ્હીલચૅર બાસ્કેટબૉલમાં અમારી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ૨૦૧૭માં તો અમે ઇન્ટરનૅશનલ લેવલ સુધી પહોંચીને એમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. બાસ્કેટબૉલ ટીમ-સ્પોર્ટ છે. મને એવી સ્પોર્ટમાં પાર્ટિસિપેટ કરવું હતું જ્યાં મારે એકલાએ રમવાનું હોય. એટલે મેં બૅડ્મિન્ટન રમવાનું શરૂ કર્યું. ૨૦૨૧માં નૅશનલ પૅરા બૅડ્મિન્ટનમાં મિક્સ્ડ ડબલ્સમાં મેં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. છેલ્લા એક વર્ષથી મેં સ્પોર્ટ્સમાંથી બ્રેક લીધો છે. અત્યારે હું મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરું છું એટલે કામ વધારે હોય. ઘણી વાર બારથી ૧૪ કલાક પણ કામ કરવું પડે. એટલે સ્પોર્ટ્સ માટે એટલો સમય જ બચતો નથી.’
લવ-મૅરેજ
ડિંકલે આઇ.ટી. કંપનીમાં જૉબ કરતા ઋષભ મહેતા સાથે લવ-મૅરેજ કર્યાં છે. આ એક અનોખી લવ-સ્ટોરી છે, જેમાં ડિંકલ દિવ્યાંગ છે અને ઋષભ નૉર્મલ છે. લગ્ન પછી ડોમ્બિવલીમાં ડિંકલ કહે છે, ‘૨૦૧૪માં એક આઉટિંગ દરમિયાન હું ઋષભને મળી હતી. અમારા વિચારો બહુ મળતા હતા એટલે અમે ફ્રેન્ડ્સ બન્યાં. એ પછી અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં. એ સમયે અમે લગ્ન વિશે કોઈ વિચાર કર્યો નહોતો. સમય વીતતો ગયો. એ પછી ઋષભના ઘરેથી લગ્ન માટે પ્રેશર આવવા લાગેલું. એ સમયે તેણે તેની ફૅમિલીને મારા વિશે કહ્યું. શરૂઆતમાં અમારી બન્નેની ફૅમિલીને મનમાં હતું કે આ બન્ને કેવી રીતે મૅનેજ કરશે. જોકે અમે બન્ને એકબીજા સાથે લગ્ન કરવાના અમારા ડિસિઝન પર ફર્મ હતાં. અંતે અમારી બન્નેની ફૅમિલી પણ માની ગઈ, ઋષભે મારા જીવનના દરેક તબક્કામાં જ્યાં જરૂર પડે ત્યાં સપોર્ટ કર્યો છે. મારાં મમ્મી રસીલાબહેન, મારા પપ્પા જસવંતભાઈ, મારા નાના ભાઈ પ્રિયેશે પણ મને જીવનમાં ઘણો સાથ-સહકાર આપ્યો. તેમના સપોર્ટ વગર હું જીવનમાં અહીં સુધી પહોંચી ન હોત.’