મુલુંડમાં રહેતો ૧૮ વર્ષનો ચિરાગ ચાવડા ભગવાન અને માતાજીની મૂર્તિઓ બનાવવાનું પૅશન ધરાવે છે. યુટ્યુબ પરથી તેણે આ કળા એવી હસ્તગત કરી લીધી છે કે તે કોઈ પ્રોફેશનલ મૂર્તિકારથી પાછો પડે એમ નથી
ચિરાગ ચાવડા
મુલુંડમાં રહેતો ૧૮ વર્ષનો ચિરાગ ચાવડા ભગવાન અને માતાજીની મૂર્તિઓ બનાવવાનું પૅશન ધરાવે છે. યુટ્યુબ પરથી તેણે આ કળા એવી હસ્તગત કરી લીધી છે કે તે કોઈ પ્રોફેશનલ મૂર્તિકારથી પાછો પડે એમ નથી. ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને રાતોના ઉજાગરા કરીને ગણેશોત્સવ, નવરાત્રિમાં ઓળખીતાઓને મૂર્તિ બનાવી આપતા આ યુવાનનું સપનું છે પ્રસિદ્ધ મૂર્તિકાર બનવાનું
આપણા દરેકના જીવનમાં કેટલાંક સપનાંઓ હોય છે જેને પૂરાં કરવા આપણે રાત-દિવસ એક કરીને મચી પડીએ છીએ જે એક દિવસ જરૂર પૂરાં થાય છે. આ વાત મુલુંડમાં રહેતા ચિરાગ ચાવડા માટે પણ લાગુ પડે છે. ૧૮ વર્ષનો આ યુવાન મૂર્તિ બનાવવાની કળામાં માહેર છે. ખાસ વાત એ છે કે ચિરાગે કોઈ પ્રોફેશનલ કોર્સ કે ટ્રેઇનિંગ લીધાં નથી. બધી જ વસ્તુ જાતે ઘરે યુટ્યુબમાંથી શીખી છે. હાલમાં તો તે ઓળખીતાઓના નાના ઑર્ડર્સ લઈને સાઇડ-બાય-સાઇડ પોતાની સ્કિલને વધુ ઇમ્પ્રૂવ કરી રહ્યો છે. દસમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, પણ પ્રોફેશનલ આર્ટિસ્ટ જેવી જ મૂર્તિ બનાવતાં શીખવા તેણે સખત મહેનત કરી છે.
ADVERTISEMENT
મૂર્તિ બનાવવાનું કામ શીખવાની શરૂઆત કરી એ સમયે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો એ વિશે વાત કરતાં ચિરાગ કહે છે, ‘મેં ઘણી વાર વર્કશૉપમાં જઈને ત્યાં કામ શીખવાનો પ્રયત્ન કર્યો છે, પણ ત્યાંથી સારો રિસ્પૉન્સ ન મળ્યો. એક દિવસ હું મુલુંડમાં જ આવેલી એક વર્કશૉપમાં ગયો હતો. મેં ત્યાંના કારીગરને મારું કામ દેખાડીને કહ્યું કે હું આ રીતે મૂર્તિ બનાવું છું, મારા કામમાં હજી ૧૦૦ ટકા જેટલું પર્ફેક્શન નથી જે મારે તમારી પાસેથી શીખવું છે. તો એ ભાઈએ મને કહ્યું કે ચાલ, માટી લઈને અહીં કામ શીખવા માટે બેસી જા. તો મેં માટી લઈને મૂર્તિ બનાવવાની શરૂઆત કરી. તેમણે મને થોડી વાર પછી ટોક્યો કે તું આ શું બનાવે છે? તું ગણપતિની મૂર્તિ નહીં, મોદક બનાવ. મોદક બનાવવાનું કામ તો મારા માટે ચપટી વગાડવા જેટલું સરળ હતું. મારે શીખવું હતું તો મૂર્તિ બનાવવાનું કામ, પણ તેમણે મોદક કહ્યું એટલે મેં એ બનાવી આપ્યો. થોડા સમય પછી મારી નજર સામે તેમણે એ મોદક એક ગ્રાહકને અઢીસો રૂપિયામાં વેચ્યો. એ સિવાય પણ પરેલમાં આવેલી વર્કશૉપમાં જઈને મેં શીખવાનો પ્રયાસ કર્યો, પણ મને સારો પ્રતિસાદ મળ્યો નથી. મને ગણપતિને કલર કરવાનું કે મુગટ વગેરે ડેકોરેટ કરવાનું એ બધું કામ સોંપી દે જે મને ઑલરેડી આવડે જ છે. એ સમયે મને સમજાયું કે કોઈને મને શીખવાડવામાં કોઈ રસ નથી. બધાને પોતાનું કામ કઢાવવું છે.’
સેલ્ફ-લર્નિંગ
ચિરાગે મૂર્તિ બનાવવાનું કામ જાતે જ શીખ્યું છે. તેણે કોઈ પ્રોફેશનલ ટ્રેઇનિંગ લીધી નથી. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને વર્કશૉપમાંથી સારો રિસ્પૉન્સ ન મળ્યો એટલે યુટ્યુબમાંથી જોઈને અને જાતે માટી ખરીદીને ઘરે લાવીને મૂર્તિઓ બનાવીને પ્રૅક્ટિસ કરવા લાગ્યો. હજી પણ મારું સેલ્ફ-લર્નિંગ ચાલુ છે. મૂર્તિને આકાર આપવા માટે જે ટૂલ્સ આવે કે કલર કરવા માટેની જે સ્પ્રે-ગન આવે એ કંઈ જ મારી પાસે નથી. મેં મારા એક ઓળખીતા કાકાને કહીને તેમની પાસેથી લાકડાનાં ટૂલ્સ બનાવડાવ્યાં છે, જ્યારે કલરનું જે કામ છે એ હું બ્રશથી જ કરું છું. ઘરની સિચુએશન થોડી એવી છે કે આ સ્ટેજ પર હું બધી વસ્તુ પાછળ આટલો ખર્ચ કરી શકું એમ નથી એટલે મને મૂર્તિ બનાવવામાં પણ વાર લાગે છે. ગણેશોત્સવ અને નવરાત્રિમાં ઓળખીતાઓ તરફથી મૂર્તિ બનાવવાના ઑર્ડર મળી જાય તો એ હું બનાવીને આપું. મારું ઘર નાનું છે એટલે બિલ્ડિંગના પૅસેજમાં જ હું મૂર્તિનું કામ કરું. દિવસે લોકોની અવરજવર હોય એટલે હું રાત્રે નિરાંતે કામ કરવા બેસું, જે સવાર સુધી ચાલે.’
ફૅમિલી બૅકગ્રાઉન્ડ
ચિરાગ વન બીએચકેના ઘરમાં તેની જૉઇન્ટ ફૅમિલી સાથે રહે છે. પોતાના પરિવાર વિશે વાત કરતાં તે કહે છે, ‘મારા પિતા જીવરાજભાઈ BMCમાં સફાઈ-કર્મચારીનું કામ કરે છે. મારે એક મોટો ભાઈ ધ્રુવ અને નાની બહેન જાહ્નવી છે. મારાં મમ્મી સવિતાબહેન ગૃહિણી છે. એ સિવાય મારા મોટા પપ્પા અને મમ્મીનું નિધન થઈ ગયું છે. તેમના બન્ને દીકરાઓ ભાવેશ અને પ્રથમ અમારી સાથે રહે છે. ભાવેશ પરિણીત છે અને તેનો એક દીકરો ક્રિયાંશ પણ છે. અમારી સાથે અમારાં દાદી પણ રહે છે. આમ અમારો ૧૦ સભ્યોનો પરિવાર એકસાથે રહે છે.`
પરિવારનો સાથ
ચિરાગ જે કામ કરે છે એમાં તેનો પરિવાર કઈ રીતે સાથસહકાર આપે છે એ વિશે વાત કરતાં તે કહે છે, ‘અત્યારે હજી હું લર્નિંગ સ્ટેજ પર જ છું. હું એટલું કમાતો નથી કે પરિવારના ભરણપોષણમાં આર્થિક રીતે મદદ કરી શકું. તેમણે કોઈ દિવસ એમ નથી કહ્યું કે ઘર ચલાવવા માટે પૈસા કમાઈને આપ. મારા પપ્પાએ હંમેશાં અમે ચારેય ભાઈઓને જે કામ કરવું હોય એ કરવાની છૂટ આપી છે. ઘણી વાર મૂર્તિ બનાવવા માટેનો સામાન બહારથી ઊંચકીને લાવવાનો હોય તો મારા પપ્પા કે ભાઈઓ જે ફ્રી હોય તે મારી સાથે આવે. પૈસાની જરૂર હોય તો આપે. મારા પપ્પાને પણ આર્ટમાં ઇન્ટરેસ્ટ હતો, પણ તેમના માથે ઘર ચલાવવાની જવાબદારી હોવાથી તેમણે નાની વયથી જ નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકો મને એમ બોલતા કે તું વધુ ભણ્યો નથી, તારે પણ પપ્પાની જેમ સફાઈનું કામ જ કરવું પડશે. જોકે મારું કામ જોઈને એ લોકોની પણ બોલતી બંધ થઈ જાય છે. અત્યારે ભલે હું નાના સ્તરે કામ કરું છું, પણ મારું સપનું એક પ્રસિદ્ધ મૂર્તિકાર બનવાનું છે. મારું આ સપનું પૂરું કરવામાં મને મારા પરિવારનો ભરપૂર સાથ મળી રહ્યો છે.’
શાકાહાર અપનાવ્યો
ચિરાગ અગાઉ માંસાહારી હતો, પણ હવે તે સંપૂર્ણ શાકાહારી બની ગયો છે. પ્રાણી પ્રત્યેની અનુકંપા અને તે ભગવાનની મૂર્તિઓ બનાવવાનું જે કામ કરે છે એને ધ્યાનમાં લેતાં તેણે માંસાહારનો ત્યાગ કરેલો છે. આ વિશે વાત કરતાં ચિરાગ કહે છે, ‘જ્યારથી હું મૂર્તિઓ બનાવવાનું કામ કરું છું ત્યારથી મેં નૉનવેજ ખાવાનું છોડી દીધું છે. બાળપણમાં તો આપણે ઘરે જે બને એ જમી લઈએ. શું ખાવું ન ખાવું તેની એટલી સમજ ન પડે. જ્યારથી હું સમજણો થયો છું અને હું જે કામ કરું છું એને જોતાં મને જ મનમાં એવી લાગણી થઈ કે મારે માંસાહારનું સેવન ન કરવું જોઈએ. સાચું કહું તો હવે મને કોઈ દિવસ એ ખાવાની ઇચ્છા પણ નથી થતી.’
ચિરાગનો પ્રાણીપ્રેમ
ચિરાગ એક સારો મૂર્તિકાર તો છે જ અને સાથે-સાથે તે પ્રાણીપ્રેમી પણ છે. તેને રસ્તા પર કોઈ પણ ઇન્જર્ડ ઍનિમલ દેખાય તો તે તેને ઘરે લાવીને સારવાર આપે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારા ઘરે એક પૅરૅલાઇઝ્ડ બિલાડી છેલ્લા એક વર્ષથી છે. મને રસ્તા પરથી એ મળી ત્યારે એ નાનું બચ્ચું હતું. હું એને ઘરે લઈ આવ્યો. એને ખવડાવી-પીવડાવી, સ્વચ્છ કરીને નજીકની એક હૉસ્પિટલમાં લઈ ગયો. એ પછી ખબર પડી કે એ પૅરૅલાઇઝ્ડ છે અને કોઈ દિવસ ચાલી શકશે નહીં. મેં શરૂઆતમાં એમ વિચારેલું કે બિલાડીને કોઈ અડૉપ્ટ કરવા રેડી હોય તો તેને આપી દઉં. જોકે એવું કોઈ મળ્યું નહીં અને હવેથી તો એ અમારા ઘરે જ રહે છે. ઘણી વાર રસ્તા પરથી પાંખ કપાયેલી હોય એવાં ઊડી ન શકતાં કબૂતર મળે. હું એમને ઘરે લઈ આવું. ઘરે રાખીને એમની સારવાર કરું અને પછી છોડી દઉં.’