પ્રયાગરાજ જનારા લોકો ભક્તિભાવની સાથે-સાથે સાધુસંતોની વેશભૂષાથી પણ આકર્ષાતા હોય છે ત્યારે કેટલાય યુવાનો સંન્યાસીઓ જેવી જટા ધારણ કરવા ખાસ જટા પાર્લરમાં પહોંચી રહ્યા છે
પ્રયાગરાજમાં હંગામી ધોરણે ખૂલેલું જટા પાર્લર.
છેલ્લા એક મહિનાથી આખા ભારતમાં મહાકુંભનો ફીવર છવાયેલો છે. પ્રયાગરાજ જનારા લોકો ભક્તિભાવની સાથે-સાથે સાધુસંતોની વેશભૂષાથી પણ આકર્ષાતા હોય છે ત્યારે કેટલાય યુવાનો સંન્યાસીઓ જેવી જટા ધારણ કરવા ખાસ જટા પાર્લરમાં પહોંચી રહ્યા છે. મળીએ સાધુસંતો અને સામાન્ય માણસો બધાને જટા બનાવી આપનારાં પ્રોફેશનલ ડ્રેડલૉક આર્ટિસ્ટ એલિઝાબાઈ રાઠૌરને
મહાકુંભમાં સ્નાન કરતી વખતે અનેક સાધુ-સાધ્વીઓ પોતાની જટાને ઉછાળીને જે રીતે પાણી ઉછાળે છે એની અનેક તસવીરો વાઇરલ થઈ છે. યંગસ્ટર્સ માટે પણ કુંભસ્નાન વખતે આવી મોમેન્ટ ક્રીએટ કરવાનું ઘેલું લાગ્યું છે. વસંત પંચમીના અમૃત સ્નાન વખતે સાડી પહેરેલી એક જટાધારી મહિલાની તસવીર ખૂબ વાઇરલ થઈ હતી. આ તસવીર બીજા કોઈની નહીં, પણ પ્રયાગરાજમાં સેંકડો લોકોની જટાને સંવારવાનું કામ કરનારાં ટ્રાન્સજેન્ડર એલિઝાબાઈ રાઠૌર છે.
ADVERTISEMENT
આ વળી કોણ એવો સવાલ થતો હોય તો કહી દઈએ કે એલિઝાબાઈ રાઠૌર એશિયાનાં સૌપ્રથમ પ્રોફેશનલ ડ્રેડલૉક આર્ટિસ્ટ છે અને છેલ્લા સવા મહિનાથી પ્રયાગરાજમાં તેમની જબરી ડિમાન્ડ છે. અનેક સાધુ-બાવાઓની જટા આ આર્ટિસ્ટે સજાવી આપી છે તો અનેક યુવાનો તેમની પાસે નકલી જટા લગાવવા આવે છે. પુરુષોને શિવજી જેવી અને સ્ત્રીઓને મા મહાકાલી જેવી જટા બનાવી આપે છે. નકલી જટા લગાવી આપવાનું અને અસલી જટા હોય તો એને સારી રીતે ગોઠવી આપવાનું કામ એલિઝા કરે છે.
કોણ છે એલિઝા?
એલિઝાબાઈ રાઠૌર મૂળ ઇન્દોરની છે અને પ્રોફેશનલ ડ્રેડલૉક આર્ટિસ્ટ છે. મહાકુંભ શરૂ થયો એ પહેલાંથી જ એલિઝા કિન્નર અખાડા સાથે સંકળાયેલી છે. ખુદ પિંડદાન અને અનેક કર્મકાંડ કર્યા પછી એલિઝાબાઈને સ્વામી સતી નંદગિરિ નામ મળ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરની એલિઝા એક મિડલ ક્લાસ વેપારીની દીકરી છે. એલિઝા કહે છે, ‘મારું જીવન ક્યારેય સામાન્ય નથી રહ્યું. થર્ડ જેન્ડરની હોવાને કારણે મેં ખૂબ મુશ્કેલીઓ વેઠી છે, પણ કદી હિંમત નથી હારી. મારા વતન જૌનપુરમાં હું એક જ વાર ગઈ છું.’
ઇન્દોરમાં રહીને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને તે મુંબઈમાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં કામ પણ કરતી હતી. એલિઝા કહે છે, ‘કંપનીમાંથી મને સારું પૅકેજ પણ મળતું હતું, પણ કિન્નર હોવાને કારણે લોકો મારી પાછળ ખરાબ કમેન્ટ્સ કરતા. એ બધાથી હું ડિપ્રેશનમાં મુકાઈ જતી હતી. આખરે મેં નોકરી છોડીને ઉજ્જૈનની વાટ પકડી લીધી.’
ઉજ્જૈનમાં મહાકાલના મંદિરની બહાર દિવસો સુધી પડી રહ્યા બાદ તેને અંદરથી પ્રેરણા થઈ અને તે કિન્નર અખાડા સાથે જોડાઈ ગઈ. કિન્નર અખાડાનાં આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે ઓળખાણ થયા પછી તેણે તેમની પાસેથી ગુરુદીક્ષા લીધી અને અખાડામાં જોડાઈ ગઈ.
એલિઝા બાઈ રાઠૌર ઉર્ફે માતા સતી નંદગિરિ (ઉપર) ગુરુ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે.
જટા પાર્લરનો વિચાર ક્યાંથી આવ્યો?
કિન્નર અખાડા સાથે જોડાઈને સંન્યાસ લઈ લીધા પછી દેખાવને મહત્ત્વ આપતી જટાના બ્યુટિફિકેશન તરફ કઈ રીતે વળી? એનો જવાબ તેની તીર્થયાત્રામાંથી મળે છે. એલિઝા કહે છે, ‘ઉજ્જૈનમાં દીક્ષા લીધા પછી હું ભારતનાં પ્રાચીન મંદિરોની યાત્રાએ નીકળી. એમાં અનેક મંદિરોનાં દર્શન કર્યાં. સાધુસંતોને મળવાનું થયું. વારાણસીના ઘાટો પર મેં જોયું કે અનેક સાધુ-સંતોની જટા ખૂબ વધી ગઈ છે અને એની કોઈ દેખભાળ નથી કરતું. સાધુઓ માત્ર કાળા દોરાથી જટા બાંધી દે છે અને પોતાની તપસ્યામાં મગ્ન રહે છે. જટા બાંધવી એ સામાન્ય માણસની ક્ષમતાનું કામ નથી. બસ એ જ વિચારે મને થયું કે હું આ કામ શીખી લઉં.’
દસ વર્ષ પહેલાં મળેલી આ પ્રેરણા બાદ એલિઝાએ જટા એટલે કે ડ્રેડલૉક મેઇન્ટેન કરવાની ટ્રેઇનિંગ લીધી. એ માટે ફ્રાન્સના એક ડ્રેડલૉક ટ્રેઇનર પાસેથી તાલીમ લીધી. એલિઝા કહે છે, ‘બે વર્ષ સુધી તાલીમ લઈને મેં ફ્રીલાન્સ કામ શરૂ કર્યું. મેં મારા પોતાના ઓરિજિનલ વાળ પર એક્સ્ટેશન લગાવીને જટા બનાવવાના પ્રયોગ કર્યા અને પછી ઉજ્જૈનમાં મેં ડ્રેડલૉક પાર્લર ખોલ્યું. અહીં જટા બાંધી આપવામાં આવે છે અને કોઈને શીખવું હોય તો શીખવવામાં પણ આવે છે. હું જાણું છું ત્યાં સુધી ભારતની એ પહેલી ડ્રેડલૉક ઍકૅડેમી છે.’
૨૦૧૮માં આ ઍકૅડેમીને પ્રમાણભૂત કરવામાં આવી અને હવે એલિઝાના જટા પાર્લરમાં ઘણા સ્ટુડન્ટ્સ જટા બાંધવાનું શીખવા આવે છે. એલિઝા કહે છે કે અમારી પાસે સાધુ-સંતો પણ આવે છે જેમની જટા ખોલીને બરાબર ફરીથી બાંધવાનું કામ કરવાનું હોય છે.
એલિઝા ઉર્ફે હવે સ્વામી સતી નંદગિરિની પોતાની ૬ ફુટ લાંબી જટા છે. આ મહાકુંભમાં તેમનું ફૅન-ફૉલોઇંગ ખૂબ વધ્યું છે. પ્રયાગરાજના જટા પાર્લરમાં અનેક સાધુ-સંતો તેમ જ જિજ્ઞાસુ યુવાનો તેમને ત્યાં અસલી જટાને ઑર્ગેનાઇઝ કરવા આવ્યા હતા. જાણીતી હસ્તીઓ અને યુવાનો ટેમ્પરરી અને આર્ટિફિશ્યલ જટા લગાવવા આવે છે. એલિઝા કહે છે કે આ મહાકુંભમાં બૅન્ગલોર, હૈદરાબાદ, ચેન્નઈ અને ઉત્તરાખંડના ઘણા લોકો નકલી જટા લગાવવા આવ્યા હતા.
બૉલીવુડ ફિલ્મોમાં જટાધારી લુક માટે પણ એલિઝાને બોલાવવામાં આવે છે.
જટા બનાવવાનો ખર્ચ કેટલો?
જેવી ક્વૉલિટી એવા પૈસા. નકલી જટા બનાવવા માટે ૮૦૦૦થી લઈને ૧.૬૫ લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. નકલી જટા બે પ્રકારની હોય છે, એક સિન્થેટિક મટીરિયલની અને બીજી ઓરિજિનલ. બન્ને બહુ મોંઘી પડે છે. જે લોકો સસ્તી જટા વેચે છે એ પ્લાસ્ટિકના વાળની હોય છે. એક વાર જટા બનાવ્યા પછી એને જો ખોલવી હોય તો એ માટે મહેનત અને સ્કિલની જરૂર પડે છે. ચાર ફુટથી લઈને ૧૭ ફુટ લાંબી જટા બનાવી શકાય છે. કિન્નર અખાડામાં અનેક સાધ્વીઓએ સિન્થેટિક વાળની જટા બનાવી છે.
ડ્રેડલૉક માટેનું સિન્થેટિક મટીરિયલ જપાન અને રશિયા જેવા દેશોમાં બને છે. એમાં ઓરિજિનલ વાળની સાથે સિન્થેટિક ફાઇબર હેર હોય છે. તમારે જટા લગાવવી હોય તો માથા પર વાળ હોવા જરૂરી છે. એને જોડીને જ જટા એક્સ્ટેશન તરીકે લગાવી શકાય છે.

