જવાહરનગરમાં રહેતા ૮૪ વર્ષના નવીન દેસાઈએ વાંસળીની કોઈ ટ્રેઇનિંગ નથી લીધી અને છતાં દરરોજ સાંજે ચાર વાગ્યે જ્યારે પોતાની બાલ્કનીમાં બેસીને વાંસળી વગાડતા હોય ત્યારે સ્કૂલ જતાં નાનાં બાળકોથી લઈને રસ્તે ચાલતા રાહદારીઓ પણ તેમને સાંભળવા ઊભા રહી જતા હોય છે
૮૪ વર્ષના નવીનભાઈ
વાંસળી વગાડવા માટે યોગ્ય પ્રશિક્ષણ લેવાની જરૂર પડે છે પણ જો પ્રશિક્ષણ લીધા વિના જ કોઈ વ્યક્તિ સુમધુર વાંસળી વગાડી જાણે છે તો? એટલું જ નહીં, એ ઉંમરે જ્યારે હાથ ધ્રૂજતા હોય અને થોડો વધુ શ્રમ શરીરને હંફાવી નાખવા માટે પૂરતો હોય ત્યારે કલાકો સુધી આનંદમાં તરબોળ થઈને વાંસળી વગાડી શકે છે તો? આ વાત થોડી અચરજ પમાડે એવી છે પણ ગોરેગામમાં રહેતા સુપર સિનિયર સિટિઝન નવીન દેસાઈએ આ વાતને સાચી પાડી છે.
બૅન્કમાંથી ૧૯૯૫ની સાલમાં નિવૃત્ત થયા પછી પોતાનો સંપૂર્ણ સમય ફૅમિલી અને શોખને આપી રહેલા ૮૪ વર્ષના નવીનભાઈ કહે છે, ‘મને નાનપણથી વાંસળી વગાડવાનો ખૂબ શોખ. અત્યારે બધા જાતજાતના ક્લાસ નીકળ્યા છે. મારા સમયમાં ક્યાં કોઈ ક્લાસ અને બધું હતું. ખિસ્સામાં પણ એટલા પૈસા હોવા જોઈને કે કોઈ ઇતર પ્રવૃત્તિ કરી શકાય. જોઈ-જોઈને શીખતો ગયો. ધીરે-ધીરે વાંસળી વગાડવામાં હું એવો પાવરધો થઈ ગયો કે મને જ ખબર ન પડી. પછી તો હું ફૅમિલી ગેટ-ટુગેધર, મિત્રોના મેળાવડા વગેરેમાં વગાડવા લાગ્યો. પણ ક્યારેય કમર્શિયલ બેઝિસ પર મેં વગાડવાનું પસંદ કર્યું નથી, માત્ર શોખ ખાતર જ વાંસળી વગાડું છું. છેલ્લાં છ-સાત વર્ષથી હું અમારા વિસ્તારમાં આવેલા જવાહરનગર ચા રાજા ગણપતિ પંડાલમાં રોજ રાતની આરતી દરમિયાન વાંસળી વગાડું છું. રોજ રાત્રે એકથી દોઢ કલાક સુધી આરતી ચાલે છે જેમાં હું સ્વઇચ્છાથી વાંસળી પર ગણપતિ બાપ્પાની આરાધના કરતો આવ્યો છું. મને બેસવા માટે એક ખુરશીની પણ તેમણે વ્યવસ્થા કરી આપી છે, પણ વાંસળી હવાની રૂખ ઉપર સૂર રેલાવે છે. પડાંલમાં AC અને પંખા છે એટલે ઘણી વખત હવાનું પ્રેશર આગળ-પાછળ થાય તો સૂર બેસૂર બનતાં વાર લાગતી નથી. એટલે હું સતત મારી પોઝિશન ઍડ્જસ્ટ કરતો રહું છું અને બ્રેક લીધા વિના સતત વાંસળી વગાડતો રહ્યું છું. ગણપતિના દસેદસ દિવસ સુધી હું આ જ રીતે વાંસળી વગાડવાનું ચાલુ રાખું છું. એ માટે ગણેશજી જ શક્તિ આપે છે એમ કહું તો ચાલે.’
ADVERTISEMENT
લોકોને ખુશ જોઈ પોતે પણ ખુશ થતાં નવીનભાઈ કહે છે, ‘રોજ સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી હું ઘરની બારી પાસે બેસીને વાંસળી વગાડું છું, જે હવે મારો નિયમ જેવો બની ગયો છે. જે દિવસે હું વાંસળી ન વગાડું તો આજુબાજુના લોકો મને પૂછવા આવે છે કે તબિયત તો સારી છેને? મારા એરિયાની કામવાળી બાઈઓથી લઈને કુરિયર આપવા આવતા ભાઈઓ સુધીના લોકો મારા વાંસળી વગાડવાના શોખથી પરિચિત છે. વાંસળીના લીધે જવાહરનગર વિસ્તારના ૯૦ ટકા લોકો મને ઓળખતા થઈ ગયા છે. કેટલાક યુવાનો મને રસ્તામાં મળે તો કહે કે કાકા, અમે તમારી વાંસળી સાંભળીને મોટા થયા છીએ. હું વાંસળી વગાડતો હોઉં ત્યારે નીચેથી નાનાં બાળકો સ્કૂલથી પરત ફરી રહ્યાં હોય અને બે મિનિટ માટે સાંભળવા ઊભાં રહી જાય છે. બારીએ બેસીને જ્યારે હું વાંસળી વગાડું છું ત્યારે અહીંથી પસાર થતા લોકોના મુખ પર મંદ હાસ્ય જોઉં ત્યારે મને પણ ખુશી થતી હોય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે નવીનભાઈનાં વાઇફ નલિની દેસાઈ પણ ખૂબ જ ઍક્ટિવ છે. લગ્ન પછી સુખમય જીવન પસાર કરી રહેલી તેમની ત્રણ દીકરીઓમાંથી સૌથી મોટી દીકરીનું અવસાન થયું, જેનો આ કપલને ખૂબ આઘાત લાગ્યો હતો. નવીનભાઈ કહે છે, ‘એ આઘાતમાંથી બહાર આવવા માટે સંગીતે મને ખૂબ મદદ કરી એમ કહું તો ચાલે. હાલમાં અમે મારી નાની દીકરીની બાજુમાં જ રહીએ છીએ જેને લીધે અમને માનસિક સપોર્ટ મળી રહે છે.’