કૅન્સરની સર્જરી પછીયે ભોમિયા વિના ડુંગરા ભમવાનું પૅશન જાળવી રાખનારા ઘાટકોપરના મંગલ ભાનુશાલી પાસે મોતને માત આપીને ખેડેલી સફરોની રોમાંચક દાસ્તાનોનો ખજાનો છે
ઓમ પર્વત અને આદિ કૈલાસ પર બાઇક પર જવા માટે સામાન્ય રીતે યુવાનોને જ સરળતાથી પરમિશન મળે છે, જ્યારે ૬૪ વર્ષના મંગલભાઈએ ઑથોરિટીને પોતાની ફિટનેસથી પ્રભાવિત કરીને પરવાનગી મેળવી અને બાઇક પર યાત્રા પૂરી કરી.
ઘાટકોપરમાં રહેતા ૬૪ વર્ષના મંગલ લખમશી ભાનુશાલી યુવાન વયથી ટ્રેક કરતા આવ્યા છે. તેમના ઘૂંટણમાં ઘસારો થતાં ડૉક્ટરે દોડવાની મનાઈ ફરમાવી તો તેઓ દરરોજ ત્રીસથી ૫૦ કિલોમીટર સાઇક્લિંગ કરીને પોતાને ફિટ રાખતા થયા. બે વર્ષ પહેલાં તેમની પ્રોસ્ટેટ કૅન્સરની સર્જરી થઈ એ પછી તો આ જ જીવનમાં આખી દુનિયા ખૂંદવાના જોશથી તેઓ લગભગ દર મહિને મોટા-મોટા પ્રવાસો કરે છે અને એમાંય સાઇક્લિંગ અને ટ્રેકિંગ મોખરે હોય છે. ૧૯૮૯માં પોતાના પપ્પા સાથે ઘાટકોપરમાં પહેલી અચીજા રેસ્ટોરાં શરૂ કરનાર અને ત્યાર બાદ રાજકારણ અને સમાજસેવાનાં કાર્યોમાં ઓતપ્રોત રહેનાર આજે ફુલ ટાઇમ ઍડ્વેન્ચરમાં વિતાવે છે. નવેમ્બરમાં જ સ્કૂટી પર આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય ખૂંદી આવ્યા છે. તેમના ટ્રેકિંગના કિસ્સાઓ સાંભળીને જીવ અધ્ધર થઈ જાય. આ જ સફરમાં કેવી રીતે લોકો તેમને ડગલે ને પગલે મદદ કરવા અચાનક આવી જાય છે એ વાત કાલ્પનિક વાર્તાઓથી ઓછી નથી લાગતી. તેમની આ સાહસિક જર્નીની વાત પહેલેથી શરૂ કરીએ.