હવે દુંદાળાદેવ આવતા વર્ષે આવશે, પણ જતી વખતે તેમને કરેલી જો આ બધી પ્રાર્થનાઓ સાચી પડી જાય તો ખરેખર ઘણી નિરાંત થઈ જાય
લાફ લાઇન
પ્રતીકાત્મક તસવીર
વિઘ્નહર્તાએ વિદાય લઈ લીધી છે. વાત આગળ વધારતાં પહેલાં કહી દવ, જરાક આડોશી-પાડોશી કે ફૅમિલી-બેમિલીમાં ચેકબેક કરી લેજો, ક્યાંક કોઈને બાપા ભેગા નથી લેતા ગ્યાને! આ વર્ષે વિઘ્નહર્તાના કાનમાં પ્રાર્થના કરીને કેવી-કેવી માગણી કરવામાં આવી હશે એની વાત મારે આજે તમને કરવી છે. જો આમાંથી કોઈ પ્રાર્થના તમે કરી હોય તો માનજો કે દુંદાળાદેવ એ પ્રાર્થના પૂરી કરવાના છે ને જો નો કરી હોય તો હવે પ્રાર્થના કરી લેજો કે ઐરાવત-શિર સરીખા દેવતા અમારી આ મનોકામના પૂરી કરજો.
હે ઈશ્વર! બે વરસ પહેલાં અમે જે માસ્ક, સૅનિટાઇઝર, રેમડેસીવર ને વૅક્સિનની વાંહે હડી કાઢતા’તા એ આજે અમે ભૂલી ગ્યા છીએ, પણ અમને પાછો તારો પરચો દેખાડતો નઈ. અમે માની ગ્યા છીએ કે તમારી આગળ અમારું કાંય ઊપજતું નથી ને પછીયે અમે ફાંકામાં જીવ્યા કરીએ કે અમને તો કાંય થાવાનું નથી, પણ અમારો ફાંકો કાઢતો નઈ.
ADVERTISEMENT
કોરોનામાં ડૉક્ટર થ્યા હોય એ બધાય વહેલી તકે દેશ છોડીને ફૉરેનમાં જતા રયે ને જે આંયા રયે એ ડૉક્ટરોના ટાયરમાં ભરબપોરે પંક્ચર પડે.
હે ભગવાન! નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ સદા તંદુરસ્ત રહે અને કરપ્ટેડ અધિકારીઓને ઊંધો ગૅસ ચડે.
હે પ્રભુ! પ્રાથમિક શાળાના શિક્ષકોની સહનશક્તિની રક્ષા કરજે! આવતા વરસે એ લોકો ગણતરીઓ, સર્વે અને તાલીમુમાંથી થોડા નવરા પડીને થોડુંક ભણાવી શકે એવી શક્તિ આપજે.
પાણીપૂરી ખાવાથી B12 (બી ટ્વેલ્વ) વધે છે એવું સાયન્ટિફિક સંશોધન દુનિયાની કો’ક લૅબોરેટરીમાં થાય. જો નો થાય તો આવા ફેક ન્યુઝ વર્લ્ડવાઇડ ફેલાય, જેથી ભારતની મહિલાઓનો પચાસ ટકા પ્રૉબ્લેમ સૉલ્વ થાય.
પુરુષો માટે વાળ કાળા કરવાની ડાઇને બદલે કોઈ ટૅબ્લેટ શોધાય, જે ખાઈને તે યુવાન દેખાય.
‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં’ સિરિયલમાં નવાં બાળકો જન્મવાની અને વડીલોને મરી જવાની છૂટ મળે.
પત્નીની ગેરહાજરીમાં પતિ જ્યારે ચા બનાવવાનો પ્રયત્ન કરે ત્યારે તેણે સાણસી માટે પત્નીને પૂછવું ન પડે.
જે બૅન્કમાંથી આપણે લોન લીધી હોય તેનો ફોન જ્યારે પણ આવે ત્યારે આપણો ફોન કવરેજની બહાર દેખાય.
વડા પ્રધાનની દાઢી માફક દેશની ઇકૉનૉમી પણ આગળ વધે. નહીંતર અમારી આવનારી પેઢી પાસે કાંઈ નહીં વધે.
હે ઈશ્વર! અમારી પાસે ફાયર સેફ્ટીનું N.O.C. હોય કે ન હોય, જ્યાં પણ દેશના ભવિષ્ય સમું એક પણ બાળક ભણતું કે રમતું હોય ત્યાં કોઈ દી’ આગ ન લાગે. અમારી સલામતી તો તારી શ્રદ્ધામાં છે, સિલિન્ડરમાં નહીં.
ભારતીય રેલવેમાંથી બ્રેડ-કટલેસ અને પેલા પીળા કલરના જીવણનું સ્થાન અન્ય કોઈ લઈ લ્યે.
બાળકોના રમવાના એક પણ મેદાન પર બીજી કોઈ પ્રવૃત્તિ શરૂ ન થાય.
કોઈનો ઑક્સિજન ઘટે નહીં અને દેશમાં સિટિઝન વધે નહીં.
હે પ્રભુ! મુખ્ય પ્રધાનો ભલે બદલે, પરંતુ તેમની નીયત ન બદલે.
કાશ્મીરનું કેસર કાંદિવલીમાં ઊગતું થાય ને ગોંડલના લોકો ડેસ્ટિનેશન મૅરેજ કરવા ગુલમર્ગ બે મહિને જાતા થાય.
આવતા વરસમાં તાલિબાનના શાસકોને શાંતિનું નોબેલ પારિતોષિક મળે જેની પાર્ટી આખું જગત ઊજવે.
રસોડામાં વંદો જોઈને રાડારાડ કરતી મહિલાઓ માટે પ્રભુ તમે સ્વયં અવતાર ધારણ કરી એકાદ મોટિવેશનલ સ્પીચ આપો.
ઑલિમ્પિક્સમાં ઓછા મેડલ મળવાથી કાયમ દુ:ખી થતા ભારતીયો ક્રિકેટ સિવાયની બીજી ગેમ્સમાં બાળકોને રમવા જવા દે.
સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ ચાલુ કે બંધ કરવાની સંગીતખુરશીની રમત બંધ થાય અને સાથોસાથ છોકરો છોકરી બનીને ગર્લફ્રેન્ડના અકાઉન્ટ પર નજર રાખે તો સવાર પડ્યે તે સાચેસાચ પિરિયડમાં આવવા માંડે.
હે પ્રભુ! ઑનલાઇન એજ્યુકેશનને લીધે રાતોરાત જુવાન બનેલાં બાળકોની સ્મૃતિ ને વર્ક ફ્રૉમ હોમ કરીને આળસુડા થઈ ગયેલા નોકરિયાતોની સ્મૃતિ વિસ્મૃતિમાં ફેરવી દે.
આવનારા વરસમાં કોઈ એકલી દીકરીની ચીસ ક્યાંય પડઘાય નહીં.
આજીવન કુંવારા હોય એવા લોકો પાસેથી સરકાર વધુ મનોરંજન દર વસૂલ કરે એવો ખરડો પાસ થાય.
પેટમાં પાપ રાખીને મોઢે સારું-સારું બોલનારા જ્યારે ખોટું બોલે ત્યારે ધબાંગ કરતું તેનું થોબડું કાળુંભઠ થઈ જાય ને જન્મજાત કાળા હોય તે ખોટું બોલે ત્યારે તેનું થોબડું પચરંગી થઈ જાય.
જમીન પર પ્લાસ્ટિક કે કચરો ફેંકે તેના વાળ ઑટોમૅટિક ખરવા લાગે એવી અફવાઓ જોર પકડે.
આ વરસે રિયલિટી શોમાં જજ તરીકે આવતા એકેય જજને બહુ રોવું ન પડે જેથી હિમેશ જેવા સાથી જજોએ તેને બહુ ખિજાવું ન પડે.
પગનાં મોજાં પર છાંટી શકાય એવાં અલગ સ્પ્રે બનાવવામાં આવે.
ચીનના ચીબલાઓની આંખ્યું ભારતની ફોજ એક પાણેથી ખોલી નાખે.
આખા કુટુંબને ચશ્માંના નંબર હોય એવા પરિવારો માટે ફોરવ્હીલના તમામ કાચ એ નંબર પ્રમાણે બનાવાય જેથી ટ્રાવેલ દરમ્યાન ફૅમિલીને ચશ્માંમુક્તિનો આહલાદક અનુભવ મળે.
હે ભગવાન! આ વરસે પ્રશાંત ‘કિશોર’ યુવાન થાય.
સર્જકોને, સજ્જનોને તથા સાત્ત્વિક લોકોને કોઈ જ્ઞાતિના નહીં, માત્ર રાષ્ટ્રના ગણવા માટે સૌ પોતાની વિચારધારા સુધારે એવી સાંઈકામના સાથે આવજો બાપ્પા...