સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ૧૯૯૮થી વૉટર કન્ઝર્વેશનની પદ્ધતિઓ વિકસાવી, સતત ૧૫ વર્ષ કામ કરીને ખેતીના ઉત્પાદનને ૭૦૦૦ કરોડથી પોણાબે લાખ કરોડ સુધી પહોંચાડ્યું તો વૉટર કન્ઝર્વેશન સાથે ‘બેટી બચાઓ’ અભિયાનને જોડી જોરદાર ઇમ્પૅક્ટફુલ કામ કરનારા મથુરભાઈ સવાણી
ભારત ભાગ્ય વિધાતા
મથુર સવાણી, સમાજસેવક- પદ્મશ્રી ૨૦૧૪
દિલ લગાવીને કર્મ કરવું અને જે પરિણામ આવે એ હોંશે-હોંશે સ્વીકારવું એ જ જીવનમંત્ર સાથે જીવેલા ડાયમન્ડ મર્ચન્ટ મથુરભાઈ સવાણીના હૃદયમાં કોઈકનું સારું કરવાની ભાવના બાળપણથી જ હતી. ૧૯૮૭માં ગઢડામાં સામૂહિક લગ્ન કરાવીને તેમની સમાજસેવાની યાત્રા શરૂ થઈ. ત્યાર બાદ સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ૧૯૯૮થી વૉટર કન્ઝર્વેશનની પદ્ધતિઓ વિકસાવીને અને સતત ૧૫ વર્ષ કામ કરીને ખેતીના ઉત્પાદનને ૭૦૦૦ કરોડથી પોણાબે લાખ કરોડ સુધી પહોંચાડ્યું. ‘પાણી બચાવો’ના જનઆંદોલનમાં ૨૦૦૬માં સુરતમાં મહાલાડુ કાર્યક્રમમાં બેટી બચાવોના નારાને સામેલ કરી ૧૨ લાખ લોકોને ભ્રૂણહત્યા ન કરવાના શપથ લેવડાવીને દીકરા-દીકરીઓની સંખ્યાના ઇમ્બૅલૅન્સને સુધારવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વરને જ બધાં કાર્યોની સફળતાનું શ્રેય આપતા મથુરભાઈ ૨૦૧૪માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીના હકદાર બન્યા.