ત્રીસ વર્ષથી ભારતીય ફૂડને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડવાના ધ્યેયથી કાર્યરત થયેલા સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ઘણી બાબતોમાં દેશને ગૌરવની ક્ષણો અપાવી છે.
સંજીવ કપૂર
ત્રીસ વર્ષથી ભારતીય ફૂડને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડવાના ધ્યેયથી કાર્યરત થયેલા સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ઘણી બાબતોમાં દેશને ગૌરવની ક્ષણો અપાવી છે. દુનિયામાં પહેલી ભારતીય રેસ્ટોરાં શરૂ કરવાનું શ્રેય પણ તેમને જાય છે તો સાથે ન્યુ ઝીલૅન્ડના પ્રાઇમ મિનિસ્ટરને ભારતીય ભોજનનો ચસકો લગાડવાનું કામ પણ તેમણે જ કર્યું અને એ પણ કેમ ભૂલી શકાય કે ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ પાસે ભારતીય થાળી સર્વ કરાવવાનું કામ પણ સંજીવ કપૂરે જ કર્યું છે
ભગવદ્ગીતા । શ્ળોક ૧૬ । અધ્યાય ૫
ADVERTISEMENT
ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥
અર્થાત્ ઃ ભ્રમની દુનિયામાંથી વાસ્તવિકતા તરફ દોરી જાય છે ગીતાનો આ શ્લોક. આ શ્ળોકમાં શ્રીકૃષ્ણ કહે છે, ‘જેમના આત્માનું અજ્ઞાન દિવ્ય જ્ઞાનથી નષ્ટ થઈ જાય છે એ જ્ઞાનથી પરમતત્ત્વ પ્રકાશ એ પ્રકારે તેજસ્વી થાય છે જે રીતે દિવસે સૂર્યના પ્રકાશમાં બધી વસ્તુઓ પ્રકાશિત થઈ જાય છે.’ કહેવાનું એટલું જ કે અજ્ઞાન એ અંધકાર સમાન છે. જેમણે પણ જ્ઞાનની સાધના કરી છે તેમના જીવનનાં તમામ દુખ દૂર થયાં જ છે. એટલે જ્ઞાનને જીવનમાં સ્થાન આપો અને જ્ઞાન જ્યાંથી પણ મળે એનો આદર કરો.
૨૮ વર્ષની ઉંમરે બેસ્ટ શેફ તરીકે એસ્ટૅબ્લિશ્ડ થયા પછી દરરોજ જાતને પ્રશ્ન પૂછવાનો આવે કે હવે શું નવું કરું? આ પ્રશ્નનો જવાબ શોધવાની જહેમતે જ સંજીવ કપૂરનું કદ સતત મોટું કર્યું છે. ત્રીસથી પણ વધારે વર્ષોથી ઇન્ડિયન કલિનરી ઇન્ડસ્ટ્રી પર શાસન કરતા સંજીવ કપૂર ‘ધ સંજીવ કપૂર’ બન્યા એનું પૂરેપૂરું શ્રેય તેઓ ભારતીય ભોજનને આપે છે. આ એ સમયની વાત છે જે સમયમાં દીકરાને એન્જિનિયર કે ડૉક્ટર બનાવવાનાં સપનાંઓ જ મા-બાપ જોતાં. એ સમયે સંજીવ કપૂરે શેફ એટલે કે સાદી ભાષામાં રસોઇયો બનવાની ઇચ્છા દર્શાવી અને તેમની એ વાત પેરન્ટ્સે પણ સ્વીકારી જે બહુ મહત્ત્વની વાત છે. નાનપણમાં પપ્પા સાથે શાકભાજી લેવા જવાના અને મમ્મી રસોડામાં કામ કરતી હોય ત્યારે વાતો કરવાના અઢળક કિસ્સાઓને સંજીવ કપૂર યાદ કરે અને ‘ઇન્ડિયન ક્વિઝીન’ થકી હું દુનિયામાં મોટો થયો એ વાતનો ગર્વ પણ તેમના શબ્દોમાં ઝળકી આવે.
૧૫૦થી વધુ પુસ્તકો જેમણે લખ્યાં, ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સમાં ઇન્ડિયન થાળી સર્વ કરવાની પરંપરા જેમના કારણે શરૂ થઈ અને આજે પણ વિદેશમાં જ્યારે જ્યાં પણ ઇન્ડિયન ક્વિઝીનની જરૂરિયાત ઊભી થાય ત્યારે જેમનું નામ સૌથી પહેલાં લેવાય એ સંજીવ કપૂર પદ્મશ્રી ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અવૉર્ડ્સથી સન્માનિત થઈ ચૂક્યા છે. આ એ સંજીવ કપૂર છે જેમણે વિશ્વમાંથી ભારતમાં આવેલા ડેલિગેશનને ‘ખીચડી’નું પ્રી-મિક્સ આપવાની હિંમત કરી અને જેમણે ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાનને ભારતીય ભોજનના એવા પ્રેમમાં પાડ્યા કે તેઓ ખાસ ભારતીય ફૂડ ખાવા ભારત આવતા થયા. દેશની માટી સાથે દેશનો સ્વાદ પણ દુનિયામાં એને પોતીકું સ્થાન અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે એ વાત તેઓ સમજે છે અને એટલે ત્રીસ વર્ષ પહેલાં પહેલી ઇન્ડિયન રેસ્ટારાં ખોલી ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે ભારતની ઓછી જાણીતી વાનગીઓ અને એની પાછળ રહેલી સંસ્કૃતિ, સંસ્કાર અને વાતો હું દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડીશ.
તમે ઓળખાવ કેવી રીતે?
દુનિયાભરમાં તમારી ઓળખ તમારો દેશ હોય અને ભારતીય તરીકેની એ ઓળખે મને હંમેશાં જોમ ચડાવ્યું છે એવો સ્વીકાર કરતાં સંજીવ કપૂર કહે છે, ‘તમે જોશો કે સ્થાન અને સ્થળ સાથે તમારી ઓળખ આપવાની રીત બદલાતી હોય છે. હંમેશાં તમે પરિવાર, તમારા રાજ્ય, તમારા શહેર અને તમારા વિસ્તારથી જ ઓળખાઓ; પણ દુનિયામાં એ વાત બદલાય. દુનિયા તો તમને માત્ર ને માત્ર તમારા દેશથી જ ઓળખે. જો તમને તમારા દેશ પ્રત્યે ગૌરવ હોય તો તમે તમારી ઓળખાણમાં પણ એ ગૌરવ ભરતા હો છો. તમારું અસ્તિત્વ એની સાથે જોડાયેલું છે. અને એક વાત યાદ રાખજો કે માતૃભૂમિ તમને ખૂબ આપે છે તો તમારે પણ એને કંઈક આપવું જોઈએ. આ પ્રકારની વાતો મને નાનપણમાં સમજવા મળી એટલે જ્યારે શેફ બનવાનું નક્કી કર્યું ત્યારે જ મારા મનમાં નક્કી હતું કે મારે દુનિયાના સૌથી મોટા શેફ બનવું અને મારા ભારતીય ભોજનને દુનિયાનું નંબર વન ભોજન બનાવવું. મને યાદ છે એ પહેલો પ્રસંગ જ્યારે મેં વિદેશની ધરતી પર ઇન્ડિયન ક્વિઝીન સર્વ કરેલું. ઝી ટીવી પર મારો શો ચાલતો અને ઝી ટીવી દ્વારા દર વર્ષે વિદેશમાં ઝી મેલાનું આયોજન થતું. મેં તેમને રિક્વેસ્ટ કરી કે તમારા આ ઝી મેલામાં ફૂડનો એક પણ સ્ટૉલ નથી હોતો, મને એક સ્ટૉલ કરવા દો. તેમણે કહ્યું કે અમે એના પૈસા નહીં આપીએ. મેં કહ્યું કે મારે જોઈતા પણ નથી. એ સ્ટૉલમાં મેં આપણી ટ્રેડિશનલ આઇટમો મૂકી. શરૂઆતમાં નવી આઇટમને પ્લેટમાં લેતી વખતે લોકો સંકોચ અનુભવતા હોય છે, પણ એક વાર તમે તેમની પ્લેટ સુધી ગયા તો દિલ સુધી કન્ફર્મ પહોંચવાના. આ ભારતીય ભોજનની ખૂબી છે. ફૂડથી દુનિયાને સર્વાધિક પ્રભાવિત કરી શકાય એ અનુભવ ત્યારે મને થયો અને એ પછી હું ક્યારેય અટક્યો નથી.’ સંજીવ કપૂરે ત્રીસ વર્ષ પહેલાં દુબઈમાં પહેલી ઇન્ડિયન રેસ્ટોરાં કરેલી. એ પછી તો લગભગ પસાચથી વધારે રેસ્ટોરાં તેમણે જુદા-જુદા દેશોમાં શરૂ કરી.
ખૂબીઓનો છે ખજાનો
દુનિયામાં આજે છે એવો ભારતીય ભોજન પ્રત્યેનો ક્રેઝ પચીસ વર્ષ પહેલાં નહોતો. છતાં લોકો એક વાર આપણા ભોજનની ખૂબીઓ સમજતા અને પછી ચાખ્યા વિના રહી નહોતા શકતા. સંજીવ કપૂર કહે છે, ‘મને યાદ છે કે ન્યુ ઝીલૅન્ડમાં પહેલી રેસ્ટોરાં શરૂ કરી, જે ધીમે-ધીમે ત્યાંની બેસ્ટ ઇન્ડિયન રેસ્ટોરાં બની અને ન્યુ ઝીલૅન્ડના એ સમયના પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ લૅન્ગે ભારતીય ફૂડના ફૅન બની ગયા. તમે એમ કહી શકો કે તેઓ જાણે અમારી રેસ્ટોરાં અને પછી ઇન્ડિયન ફૂડના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બની ગયેલા. પછી તો તેઓ માત્ર આપણું ફૂડ ખાવા માટે ખાસ ભારત આવતા. ઇન ફૅક્ટ, તેમની દીકરી પર્મનન્ટલી ભારતમાં સેટલ્ડ થઈ છે. એવી જ રીતે અમે ઑસ્ટ્રેલિયામાં એક મોટી સુપરમાર્કેટની ચેઇન સાથે કોલૅબરેશન કર્યું છે જે ઇન્ડિયન ઇન્ગ્રિડિયન્ટ્સ ઉપ્લબ્ધ કરશે જેની લોકોને ખબર જ નથી. આપણે ત્યા એક જ વસ્તુમાં અઢળક ઇન્ગ્રિડિયન્ટ્સ ભળે અને એની મૅજિકલ અસર સ્વાદમાં પણ અનુભવવા મળે. ૧૭ વર્ષ પહેલાં સિંગાપોર ઍરલાઇન્સમાં અમે ઇન્ડિયન થાલી ઇન્ટ્રોડ્યુસ કરી, જેનું નામ હતું શાહી થાલી અને રુચિ થાલી. એ કન્સેપ્ટ એવો હિટ થયો કે આજ સુધી એ થાળી કન્ટિન્યુ રહી છે. યાદ રાખજો, તમે ફૂડ થકી દુનિયાને ઇન્ફ્લુઅન્સ કરી શકો છો. તમારા ફૂડમાં એવી તાકાત છે.’
બહુ જરૂરી છે સમજવું
સંજીવ કપૂર અત્યારે ‘ટેસ્ટ ઇન્ડિયા’ નામની ફૂડ-શોની સિરીઝ બનાવે છે. એમાં ભારતનાં જુદાં-જુદાં રાજ્યોના ફૂડની વિશેષતાઓ, એની પાછળની વાતો અને ત્યાંના હેરિટેજને સામેલ કરવામાં આવશે. સંજીવ કપૂર કહે છે, ‘આઠ ઇન્ટરનૅશનલ ભાષામાં આ શો બનાવવાનું અમારું પ્લાનિંગ છે. ઘણાએ મને કહ્યું કે તમે આટલો ખર્ચ કરીને શો બનાવો છો, પણ ધારો કે કોઈએ એ સારા ભાવમાં ખરીદ્યો નહીં તો? મારો જવાબ હોય છે કે તો શું થઈ ગયું? મારા દેશે મને આટલું આપ્યું તો મારા દેશના પાકશાસ્ત્રનો ઇતિહાસ દુનિયા સામે લાવવા માટે શું હું આટલું ન કરી શકું? હું ખરેખર કહું છું કે ભારતીય ભોજન અદ્વિતીય છે. એની પાછળની વાતો તમે લોકોને કહેશો નહીં તો તેમને ખબર કેમ પડશે? વર્ષો પહેલાં અમે ઍર ઇન્ડિયામાં એક પ્રયોગ કર્યો હતો. એક ઇન્ટરનૅશનલ કૉમ્પિટિશન હતી, જેમાં ઍરલાઇને કંઈક યુનિક કરવાનું હતું. મેં સજેશન આપ્યું કે આપણે ઇન્ડિયન ફૂડ સર્વ કરીએ અને સાથે એની પાછળની સ્ટોરી કહેતાં કાર્ડ્સ આપીએ. ઍર ઇન્ડિયા પહેલી વાર મર્ક્યુરી ગોલ્ડ અવૉર્ડ જીતી હતી. ૨૦૧૬માં ભારતમાં ઇન્ટરનૅશનલ ફૂડ ફેસ્ટિવલ થયો ત્યારે દર વખતની જેમ અમુક જ પૉપ્યુલર ડિશોને પ્રમોટ કરવાને બદલે આપણે ખીચડીને પ્રમોટ કરીએ એવો આઇડિયા કામ કરી ગયો. દુનિયાના જુદા-જુદા દેશોમાંથી આવેલા લોકોએ પહેલી વાર ભારતની ખીચડીનો વૈવિધ્યપૂર્ણ સ્વાદ માણ્યો અને તેમને અમે ગિફ્ટમાં ખીચડીનાં પ્રી-મિક્સ આપ્યાં જેના અદ્ભુત રિવ્યુઝ મળ્યા. આ ત્યારની વાત છે જ્યારે મિલેટ્સની આજ જેટલી ચર્ચાઓ નહોતી થતી. ગયા વર્ષે આપણા પ્રાઇમ મિનિસ્ટર અબુ ધાબી ગયા ત્યારે તેમના શાકાહારી ભોજન માટે મારો સંપર્ક કરાયો. અમે પીએમ માટે વેજિટેરિયન ફૂડ બનાવ્યું જે પછી ત્યાંના કિંગથી લઈને હાજર હતી એ બધી ડિગ્નિટરીઝે હોંશભેર ખાધું. અત્યારે અમે રેડિમેડ ખીચડીને માત્ર ગરમ કરીને ખાઈ શકાય એવી એક પ્રોડક્ટ પર કામ કરી રહ્યા છીએ જેને ઑસ્ટ્રેલિયાથી લૉન્ચ કરીશું.’
સંજીવ કપૂરે માત્ર પૉપ્યુલર રેસ્ટોરાં ફૂડને જ નહીં, ઘરમાં બનતા ભીંડાના શાક અને ખીચડી જેવા સાદા ભોજનને પણ લોકો સુધી યુનિક રીતે પહોંચાડીને ભારત દેશની જેમ વિવિધતામાં એકતા ધરાવતા ભારતના ભોજનને પણ દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કર્યું છે.
કંઈક દાયિત્વ સાથે આપણે આ દેશની ધરતી પર જન્મ્યા છીએ. ભારતની મહામૂલી ધરોહરનું જતન થાય અને આવનારી પેઢી સુધી એ સલામત રીતે પહોંચે એ જોવાની જવાબદારી આપણી છે. ભોજન એ કોઈ પણ દેશની સંસ્કૃતિ અને ઇતિહાસનું મહત્ત્વનું પાસું છે એટલે તમારા દેશની ટ્રેડિશનલ ડિશ સાથેનો તમારો સંબંધ તૂટે નહીં અને નવી પેઢી સુધી પણ એ પહોંચે એ જોવાની જવાબદારી તમારી છે.

