મેં જેટલી પણ છોકરીઓ સાથે મૅરેજ કર્યાં એ બધી છોકરીઓ પાંત્રીસ-પ્લસવાળી છે
વાર્તા-સપ્તાહ
મૅરેજ ડૉટકૉમ લગ્ને-લગ્ને કુંવારાલાલ પ્રકરણ ૫
‘મૅડમ, તમને ગમશે નહીં, પણ તમારે ત્યાં મોટો પ્રશ્ન કયો છે ખબર છે, કશું કહેવું નહીં. બાપ એમ માને કે દીકરીને બધી વાત મા કરતી હશે અને મા શરમની મારી દીકરી સાથે આવી કોઈ વાત શૅર નથી કરતી એટલે હોતા હૈ, ચલતા હૈ...’
‘હાઉ આર યુ મિસ્ટર અજય મ્હાત્રે?’
ADVERTISEMENT
ચેમ્બરમાં દાખલ થતાંની સાથે મીરાએ કહ્યું. મીરાએ ધાર્યું હતું કે તેનો અવાજ સાંભળીને અજયના ચહેરા પર અચંબો પથરાઈ જશે, પણ અજયના હાવભાવમાં કોઈ બદલાવ આવ્યો નહીં અને તેણે સહજ રીતે મીરાની સામે જોયું.
‘શું થયું પછી, મુંબઈમાં જે છોકરી જોઈ તેની સાથે?’ મીરાએ પૂછ્યું, ‘છોકરી ફાઇનલ કરી કે રિજેક્ટ?’
‘હું શું કામ મૅરેજ કરું મિસિસ મીરા રામ વૈદ્ય?’ આખી ઓળખ સાંભળીને મીરાને અચરજ થયું, પણ તેણે કળવા ન દીધું, ‘હું ઑલરેડી મૅરિડ છું, મારે એક બચ્ચું છે. મારી વાઇફનું નામ રોહિણી છે ત્યારે હું શું કામ મૅરેજ કરું. તમને ખબર હશે, ડિવૉર્સ પહેલાં સેકન્ડ મૅરેજ કરવાં એ ભારતીય સંવિધાનમાં ગુનો છે.’
‘રાઇટ... પણ હિન્દુ નિયમો મુજબ, મુસ્લિમ શરિયતમાં નહીં...’ મીરાએ બીજો આંચકો પણ તરત આપી દીધો, ‘આફતાબ. વધારે પ્રૂફ આપું કે પછી ગુનો કબૂલી વાત કરવાનું શરૂ કરીશ?’
‘તમારી કોઈ ભૂલ...’
‘ના, કોઈ ભૂલ નથી થઈ. ભૂલ તારી થઈ.’ મીરા નજીક આવી, ‘ચોરેલા લૅપટૉપથી તેં મૅટ્રિમોની વેબસાઇટ પર લૉગ-ઇન તો કરી લીધું, પણ તું ભૂલી ગયો કે લૅપટૉપ પાછું આપતાં પહેલાં તારે એમાંથી લૉગ-ઑફ પણ થવાનું હતું.’
આફતાબના ચહેરા પર પહેલી વાર મૂંઝવણ દેખાઈ અને એમાં વધારો કરવાનું કામ મીરાના હાથે કર્યું.
સટાક...
‘અત્યાર સુધીમાં કેટલાં મૅરેજ કર્યાં?’
‘કાઉન્ટ નથી કર્યું...’ આફતાબે જવાબ આપ્યો, ‘ત્રીસ-ચાલીસ કર્યાં હશે.’
મીરાની આંખો પહોળી થઈ. જોકે આ જવાબમાં તેને રસ નહોતો, તેને તેની કાર્યપદ્ધતિ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ હતો કે આફતાબ કઈ રીતે છોકરીઓને મૅરેજ માટે કન્વીન્સ કરતો.
‘છોકરીઓ પસંદ કરવા માટે મૅટ્રિમોની વેબસાઇટનો જ ઉપયોગ શું કામ?’
આફતાબે જે જવાબ આપ્યો એ જવાબ દરેક પેરન્ટ્સ અને છોકરીઓએ જાણવા અને સમજવા જેવો હતો.
‘સોશ્યલ મીડિયા પર જે હોય એ મજા ખાતર આવ્યું હોય એવું બની શકે, પણ મૅટ્રિમોની વેબસાઇટ પર આવનારાઓનો એક જ હેતુ હોય, મૅરેજ...’ આફતાબે કહ્યું, ‘એ પ્રોફાઇલ સર્ચ કરે ત્યારે પણ તેના મનમાં પોતાનો લાઇફ-પાર્ટનર જ ચાલતો હોય એટલે નૅચરલી એ છોકરીની સાથે તમે વાત શરૂ કરો ત્યારે ક્લિયર હોય કે તમે તેની સાથે શું કામ વાત કરો છો.’
‘એવું કેમ?’
‘સોશ્યલ મીડિયા પર છોકરી પટાવવી પડે, પણ મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મોટા ભાગે એવી જ છોકરી હોય જે કોઈની સાથે જૉઇન થવા માગતી હોય.’ આફતાબે નફટાઈ સાથે કહ્યું, ‘ક્લિયર હોય કે સામેથી ગ્રીન લાઇટ છે જ, એ ગ્રીન લાઇટમાં ગાડી કેટલી ફાસ્ટ ભગાવવી એ તમારી આવડત કહેવાય. બાકી એટલું તો નક્કી કે એ રસ્તા પર કોઈ પોલીસ નથી ઊભો.’
‘અજય મ્હાત્રે નામ કેવી રીતે મળ્યું?’
આફતાબે સ્માઇલ કર્યું કે તરત તેના ગાલ પર વધુ એક તમાચો આવ્યો.
‘અહીં તારું ફોટો-સેશન નથી ચાલતું કે તું સ્માઇલ કરે... જવાબ આપ.’
‘સ્માઇલનું કારણ નહીં પૂછો મૅડમ?’ નફટાઈ સાથે જ આફતાબે જવાબ આપ્યો, ‘તમારા મુંબઈનો જ અજય મ્હાત્રે આર્મીમાં સૉલ્જર હતો, જે પુલવામામાં દુર્ઘટનામાં શહીદ થયો હતો. ઑનલાઇન આધાર કાર્ડ શોધતાં-શોધતાં તેનું કાર્ડ હાથમાં આવી ગયું. થોડી ઇન્ક્વાયરી કરી એટલે ખબર પડી કે તમારો હીરો હયાત નથી અને કોઈ હવે તેને યાદ પણ નથી કરતું એટલે સિમ્પલ... ફોટોશૉપમાં જઈ એ આધાર કાર્ડ અને નામ અપનાવી લીધાં.’
‘ઓહ માય ગૉડ!’
મીરાની આંખો સામે અંધારાં આવી ગયાં. ‘દેશના એક શહીદ સૈનિકનું નામ આ હરામખોર વાપરે છે, તેના આધાર કાર્ડ પર પોતાનો ફોટો પણ ચીટકાડી દે છે અને એ પછી પણ ક્યાંય કોઈ જગ્યાએ ખબર નથી પડી!’
‘આપણે કેટલા કૅરલેસ છીએ અને આપણી સિસ્ટમ પણ કેટલી પાંગળી છે કે જે માણસ દેશ માટે શહીદ થયો એ માણસનું આધાર કાર્ડ રિજેક્ટ કરી દેવામાં આવ્યું હોય એ પછી પણ એ આધાર કાર્ડ નંબર બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે અને એમ છતાં કોઈને ખબર પણ નથી પડતી.’
મીરાના મનમાં વંટોળ શરૂ થયો, પણ એ વંટોળને ઝંઝાવાતી રૂપ આપવાનું કામ આફતાબે કહેલી બીજી કેટલીક વાતો હતી.
‘આફતાબ, તું મુસ્લિમ છો એ વાતની કોઈ છોકરીને ખબર ન પડી?’
‘કેવી રીતે પડે મૅડમ?’ આફતાબે નફટાઈ સાથે કહ્યું, ‘નરી આંખે દેખાય એવા પુરાવામાં તો એક જ પુરાવો છે સુન્નત, પણ એ સુન્નત વિશે પણ ક્યાં તમારે ત્યાં છોકરીઓને ખબર હોય છે કે સુન્નત હોય તો એ અંગ કેવું દેખાય?’
આફતાબને જીવતો મારી નાખવાનું મન મીરાને થઈ આવ્યું, પણ હજી તેની પાસેથી આવી જ ઘણી વાતો જાણવાની બાકી હતી એટલે તેણે ગુસ્સાને કન્ટ્રોલમાં રાખીને આફતાબની વાતો સાંભળવા કાન ખુલ્લા રાખ્યા.
‘જો યાદ કરું તો એકાદ-બે છોકરીઓ એવી હતી જેને આઇડિયા આવી ગયો, પણ તેને સમજાવવું અઘરું પડ્યું નહીં...’
પોતે શું કારણ આપ્યું હતું એ પણ આફતાબે કહી દીધું, ‘કહી દીધું કે નાનપણમાં પીપી કરવાની જગ્યાએ ચામડી આડી આવતી હતી એટલે પછી એ સ્કિન કઢાવી નાખી...’
જાણે ઘા પર મરચું ભભરાવતો હોય એમ આફતાબે વાત આગળ વધારી.
‘મૅડમ, તમને ગમશે નહીં, પણ તમારે ત્યાં મોટો પ્રશ્ન કયો છે ખબર છે, કશું કહેવું નહીં. બાપ એમ માને કે દીકરીને બધી વાત મા કરતી હશે અને મા શરમની મારી દીકરી સાથે આવી કોઈ વાત શૅર નથી કરતી એટલે હોતા હૈ, ચલતા હૈ...’
‘તારી ગ્રીન લાઇટવાળી વાત સમજી ગઈ કે મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મૅરેજ કરવા માગતી છોકરીઓનું જ રજિસ્ટ્રેશન હોય, પણ એનો અર્થ એવો થોડો થાય કે કોઈ પટાવે અને છોકરી લપસી પડે.’
‘સાયકી મૅડમ, સાયકી. તમારે એ સમજવી પડે.’ જાણે કે બધું સ્વીકારવા તૈયાર હોય એમ આફતાબે કહ્યું, ‘સમજાવું તમને. મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર વીસથી પચીસ વર્ષની છોકરીનો પ્રોફાઇલ હોય તો એને ટચ નહીં કરવાનો. સમજી જવાનું કે અકાઉન્ટ એ છોકરીનાં માબાપ હૅન્ડલ કરે છે. હું એ બાજુએ જોતો જ નહીં. મને સામેથી પણ એ પેરન્ટ્સ કૉન્ટૅક્ટ કરે તો પણ હું રિસ્પોન્ડ કરું નહીં. કારણ કે મૅરેજની માર્કેટમાં એ છોકરીની ડિમાન્ડ છે અને જેની ડિમાન્ડ હોય તેની શૉર્ટેજ જ રહે. આપણે એમાં પડવાનું નહીં.’
‘હંઅઅઅ... પછી?’
‘પચીસથી ત્રીસ વર્ષની છોકરી મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર આવે તેને ફિફ્ટી-ફિફ્ટી કેસ ગણવાનો. જો એવી છોકરીઓના એજ્યુકેશનમાં મેડિકલ, આર્કિટેક્ચર કે એવી બીજી કોઈ લાઇન હોય જેમાં ખૂબ ભણવું પડે તો માનવાનું કે તેનું અકાઉન્ટ પેરન્ટ્સ હૅન્ડલ કરતા હોય અને ધારો કે તે પોતે પણ હૅન્ડલ કરતી હોય તો સમજી જવાનું કે તેણે પોતાની ઇચ્છાથી હજી સુધી મૅરેજ નથી કર્યાં. એ છોકરીઓને પકડવા માટે ક્યારેય જાળ નાખવાની નહીં. તે ચાલાક હોય, તરત પકડી પાડે.’
‘તો?’
‘ત્રીસથી પાંત્રીસ વર્ષની છોકરીઓ કન્ફર્મ કેસ બની શકે અને પાંત્રીસ-પ્લસવાળી છોકરીઓ શ્યૉરશૉટ. મેં જેટલી પણ છોકરીઓ સાથે મૅરેજ કર્યાં એ બધી છોકરીઓ પાંત્રીસ-પ્લસવાળી છે. ઈઝી ટુ ગ્રૅબ ટાઇપની.’
જાણે છોકરીઓની સાયકોલૉજી પર જબરદસ્ત કામ કર્યું હોય એવી અદાથી આફતાબે કહ્યું, ‘આ જે છોકરીઓ છે એ મૅરેજની સાઇકલ ચૂકી ગઈ છે અને હવે તેને અફસોસ થાય છે કે પોતે ઘણું બધું ગુમાવી દીધું. આવી છોકરીઓ પોતે જ પોતાના અકાઉન્ટ હૅન્ડલ કરતી હોય છે. આ જે છોકરીઓ છે તેને તમારે ઇમ્પોર્ટન્સ આપવાનું. એને માટે તમારે અવેલેબલ રહેવાનું. જો થોડો સમય તમે એવો પસાર કર્યો એટલે મૅટર-એન્ડ. એ તમારે માટે બીજા સાથે લડી પણ લે અને જો તમારામાં થોડી વધારે ટૅલન્ટ હોય તો એ તમારો એ સ્તરે ટ્રસ્ટ કરવા માંડે કે બીજા કોઈ તમારે માટે કંઈ પણ બોલે, તેનું તે સાંભળે જ નહીં.’
એકધારી આફતાબને જોતી મીરાને આફતાબે કહ્યું,
‘સાચું કહું છું, હું આ બધું સ્વીકારું છુંને... જાઓ જઈને રોહિણીને એક વાર વાત કરો. તે તમારી એક પણ વાત માનશે નહીં.’ આફતાબે મીરાના ચહેરા પર શંકા જોઈ, ‘માનવામાં નથી આવતુંને?’
મીરા કોઈ જવાબ આપે એ પહેલાં આફતાબે રાડ પાડી,
‘રોહિણી...’
બીજી સેકન્ડે બહાર બેઠેલી રોહિણી ઊભી થઈને ભાગતી અંદર આવી. દરવાજે લેડી કૉન્સ્ટેબલે તેને રોકી તો પણ તે રોકાઈ નહીં.
‘આ લોકો કહે છે કે મેં મલ્ટિપલ મૅરેજ કર્યાં છે, મેં છોકરીઓ ફસાવી છે. આ... આ લોકો મને અરેસ્ટ કરે છે.’
રોહિણીની આંખમાં આંસુ
આવી ગયાં.
‘મૅડમ, અજય એવો નથી. ગૉડ પ્રૉમિસ. બહુ કૅરિંગ પર્સન છે. તે કોઈ સાથે એવું કરે નહીં. ક્યારેય ન કરે.’
મીરા માટે આ દૃશ્ય ઝાટકો આપનારું હતું. જોકે ઝાટકો તો રોહિણીએ આપ્યો,
‘તું, તું ટેન્શન નહીં કર...’ રોહિણી આફતાબને વળગી પડી, ‘હું તારે માટે બેસ્ટ ઍડ્વોકેટ રાખીશ. આપણે કોર્ટમાં લડીશું. તું ચિંતા ન કર...’
‘છે કોઈ?’
મીરાએ મોટા અવાજે રાડ પાડી અને લેડી કૉન્સ્ટેબલ અંદર આવી કે તરત મીરાએ રોહિણીને બહાર લઈ જવા કહ્યું. રોહિણીને ઑલમોસ્ટ ઢસડીને બહાર લઈ જવી પડી. જોકે બહાર જતી વખતે પણ તે આફતાબને આશ્વાસન જ આપતી હતી અને આશ્વાસન વચ્ચે કહેતી હતી, ‘હું, હું છું તારી સાથે. ટેન્શન ન લેતો.’
‘જોઈ લીધું મૅડમ...’ આફતાબે નિષ્ફિકરાઈ સાથે કહ્યું, ‘આપણે દરેક સિટીમાં જઈને મારી બધી વાઇફ પાસે ચેક કરીએ. બધીનું રીઍક્શન આવું જ હશે. હવે તમે મને જવાબ આપો, મેં શું ખોટું કર્યું? મેં કોઈ સાથે ચીટિંગ નથી કરી, મેં બધી સાથે મૅરેજ કર્યાં. એ લોકોને સાચવી, મા બનવાની એ બધીની જે ઇચ્છા હતી એ પૂરી કરી અને મેં તેને ઘર આપ્યું, તેમની જવાબદારી લીધી. મેં ખોટું શું કર્યું? એ જને કે મેં મૅરેજની વાત એકબીજાથી છુપાવી, મૅડમ, મને જવાબ આપો. મૅરેજ ઇમ્પોર્ટન્ટ છે કે પછી પાછલી લાઇફમાં એકલી પડી જવાના ડરથી કોઈનો પણ હાથ પકડવા તૈયાર થવા માગતી ડરપોક છોકરીઓનો હાથ પકડીને તેને સપોર્ટ આપવો?’
મીરા આફતાબના શબ્દો સાથે ઘસડાતી હતી.
‘હા, માન્યું કે હું ઑલમોસ્ટ છ-છ મહિના એ લોકોથી દૂર રહું છું, પણ એને માટે તેઓ તૈયાર છે અને એમાં મને અજય મ્હાત્રે હેલ્પ પણ કરે છે. રાજીખુશીથી એ લોકો મને જવા દે છે. આમાં કયો ગુનો મેં કર્યો? ઍગ્રી, લીગલી આ ગુનો ગણાય છે, પણ મેં સોશ્યલી કયો ક્રાઇમ કર્યો, શું ખોટું કર્યું?’
મીરાને લાગ્યું કે તે જો આફતાબ સામે વધારે બેસશે તો આફતાબની વાતમાં ચોક્કસ આવી જશે અને કદાચ પોતે તેને રવાના પણ કરી દેશે.
‘આપણે મુંબઈ જવાનું છે...’ મીરા ઊભી થઈ ગઈ, ‘ગેડ રેડી?’
‘રોહિણીને સાથે લઈ લીધી હોત તો... હવે તે ટ્રેનમાં હેરાન થતી ત્યાં આવશે...’
‘મેં તને એક પણ શબ્દ બોલવાની ના પાડી છેને?’
‘ઓકે, એઝ યુ સે મૅડમ...’
મધ્ય પ્રદેશ બૉર્ડર ક્રૉસ કરીને મહારાષ્ટ્રમાં ગાડી એન્ટર થઈ કે
મીરાએ એક કૉર્નર પર ગાડી રોકાવી અને આફતાબને ગાડીમાંથી બહાર આવવા કહ્યું,
‘જા, નીકળી જા...’
‘રિયલી?’ આફતાબના ચહેરા પર ખુશી હતી, ‘મૅડમ, બહુ બધી છોકરીઓ તમને દુઆ દેશે...’
આફતાબે પોતાની બૅકપૅક પીઠ પર ગોઠવી અને હાઇવેની સામેની સાઇડ જવાનું શરૂ કર્યું કે અચાનક તેની પીઠ પાછળ ધક્કો આવ્યો. મીરાની પહેલી ગોળી આફતાબના લૅપટૉપ સાથે અથડાઈ હતી. આફતાબે ઝાટકા સાથે પાછળ જોયું અને એ જ સમયે મીરાએ ફાયરિંગ કર્યું.
ગોળી આફતાબના બન્ને નેણની બરાબર મધ્યમાં ખૂંપી ગઈ.
‘અમારી મજબૂરીનો દુરુપયોગ કરવા બદલ...’ મીરાએ રિવૉલ્વર બેલ્ટમાં ગોઠવી, ‘વિશ્વાસ તોડવા બદલ અને મનગમતો તાળો મૂકવા બદલ...’
(સમાપ્ત)