‘મૅડમ, મેં કોઈની વસ્તુ લીધી નથી. એ ભૂલથી આવી ગઈ છે અને હું મારી ભૂલ એક્સેપ્ટ પણ કરું છું.’ અજય સહેજ પણ ડર્યો નહોતો, ‘તમને કહું છું કે હમણાં હું નહીં આવી શકું પણ સાંજ પહેલાં તમને એ લૅપટૉપ પાછું મળી જશે... સિમ્પલ વાત તમે કેમ સમજતાં નથી?’
વાર્તા-સપ્તાહ
મૅરેજ ડૉટકૉમ લગ્ને-લગ્ને કુંવારાલાલ પ્રકરણ ૧
જો તમે પંદર મિનિટમાં સ્ટેશને નહીં આવો તો હું ચોરીની કમ્પ્લેઇન્ટ ફાઇલ કરીશ
‘મારું લૅપટૉપ ખોવાયું છે...’ વેસ્ટર્ન રેલવે-પોલીસની બોરીવલી ઑફિસમાં કમ્પ્લેઇન કરતાં મનોજ દોશીએ કહ્યું, ‘ટ્રેનમાં મારી સાથે હતું, પણ ટ્રેનમાંથી ઊતરું એ પહેલાં એ ગાયબ થઈ ગયું.’
ADVERTISEMENT
‘એ ચોરાયું કહેવાય, ખોવાયું નહીં...’ ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યે પૂછી લીધું, ‘કઈ ટ્રેનની વાત છે?’
‘મૅડમ, વંદે ભારત ટ્રેનમાં... કમ્પાર્ટમેન્ટ નંબર સી-૩.’
‘હંઅઅ...’ મીરાએ વિન્ડોમાંથી બહાર જોયું, ‘ટ્રેન હજી છે...’
‘હા મૅડમ, લૅપટૉપ મળ્યું નહીં એટલે સીધો કમ્પ્લેઇન કરવા આવ્યો.’
‘ગુડ...’ ઇન્સ્પેક્ટર વૈદ્યએ ઊભાં થઈ બહારની સાઇડ પર નીકળવા પગ ઉપાડ્યા, ‘કમ ફાસ્ટ...’
મીરા વૈદ્યને ખાતરી હતી કે વંદે ભારત ટ્રેનમાં થયેલી ચોરીને પકડવી જરા પણ અઘરી નથી. હાઈ-રેન્જ કૅમેરા આખા કમ્પાર્ટમેન્ટ પર નજર રાખતા એટલે શંકાસ્પદ હરકત પકડવી સહેલી હતી, પણ ટેન્શન એક જ હતું કે વંદે ભારત રવાના ન થઈ જાય. આ જ કારણે ઑફિસમાંથી બહાર નીકળતાંની સાથે જ મીરાએ કૉન્સ્ટેબલ પાંડેને સ્ટેશન-માસ્ટર પાસે રવાના કર્યો.
‘ઇન્ફર્મ કર, ચોરીની કમ્પ્લેઇન છે. ગાડી ઉપાડવાની નથી...’
દેશમાં ક્રાન્તિ લાવનારી આ નવી ટ્રેનની ખાસિયત હતી, પોલીસ-કમ્પ્લેઇન વિના એ ટ્રેનને રોકી શકાતી નથી અને જે પોલીસ-કમ્પ્લેઇન આવી હોય એ કમ્પ્લેઇન પણ રેલવે મિનિસ્ટ્રને મોકલવાની રહે છે.
‘આ રહ્યો કમ્પાર્ટમેન્ટ મૅડમ...
ઇન્સ્પેક્ટર મીરાની આંખો ટ્રેનના ઉપરના ભાગ પર ફરતી જોઈને મનોજ દોશીએ તેમનું ધ્યાન એક કમ્પાર્ટમેન્ટ તરફ દોર્યું કે તરત મીરાએ જવાબ આપ્યો,
‘આપણે સર્વર રૂમમાં જવાનું છે, જે પાછળના ભાગમાં હોય છે.’ મીરાએ સાથીઓને સૂચના આપી, ‘એક વખત કમ્પાર્ટમેન્ટમાં જઈને ચેક કરી લો, ભૂલથી ક્યાંક પડ્યું ન હોય.’
‘એ મેં જોયું...’ મનોજે જવાબ આપ્યો, ‘ક્યાંય નથી...’
મીરાએ મનોજની સામે જોયું, તેની આંખોમાં ધાર હતી. એ જ ધાર સાથે મીરાએ નજર ફેરવીને સાથી-કર્મચારીઓ સામે જોયું અને આંખોથી જ સૂચના આપી દીધબે કૉન્સ્ટેબલ કમ્પાર્ટમેન્ટમાં ચડ્યા અને ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યએ આગળ વધતાં મનોજ દોશીને કહ્યું, ‘તમે મારી સાથે આવો...’
ત્રીજી મિનિટે બન્ને વંદે ભારત ટ્રેનની સર્વર રૂમમાં હતાં.
પાંચ ફુટ પહોળી અને સાત ફુટ લાંબી સર્વર રૂમમાં બે કમ્પ્યુટર પડ્યાં હતાં, બન્ને કમ્પ્યુટરના ઑપરેટરનું બૅકઅપ લેવાનું કામ ચાલુ હતું. મીરાએ પોતાનું આઇ-કાર્ડ દેખાડ્યું અને બીજી જ સેકન્ડ ઑર્ડર કર્યો,
‘ભાઈ કહે એ કમ્પાર્ટમેન્ટનું ફુટેજ ચેક કરવાનું છે, ફાસ્ટ.’
‘જી...’
લાઇટનિંગ સ્પીડ પર એક ઑપરેટરનો હાથ ફરવા માંડ્યો અને પાંચ જ સેકન્ડમાં સ્ક્રીન પર કમ્પાર્ટમેન્ટનું બ્લૅક ઍન્ડ વાઇટ પિક્ચર આવી ગયું.
‘તમને ક્યારે ખબર પડી કે લૅપટૉપ નથી...’
‘હંઅઅ...’ મનોજ દોશીએ સહેજ વિચાર્યું, ‘મુંબઈ આવવાને અડધા કલાકની વાર હતી ત્યારે તો એ હતું... પછી...’
‘લાસ્ટ હન્ડ્રેડ કિલોમીટર પર લે આઓ...’
પૅસેન્જરની વાત આગળ સાંભળ્યા વિના જ મીરા વૈદ્યએ સૂચના આપી, તેની આંખો સ્ક્રીન પર હતી અને એ આંખોએ એક વ્યક્તિની શંકાસ્પદ હરકત નોંધવાનું શરૂ કરી દીધું હતું. ત્રીસેક વર્ષનો એ પૅસેન્જર એ જ લાઇનમાં બેઠો હતો જે લાઇનમાં મનોજ દોશી બેઠા હતા. મનોજ દોશી વૉશરૂમ જવા માટે ઊભા થયા અને લૅપટૉપ બાજુની ખાલી સીટ પર મૂક્યું. એ દરમ્યાન જ મુંબઈ આવ્યું અને પૅસેન્જર ઊતરવાના શરૂ થયા ત્યારે એ શંકાસ્પદ વ્યક્તિ અડધી સેકન્ડ માટે લૅપટૉપ પડ્યું હતું એ સીટ પર ઝૂક્યો, પણ ઊતરવા માટે લાઇન લગાવીને ઊભા રહી ગયેલા પૅસેન્જરને કારણે તેણે લૅપટૉપ લીધું કે નહીં એ સ્પષ્ટ થતું નહોતું એટલે મીરાએ એક્ઝિટ કરતા એ પૅસેન્જરની સ્ક્રીન ઝૂમ કરાવી.
‘પૉસિબલી આ જ વ્યક્તિ છે જેણે લૅપટૉપ લીધું છે...’ ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યએ ઑપરેટરને જ કહ્યું, ‘આજની ટિકિટનો ચાર્ટ કાઢો...’
અડધી સેકન્ડમાં ચાર્ટ સ્ક્રીન પર આવ્યો. આ વખતે ઑપરેટરે જ કોઈ જાતની સૂચના વિના એ સીટ પર બેઠેલા પૅસેન્જરની વિગતો ઝૂમ કરીને મીરા વૈદ્યને કહ્યું,
‘અજય મ્હાત્રે નામ છે.’
‘મોબાઇલ નંબર છે?’
‘હાં મૅડમ...’
બોલાતો જતો મોબાઇલ-નંબર મીરાની મોબાઇલ-સ્ક્રીન પર ટાઇપ થતો જતો હતો. મળેલો નંબર સીધો ડાયલ કરવાને બદલે મીરાએ પહેલાં એને ટ્રુ-કૉલરમાં ચેક કર્યો. ટ્રુ-કૉલરમાં પણ એ જ નામ ફ્લૅશ થયુંઃ અજય મ્હાત્રે.
‘આધાર કાર્ડ મને ફૉર્વર્ડ કરો...’ મીરાએ નંબર ડાયલ કરતાં કહ્યું, ‘ફૉર્વર્ડ ન થતું હોય તો મને ફોટો પાડીને આપો...’
વંદે ભારત ટ્રેનના બુકિંગની એક ખાસિયત હતી,
ટિકિટ સાથે નંબર આપવામાં આપવાનો, એ નંબર જો પૅસેન્જરના આધાર કાર્ડ સાથે સંલગ્ન હોય તો તરત આધાર કાર્ડ પણ ટિકિટ-નંબર સાથે લિન્ક થઈ જાય.
મીરાએ જોયું હતું કે એ પૅસેન્જરનું આધાર કાર્ડ ટિકિટ સાથે લિન્ક હતું.
‘હેલો...’ સામેથી જેવો પ્રત્યુત્તર આવ્યો કે તરત મીરા વૈદ્યએ કહ્યું, ‘મિસ્ટર અજય મ્હાત્રે... હું રેલવે-પોલીસમાંથી વાત કરું છું. તમારી પાસે એક લૅપટૉપ છે.’
‘હા, છે.’ અજયના સ્વરમાં નિરાંત હતી, ‘તો શું?’
‘એ મનોજ દોશી નામના પૅસેન્જરનું છે.’
‘જસ્ટ સેકન્ડ...’ ઑટોરિક્ષાના અવાજ વચ્ચે અજયે ચેક કર્યું અને પછી તરત કહ્યું, ‘આઇ ઍમ સૉરી. ઍક્ચ્યુઅલી મારું લૅપટૉપ એવું જ છે એટલે ભૂલથી સાથે આવી ગયું.’
‘તમે હજી સ્ટેશનથી દૂર નહીં ગયા હો... લૅપટૉપ આપવા આવી જાઓ.’
‘લિસન મૅડમ, મારાથી એમ પાછું નહીં આવી શકાય...’ અજયના શબ્દો સૌમ્ય હતા, પણ અવાજમાં સહેજ સખતાઈ આવી ગઈ હતી, ‘મારે એક અર્જન્ટ મીટિંગ છે, એને માટે હું ઑલરેડી લેટ છું... એ જે ભાઈ છે તેમને જો ઉતાવળ હોય તો હું ઍડ્રેસ મોકલું ત્યાંથી એ કલેક્ટ કરી લે...’
‘મિસ્ટર અજય...’ ઇન્સ્પેક્ટર મીરાએ કડકાઈ સાથે કહ્યું, ‘ડોન્ટ ફર્ગેટ, તમે કોઈની વસ્તુ લઈને જાઓ છો. તમારી ફરજ છે કે તમે આવીને એ પહોંચાડી દો.’
‘મૅડમ, મેં કોઈની વસ્તુ લીધી નથી. એ ભૂલથી આવી ગઈ છે અને હું મારી ભૂલ એક્સેપ્ટ પણ કરું છું.’ અજય સહેજ પણ ડર્યો નહોતો, ‘તમને કહું છું કે હમણાં હું નહીં આવી શકું પણ સાંજ પહેલાં તમને એ લૅપટૉપ પાછું મળી જશે... સિમ્પલ વાત તમે કેમ સમજતાં નથી?’
‘સમજવાનું મારે નહીં તમારે છે. તમે તાત્કાલિક સ્ટેશન પર આવીને રેલવે-પોલીસમાં લૅપટૉપ જમા કરાવો.’
‘લુક મૅડમ, તમે દાદાગીરી કરો છો.’
‘જે સમજવું હોય એ સમજો.’ ઇન્સ્પેક્ટર મીરાએ કહી દીધું, ‘જો તમે પંદર મિનિટમાં સ્ટેશને નથી આવ્યા તો હું ચોરીની કમ્પ્લેઇન ફાઇલ કરીશ અને તમારી સામે બધી ઍક્શન લઈશ.’
‘મૅડમ, તમને ખબર નથી તમે કોની સાથે વાત કરો છો?’
‘ખબર છે, તમે નરેન્દ્ર મોદી કે અમિત શાહ નથી... નાઉ કમ ફાસ્ટ.’
ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યે ફોન કટ કરી નાખ્યો. મનોજ દોશી માટે તો આ સંકટની ઘડી હતી. તેમને પોતાનું જ લૅપટૉપ પાછું મળવામાં ત્રાગાં શરૂ થયાં હતાં.
‘મૅડમ, હું તો અમદાવાદ રહું છું. કાલે સવારની ફ્લાઇટમાં મારે રિટર્ન થવાનું છે.’ મનોજે રીતસર આજીજી કરતાં કહ્યું, ‘જે મીટિંગ માટે આવ્યો છું એનું પ્રેઝન્ટેશન એમાં છે. પ્લીઝ, કંઈક કરોને...’
‘ડોન્ટ વરી, તે હમણાં આવશે.’
પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલા મોબાઇલમાં પહેલેથી ઇન્સ્ટૉલ એવી એક ઍપ ખોલી મીરાએ એમાં અજય મ્હાત્રેનો નંબર અપલોડ કર્યો અને બીજી જ સેકન્ડે તેમના ચહેરા પર ચમક આવી ગઈ.
મોબાઇલ-નંબર રેલવે-સ્ટેશન તરફ આવતો હતો.
‘બેસો, આવે છે.’
‘પણ...’
‘તમને કહ્યુંને, તે આવે છે. બેસો ચૂપચાપ...’ મીરાએ કહી પણ દીધું, ‘કાં દસ મિનિટ ક્યાંક ચક્કર મારી આવો. ફોન કરું એટલે આવી જજો.’
‘ના, હું અહીં ઠીક છું...’
મનોજ સામેની ચૅર પર બેસવા ગયો કે તરત મીરાએ સૂચના આપી,
‘અહીં નહીં, બહાર બેસો. બોલાવું એટલે અંદર આવજો.’
મનમાં ગાળો ભાંડતો મનોજ મીરા વૈદ્યની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો.
‘ખાસ લૅપટૉપ આપવા આવ્યો છું, પછી શાની મગજમારી છે...’ અજયે કૉન્સ્ટેબલ સામે જોયું, ‘લૅપટૉપ જેનું છે તેને પ્રૉબ્લેમ નથી, તે પણ જવા માગે છે, તો મને જવા દોને.’
‘જવાનું જ છે. બસ, બે મિનિટ... મૅડમ પેપર્સ આપે એના પર સાઇન કરી દો એટલે મૅટર પૂરી થાય.’
અજય મ્હાત્રે રીતસર અકળાયો હતો, પણ તેણે અકળામણ દબાવી અને સતત આવતા કૉલને રિસીવ કરતાં મોબાઇલ પર કહ્યું, ‘આઇ ઍમ સૉરી સપના, પણ મને મૅક્સિમમ ૧૦ મિનિટ લાગશે... મૅક્સથી મૅક્સ...’
સામેથી શું પુછાયું એ તો કોઈને સંભળાયું નહોતું, પણ અજયે આપેલો જવાબ બધાએ સ્પષ્ટ રીતે સાંભળ્યો,
‘એક મૂર્ખને કારણે હું અટવાયો છું...’ અજયે તરત વાત પણ વાળી લીધી, ‘બટ યુ ડોન્ટ વરી, આઇ ઍમ કમિંગ ધેર ઇન હાફ ઍન્ડ અવર...’
અજય ફોન મૂક્યો અને કૉન્સ્ટેબલ સામે ફર્યો,
‘એ ભાઈ, થોડું જલદી કરોને. મારે મોડું થાય છે...’
‘બે મિનિટ, મૅડમની મીટિંગ ચાલુ છે...’ કૉન્સ્ટેબલે પણ એટલી જ ત્વરા સાથે જવાબ આપ્યો, ‘તમે બેસો...’
‘એ ભાઈ...’ બહાર નીકળતા અજયને રોકતાં કૉન્સ્ટેબલે કહ્યું, ‘બહાર નથી જવાનું... અહીં બેસો.’
‘અરે, પણ હું ક્યારનો રાહ જોઉં છું.’
‘થોડી વાર લાગશે.’
‘થોડી એટલે કેટલી?’
અજયે બેન્ચ પર જોયું. બેન્ચ પર મનોજ દોશી નહોતો બેઠો એટલે તેણે તરત કૉન્સ્ટેબલનો ઊધડો લેવાનું શરૂ કર્યું,
‘મને બહાર જવાની ના પાડો છો, પણ આ ભાઈ... તેઓ ક્યાં ગયા?’
‘તેમનું કામ પૂરું થઈ ગયું એટલે તેમને રવાના કરી દીધા.’
‘વૉટ?’ અજયની કમાન છટકી, ‘તો પછી મને શું કામ રોકી રાખ્યો છે. હું પોતે સામેથી લૅપટૉપ પાછું આપવા આવ્યો અને તમે મારી સાથે ચોર જેવું બિહેવ કરો છો.’
‘જુઓ ભાઈ, કોઈ તમારી સાથે તોછડાઈ નથી કરતું. અમે એ જ કરીએ છીએ, જે અમને કહેવામાં આવે છે...’ ધીરજ સાથે કૉન્સ્ટેબલે જવાબ આપ્યો, ‘તમે બેસો...’
‘ના, મારે બેસવું નથી. મને મોડું થાય છે.’ અજયે નિર્ણય જણાવી દીધો, ‘હું જાઉં છું... મારો નંબર છે, જરૂર હોય તો મને ફોન કરજો.’
‘જુઓ, તમે પોલીસનો ઑર્ડર માનવાની ના પાડો છો.’
‘સો વૉટ?!’ અજય મ્હાત્રેએ કહ્યું, ‘તમને ખબર છે હું કોણ છું?’
‘કોણ છો તું?!’
તુંકાર સાંભળીને અજયની નજર અવાજની દિશામાં ફરી.
પોલીસ-ઇન્સ્પેક્ટરની ચેમ્બરની બહાર મીરા વૈદ્ય ઊભાં હતાં. રુબાબ અને દબદબો માણસની બોલતી બંધ કરવાનું કામ કરે. અજય સાથે એવું જ થયું અને તે ચૂપ થઈ ગયો.
‘બોલ, કોણ છો તું?’ મીરાએ તોછડાઈ સાથે જ વાત કરી, ‘ફોનમાં પણ તને ઓળખાણ આપવાનું બહુ મન થતું હતું, અત્યારે અહીં પણ તારી ઓળખાણની દાદાગીરી દેખાડે છે...’
‘મને મોડું થાય છે...’
‘તને કોણે કહ્યું કે અમારી પાસે ટાઇમ છે?’ મીરાએ નજર ફેરવીને કૉન્સ્ટેબલને કહ્યું, ‘લઈ આવ આને અંદર...’
અજય મ્હાત્રે કંઈ જવાબ આપે એ પહેલાં મીરાએ તેની સામે આગ ઓકતી નજર સાથે કહ્યું, ‘કાં ઓળખી લઈએ અને કાં આપણે કોણ છીએ એની ઓળખાણ આપી દઈએ.’
મીરા વૈદ્યને ક્યાં ખબર હતી કે અજય મ્હાત્રેની ઓળખ જાણ્યા પછી પરસેવો તો તેનો છૂટવાનો છે.
(વધુ આવતી કાલે)