. ઓળખો તો જ ચહેરા પર હાવભાવ આવે એવું તો પ્રાણીઓમાં હોય, માણસમાં નહીં;
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
જો તમે અમેરિકા, બ્રિટન કે પછી ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ ગયા હો તો તમને ખબર હશે કે રસ્તા પરથી પસાર થતાં જો ભૂલથી પણ એકબીજા સામે જોવાઈ જાય તો તરત જ સામેની વ્યક્તિ સ્માઇલ કરે છે. ન ઓળખાણ, ન પિછાણ અને એમ છતાં તેના ચહેરા પર સ્માઇલ આવી જ જાય અને આવી જતું એ સ્માઇલ સૂચવે છે કે આપણે માણસ છીએ. ઓળખો તો જ ચહેરા પર હાવભાવ આવે એવું તો પ્રાણીઓમાં હોય, માણસમાં નહીં; પણ આપણે પ્રાણીઓ થતા જઈએ છીએ અને એટલે જ જેવા ઘરની બહાર નીકળીએ છીએ કે તરત જ ચહેરા પર દંભનું મહોરું પહેરીને કામે વળગવા માટે ભાગાભાગીમાં લાગી જઈએ છીએ. અરે, ઘરની બહાર નીકળવાનું તો છોડો, ઘરમાંથી નીકળતી વખતે પણ તમને યાદ નહીં આવતું હોય કે તમે છેલ્લે ક્યારેય પરિવાર સામે સ્માઇલ કરીને નીકળ્યા.
જીવનનું કંઈ નક્કી નથી એવું આપણે બોલતા રહીએ છીએ, પણ આપણે તો એવા જ ભ્રમમાં જીવીએ છીએ જાણે કે આપણું તો આયુષ્ય સો વર્ષનું હોય અને દુનિયા આખીનો નાશ થઈ જાય તો પણ આપણો અમરપટ્ટો અકબંધ રહેવાનો હોય. ઍટ લીસ્ટ પરિવાર સામે સ્માઇલ સાથે ઘરની બહાર નીકળવાનો શિરસ્તો જો પાળવાનું શરૂ કરીએ તો ખરેખર હળવાશ સાથે ઘરની બહાર કદમ મંડાશે અને મુકાયેલા એ કદમમાં પરિવારભાવ અકબંધ રહેશે.
ADVERTISEMENT
પરિવાર તો શરૂઆતનો ભાવ છે, ઘરની બહાર નીકળ્યા પછી એકવાર નિયમ લેજો કે સામે જે મળે, જેની સાથે આંખોનો મેળાપ થાય તેની સામે ઍટ લીસ્ટ એક સ્માઇલ કરવું, ધારો કે તમને સંકોચ થતો હોય તો એક નાનકડું સજેશન સ્વીકારીને પણ એનો અમલ કરજો. જો તમે મહિલા હો તો સામે મળનારી મહિલા સામે કે પછી જો તમે પુરુષ હો તો સામે મળનારા પુરુષ સામે એક આછું સ્માઇલ આપજો. તમને પોતાને એવું લાગશે કે ભાર હળવો થઈ રહ્યો છે. મનનો પણ અને શરીરનો પણ. હૈયાનો પણ અને હાથનો પણ.
આ પણ વાંચો : કદર કલાની: ગુજરાતીઓ છપ્પનની છાતી સાથે કલાની પડખે ઊભા રહી રક્ષણ કરવા સક્ષમ છે
એક નાનકડું સ્માઇલ જો આ સ્તર પર પરિણામ આપવાને સમર્થ હોય તો પછી શું કામ સ્માઇલ કરવામાં કંજૂસાઈ કરવી, શું કામ સ્મિત સાથે જીવવું નહીં અને શું કામ સ્મિતના અભાવે ભાર વેંઢારવાની માનસિકતા રાખવી?
દુનિયામાં માત્ર અને માત્ર હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનીઓ જ એવા છે જે સ્મિત કરવાની બાબતમાં કંજૂસ છે. આ કંજૂસાઈ છોડવાનો સમય આવી ગયો છે. છોડાયેલી એ કંજૂસાઈ સંપૂર્ણપણે રાહત આપવાનું કામ કરે છે અને એ રાહતમાં ક્યાંક અને ક્યાંક સ્વાર્થને પણ જોવાનો છે. જો બીજાનું હિત ન ઇચ્છતા હો તો પણ, જો બીજાના લાભની વાત સમજવા માનસિક તૈયારી ન હોય તો પણ અને જો સ્વાર્થને ગજવે ભરીને રાખવાની માનસિકતા કેળવી ચૂક્યા હો તો પણ એક સ્મિતનો સરવાળો તમારા જીવનમાં નવેસરથી સૂર્યોદય આપવાનું કામ કરશે એ નક્કી છે. મનોચિકિત્સક પણ કહે છે કે સ્મિતનો અભાવ જ ગુજરાતીઓને કૉમેડી જોવા માટે બેતાબ બનાવે છે. બહેતર છે કે ગલગલિયાં થાય ત્યારે જ હસવાને બદલે પ્રેમથી સ્મિતનું આદાન-પ્રદાન શરૂ કરીએ અને દરરોજ કોઈ અન્ય ચહેરાને હળવાશ આપીને જાત માટે હળવાશ પામીએ.