જો તમે તમારા દેશના નાગરિકોને સારામાં સારી સલામતી આપી શકો તો એનાથી ઉત્તમ બીજું કશું હોઈ જ ન શકે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નૅશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઇએ)એ ભારત સરકારને દરખાસ્ત મૂકી છે કે ઉત્તર પ્રદેશમાં રહેલા ૧૨થી ૧૫ સૌથી ખતરનાક, ખૂનખાર અને ઘાતકી એવા આરોપીઓને અહીં લોકોની વચ્ચે રાખવાને બદલે આંદામાનની જેલમાં શિફ્ટ કરી દેવા જોઈએ. એનઆઇએના શૉર્ટ ફોર્મથી ઓળખાતી આ એજન્સીએ અગાઉ પણ આ સૂચન આપ્યું હતું અને કહ્યું હતું કે સમય આવી ગયો કે છે કે ટેરરિસ્ટ અને ઘાતકી આરોપીઓને આંદામાનની એ જેલમાં શિફ્ટ કરવા જોઈએ જે જેલમાં દાયકાઓ પહેલાં ભારતીય સ્વતંત્રસેનાનીઓને રાખવામાં આવ્યા હતા. આ સૂચનને હવે ભારતીય ગૃહમંત્રાલયે ગંભીરતાથી લીધું છે અને આપવામાં આવેલા સૂચનની ફાઇલ સિનિયર ઑફિસરો સુધી પહોંચાડી દીધી છે, જેથી એ સર્વે કરીને જવાબ આપે કે આંદામાનની જેલમાં આ ખૂનખાર આરોપીને રાખવા કેટલા સેફ છે અને ત્યાં આ આરોપીઓને રાખવામાં આવે તો ભારત તથા ભારતના લોકોને એનાથી કેટલો ફાયદો થાય?
હકીકત એ છે કે આપણે આ દિશામાં ખરેખર ગંભીરતા સાથે આગળ વધવું જોઈએ અને દેશને વધુમાં વધુ સુરક્ષિત બનાવવો જોઈએ. જો તમે તમારા દેશના નાગરિકોને સારામાં સારી સલામતી આપી શકો તો એનાથી ઉત્તમ બીજું કશું હોઈ જ ન શકે. આજે ઘણી અપર મિડલક્લાસ ફૅમિલી દુબઈ સેટલ થઈ રહી છે, એનું કારણ શું છે એ ક્યારેય વિચાર્યું છે ખરું? એક જ કારણ, ત્યાં મળતી સુરક્ષા. દરેક વ્યક્તિ એવું જ ઇચ્છતી હોય છે કે પોતે અને પોતાની ફૅમિલી સુરક્ષિત રહે. કોઈ તકલીફ તેમના પર આવે નહીં અને કોઈ જાતની તકલીફ તેની ફૅમિલીએ સહન કરવી ન પડે. આવી પરિસ્થિતિ વચ્ચે જો સરકાર એ કાર્ય સુખરૂપ પાર પાડે તો ડેફિનેટલી એ સોનાનો સૂરજ લઈને આવે અને એ જ સોનાના સૂરજની હવે આપણે ત્યાં રાહ જોવાઈ રહી છે. આપણે ત્યાં કહેવાતું રહ્યું છે કે જેલમાંથી પણ ગુંડાઓનું રાજ ચાલે છે અને આપણે એ વાંચ્યું પણ છે તો ફિલ્મોમાં પણ આપણે એ અપાર વખત જોયું છે. કબૂલ કે હવે એ વાતો જૂની થઈ ગઈ છે અને આજના સમયમાં હવે એ અસંભવની કૅટેગરીમાં પણ પ્રવેશતું જાય છે, પણ એમ છતાં આપણે સ્વીકારવું જ રહ્યું કે આપણી જેલોમાંથી હજી પણ મોબાઇલથી માંડીને અનેક પ્રકારનાં કમ્યુનિકેશનનાં સાધનો પકડાતાં રહ્યાં છે તો એવું પણ પારાવાર જોવામાં આવ્યું છે કે વ્યક્તિગત મેસેન્જરનો ઉપયોગ પણ પારવાર થતો રહ્યો છે.
ADVERTISEMENT
આંદામાન-નિકોબારની જેલનો ઉપયોગ બ્રિટિશરો પણ એવા જ હેતુથી કરતા કે આપણા સ્વતંત્રસેનાની સૌકોઈથી કપાઈ જાય. સમાજ સાથે જોડાયેલા રહે નહીં અને સમાજમાં કોઈ સંદેશો પહોંચાડી પણ ન શકે. એ સંદેશા દેશની આઝાદી માટેના હતા, જ્યારે આજે જેલમાંથી રવાના થતા સંદેશાઓ દેશની આઝાદી પર જોખમ ઊભા કરનારા હોય છે. આવા સમયે જો આ રીઢા આરોપીઓ, સાયકો કિલર કહેવાય એવા લોકો કે પછી સેંકડો લોકોની ગૅન્ગ બનાવીને પ્રદેશ પર રાજ કરનારાઓને અહીંથી હાંકી કાઢી દૂર, આંદામાનની જેલમાં ભરી દેવામાં આવે તો દેશ ખરેખર સુરક્ષાની એક નવી ઊંચાઈ પર પહોંચે. ચારે તરફ ઊંડું કાળું પાણી ધરાવતી આ જેલમાંથી નીકળવાનું દુષ્કર છે અને આ આરોપીઓ દુષ્કર જીવનને લાયક જ છે. બહેતર છે કે નૅશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીની વાતનો સહર્ષ સ્વીકાર કરવામાં આવે અને આ તમામ કપાતરોને અહીંથી દૂર ધકેલી દેવામાં આવે.