કૅનેડા ગવર્નમેન્ટ ઑલરેડી એવી અનાઉન્સમેન્ટ કરી ચૂકી છે કે આ પ્રકારની નફરતની રાજનીતિને કૅનેડામાં સ્થાન નથી અને એ પછી પણ આ પ્રકારનું કૃત્ય થયું છે એ પણ એટલું જ સાચું છે.
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
કૅનેડાના બ્રામ્પ્ટનમાં યોજાયેલી પરેડમાં ઇન્દિરા ગાંધીની હત્યાની રજૂઆત (ફાઇલ તસવીર)
કૅનેડાના બ્રેમ્પ્ટન શહેરમાં ઇન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી દેખાડવામાં આવી એ વાત આમ તો હજી એટલી જૂની નથી થઈ ત્યાં સમાચાર આવ્યા છે કે બ્રેમ્પ્ટન શહેરમાં દર્શાવવામાં આવેલી એ ઝાંખીને લઈને અમુક સિખ સંગઠનોએ પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એ ઝાંખી તૈયાર કરનારાઓની તારીફ કરતાં સ્ટેટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે. કૅનેડા ગવર્નમેન્ટ ઑલરેડી એવી અનાઉન્સમેન્ટ કરી ચૂકી છે કે આ પ્રકારની નફરતની રાજનીતિને કૅનેડામાં સ્થાન નથી અને એ પછી પણ આ પ્રકારનું કૃત્ય થયું છે એ પણ એટલું જ સાચું છે.
અત્યારનો જે માહોલ છે એમાં એક વાત તો પુરવાર થતી જાય છે કે ખાલિસ્તાની માનસિકતા ફરીથી સપાટી પર આવી રહી છે. ચારેક મહિના પહેલાં શરૂ થયેલી એ પ્રક્રિયા ભારતમાં અટકાવવામાં આવી અને લાગતા-વળગતાઓની ધરપકડ થઈ, પણ વાત ત્યાં પૂરી નહોતી થતી. નફરત અને પાણી બન્ને લગભગ સમાન છે. એ પોતાની જગ્યા કરીને આગળ વધતાં રહે. ખાલિસ્તાન માટે બનાવેલી માનસિકતાનું જ પરિણામ છે કે આજે દેશની બહાર બેઠેલા સિખભાઈઓ ફરીથી એ દિશામાં વિચારતા થયા છે જે દિશા અને વિચારોને કોઈ સ્થાન નથી. કૅનેડામાં સિખોનું વર્ચસ્વ જબરદસ્ત છે અને એ સારી વાત છે. અમેરિકામાં ગુજરાતીઓનું વર્ચસ્વ છે, જે આપણે સૌ જાણીએ છીએ, પણ આપણા એક પણ ગુજરાતીએ ક્યારેય રાજનૈતિક રાગદ્વેષ બહાર કાઢવા માટે અમેરિકન સડકનો ઉપયોગ કર્યો નથી અને એવું નહીં કરીને તેમણે દેશની ગરિમા જાળવી રાખી છે, પણ કૅનેડામાં એ વાત વીસરી જવામાં આવી અને હિન્દુસ્તાનને શરમજનક અવસ્થામાં મુકાવું પડે એવું કૃત્ય કરવામાં આવ્યું.
ADVERTISEMENT
કૅનેડાની સડક પર સિખ સામ્રાજ્ય હોય તો એની ખુશી સૌથી વધારે હિન્દુસ્તાનીઓને થશે. હિન્દુસ્તાનીઓ જ રાજીપો વ્ય ક્ત કરશે કે અન્ય કોઈ દેશમાં પણ તેમની શાખ છે, પણ એનો અર્થ એવો બિલકુલ નહીં કરવાનો કે તમે ત્રાહિત કોઈ જગ્યાએ તમારા દેશનાં કપડાં ઉતારવાની હરકત કરો. છેલ્લા થોડા સમયથી આ કામ શરૂ થયું છે અને બહુ ખરાબ રીતે, વાહિયત રીતે ત્રાહિત દેશમાં જઈને હિન્દુસ્તાન વિશે બોલવાનું ચાલુ થયું છે. રાહુલ ગાંધી પણ આ કામ કરી ચૂક્યા છે. પહેલાં તેમણે જઈને બ્રિટનમાં આ કામ કર્યું અને હમણાં તેમણે અમેરિકામાં આ જ કામ કર્યું. સિખ સંગઠનો પણ એ જ કામ કરી રહ્યાં છે. કબૂલ કે તેઓ અત્યારની સત્તા વિશે કશું બોલતા નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે તમે અન્ય દેશમાં ભૂતકાળની સત્તા વિશે પણ ઘસાતું બોલો અને એ વાતને ત્યાંની સડક પર એવી રીતે રજૂ કરો જાણે તમારા ભાઈઓએ કોઈ બહાદુરીનું કામ કર્યું હોય. ના, બિલકુલ નહીં અને ક્યારેય નહીં.
કૅનેડામાં જે ઝાંખી રસ્તા પર આવી એ ઝાંખીમાં ક્યાંક ને ક્યાંક મનમાં રહેલી મેલી મુરાદની ઝલક પણ દેખાતી હતી, તો એ ઝાંખીમાં ક્યાંક ને ક્યાંક પેટમાં રહેલું પાપ પણ ઝળૂંબતું હતું. કોઈ હત્યાને જો તમે પૂતળા સ્વરૂપમાં નવેસરથી તાજી કરીને લોકો સમક્ષ મૂકો એ દેખાડે છે કે તમે આજે પણ એ જ કાર્યકાળમાં જીવી રહ્યા છો. એ જ દેખાડે છે કે તમે હજી પણ ભૂતકાળમાં જ છો અને જો એવું જ હોય તો, તમારી સાથે એ જ પગલાં લેવાવાં જોઈએ જે ભૂતકાળમાં અન્ય સૌ સામે લેવાયાં હતાં.